નિષ્ફળતાનો ડર – વનરાજ માલવી

મને જીવનમાં ઘણી ઘણી વસ્તુઓ કરવાની ઈચ્છા થાય છે, પણ તેમ કરવામાં મારા પગ પાછા પડે છે. એનું કારણ ? નિષ્ફળતાનો ડર. હું કંઈક કરવા જાઉં અને તે બરાબર ન થાય તો ? ખરાબ થાય એ કરતાં ન કરવું શું ખોટું ? પરિણામ એ આવે છે કે હું કંઈક કરવાથી અળગો રહું છું, ને મારી સફળતાની સંભાવના જોજન દૂર રહી જાય છે. હું કવિતાઓ લખું છું, મને તે લખવામાં આનંદ આવે છે, પણ હું કોઈને બતાવતો નથી. કારણ ? એ જોનારને મારી કવિતાઓ ન ગમે તો ? તો એ મારી હાંસી ઉડાવે ! મને કવિતા લખતાં નથી આવડતું એમ એને થઈ જાય. એનો અર્થ એ કે હું નિષ્ફળ નીવડ્યો. મને એ નિષ્ફળતાનો ડર સતાવે છે, એ બાબત મારા જીવનમાં નડતરરૂપ સાબિત થાય છે.

અગર, કુમુદિનીનો દાખલો લઈએ. તેનો પતિ એક સારી કંપનીમાં ઊંચે હોદ્દે છે. તેને પોતાની કંપનીની બહારગામની શાખાઓ સાથે સંપર્કમાં રહેવું પડે છે, એ કારણે તેને ત્યાં મહેમાનોની અવરજવર ઠીકઠીક રહે છે. તે મહેમાનોની આગતાસ્વાગતામાં ભાગ લે છે, પણ તેમની સાથે હળતીભળતી નથી, ત્યાં એ પાછી પડે છે. કારણ ? તેના મનમાં એક બીક પેસી ગઈ છે : ‘મારાથી એમના જેવી વાત ન થાય તો ? મારાથી કંઈક ખોટું બોલાઈ જાય તો ? તો મારી શી કિંમત રહે ?’ એવી નિષ્ફળતાના ડરે તેઓ સાથે મુક્તપણે વાતચીતમાં ભાગ લેતી નથી. પણ બીજાં સગાંવહાલાં કે પરિચિતો ઘેર આવે છે ત્યારે ? ત્યારે કુમુદિની એવી મોકળાશ અને સહજપણે વાતોમાં ઊતરી શકે છે ! ક્યારેક ક્યારેક તે એવી ખીલી ઊઠે છે કે બધામાં જાણે એ જ કેન્દ્રસ્થાને ન હોય !

મનુનો દાખલો લઈએ. તેને નવું નવું જાણવાનો ઘણો ઉત્સાહ છે. બહારગામથી કોઈ વક્તા આવ્યાનું જાણે તો એ એની સભામાં અચૂક જાય. ભાષણ ધ્યાનથી સાંભળે. કેટલીક વાર તેને નવા નવા સવાલો પૂછવાની ઈચ્છા થાય. ભાષણને અંતે એવી સગવડ પણ મળે, તોય મનુની જીભ ઉપડે નહિ. કારણ અગાઉ જોયું તે જ. ‘રખેને હું બરાબર સવાલ ન પૂછી શકું…. યા, મારો સવાલ વક્તાને બરાબર ન લાગે તો ?’ લોકો કદાચ હસવા માંડે…. યા, કદાચ હાંસીપાત્ર નીવડાય.’ આ સંશયે તે સવાલ પૂછવાની ઈચ્છા પોતાના મનમાં જ દાબી દેતો. અને, ઘેર જાય ત્યારે મનમાં ચચરાટ અનુભવે : ‘મારે સવાલ પૂછવો જ જોઈતો હતો ! મેં શું કામ ન પૂછ્યો ?’ એટલે તેની પણ એ કંઈક વેદના અનુભવતો.

આવું કેમ થતું હોય છે ? એમાં કંઈક આવો ખ્યાલ કામ કરતો હોય છે : ‘જે કંઈ કરીએ તે ઉત્તમ જ નીવડવું જોઈએ. જે કરીએ તેમાં સફળ થવું જ જોઈએ.’ આવી વ્યક્તિને નાનકડી નિષ્ફળતાનો ડર પણ ખૂબ સતાવે છે. જાણે કે નિષ્ફળતા એ કંઈ મોટો ગુનો ન હોય ! પોતે સફળ થાય તો ઊંચો; સફળ ન થાય તો નીચો ! આ ખ્યાલ કે ભ્રમણા મનમાં રમતી હોય તો તેને દેશવટો આપવો જરૂરી છે.

દરેક માણસે જાતજાતની ઘણી ઘણી કામગીરી કરવી પડતી હોય છે. નાનાંમોટાં જાતજાતનાં કામ કરવાનાં રહે છે. તો, એવું બની શકે ખરું કે તે જે કંઈ કરે તે બધું શ્રેષ્ઠ જ નીવડે ? આવું શક્ય હોય એ આપણે કલ્પી શકતા નથી. તે કેટલીક બાબત ઘણી સારી રીતે પાર પાડી શકે છે, તો કેટલીક મધ્યમ કહી શકાય તેવું પરિણામ આવે. કેટલીક બાબત નબળી પણ પડે છે. બીજા શબ્દોમાં કહું તો દરેકેદરેક બાબત કુશળપણે કરવાનું મનુષ્ય માટે કઠણ નહિ, અશક્ય છે. એક માણસ સારો કવિ થઈ શકે તો સામાજિક વ્યવહારમાં તે કાચો પડે. એક માણસ સારો ઈજનેર થઈ શકે તો સારી ભાષામાં પત્રવ્યવહારનો ખરડો ન પણ કરી શકે. તેમ છતાં કવિએ સામાજિક વ્યવહારો પણ સાચવવા પડે છે અને ઈજનેરે પત્રો પણ લખવાના થાય છે. કોઈ માણસ ખૂબ કાબેલ હોય, કુદરતે તેને તેજસ્વી બુદ્ધિ આપી હોય તોપણ, અમુક મર્યાદિત બાબતમાં જ તે નિષ્ણાત બની શકે છે; તમામમાં નહિ. આમ, આપણે સૌએ મનુષ્ય તરીકેની મર્યાદા સ્વીકારી લેવી જોઈએ. આપણે જે કંઈ કરીએ તેમાં સારો જ દેખાવ કરવો જોઈએ કે સફળ નીવડવું જોઈએ એ શક્ય જ નથી. પણ તેથી, જેમાં ઉત્તમ પરિણામ ન આવે એવો ખ્યાલ હોય તે બાબત ન જ કરવી એમ હોઈ શકે નહિ. નહિ તો જીવનની અનેક પ્રવૃત્તિઓથી વંચિત રહેવાનું થાય.

વળી જે બાબતમાં માણસ નિષ્ણાત ગણાય છે ત્યાંય એણે ઠીક ઠીક મર્યાદામાં રહીને કામ કરવાનું હોય છે. એ નિષ્ણાત છે માટે જ પહેલે નંબરે હંમેશ રહેશે એવું પણ ન બની શકે. જે પ્રવૃત્તિ એ કરે છે તે અનેક બીજાઓ પણ કરતા હોય છે. દરેક જણ પોતાની શક્તિ, સૂઝ અને જહેમત મુજબ આગળ વધતો રહે છે. કોઈને માટે પણ પહેલો જ નંબર ટકાવી રાખવાનું – અને તેય લાંબો સમય જકડી રાખવાનું – ઠીક ઠીક મુશ્કેલ બની જાય છે. પણ તેથી, પોતાની પ્રવૃત્તિથી ફારેગ થઈ જવું એમાં કોઈ શાણપણ નથી. તેમ, બીજાઓને પાછળ પાડી દેવાની વૃત્તિથી સતત દોડતા રહેવું એમાં પણ કોઈ ડાહપણ નથી. જ્યારે તમે બીજાથી ચઢિયાતા નીવડવા ખાતર જ જે તે પ્રવૃત્તિ કરો છો ત્યારે એ પ્રવૃત્તિમાંથી તમારો રસ ઊડી જાય છે; હકીકતમાં તે તમારા મન પર બોજારૂપ થઈ જાય છે. એમ કરો છો ત્યારે તમે ‘તમે’ રહેવા પામતા નથી. તમે તમારા આનંદ કે હિત ખાતર અમુક કામગીરી કરો છો, તેને બીજા સાથે શી લેવા-દેવા ? તમે તમારી રીતે વિકાસ કરતા રહો; એ ભલે એની રીતે વિકાસ કરતો રહે. તમે જે તે વ્યક્તિને લક્ષમાં રાખીને જ દોડવાનું રાખો તો તમે તમારું સ્વપણું ગુમાવી બેસો છો. એ રીતે, તમારી પ્રવૃત્તિનો ઢાંચો ઘડવાનું કામ બીજા પર નિર્ભર થઈ જાય છે, તમારા પર નહિ. તમે તમારા પોતાના ગજથી નહિ, પણ બીજી વ્યક્તિના ગજથી જાતને મૂલવવા માંડો છો. તમે ‘અ’ વ્યક્તિ સાથે તમારી જાતને મૂલવો તો તમે તમને ઊંચા ગણી લેશો; ‘બ’ વ્યક્તિ સાથે તેમ કરવામાં ઊતરતા માની લેશો. દરેક માણસની આવડત, કુશળતા ને શક્તિ મુજબ આંતરિક મૂલ્ય હોય છે. તે ઘડીઘડીમાં વધઘટ થતું નથી. પણ જ્યારે માણસ અન્ય સાથે તુલના કરવા મંડી પડે ત્યારે તે એક ટાંકણે એક માપ ગણે છે, બીજા ટાંકણે બીજું માપ. હકીકતમાં, 15નું મૂલ્ય પંદર જ રહે છે; 12ની સાથે તુલના કરતાં ચઢી જતું નથી કે 18 સાથે સરખામણી કરતાં કમી થઈ જતું નથી. પણ માણસ અન્ય વ્યક્તિ સાથે તુલના કરવા તરફ લલચાય છે ત્યારે આવો ભ્રમ પેદા થાય છે. પરિણામે, કેટલીક વાર તે પોતાને ખૂબ ‘સફળ’ માની લે છે તો કેટલીક વાર ‘નિષ્ફળ’. હકીકતમાં તો તમે જે છો તે જ છો. અન્ય વ્યક્તિના ગજથી ઘડી ઘડીમાં માપ બદલતા રહો એમાં કોઈ ઔચિત્ય નથી. ઊલટાની, તમને ‘અસલામતી’ અને ‘બિનલાયક’ની લાગણી સતાવતી રહેશે. તમે જાતને કહેતા રહેશો : ‘હું બીજાઓની સમાન કે ચઢિયાતો નીવડું તો જ હું મારો સ્વીકાર કરી શકું.’ તમે, જેવા છો તેવા સ્વરૂપે, તમને ન સ્વીકારી શકો તો જાત માટે ખૂબ ઊતરતો મત થઈ જશે. તે પછી, તમે તમારી કુદરતબક્ષી કુશળતાનોય પૂરતો ઉપયોગ નહિ કરી શકો. અને, કોઈકની સાથે તુલના કરવાથી તમને ‘સફળતા’ની લાગણી થાય તોય એનો આનંદ બહુ લાંબો સમય નહિ ટકી રહે. એ લાગણી કામચલાઉ નીવડશે. કારણ કે, તમને તમારી સરખામણી કરવા માટે બીજી વ્યક્તિઓ પણ મળી રહેવાની છે. તે વેળા તમે જુદી જ લાગણી અનુભવશો કે જે તમારા હિતમાં નહિ હોય. તમે જે પ્રવૃત્તિ કે કામગીરી કરો તે સ્વને લક્ષમાં રાખીને કરો, સ્વ ખાતર કરો; કોઈની સરખામણી ખાતર નહિ કે કોઈક તે કરે છે માટે પણ નહિ !

તો, અગાઉ જોયું તેમ, તમે જે પ્રવૃત્તિ કરો તે સ્વ માટે અને એ પ્રવૃત્તિ ખાતર કરો. એમાં સફળ થવાની જ એકમાત્ર ગણતરીથી નહિ. જ્યારે માણસ સફળતાને જ આરાધ્યદેવી તરીકે ગણીને, તેની પાછળ મંડી પડે છે ત્યારે એ તેને માટે ઘણી માનસિક અણખટ ઊભી કરે છે. ઘણી વાર, માણસ પોતાનું શરીર સહી શકે તે કરતાંય તેની પાસે વધારે મજૂરી કરાવે છે. જાતને ખૂબ ધક્કા મારે છે. અને એવી સફળતા હાંસલ કરવાની તેની ભીષ્મપ્રતિજ્ઞા નબળી પડે ત્યારે તે પોતાને માટે પીડદાયક પરિસ્થિતિ ખડી કરે છે. એ માણસ જીવનનો આનંદ માણતો સદંતર બંધ થઈ જાય છે. અલબત્ત, એ માણસ પોતે જાતે થઈને ખૂબ કામ કરવામાં આનંદ માણતો હોય તો તો કશું કહેવાનું નથી. ભલે તે રોજ 16 કલાક કામ કરે. પણ બીજી વ્યક્તિનું જોઈને કે તેનાથી ચઢિયાતા થવા ખાતર જ તણાઈ તણાઈને કામ કરે તો નથી તેને માટે કામનો આનંદ રહેતો કે નથી તો તેને માટે જીવનનો આનંદ રહેતો.

માણસ હંમેશ સફળ થવાની ગણતરીએ જ કામ કરે અને નિષ્ફળ જાય ત્યારે ચિંતા સવાર થઈ જાય તો તે અવનવા પ્રયોગો કરતાં ડરશે. તે કંઈક નવી અજમાયેશ કરતાં બીશે. નાનકડી ભૂલ પણ એને માટે મહાસ્વરૂપ બની જશે; તેથી ભૂલ ન જ થઈ જાય તે માટે તે અતિ સાવચેત થઈ જશે. તે સંજોગોમાં બનશે એવું કે જે ન કરવું ઘટે તે જ કરી બેસશે ! જ્યારે માણસનો સમગ્ર ઝોક સફળતા પર જ રહે છે ત્યારે એને માટે પસંદગીની ભૂમિકા બહુ સાંકડી થઈ જાય છે. તમે જે કરો તેમાં સફળતા એક ગણતરીરૂપે ભલે હોય, તે તમારી આગવી જરૂરિયાત ન બની રહેવી જોઈએ. તમારા પ્રયત્નો પ્રયોગાત્મક અને આનંદદાયી હોવા જોઈએ. તમે ઉમળકાભેર અને હોંશથી પ્રયત્ન કરો તો સફળતા આપોઆપ દોરાઈ આવે. તમારા પ્રયાસોમાં કચાશ કે ખામી હશે તોય તમને તે આઘાતરૂપ નહિ લાગે. કારણ કે તમારું લક્ષ્ય પ્રવૃત્તિ પર ટેકવાયેલું હશે, સફળતા પર નહિ. તે કારણે તમને નિષ્ફળતાનો ડર નહિ લાગે. તમે નિષ્ફળતાના હાઉનો ખ્યાલ કર્યા વિના કોઈ પ્રવૃત્તિ કરો છો ત્યારે સફળ થવાના સંજોગો વધારે ઊજળા બને છે. પણ, તમે જે કરો તે બધામાં સો ટકા કાબેલિયત અને કાર્યકુશળતાની જ ગણતરી મૂકતા રહો તો તમારે મનુષ્ય નહિ, દૈવી મનુષ્ય થઈ રહેવું પડે. હકીકતમાં, માણસે માણસ થઈને જ રહેવું જોઈએ; દેવ થવાના તેના પ્રયત્નો બિનકુદરતી સાબિત થાય છે. તમે નથી અતિમાનવ કે નથી અલ્પમાનવ. જે છો તે માત્ર માનવ જ. એટલે તમારે તમારું મનુષ્યપણું – સો ટકા મનુષ્યપણું સ્વીકારી લેવું જોઈએ. તમારી નબળાઈ-સબળાઈ બધુંયે તમારા અંગરૂપ છે. મનુષ્ય થઈ શકાય એ કરતાં વધારે દેવસ્વરૂપ થવા જશો તો ? એક પલ્લે તમે હશો, બીજે પલ્લે પૃથ્વી પરના કરોડો માનવીઓ હોવાના. એ રીતે તમે તમારે માટે જ સમસ્યા ઊભી કરશો ! મનુષ્ય મનુષ્ય રહે એ બાબત આપણે ઠીક ઠીક ચર્ચા કરી ગયા. તમે સફળતાને તમારી આગવી જરૂરિયાત ન બનાવી બેસો તો સારુ તથા નિષ્ફળતાના ડરને વસાવી ન બેસો તે સારુ, કઈ રીતે વિચારવું જોઈએ તેનો ખ્યાલ કરીએ. એનાં કેટલાંક પગલાં અગાઉ જોઈ પણ ગયા છીએ; તે સમેત અત્રે વિગતવાર નજર નાંખી લઈએ.

[1] તમે તમારો સમગ્ર ઝોક કામ પર જ આપો. એ સંપૂર્ણપણે ઉત્તમ જ થવું જોઈએ એવી કોઈ લાલસા તેની સાથે ન જોડો. તમારા પ્રયત્નો નિષ્ઠાપૂર્વકના હશે એટલે એ કામ જેટલું સારું થવાનું હશે તેટલું થશે જ. એમાં ગલતી રહી હશે તો ફરી પ્રયત્નો કરીને તમે સુધારશો. પણ એ કામ સો ટકા પરિપૂર્ણ કરવાની જ ગણતરી હશે તો તમારી મનુષ્યસહજ મર્યાદાને ઓળખવામાં નિષ્ફળ જશો. જે અશક્ય છે તેને શક્ય બનાવવાના પ્રયાસો કઈ દિશામાં પરિણમે તેનો ખ્યાલ કરવો કઠણ નથી. કોઈ સર્જન દર્દી પર છરી ચલાવે છે ત્યારે એનું સમગ્ર ધ્યાન એના શરીરના એ ભાગ પર જ રહે છે. તેનું બધું લક્ષ્ય ત્યાં જ કેન્દ્રિત થાય છે, અને શું કરવું તેટલું જ માત્ર વિચારે છે. ઑપરેશન શરૂ કરતાં અગાઉ પરિણામ નક્કી કરી નાખતો નથી. ‘મારે આ ઑપરેશન સફળ જ કરવું છે’ એવા નિરધાર સાથે વાઢકાપ કરવા જાય તો ? તો તો સફળ થવા સારુ ‘આમ કરું કે ન કરું ?’ એની સમસ્યામાં જ તે અટવાયેલો રહેશે. એ કારણે નિષ્ફળતામાં સરી પડવાની સંભાવના ઘણી રહે છે. માણસ સફળ થવાની ગણતરીએ કે કોઈના કરતાં ચઢિયાતું કરવાની ગણતરીએ કામ કરે છે ત્યારે તે પોતાનું સાચું નિશાન-કામ-ચૂકી જાય છે. હા, હું સફળ થવાની જરા પણ વિરુદ્ધમાં નથી, પણ સફળ થવાની ઘેલછાની વિરુદ્ધમાં છું. જ્યારે માણસ સફળ થવા પર જ સમગ્ર ધ્યાન ઠેરવે છે ત્યારે ‘આ કરું કે પેલું કરું’ એની એ વિમાસણમાં ફસડાયેલો રહે છે. તેથી તે ક્યાં તો એકેની અજમાયેશ કરતો નથી યા ખોટો વિકલ્પ આદરી બેસે છે. જ્યારે કામ પર જ લક્ષ્ય આપીને તે પોતાના પ્રયત્નો અજમાવે છે ત્યારે, એક પછી એક વિકલ્પ અજમાવવાની તૈયારી રાખે છે. પહેલું પગલું ખોટું પડે તો તેમાંથી જે શીખી શકાય તે શીખી લઈને બીજું પગલું ભરે છે. તેમાં નિષ્ફળ જાય તો ત્રીજાની અજમાયેશ કરે છે. પણ સફળતા પર લક્ષ્ય ઠેરવનાર, પહેલો દાવ નિષ્ફળ જતાં જ એવો સ્તબ્ધ કે ક્ષુબ્ધ થઈ જાય છે કે, ‘બીજા પગલામાં પણ એવું જ પરિણામ આવે તો શું ?’ – એ વિચાર તેના મનને ઘેરી લે છે. તે સંજોગમાં કદી સારો દેખાવ નહિ જ થઈ શકે.

[2] તમે જે પ્રવૃત્તિ કરવા ધારી હોય તેમાં સફળ ન પણ થવાય. કોઈ પ્રવૃત્તિના આરંભ સાથે જ તેનું પરિણામ સંકળાયેલું હોતું નથી. એ તો જેમ જેમ તેમ કરતા જાઓ, અને અનુકૂળ (કે પ્રતિકૂળ) પરિસ્થિતિ સાંપડતી જાય તેમ એના પરિણામનો ઢાંચો ઘડાતો રહે છે. એ હકીકતનો સ્વીકાર કરી લેવો ઘટે : તમે બધી જ પરિસ્થિતિમાં કામયાબ નહીં નીવડી શકો; કેટલીક પરિસ્થિતિમાં જ શક્ય બને, પણ દરેક પરિસ્થિતિમાં સારો દેખાવ થઈ શકે એવું ભાગ્યે જ બનશે. તેથી, તમે જે સિદ્ધ કરવા ઈચ્છતા હો તેમાં સફળ ન પણ થાઓ તો ભલે. એનાથી તમને રંજ થાય એ દેખીતું છે. પણ ‘હું પાયમાલ થઈ ગયો’ એવી લાગણી ન થાય તે ઈચ્છનીય છે. નિષ્ફળતાથી ખેદ થાય ત્યાં લગી બરાબર છે, પણ તેથી તમે તમારું મૂલ્ય કમી આંકતા થઈ જાઓ એ કોઈ રીતે હિતાવહ નથી.

[3] કોઈ કામ તમારી અપેક્ષા મુજબ ન નીવડે તો ? એનો સારો રસ્તો છે : એ વસ્તુની પુન: અજમાયેશ કરો. કોઈ પણ બાબત, વિવેકપૂર્વક સતત પ્રયત્નો કરતા રહેવાથી જ, ભૂલ કે ગલતીનું પ્રમાણ ઘટાડી શકાય છે; કામગીરીનું ધોરણ સુધરતું રહે છે. તમને ભૂલની બીક સતાવતી ન હોવાને કારણે તમે વધુ ને વધુ જોખમ લેવા તરફ વળો છો તેથી જે કામ કરવામાં પાછા પડો તે કરવામાં તમે એમાં હાથ નાખવાનો ફરી પ્રયાસ કરશો.

[4] જે કામ કે વ્યવસાય કે પ્રવૃત્તિમાં કુશળતા હાંસલ કરવી હોય તે માટેના પ્રમાણિક અને સંનિષ્ઠ પ્રયત્નો કરો. એમ છતાં તેમાં નિષ્ફળ જાઓ તોય તમે તમારી જાતને ઉતારી ન પાડશો. તેમાં તમારા અહંને વચમાં ન લાવશો. તમે એક કામ સારી રીતે પાર ન પાડી શક્યા હો તેથી ઊતરતી વ્યક્તિ થઈ ગયા અગર તેને સરસ પાર પાડી શકો તેથી એક અદ્દભુત વ્યક્તિ હોવાના ખ્યાલમાં તણાઈ ન જશો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈશ્વરને ત્યાં દેર કે અંધેર ? – મોહમ્મદ માંકડ
જીવનઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર Next »   

21 પ્રતિભાવો : નિષ્ફળતાનો ડર – વનરાજ માલવી

 1. nayan panchal says:

  વનરાજ માલવી ગુજરાતી સાહિત્યમાં personal development ક્ષેત્રના ખૂબ લોકપ્રિય લેખકોમાંના એક છે. તેમનો આ લેખ અંગત અને વ્યવાસાયિક જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી શકે એમ છે.

  યાહોમ કરીને પડો, આગળ ફતેહ છે.

  વનરાજભાઈનો અને મૃગેશભાઈનો ખૂબ આભાર.

  નયન

  “હકીકતમાં, 15નું મૂલ્ય પંદર જ રહે છે; 12ની સાથે તુલના કરતાં ચઢી જતું નથી કે 18 સાથે સરખામણી કરતાં કમી થઈ જતું નથી.”

  “નાનકડી ભૂલ પણ એને માટે મહાસ્વરૂપ બની જશે; તેથી ભૂલ ન જ થઈ જાય તે માટે તે અતિ સાવચેત થઈ જશે. તે સંજોગોમાં બનશે એવું કે જે ન કરવું ઘટે તે જ કરી બેસશે ! “

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. સાવ સાચી વાત

 3. dipika says:

  good article to be self motivated.

 4. Ranjitsinh Rathod says:

  સાચી વાત પણ તેનો અમલ કરવો ખુબ જ મુશ્કેલ….

 5. અતુલ જાની (આગંતુક) says:

  વનરાજભાઈનો સુંદર લેખ જાણેકે ગીતાનો કર્મયોગનો સિદ્ધાંત નવા સ્વરૂપે વર્ણવતા હોય તેવો લાગે છે.

  કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
  મા કર્મફલહેતુર્ભુર્મા તે સંગોસ્ત્વકર્મણિ ||

 6. pragnaju says:

  આ તો અમારો રોગ !
  જે કંઈ કરીએ તે ઉત્તમ જ નીવડવું જોઈએ. જે કરીએ તેમાં સફળ થવું જ જોઈએ. સાચે જ અમને નાનકડી નિષ્ફળતાનો ડર પણ સતાવે છે.
  આજે તો ચારાસાઝ મળી ગયા
  ધન્યવાદ્

 7. ભાવના શુક્લ says:

  નાનકડી નિષ્ફલતાનુ પણ પરિણામ જેને વરવુ ભોગવવાનુ આવ્યુ હોય તે ભીરુ પ્રકૃતિ ધરાવતા થઈ જાય છે. છતા ડગલુ ભર્યુ કે ના હઠવુ ના હઠવુ…. કરી આગલ વધતા તો જવુજ પડશે. ડર તો લાગે પર આરો નથી કોઇ…

 8. Ashish says:

  I like the article value. And I feel that after the long understanding, author should present the short direct points. These points we can remember easily and help more as we practice them. Understanding can be lost easily over the period of time, but those practiced points can be like a set of personal things, that we use all time.

 9. Bhupendra says:

  તમારી દરેક લેખ વાંચવો ગમે છે.

 10. Sanjay says:

  Yes, Start to walk in one Direction, complete walk unless you have lost yourself !

  Vanrajbhai no khub-khub abhaar.

  Mrugeshbhai…you are done ! Keep Gujarati UP !

 11. […] એ એનો જન્મસિદ્ધ અધિકાર છે. (વાંચો : ‘નિષ્ફળતાનો ડર’ – વનરાજ માલવી) રીડગુજરાતી પર જે કંઈ હોય એ બધું […]

 12. Dhaval Shah says:

  સરસ લેખ. ગમે તેટલા પ્રયત્નો કરીઍ, છતા દરેક કામમા સફળ થવાની ઈચ્છા ઓછી થતી નથી. સ્વભાવદોષ..

 13. Dalwadi Manoj says:

  I like this article.
  Very Very Good… Better… & Best.

 14. Ashish Dave says:

  The majority of men meet with failures because of their lack of persistence in creating new plans to take the place of those that fail. Persistence is key.

  Most of the important things have been accomplished by people who have kept on going when there seemed to be no hope at all. You do what you can for as long as you can, and when you finally cannot, you do the next best thing. You back up but you don’t give up.

  There is this saying… champions keep playing until they get it right

  Good stuff…

  Ashish Dave
  Sunnyvale, California

 15. Bhumish says:

  exciting

 16. Kamakshi says:

  ખૂબ જ સરસ લેખ. આનો અમલ કરવો અઘરો છે પણ પ્રયત્ન, પ્રયત્ન અને પ્રયન્ત….

 17. Arpit says:

  સફળ માણસ કયારેક તો અસફળ થયો જ હશે ને.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.