ધડો – રાજુ પરીખ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

‘આ વર્ષે સતેજનું લગ્ન લઈ લેવું છે. કોઈ સારી છોકરી હોય તો બતાવજે…’ આવું માધવમામાએ કહ્યું ત્યારે થોડીવાર હું કંઈ બોલી શક્યો નહીં. એમની સામે જોતો રહ્યો.
‘શું થયું ? ચૂપ કેમ થઈ ગયો ?’
‘કંઈ નહીં. અમસ્તો જ. પણ મામા, તમે એને લગ્ન માટે પૂછ્યું છે ખરું ?’
‘અરે એમાં એને પૂછવાની શી જરૂર ? ઓગણત્રીસ વર્ષનો થયો એ, હવે કેટલી રાહ જોવાની ?’
‘એમ નહીં મામા, આજકાલના યુવાનોને એમની પોતાની ઈચ્છાઓ હોય છે. પોતાનાં સ્વપ્નાં હોય છે. કંઈક યોજનાઓ હોય છે. કોઈને નોકરીમાં પ્રમોશન મળ્યા પછી જ લગ્ન કરવાં છે. તો કોઈને રહેવા માટે પોતાનો ફલેટ લીધા પહેલાં લગ્ન નથી કરવા.’
‘પણ એ તો લગ્ન પછી પણ થઈ શકે ને ?’
‘એ આપણે કહીએ છીએ. એ લોકો નથી માનતા. મારા મતે પહેલા એને પૂછી લેવું સારું…..’

માધવમામા ગયા વર્ષે જ સેવાનિવૃત્ત થયા હતા. એમને ત્રણ સંતાન – સતેજ, તેજસ અને નાની દીપા. સતેજ એક સારી કપંનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. પગાર પણ સારો હતો. તેજસ કૉલેજમાં હતો. દીપા દસમીમાં ભણતી હતી. ત્રણ ચાર વર્ષ પહેલાં માધવમામાને હળવો હાર્ટએટેક આવી ગયો હતો. તેથી તેઓ પોતાની તબિયતની બહુ જ કાળજી રાખતા હતા. હું ઘરે આવ્યો ત્યાં સુધી મારા મનમાં સતેજના લગ્ન અંગે જ વિચારો ઘુમરાયા કરતા હતા. મારી વિચારગ્રસ્ત અવસ્થા જોઈને મારી પત્નીએ પૂછ્યું : ‘શેના વિચાર કરો છો ? આવ્યા ત્યારથી ચૂપ કેમ છો ? મામાની તબિયત તો સારી છે ને ?’
‘મામાની તબિયત તો સારી છે. એમને સતેજના લગ્નની ચિંતા છે. કોઈ સારી છોકરી ધ્યાનમાં હોય તો જણાવવા કહ્યું છે.’
‘એમાં તમારે ચિંતા કરવાની શી જરૂર છે ? કોઈ છોકરી ધ્યાનમાં આવશે તો જણાવીશું.’
‘એવું નથી, સલુ. તને ખબર નથી પણ સતેજનું એક છોકરી સાથે લફરું ચાલી રહ્યું છે – ત્રણચાર વર્ષથી. બે ત્રણવાર મેં એમને સાથે ફરતા જોયા હતા. મેં જ્યારે સતેજને આ બાબતે પૂછ્યું ત્યારે તેણે કબૂલ્યું હતું કે એ પેલી છોકરીના પ્રેમમાં છે.’
‘મામાને આની ખબર છે ?’
‘ના, અને સતેજ એમને કદી કહેશે પણ નહીં….’
‘કેમ ?’

‘એ છોકરી સાઉથઈન્ડિયન છે. જુના વિચારના મામા-મામી આ વાત સ્વીકારશે નહીં. એમાંય મામા પાછા હૃદયરોગના દર્દી….’
‘તો પછી આ પ્રશ્નનો ઉકેલ શો ?’
‘એની જ ચિંતા મને થાય છે.’
‘એમાં તમારે ચિંતા કરવાની શી જરૂર ? એમનો પ્રશ્ન છે તો એ લોકો જ ઉકેલશે….’ કહીને પત્ની બીજા કામમાં પરોવાઈ ગઈ. પણ હું આ વાતથી અલિપ્ત કેમ રહી શકું ? આખરે લોહીનો સંબંધ હતો અમારો ! સતેજ મને ગમતો હતો. દેખાવડો-રૂઆબદાર અને બોલકણો. ઘરમાં બધા સાથે હળીમળીને રહેતો હતો. મામાની મને ચિંતા થતી હતી. સતેજની વાત મામા-મામી માનશે નહીં એવું મને લાગ્યા કરતું હતું. સતેજ પણ કદાચ દ્વિધાભરી મન:સ્થિતિમાં હશે એવું મને લાગ્યું એટલે મેં એને મળવાનું નક્કી કર્યું.

અને બીજે જ દિવસે મેં સતેજની મુલાકાત લીધી. સતેજ કરતાં હું આઠ-દસ વર્ષે મોટો હતો. પણ અમારી વચ્ચે કદી વયમર્યાદા નહોતી નડી. અમે મોકળા મને વાતો કરતા. બે સરખી ઉંમરના દોસ્તો વિના સંકોચે મન-મોકળાશથી વાતો કરે અને વર્તે એવો અમારો સંબંધ હતો.
થોડીવાર આમતેમ ગપ્પાં માર્યા પછી મેં મૂળ મુદ્દા પર આવતાં સતેજને પૂછ્યું : ‘સતેજ, લગ્ન બદલ શું વિચાર્યું છે, તેં ?’
‘પહેલાંય મેં તને કહ્યું હતું કે પપ્પા આ લગ્ન માટે તૈયાર થશે નહીં. અને એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યું તો એ ધક્કો એમનાથી સહન થશે નહીં….’
‘તો પછી આમાંથી કંઈ માર્ગ તો કાઢવો પડશે ને ?’
‘મને તો કોઈ રસ્તો નીકળે એ અશક્ય લાગે છે.’
‘અરે, પણ એ લોકો તો તારાં લગ્નની ખટપટમાં છે. તને હવે જલદી પરણાવી દેવો છે અને તે માટે તેઓ કેટલાય જણને તારા માટે છોકરી શોધવાનું કહી ચૂક્યા છે.’
‘મને એની ખબર છે….’
‘તને વાત કરતાં સંકોચ કે ડર લાગતો હોય તો હું વાત કરું….’
‘હું કહું કે તું કહે પણ એમને ધક્કો તો બેસવાનો જ ને ? એમનું કંઈ ભલું-બૂરું થયું તો મને મોં બતાવવાની જગા પણ નહીં રહે…’
‘હું મારી રીતે વાત કરીશ. એમના હૃદયને ધક્કો ન લાગે એની કાળજી રાખીશ. દુનિયા બહુ આગળ વધી ગઈ છે તે સમજાવીશ એમને. કદાચ સમજશે પણ ખરાં….’
‘પપ્પા સમજશે તો મા આ વાત નહીં સ્વીકારે. ભાઈ, તને ખબર નથી કે દીપા અને મારી માને પાંચ મિનિટ પણ બનતું નથી. જે પોતાની દીકરી સાથે આખો દિવસ ચડભડ કરતી હોય તે વહુ સાથે ક્યાંથી સારી રીતે વર્તવાની છે ? અને તે પણ પરપ્રાંતીય વહુ સાથે ? માનો કર્કશા સ્વભાવ હું સારી રીતે જાણું છું….’
‘પણ….’
‘અને બીજું, લગ્ન થયા પછી કંઈ અજુગતું બન્યું અને ઘર બહાર જવાની વેળા આવી તો ક્યાં જઈશું ? અને ઘર છોડીને હું ગયો તો પપ્પા એ આઘાત જીરવી શકશે કે ?’
‘પણ લગ્ન પહેલાં જ આ બધા વિચારો કરવાની જરૂર છે ખરી ?’
‘હા, જરૂરી છે….. સિવાય એના ઘરના ય આ સંબંધ માટે વિરોધ કરે છે. એનો બાપ મોટો સરકારી ઑફિસર છે. એની બન્ને બહેનોના વરો પણ મોટા મોટા હોદ્દા પર છે. વિશાળ ફલૅટોમાં રહે છે. ગાડી-નોકરચાકરો છે. હું એમના સ્ટેટસમાં બેસતો નથી. એમણે આ લોકો જેવો જ એના માટે એક છોકરો પણ શોધી કાઢ્યો છે.’
‘જો સતેજ, હવે તારી પરણવાની ઉંમર ક્યારની થઈ ગઈ છે. આમ કુંવારા કેટલા દિવસ રહેવાનું ? તારું તો ઠીક પણ એ એક સ્ત્રી છે. એ કેટલા દિવસ કુંવારી રહેશે ?’
‘એટલે જ મેં એને મારો સાથ છોડી દેવાનું કહ્યું છે. મને વિસરી જવાનું કહ્યું છે. બાપે શોધેલા છોકરા સાથે લગ્ન કરી નાખવાનું કહ્યું છે. પણ એ માનતી જ નથી.’
‘ક્યાંથી માને ? આટલા વર્ષો પ્રેમ કર્યા પછી તમે એકબીજા વિના રહી શકવાના છો ?’

આનો જવાબ સતેજ પાસે નહોતો.
‘ધારો કે એણે બીજા છોકરા સાથે લગ્ન કર્યાં તો તું બીજી છોકરી સાથે લગ્ન કરીશ ?’
‘કંઈ કહેવાય નહીં. માબાપ માટે કદાચ કરું પણ ખરો…..’
‘એટલે તું બન્ને પર અન્યાય કરીશ ખરોને ? અરે, પ્રેમ કર્યો છે તે નિભાવવાનો નહીં ?’
‘અરે પણ….’
‘તારા પપ્પા-મમ્મીનો જ પ્રશ્ન છે ને ? એમને સમજાવવાની જવાબદારી મારી. તને એમાં વાંધો છે ?’
‘ના..’
‘વાત કરું છું એમને. સમજાવીશ એમને. અને છતાંય જો એ એમની જીદ નહીં છોડે તો તું તારે જે કરવું હોય તે માટે સ્વતંત્ર જ છે ને ? પ્રયત્ન કરવામાં શું જાય છે ?’
‘તને ઠીક લાગે એમ કર.’
‘અને સતેજ, બીજા પાત્ર સાથે લગ્ન કરવું એ તારા માટે કે એના માટે સરળ નથી. એક તો તમે બન્ને એક જ ઑફિસમાં કામ કરો છો. લગ્ન થયા પછી પાછા તમે ત્યાં તો મળવાનાં જ ને ? રોજ એકબીજાને જોવાના જ ને ? આવી પરિસ્થિતિમાં તમે એકબીજાને ભૂલી શકશો ? અને ભૂલી ન જાઓ તો પછી તમારા નવા જોડીદાર સાથે અન્યાય નહીં થાય ? જરા વિચાર….’
સતેજ કંઈ બોલ્યો નહીં. મને લાગ્યું કે મારું કહેલું એના મનમાં ઉતર્યું છે એટલે મેં કહ્યું : ‘બેચાર દિવસ નિરાંતે વિચાર કર પછી મને કહેજે….’ એમ કહી મેં એની રજા લીધી.

ચાર પાંચ દિવસ થઈ ગયા પણ સતેજનો ફોન ન આવ્યો. હજુ એ એની દ્વિધામાંથી બહાર નહીં આવ્યો હોય એમ મને લાગ્યું. મને લાગ્યું કે મારે એકવાર પદ્માને મળીને એના વિચારો જાણવા જોઈએ. અને હું પદ્માને મળ્યો.. પદ્માને મેં મારી ઓળખાણ આપી. અને સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે એના માબાપ સતેજ સાથેના સંબંધથી એના પર નારાજ રહેતા હતા. મહેણાં-ટોણાં મારતા હતા. અને એ લોકો કહે ત્યાં લગ્ન કરવા દબાણ કરતા હતા. પણ એ કોઈ પણ હિસાબે સતેજને છોડવા નહોતી માગતી. મેં એને કહ્યું : ‘પદ્મા, છેલ્લા ત્રણચાર વર્ષથી તું સતેજ સાથે હરેફરે છે. એટલે સતેજના કુટુંબ વિષે તું જાણતી જ હોઈશ.’
‘હા..’
‘સમજો કે લગ્ન માટે એના માબાપની સંમતિ મળે તો એ ચારપાંચ માણસના કુટુંબમાં-નાના ઘરમાં રહી શકીશ ? સતેજની મા બહુ જ ગરમ સ્વભાવની છે. એની સાથે ફાવશે કે કેમ ?’
‘એ હું બધું જ મેનેજ કરી લઈશ.’
‘તારી સાસુ તને ત્રાસ આપે…. તારાથી સહન ન થાય અને તું અને સતેજ જુદા રહેવા માંડો તો એ ઘર પડી ભાંગશે. અત્યારે સતેજ જ એકલો કમાનારો છે….’
‘એવો વખત કદી જ નહીં આવે. મારા પર વિશ્વાસ રાખો. અમારું લગ્ન કરી આપશો તો જીવનભર હું તમારો ઉપકાર નહીં ભૂલું.’ એની આંખોમાં ભરાયેલા પાણી – એના ચહેરા પરના દયાર્દ્ર ભાવ જોઈ મને એના પર વિશ્વાસ બેઠો અને અનુકંપા પણ થઈ.
‘તેં સતેજ સાથે જોડાવાનો ખૂબ જ વિચાર કર્યો છે, નહીં ?’
‘હા, અને સતેજને પણ કેટલીયે વાર કહ્યું છે. પણ એ સાંભળતો જ નથી. એને એના પિતાજીની ચિંતા છે. અમારાં લગ્નથી એના હૃદયરોગી એવા પિતાને કંઈ થઈ ગયું તો ? આયુષ્યમાં કદી સુખી નહીં થઈએ – પિતૃહત્યાનું આળ કપાળ પર ચોંટશે. એવું કહ્યા કરે છે….’
‘એની વાત પણ ખરી છે. ખેર, આમાંથી કંઈ માર્ગ કાઢીશું. તું ચિંતા ન કરીશ. એના માબાપને હું સમજાવીશ.’ કહીને એને ભરપૂર આશ્વાસન આપી અમો છૂટા પડ્યા.

બીજા બે દિવસ વીતી ગયા. ન સતેજ આવ્યો કે ન એનો ફોન આવ્યો. આખરે મામા-મામીને મળીને એમને સમજાવવાનો વિચાર કરી હું એમને ઘેર ગયો. સતેજના લગ્નની વાત નીકળી એટલે મેં કહ્યું, ‘મામા, મારા પરિચયમાં એક સારી છોકરી છે. સારી નોકરી છે. પગાર પણ તગડો છે. સતેજને અને આપણા ઘરમાં શોભે એવી છે.’
‘તો પછી બતાવને જલદી…’
‘પણ મામા એક અડચણ છે…’
‘કઈ અડચણ ?’
‘એ આપણા સમાજની નથી. સાઉથ ઈન્ડિયન છે….’
‘એટલે મદ્રાસી ?’
‘હા….’
‘સુધાકર, અમારી લાચાર પરિસ્થિતિની હાંસી તો નથી ઉડાવતોને ?’
‘મામા, તમે મારા માટે પૂજ્ય છો. તમારી હાંસી ઉડાવું એવો લાગું છું ?’
‘પણ એ મદ્રાસી છોકરી….’
‘મામા, ભલેને એ મદ્રાસી રહી. પણ મુંબઈમાં જ જન્મી છે-ઉછરી છે – અહીં જ શિક્ષણ લીધું છે. ગુજરાતી અસ્ખલિત બોલે છે. આપણા ઘરમાં એ જરાયે બહારની નહીં લાગે.

મામા થોડી ક્ષણ કંઈ વિચારમાં પડ્યા. મને લાગ્યું કે મામાએ મારી વાતને ધ્યાનમાં લેવા માંડી છે. એટલે મેં આગળ ચલાવ્યું, ‘અને મામા, આ લગ્નથી આ કુટુંબનું કલ્યાણ જ થશે.’
‘એ કેવી રીતે ?’
‘બન્નેના પગારથી ઘર સારી રીતે ચાલશે. પૈસાની ચિંતા રહેશે નહીં. દીપા અને તેજસનું શિક્ષણ પણ સારી રીતે થશે…’
‘અને રોજરોજ મદ્રાસી ઢોંસા-ઈડલી ખાવા મળશે..’ જરા ઉપહાસભર્યા શબ્દોમાં વચમાં જ મામી બોલી ઊઠ્યાં, ‘પણ સુધાકર, મદ્રાસી છોકરી સાથે ફાવશે કેવી રીતે ?’
‘ફવડાવવું પડે મામી, થોડી તડજોડ કરવી જ પડેને ?’
‘પણ એના સંસ્કાર…’
‘આપણા જેવા જ એના સંસ્કાર છે. સુશીલ છે, સુંદર છે, ભણેલી છે, નોકરી કરે છે. અને મોટી વાત તો એ છે કે સતેજ એને ખૂબ જ ચાહે છે….’
‘એટલે સતેજ અને એ….’
‘હા મામી, સતેજ અને એ ચાર પાંચ વર્ષથી પ્રેમમાં છે. એકબીજાને પસંદ કરે છે….’
‘પણ એણે તો કદી આ વાત અમને નથી કરી.’
‘કેવી રીતે કરે ? એને મામાની ચિંતા છે. આ વાત કરે ને મામાને કંઈ થઈ જાય તો….’
‘સતેજ તૈયાર છે ?’
‘હા, પણ તમને કંઈ વાંધો ન હોય તો જ એ આગળ વધે.’
‘તને ઠીક લાગે એમ કર. તું અમારું કંઈ બૂરું નથી કરવાનો એવો વિશ્વાસ છે અમને તારો.’
‘છતાંયે નિરાંતે વિચારજો. બેત્રણ દિવસ પછી તમારો નિર્ણય જણાવજો.’ કહીને હું ઉઠ્યો. ઘરે જતાં હું ખૂબ ખુશ હતો. મામામામીને સમજાવવામાં હું સફળ થયો હતો. બે પ્રેમી જીવના મિલન કરાવવામાં મને યશ મળ્યો હતો.
*****

કૉલ બેલ રણક્યો.
મેં દરવાજો ઉઘાડ્યો. બારણાં પર સતેજ ઊભો હતો.
‘અરે, આવ, આવ….’ હસીને મેં ઉત્સાહથી એને આવકાર્યો, ‘તું આવીશ એની મને ખાતરી હતી જ. પણ આજે જ આવીશ એ નહોતું ધાર્યું…..’
પણ એ ત્યાં જ ઊભો રહ્યો.
‘આવને અંદર…’ મેં કહ્યું.
‘અત્યારે અંદર નથી આવતો. તું જ જરા ચાલ નીચે….’ એનો ભાવવિહીન તંગ ચહેરો અને રૂક્ષ અવાજ સાંભળી મારું હૃદય જરા થડક્યું.
‘મામા ઠીક તો છે ને ?’
‘હા…’
‘તો પછી ?’
‘બીજી જ વાત કરવી છે…’
‘તો આવને અંદર…..’
‘ના. નીચે ચાલ. ત્યાં જ વાત કરીશું.’ શર્ટ અને પગમાં ચંપલ પહેરી હું એની સાથે નીચે આવ્યો. ફૂટપાથ પર રેલિંગ પાસે અમે ઊભા રહ્યા.
‘સુધાકર, અત્યારે પપ્પાને પદ્મા વિષે કહેવાની શી જરૂર હતી ?’
‘કેમ ? શું થયું ?’
‘થયું કંઈ નથી….’
‘તો પછી ? મામા આ લગ્ન માટે રાજી પણ થઈ ગયા છે. મામીનો પણ કંઈ વિરોધ નથી.’

સતેજે એકવાર રસ્તા પર દોડતાં વાહનો પર નજર નાખી અને મારી સામે વેધક નજરે જોતાં કહ્યું : ‘મારે પદ્મા સાથે લગ્ન નથી કરવાં….’
‘શું ?’ હું લગભગ ચીસ પાડી ઉઠ્યો, ‘મામાએ પરવાનગી આપી છે છતાં ? હવે શું વાંધો પડ્યો, સતેજ ?’
‘હવે તારાથી કંઈ છુપાવવાની જરૂર નથી. છેલ્લાં ચારપાંચ વર્ષથી અમે સાથે હરીએ ફરીએ છીએ પણ હવે મને પદ્માનો કંટાળો આવ્યો છે….’
માથા પર જાણે વીજળી તૂટી પડી હોય એમ મને લાગ્યું, મેં કહ્યું, ‘તો પછી આ વાતથી મામા ભાંગી પડશે એમ શા માટે કહ્યું ?’
‘પપ્પાની તબિયત નાજૂક જ છે એટલે તું અમારી વાત નહીં કરે એમ મને લાગતું હતું.’ નિર્વિકારભાવે એણે કહ્યું.
‘અરે પણ….’
‘અને અત્યારે હું બીજી છોકરીના ચક્કરમાં છું.’
‘એની સાથે લગ્ન કરવાનો છે ?’
‘લગ્ન કોઈની સાથે નથી કરવાનો….’
‘તો પછી પદ્માને સીધું કેમ નથી કહેતો ? એને બિચારીને શા માટે ફસાવે છે ?’
‘કહીશ તો ય એ બીજા સાથે લગ્ન નહીં કરે એની મને ખાતરી છે. હંમેશ નહીં તો ક્યારેક ક્યારેક એનો ઉપભોગ….’
‘તું શું બોલે છે એનું ભાન છે તને, સતેજ ? પદ્મા જેવી તને મનથી ભરપૂર પ્રેમ કરનારી સુશીલ છોકરી માટે આવા ઉદ્દગારો કાઢે છે ? શરમ નથી આવતી, તને ?’ ગુસ્સાથી હું રાતોપીળો થઈને બોલી ઉઠ્યો ને મેં એનો ખભો હચમચાવી નાખ્યો.
‘મને શરમ નથી આવતી અને શું બોલું છું એનું મને ભાન છે. પણ મારી આ વાત તને પચાવવી ભારે પડશે માટે તું મારી ભાંજગડમાં જરાયે પડીશ નહીં.’ કહીને ખભા પરથી મારો હાથ ઝાટકી એ ઝપાટાબંધ ચાલ્યો ગયો.

અને….
એની પીઠ પાછળ જોતો હું શૂન્યમનસ્ક અવસ્થામાં પૂતળાની માફક ત્યાં કેટલીય વાર સુધી ઊભો રહ્યો. ઉપરથી સીધો સાદો દેખાતો સતેજ આવો મનનો મેલો-લબાડ છે એની જાણ મને આજે જ થઈ. હું ખરેખર ડઘાઈ ગયો હતો. મારી નજર સામે મામા-મામી અને પદ્માના ચહેરા ડોકાવા લાગ્યા. મારી ઘણી સમજાવટને અંતે મામામામી આ લગ્ન માટે રાજી થયા હતા અને કેટલા ખુશ હતા ! પદ્માએ પણ કેટલા વિશ્વાસપૂર્વક આ વાત મારા પર છોડી દીધી હતી.
હવે મામા-મામીને શું કહીશ ?
પદ્માને શું મોઢું બતાવીશ ?
મને કંઈ સમજાતું નહોતું. મતિ મુંઝાઈ ગઈ હતી. મગજ બહેર મારી ગયું હતું. જેમ તેમ ઘરમાં આવ્યો. મારો ઊતરેલો ચહેરો જોઈ પત્નીએ પૂછ્યું : ‘શું થયું ?’
‘કંઈ નહીં પણ કોઈની ભાંજગડમાં કદી પડવું નહીં એ ધડો શીખીને આવ્યો….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખનું કિરણ – જીતેન્દ્ર જે. તન્ના
કૉલેજ કે કતલખાનાં ? – વેલજીભાઈ દેસાઈ Next »   

32 પ્રતિભાવો : ધડો – રાજુ પરીખ

 1. Rajan says:

  હાહા…ખુબ સરસ વાર્તા….

  “કોઈની ભાંજગડમાં કદી પડવું નહીં”…. બહુ સાચિ વાત છે.

 2. nayan panchal says:

  વાર્તા સારી છે, પરંતુ રીડગુજરાતી પર આવી નિરાશાવાદી (પણ કમનસીબે વાસ્તવિકતાની ઘણી નજીક) વાર્તાની અપેક્ષા નહોતી.

  કમનસીબે, સતેજ જેવા લોકો પોતાને મળતા આવા શુધ્ધ પ્રેમને taken for granted લેવા માંડે છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે તેઓ શું ગુમાવી રહ્યા છે. જ્યારે ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યુ હોય છે.

  ભગવાન સૌને સદબુધ્ધિ આપે.

  નયન

 3. urmila says:

  ‘ mind your own business’ is often said in English culture

  ‘એમાં તમારે ચિંતા કરવાની શી જરૂર ? એમનો પ્રશ્ન છે તો એ લોકો જ ઉકેલશે….’ કહીને પત્ની બીજા કામમાં પરોવાઈ ગઈ. પણ હું આ વાતથી અલિપ્ત કેમ રહી શકું ? આખરે લોહીનો સંબંધ હતો અમારો !

  sometimes wives know better

 4. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે … !! એન અનેક ચહેરાઓમાંનો આ પણ એક ક્રુર ચહેરો કહી શકાય …

  આવા અલભ્ય અને અનટચ્ડ વિષયને સુંદર રીતે રજુ કરી શકવા બદલ રાજુભાઈને ખુબ ખુબ અભિનંદન … !!

  રીડગુજરાતીની multi-flavouredness નો વધુ એક ઉત્તમ નમૂનો ….. ખુબ સરસ ..

 5. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ વાર્તા.

 6. shruti says:

  nice story and very close to reallity….
  in day to day life u will come in contact with this type of guys for them every thing is taken for granted either love or relationship…
  so be careful b4 carried away for anybody..
  shruti

 7. Dipak says:

  ખુબજ સરસ અને અત્યારના સમયને અનુરુપ કથા.

 8. ભાવના શુક્લ says:

  વાહ ભાઈ… કશુક નવુ પણ વાચવા મળ્યુ. કોને કેટલા પોતાના ગણવા અને તેટલુ તેમના પ્રશ્નોમા ઉંડા ઉતરવુ (સ્પષ્ટ કહીયે તો…..ડોઢ ડાહ્યા થવુ) તે પણ સમજવા જેવી અને ધ્યાન મા રાખવા જેવી વસ્તુ છે.

 9. નયન ભાંગજડીયા says:

  nayan panchal –
  વાર્તા સારી છે, પરંતુ રીડગુજરાતી પર આવી નિરાશાવાદી (પણ કમનસીબે વાસ્તવિકતાની ઘણી નજીક) વાર્તાની અપેક્ષા નહોતી.

  – તમને વાતો ના વડા કર્યા સિવાય કશું આવડતું હોય તો તમે લખો.

 10. pragnaju says:

  વાર્તા સ્વરુપે નાની અગત્યની વાતો સહેલાઈથી સમજાવી શકાય છે.
  કોઈની ભાંજગડમાં કદી પડવું નહીં ..
  સરસ વાત્.

 11. darshana says:

  સરસ વાર્તા , પરદુખભન્જન થાવા જાતા કોઇ વાર જાતે જ હેરાન થઈ જાવાય ….

 12. Dhaval B. Shah says:

  Nice story.

 13. Ranjitsinh Rathod says:

  સરસ વર્તા,

  આજના છોકરા – છોકરી ઓ એ ખુબ જ વીચાર કરીને કોઇના પર િવશ્વાસ મુકવો જોઇએ.

  કારણ કે ્િવશ્વાસ જ્યારે તુટે છે ત્યારે ખુબ જ તકલીફ પડે છે.

 14. aarohi says:

  nice story. it is real picture of this generation. they have no value of love. today, true love gets only lucky person.

 15. bhv says:

  સરસ વાર્તા

 16. kusum says:

  ગનિ જ સારિ વાર્તા

 17. snehal says:

  very unfortunate but true ending..this often happens in our society..whether we accept it or not….સરસ

 18. Ashish Dave says:

  Unexpected end…

  Please do not be so personal and sarcastic in writing comments.

  Loyalty means giving an honest opinion…

  Ashish Dave
  Sunnyvale, California

 19. Gira says:

  hahaha.. o my god!! lol… hmmm nice… yeah.. people should keep their nose in their own business!! haha.. 😀 what a guy!!! hahaahaha

 20. dilip says:

  help to other person is good habit,not bed habit so plz. ingore the end.

 21. Jagdish Bhavani says:

  A very good, Heart touching story….
  I like this story very much bcoz i have experience of same (Dont wild guess, i was trying to help only).

  dilip
  help to other person is good habit, but my experience says never help when there is a Love! Bcoz you never know whats going on in other’s mind.

  Excellent story……

 22. અતુલ જાની (આગંતુક) says:

  ખબર નહીં કેમ પણ નાનપણથી જ મને કોઈની ભાંજગડમાં પડવું ગમતું નથી. અમારા લગ્ન થયા, મારી પ્રેમાળ પત્નિ હંમેશા બીજાને મદદરૂપ થવા તત્પર રહેતી હોય છે. ઘણીએ વાર કોઈ છોકરા – છોકરી ની લગ્ન વિષે વાતો આવે તો તે ઘણાં ઉત્સાહથી તેમાં ભાગ લે અને બંને પક્ષે મધ્યસ્થિનો રોલ ભજવવા આતુર રહે. મેં ઘણી વાર તેને સમજાવી કે તારે કોઈને મદદ કરવી હોય તો બીજી કોઈ પણ રીતે મદદ કર પણ આ સામાજિક સંબધોની ભાંજગડમાં પડવા જેવું નથી. પરણનારા પોત-પોતાની રીતે દુઃખી થતાં હોય છે પણ આખી જિંદગી દોષ મધ્યસ્થિનો કાઢે છે કે આમણે મને કુવામાં નાખી. જન્મથી જ આ ધડા સાથે જન્મેલા એવા મારી સાથે રહીને અને “અનુભવો” નું ભાથું મેળવીને હવે મારી પત્નિએ પણ ધડો મેળવ્યો છે કે કોઈની ભાંજગડમાં ક્યારેય પડવું નહીં.

 23. Rajni Gohil says:

  ઘણી જ સુંદર વાર્તા છે. જીવનના કોયડામાં કેવી રીતે કામ લેવું તે આપણને શીખવી જાય છે. કંઈ નહીં પણ કોઈની ભાંજગડમાં કદી પડવું નહીં એ વાત નિરાશાવાદીની છે. “કરતાં જાળ કરોળીયો ભોંય પડી ઘભરાય વણતુટેલે તાંતણે ઉપર ચાડવા જય. ………..(Practice makes man perfect). નાસીપાશ થઇ પ્રયત્ન છોડી દેવો એ તો કાયરનું કામ છે. મુશ્કેલી વગરનું જીવન તો શ્રીરામ કે શ્રીક્રુષ્ણનું પણ વિત્યું નથી.

  ગીતમાં ભગવાન શ્રીક્રુષ્ણે કહ્યું છે કર્મણ્યે વાધિરસ્તે મા ફલેશુ કદચન …..આપણો તો કર્મ કરવાનું, ફળ પર આપણો અધિકાર નથી. આપણા સંચિત કર્મોને લીધે જે ફળ મળે તે સહર્ષ સ્વીકારવાનું . Have faith in God and do your duty. We all know what is most important in our life. It is not having everything go right, it is facing whatever goes wrong.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.