ત્યાગમૂર્તિ – રજનીકુમાર પંડ્યા

લોકલમાં તો ભીડ શાની હોય ? ઊલટું, દરેક ડબ્બામાં જુજ પ્રમાણમાં ઉતારુઓ હોવાને કારણે મારા જેવાને એકલતા લાગે એવું હતું. છતાં એક નવો અને પંખાવાળો ડબ્બો ગોતીને મેં જમાવ્યું. બધી ચીજો ડબ્બામાં બરાબર લેવાઈ ગઈ છે કે નહિ તેની ખાતરી કર્યા પછી થેલીને ‘હૂક’ પર ટીંગાડીને હું રમણલાલ દેસાઈની ‘ગઈ કાલ’ વાંચવા બેઠો. એ સ્ટેશને એક આનાવાળી અર્ધી ચા મળતી નહોતી, નહિ તો એ પીને વાંચવા બેઠો હોત તો કંઈક ઔર ‘મૂડ’ આવત. પણ હું હજી એ પુસ્તકનું પહેલું પાનું ઉઘાડું-ન-ઉઘાડું ત્યાં તો મારી સામેની બેઠક પર એક ભાઈએ જગ્યા લીધી.

એના હાથમાંય નાનકડી થેલી હતી તે ઉપર મૂકીને, પોતાની બેઠક પર રૂમાલ પાથરીને એણે મારી સામે જગ્યા લીધી અને આરામથી બેઠા. કંટાળી ગયેલા લાગતા હતા. બારીમાંથી ડોકાવીને એમણે ચાવાળાને બોલાવ્યો અને કહ્યું : ‘અર્ધી લઈ આવ.’
‘અર્ધી આંઈ સ્ટેશન પર નો મલે, સા’બ ! આખી લાવું ? બે આના…’
‘ના, નહિ જોઈએ…’
મેં વિચાર્યું : ‘આય મારી પેઠે કડકાબાલુસ લાગે છે !’ પછી મેં ચાવાળાને બોલાવીને આખી ચા લાવવાનું કહ્યું અને પેલા ભાઈ તરફ ફરીને કહ્યું : ‘આપણે બેય અર્ધી અર્ધી પીશું. એક-એક આનો થશે – બરાબર ને ?’
‘હા, હા, એ મજાનું. પૈસાનો સવાલ નથી. પણ આખી ચા પીવાય એટલી ત્યારે પેટમાં જગ્યા જ નથી.’
‘મારેય એવું જ છે.’
ખરી વાત તો એ હતી કે અમે બેઉ મનમાં સમજતા હતા કે આખી ચા પેટને નહિ પણ ખીસાને પોસાય તેમ નહોતી. ચા આવી, બેઉએ પીધી અને પરસ્પરના પૈસા ચૂકવવાનો કૃત્રિમ આગ્રહ કર્યા વિના અમે બેઉએ એક-એક આનો ચૂકવી દીધો.

ગાડી ઊપડ્યા પછી મેં પૂછ્યું : ‘આમ કઈ તરફ જાઓ છો ?’
‘રાજકોટ. તમે ?’
‘હું યે ત્યાં જ.’
‘એમ ?’ તેણે મારા પર નજર ઠેરવી મને માપી લેતાં કહ્યું : ‘ઘરકામે જતા હશો.’
‘ના…હા….ના…. ઘરકામ તો ખાસ નથી, પણ એક ‘ઈન્ટરવ્યૂ’ આપવા જાઉં છું.’
‘શાનો ? કઈ ઑફિસમાં ?’
‘કારકૂન તરીકેનો – ઈલેક્ટ્રીસીટીમાં’
‘ગુડ !’ તેણે હસતાં હસતાં કહ્યું, ‘આપણે છેક લગી સાથે જ છીએ. હું પણ ત્યાં જ ઈન્ટરવ્યૂ આપવા જાઉં છું.’
‘એમ કે ? સરસ ! સરસ !’ કહી મેં ખુશી તો દર્શાવી, પણ મારી સામે જ મારો હરીફ બેઠો છે એ વિચારે મારું મન જરા ખિન્ન થયું. સ્વાભાવિક રીતે જ એના પ્રત્યે મારા મનમાં દ્વેષનાં બીજ રોપાઈ ગયાં. મારાથી પૂછાઈ જવાયું : ‘ક્વોલીફીકેશન્સ ?’
મને એમ કે કદાચ અણગમો દેખાડશે પણ તેણે પ્રસન્નતાપૂર્વક કહ્યું : ‘બી,કોમ થયો છું ને ત્રણ વર્ષનો અનુભવ છે.’
‘એમ ?’ મારાથી માંડ બોલાયું : ‘ત્યારે તો તમારો ‘ચાન્સ’ જરૂર લાગશે. આપણે તો માત્ર ‘ઈન્ટર’ છીએ. ને તેય બિનઅનુભવી. એટલે આપણે માટે તો હવે કશી ‘હોપ’ નથી.
‘એમ ન બોલો. ‘ઈન્ટરવ્યૂ’નું કશું કહેવાય નહિ.’

પણ હું તો એના બી.કોમ હોવાની વાત સાંભળ્યા પછી હતાશ જ થઈ ગયો હતો. ઢીલાઢફ અવાજે હું બોલ્યો : ‘થાય છે કે પાછો જ ચાલ્યો જાઉં. નકામું લોજિંગ બોર્ડિંગનું ખર્ચ વેઠવું !’
‘ના, ના, પાછા શા સારુ જવું ? બેટર ટુ ટ્રાય.’
મારાથી હૈયાવરાળ કઢાઈ ગઈ : ‘ખરેખર બેકારીનો જમાનો આવી પહોંચ્યો છે. ઈન્ટર સુધી પહોંચ્યો ત્યાં ‘સ્કોલરશીપ’ બંધ થઈ ગઈ. ઘરમાં દસ જણ તો ખાવાવાળા છે. માંદગી છે, મોંઘવારી છે, બધું જ છે – નથી માત્ર નોકરી !’ એ ભાઈ શૂન્યમનસ્કતાથી મારી વાત સાંભળી રહ્યા.
મેં આગળ ચલાવ્યું : ‘આ નોકરી ઉપર તો મારી ખાસ ટાંપ હતી. મને હતું કે મેટ્રિક માગ્યા છે ને હું તો ‘ઈન્ટર’ છું એટલે આ નોકરી જરૂર મળી જશે. પણ તમારા જેવા અનુભવી બી.કોમે અરજી કરી હોય પછી મારો નંબર ક્યાં લાગે ? માફ કરજો, આ તો હું અમસ્તો જ કહું છું. મને તમારા પ્રત્યે કશી ઈર્ષ્યા નથી; કેમ કે તમારેય નોકરીની જરૂર તો હશે જ ને ?’
‘હા. જરૂર તો ખરી જ. પણ તમારા જેટલી ગંભીર નહિ; કેમ કે, ખાવાવાળો તો હું એકલો જ છું. વળી નોકરી તો મારે હમણાં સુધી હતી પણ છટણીને લીધે છૂટા થવું પડ્યું.
‘તમને તો આ જોબ મળશે જ’ મેં કહ્યું.
‘જોઈએ હવે શું થાય છે.’ કહી એ કંઈક વિચારમાં ડૂબી ગયો અને મેં ફરી નવલકથા વાંચવી શરૂ કરી.

રાજકોટ જંકશને છૂટા પડતાં એણે મને કહ્યું : ‘મારું નામ રશ્મિન મહેતા. કાલે સવારે દસ વાગ્યે ‘જ્યુબીલીબાગ’માં મળશો ? આપણે સાથે જ ઈન્ટરવ્યૂ માટે જઈશું.’
‘ભલે. પણ સ્હેજ મોડું થાય તો રાહ જોજો. ટાઈમ તો અગિયારનો છે ને ?’
‘હા, પણ આવજે જરૂર હોં ! બાય…બાય !’
એનાથી છૂટો પડીને હું લૉજમાં ગયો. ત્યાં છ આનાવાળી પથારીમાં પડતાં પડતાં આખી રાત મને વિચારો આવવા લાગ્યા કે, ‘એ બી.કોમ અને હું ઈન્ટર. મારો ચાન્સ લાગે જ શાનો ? નકામા લોજિંગ-બોર્ડીંગના પૈસા બગાડું છું.’ અને મને એના પ્રત્યે છાનો તિરસ્કાર જન્મયો. જો કે હું જાણતો હતો કે એ બિચારો ઈરાદાપૂર્વક મારી વચ્ચે આવ્યો નહોતો. વધારે સારા ‘ક્વોલિફીકેશન’ હોય તો નોકરી માટે એનો જ હક્ક લેખાય. છતાંય મને નોકરી ન મળવાના કારણરૂપ તો એ જ બનવાનો એ વિચારે મારા મનમાં ફરી તેને માટે વિષ વ્યાપી જતું.

સવારે દાતણ કરતાં કરતાં મારા મનમાં એક વિચાર-ખરી રીતે તો કુવિચાર જ- ઝળકી ગયો. એણે મને ‘જ્યુબીલીબાગ’માં દસ વાગ્યે આવવાનું કહ્યું છે. પણ હું ત્યાં ન જાઉં તો ? એ મારી રાહ જોશે ને એને મોડું થશે. આમ થાય તો એ કદાચ ‘ઈન્ટરવ્યૂ’ને વખતે નયે પહોંચી શકે ને એનું નામ કમી થાય. એમ થાય તો કદાચ મારો ‘ચાન્સ’ લાગે !’ અને આ વિચાર જ ફરી ફરીને મારા મનને ઘેરી રહ્યો. વિચાર દુષ્ટ હતો – અન્યાયી હતો એ જાણવા છતાંય ઘેર દસ માણસ ખાવાવાળા છે એટલે ગમે તેમ નોકરી તો મેળવવી જ એ વિચાર પેલા દુષ્ટ વિચાર પર વિજય મેળવી જતો. એટલે મેં ‘જ્યુબીલીબાગ’માં ન જવાનો જ નિર્ણય કર્યો. જમી લઈને બરાબર દસ વાગ્યે લૉજમાંથી નીકળી હું સીધો ઈલેકટ્રીસીટીની ઑફિસ તરફ જ ઊપડ્યો. રસ્તામાં ‘જ્યુબીલીગાર્ડન’ આવતાં મેં એ તરફ વિજયની એક નજર નાખી ને મનોમન કહ્યું : ‘ભલે લટકે !’ અને કદાચ એ ભાઈ પાછળથી મળશે તો છેહ દીધા બદલ એની માફી માગી લેવાશે, એમ મનને મનાવતો હું ઈલેક્ટ્રીસીટીની ઑફિસે પહોંચી ગયો.

‘ઈન્ટરવ્યૂ’ માટે ત્યાં માત્ર સાત જણ જ બેઠા હતા. ત્યાંયે મારી જિજ્ઞાસા હાથ ન રહી. ધીમે ધીમે દરેકને મેં એની લાયકાત પૂછી જોઈ. કોઈ મેટ્રિક હતો તો કોઈ ‘ફર્સ્ટ ઈયર’ હતો. એમાંનો કોઈ જ ‘ઈન્ટર’ નહોતો. પેલા રશ્મિન મહેતા બી.કોમ ને ન આવવા દેવાની મારી યુક્તિ માટે મેં મનોમન ગર્વ અનુભવ્યો. જો કે મનમાં ઊંડે ઊંડે હજીય બીક હતી કે ક્યાંક અત્યારે જ આવી પહોંચશે તો ! બરાબર અગિયાર વાગ્યે બહાર આવીને પટાવાળો એક નામ બોલ્યો. અમારામાંનો એક ઉમેદવાર અંદર ગયો. મારી નજર વારે વારે ઑફિસના મુખ્ય પ્રવેશદ્વાર તરફ જતી. પેલો બી.કોમ. ક્યાંક આવતો તો નથી ને ?

અગિયારને દસે મારું નામ પોકારાયું. હું અંદર ગયો. મેં આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી જવાબો આપવા માંડ્યા. લગભગ બારેક મિનિટ ‘ઈન્ટરવ્યૂ’ ચાલ્યો. પછી હું બહાર આવ્યો. પણ બહાર આવતાં જ મને મારી મહેનત પર પાણી ફરી વળેલું લાગ્યું ! રશ્મિન મહેતા ત્યાં આવી ગયો હતો ! મોં પર સ્મિત ફરકાવી એણે મને પૂછ્યું :
‘કાં આપી આવ્યા ?’
‘હા.’ દબાતે અવાજે મેં કહ્યું.
‘જવાબો તો ઠીક આપ્યા છે ને ?’
‘ઠીક આપ્યા તો છે, પણ શા કામના ? તમારા જેવા આગળ મને ‘ચાન્સ’ જ ક્યાંથી મળવાનો હતો ?’ તેનું મોં ગંભીર થઈ ગયું. મને એ દંભ કરતો લાગ્યો. એ હાથમાં કાગળો પકડીને ચૂપચાપ જમીન તરફ તાકી રહ્યો. ત્યાં પટાવાળાએ આવીને નામ પોકાર્યું : ‘રશ્મિન મહેતા.’
રશ્મિન મહેતા ઊભો થયો.
મને થયું કે એનું બાવડું પકડીને બેસાડી દઉં એને પાછો !
પટાવાળાએ ફરી નામ પોકાર્યું : ‘રશ્મિન જી. મહેતા.’
મેં રશ્મિન મહેતા તરફ જોયું. એ પાછો બેસી ગયો હતો ! એણે પટાવાળાને કહ્યું : ‘એ નામનું કોઈ નથી અહીં !’ પટાવાળો જરા વાર થોભી, બધા પર દષ્ટિ ફેરવીને અંદર ગયો.

મેં રશ્મિન મહેતાને પૂછ્યું : ‘કેમ ગયા નહિ અંદર તમે ?’
‘બસ, અમસ્તો જ !’ સ્હેજ સ્મિત વરસાવતાં એણે કહ્યું. ને… પછી મારો હાથ પકડીને એ મને બહાર લઈ ગયો. મારી જિજ્ઞાસા વધતી જતી હતી. બહાર આવીને મેં તેને પૂછ્યું : ‘સાચું કહો. આટલે સુધી આવ્યા ને કેમ ગયા નહિ છેક છેલ્લી ઘડીએ ?’
‘કેમકે મારા કરતાં નોકરીની તમને ઘણી વધારે – ઘણી જ વધારે જરૂર છે.’
અને એ ત્યાગમૂર્તિને મેં માનસિક વંદન કર્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમૂલી ભેટ – પદ્મજા તામ્હણકર
ઈશ્વરને ત્યાં દેર કે અંધેર ? – મોહમ્મદ માંકડ Next »   

19 પ્રતિભાવો : ત્યાગમૂર્તિ – રજનીકુમાર પંડ્યા

 1. nayan panchal says:

  અસલામતીની ભાવનાથી પ્રેરાઈને સારો માણસ પણ કુવિચારોને આધીન થઈ જાય છે.

  સારી વાર્તા.

  નયન

 2. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ વાર્તા.

 3. કલ્પેશ says:

  રશ્મિનભાઇની જગ્યાએ હુ હોઉ તો આ કરુ? ખરેખર વાગોળવા જેવો સવાલ.

 4. Dhaval B. Shah says:

  સરસ વાર્તા.

 5. અતુલ જાની (આગંતુક) says:

  વાર્તા ગમી.

 6. મને કેમ રશ્મિનભાઈ જેવું કોઇ ન મળ્યું !! 🙂

  મજાની વાર્તા …

 7. kali says:

  સરસ્ વાર્તા. આવો માણસ મળવો ખુબ જ અઘરો છે. આજ ના જમાના મા કોણ્ બિજા નુ વિચારે છે?

 8. Ranjitsinh Rathod says:

  મજા આવી

  ખુબ જ સુદર

 9. Niraj says:

  પ્રેરક લેખ… મજા આવી…

 10. pragnaju says:

  સામાન્ય રીતે સત્ય ઘટના/પાત્રો પર લખતા રજનીકુમાર પંડ્યાની આ પંક્તિઓ
  મેં તેને પૂછ્યું : ‘સાચું કહો. આટલે સુધી આવ્યા ને કેમ ગયા નહિ છેક છેલ્લી ઘડીએ ?’
  ‘કેમકે મારા કરતાં નોકરીની તમને ઘણી વધારે – ઘણી જ વધારે જરૂર છે.
  વાંચતા આંખ ભીની થઈ ગઈ! કાશ આ પ્રસંગ અને પાત્રો સાચાં હોય!

 11. Hardik says:

  I am sure Rashmin Mehta must have got another better job after this great sacrifice. કારણ કે ઈશ્વરને ઘેર દેર છે અંધેર નહિ..

  Happy ending is coveted or पिक्चर अभी बाकी है मेरे दोस्त| 🙂

 12. ભાવના શુક્લ says:

  રજનીકુમાર પંડ્યાની વાર્તા કદી વાર્તા લાગતીજ નથી…સત્યઘટના જ લાગે. વાર્તાના પાત્રો, વાતાવરણની શરુઆત, વાર્તા જે પ્લોટ કે પ્રશ્ન પર દોરાતી હોય તે જાણે કોઇ બાજુમા બેસીને પોતાની વાત કહેતુ હોય તેવુ વધુ લાગે છે અને આથી જ કદી કોઇ રસક્ષતી કે અતિશયોક્તિ કે અલંકૃતતાનો મારો ના હોય.
  ખુબ સુંદર વાત.

 13. Dipak says:

  One of the best example to sacrifice for more needy person.
  Very nice story.

 14. Ashish Dave says:

  Giving up for a cause is the ultimate tragedy for all parties. Nice story.

  Ashish Dave
  Sunnyvale, California

 15. Maitri says:

  ઘણી જ સુન્દર વર્તા છે. I wish k aajna zamna ma koi aavu male… kmk khub j agharu chhe…. aava sara manso malva… salam chhe aava manasone…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.