હસ્તમેળાપ – ફાધર વાલેસ

lagnasagar[પ્રસ્તુત કૃતિ આદરણીય ફાધર વાલેસના પુસ્તક ‘લગ્નસાગર’ માંથી સાભાર લેવામાં આવી છે. લગ્ન પ્રસંગે ભેટ આપવા માટે તેમજ યુવાજગતમાં આ પુસ્તક એટલું તો લોકપ્રિય છે કે તેની અનેક આવૃત્તિઓ થઈ છે. પુસ્તકનો પરિચય આપતાં પ્રકાશકે જણાવ્યું છે કે : ‘લગ્ન એ સંસારદીક્ષા છે. એમાં સંસ્કારની પવિત્રતા છે. સમગ્ર જીવનસૃષ્ટિમાં જોઈશું તો સ્ત્રી અને પુરુષ હોય છે, નર અને માદા હોય છે, પરંતુ પતિ-પત્ની તો માત્ર માનવસમાજમાં જ જોવા મળે છે. અને આ એક જ સંબંધના આધારે ભાઈ-બહેન, મામા-મામી, કાકા-કાકી, દાદા-દાદી જેવી સંબંધલીલા પાંગરી છે. માનવસમાજની સૌથી વિશિષ્ટ ઘટના ‘લગ્ન’ વિશેની ભારતીય પરંપરા અનોખી છે. એમાં પ્રતીકાત્મક રીતે કેટકેટલું સમજવાનું છે ! ફાધર વાલેસ ખ્રિસ્તી સંત છે, વિદેશી છે, અપરિણીત છે છતાં લગ્નની ભારતીય પરંપરા વિશે એમણે જે ગહન અભ્યાસ અને માર્મિક ચિંતન કર્યું છે તેનાં કંકુ-છાંટણાં આ ગ્રંથના પાને પાને જોવા મળે છે… કંકોતરી લખાય ત્યારથી માંડીને વરકન્યાના હાથે થાપા દેવાય ત્યાં સુધીની પ્રત્યેક ક્રિયાવિધિનું તાજગીસભર આલેખન આ ગ્રંથને લોકભોગ્ય બનાવવામાં કારણભૂત છે.’ પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

લગ્નવિધિ ચાલી રહ્યો હતો. મંત્રોચ્ચારને તાલે પવિત્ર ક્રિયાઓ થઈ રહી હતી. મંડપમાં કેટલાક વાતો કરતા હતા, કેટલાક ધ્યાનથી વરકન્યા તરફ જોતા હતા, કેટલાક અંદર બહાર જા-આવ કરતા હતા.

હું જરા અંતર્મુખ બનીને વિધિનો મર્મ દિલમાં ઝીલવા પ્રયત્ન કરતો હતો. એવામાં બાજુમાં કોઈ બોલ્યો, હસ્તમેળાપનો સમય થયો. લગ્નમંડપમાં શાંતિ પ્રસરી ગઈ. લોકોની મીટ વરકન્યા ઉપર મંડાઈ. શુભ મુહૂર્તનો ઠરાવેલો સમય આવ્યો. અંતરપટ ખસેડવામાં આવ્યું. પુરોહિતે વરકન્યાના જમણા હાથ લઈને હથેલીઓ મેળવી અને સંપુટ કરીને બાંધી લીધી. વરની મુખમુદ્રા ગંભીર હતી. હૃદયમાં ચાલતા ભાવમંથનના ફળરૂપે તેના કપાળ પર અમૃતનાં બિંદુઓ બાઝ્યાં હતાં. પળભરમાં એણે ચોરીચુપકીદીથી આંખો ઊંચી કરીને સીધું પણ જોયું – સામેના બાજોઠ પર બેઠેલ મૂર્તિ તરફ. કન્યાના ઘૂમટાની પાછળ શું શું થઈ રહ્યું હતું એનું પાવનકારી દર્શન તો દેવો જ કરી શકે એમ હતા, પણ તેનો શ્વાસ ઊંચો હતો અને તેની સાડી ભારથી, જોરથી, લયથી ઊંચીનીચી થતી જોઈને અમે પણ સમજી શક્યા. એ પાવક ક્ષણનો લહાવો હું માણી રહ્યો, પુણ્ય સંસ્કારનું અમૃત પી રહ્યો, યુગોના આશીર્વાદનો સાર એ મંડપમાં મૂર્તિમાન થતો હું અનુભવી રહ્યો.

અને મનમાં એક વિચાર આવ્યો, એક પ્રશ્ન ઊઠ્યો. વરકન્યાનો આ સ્પર્શ એ ખરેખર તેમનો પરસ્પરનો પ્રથમ સ્પર્શ હશે ? ન હોય તો આ વિધિનો અર્થ જ નથી. જો એમના હાથ અનેક વાર મળી ચૂક્યા હોય તો એમને પાછા મેળવવાનો શો અર્થ ? મુહૂર્તની રાહ જોયા વગર એમણે સ્પર્શેસ્પર્શ કર્યા હોય તો ધામધૂમથી તેમને જાહેરમાં સ્પર્શ કરાવવામાં શો માલ ? જ્યારે ઊલટું, જો એમણે એકબીજાની એ પવિત્ર મર્યાદા સાચવી હોય, જો એકબીજાનું માન રાખ્યું હોય, પ્રેમને વધવા દઈને પણ યોગ્ય અંતર રાખ્યું હોય તો એ સૂચક વિધિ ખરેખર સાર્થક થાય, નવા જીવનમાં મંગળ પ્રવેશ કરાવનાર થાય.

એક સાક્ષરના સંસ્કારસમૃદ્ધ આત્મકથાનકમાં એવો અનુભવ વાંચ્યાનું યાદ છે : ‘એ સમયનો રોમાંચ હું જીવનમાં કદી વીસરી શક્યો નથી. જીવનભરનું સહજીવન અર્પતી એક અનભિજ્ઞ કુમારિકા, જેનું મેં મોં સરખું કદી જોયું નહોતું, તેનો થથરતો હાથ સૌ વડીલોના દેખતાં મારા હાથમાં બાંધી દેનારા બ્રાહ્મણોની ધીટતા ને વિશ્વની ઘટનાનું પાલન કરવાનો આગ્રહ મારા મનના અનેક તરંગો ઉછાળી રહ્યો હતો. અરધા-પોણા કલાકનો આ વિધિ મારા સમગ્ર જીવનનો આકાર છાપી ગયો.’ નવો અનુભવ હતો એટલે એમાં રોમાંચ હતો, પ્રેરણા હતી, સમગ્ર જીવનનો આકાર છાપવાની શક્તિ હતી. પહેલો સ્પર્શ હતો એટલે એ પુણ્યકારી હતો. હાથનો પ્રથમ મેળાપ હતો એટલે જ એ ખરેખર હસ્તમેળાપ હતો.
વિધિમાં શક્તિ હતી કારણ કે દિલમાં સચ્ચાઈ હતી.
મંત્રમાં ચમત્કાર હતો કારણ કે વર્તનમાં સદાચાર હતો.
લગ્નવિધિનો લાભ મેળવવો હોય તો લગ્નસંસ્થાના આદર્શો પ્રમાણે જીવવું જોઈએ. સંસ્કારનું વરદાન પ્રાપ્ત કરવું હોય તો સંસ્કારની પવિત્રતા પ્રથમ જીવનમાં ઝીલવી જોઈએ.

કેટલાંક યુવક-યુવતીઓ ઉતાવળ કરે છે, ખોટી ઉતાવળ કરે છે અને લગ્ન પછી જે અધિકાર મળવાનો છે, જે છૂટ મળવાની છે, જે પવિત્ર કાર્ય પવિત્ર રીતે કરવાનો આશીર્વાદ મળવાનો છે એ લગ્ન પહેલાં જેમતેમ અજમાવવાની દુર્બુદ્ધિ કરે છે, હઠાગ્રહ કરે છે. જોવા દો, અનુભવ લેવા દો, સ્વાદ કરવા દો…. એમ કહે છે. હા, ઘરનો નાનો છોકરો પણ બાને રસોડામાં મિષ્ટાન્ન બનાવતી જોઈને એનો સ્વાદ કરવાની જીદ પકડે છે અને મિષ્ટાન્નના બેત્રણ ટુકડા ખાઈ જાય છે અને જમવા બેસવાનો સમય આવે ત્યારે એની ભૂખ મરી ગઈ હોય છે અને સાચા ભોજનની મઝા એ માણી શકતો નથી. શું એ ઉતાવળિયાં યુવકયુવતીઓ નાના છોકરાની ભૂલ કરી બેસશે ? એક ટંક ભોજન નહિ પણ એક આખો જનમારો બગડે એનો એમને ખ્યાલ નથી શું ? બ્રહ્મચર્ય પછી લગ્ન એટલે નરણે પેટે ભોજન. સ્વાદિષ્ટ, પૌષ્ટિક નીરોગી. બ્રહ્મચર્ય વિનાનું લગ્ન એટલે ભૂખ વિનાનું ભોજન. એઠું, ભ્રષ્ટ, રોગકારક.

યુવકયુવતીઓને લગ્ન માટે તૈયારી કરતાં જોઉં છું, તેમના હાથમાંથી તેમના લગ્નની કંકોતરી લઉં છું અને થોડી મશ્કરી કરું છું ત્યારે મશ્કરી બાજુ પર મૂકીને એમને સીધું પૂછવાનું મન થાય છે કે, આ લગ્ન તમારે માટે ખરેખર નવા જીવનની શરૂઆત છે કે ખાલી વીતી ચૂકેલા અનુભવોનું અનુસંધાન છે ? મંગળ પ્રવેશ છે કે જૂનું ખંડેર ? ઉદ્દઘાટન છે કે પૂર્ણાહુતિ છે ? નવી આશાઓનું પર્વ છે કે જૂનાં સ્મરણોની હોળી છે ? પુનર્જીવન છે કે અસ્થિવિસર્જન છે ? તમારો જે હસ્તમેળાપ થવાનો છે એ ફક્ત પૂર્વે થયેલા તમારા અનેક સ્પર્શની નિષ્પ્રાણ શેષ છે કે નવા આહલાદક પ્રેમવ્યવહારનો શુભ પ્રારંભ છે ? તમારું આ નવું જીવન એ ખરેખર નવું જ છે કે શરૂ થતાં પહેલાં પણ જૂનું, એઠું, વાસી થઈ ચૂકેલું છે ? – પણ એ પ્રશ્ન હું કોઈને પૂછતો નથી. કંકોતરી આપે ત્યારે ફક્ત થોડી મશ્કરી કરું છું, અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું. ભદ્ર સમાજમાં વિવેકની મર્યાદા રાખવાની હોય છે ને ?

પ્રાચીન મિસર દેશમાં રિવાજ હતો કે કોઈ જો રાજાને ભેટસોગાતમાં કોઈ વસ્તુ આપે તો એ વસ્તુ સૌથી પ્રથમ રાજા પોતે જુએ અને ત્યાર પછી જ એ બીજાઓની આગળ મૂકી શકાય. એ વસ્તુ સોનાનું પાત્ર હોય કે કીમતી શેતરંજી હોય કે પાણીદાર ઘોડો હોય, પણ એ રાજાને આપવાનું નક્કી થાય કે એના ઉપર સાત પડદા નાખે. રાજમહેલમાં લઈ જાય, રાજાની આજ્ઞા મળે ત્યારે પડદા ખોલે અને નજરાણું એમને અર્પણ કરે. તે પહેલાં જો કોઈની નજર નજરાણા ઉપર પડી હોય તો તે ભ્રષ્ટ થાય, રાજાને લાયક ન રહે અને તેનો નાશ કરવામાં આવે.

યુવાન માણસનો દેહ (અને તેનું હૃદય) એ એની પાસેનું કીમતી નજરાણું છે, જીવનભેટ છે, ને તે પણ કોઈ રાજાને (કોઈ રાણીને) અર્પણ કરવા માટે છે. પણ તે પહેલાં જો એના ઉપર બીજાની નજર પડે, બીજાનો સ્પર્શ થાય, બીજાનો અધિકાર જામે… તો એ ભ્રષ્ટ થાય, નાલાયક થાય, વર્જ્ય થાય. રાજાના ઘોડા ઉપર બીજો કોઈ સવાર થાય તો ઘોડો રાજાને લાયક ન રહે. રાજાની શેતરંજી પર બીજા કોઈનાં પગલાં પડે તો એ રાજાને લાયક ન રહે. રાજાના સોનાના પાત્રમાંથી બીજો કોઈ આસવ પીએ તો એ રાજાને લાયક ન રહે…. અમૃતનું પાત્ર એ યુવાન માણસનું હૃદય. પાણીદાર ઘોડો એનું મન. રંગબેરંગી શેતરંજી એના વિચારો ને લાગણીઓ ને કલ્પનાઓની ભાત. હવે એ યુવાન માણસને પોતાના મન ને હૃદય ને ઈંદ્રિયો પર સાત પડદા નાખવાની જરૂર જણાશે ?
સાત પડદા.
અંતરપટ.
વરકન્યાની વચ્ચેથી અંતરપટ ખસેડે એટલે તેઓ સામસામાં મળે. ભેટ, નજરાણું, સર્મપણ. રાજાની નજર રાણી ઉપર પડે. રાણીની નજર રાજા ઉપર પડે. એકબીજાને લાયક છે. એકબીજાને જીવનદાન કરે છે, સ્વીકારી છે. મંગળ જીવનનો મંગળ પ્રવેશ. કલ્યાણમસ્તુ.

અંતરપટ.
હસ્તમેળાપ.
લગ્નવિધિ આગળ ચાલી રહ્યો. પૂરો થયો. બધાં ઊઠ્યાં. નવદંપતીને આશીર્વાદ આપવા ગયાં. એમના માથા ઉપર વહાલથી હાથ મૂકીને મેં કહ્યું : ‘તમારું આ નવું જીવન સુખી થાઓ.’ ‘નવું’ શબ્દ ઉપર મારાથી સહેજ ભાર મુકાઈ ગયો. એનો મર્મ કદાચ તે વખતે કોઈ સમજ્યું ન હોય. પણ બીજાં અનેક યુવકયુવતીઓ ને ભાવિ વરકન્યાઓ એ સમજશે, અને સમજીને એ આશીર્વાદ પોતાના જીવનમાં સાર્થક કરશે એ દિલની આશા છે.

[કુલ પાન : 134. (બટરપેપર સાથેની આકર્ષક ડિઝાઈન) કિંમત રૂ. 151. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર
2000 લેખોની વાચનયાત્રા – તંત્રી Next »   

31 પ્રતિભાવો : હસ્તમેળાપ – ફાધર વાલેસ

 1. nayana panchal says:

  સમજવાલાયક લેખ. ઘણીવાર બોરિંગ અને બિનજરૂરી લાગતી આપણી લગ્નવિધી ગૂઢ છે.

  રીડગુજરાતી પર અગાઉ પણ એક આવો લેખ માણી ચૂક્યા છીએ.

  http://www.readgujarati.com/sahitya/?p=1563

  ફાધર વોલેસ અને મૃગેશભાઈનો આભાર.

  નયન

 2. કલ્પેશ says:

  કદાચ દરેક વિધિ કોઇ યોગ્ય કારણથી કરાતી હશે અને સમય જતા એનો અર્થ બદલાઇ જાય છે અથવા વિધિનુ મહત્વ રહેતુ નથી.

  દા.ત. લગ્ન વખતે પીઠી કેમ ચોળવામા આવે છે?

  અને સ્મ્શાનથી આવ્યા પછી કોગળા કેમ કરાય છે?
  (પહેલા લોકો ગામમા રહેતા અને સ્મશાન ગામને છેડે હોતુ (કદાચ).
  લોકો તડકામા સ્મ્શાને જતા અને કલાકો પછી પાછા આવતા. અને એ જમાનામા હૉટલ/પાણીની બોટલ ન મળતી હોય. લોકો થાક્યા હોય, ગળુ સુકાઇ ગયુ હોય. એટલે કદાચ કોગળા કરાતા

  આજે શહેરમા લોકોને આ બધી તકલીફ નથી પડતી. તે છતા, લોકો કોગળાનો રિવાજ ચલાવે છે)

  આમ મને લાગે છે. કદાચ ખોટુ પણ હોય.
  કોઇ જાણકાર સમજાવી શકે?

 3. urmila says:

  beautiful article – explaining the philosophy of life and how to enjoy the life at appropriate times – articles like these should be part of college course work – when children are embarking on their adult life to guide them to correct path – thanks to Father Wallace and Mrugeshbhai

 4. અતુલ જાની (આગંતુક) says:

  જ્ઞાન અને કર્મ જો બંને નો યોગ્ય સમન્વય થાય તો જ ક્રીયા યજ્ઞ બને છે. જ્ઞાન વગરનું કર્મ માત્ર વેઠ જ છે અને કર્મ વગરનું જ્ઞાન નિરર્થક બોજો છે. સનાતન ધર્મના દરેક કર્મકાંડ અને વિધિ પાછળ જ્ઞાન રહેલું છે અને આ જ્ઞાન સહિત ક્રીયા થાય ત્યારે તે ઈચ્છીત ફળ આપનારી નિવડે છે. કાળાંતરે આ ક્રિયાઓ પાછળનું જ્ઞાન લૂપ્ત થાય છે અને માત્ર બાહ્ય કર્મકાંડ જ વ્યવહારમાં બચે છે. વળી પાછા સમયાંતરે કોઈ વિચારક, કોઈ ઋષિ (ફાધર વાલેસ તથા અન્ય સંતો જેવા), કોઈ અવતાર પ્રગટ થાય છે અને આ બધી ક્રીયાઓ પાછળ રહેલ જ્ઞાનને ઉજાગર કરે છે અને ફરી પાછી ક્રીયાઓ જ્ઞાન સહિત થાય, નીશ્ચિત ફળદાઈ બને અને સમાજ સમજણપુર્વકની પ્રવૃત્તિ દ્વારા પુષ્ટ બને. આવા સંતોનું સમાજ ઉપર ઘણું ઋણ રહે છે અને સમાજ તેમને ઉચિત આદર આપીને અને તેમણે ઉજાગર કરેલા સતપથ ઉપર ચાલીને જ આ ઋણ અદા કરી શકે.

 5. Pratibha says:

  ‘Lagna Sagar’ was a gift from my dear mother to me when I was heading towards the college life. Today I am happily married for last 10 years and at this junction of my life I value Father Wales & my mom more than I could in the past. The book is excellent, and the thoughts are worth implementing. Well, to be honest after leaving for a long in the Western world, some of the aspects of the book (narrowly from this article) seems not ‘practicle’. But the essence of thought is invaluable. Thanks indeed ReadGujarati for such articles!

  Pratibha

 6. પુજ્ય ફાધર હવે તો નવુ અહ લખવાના નથી, પરન્તુ જાણે કેટલુય્ કાવ્યમય લખાણ હોય તેવુ અનુભવ્યુ. કોલેજના એ દિવસો યાદ આવે છે જ્યારે તેમના લેકચર્સ મા હોલ ભરાઇ જતા.

 7. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ અને સમજવા જવી વાત.

 8. Sanjay says:

  It is an artical on internal characters. How well they are conected with itenses or feelings ? it’s good to find self in self !

  Lot’s of thanks to Father sir & Mrugeshbhai.

 9. pragnaju says:

  પહેલાં પણ માણી ચૂકેલા આ સુંદર લેખ
  ફરી માણતા પણ મઝા આવી

 10. ભાવના શુક્લ says:

  લગ્નજીવનમા પવિત્રતાની અગત્યતાનુ એક આગવુ મુલ્ય છે. કોઇ પણ વસ્તુ તમને સરળતાથી મળી જાય તે અલગ વાત છે પરંતુ કોઇપણ વસ્તુ માટે તમને તલસાટ જાગે અને ઉત્તરોત્તર જીવનમા તેની અગત્યતા સમજાતી જાય અને અનેક મનોમંથન અને વિવેકપુર્ણ પ્રયત્નો બાદ જે મળે તેમા પ્રાપ્તીનો સમુળ આનંદ રહેલો છે. પછી તે કોઇ ભૌતિક વસ્તુ હોય કે કોઇનો જીવનભરનો સંગાથ..

 11. Dhwani joshi says:

  ખરેખર સુંદર લેખ… આપણા જ રિવાજો થી આપણી જ પેઢી દુર થઈ રહી છે… કદાચ, વાંક એમનો પણ નથી… આ ‘બદલાઈ ગયેલા સમય’ નો છે..!!! જે ‘ટ્રેડિશનલ’ વિધિ ને ‘બોરીંગ’ અને વેસ્ટર્ન ‘રિંગ સેરેમની’ ને ઈંન્ટરેસ્ટીંગ માને છે..!!!!

 12. JAWAHARLAL NANDA says:

  અદ્ભુત ! અદભુત ! ખુબ જ સુન્દર લેખ ! ઘના ઘના ધન્યવાદ ! પુજ્ય ફાધર ને ! એમ્ને લાખ લાખ વન્દન હજો ! આવા શુદ્ધ ભારતિય સન્સ્કારો થિ નખ્શિખ ભારતિય ને ! આપને મારિ તરફ્ થિ ફરિ વાર આદર પુર્વક પ્રનામ અને નમસ્કાર !

 13. NARENDRA PATEL says:

  આ પ્રકરણ “લગ્ન સાગર” ના પુસ્તક નુ એક પ્રકરણ માત્ર ચ્હે. જીવન મા લગ્ન નામની સંસ્થાની સમજ આપવા માટે નો ફાધર નો નમ્ર પ્રયાસ ઘણોજ ઉત્ક્રુસ્ઠ ચ્હે. દરેક વ્યક્તિ એ તેમના દાંપત્ય જીવન ની શરુઆત કરતા પહેલા આ પુસ્તક અવશ્ય વાચવુ જોઇએ. જેથી કોઇ પણ કાર્ય ની શરુઆત સમજી વિચારિ તેમજ તેની પાચ્હળ નો હેતુ સમજી શકાય. કોઇઅ પણ વિધિ તેની પાચ્હળ નો સમજી ને કરવામા આવે તો તેમા ખુબજ મજા આવે. અન્યથા અભણ માણસ અંગ્રેજી પિકચર જોઇને જે ભાવ પ્રગટ થાય તેવ ભાવ લગ્નવિધિ mAથી મળે.

 14. Ashish Dave says:

  બ્રહ્મચર્ય પછી લગ્ન એટલે નરણે પેટે ભોજન. સ્વાદિષ્ટ, પૌષ્ટિક નીરોગી. બ્રહ્મચર્ય વિનાનું લગ્ન એટલે ભૂખ વિનાનું ભોજન. એઠું, ભ્રષ્ટ, રોગકારક.

  Coming from a person who was born in west…

  Speechless

  Ashish Dave
  Sunnyvale, California

 15. પરમાનંદ says:

  લૉડ ઑફ બુલ !! Way more exaggeration!! Why would he ask couples whether it would be first time or not?

 16. rahul says:

  અદ્ભુત ! અદભુત ! ખુબ જ સુન્દર લેખ ! ઘના ઘના ધન્યવાદ ! પુજ્ય ફાધર ને ! એમ્ને લાખ લાખ વન્દન હજો ! આવા શુદ્ધ ભારતિય સન્સ્કારો થિ નખ્શિખ ભારતિય ને ! આપને મારિ તરફ્ થિ ફરિ વાર આદર પુર્વક પ્રનામ અને નમસ્કાર !

  તમારિ જાણ માટૅ કહુ કે ફાધર વાલેસ ભારતિય નથિ પણ સ્પેન દેશ ના ચે. ઍંમને ભારતિય સન્સ્ક્રુતિ પરના પ્રેમ માટૅ , અનહદ લગાવ માટૅ, ઓળખવામા આવે ચે. એ મન, તન અને આત્મા થિ નખશિખ ભારતિય ચે.

  આભાર

  રાહુલ

 17. Rajni Gohil says:

  કોઇ પણ કર્મની પાછાળ ભાવ અગત્યનો છે. ફાધર વોલસે હસ્તમેળાપમાં વિધિ પછળનો ભાવ અને મહત્વ સરસ સમજવ્યા છે. ખાલી સ્વાહા … સ્વાહા… જેવી કર્મકાંડ વિધિથી લગ્ન પતે તેનો શો અર્થ? લગ્ન પહેલાંની પવિત્રતા જળવાય તો એનો અર્થ છે. લગ્નની વેદી સામે લીધેલી સપ્તપદિની પ્રતિજ્ઞા બોલવા ખાતર બોલાય તેનો પણ શો અર્થ? જીવન ભર નિભાવવા માટે પ્રતિજ્ઞા છે. Knowledge without action is useless, action without knowledge is foolish.

 18. Harshad Patel says:

  Father Wallace is a native of Spain. He came to Gujarat as a professor of Mathematics and learned Gujarati. He has written several award wining books. His mastery of our language is unique and note worthy. Gujarat is fortunate to have him living in our state and served our community so well. Now at an old age, he has returned back to his native place. I admire him as a best writer in Gujarati.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.