તો ખરા ! – ‘પથિક’ પરમાર
ઝાંઝવાંને બાથ ભીડો, તો ખરા;
પેટમાં અજગરને પાળો, તો ખરા.
દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારોને ઉલેચો, તો ખરા.
પાનખરને આમ હડસેલો નહીં;
શક્યતાને આવકારો, તો ખરા.
સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસરવા નિહાળો, તો ખરા.
ચાર પળનો ચટકો ક્યાંથી પાલવે ?
શ્વાસના સંબંધ રાખો, તો ખરા.
એક હોઠે સ્મિત ફરકાવો અને
એક આંખે ગમ વહાવો, તો ખરા.
દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.
Print This Article
·
Save this article As PDF
સરસ રચના.
નયન
“એક હોઠે સ્મિત ફરકાવો અને
એક આંખે ગમ વહાવો, તો ખરા.”
બધુ જ થઇ શકે છે, પણ એક કવિતા લખો તો ખરા.
સુંદર
ચાર પળનો ચટકો ક્યાંથી પાલવે ?
શ્વાસના સંબંધ રાખો, તો ખરા.
એક હોઠે સ્મિત ફરકાવો અને
એક આંખે ગમ વહાવો, તો ખરા.
વાહ્
ગુંજી અમર અવિનાશની પંક્તીઓ
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા
દિ’ રાત માયા મૃગજળ સાથે બાથ ભીડી, તમેય તે છો ખરા;
ભુખ રુપી અજગર પેટે પાળ્યો, તમેય તે છો ખરા.
જ્ઞાનરુપી જ્યોતને દીવડાની શુ જરુર ?
અજ્ઞાનનો અંધકાર ઉલેચ્યો, તમેય તે છો ખરા
આવે વસંત કે બેસે પાનખર;
સુખદુઃખમાં સમ રહો, તમેય તે છો ખરા
એવા વ્યાપ્યા છો સઘળે, સામે તો ઠીક;
પણ ભીંત સોંસરવા ય હવે દેખાવ છો, તમેય તે છો ખરા
શ્વાસે શ્વાસે હં સો હમ ના જાપ છે
કાળ ના ય તમે કાળ છો, તમે તો છો ખરા
હોઠે મધુરું સ્મિત ફરકાવો છો;
અને આંખો કરુણાથી વહે, તમેય તે છો ખરા
ઝુરતી પીળાશ ભલે પાંગરે;
તમ દ્વાર સદા રહે ખુલ્લા, તમેય તે છો ખરા
બસ એજ નીકળી આવ્યુ હૃદય સોંસરવુ કે…
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા
સુંદર ગઝલ અને સુંદર પ્રતિભાવો
Ashish Dave
Sunnyvale, California