- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કૉલેજ કે કતલખાનાં ? – વેલજીભાઈ દેસાઈ

[‘ફૂલછાબ’ દૈનિક એપ્રિલ-2008માંથી સાભાર.]

જેમનો દીકરો ઉંમરલાયક થયો છે અને સગાઈ કરવી છે તેના માબાપ બહુ ચિંતામાં હોય છે. વહુ કેવી મળશે ? સંસ્કારી નહીં હોય તો ? કોઈ કુપાત્ર ઘરમાં આવી જશે તો ? ઘર સંભાળવાને બદલે બહાર રખડવામાં રસ હોય એવી આધુનિક જમાનાની છોકરી આવી જશે તો ? સુંદર રસોઈ કરીને બધાને જમાડે, સાસુ-સસરાને સાચવે, માન આપે એવી નહીં મળે તો ? નમ્ર, વિવેકી, સહનશીલ નહીં હોય તો ? કોઈ છોકરા સાથે લફરું હશે તો ? આવી ચિંતાઓ દીકરાના માબાપને સતાવે છે.

જેમની દીકરી ઉંમર લાયક થઈ છે અને સગાઈ કરવી છે તેના માબાપ પણ બહુ ચિંતામાં હોય છે. જમાઈ કેવો મળશે ? અસંસ્કારી અને દીકરીને હેરાન કરે એવો મળશે તો ? કમાઉ અને શક્તિશાળી નહીં હોય તો ? કમાણી કરવાને બદલે બાપની મિલ્કત પણ ખોઈ બેસે એવો મળશે તો ? વ્યસન, દારૂ, જુગાર જેવા કોઈ અવગુણ વળગેલા હશે તો ? રખડું અને ખોટી સોબત હશે તો ? કોઈ છોકરી સાથે લફરું હશે તો ? આવી ચિંતાઓ દીકરીના માબાપને થતી હોય છે.

આ બન્ને પ્રકારની ચિંતાઓનું મૂળ કારણ આજનું શિક્ષણ છે. વિમલા તાઈ કહે છે કે ‘આજની આપણી તમામ શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના કતલખાના છે.’ આ કતલખાનામાં દીકરા દીકરીઓ વરસો સુધી ભણે, તેમના સંસ્કારોની કતલ વરસો સુધી થયા કરે અને ઉંમરલાયક થાય ત્યાં સુધીમાં ઘણા બધા સંસ્કારોની કતલ થઈ ગઈ હોય છે. આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજોમાં કોઈપણ ઉપયોગી ભણવાનું હોતું જ નથી. તેથી બે જવાબદારી, મોજ, મસ્તી, આળસ, ખોટા ખર્ચા, છોકરીઓને ફસાવવી, છોકરાઓ સાથે મોજ કરવી અને બાઈક પર ફરવું, મોબાઈલ પર ગપ્પાં મારવાં, સાથે રખડવું અને અંતે વ્યભિચાર, આવું બધું જ શીખે છે. ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિની એસી તેસી.

જ્યાં સુધી ઘરના સંસ્કારો પ્રબળ હોય છે અને કૉલેજમાં જે દુર્ગુણો વિકસે છે તેની અસરમાં ઓછી આવે છે ત્યાં સુધી સંસ્કારી છોકરા છોકરીઓ મળી રહે છે. પરંતુ કૉલેજના વાતાવરણની અસર પ્રબળ થાય અને ઘરના સંસ્કારો નબળા પડે એ જ મિનિટે એ ઘરમાં પશ્ચિમી વિકૃતિઓ ઘૂસી જાય છે અને ભારતીય સંસ્કૃતિ એ ઘરમાં નાશ પામે છે. તો એટલું પાકું છે કે આજની કૉલેજમાંથી ભણીને નીકળતી યુવતીઓ કંઈ પણ સારું શીખીને આવતી નથી, પણ ન શીખવાનું ખોટું શીખીને આવવાનાં સંજોગો ભારોભાર છે. વળી રસોઈ, ઘરકામ પણ શીખતી નથી. તો આનો ઉકેલ એ જ છે કે આવી કૉલેજોમાં દીકરીઓને ન ભણાવવી. કૉલેજોમાં દીકરીઓને ભણાવવાને બદલે ઘરમાં તાલીમ આપવી. રસોઈ, ઘરસંભાળ વગેરે શીખવવું. ગાંધીજીએ કીધું છે કે રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનો જે અભ્યાસ કરી લ્યે, તેણે પશ્ચિમના કોઈ પણ શાસ્ત્રો ભણવાની જરૂર નથી. તો દીકરીઓને રામાયણ, મહાભારત અને ગીતા વગેરે વંચાવવું. તેમાંથી જે પવિત્રતા અને હૃદયની શુદ્ધિ થાય છે તે જીવનમાં અતિ ઉપયોગી થઈ પડે છે. આ ગ્રંથોમાં ઉત્તમ જ્ઞાન પડેલું છે. એને આપણે સાવ ભૂલ્યા છીએ એ જ આપણી મુશ્કેલી છે. આવી રીતે ઘરે તૈયાર થયેલી દીકરીઓને ઉચ્ચ કુટુંબોમાં ઠેકાણા ચોક્કસ મળી જશે. જે દીકરી કૉલેજમાં ભણેલી જ નથી, પરંતુ ગીતાના શ્લોકો અને રામાયણની ચોપાઈઓ કંઠસ્થ કરીને ગાઈ બતાવે, સુંદર રસોઈ કરીને બધાને જમાડી શકે તેને કરોડપતિ કુટુંબોમાં તરત જ સ્થાન મળવું જોઈએ. કારણ કે સગાઈ કરતી વખતે દીકરાનાં માબાપને જે કાંઈ ચિંતાઓ સતાવે છે તે બધાનું અહીં સંપૂર્ણ સમાધાન મળી રહે છે. એટલે જેવી દીકરી કે વહુ તેઓ શોધે છે એવી જ મળી રહે.

કૉલેજમાં દીકરીઓને ના ભણાવવી એનો અર્થ એવો નથી કે તેમને જ્ઞાન ના આપવું. ઉલ્ટું તેમને વધારે સારું, જીવનમાં ઉપયોગી થાય એવું વિશિષ્ટ જ્ઞાન આપવું જોઈએ. આને માટે ગામેગામ અને શહેરોમાં ઠેકઠેકાણે સંસ્કૃતિ વિદ્યાપીઠો સ્થાપવી. સંસ્કૃતિ વિદ્યાપીઠો હોશિયાર ઘર ચલાવતી બહેનો જ ખાનગી ધોરણે પરંતુ સમાજસેવાની દષ્ટિથી ચલાવે અને તેમાં દીકરીઓને રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત વગેરેનું ધાર્મિક જ્ઞાન આપવામાં આવે. રસોઈકળા અને ગૃહવ્યવસ્થાનું જ્ઞાન આપવામાં આવે. પ્રસૂતિવિજ્ઞાન અને બાળઉછેરનું જ્ઞાન અપાય. આયુર્વેદ અને આરોગ્ય જાળવણીનું જ્ઞાન અપાય. આવી એક સંસ્કૃતિ વિદ્યાપીઠમાં દસથી વધારે દીકરીઓ ના હોવી જોઈએ અને આ વિદ્યાપીઠ બપોર પછી બે થી ત્રણ કલાકથી વધારે ના ચાલવી જોઈએ. આ રીતે ભણનારી દીકરીઓને જરાપણ ભણવાનો બોજો ના લાગે. પરંતુ ભણવામાં રસ પડે, ભણાવનાર બહેનને પોતાનું ઘર ચલાવતા બપોર પછી જે બે થી ત્રણ કલાક સમય ફાળવી શકે તેનો ઉપયોગ કરી લ્યે અને તેને પણ બોજો ના લાગે. આ રીતે જે દીકરીઓ બારમા ધોરણ પછી ત્રણ વરસ સુધી સંસ્કૃતિ વિદ્યાપીઠમાં ભણે તે સુસંસ્કૃત આર્યનારી થશે. તે ઉત્તમ સંસ્કારો પામી હોવાથી જે ઘરમાં જશે તે આખા ઘરને સુખી કરશે અને ઘરને સ્વર્ગ બનાવી દેશે. આવી દીકરીઓ સાથે સગાઈ કરવા માટે પડાપડી થશે એમાં જરાય શંકા નથી. એટલે લાખોપતિ અને કરોડપતિ સુખી કુટુંબોમાં આવી દીકરીઓને ઠેકાણા મળી જશે અને તેની પાસે યુનિવર્સિટીની ડીગ્રી નથી એવો વસવસો કોઈને નહીં રહે.

સંસ્કૃતિ વિદ્યાપીઠો જુદા જુદા ઘરોમાં ચાલશે. એટલે તેને માટે ક્યાંય મકાનની જરૂર નહીં પડે. વળી સદ્ધર ઘરની સુસંસ્કૃત બહેનો જ તે ચલાવશે અને દેશસેવાની ભાવનાથી ચલાવશે તો કોઈપણ જાતની ફી વગર બીલકુલ મફત ચાલશે. એટલે સંસ્કૃતિ વિદ્યાપીઠો વગર પૈસે ચાલશે. તેમાં ભણનાર દીકરીઓ બપોર સુધી પોતાના ઘરે જ રહેશે અને પોતાની માતાને ઘરકામ, રસોઈ વગેરેમાં મદદરૂપ થશે. એટલે તેને ઘર ચલાવવાની તાલીમ તો પોતાના ઘરમાં જ મળશે. તેથી દીકરીઓ આળસુ નહીં થાય. આ રીતે કૉલેજના બધા દુષણોથી બચી જનાર, છતાં ગૃહવ્યવસ્થામાં હોશિયાર અને જીવન ઉપયોગી જ્ઞાનમાં નિપુણ દીકરીઓને યુનિવર્સિટીની ડીગ્રી ન હોવા છતાં ઉચ્ચ કુટુંબોમાં ઠેકાણા મળી જશે. એટલું જ નહીં ઉચ્ચ કુટુંબોને આવી દીકરી મળતી હશે ત્યાં સુધી કૉલેજોમાં ભણેલી દીકરીઓ નહીં લ્યે.

હવે વાત રહી ડીગ્રીની. દીકરીને કૉલેજમાં સાવ ના ભણાવી તો ડીગ્રી તો ન જ હોય. પણ છોકરી ગ્રેજ્યુએટ થયેલી હોવી જોઈએ એવી આજની માંગ છે. તે છોડવી જોઈએ. ઉલ્ટુ દીકરાના માબાપોએ એવી માગણી કરવી જોઈએ કે અમારે એવી કન્યા જોઈએ જે કૉલેજમાં ભણેલી ના હોય, પણ ઘરે જ સાહિત્ય-સંસ્કાર પામેલી હોય અને ઘરસંભાળવાની તાલીમ મેળવેલી હોય. જો દીકરાના માબાપ આવી માંગણી કરતા થઈ જાય તો સમાજમાં ચમત્કાર થઈ જાય. સૌ સમજે છે કે આજનું શિક્ષણ નુકશાન કરે છે. છતાં બજારમાં એની જ માંગ છે. માટે છોકરીઓને તેમાં ભણાવવી પડે છે. કૉલેજમાં ભણેલી દીકરી અમારે ના જોઈએ એવી માગણી દીકરાના માબાપ કરતાં થઈ જાય તો મહિલા કૉલેજના નામે ચાલતા સંસ્કૃતિના કતલખાના બંધ પડી જાય. જેમની આર્થિક સ્થિતિ સારી છે, જેમને વહુ પાસે નોકરી કરાવીને વધારાની આવકની જરૂર નથી એવા સદ્ધર કુટુંબોએ આવી શરૂઆત કરવી જોઈએ. જેઓ આમ કરશે તેના ઘરમાં સંસ્કારી છોકરી આવશે અને સુખી થશે. પરંતુ એનાથી વિશેષ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું મોટું કામ થશે અને યુવાનીનો બગાડ અને સંસ્કૃતિની કતલ કરતી કૉલેજો બંધ થશે તો આપણો દેશ બચી જશે.

જેમ દીકરીઓને કૉલેજમાં ના ભણાવવી એ જ રીતે દીકરાઓને પણ આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજમાં તો ના જ ભણાવાય. એને બદલે ત્રણ વરસ સુધી વેપાર ધંધાની પેઢીમાં, કારખાનામાં કે દુકાનોમાં કામ કરાવવું. આમ કરવાથી કૉલેજમાં જેટલું જાણવાનું મળે છે તેનાથી અનેકગણું ઉપયોગી જ્ઞાન યુવાનોને મળશે. કૉલેજમાં ભણીને તે સાવ બિનઉપયોગી કશા પણ વ્યવહારુ જ્ઞાન વિનાનો આવડત વગરનો થઈને નીકળે છે. તેની જગ્યાએ ત્રણ વરસ કોઈ કારખાનામાં કે વેપારી પેઢીમાં કામ કરશે તો જો તે બુદ્ધિશાળી હશે તો ધંધાનું ઘણું જ્ઞાન મેળવીને નીકળશે. કૉલેજનાં ખર્ચા બચશે. કોલેજના અપલક્ષ્ણોથી તે બચી જશે. કૉલેજમાં ભણીને બેકાર ગ્રેજ્યુએટ થાય અથવા નોકરી મેળવે તો જેટલું કમાય તેના કરતાં ત્રણ વરસના અનુભવે અવશ્ય વધુ કમાશે. જે ખરેખર બુદ્ધિશાળી અને મહેનતુ હશે એ વગર પૈસે વેપાર કરતા પણ શીખી જશે. પોતાના સ્વતંત્ર ધંધા સ્થાપતા શીખી જશે અને કૉલેજમાં ભણેલાને ક્યાંય હરાવી દેશે. જેમને પ્રામાણિક પણે જીવવું છે, પ્રામાણિક પણે કમાવું છે અને હરામનું જોઈતું નથી એને યુનિવર્સિટીની ડીગ્રીની ક્યાંય જરૂર પડતી નથી. તો શા માટે એમાં વરસો બગાડવા ?

જો આપણે ડીગ્રીના આંધળા મોહમાંથી છૂટીએ, તો ઘણા બધા દુ:ખોમાંથી બચી જઈએ. 100માંથી 90માણસોને પોતાની ડીગ્રી કાંઈ જ કામમાં આવતી નથી. સરકારી નોકરીમાં પણ જે ભણ્યા તે કાંઈ ખાસ કામમાં આવતું નથી. પરંતુ ડીગ્રીને સરકારે જરૂરી ગણી છે માટે સરકારી નોકરીની મધલાળથી લોકો ભણીને ડીગ્રી મેળવવા મથે છે. નોકરી તો થોડાકને જ મળે છે. બાકીનાને ડીગ્રી નકામી થઈ જાય છે. તો ભારતીય સંસ્કૃતિનો કચ્ચરઘાણ વાળતી કૉલેજોનો આપણે બહિષ્કાર કરવાનું જો નહીં શીખીએ તો આપણે દુ:ખી દુ:ખી થઈ જઈશું. ભારતનો ગરીબમાં ગરીબ મજૂર માણસ પણ પત્નીની વાતમાં અમેરિકાના પ્રમુખ કરતાં સુખી છે. આવી અમૂલ્ય સુખ આપનારી સંસ્કૃતિને જાળવી રાખવા માટે કૉલેજોનો બહિષ્કાર જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ રાજકોટ શહેરમાં બહેનો દ્વારા 20 જેટલી સંસ્કૃતિ વિદ્યાપીઠો સ્થાપવાની શરૂઆત થઈ ચૂકી છે.