રોટલા બાવા – રમણલાલ સોની

[વિશ્વના જુદા જુદા 37 દેશોની કુલ 39 સુંદર લોકકથાઓનો સંગ્રહ ધરાવતા પુસ્તક ‘વિશ્વની લોકકથાઓ’માંથી પ્રસ્તુત ઈટલીની લોકકથા સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

vishvalokkathaએક નાનું ગામ હતું.
ગામને છેવાડે એક ઝૂંપડીમાં એક ડોસો રહેતો હતો. મહેનત-મજૂરી કરી એ પોતાનું પેટ ભરતો. પોતાનું પેટ ભરાય કે ન ભરાય પણ બીજાઓનું પેટ ભરવાની એ ચિંતા કરતો. રોમની યાત્રાએ જતા યાત્રાળુઓ આ ગામમાં થઈને જતા. ડોસો એ યાત્રાળુઓને રોટલા આપતો, પોતાની ઝૂંપડીમાં એમને આશરો આપતો અને એમની થાય તે સેવા કરતો. આથી બધા એને ‘રોટલાવાળા બાવા’ તરીકે ઓળખતા. ટૂંકમાં એને ‘રોટલા બાવા’ કહેતા.

સામાન્ય રીતે યાત્રાળુઓ સાંજ સમયે આવતા; અને રોટલા બાવા એમને રોટલા જમાડી, સુવાડી, પછી જે કંઈ વધ્યું હોય તે પોતે જમી લેતા ને સૂતાં પહેલાં ભગવાનની પ્રાર્થના કરતા : ‘હે પ્રભુ, અતિથિસેવાનો લાભ મળ્યો, તેથી આજનો દિવસ મારો સુખમાં ગયો ! તારી દયાનો પાર નથી !’ સવારે વહેલા ઊઠી પથારીમાંથી બહાર પગ દેતાં પહેલાં પ્રભુની પ્રાર્થના કરવાનો તેમનો નિયમ હતો : ‘હે પ્રભુ, આજનો દિવસ તને સમર્પિત ! તારા સેવકોની સેવા કરવાનો મને લાભ આપજે, અને એમની સેવા કરી શકું એટલી મારાં કાંડાં – બાવડાંમાં તાકાત પૂરજે !’

એક વાર શિયાળાના દિવસો હતા. ટાઢ ખૂબ પડતી હતી. રોટલા બાવા બારણું બંધ કરી ઘરમાં તાપણું કરી બેઠા હતા. તેવામાં બારણે ટકોરા પડ્યા. રોટલા બાવા કહે : ‘અતિથિદેવ પધાર્યા લાગે છે ! પણ આજે આટલા મોડા કેમ ? ઘરમાં તો કશું ખાવાનું રહ્યું નથી. માત્ર અડધો રોટલો છે !’ ઊઠીને તેણે બારણું ઉઘાડ્યું. જોયું તો અસલ જોગંદર પુરુષ બારણા આગળ ઊભો હતો, અને તેની પાછળ એક-બે નહીં, પણ બાર યાત્રાળુઓ ઊભા હતા ! રોટલા બાવાને પેટમાં ધ્રાસકો પડ્યો : ‘અરે…રે, આટલા બધાને હું શું ખવડાવીશ ? તો શું હું એમને ભૂખ્યા સુવડાવીશ ? ના..રે, ભૂખ્યા કેમ સુવાડાય ? જે હશે તે ધરી દઈશ ને મારી કમજોરી માટે એમની માફી માગીશ !’

તેણે કહ્યું : ‘પધારો અતિથિદેવ, પધારો ! આજે મારું આંગણું પાવન થયું !’ આમ કહી તેણે સૌને ઘરમાં આવકાર્યા. સૌ તાપણાને ઘેરીને બેઠા, પણ તાપણામાંયે શું હતું તે ? લાકડાં બળી ગયાં હતાં ને રાખ વળી હતી. રાખની હૂંફ કેટલી પહોંચે ? પણ ઘરમાં બીજું બળતણ નહોતું, રોટલા બાવા કરે શું ?
એણે હાથ જોડી કહ્યું : ‘આજે પહેલી જ વાર એક સાથે આટલા બધા યાત્રાળુઓ પધાર્યા છે. મારી પાસે ભોજનમાં માત્ર અડધો રોટલો છે !’ યાત્રાળુઓના મુખી જોગંદર પુરુષે કહ્યું : ‘ઓહો…હો ! એટલું ઘણું થઈ ગયું ! લાવો, અમે ખરેખર ભૂખ્યા છીએ !’ રોટલા બાવા અડધો રોટલો ઢાંક્યો હતો તે લેવા ગયા. ઢાંકણું ઉઘાડીને જુએ તો તાંસળું આખું રોટલાઓથી ભરેલું ! રોટલાઓની મોટી થપ્પી હતી. એણે એક એક રોટલા ઉપાડ્યા તો પૂરા તેર રોટલા થયા ! રોટલા બાવાના આશ્ચર્યનો અને આનંદનો પાર ન રહ્યો. રોટલા લઈને એ તાપણા આગળ આવ્યા. તે બોલવા જતા હતા કે ‘આજે તો કંઈ ચમત્કાર….’ પણ એનું વાક્ય પૂરું થયું નહિ. એની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તાપણામાં લાકડાં ભડભડ બળતાં હતાં ! એના અજવાળામાં આખું ઝૂંપડું ઝળહળી ઊઠ્યું હતું, અને સુગંધ…. હા, તાપણામાંથી ચંદનની સુગંધ આવતી હતી ! રોટલા બાવાએ મનથી નક્કી કરી નાખ્યું કે કંઈ ન બોલવું એ જ ઠીક છે. તેણે યાત્રાળુઓને એક એક રોટલો પીરસ્યો.

રોટલાનું બટકું કરતાં કરતાં જોગંદર પુરુષે કહ્યું : ‘ગોળની કાંકરી હશે ઘરમાં ?’
રોટલા બાવાએ કહ્યું : ‘જોઉં !’ આમ કહી તે ઉઠ્યા. એકાદ કાંકરી ગોળ હોય ખરો એવું એના મનમાં હતું. પણ ગોળની કુલડીમાં હાથ નાખીને જોયું તો કુલડી આખી ગોળથી ભરેલી હતી ! એણે યાત્રાળુઓને ગોળ પીરસ્યો. યાત્રાળુઓએ આનંદથી ખાધું, પાણી પીધું, સગડીએ તાપ્યું, ને પછી જોગંદર પુરુષે જવાની રજા માગી.
રોટલા બાવા કહે : ‘અરે, અડધી રાતે તે જવાતું હશે ? આજની રાત અહીં આરામ કરો !’
પણ જોગંદર પુરુષે કહ્યું : ‘ના, અમારે આજે રાતે જ રોમ પહોંચી જવું છે !’ આમ કહી એણે આતિથ્ય માટે રોટલા બાવાનો આભાર માન્યો, ને ચાલવા પગ ઉપાડ્યો. બારે યાત્રાળુઓ એની પાછળ ચાલ્યા. તેમાંનો છેલ્લો જરી પાછળ રહ્યો, ને તેણે રોટલા બાવાને કહ્યું : ‘બાવા, જોગંદરને ઓળખ્યા ?’
રોટલા બાવાએ કહ્યું : ‘ના, પણ કોઈ ચમત્કારી પુરુષ છે.’
યાત્રાળુએ કહ્યું : ‘એ ઈસુ ભગવાન પોતે છે ! અને અમે એમના બાર શિષ્યો છીએ ! ભગવાને તમારા પર કૃપા કરી છે, તો પગ પકડી કંઈ વરદાન માગી લો ને !’
રોટલા બાવાએ કહ્યું : ‘વરદાન ? શી બાબત વરદાન ?’
યાત્રાળુએ કહ્યું : ‘અરે, જે સૂઝે તે !’
રોટલા બાવા દોડ્યા, અને આગળ જતા જોગંદરના પગ પકડી બોલ્યા : ‘ભગવાન, એક વર માગું છું.’
જોગંદરે કહ્યું : ‘માગ, માગે તે આપું !’
રોટલા બાવાએ જે મોંએ આવ્યું તે બોલી નાખ્યું : ‘મારી ખુરશી પર જે બેસે તે મારી રજા વગર તેમાંથી ઊઠી જ ન શકે એટલું આપો !’
જોગંદરે કહ્યું : ‘જા, આપ્યું !’

રોટલા બાવા ખુશ થયા. પેલો યાત્રાળુ સાંભળતો હતો. તેણે રોટલા બાવાને કહ્યું : ‘આવું શું માગ્યું ?’
બાવાએ કહ્યું : ‘વાહ, તમે કહેલુંને કે જે સૂઝે તે માગજે ! મને જે સૂઝ્યું તે માગ્યું !’
યાત્રાળુએ કહ્યું : ‘આવું તે મગાતું હશે ? જા, બીજું કંઈ માગ !’
વળી રોટલા બાવાએ દોડીને જોગંદરના પગ પકડી લીધા ને કહ્યું : ‘ભગવાન ! બીજું વરદાન આપો !’
જોગંદરે કહ્યું : ‘માગ, માગે તે આપું !’
રોટલા બાવાએ કહ્યું : ‘મારા ઘરના આંગણામાં ચેરીનું ઝાડ છે. એ ઝાડ પર જે ચડે તે મારી રજા વગર ઊતરી ન શકે એટલું આપો !’
જોગંદરે કહ્યું : ‘જા, આપ્યું !’

રોટલા બાવા ખુશ થયા, પણ પેલા યાત્રાળુએ કહ્યું : ‘અરે બાવા, તમે આ શું માગ્યું ? ખુરશીમાં બેઠેલો નહિ ઊઠે કે ઝાડ પર ચડેલો નહિ ઊતરે તેથી તમને શો ફાયદો થવાનો ? માટે બીજું કાંઈ માગો ! મોક્ષ માગો, ધન સંપત્તિ માગો, અરે દીર્ધાયુષ્ય માગો ! માગવાનું ક્યાં ઓછું છે ?’
રોટલા બાવા કહે : ‘એમ ફરી ફરી મગાતું હશે ?’
યાત્રાળુ કહે : ‘મગાય, ત્રણ વખત મગાય.’
રોટલા બાવાએ ફરી જોગંદરના પગ પકડી લીધા ને કહ્યું : ‘ભગવાન, દયા કરો ! ત્રીજું વરદાન આપો !’
જોગંદરે કહ્યું : ‘માગ, માગે તે આપું !’
રોટલા બાવાએ યાત્રાળુની સલાહ યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કશું યાદ આવ્યું નહિ. તેણે બોલી નાખ્યું : ‘ભગવાન, હું બાજી રમવા બેસું ત્યારે મને કોઈ હરાવી ન શકે એટલું આપો !’
જોગંદરે કહ્યું : ‘જા, આપ્યું !’
પછી જોગંદર અને એમના શિષ્યો આગળ ચાલ્યા. રોટલા બાવા ઘેર આવ્યા. મનમાં વિચાર કરે છે કે મેં આ શું માગ્યું ? પછી કહે : ‘જે સૂઝ્યું તે માગ્યું ! માગવાનું કહ્યું એટલે માગ્યું, હવે મેલ ઊંચું !’ પછી પ્રભુની પ્રાર્થના કરી એ પોઢી ગયા, તે વહેલું થજો પરોઢ !

આમ રોટલા બાવાના દિવસ જતા હતા. એમ કરતાં એ એકસઠ વરસના થયા. એક મધરાતે એમના બારણે ટકોરા પડ્યા. ઊઠીને એમણે બારણું ઉઘાડ્યું, તો એક કાળો ભૂત જેવો માણસ અંદર આવ્યો, ને બોલ્યો : ‘ચાલો, રોટલા બાવા, હું તમને લેવા આવ્યો છું.’
રોટલા બાવાએ કહ્યું : ‘પણ તમે કોણ છો એ તો કહો !’
‘કોણ તે તારો કાળ ! મોત ! તારો આવરદા પૂરો થઈ ગયો છે. ચાલો !’ મોતે કહ્યું.
રોટલા બાવાએ કહ્યું : ‘તૈયાર થવાને જરી વખત આપો. અતિથિઓ માટે આ રોટલા ગોઠવી દઉં, સૂના ઘરમાં જે આવશે તે ખાશે !’
‘ઠીક, તો એટલી વાર હું અહીં બેઠો છું !’ એમ કહી મોત મહાશય રોટલા બાવાના ઘરમાં જે એક માત્ર ખુરશી હતી તેમાં બેસી પડ્યા.

રોટલા ગોઠવી કરીને થોડી વારે રોટલા બાવા કહે : ‘લ્યો, ચલો ત્યારે, થાઓ આગળ !’
‘ચલો !’ કહી મોતે ખુરશીમાંથી ઊભા થવાનું કર્યું, પણ એનાથી ઊભા થવાયું જ નહિ. એ ખુરશીમાં જડબેસલાક ચોંટી ગયું હતું ! ઊઠવા માટે એણે જોર કર્યું તો આખી ખુરશી સાથે એ અદ્ધર થયું, પણ ખુરશી છૂટી નહિ ! ઊભા ન થવાય, તો ચાલવું કેવી રીતે ? મોતે ગુસ્સે થઈ ચીસ પાડી : ‘એ…ઈ દુષ્ટ રોટલા બાવા, આવી કેવી ખુરશી છે તારી ? શું કર્યું છે તેં આ ? ઉઠાડ મને આ ખુરશીમાંથી !’
રોટલા બાવાએ કહ્યું : ‘મેં તને કંઈ ખુરશીમાં બેસાડ્યું નથી, પછી હું શું કરવા તને ઉઠાડું ? ઊઠ તારી મેળે ઉઠાય તો ! નહિ તો અહીં આરામ કર ! વાત એમ છે કે હું કહું નહિ ત્યાં સુધી તું હવે આ ખુરશીમાંથી ઊભું થઈ શકવાનું નથી !’
મોતે કહ્યું : ‘અરે, પણ હું અહીં ચોંટી રહીશ તો મારું રાજ્ય કેમ ચાલશે ?’
રોટલા બાવાએ કહ્યું : ‘ત્રણસો વરસ સુધી મારું નામ નહિ લેવાનું વચન આપ તો છોડું !’
બીજો ઉપાય નહોતો, એટલે મોતે કરગરીને કહ્યું : ‘ત્રણસો વરસ લગી તને લેવા નહિ આવું, બાવા ! હવે મને છોડ !’ ત્યારે રોટલા બાવાએ એના પર દયા કરી : ‘ભલે, ઊઠ !’
‘ઊઠ !’ કહ્યું ત્યાં મોત ખુરશીમાંથી છૂટ્યું ને છૂટ્યું એવું જાય દોડ્યું !

ત્રણસો વરસને વીતતાંયે વાર લાગી નહિ.
ફરી મોત રોટલા બાવાને તેડવા આવ્યું.
રોટલા બાવાએ કહ્યું : ‘હું તૈયાર થઈ રહું એટલી વાર આપ આ ખુરશીમાં બિરાજો !’
મોતે દાંત કચકચાવી કહ્યું : ‘હું ઓળખું છું તને ! હવે હું તારી યુક્તિમાં ફસાવાનો નથી, તારી ખુરશીની સામુંયે હું જોવાનો નથી, હું બહાર આંગણામાં ઊભો છું !’ આમ કહી મોત આંગણામાં જઈને ઊભું, ને ચારે બાજુ ચકળવકળ જોવા લાગ્યું. ત્યાં એક ચેરી-વૃક્ષ પર એની નજર પડી. ઝાડ પર પાકાં ચેરીફળ હતાં ! મોતને ચેરીફળ ખાવાનું મન થયું. ઊભાં ઊભાં જ એણે ઝાડ પરથી એક ફળ તોડીને ખાધું. વાહ, શો સ્વાદ છે ! પૃથ્વી પર જ આવા ફળ ખાવા મળે છે તેની મોતને ખબર હતી. તે લાલચુ આંખે ફળ સામે જોઈ રહ્યું. પણ પાકાં ગલ ફળ હંમેશાં ઝાડની ઊંચી ડાળે હોય છે. એટલે પાકાં ફળના લોભે મોતે ઝાડ પર ચડવા માંડ્યું. સારાં મીઠાં ફળ હજી ઊંચે હતાં, એટલે તે હજી ઊંચે ચડ્યું ને ફળ તોડી તોડી ખાવા લાગ્યું. એટલામાં રોટલા બાવાએ ઘરમાંથી બહાર આવી કહ્યું : ‘ચલો સરકાર, થાઓ આગળ !’
મોતે ઝાડ પરથી ઠેકડો મારીને નીચે ઊતરવા પ્રયત્ન કર્યો, પણ હાથપગ ઝાડથી છૂટે જ નહિ ! ઝાડ પર ઊંચે ચડવાનું કરે તો હાથપગ ચાલે, પણ નીચે ઊતરવાનું કરે તો હાથપગ બંધ ! તેણે બૂમ પાડી : ‘એઈ દુષ્ટ રોટલા બાવા ! વળી તેં કઈ ચાલાકી કરી ? ઉતાર મને નીચે !’
રોટલા બાવાએ કહ્યું : ‘મેં તને કંઈ ઝાડ પર ચડાવ્યું નથી કે ચડવાનું કહ્યું નથી, પછી હું શું કામ તને નીચે ઉતારું ? તું ઉપર રહ્યું રહ્યું ચેરીફળ ખાયા કર અને મજા કર ! નીચે ઊતરીને તારે કામ શું છે ?’ મોતે કહ્યું : ‘આમ તો મારે અનંતકાળ સુધી ઝાડ પર ટીંગાઈ રહેવું પડે – ના, મને એ મંજૂર નથી !’ રોટલા બાવાએ કહ્યું : ‘તો તને નીચે ઉતારવાનું મને મંજૂર નથી ! મારા હુકમ વગર હવે તું નીચે ઊતરી રહ્યું.’
મોતે કરગરી કરગરીને હાથ જોડ્યા, ત્યારે રોટલા બાવાએ કહ્યું : ‘બીજાં ત્રણસો વરસ લગી મારું નામ નહિ લેવાનું તું મને વચન આપે તો તને છોડું !’
મોતે કહ્યું : ‘આપ્યું વચન ! હવે છોડ !’
ત્યારે રોટલા બાવાએ દયા કરી કહ્યું : ‘ભલે, તો ઊતર નીચે !’
‘ઊતર નીચે !’ કહ્યું ત્યાં મોતના હાથપગ છૂટ્યા. પછી નીચે ઊતરી એણે જે દોટ મૂકી છે, દોટ મૂકી છે !

વળી બીજાં ત્રણસો વરસ વીતી ગયાં.
રોટલા બાવા હવે છસો એકસઠ વરસના થયા.
આ વખતે એ પોતે જ મોતની રાહ જોતા તૈયાર ઊભા હતા. પણ મોતે એમના આંગણામાંયે પગ દીધો નહિ; બહાર રસ્તામાં ઊભું ઊભું એ કહે : ‘ચાલ, ઝટ કર ! હવે હું તને તૈયારી માટે એક પળ પણ આપવાનું નથી. તારી ચાલબાજીમાં ફસાય એ બીજા !’
રોટલા બાવા કહે : ‘હું તૈયાર જ છું. ચાલો !’ કહી એ મોતની સાથે તે જ વખતે ચાલી નીકળ્યા. મોતે જોયું કે હવે રોટલા બાવા મારા કબજામાં છે, એટલે એણે કહ્યું : ‘બે વાર તું મારી સાથે ચાલાકી રમી ગયો, પણ છેવટે તો હું જ જીત્યો !’
રોટલા બાવાએ કહ્યું : ‘જો ભાઈ, તને એક સાચી વાત કહું. આ ચાલાકી-બાલાકીમાં હું કંઈ સમજતો નથી. હું તો યાત્રાળુઓને, સાધુસંતોને, ગરીબ-ગુરબાંને રોટલા ખવડાવી જાણું ! ભગવાનને એ મારું કામ ગમ્યું હશે. એટલે એમણે મને આટલું લાંબું જિવાડ્યો !’

બંને આમ ચાલ્યા જતા હતા, ત્યાં મોતે કહ્યું : ‘રોટલા બાવા, રસ્તો સીધો છે. તમે અહીંથી આઘું-પાછું જોયા વિના સીધા ચાલ્યા જાઓ. તમારા ખાતે ઘણું પુણ્ય જમા છે, એટલે તમને સ્વર્ગમાં પ્રવેશ મળી જશે. સંત પીતર દરવાજે જ ઊભા હશે !’ આમ કહી મોતે રોટલા બાવાને સ્વર્ગનો રસ્તો ચીંધી દીધો, ને પછી પોતે પોતાના કામે ચાલી ગયું.

રોટલા બાવા એ રસ્તે આગળ વધ્યા. થોડે દૂર જતાં તેમણે એક મોટો દરવાજો જોયો. દરવાજા પર શિયાળની પૂંછળીના વાળના અક્ષરે લખ્યું હતું : ‘નરક’, અને એક ગધેડાના જેવા કાનવાળો અને ગધેડાના જેવા પગવાળો બિહામણો માણસ દરવાજાની ચોકી કરતો બેઠો હતો. દરવાજામાંથી કાન ફાડી નાખે એવી ચીસો આવતી હતી : ‘બચાવો, અમને બચાવો ! અમને આ નરકમાંથી બચાવો !’
રોટલા બાવા ત્યાં જ થંભી ગયા.
પેલા ગધેડાના પગવાળાએ કહ્યું : ‘એ ઈ ઓળખે છે મને ? હું સેતાન છું ! તું કેમ અહીં ઊભો છે ?’
રોટલા બાવાએ કહ્યું : ‘સ્વર્ગમાં જવા નીકળ્યો છું. પણ સ્વર્ગમાં પુરાયા પછી થોડી જ કંઈ બાજી રમવા મળવાની છે ? એટલે એક વાર બાજી રમી લેવાનું મને મન થયું છે. પણ કોની સાથે રમું ?’
‘કોની સાથે તે મારી સાથે ! ચાલ આવી જા !’ આમ કહી સેતાને તે જ વખતે બાજીનો પટ પહોળો કર્યો. તેના હરખનો પાર નહોતો. સ્વર્ગમાં જનારાને બાજીમાં હરાવી નરકમાં રાખવાની એને એક તક મળી હતી એ જેવી તેવી નહોતી. લુચ્ચાઈભર્યું હસીને તેણે કહ્યું :
‘જો ભાઈ, શરત વગર હું કદી રમતો નથી ! તું હારે તો શું આપશે એ કહે !’
રોટલા બાવાએ કહ્યું : ‘હું હારું તો હું આખો તારો !’
આ સાંભળી સેતાનને ખૂબ આનંદ થયો. તેને ખાતરી હતી કે બાજીમાં હું જ જીતવાનો છું, કારણ કે આ પહેલાં કદી પણ એ બાજીમાં કાર્યો નહોતો.
રોટલા બાવાએ કહ્યું : ‘અને તું હારે તો ?’
ખડખડાટ જોરથી સેતાન હસી પડ્યો. તે બોલ્યો : ‘હું હારું તો –’
રોટલા બાવાએ જ બોલી નાખ્યું : ‘તું હારે તો બાર માણસોને તારે નરકમાંથી છૂટા કરવા !’
‘કબૂલ !’ સેતાને કહ્યું, અને રમત શરૂ થઈ.

રોટલા બાવા જિંદગીમાં કદી બાજી રમ્યા નહોતા, પાસા કેવા હોય તે યે એમણે કદી જોયું નહોતું, પણ આજે એ રમવા બેઠા. એમના પાસા પોબાર પડવા માંડ્યા અને પહેલી રમત એ જીતી ગયા ! શરત મુજબ સેતાને બાર માણસોને નરકમાંથી છૂટા કર્યા. પછી ગયેલી આબરૂ પાછી મેળવવા તેણે કહ્યું : ‘આપણે ફરી રમીએ ! આ વખતે તું હારે તો આ બાર અને તેરમો તું – તેરેય જણા મારા !’
રોટલા બાવાએ કહ્યું : ‘અને તું હારે તો બીજા ચોવીસને તારે નરકમાંથી છૂટા કરવા !’
‘કબૂલ !’ કહી સેતાને રમત માંડી.
આ રમતમાં પણ સેતાન હાર્યો. તેણે ચોવીસ માણસોને નરકમાંથી છૂટા કર્યા, પણ તેનો જીવ એવો બળ્યો કે ગયેલી આબરૂ પાછી મેળવવા એણે ફરી બાજી રમવાનું કહ્યું. ક્રમે ક્રમે શરતમાં વધારો થતો ગયો, અને દરેક વખતે સેતાન હારતો ગયો. એ એવો હાર્યો કે એના નરકમાં કોઈ રહ્યું નહિ. હવે એ સમજ્યો કે હું બની ગયો, એટલે બાજી ઉલાળી એ ભાગ્યો !

હવે રોટલા બાવા સ્વર્ગ ભણી ચાલ્યા.
પણ નરકમાંથી છૂટેલા હજારો માણસો એમની પાછળ ચાલ્યા. બિચારા જાય ક્યાં ? જવાની બે જગા – એક નરક અને બીજી સ્વર્ગ ! નરકમાંથી માંડ હમણાં છૂટ્યા હતા, એટલે બાકી રસ્તો એક સ્વર્ગનો જ રહ્યો ને ! રોટલા બાવા સ્વર્ગના ઝાંપા આગળ જઈને ઊભા. ત્યાં સંત પીતર દરવાજે ઊભા હતા. તેમણે આ ટોળાને જોઈ કહ્યું : ‘એ….ઈ, તમે લોકો અહીં કેમ આવ્યા છો ? તમારે માટે અહીં જગા નથી. પાછા જાઓ નરકમાં !’
પછી તેમણે રોટલા બાવાને કહ્યું : ‘તમે ખુશીથી અંદર આવો ! હમણાં હમણાંની તમારી રીતભાત વિચિત્ર છે, પણ તમને અહીં જગા મળશે !’
રોટલા બાવાએ કહ્યું : ‘મને એકલાને ?’
‘હાસ્તો !’
‘તો આ બધાનું શું ? એ બધા મારા માણસો છે, મારી સાથે આવેલા છે, એમને મૂકીને હું સ્વર્ગમાં કેવી રીતે આવું ?’
સંત પીતરે કહ્યું : ‘કેવી ગાંડા જેવી વાત કરે છે તું ? તારી રીતભાત સમજાતી નથી ! આ બધા નરકના જીવો છે. તારી સાથે આવ્યા એ ભલે, પણ એમને હું સ્વર્ગમાં દાખલ નહિ કરું.’
રોટલા બાવાએ કહ્યું : ‘ઠીક, તો પ્રભુને મારો સંદેશો પહોંચાડશો ?’
સંત પીતરે કહ્યું : ‘શો સંદેશો છે ?’
રોટલા બાવાએ કહ્યું : ‘મારે એમને પૂછવું છે કે એ મારે ઘેર આવ્યા ત્યારે મેં નહોતું પૂછ્યું કે તમારી સાથે આ બધા કોણ છે ? આ ટોળું લઈને કેમ આવ્યા છો ? મેં તો મારાં બારણાં બધાં માટે ખોલી નાખ્યાં હતાં ! તો એમના દરબારમાં આવી ગિનતી કેમ છે ? શું માણસ કરતાં ભગવાન ઓછા અતિથિપ્રેમી છે ? માણસના આતિથ્ય કરતાં શું ભગવાનનું આતિથ્ય કમ છે ?’

આના જવાબમાં ભગવાનની એવી આજ્ઞા થઈ કે સ્વર્ગના દરવાજા ફટાક કરતા ઊઘડી ગયા, અને રોટલા બાવાની સાથે એમના હજારો અનુયાયીઓનું સ્વર્ગલોકમાં વાજતેગાજતે સામૈયું થયું. એમનાં દર્શન કરીને સ્વર્ગવાસીઓ ધન્ય બની ગયા ! હવે રોટલા બાવા સમજ્યા કે ભગવાનની પાસે એમણે જે ત્રણ મૂર્ખાઈ ભરેલાં વરદાન માગ્યાં હતાં તે ભગવાનની જ લીલા હતી. એમ કરીને પોતાના ભક્તના સામર્થ્યનો ભગવાને દુનિયાને પરચો દેખાડ્યો હતો. ભક્ત પોતે તો બચ્યા, પણ બીજા અસંખ્ય જીવોને એમણે બચાવ્યા !

[કુલ પાન : 455. કિંમત રૂ. 160 (આવૃત્તિ : 1997 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001. ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દુલારું દાંપત્ય – સં. મહેન્દ્ર મેઘાણી
માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી Next »   

21 પ્રતિભાવો : રોટલા બાવા – રમણલાલ સોની

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  best part is “સૂતાં પહેલાં ભગવાનની પ્રાર્થના કરતા : ‘હે પ્રભુ, અતિથિસેવાનો લાભ મળ્યો, તેથી આજનો દિવસ મારો સુખમાં ગયો ! તારી દયાનો પાર નથી !’ સવારે વહેલા ઊઠી પથારીમાંથી બહાર પગ દેતાં પહેલાં પ્રભુની પ્રાર્થના કરવાનો તેમનો નિયમ હતો : ‘હે પ્રભુ, આજનો દિવસ તને સમર્પિત ! તારા સેવકોની સેવા કરવાનો મને લાભ આપજે, અને એમની સેવા કરી શકું એટલી મારાં કાંડાં – બાવડાંમાં તાકાત પૂરજે !’”

  નયન

 2. મજાની વાર્તા …

  અને બંને પ્રાર્થનાઓ પણ સુંદર … પ્રેરણાત્મક …

 3. Dhaval B. Shah says:

  Nice story.

 4. pragnaju says:

  રમણભાઈ પોતાની આગવી શૈલીમા”તે ભગવાનની જ લીલા હતી. એમ કરીને પોતાના ભક્તના સામર્થ્યનો ભગવાને દુનિયાને પરચો દેખાડ્યો હતો. ભક્ત પોતે તો બચ્યા, પણ બીજા અસંખ્ય જીવોને એમણે બચાવ્યા !” સુંદર રીતે સમજાવે છે

 5. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ,

  મારે એમને પૂછવું છે કે એ મારે ઘેર આવ્યા ત્યારે મેં નહોતું પૂછ્યું કે તમારી સાથે આ બધા કોણ છે ? આ ટોળું લઈને કેમ આવ્યા છો ?

  કેટલુ સુદર …

 6. અતુલ જાની (આગંતુક) says:

  એક સાથે ઘણી બધી સુંદર વાતો આ વાર્તામાં વણી લેવાઈ છે. સરસ વાર્તા.

 7. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ વાર્તા… સદકૃત્યનો અને સતકર્મીની વાતો નો મર્મ બહુ ઉંડો અને કલ્યાણકારી હોય છે. સુંદર સંદેશાત્મક વાર્તા.

 8. Ashish Dave says:

  I have been reading Ramanlaldada since my childhood. He has a big role in shaping up my character…as well as many like me who grew up reading him and Jivramdada and all…

  Ashish Dave
  Sunnyavle, California

 9. Jalpa says:

  very nice Concept……….Always Welcome Guest……..He may b God…..who want to Test u in several Circumstances of lyfe..

 10. Gira says:

  sweet story! loved it.

 11. swati says:

  બહુ સરસ વર્તા ચ્હે. ત્રન વર્દાન ખુબ સરસ ચ્હે.વર્દાન નો ઉપ્યોગ સરસ રિતે કર્યો ચ્હે.દુનિયમા આવા સજ્જન માનસો ભાગ્યે જ જોવા મલે ચ્હે.

 12. Vaishali Maheshwari says:

  A very different kind of story that I read.
  Enjoyed reading it. Found this story very interesting.
  God always watches us. If we do good deeds, he will also do good to us.

  Thank you Mr. Ramanlal Soni for this beautiful story.
  Very nice ‘Rotla Bava’!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.