અમૂલી ભેટ – પદ્મજા તામ્હણકર

મારા અંગત કારણસર હું મારી બહેનને ત્યાં થોડો વખત રહી હતી. એનું ઘર મોટું હતું એટલે રહેવા માટે સંકોચ થતો ન હતો. પણ બીજી મહત્વની વાત એ હતી કે અમે ત્રણ જણાં વધારાનાં આવ્યાં છતાં બહેનની કામવાળીએ મોઢું મચકોડ્યું ન હતું અને આ વાતનું મહત્વ કંઈ જેવું તેવું ન હતું. આપણે કોઈને ત્યાં માંડ અઠવાડિયું રોકાઈએ તોય કામવાળા બે દિવસ બીમાર પડે, ત્રીજે દિવસે એમનું કોઈ મરી જાય, અને એ અઠવાડિયામાં ત્રણચાર રજાઓ ભોગવી લે. ત્યારે યજમાન ને મહેમાન બંને માંડ માંડ કામ પતાવે.

પણ આ કામવાળી તો દિલમાં વસી ગઈ. માલોતી એનું નામ. આમ તો આપણામાંય માલતી નામ હોય છે. પણ બંગાળીઓ એનો ઉચ્ચાર માલોતી કરે. કાળો ચીકણો રંગ, ઊંચો એકવડો બાંધો, ચહેરા પર શીળીનાં ચાઠાં, વાંકડિયા વાળની કમાનથી શોભતું કપાળ, કાળી ભમ્મર આંખની કીકીમાં હંમેશાં પથરાયેલો ઉત્સાહ, હસે ત્યારે સફેદ દાંતની પંક્તિ તરફ ધ્યાન ખેંચાય. લાંબો એક ચોટલો, ચોટલામાં સફેદ ફૂલ અને કામમાં સગવડ પડે એટલા માટે હંમેશાં ઊંચી પહેરેલી સાડી. અડધું બંગાળી અને અડધું હિંદી બોલે. કામ ખૂબ હોશિયારીથી અને તન્મયતાથી કરે. બહેનને કશામાં માથું મારવું ન પડે. એક વખત કામ બતાવી દીધા પછી ફરીથી કોઈ વખત કહેવું ન પડે. મારી નાની બેબીને શરૂઆતમાં ત્યાં ન ગમ્યું. પણ ધીરે ધીરે એ માલોતી સાથે ખૂબ ભળી ગઈ. માલોતી એની સાથે વાતો કરતી જાય ને કામ કરતી જાય. એની સાથે ઘરઘર રમે અને એને સરસ તૈયાર કરી ફરવા પણ લઈ જાય. બીજું પણ ઘણું કામ એની મેળે કરે. પગારવધારાની કોઈ જ વાત થઈ ન હતી છતાં….

મારે ત્યાંથી નીકળવાનો સમય થયો એટલે બધાંને ભેટ આપવા માટે ચીજવસ્તુઓ ખરીદવા અમે બજારે ગયાં. માલોતી માટે મારા મનમાં કૂણી લાગણી પેદા થયેલી. ત્રણચાર મહિના એણે અમારું ઘણું કામ કરેલું. એનાં લગ્ન હવે ટૂંક સમયમાં જ થવાનાં છે એમ એની મા કહેતી હતી. એટલે એનાં લગ્નની ભેટ તરીકે મેં એને માટે સ્ટીલની ડઝન વાટકી ખરીદી અને બીજી થોડીક ખરીદી પતાવી અમે પાછાં આવ્યાં. હંમેશની જેમ ડ્રાઈવર સામાન મૂકીને જતો રહ્યો. ને થોડીવારે માલોતી આવી. એનો ચહેરો કોઈ નવા જ ઉત્સાહથી ચમકતો હતો. નવી સાડી પહેરી હતી, ને કોઈ જાદુગરની માફક હાથ કામ કરી રહ્યા હતા.

કામ પત્યા પછી મેં એને બોલાવી. એના ચહેરા પર જાણે શુભવાર્તા કળી ગયાનો આનંદ હતો. મેં એને માટે આણેલી સ્ટીલની વાટકીનું ખોખું એના હાથમાં મૂક્યું ને એની આંખો અપૂર્વ આનંદથી થનગની ઊઠી. મને નમસ્કાર કરવા એણે ઘૂંટણિયે પડીને મારા બન્ને પગે સ્પર્શ કર્યો.
હું બે ડગલાં પાછળ ખસી : ‘અરે, આ શું કરે છે ?’
એણે સ્પર્શ કરેલો હાથ માથા પર લેતાં કહ્યું : ‘બેનજી, તમે મને આટલી મોંઘી વસ્તુને પાત્ર ગણી તેથી તમારી ચરણરજ લઉં છું. એ તો મારી ફકજ છે.’
‘પણ અંદર ખોખામાં શું છે તે જોયા વગર જ આમ..’
‘મને ડ્રાઈવરે બધી વાત કરી.’ એ ઝડપથી ને ઉત્સાહથી બોલી, ‘એટલે તો આટલી મોંઘી વસ્તુ તમારી પાસેથી લેવા હું આજે સારી સાડી પહેરી આવી છું. આ વાટકીઓ મારે સાસરે લઈ જઈશ. અમારે કોઈને ત્યાં સ્ટીલની આટલી બધી વાટકીઓ નથી. મારો વટ પડશે ઘેર.’ ને એનો આનંદવિભોર ચહેરો, મલકતી આંખોને ઉમંગથી થનગનતી દેહલતા જોયા પછી લાગ્યું કે કોઈ પણ પ્રકારની સુખદ અનુભૂતિમાં સૌંદર્ય ખીલી ઊઠે છે.

વાટકીનું ખોખું લઈ હવા પર તરતી એ અદશ્ય થઈ. ને થોડીવારે એ હાંફતી પાછી આવી. હું વિચારમાં પડી. મેં પૂછ્યું :
‘શું થયું ?’
‘બેનજી, હવે આટલી બધી વાટકીઓ હું ક્યાં મૂકું ને ક્યાં નહીં એમ થઈ ગયું છે.’
‘કેમ, વાત શું છે ?’
‘બેનજી, આમ તો ઉત્સાહમાં આવી જઈને મેં જ બધી વાટકીઓ અમારી આખી ચાલને બતાવી દીધી, પણ હવે હું એને મૂકું ક્યાં ?’
‘કેમ ક્યાં એટલે ?’
‘વાત એમ છે કે અમારી આ દૂર્ગાપૂજા વખતે જ વર્ષમાં એક જ વખત અમે મેળામાં જઈએ. મેળામાં જવાનું એટલે આ વાટકીઓ ઘરમાં રાખીને જાઉં, ને કોઈ લઈ જાય તો ?’
‘કેમ તાળું નથી મારતાં ?’
‘ના, એ તો અમે કદી મારતા જ નથી. પણ આ મોંઘી વાટકીઓ જોઈ કોઈ ચોરી જાય એની બીક લાગે છે. એટલા માટે તમારે ત્યાં રાખવા આવી છું. એને લીધે હું નિરાંતે મેળામાં ફરીશ. બંગડી, સિંદૂર – કેટલુંય લેવાનું છે.’
‘તું જા નિરાંતે.’ ને વાટકીઓ મૂકીને સરર કરતી દાદરો ઊતરી ગઈ. સાચે જ વાટકીઓ ઘણા હાથોમાં ફરેલી લાગતી હતી. કેટલાકને તેલના ચીકણા કે પાણીવાળા ડાઘા પણ પડેલા હતા. એને મન મોંઘી દાટ એ વાટકીઓનું કેટલું મહત્વ હતું !

ને ત્યાંથી નીકળવાને આગલે દિવસે માલોતી લાંબા કાગળમાં કંઈક વીંટાળીને લઈ આવી. ખૂબ સંકોચથી મને કહેવા લાગી, ‘બેનજી, આ વગર પૈસાની ભેટ તમારે માટે લાવી છું. આમ તો મારા પગારમાંથી લાવવાની ઈચ્છા હતી. પણ બધા પૈસા બાપે દારૂમાં બગાડ્યા.’
‘અરે, પણ તારે મને કંઈ ભેટ આપવાની હોય ખરી ?’
‘કેમ નહીં ? તમને મારે માટે લાગણી છે તેવી જ મને પણ તમારે માટે લાગણી છે.’ ને એણે વીંટેલો કાગળ ઉકેલ્યો. અંદરથી ચટાઈ જેવું કંઈક દેખાયું. મને કહે, ‘બેનજી, આ મારા મામાએ જાતે વીણેલું દર્ભનું આસન છે. તમે ભગવાનનું નામ લો છો ત્યારે શેતરંજી પર બેસો છો ને એના કરતાં આ દર્ભના આસન પર બેસો તો ભગવાનનું નામ સારું લેવાય એમ અમારામાં કહેવાય છે.’ એના આ જ્ઞાનનું મને આશ્ચર્ય થયું. સાંભળ્યું તો હતું કે આસનોમાં દર્ભનું આસન સૌથી ઉત્તમ ગણાય. પણ દર્ભાસન ક્યાં અને કેવી રીતે મળે એનો ખ્યાલ જ ન હતો. હું તો એ વસ્તુ અપ્રાપ્ય જ સમજતી હતી.

માલોતીની ભેટ આપવાની આ સૂઝ પર હું વારી ગઈ. કામવાળાં પણ આપણને આ રીતે ભેટ આપે એ તો મારો પહેલો જ અનુભવ હતો. માલોતીએ આપેલું એ ‘પૈસા વગરનું આસન’ મારે મન અણમોલ હતું. મારી વાટકીની એ આસન આગળ કંઈ જ કિંમત ન હતી. એણે જ મને ઘણી મોટી ભેટ આપી હતી. કેવા સુંદર લાગણીના સંબંધો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી
ત્યાગમૂર્તિ – રજનીકુમાર પંડ્યા Next »   

17 પ્રતિભાવો : અમૂલી ભેટ – પદ્મજા તામ્હણકર

 1. nayan panchal says:

  હ્ર્દયસ્પર્શી વાર્તા.

  ભેટનુ સાચુ મૂલ્ય તેની કિંમતથી નહી, પરંતુ તેની સાથે જોડાયેલી લાગણીઓથી અંકાય છે.

  નયન

 2. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ.

 3. અતુલ જાની (આગંતુક) says:

  જ્યારે જ્યારે હ્રદયના ઉમદા ભાવો જોવા મળે છે, ત્યારે ત્યારે હૈયું પુલકિત થઈ ઉઠે છે.

 4. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ

 5. pragnaju says:

  લાગણીના સંબંધોની સુંદર વાત

 6. ભાવના શુક્લ says:

  દરેક ભેટનુ માત્ર આર્થીક મુલ્ય જ નહી, પરંતુ લાગણી મુલ્ય પણ હોય છે અને માલોતીની ભેટ પરથી એક નવુ મુલ્ય જાણવા મળ્યુ કે ભેટ નુ એક આધ્યાત્મિક મુલ્ય પણ હોય છે અને તે ભેટને અમુલ્ય બનાવે છે.

  ઉમદા વાર્તા…

 7. Geetika parikh dasgupta says:

  કેવા સુંદર લાગણીના સંબંધો !

  Besides, Maloti pronunciation made me remember other Bengali Pronunciations. I am from Ahmedabad and after marriage came to Calcutta ( Kolkatta) . So, I felt pronunciation here are really different and at times cute. Ex: Bhegitable for Vegetable

  Nevertheless, A well written story with a beautiful subtle message.

  Thank you ReadGujarati.

 8. snehal says:

  i dont know what ppl say to those who work at home but we call her “Maaji” and she is co cute..she is not young but she is very caring, everytime i call home, she’d be like…me first, i want to talk to bunty…(i study in Aust..so …) this story reminds me our “Maaji”

  very simple but very nice story…

 9. mukesh thakkkar says:

  nice story

 10. Vaishali Maheshwari says:

  Nice story.

  Relationships are important.
  We need to learn to respect everyone – no job or no worker is poor or rich.
  Treat everyone as equal and we will also be respected.

  I usually listen many instances where maids and housewives quarrel amongst themselves. This was something different to read. This tells us, how relations can have their own definitions if there is respect and love.

  Thank you Author for this wonderful post.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.