બાળકો સમજદાર છે – હીરજીભાઈ નાકરાણી

‘અરે ! જુઓ, જુઓ, મુન્નાના હાથમાં કાતર આવી ગઈ છે. દોડો જલ્દી. કાતર લઈ લો નહીં તો મારી સાડીનું આવી બનશે.’ સુરેશે દાઢી કરતાં કરતાં દોડીને મુન્નાના હાથમાંથી કાતર લઈ લીધી. મુન્નો તો અવાક્ થઈ ગયો. તેના પપ્પા સામે જોઈ જ રહ્યો. પછી પોક મૂકી.
‘અરે ! મુન્નો કેમ રડે છે ? જુઓ તો ખરા. તમે તો ક્યારના દાઢી છોલવામાં જ પડ્યા છો. છોકરો ક્યાં ફરે છે, શું પકડે છે તેની તમને ક્યાં દરકાર છે ?’
‘કેમ ! કાતર તો લઈ લીધી.’
‘એને બીજું રમકડું આપો એટલે છાનો રહી જશે.’

સુરેશે પોપટ આપ્યો. તેના તરફ તો મુન્નાએ જોયું જ નહીં. એના માટે પોપટ જૂનો હતો. તેનાથી રમી રમીને ધરાયો હતો. બીજું રમકડું આપ્યું તોય રડવાનું તો ચાલુ જ રહ્યું. રેખા અકળાઈ રસોઈ કરતી-કરતી બહાર આવી. જોયું તો મુન્નો રડતો જ હતો. તેણે આવીને એકદમ ઊંચકી લીધો ને પોતાના બાહુપાશમાં લઈ વહાલ કરવા લાગી ગઈ. તરત જ મુન્નો તો છાનો રહી ગયો. મુન્નો કે.જી.માં ભણતો હતો. ત્યાં તેનાં બહેન વર્ગનાં બાળકો પાસે કાગળકામ કરાવતાં હતાં. છાપાં અને સામાયિકોમાંથી ચિત્રો કેવી રીતે કાપવાં, કાતર કેમ પકડવી, તેનું પ્રત્યક્ષ જ્ઞાન કે.જી. સ્કૂલમાં આપવામાં આવ્યું હતું. રેખાની અકળામણ હતી ‘સાડી કપાઈ જવાની’ પણ મુન્નાને કાતર પકડતાં આવડે છે, ચિત્રો કાપતાં આવડે છે. અને કાપડ કાપવાનું શીખવ્યું નહોતું તેથી અકળામણ હતી અજ્ઞાનતાની.

એક દિવસ મુન્નાના શિક્ષિકાબહેન રેખાને મળવા આવ્યાં. મુન્નાનો ઉત્સાહ, તરવરાટ અને સદાબહાર હાસ્ય અને કેટલીક તેની વિશિષ્ટ આવડતોની વાતો કરવા લાગ્યાં. રેખા પુત્ર-પ્રશંસાથી ખુશ થતી હતી. રેખાએ કહ્યું :
‘બહેન, એક દિવસ મારી સાડીનું આવી બનત.’
‘કેમ ? શું થયું હતું ?’
‘અરે, મુન્નાના હાથમાં અચાનક કાતર આવી ગઈ. અમે તો ગભરાઈ ગયા. તેના પપ્પાએ દોડીને કાતર લઈ લીધી નહીં તો નવી સાડી હતી-નહોતી થઈ જાત.’
‘જુઓ, રેખાબહેન, અમે બાળકોને હાથમાં કાતર કેમ પકડવી, કેવી રીતે કાતરનો ઉપયોગ કરવો, ક્યાં ઉપયોગ કરવો, કઈ વસ્તુ કાપવી ને કઈ ન કાપવી તેનું જ્ઞાન સ્કૂલમાં આપીએ જ છીએ. એટલે તમારી સાડી કપાત નહીં, સલામત જ રહેત. તમે ખોટાં અકળાયાં, ગભરાયાં.’
‘બહેન, તમારી વાત બધી સાચી પણ હાથમાં ખાતર હોય ને પડખે સાડી પડી હોય તો શું થાય ? છોકરાનું ભલું પૂછવું !’
‘રેખાબહેન, એ તમારો ભ્રમ છે. બાળકના હાથમાં કાતર આવે એટલે બાજુમાં પડેલી સાડી કાપશે જ એમ કેમ કહી શકાય ? મુન્નો સાડી ન કાપત તમે ખોટાં ડરી ગયા.’
‘એ બને જ નહીં.’
‘તો આપો મારી રૂબરૂ તેને કાતર અને મૂકો બાજુમાં સાડી. શું થાય છે તે જુઓ.’
‘ના, એ કાપી નાખે તો ?’
‘તો હું તમને નવી સાડી લાવી દઈશ. એક વખત સાથે મૂકો તો ખરા.’

રેખાબહેને કાતર અને સાડી સાથે જ મૂક્યાં. પછી બન્ને દૂર જતાં રહ્યાં ને જોયા કર્યું. સૌ પ્રથમ મુન્નાએ કાતર પકડી આમ-તેમ જોયું. ક્યાંય કાગળ ન જોયો એટલે કહ્યું : ‘મમ્મી મને છાપું આપને !’
‘શું કરીશ તું ?’
‘મારે ચિત્રો કાપવાં છે.’ રેખાબહેને જૂનું છાપું આપ્યું. મુન્નો ચિત્રો કાપવા લાગ્યો.
‘જોયું ને રેખાબહેન ! સાડી હાથમાં લીધી મુન્નાએ ? છાપું જ માંગ્યું ને ?’
‘હા…..હા… તમારી વાત સાચી નીકળી.’
‘બાળકો બહુ આજ્ઞાંકિત ને સમજદાર હોય છે. અમે કાતરનો ઉપયોગ કરતા પહેલાં તેને કાતર પકડવાની અને શું કાપવું તેની તાલીમ આપતા હોઈએ છીએ. એટલે ચિંતા કરવા જેવું નથી. તો પણ કાતર રેઢી ન મૂકવી જેથી તેનું મન ન બગડે. રેખાબહેન, કાતરનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિ તેને દરરોજ આપતા રહેશો તો તેનાં તોફાનો પણ હળવાં પડી જશે.’

‘બાળકોને સતત પ્રવૃત્તિશીલ રાખીએ તો ઘણાં ચાલક અને ક્રિયાશીલ બને છે. આપણે ત્યાં છાપાંમાંથી રંગીન ચિત્રો કાપી તેને કાગળ-પૂંઠા કે કાર્ડપેપર ઉપર તેની પાસે ચોંટાડાવી ચિત્રો ભેગાં થાય એટલે એક પ્રદર્શન ભરી તેના મિત્રોને જોવા બોલાવવા જોઈએ તો તેઓ વધુ ઉત્સાહી બનશે. થોડી પ્રશંસા પણ કરતા રહેવું. ક્યારેક અભિનંદન આપીને સારા કામ બદલ પીઠ પણ થાબડતા રહેવું જોઈએ. તો જ બાળકોમાં કંઈ કરી બતાવવાની મહત્વાકાંક્ષા જાગે.’

રેખાને વાત બરાબર લાગી. બીજા દિવસે તે રવિવારીમાં ગઈ, જૂના સ્પાન લઈ આવી અને દરરોજ એક કલાક ચિત્ર કટીંગ કરવાની પ્રવૃત્તિ આપી. મુન્નાએ ખૂબ રસપૂર્વક, તલ્લીનતાથી કટીંગ કર્યા. પછી કાર્ડ પર ચોંટાડવાનું કામ આપવા લાગી અને પંદર દિવસ પછી એ કાર્ડ પર લગાવેલ ચાર્ટનું એક પ્રદર્શન ભર્યું. મુન્નાના ભાઈબંધોને જોવા બોલાવ્યા. ઘણા મિત્રો અને સાથે તેની મમ્મી પણ પ્રદર્શન જોવા આવી. આ પ્રવૃત્તિ બાળકોમાં પ્રિય થઈ પડી. બાળકોએ ઘરે જઈને મમ્મી પાસે કાતર અને જૂના પેપરની માંગણી કરી. પછી તો પાડોશનાં આઠ-દસ છોકરાંએ મળીને એક પ્રદર્શન ભર્યું. મા-બાપોને પણ બાળકોએ જાગૃત કર્યાં.

બાળકો ઝંખે છે કંઈક કરી છૂટવાનું. કંઈક કરી બતાવવાનું પણ તે માટે તકની રાહ જોતાં હોય છે. તક આપે છે તે તારે છે, તક ઝડપે છે તે તરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલરસ – બાપુભાઈ ગઢવી
બે ગઝલો – મકરંદ મુસળે Next »   

12 પ્રતિભાવો : બાળકો સમજદાર છે – હીરજીભાઈ નાકરાણી

 1. Niraj says:

  “તક આપે છે તે તારે છે, તક ઝડપે છે તે તરે છે” વાહ ખૂબ સરસ…

 2. nayan panchal says:

  બાળકો તો ઉત્સાહથી ભરપૂર હોય છે. કશુક કાપવુ, માટીમા રમવુ, ભીની માટીથી નવા નવા આકાર બનાવવા, વાદળોમાં આકાર શોધવા, પાણીમાં પથ્થર નાખીને વલયો ગણવા.. જાણતા અજાણતા આ બધુ કંઈક શીખવે છે. બાળકો તો કૂમળા છોડ છે.

  માતાપિતા અને શિક્ષકો સાથે મળીને તેમા સમજણના બીજ રોપે અને બાળકને સારી રીતે પાંગરવા દે તો સમાજનુ ભલુ થાય જ.

  નયન

 3. Ranjitsinh Rathod says:

  ખુબ મજાની વાત.

 4. urmila says:

  તક આપે છે તે તારે છે, તક ઝડપે છે તે તરે છે.
  above sentence is wellsaid –
  reading the article – one realizeses that parents are ignorent of what is going on in school either due to lack of interest in child’s progress or other pressures – comunicting with teachers on regular basis – like parents meeting benefits children n parents equally

 5. અતુલ જાની (આગંતુક) says:

  હીરજીભાઈનો સુંદર લેખ – ખરેખર બાળકો પુરતા સમજદાર હોય છે, જરૂર હોય છે તેમનામાં વિશ્વાસ મુકવાની.

  અને છેલ્લી વાત પણ ખુબ સરસ –

  બાળકો ઝંખે છે કંઈક કરી છૂટવાનું. કંઈક કરી બતાવવાનું પણ તે માટે તકની રાહ જોતાં હોય છે. તક આપે છે તે તારે છે, તક ઝડપે છે તે તરે છે.

  આપણે તો જીવનમાં ઘણું તર્યા ચાલો હવે તારવાનું શરુ કરીએ.

 6. pragnaju says:

  બાળક અંગે સરસ વાત-બાળકો ઝંખે છે કંઈક કરી છૂટવાનું.

 7. Sarika Patel says:

  Very nice story. Every parents should considered this kind of activities for
  their childrens. I will do first for my son.

  Thank you Hirjibhai.

 8. સુંદર લેખ …

  મૃગેશભાઈ… એક વિચાર એ આવ્યો કે અત્યાર સુધીમાં કદાચ બાળ-કેળવણીને (બાળ-સાહિત્ય નહી) લગતા સારા એવા લેખો આવી ગયા છે … તો એક એની પણ અલગ વર્ગીકૃત શ્રેણી ન બનાવી શકાય !!

  કારણ કે મેં જોયું છે કે જે રીતે પરદેશમાં એને લગતાં પુસ્તકો મળે છે … તો આપણી સંસ્કૃતિ અને રહેણી-કરણીને આનુસંગિક જેટલા લેખો છે તેને જો અલગ તારવીને મુકીએ તો કેવું ??

 9. Dhaval B. Shah says:

  સરસ વાત.

 10. ભાવના શુક્લ says:

  બાળકને કઈક નવુ જોઇએ જ છે કારણકે તે પોતાની ક્રિએટીવીટીને એક હકારાત્મક રસ્તે એ રીતે વાળી શકે. રેખાબહેન જેવી સમજ દરેક માતાઓ દાખવે તો બાળ ઉછેર એ નિભાવવાની નહી પરંતુ આનંદથી માણવાની વાત બની રહે.

 11. Ashish Dave says:

  Trust your children. They know more than you think they do.

  Ashish Dave
  Sunnyvale, California

 12. lmpatel says:

  ખુબ સરસ,
  ફક્ત બાળકો માટે અલગ વાર્તાઓ છે?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.