પસંદગી – છગનલાલ પરમાર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

‘ચાર દિવસની રજા જોઈએ છે, સાહેબ !’ સાંજે ઑફિસ છૂટવા ટાણે યોગેશે સાહેબની ચેમ્બરમાં જઈને વાત મૂકી.
‘ભલે રિપોર્ટ મૂકજો. તમને ના નહિ પડાય. યોગેશ, આજે મારા દિલની વાત કહું ? તમારા કામ ઉપર હું આફરીન છું હોં ! કર્મચારી તો કેટલા બધા છે ઑફિસમાં ! એ બધામાં તમારું કામ એટલે કમાલ ! એનું કારણ, તમારી નૈસર્ગિક પ્રતિભા અને અનન્ય નિષ્ઠા. દશ જ વર્ષમાં તમે મારી આ ખુરશી પર આવી જવાના છો. હું તો ત્યારે ક્યારનો નિવૃત્ત થઈ ગયો હોઈશ.’
યોગેશ પળ-બે-પળ સાહેબ સામું તાકી રહ્યો. એની આંખ સહેજ સજળ થઈ. અવાજમાંયે આર્દ્રતા આવી : ‘આપના સદભાવ માટે આભાર સાહેબ ! નાને મોઢે મોટી વાત કરું ? ભવિષ્યની બહુ ચિંતા હું કરતો નથી. એ સોંપી પ્રભુને. હું તો બને એટલું કરી છૂટવામાં જ માનું છું.’
‘એનું જ નામ સાચો કર્મયોગ. એવા કર્મયોગને જ ઊંચામાં ઊંચું ફળ મળે.’ સાહેબે યોગેશના અંગત જીવનમાંયે રસ દખાવતા ઉમેર્યું, ‘રજામાં ઘેર જવું છે ?’
‘હા, સાહેબ ! આજે રાતે જ ઊપડવું છે. મારી બાનો કાલે કાગળ આવ્યો છે. લખે છે : ‘ચારેક દિવસની રજા લઈને જલદી આવી જા. ખાસ કામ છે.’
‘ત્યારે તો બાએ તમારા માટે કન્યા પસંદ કરી હશે. તમને નોકરીમાં વરસ ઉપર થયું, એટલે એમને થાય કે દીકરાને હવે પરણાવી દઈએ.’
‘એવું તો કંઈ લખ્યું નથી. બા પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. હું એમનો એકનો-એક દીકરો. એક વર્ષનો થયો કે બાપુજી ગુજરી ગયા. ત્યારથી મારા જ સુખે સુખી ને મારા જ દુ:ખે દુ:ખી એવો સ્વભાવ બાનો ઘડાઈ ગયો છે. કોઈ નવી વાનગી બનાવવી હોય તોય પહેલાં મને પૂછે, એટલે એવું હશે તોયે છેવટનો નિર્ણય તો મારા પર જ છોડ્યો હશે.’
‘બેસો, બેસો ત્યારે તો જરા.’

યોગેશ સામેની ખુરશી પર બેઠો કે સાહેબે કહ્યું : ‘પણ….’
સાહેબને શું કહેવાનું છે એ કળી જઈને યોગેશ તરત જ વચ્ચે બોલ્યો : ‘લોપા મારી સાથે આવે છે…’ બોલતાં બોલતાં શરમની આછેરી સુરખી યોગેશના ગૌર વદનને વીંટળાઈ વળી.
‘સારું, સારું, ત્યારે તો કરો કંકુના.’ વડીલની શુભેચ્છાનો પ્રસન્ના ભાવ આધેડ ઉંમરના સાહેબે પ્રગટ કર્યો, ‘હું પણ જોઉં છું, તમારા બેયના જીવ મળી ગયા છે. લોપા છે પણ સુપાત્ર ને તેજસ્વી હો ! તમે બેઉ સમોવડ જોડલું બની રહેશો…. ભલે, લોપાની રજા પણ મંજૂર.’
‘લોપાના મોટા ભાઈ રાજેન્દ્રનીયે રજા મંજૂર કરવાની છે. એ પણ અમારી સાથે આવવાના છે.’
‘કેમ ? એ તો જરા લહેરી લાલો છે ! એણે શા માટે સાથે આવવું જોઈએ ? તમારી બંનેની ચોકી કરવા આવે છે ?’ સાહેબના સ્વરમાં ચિંતાનો ભાવ ઉપસી આવ્યો.
‘ચોકી તો અમારાં જેવાં સીધાંસાદાં માણસોની શી કરવાની હોય ? અમે મર્યાદા ચાતરીએ એવાં નથી, એટલું તો એનાં માબાપ પણ જાણે છે. એમણે રાજેન્દ્રને કહ્યું કે તું પણ યોગેશનું ઘર જોઈ આવ. એની બા કંઈ પૂછે તો અમારા વતી વાત પણ કરી લેજે.’
‘અચ્છા ! ત્યારે તો તમને સહાયરૂપ થવા આવે છે…. ભલે, તમારી ત્રણેની રજા મંજૂર શુભ કાર્યમાં સર્વદા નિર્વિઘ્ન જ થવું ઘટે.’
‘આભાર, સાહેબ ! નમસ્તે !’ કરીને યોગેશ ઊઠ્યો કે સાહેબે વળી વિશેષ ઉદારતા દર્શાવી : ‘બેચાર દિવસ વધુ રોકાવું પડે તોયે મૂંઝાતા નહીં. હું રજા લંબાવી આપીશ. વાત ખીલે બાંધીને જ આવજો.’ પોતાના સાહેબની આત્મીયતા અનુભવ્યાનો ઉમંગ યોગેશની વેગીલી ચાલમાં વર્તાઈ રહ્યો.

બીજે દિવસે સવારના પહોરમાં યોગેશની સાથે બીજી બે વ્યક્તિઓને – એક તો પ્રસન્ન, પ્રેમાળ, નમણી નવયૌવનાને – આવેલી જોઈ વીણાબહેન વિચારમાં પડી ગયાં. યોગેશ પોતાની ‘એટેચી’ નીચે મૂકતોકને બાને પગે લાગ્યો કે તરત જ લોપાએ પણ ખભે લહેરાઈ રહેલા છેડાને મર્યાદાપૂર્વક માથે ઓઢી લઈને, ઉમળકાભેર ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા, ત્યારે તો વીણાબહેનનું ચિત્ત ઘડીભર ચકરડી ભમરડી રમી રહ્યું. રાજેન્દ્રે પણ યોગેશ અને લોપાનું અનુકરણ કર્યું. જોકે એ લહેરી લાલાએ એની સગી માને આ રીતે ક્યારેય વંદન નહિ કર્યાં હોય. વીણાબહેને વારાફરતી એ ત્રણેને માથે બેય હાથ મૂકી મીઠાં, ભાવભર્યાં દુ:ખણાં લીધાં ને આશીર્વાદ આપ્યા : ‘ત્રણેય સુખી થાઓ, બેટા ! તમારી મંગલ મનોકામના પ્રભુ પરિપૂર્ણ કરો !’ આશીર્વાદ સાંભળી લોપાએ પાંપણ જરીક નીચી નમાવીને પોતાની નેહનીતરતી નજર વીણાબહેનની નજરમાં પરોવી દીધી. એ નજરનું કોઈ અપૂર્વ સ્પંદન વીણાબહેનનું રોમરોમ અનુભવી રહ્યું.

યોગેશે ઓળખાણ આપી : ‘આ રાજેન્દ્ર ને લોપા. સગાં ભાઈબહેન છે. મારી સાથે ઑફિસમાં કામ કરે છે. આપણું ગામ જોવા આવ્યાં છે.’
‘તમારું ઘર પણ જોવા આવ્યા છીએ, બા !’ આ ઘર સાથે સંબંધ બાંધવાની દિશામાં રાજેન્દ્રે પગરણ માંડ્યું.
‘ભલે આવ્યાં, ભાઈ ! હું બહુ રાજી થઈ. યોગેશના મિત્રો તો મારે મન મોટી વાત. મારા યોગેશનું ધ્યાન રાખજો.’ વીણાબહેને ભલાભોળાભાવે જવાબ વાળ્યો.
‘યોગેશ તો અમારું ધ્યાન રાખે એવા છે. અમારા સાહેબ પાસે તો એનો વટ પડે છે. સાહેબને મન અમે કંઈ વિસાતમાં નહીં.’ વીણાબહેન પળ-બે-પળ વત્સલ, સંતૃપ્ત નયને યોગેશનો ગરવો ચહેરોમહોરો ને અડીખમ બાંધો નીરખી રહ્યાં. પછી બોલ્યાં : ‘યોગેશમાં એના બાપુજીના સત્વનો વારસો ઊતર્યો છે. આજે એ બેઠા હોત તો એમના હૈયાનાં હરખ ક્યાંય માત નહીં.’ સદગત પતિના સ્મરણે વીણાબહેનનાં નિર્મળ, વિશાળ નયનમાંથી મોટા મોટાં, બોરબોર જેવડાં આંસુ ખરી પડ્યાં. એમના કરચલિયાળા કપોલ પર લાલ લાલ લોહી ધસી આવ્યું. ઘડીભર વિષાદભર્યું મૌન છવાઈ ગયું. એ વિષાદના વમળમાંથી મનને મુક્ત કરી પ્રસન્નતાના પ્રવાહમાં પાછું વહેતું કરવા લોપા બોલી : ‘યોગેશ તમારાં બહુ વખાણ કરતા’તા, બા ! તમે બરાબર એવાં જ છો, હો !’
વીણાબહેનને વિનોદ કરવાનું મન થઈ આવ્યું : ‘દીકરો કુંવારો હોય ત્યાં સુધી તો માનાં વખાણ જ કરે. વહુ આવ્યા પછી વખાણ કરે ત્યારે એ ખરો દીકરો.’ જરાક શરમાઈ જવા છતાં લોપા કશોક જવાબ દેવા જતી’તી ત્યાં તો યોગેશે ટપ દઈને જવાબ વાળ્યો : ‘તો બા, એવી ગુણિયલ વહુ તમે ગોતજો કે હું સદાય તમારાં વખાણ કરતો રહું.’ પોતાનું મનધાર્યું થાય એવો લાગ આવેલો જોઈ યોગેશે જવાબદારીનું પોટલું માને માથે મૂકી દીધું.
પણ મા એમ ભોળવાઈ જાય એવાં નહોતાં. એમણે એ પોટલું પુત્રના હાથમાં પાછું પકડાવી દીધું : ‘ગુણિયલ વહુ ગોતવાનું કામ તારું, બેટા ! તું થોડો આજકાલના જુવાનિયા જેવો આછકલો છે ? તું જેને પસંદ કરીશ એ વહુ મારે મન સાચા મોતી સમી.’
લોપાએ હળવેથી યોગેશ ભણી મીટ માંડી, ત્યાં તો મળી દષ્ટોદષ્ટ ! જાણે આત્માએ આત્મનના અમૃતનું રસપાન કર્યું.

યોગેશે મિત્રોનો વળી વિશેષ પરિચય આપ્યો : ‘બા, આ ભાઈબહેન હજી કુંવારાં જ છે.’
‘એમ ? શું કરીશું ત્યારે ? એક દીકરી હોત તો રાજેન્દ્ર વિશે જરૂર વિચાર કરત.’ વીણાબહેનના આ વિનોદે હાસ્યકિલ્લોલના તરંગો ઊછળી રહ્યા. એ તરંગો વચ્ચે રાજેન્દ્રે રમૂજી તુક્કો છોડ્યો :
‘એટલાં નસીબદાર તમે છો, બા ! નહીંતર તમને ને તમારી દીકરીને પસ્તાવાનો વારો આવત.’ અને એ હાસ્યતરંગોની છોળ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. એનાં આંદોલન જરાક આછર્યાં કે લોપાએ મીઠો, મજાકભર્યો ઠપકો આપ્યો :
‘તમે મોટાભાઈ, તમારું પોત ન પ્રકાશતા હો તો ?’ હાસ્યોલ્લાસમાં વળી જરીક ભરતી ચડી. એ ભરતીમાં રાજેન્દ્રે બીજો તુક્કો તરતો મૂક્યો :
‘જોખમ ન હોય ત્યાં જ હું આવું પોત પ્રકાશું છું, બહેન !’
‘ત્યારે તો રાજેન્દ્રભાઈ, તમે પાકા નીકળ્યા !’ વીણાબહેને ટકોર કરી.
‘પાકા જ થવું પડે. યોગેશ જેવા એક જ રંગના થવું મારા જેવા સામાન્ય માણસને ન પાલવે. જેવી પરિસ્થિતિ એવું પોત પ્રકાશવાનું. તો જ આજના જમાનામાં લહેરથી જિવાય ને આગળ વધાય.’ યોગેશ, લોપા ને રાજેન્દ્ર દ્વારા જાણ્યેઅજાણ્યે ભજવાઈ રહેલી આ બધી ભૂમિકાનું રહસ્ય વીણાબહેન પામી ગયાં. યોગેશ પણ પામી ગયો કે બાએ તેને જલદી તેડાવ્યો તો ખરો, પણ હવે એ ખાસ કામની ઉતાવળ નથી લાગતી. છતાં એ કામ જાણવાનું કુતૂહલ તેના મનનો કબજો જમાવીને બેઠું હતું.

થોડી વાર પછી લોપા ને રાજેન્દ્ર બહારના ભાગમાં જઈને પોતપોતાનાં પ્રાત:કર્મમાં ગૂંથાયા કે યોગેશે એ વાત પૂછી.
‘કહીશ નિરાંતે. શી ઉતાવળ છે ?’
‘ઉતાવળ તો હોય ને ? તમે જલદી તેડાવ્યો છે તે ?’
અને વીણાબહેને વાત છેડી : ‘પેલા મિલમાલિક સોહનલાલ શેઠ છે ને એ થોડા દી પહેલાં આવ્યા’તા સામે ચાલીને, એમની દીકરીનું માગું લઈને.’
‘એમ ? શું કહ્યું તમે ? કશું વચન દઈ બેઠાં નથી ને ?’ યોગેશના મુખ પર મૂંઝવણ વ્યાપી વળી.
‘એમ મારાથી વચન દેવાય ? મેં તો કહ્યું કે આપણે વડીલો જુવાન ભણેલાં છોકરાંને સલાહ જરૂર આપીએ, પણ મૂળ તો છોકરાં પોતે એકબીજાને મળે, વાત કરે, ઓળખાણ બાંધે, એ પછી જે નિર્ણય લે તે વડીલોએ માન્ય જ રાખવાનો રહે. શેઠે પણ મારા સૂચનમાં સૂર પુરાવ્યો. પછી કહ્યું કે મારા મનમાં એક બીજો મુદ્દો પણ છે. યોગેશ માને તો એમને અમારી મિલમાં લઈ લેવા છે. આગળ જતાં મેનેજરનું પદ દીપાવે એવું સત્વ એમનામાં પડ્યું છે. મેં કહ્યું કે યોગેશને સરકારી નોકરીમાં ફાવી ગયું છે. ખાનગી નોકરીમાં આવવાનું કબૂલ ન પણ કરે. તો શેઠ કહે કે અમારે ત્યાં નોકરી ક્યાં કરવાની છે ? તમે તો જાણો છો, સ્વાતિ અમારું એકનું એક સંતાન છે, અમારી સઘળી સંપત્તિના છેવટ ધણીરણી…’

ત્યાં તો ડોરબેલ વાગ્યો અને શેઠના મહેતાજી ખબર કાઢવા આવી ચડ્યા. વીણાબહેને કહ્યું : ‘યોગેશને મુસાફરીમાં રાત આખીનો ઉજાગરો થયો છે. એનાં બે મિત્રો પણ આવ્યાં છે. શેઠને કહેજો, સાંજે પાંચ વાગ્યે ત્રણે મિત્રો આવશે.’ સાંજે પાંચ પહેલાં શેઠની મોટર આવી ગઈ. ત્રણે મિત્રો તૈયાર થઈ ગયાં. રાજેન્દ્રની ટાઈ જોઈ વીણાબહેને કહ્યું :
‘યોગેશ, તારી પાસે ટાઈ હોય તો તું પણ લગાવ. વટ પડશે.’
‘મારી સુટકેસમાં બીજી ટાઈ છે. યોગેશ પહેરે તો બાંધી દઉં. યોગેશ મારા જેવો ફેશનેબલ બને, એ મને તો ગમે’ હરખાઈ જઈને રાજેન્દ્ર બોલી ઊઠ્યો.
‘ના રે ના, પશ્ચિમનું ખોટું અનુકરણ મને ન ફાવે.’
‘રાજેન્દ્રને કેમ ફાવે છે ?’
એનો જવાબ આપ્યો લોપાએ : ‘આજે તો બા, દેખાવમાં લોકો મોહ્યા છે ને ? રાજેન્દ્રભાઈ છે દેખાદેખીમાં રાચનારા, જ્યારે યોગેશ છે પોતાની જ આગવી રીતરસમમાં રાચનારા.’ ને જવા માટે પગ ઉપાડતા પહેલાં બોલી : ‘શેઠને ત્યાં અમે જઈ આવીએ, બા !’
‘ભલે બેટા, ખરેખર તો તમે જ શાણાં છો, લોપા ! આ બેય ભાઈબંધ વાતચીતમાં વિવેકમર્યાદા જાળવે, એ તમે જોજો.’
‘વિવેકમર્યાદા છાંડે એવા એ નથી, એમ તો બહુ ચતુર છે.’ ઘરનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં, બા સામે હાથ ઊંચો કરીને મલકતે મુખડે લોપાએ હૈયારી આપી.

શેઠ, શેઠાણી ને સ્વાતિ આતુર નયને પ્રતીક્ષા જ કરી રહ્યાં હતાં. આ ત્રણે મિત્રો આવ્યાં કે, એમને આદર આવકાર આપી દીવાનખાનામાં બેસાડ્યાં. એકબીજાનો ઔપચારિક પરિચય મેળવવાનું અને ટેબલ પર આવેલા ચા-નાસ્તાને ન્યાય આપવાનું સાથે સાથે ચાલ્યું.
શેઠે પૂછ્યું: ‘તમે લોપાબહેન, ક્યાં સુધી ભણ્યા છો ?’
‘હું બી.એસ.સી. થઈ છું, બાપુજી ! પછી નોકરી મળી કે લઈ લીધી. આગળ ભણવાની સ્થિતિ પણ નહોતી.’ લોપાના ઉત્તરમાં નિખાલસતા ને નિ:સંકોચ તરી આવ્યાં.
‘અમારે તો ભગવાનની મહેરબાની છે.’ શેઠાણી બોલ્યાં, ‘આ અમારાં સ્વાતિબહેન અત્યારે એમ.એ.નું કરે છે. ભણવામાં ને બીજી બધી બાબતમાં પહેલો નંબર, હો ! એક મોટા પ્રોફેસર ટયૂશન આપવા પણ આવે છે.’
‘શ્રીમંતાઈ એક મોટું સદભાગ્ય છે, બા ! પૂર્વજન્મના પુણ્યપ્રતાપે જ એ પ્રાપ્ત થાય.’ રાજેન્દ્રે શેઠાણીને રૂડું લગાડ્યું. એથી જ તો યોગેશના મિજાજે જરા માથું ઊંચું કર્યું :
‘પૂર્વજન્મનાં પુણ્યપાપ જાણી શકવા જેટલું આપણું હજી ગજું નથી, રાજેન્દ્ર ! આપણે તો એટલું સમજી શકીએ છીએ કે આજની ખોટી સમાજરચનાને લીધે કેટલાક લોકો વધુ પડતા શ્રીમંત થઈ જાય છે, જ્યારે કેટલાક વધુ પડતા ગરીબ. આ અસમાનતામૂલક સમાજરચના સુધાર્યે જ છૂટકો.’
‘એ તો સુધરે ત્યારે ખરી. ત્યાં સુધી શ્રીમંતોએ પોતાની સંપત્તિના ટ્રસ્ટી બની એનો ઉપયોગ વિશાળ સમાજના કલ્યાણ કાજે કરવો જોઈએ. સમાજના દરેક વર્ગે પણ શિસ્ત, સહકાર અને શ્રમની ભાવના અમલમાં મૂકવી પડશે.’ સમાજશાસ્ત્રનો વિષય લઈને એમ.એ. કરી રહેલી સ્વાતિએ પોતાના એ અભ્યાસનો જાણે નિષ્કર્ષ રજૂ કર્યો.
‘અરે રંગ તમને, સ્વાતિબહેન ! તમારામાં તો શ્રી, સરસ્વતી અને સાધના – ત્રણેનો સંગમ થયો લાગે છે ! શ્રીમંતની પુત્રીમાં આવી યુગધર્મની ભાવના જવલ્લે જ જોવા મળે.’ લોપાએ સ્વાતિને બિરદાવી. એના ઉપર અભિનંદનનો અભિષેક કર્યો. પોતાની પ્રશંસા સાંભળી સ્વાતિ શરમાઈ ગઈ. નયન નીચાં ઢળી ગયાં. તેણે છાતીનો છેડો જરા સરખો કર્યો. પંખાની હવામાં ફરફરી રહેલી લટને પણ સમારી.
‘આટઆટલો વૈભવ છતાં એનું અભિમાન સ્વાતિને નથી ચડ્યું. એને એક જ લગની લાગી છે, જીવનને સંસ્કાર-સમૃદ્ધ બનાવવાની.’ શેઠે પણ પુત્રી પર પ્રશંસાનાં પુષ્પ ચડાવ્યાં.
‘ત્યારે તો સ્વાતિમાં સત્વનું સાચું મોતી પાકશે ખરું.’ યોગેશના આ વિધાને સૌને હૈયે ને હોઠે હાસ્યોલ્લાસની ઊર્મિઓ ઊછળી રહી.

શેઠે જોયું કે આ ત્રણે મિત્રો પોતપોતાની રીતે વિશિષ્ટ છે, એમની જોડે સ્વાતિ જોડાઈ જાય તો એકમેકના સહયોગથી એ ચારે મિત્રો ઓર દીપી ઊઠે. એમણે એથી સ્વાતિને કહ્યું : ‘તું બેટા, મહેમાનોને ગામ જોવા તેડી જા. ડ્રાઈવરને લઈ જવાની જરૂર નથી. ડ્રાઈવિંગ તું કરજે.’
‘ભલે, ડેડી !’ કહેતીકને સ્વાતિ સડાપ બેઠી થઈ ગઈ. પાસે પડેલી પોતાની પર્સ લીધી. સામેના કબાટમાં જડેલા મોટા આયનામાં પોતાની કમનીય કાયા ને સોહામણી વેશભૂષા નીરખી લીધી અને તરત જ પગ ઉપાડ્યો. તેની પાછળ પાછળ ત્રણ મિત્રો ચાલ્યાં. પૉર્ચમાં કાર હાજર જ હતી. દરવાજો ખોલી, ડ્રાઈવરની સીટ પર બેસી સ્વાતિ બોલી : ‘લોપાબહેન, તમે અહીં મારી પાસે આવી જાઓ. આપણે બેય બહેનપણી આગળ, એ બેય ભાઈબંધ પાછળ.’
‘ના, બહેન ! આગળની સીટમાં બેસવાનું કામ ચપળ માણસનું, મારું નહિ.’ કહીને લોપા પાછળની સીટમાં બેસી ગઈ.
‘અમારામાં ચપળ તો રાજેન્દ્ર છે.’ એમ કહીને યોગેશ પણ પાછળની સીટમાં લોપાની પડખે બેસી ગયો. એટલે રાજેન્દ્ર સહેજ હસીને, હિંમત કરીને સ્વાતિની બાજુમાં ગોઠવાઈ ગયો. સ્વાતિએ ગાડી ચાલુ કરી કે એ બોલ્યો : ‘આપણે તો જ્યાં બેસાડો ત્યાં બેસી જઈએ.’
‘અને જ્યાં બેસો ત્યાં શોભી ઊઠો છો !’ યોગેશે મજાક કરી.
‘શોભીએ છીએ કે નહીં, એ તો સ્વાતિ જેવાં શોખીન માણસ સમજી શકે.’
સ્વાતિએ ગાડીને બંગલા બહાર કાઢી ધોરી રસ્તાને લાંબે સુધી આંખમાં સમાવી લીધો, સ્ટિયરિંગ વ્હીલ ઉપર બેય હાથ બરાબર ટેકવ્યા. પછી ચશ્માંમાંથી જરીક તીરછી નજર કરીને પૂછ્યું : ‘તમે શોખીન માણસ નથી ?’
‘હું યે શોખીન તો ખરો જ – અમને પરવડે એટલાં પ્રમાણમાં; યોગેશ જેવો યોગીમહારાજ તો નહીં જ.’ ખિલખિલાટ હસીને સ્વાતીએ વળી સવાલ કર્યો :
‘યોગેશ યોગીમહારાજ છે ?’
‘નહિ ત્યારે, અત્યારે રજામાં, આનંદના સમયમાંયે એના મનમાં તો ઑફિસના કામની જ રટણા ચાલતી હશે.’
‘આપણે કામને જ મનનો મુખ્ય આનંદ બનાવી દઈએ તો ? એ બેને અલગ શા માટે પાડવા ?’ યોગેશે હસીને પોતાના જીવનનું તત્વજ્ઞાન દર્શાવી દીધું.
‘એ તમારા જેવા મહાત્મા માણસનું ગજું, અમારા જેવા સામાન્યનું નહિ. અમે તો કામને સમયે કામ કરી જાણીએ, ને આનંદને સમયે આનંદ.’
‘એ બેયને ન્યાય કરી જાણો, ભલે. અલગ અલગ સમયે, તોયે આજના જમાનામાં ઘણું કર્યું કહેવાય. એટલુંયે ગજું સામાન્ય માણસનું આજે ક્યાં રહ્યું છે ?’ સ્વાતિએ પોતાનું મંતવ્ય દર્શાવ્યું અને ગાડીને સીધા રસ્તા પરથી ડાબી બાજુ વાળીને વાતનેય નવો વળાંક આપ્યો : ‘અમારી આ સોસાયટીનાં નવાં નવાં મકાનની રોનકદાર બાંધણી જોતા આવો છો ને ? એટલા માટે તો ગાડી ધીમી હાંકું છું.’
‘રોનકદાર મકાન કરતાં રોનકદાર માનવી જોવું વધુ ગમે.’ રાજેન્દ્ર અત્યારે આનંદવિનોદના ઑર રંગમાં આવી ગયો.
‘એવું રોનકદાર માનવી કોઈ જોયું તમે ?’ મોઢું ઠાવકું ને નયન નિષ્પલક રાખીને સ્વાતિએ પ્રશ્ન કર્યો. સામું માણસ મોમાં આંગળી નાખીને બોલાવે તો રાજેન્દ્ર ક્યાં લાગ ચૂકે એવો હતો ? સ્વાતિ જેવો જ અભિનય કરીને તેણે ઉત્તર આપ્યો : ‘જોઈ રહ્યા હોઈશું ત્યારે જ કહેતા હોઈશું ને ?’
‘બસ, બસ, મોટાભાઈ ! આપણે મહેમાનોએ યજમાનનો માનમરતબો જાળવવો જોઈએ, હો !’ લોપાને વીણાબહેનની સલાહ યાદ આવી ગઈ અને એકદમ એનો અમલ કર્યો. પણ એથી રાજેન્દ્ર વળી ઑર ચગ્યો :
‘હું યજમાનનો માનમરતબો જાળવું છું એટલું જ નહીં, એને ખુશ કરવાની કોશિશ પણ કરું છું. આજની ફેશનેબલ યુવતીને ખુશ કરવાની કલા તું શું સમજે, યોગેશનો જ સંગ સેવતી હોવાથી ?’
સ્વાતિ ખરેખર ખુશ થઈ ગઈને ફરીથી ખિલખિલાટ હસી ઊઠી. રાજેન્દ્ર તરફ વારી જતાં નયન નોંધીને અને એને અભિનંદન અર્પતી હોય એમ બોલી :
‘તમે તો કમાલ કરી, રાજેન્દ્ર ! એક કાંકરે બે પક્ષી માર્યાં.’
‘બે જ નહીં, ત્રણ.’ રાજેન્દ્રે સ્વાતિને પણ લહાણમાં લીધી. રાજેન્દ્રના આ ચબરાકિયા જવાબે સ્વાતિ અપૂર્વ આનંદને લજ્જાથી તરબતર બની ગઈ. તેની સંવેદનશીલ ઉરતંત્રની દીર્ધકાલ રણઝણી રહી.

તેથી જ તો સ્વાતિએ તેની બા સમક્ષ રાત્રિના એકાંતમાં અંતર ખોલ્યું : ‘મને તો યોગેશ કરતાં રાજેન્દ્ર મજાના માણસ લાગ્યા, આપણને માફક આવે એવા.’ આ લાગણીને બીજે દિવસે પણ પોષણ મળ્યું. સવારના ‘શૉ’માં પિક્ચર જોવા જતી વખતે યોગેશે કહ્યું : ‘મને ને લોપાને પિક્ચરનો બહુ શોખ નથી. આ તો તમને બેને કંપની આપવા અમે આવીએ છીએ.’ સ્વાતિના નાકનું ટેરવું એ વખતે જરા ચડી ગયેલું. ત્રીજે દિવસે એ ચારે જણાં મિલ જોવાં ગયાં. શેઠે મિલનો એકએક વિભાગ ઝીણવટથી બતાવ્યો. બહાર નીકળ્યો કે રાજેન્દ્રે કહ્યું : ‘મને તો બહુ મજા આવી. આમાં કામ કરવા મળે તો ઑર મજા આવે.’
શેઠ રાજેન્દ્રના ઉચ્ચારણનો મર્મ પામી ગયા. એમણે પણ સામી કાંકરી માંડી : ‘તો આવી જાઓ મિલમાં કામ કરવા. તમારી સરકારી નોકરી કરતાં અહીં ઝાઝો લાભ મળશે.’
‘ઘેર જઈ, માબાપને પૂછી નિર્ણય જણાવું.’ ને ઘડીક થંભીને કહી નાખ્યું, ‘આમ તો આવી જ ગયો સમજો ને !’
‘તો બેચાર દિવસ આપણે ઘેર હમણાં રોકાઈ જાઓ.’
‘ભલે, તમારો આગ્રહ હોય તો મારી ના નથી, બાપુજી !’ આ વાતચીતથી સૌનાં વદન પર વિધવિધ ભાવનું સ્મિત રમી રહ્યું.

ચોથે દિવસે બપોરે સૌને જમવાનું હતું. ભોજનને વાર હતી. એટલે એ ચારે મિત્રો – હવે તો ત્રણને બદલે ચાર મિત્રો, ખરું ને ? બંગલાના બગીચામાં લટાર મારવા નીકળ્યાં. સ્વાતિએ મોટરમાં સૂચવી હતી એ રીતની બે ટુકડીમાં અત્યારે તો વહેંચાઈ ગયાં અને સામસામી દિશામાં ફંટાયાં. પોતાની પેટછૂટી વાત કરી નાખવાનું રાજેન્દ્રને મન થઈ આવ્યું : ‘યોગેશ, કિસ્મત પણ કેવા કેવા ખેલ ખેલાવે છે ! હું તો આવ્યો’તો તમારી બા પાસે, તમારો ને લોપાનો મનમેળ માન્ય રખાવવા. ત્યાં તો અહીં મારોયે સ્વાર્થ સધાઈ જવાનો લાગે છે.’
‘લાગે છે શું ? સધાઈ જ ગયો સમજો.’
‘એમાં એક ફેર પડશે. સામાન્ય રીતે પત્ની પતિમાં પોતાની જાતનો લોપ કરે છે, ત્યારે અમારા સંબંધમાં એનાથી ઊલટું બનશે.’
‘એમાં તમે રાજી છો ને ?’
‘રાજી તો ખરો જ, આવડો મોટો બેવડો લાભ જતો કરવાનું મારું ગજું નહીં.’
‘બસ ત્યારે, પોતાના ગજા મુજબ વર્તવામાં હરકત નહીં. તમારે ચારિત્ર્ય ને કર્તવ્ય – એ બે બરાબર જાળવવાં.’ યોગેશે રાજેન્દ્રની ઈચ્છાનું સમર્થન કરીને, ખરે ટાંકણે સાચી સલાહ પણ આપી. આ સમયે સામેના લતાકુંજ આડે આવી જ ગુફતેગો ચાલી રહી હતી.
‘લોપાબહેન, તમારા ભાઈને બેચાર દિવસ રોકાઈ જવાની ભલામણ કરજો, હો !’
‘ભલામણની જરૂર નહિ રહે. એમની મેળે રોકાશે – પ્રેમના માર્યાં,’ ને ક્ષણ એક થંભીને : ‘અને એમની ગરજના માર્યા.’
‘બીજું વેણ ન બોલો, લોપાબહેન ! ગરજ તો બંને પક્ષે છે ને !’
‘તમે તો ખૂબ શાણાં ને સ્નેહલ નીકળ્યાં, મારાં….’ હૈયેથી હોઠ સુધી આવી ગયેલું સંબોધન ઉચ્ચારતાં લોપા ઓઝપાઈ ગઈ.
‘કહેતાં કહેતાં કેમ અટકી ગયાં ? રાજીખુશીથી જે હું બની રહી છું એ કહેવામાં સંકોચ શાનો ? મારું તો બેવડું સદભાગ્ય છે, લોપાબહેન ! એક તો તમારા ભાઈ જેવા વિનોદી ને વ્યવહારદક્ષ જીવનસાથી મને સાંપડશે. બીજું, તમારાં જેવાં સુજ્ઞ નણંદ ને યોગેશભાઈ જેવા સુશીલ નણદોઈ !’
‘અરે, વાહ રે, મારાં રઢિયાળાં, ભાવભર્યાં ભાભી !’ ભાવાવેશમાં આવી લોપાએ સ્વાતિને બાથ ભરી લીધી અને એના ગુલાબી ગાલ પર પ્રબળ પ્રેમની ભેટ સમું ચુંબન ચોડી દીધું.

એ સમયે કોણ જાણે ક્યાં બેઠેલી પરભૃતિકાએ સ્વર્ગીય ગાનનો ટહુકો રેલાવી આ બે મુગ્ધાના રસિક હૃદયને હેલે ચડાવ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ
વૃદ્ધ માતાપિતા અને તમે – અનુ. મૃદુલા એમ. દેસાઈ Next »   

16 પ્રતિભાવો : પસંદગી – છગનલાલ પરમાર

 1. nayan panchal says:

  સૌથી સરસ વાત એ છે કે દરેક પાત્રની પોતાની જીવન વિશેની ફિલસૂફી છે અને પોતાના વિચારો તેઓ બીજા કોઈ પર થોપતા નથી.

  બે-ત્રણ વાર વાંચીને ચગળવા જેવી સરસ વાર્તા. સૂરજ બડજાત્યાની ફિલ્મ જેવી.

  નયન

 2. Dhaval B. Shah says:

  Nice story.

 3. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ ગમે એવી વાર્તા.

 4. Moxesh Shah says:

  What a fantacy! The title of the Story shall be “A journey through the Heaven”.

  Anyway, full of positivity.

 5. ભાવના શુક્લ says:

  પોતાની પસંદગીનો સ્પષ્ટ ખ્યાલ મનમા હોય તો અસમંજસ રહેતી જ નથી. સામે આવતા જ ઓળખી જવાય કે બસ આ એ જ……
  સરસ હળવુ નિરુપણ…

 6. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ.

 7. Bhavin Kotecha says:

  very nice story .. and i also like comments from mr. navin panchar – story like Mr. Suraj Badjatya’s film…

  really nice … good

 8. Rahul M Pandya says:

  ખૂબ જ સરસ !
  પણ આજની યુવા પેઢિ માં કયા આવા વિચારો છે ???

 9. pragnaju says:

  સામાન્યરીતે દરેક ઈચ્છતા હોય તેવી ‘લોપાબહેન ! એક તો તમારા ભાઈ જેવા વિનોદી ને વ્યવહારદક્ષ જીવનસાથી મને સાંપડશે. બીજું, તમારાં જેવાં સુજ્ઞ નણંદ ને યોગેશભાઈ જેવા સુશીલ નણદોઈ !’’સરસ વાત
  વાર્તા સુંદર..
  ાભિનંદન

 10. અતુલ જાની (આગંતુક) says:

  વાર્તા વાંચવાની મજા આવી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.