બે વાર્તાઓ – લતા હિરાણી

[રીડગુજરાતીને આ બે સુંદર વાર્તાઓ મોકલવા માટે શ્રીમતી લતાબેન હિરાણીનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. તેમની આ પ્રસ્તુત વાર્તાઓ ‘દિવ્ય ભાસ્કર’ની કળશપૂર્તિમાં પ્રકાશિત થયેલી છે. આપ તેમનો આ સરનામે latahirani2007@gmail.com અથવા +91 2692 232033 પર સંપર્ક કરી શકો છો. ]

[1] છલોછલ સુખ

‘મમ્મી, આજે દાળઢોકળી બનાવજે… પપ્પાને ય આજે રજા છે. આજે આપણે બધા ઘરમાં શાંતિથી સાથે રહેશું. કોઇ આઉટીંગ નહીં.’ પાર્થ બોલ્યો.
‘હા, આવ્યા ત્યારનાં દોડદોડ જ ચાલે છે. આમ જ જવાનો ટાઇમ થઇ જશે. ઇન્ડિયા આવ્યાનો સંતોષ જ નથી થતો.’ વિશુએ ટેબલ પર ચા-નાસ્તો મુક્યા. બધા ગોઠવાયા.
‘શું વિચારમાં પડી છે ?’ જયંતભાઇ બોલ્યાં.
‘કંઇ નહીં અમસ્તું જ…’ અંજનાનો અવાજ ભારે હતો.
‘ના મમ્મી, એમ ન ચાલે. કહેવું જ પડે.’
‘વિશુની વાત સાચી છે મમ્મી, ચૂપ ન રહેવાય.’ પાર્થે ઊભા થઇને મમ્મીના હાથમાંથી ચાનો કપ લઇ લીધો. ‘બોલ, પછી જ ચા પીવાની.’ પાર્થને તોફાન કર્યા વગર ચાલતું નહીં.
‘બસ… આ તો એમ થાય છે કે તારા પપ્પાને આ જુલાઇમાં 60 વર્ષ પૂરાં થશે. બહુ મન થાય છે કે ષષ્ઠીપૂર્તિ ઉજવીએ પણ અમારાં બચ્ચાં જ ન હોય તો ઉજવણી કરવાની મજા ન આવે અને હજી જાન્યુઆરીમાં તમે ઇન્ડિયા આવ્યા હો અને જુલાઇમાં ફરી આવો એ તો કેમ બને ? અમેરિકા કંઇ નજીક છે !!’
‘તું યે ખરી છે. પાર્થને હજી નવી નવી નોકરી છે. એને સેટ થવા દે. આવતા વર્ષે જ્યારે આવશે ત્યારે ઉજવશું.’ જયંતભાઇથી ન રહેવાયું.
‘અરે બાબા, એટલે તો ચૂપ હતી. આ પાર્થ મોઢામાં આંગળી નાખીને બોલાવે એવો છે.’
‘એમાં શું ? વાત તો થાય. કંઈ નહીં, લે હવે તારી ચા તો ઠરી ગઈ. વિશુ, મમ્મીની ચા ગરમ કરી દે.’
‘મમ્મી, આપણે કંઈક જાદુ કરશું.’ વિશુયે ઓછી તોફાની નહોતી.

પાર્થ-વિશુ ત્રણ વીક માટે આવ્યા હતા. દિવસો આંખના પલકારામાં પુરા થઇ ગયા. ગુંજતું ઘર ફરી સૂમસામ થઇ ગયું. અંજના અને જયંતભાઇ ફરી પોતાના કામમાં જીવ પરોવવા મથતાં. અંજનાને ઘણીવાર થતું કે શા માટે સંતાનોને પરદેશ જવા દીધા ? સારા માઠા દિવસોએ કોઇ દોડીને આવી શકે જ નહીં !! દીકરાનો દીકરો હવે દોઢ વર્ષનો રમાડવા જેવડો હતો પણ વચ્ચે બે દેશની દિવાલ…

જાન્યુઆરી પછી જૂન-જુલાઇ આવતાં ઘણી વાર લાગી. દિવસ કામમાં નીકળી જતો પણ સાંજ પછી ઘરમાં જાણે સન્નાટો છવાઇ જતો. અંજના અને જયંતભાઇ બંને થાકી જતાં. કોઇને કંઈ વાત કરવાની ઇચ્છા થતી નહીં. જ્યારે ‘ઓનલાઇન’ થવાનો મેસેજ આવતો ત્યારે બંનેના જીવમાં જીવ આવી જતો. પછી તો વાતો જ વાતો. વેબ-કેમેરામાં સંતાનોના હસતાં ચહેરા, નાનકડા આયુની રમતો અને એમનું રળિયામણું ઘર જોઇને બંનેને સંતોષ થઇ જતો.
એક વખત આમ જ ચૅટ કરતાં પાર્થે પૂછ્યું, ‘મમ્મી, આ વખતે પપ્પાજીની બર્થ-ડે પર શું કરવાના ?’
‘વિચારીએ છીએ. ક્યાંક બહાર જઇશું.’
‘ના હોં ! ત્યારે નહીં. અમે ડિસેમ્બરમાં આવીએ ત્યારે આપણે સાથે ફરવા જઇશું. એ દિવસે અમે રજા લઇશું અને ખૂબ ચેટ કરીશું.’ વિશુ બોલી અને જયંતભાઈના શરીરમાં સુખનું લખલખું ફરી વળ્યું. અંજના બોલવા જતી હતી કે કાશ એ દિવસે તમે આવી શક્તા હોત !! પણ એ શબ્દો ગળી ગઇ. અમેરિકાથી આવવું શક્ય જ નહોતું.

ચોથી જુલાઇ. હંમેશા રાતના બાર વાગ્યે સંતાનોનો ફોન આવે. આ વખતે કેમ ફોન રણક્યો નહીં ?? હોય એ તો. થાક્યા હશે. આમે ય આપણે સવારથી જ દિવસ ગણીએ છીએને !! અંજના ઘણીવાર કહેતી પણ ખરી, ‘બેટા આપણો દિવસ સૂર્યોદયથી ગણાય. આ તો પશ્ચિમની રીત.’ જો કે એના બચ્ચાંઓ એને રાતના બાર વાગે ઉઠાડતાં જ. આ વખતે એ સુખ મળ્યું નહીં. જયંતભાઇ ઘસઘસાટ ઊંઘતા હતા. સવારમાં છ વાગ્યે બેલ વાગી. અત્યારમાં આ લાંબી બેલ કોણ મારે છે ? જરા અકળાઇને અંજનાએ બારણું ખોલ્યું. અત્યંત આશ્ચર્ય વચ્ચે નજર સામે પાર્થ-વિશુ ઉભા હતા !!
‘હેપ્પી બર્થ ડે પપ્પાજી’ ઘર આખું ગુંજી ઉઠ્યું. અંજનાની બાથમાં પાર્થ-વિશુ હતાં અને આનંદ એની આંખોમાંથી વહ્યે જ જતો હતો. બપોર સુધીમાં તો પાર્થે દોડાદોડી કરીને પાર્ટી ગોઠવીયે દીધી. વિશુએ બધાને ફોન કરી દીધા. જેટલેગનું શું ? ‘અમે ત્યાંથી જ ઊંઘનું પ્લાનીંગ કરી નાખ્યું છે !!’

પરદેશ ગયેલા સંતાનોની મા-બાપ પ્રત્યે ઉપેક્ષાના ઘણા કિસ્સા તમે જાણ્યા હશે. જવા દો, ભૂલી જાઓ એને અને જુઓ, આ સો ટકા સાચી ઘટના કેવી સુગંધીદાર છે !
.

[2] કાન્તા બા

કિચુડ…. કિચુડ….કિચુડ…. કિચુડ…કાંતાબહેન હિંચકે ઝૂલી રહ્યાં છે.
‘ગિરીશ, આ હિંચકાના કડામાં તેલ ઉંઝી દે. અવાજ કરે છે.’
‘આવ્યો બા.’ ગિરીશે કડામાં તેલ પૂર્યું.
‘ભાઇ હવે તું લાઇબ્રેરીમાં ક્યારે જઇશ ? ‘ચૌલાદેવી’ પૂરી થઇ ગઇ છે.’
‘બા, આ ચોપડી તમે બહુ જલ્દી વાંચી નાખી… ધૂમકેતુની આખી સીરીઝ પૂરી થઇ ગઇ !’
‘તો બીજી લાવી દે.’
‘લાઇબ્રેરીમાં હતી એ બધી નવલકથાઓ તમે વાંચી નાખી બા, લાઇબ્રેરીયન કહેતા હતાં કે નવી આવશે એટલે કહીશ. પછી લઇ જજે.’
‘કંઇ નહીં, વાર્તાની ન હોય તો બીજી કોઈ, જેમાં જાણવા જેવું હોય એવી ચોપડી લાવજે ને !’
‘સારું.’ બા હીંચકેથી ઉઠ્યા. ફળિયામાં જઈ કપડાં લેતાં બોલ્યા : ‘આજે ચા કોણે બનાવવાની છે ?’ હાથમાંની ચોપડી વાંચતાં વાંચતાં જ્યોત્સના ઊઠી. ધ્યાન પાના ઉપર અને એક હાથે એણે તપેલી લીધી. એમ જ એ પ્રાઇમસ પાસે બેઠી.
‘તારે વાંચવું હોય તો રહેવા દે હું ચા બનાવી લઇશ….’ જ્યોત્સનાએ ચોપડી મૂકી દીધી, ‘ના બા, ચા કરીને પછી વાંચીશ.’

બા શાંતિથી કપડાં વાળવા બેઠા. આઠ સંતાનો અને એમાં પોતાને વાંચનનો અતિશય શોખ. કાંતાબહેને ઘરનું બધું કામ બાળકોમાં વહેંચી દીધું હતું. પાંચ દીકરાઓ અને ત્રણ દીકરીઓ પણ કામમાં કોઇ ભેદભાવ નહીં. રસોઈ કરવાનું કામ હોય કે વાસણ, કપડાં, કચરા પોતાં – બધું કામ બધાને ભાગે આવે. આ વ્યવસ્થા એટલી પરફેક્ટ કે દસ માણસોનું કામ ક્યાં પતી જાય ખબર ન પડે. વળી કાંતાબહેનની કડકાઇ પણ ખરી ! કોઇની દિલચોરી જરાય ન ચાલે.

રવિવારે બધાએ ઉજાણીએ જવાનો નિયમ. સવારે જ આખું કુટુંબ નાસ્તા અને જમવાના ડબાઓ લઇ એકાદ વાડીએ પહોંચી જાય. કૂવા પર મૂકેલી મોટર ચાલે અને ધોરિયા પર પડતાં ધધુડામાં બધા બાળકો મન ભરીને ન્હાય. દોડી દોડીને જામફળ, બદામ કે જાંબુ ખાય, આંબાના ઝાડ નીચે સૌ જમે. બપોરે તાજો શેરડીનો રસ કે ગરમાગરમ ગોળેય પીવા મળે અને રંગેચંગે સાંજ પડે સૌ પાછા ફરે. સાંજ પડે સૌ થાક્યા હોય પણ એમ કાંતાબહેન કોઇને છોડે નહીં. સોમવારનું બધાનું લેસન પૂરું થઇ ગયું કે નહીં તે એક-એકનું દફતર ખોલાવી તપાસે. પોતે ક્યારેક બાળકોને નિબંધ લખવા એકાદ વિષય પણ આપ્યો હોય. ગીતા દલીલ કરતી કે એમ કેમ ? નાનાં મોટાં બધાને એક જ વિષય ! બા જવાબ આપી દેતાં કે સૌ પોતાની આવડત પ્રમાણે લખે. હું દરેકની ઉંમર પ્રમાણે તેમનો નિબંધ તપાસીશ. અને ટેવ પ્રમાણે રાત્રે સૂતી વખતે બાળકો સમજે એ રીતે પોતે વાંચેલી વાર્તા કે નવલકથાની વારતા કહે. આખું ‘સરસ્વતીચંદ્ર’ એ રીતે બાળકોએ માણ્યું હતું.

કાંતાબહેનને બસ એક જ લગની લાગી હતી. બાળકોને ખૂબ ભણાવવા. તેઓ આગળ વધે એ માટે પોતે ખૂબ મહેનત કરવી. જેવું વેકેશન પડે કે જરૂરી પાઠ્યપુસ્તકો આવી જાય. સ્કૂલો ચાલુ થતાં પહેલાં તો એમણે બધાં બાળકોના પાઠ્યપુસ્તકો વાંચી નાખ્યા હોય. એમની યાદશક્તિ ગજબની ! સ્કૂલો ચાલુ થતાં રોજ સાંજે વાસણ સાફ કરતાં કરતાં દરેક બાળકને ‘આજે શું ચાલ્યું ?’ એ સવાલ પૂછાય. ચાલેલા પાઠમાંથી કંઈક સવાલ પણ પૂછાય. પાઠ અધૂરો હોય તો આવતીકાલે આગળ ચાલે એ પહેલાં આખો વાંચી જવાનું ફરમાન પણ થાય. આઠે આઠ બાળકોને બા પાસે દરરોજ અચૂક આ માટે બેસવું જ પડે. સવાર સાંજ બાળકોને ભણવા બેસાડવાની પદ્ધતિ એમની અનોખી ! સૌએ પોતાનાં દફતર લઇ દીવાલ તરફ મુખ રાખી ભણવા બેસવાનું. કોઇને પોતાની નોટ ચોપડી અને દીવાલ સિવાય કાંઇ ન દેખાય. ક્યારેક કોઇક બારી પાસે બેસવા હઠ કરે ત્યારે બા ન ચલાવી લે.. ઘડિયા અને કવિતાઓના મુખપાઠ સાંભળી સાંભળીને પડોશીઓના બાળકોને ય યાદ રહી જતા !

‘એઓ’ બ્રાન્ડ કોપરેલ તેલના સિત્તેર એંસી ડબાઓમાં કાંતાબહેનનું આખું રસોડું ! દરેક ડબાને માત્ર નંબર આપેલો જેથી એમાં એક ને બદલે બીજી વસ્તુ પણ રાખી શકાય. કાન્તાબહેન કદી ભૂલે નહીં કે પચીસમા કે છેતાલીસમાં ડબામાં શું ભર્યું છે. એટલું જ નહીં, વધેલા મસાલામાં ‘આ કઇ સાલનું મરચું ?’ એનોય સાચો અને તરત જવાબ એમની પાસે હોય ! સંતાનો ભૂલી જાય પણ એમને પાકું યાદ હોય કે કઈ સાલમાં કયો પ્રસંગ બન્યો !

કાંતાબહેનના ઘરને કદી તાળું લાગતું નહીં. એ કદી ઘરની બહાર નીકળતા નહીં. સાંજ પડે બહારના ઓટલે બેસે એટલું જ. દીકરાઓએ એમને ટીવી લાવી દીધું હતું. લોકો ટીવીને વખોડે ત્યારે કાંતાબહેન એની ભરપેટ પ્રશંસા કરે : ‘અરે, અમારા જેવાને તો આ વરદાન છે. હવે બેસીને વાંચી શકાતું નથી ત્યારે સુતાં સુતાં હું આખી દુનિયાની સફર કરું છું. આ ટીવીને લીધે તો મેં હિમાલયના દર્શન કર્યા. ચારે ધામની યાત્રા અહીં ઘર બેઠાં થઈ ગઈ. દીકરા-વહુ તો સ્વીટ્ઝરર્લેન્ડ જવાની વાતો કરે છે. મેં તો ‘ટ્રાવેલ્સ’ સીરીયલમાં એ આખું જોઇ લીધું !’

છેલ્લે તેઓ બિમાર પડ્યા અને ખાટલાવશ થયા ત્યારે દીકરા ગિરીશના ઘરે એમનાં ખબર પૂછવા આવનારાઓને નવાઇ લાગતી અને એમના સંતાનોની આંખોમાં આંસુ છલકાતાં. બા બેભાનાવસ્થામાં આંક, ઘડિયા જ બોલ્યા કરતા હતા ! કેટલા વરસોના વરસો એમણે બાળકોને ગોખાવ્યા હતા. બાળકોના ભણતર માટેની એમની નિસ્બત કેટલી ઊંડી હતી !

મિત્રો, કાંતાબહેન કોઇ કલ્પિત પાત્ર નથી… સંતાનોના ભણતર માટે દોડાદોડી કરતા માતાપિતા અને હજી આજના જમાનામાંયે દીકરા-દીકરીને સરખા ગણવાની વાત કરતા લોકોને મારે લગભગ એંશી વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર જેવા રૂઢીચુસ્ત પ્રદેશમાં જન્મીને જીવી ગયેલ આ સ્ત્રીની વાત કહેવી છે…. કેવો ભર્યોભર્યો શબ્દ લાગે છે ‘બા’…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કૉલેજ કે કતલખાનાં ? – વેલજીભાઈ દેસાઈ
તકલીફ છે ! – પ્રણવ પંડ્યા Next »   

28 પ્રતિભાવો : બે વાર્તાઓ – લતા હિરાણી

 1. nayan panchal says:

  બંને વાર્તાઓ ખૂબ જ સરસ.

  આભાર, લતાબેન.

  નયન

 2. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ

 3. RAJESH GAJJAR says:

  i read first one……..its very nice.

  we are leaving in Gurgaon and home town is Ahmedabad.

  our situation same like this….we are in india after all.

  we miss our parents and our friends and main our gujarat…..

  when we plan to go gujarat that time we also plan what we eat and how we enjoy…….because Gujarat is different from other.

  we love Gujarat.

  regards,

  Rajesh Gajjar

 4. mohit says:

  કેવો ભર્યોભર્યો શબ્દ લાગે છે ‘બા’ … વાહ્

 5. બંને જ સુંદર વાર્તાઓ …

  અને બીજી વાર્તામાં “બા” નું પાત્ર આજના બીજા લેખ “કૉલેજ કે કતલખાનાં?” માં ના વિચારો ને પૂરક પાત્ર લાગી રહ્યું છે … !!

 6. Nidhee Vyas says:

  Really Excellence…and touchy also…

  this is the real potrait of the mother..

  doesn’t means what she had studied….but she wnat us – her children to get – to achieve all those that unfortunately she could not…

  i don’t know gujarati typing , so wrote in english…

  but gujarati is gujarati….

  really excellacne…

 7. Lata Hirani says:

  બધાનો ખૂબ ખૂબ આભાર.. આ સત્યકથાઓ છે…

 8. Lata Hirani says:

  આભાર મૃગેશભાઇ તમારો પણ….

 9. જીતેન્દ્ર જે. તન્ના says:

  બન્ને વાર્તાઓ ખુબ સરસ છે. આભાર લતાબહેન્.

 10. vinodnpanchal says:

  બેય વાર્તાઓ ખુબ જ સરસ છે મારેય આવા જ બા હતા.

 11. અતુલ જાની (આગંતુક) says:

  સાચી વાતો સરસ રીતે રજુ કરવા બદલ લતા બહેનને ધન્યવાદ. બંને વાર્તાઓ ગમી – પહેલીમાં સંતાનોએ નીભાવેલ કર્તવ્ય અને બીજીમાં માતાએ કેળવેલ સંતાનો. બસ આમ જ માતા-પિતા અને સંતાનો સહુ કોઈ પોત-પોતાનું ઉત્તરદાઈત્વ સુંદર રીતે નીભાવે તો અહીં મૃત્યુલોકમાં જ સ્વર્ગનો આનંદ અનુભવાય.

 12. Geetika parikh dasgupta says:

  બસ મને મારી મા યાદ આવી ગયા.

 13. pragnaju says:

  સરસ વાર્તાઓની સરસ રજુઆત્

 14. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વારતાઓ.

  readsetu par vachi cche.

 15. snehal says:

  વાહ !!!! મસ્ત … અતિસુન્દર્…..

 16. Sarika Patel says:

  very nice stories. The combination of Relations and Responsibility, it is really necessary in our life.

  Thank you lataben

  Sarika

 17. સુંદર વારતાઓ, લતાબેન… આનંદ થયો…

 18. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ લતાબહેન… સત્ય ઘટનાઓ ને સુંદર અને સાહજીક શબ્દોમા વાર્તા રુપે અહી વાચીને આનંદ થયો. બા ના પાત્ર દ્વારા એક સશક્ત સંદેશો શિક્ષણ અને કેળવણી માટે વહેતો થાય છે. આવી સુંદર ઘટનાના ભાગીદાર બનાવતા રહેશો!!

 19. Ashish Dave says:

  Kantaba can inspire many parents…

  Ashish Dave
  Sunnyvale, California

 20. Gira says:

  WOW!! marvelous!! i love these two stories!!
  last one was pretty emotional type and inspiring!! 🙂 thanks!!

 21. rajni Gohil says:

  ભુલો ભલે બીજું બધું મા-બાપને ભુલ્શો નહીં …… મા-બપના પ્રેમનું મુલ્ય પૈસાથી મપાય નહીં. પાર્થ-વિશુએ પોતાની ફરજ અદા કરી બીજા માટે અનુકરણીય દાખલો બેસાદડ્યો. મા-બાપને પણ પાર્થ-વિશુ માટે કેટલું માન ઉપજ્યુમ હશે? When there is awill there is a way.

  છોકરાઓ નસીબદાર છ કે તેમને કાન્તાબા જેવી મા મળી.
  આઠ દિકરા-દિકરીને સમાન ગણી ઘરકામ અને ભણતરમાં કુનેહથી કામ લેવું એ નાનીસુની વાત નથી. આજના જમાનામાં પરીકથા જેવી લાગતી સાચી વાર્તા આધુનિક માતઆઓને પ્રેરણા આપે અએજ અભ્યર્થના.

 22. Aparna says:

  both stories are good and motivating too
  kantabaa charachter is particularly impressive

  lataben hope to read more of such real life stories

 23. Vaishali Maheshwari says:

  Both the stories are fantastically fabulous.

  (1) Chalochal sukh:
  Jayantbhai & Anjanaben would be so happy to see such a pleasant surprise from Parth & Vishu. While reading this story, I remembered the 25th Marriage Anniversary surprise that we all family members gave to my parents recently in the month of February. I belong to a united family and currently I am living in U.S. I happened to visit India for about two months and my parents anniversary was also during that period of time, before two days of my return flight. We all 18 family members invited all our friends and relatives and gave a grand surprise to my parents. I will never forget their facial expressions. They were so happy! I can feel how much happiness the characters of this story would have felt when they discovered that their kids came specially from USA just for their dad’s 60th birthday. We can always get time for activities that we really want to do! Excellent story.

  (2) Kanta Baa:
  Again a very nice description of a mother who is so dedicated for the development of her kids. She wanted her kids to be successful and so she taught them all her life. She worked very hard for the upliftment of all her 8 children. Hats off to this dedicated mother! She has set a very good example to her kids, so now this dedication will most probably be carried forward till generations in their family.

  Thank you Ms. Lata Hirani for these wonderful stories.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.