સાતમું પગલું – ગિરીશ ગણાત્રા

વડોદરાના મુરતિયા કીર્તિચંદ્ર દેસાઈની સગાઈ અમદાવાદની કન્યા દીપ્તિ પૂનમચંદ શાહ સાથે થઈ ત્યારે બંને ઘરોમાં સુખ, સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ. દીપ્તિના પિતા પૂનમચંદભાઈ શાહનું મંતવ્ય હતું : ચાલો, આપણી દીપ્તિ માટે સરસ છોકરો મળી ગયો. છોકરો એન્જિનિયર છે, વડોદરાની મોટી કંપનીમાં ઊંચા પગારની નોકરી છે, પરણશે તે પહેલાં કંપનીની લૉન લઈને ફલેટ લેવાનો છે એટલે વરની સાથે ઘરનું પણ ગોઠવાઈ જશે. કદાચ થોડીઘણી રકમ જોડવી પડે તે જોડી આલશું. આખરે ઘી ખીચડીમાં જ ઢોળાવાનું છે ને !

દીપ્તિની મા તો કુટુંબીજનોમાં ઉત્સાહથી કહેતી ફરતી : ‘બસ, આપણા ઘરનું આ છેલ્લું સંતાન તે એય પણ સારે ઠેકાણે ગયું. છોકરો છડેછડો છે. બાપ તો ઘણાં વર્ષો પહેલાં ગુજરી ગયો છે એટલે માએ જ એને ઉછરીને મોટો કર્યો છે. નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન. હાલોલમાં ઘરનું ઘર છે. જોકે મોટું નથી. આમેય પૈસેટકે ખોરડું નબળું ગણાય, પણ છોકરી પાણીદાર છે ! આટલી નાની વયે મોટો એન્જિનિયર સાહેબ છે, પછી જોઈએ શું ? દીપ્તિ એ ઘરમાં રાજ કરશે, રાજ.’

કીર્તિને પહેલી જ નજરે દીપ્તિ ગમી ગઈ હતી. રૂપે-રંગે, બોલવે-ચાલવે અને પહેરવા-ઓઢવામાં એ નવા જમાનાની નારી હતી. એમાંય અમદાવાદ દૂરદર્શનના નાનકડા પડદે એ બે-ત્રણ વખત દેખાઈ હતી, એ જાણ્યા પછી કીર્તિચંદ્રે પસંદગીના માર્ક્સમાં બીજા વધારાના ગુણ ઉમેરી દીધા હતા. કીર્તિચંદ્રના માતુશ્રી અનિલાબહેને માત્ર સંતોષનો જ શ્વાસ લીધો. કીર્તિને જે ગમ્યું તે મને ગમ્યું. હા, આપણી નાતનું કન્યારત્ન મળ્યું હોત તો જરા ઠીક કહેવાત. ન્યાતીલાઓ સગપણનાં તાણેવાણે વણાયેલા તો રહે પણ પરનાતનું સગપણ કંઈ ખોટું નથી. કીર્તિના સસરાનો મોટો ધંધો છે, બંગલો છે, કાર છે એટલે સુખ:દુખમાં સધિયારો રહેશે.

સગાઈ અને લગ્ન વચ્ચેના સોનેરી ગાળામાં બંને હૈયાંઓ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંટાફેરા કરતાં રહ્યાં, નવા લીધેલા નાનકડા ફલેટને સજાવતાં રહ્યાં. અનિલાબહેન તો આ ફલેટમાં રહેવા આવી શકવાનાં નહોતાં, કારણ કે એ હાલોલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં એટલે આ ફલેટની સજાવટમાં મહત્વનો ફાળો તો કીર્તિચંદ્રના સાસુ સુમનબહેનનો રહ્યો. અમદાવાદના એના બંગલાના એક ઓરડામાં ખડકાયેલો જૂનો સોફાસેટ, ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ, ટિપોય, પડદાઓ અને કાચની ક્રોકરી વડોદરામાં આવી ગયાં. બાકીનું થોડું રેડીમેડની દુકાનેથી ખરીદાયું – એ પણ સસરાના પૈસે. એમ કહો ને કે સસરાએ જ જમાઈનું ઘર વસાવી દીધું. કીર્તિચંદ્રને એ ગમ્યું. આમેય ફલેટ ખરીદવામાં કંપનીએ જે લૉન આપી હતી એમાં સારી એવી રકમ પોતાને જોડવી પડી હોવાથી ઘરની સજાવટ માટે ખાસ બચ્યું નહોતું. લગ્નનો ખર્ચ તો મા આપવાની હતી એટલે બહુ ચિંતા નહોતી. માએ માત્ર એટલી જ શિખામણ આપી હતી કે બેટા કીર્તિ, પછેડી પ્રમાણે સોડ તાણવી.

લગ્ન લેવાઈ ગયાં.
પૂનમચંદભાઈનું છેલ્લું સંતાન પરણતું હોવાથી એણે સારી એવી ધામધૂમ કરી. લગ્ન પછી દીકરી-જમાઈને હનીમૂન માટે પોતાના ખર્ચે સીમલા-નૈનિતાલ મોકલી આપ્યાં. સગાઈથી માંડીને લગ્ન થયાં ત્યાં સુધીમાં દીપ્તીને તેની માએ જાતજાતની અને ભાતભાતની શિખામણો આપેલી. દીપ્તિએ તો સાસુનું મોં સગાઈ વખતે જોયું તે પછી લગ્ન વખતે જ જોયું. લગ્ન પછી ત્રીજા જ દિવસે પતિ-પત્ની સિમલા ઊપડી ગયા અને અનિલાબહેન હાલોલ. આમ સાસુની નિશ્રામાં તો એને રહેવા જ ન મળ્યું. લગ્નની તૈયારીઓમાં પણ કીર્તિચંદ્રને એનાં સાસુ-સસરા, સાળા-સાળીઓની સલાહ-સૂચનો મળ્યા કરતી. લગ્ન પછીય પણ અમદાવાદ-વડોદરા આંટાફેરા તો થતા જ રહ્યા. કીર્તિચંદ્ર ત્રણ દિવસ અમદાવાદમાં રહેતો તો ચાર દિવસ વડોદરામાં. અમદાવાદમાં દીપ્તિએ કંઈને કંઈ કાર્યક્રમો ગોઠવી જ દીધા હોય. ભાઈઓનાં સંતાનોના જન્મદિવસની ઉજવણી, સંબંધીઓને ત્યાં વ્યવહારિક પ્રસંગો, દીપ્તિની બહેનપણીઓને ત્યાં ભોજન-નિમંત્રણો કે પછી અમસ્થો-અમસ્થો ઊભો કરેલો કૌટુંબિક કાર્યક્રમ-કીર્તિચંદ્રને આ બધામાં હાજરી આપવા વડોદરા-અમદાવાદ વચ્ચે અપડાઉન કરતા રહેવું પડતું.

શરૂશરૂમાં આ બધું એને બહુ ગમતું. નવા જમાઈ તરીકે મળતું માન એના દિલમાં ખુશાલી પેદા કરતું પણ પછી એને થયું કે આ તો બધા નવાનવા બંધાયેલા સંબંધો છે અને એની વચ્ચે હું અટવાયા કરું છું. પોતાના બાળપણના મિત્રો, જે કંપનીમાં કામ કરે છે એ કંપનીમાં એના સાથીદારો અને પોતાનાં સગાંસંબંધીઓને લગ્ન પછી તો હું નથી ઘરે બોલાવી શક્યો કે નથી એમના ઘરે જઈ શક્યો. અરે, પોતાની પત્નીને એણે એની શૈશવની ભૂમિ હાલોલમાં લઈ જવી જોઈએ, ત્યાંના વર્તુળમાં પણ પત્નીનો પરિચય કરાવવો જોઈએ અને પોતાનું જ નાનું, બાપીકું ઘર બતાવવું જોઈએ. એ પણ ક્યાં થઈ શક્યું છે ?
એણે દીપ્તિ પાસે પ્રસ્તાવ મૂક્યો :
‘દીપ્તિ હવે આપણે વડોદરામાં સ્થિર થવું જોઈએ. અહીં મારા મિત્રો તને મળવા માગે છે, આપણાં સગાં-સંબંધીઓ પણ ફોન કરીને કહે છે કે વહુને લઈને ઘેર આવે…’
‘તે જઈશું, હમણાં શું ઉતાવળ છે ? આખી જિંદગી પડી છે.’
‘તેં હજુ આપણું હાલોલનું ઘર જોયું નથી… આપણે એક કામ કરીએ. સોમવારે મને કોન્પેન્સેટરી ઑફ-ડે મળ્યો છે. શનિવારે સાંજે નીકળી જઈએ તો રાતના આઠ વાગતાં સુધીમાં ઘેર, શનિ-રવિ-સોમ ત્યાં રોકાઈ મંગળવારે વહેલી સવારની બસ પકડી લેશું….’
‘ઓહ કીર્તિ ! મને તે કહેલું કે સોમવારે તું ઑફ-ડે લેવાનો છે એટલે મેં તો મમ્મી જોડે પ્રોગ્રામ ગોઠવી લીધો છે. શનિવારે ડ્રાઈવ-ઈનમાં પિક્ચર જોવા જવાનું, રવિવારે બપોરે મહુડી ઘંટાકર્ણજીને પગે લાગવા જવાનું ને સોમવારે મોટા ભાઈનો બર્થ ડે છે. એ કામામાં પાર્ટી આપવાના છે. મજા આવશે. આ વખતે મોટાભાઈ પાસેથી એના બર્થ-ડે પર હીરાના કાપ પડાવવા છે…’
‘બર્થડેની ઉજવણીમાં ગિફટ આપવાની હોય કે લેવાની હોય ?’
‘મોટાભાઈ પાસેથી તો લેવાનું હોય – નાની ગિફટ આપી, મોટી પડાવી લેવાની.’

કીર્તિને દીપ્તિના પ્રસ્તાવ સામે બળવો પોકારવાનું મન થયું, પણ એ કાંઈ બોલી શક્યો નહિ. માને મળવા જવાનું એને ખૂબ જ મન હતું. દૂરના એક દાદાજીને પગે લાગી આશીર્વાદ લેવાના હતા, પણ દીપ્તિએ એને છેલ્લા છ મહિનાથી ક્યાં નવરો પડવા દીધો હતો ? એણે મૂંગેમૂંગે દીપ્તિએ ગોઠવેલો અમદાવાદનો પ્રોગ્રામ પાર પડ્યો. દીપ્તિએ વડોદરા પાછા વળતાં ટીકા પણ કરી કે આ વખતે તમે બિલકુલ ‘મૂડલેસ’ હતા. એ પછીના દિવસોમાં દીપ્તિ અમદાવાદના પ્રોગ્રામ ગોઠવતી રહી અને કીર્તિ ‘મૂડલેસ’ બની એમાં ભાગ લેતો રહ્યો. એનું નિજી સ્વાતંત્ર્ય દીપ્તિએ ઝૂંટવી લીધું હતું. જે વ્યક્તિત્વથી અંજાઈને પૂનમચંદભાઈ અને સુમનબહેને એની પસંદગી કરી હતી એ વ્યક્તિત્વ હવે ધીમે ધીમે લોપાતું રહ્યું છે એમ એને લાગ્યું. એને પત્નીને કશું કહેવું હતું, બોલવું હતું, એની પાસે એના વિચાર વ્યક્ત કરવા હતા, પણ એ માટે એને એના કુટુંબના સંસ્કારો આડા આવતા હતા. દીપ્તિના કુટુંબીજનોએ એને ઘણી ઘણી મદદ કરી હતી, પણ એ દરેક મદદની સામે એના જીવનના સિદ્ધાંતોની બાંધછોડ એણે કરવી પડી હતી.

દિવાળીના દિવસો આવ્યા.
દીપ્તિએ કીર્તિને પૂછ્યા વિના જ કાર્યક્રમ બનાવી કાઢ્યો. ધનતેરસની પૂજા પપ્પાની ઑફિસે કરી દિવાળી અમદાવાદમાં કરવી અને પપ્પાની સાથે બે-ત્રણ દિવસ આબુ જઈ આવવું. કીર્તિએ ખૂબ દલીલ કરી કે ઑફિસમાંથી વારંવાર રજા લેવી સારી નહિ, પણ આબુના કાર્યક્રમ માટે દીપ્તિ મક્કમ હતી એટલે એણે પપ્પા-મમ્મી પાસે દબાણ કરાવી કીર્તિ પાસેથી પરાણે રજા લેવડાવી. કીર્તિની ઈચ્છા હતી કે દિવાળીના બે-ત્રણ દિવસ બંને જણાએ હાલોલ જઈ મા પાસે આ તહેવારના ઉત્સવો ઊજવવા, પણ દીપ્તિના કુટુંબીજનોએ દબાણ કરી એના આ મનોરથો પર પાણી ફેરવી નાખ્યું. કીર્તિનું મોં બગડી ગયું. પુત્રીએ જ્યારે મા પાસે આનો અછડતો ઉલ્લેખ કર્યો ત્યારે સુમનબહેને હસીને કહ્યું કે જો બેટા, શરૂશરૂમાં આવું બધું બનશે. નાના છોકરાઓની જિદ જ્યારે ન સંતોષાય ત્યારે એ બધા એક-બે દિવસ રિસાઈ નથી જતા ? જમાઈરાજનું પણ એમ જ સમજવું. આપણે એને આપણી રીતે પળોટવો છે. મેં તો તારા બાપને વાત પણ કરી રાખી છે કે આટલી બધી ઓળખાણો છે તો જમાઈરાજને અહીં ક્યાંક, અમદાવાદ જ, કોઈ મિલ કે પ્લાન્ટમાં નોકરી અપાવી દો ને, જેથી તું અમારી નજર સામે તો રહે.

દીપોત્સવીના તહેવારો પહેલાં અનિલાબહેનને જ્યારે પુત્રનો પત્ર મળ્યો ત્યારે એ વિચારમાં પડી ગયા. પુત્ર લખતો હતો કે દીપ્તિની ઈચ્છાનુસાર એને નછૂટકે દિવાળી અમદાવાદમાં ઊજવવી પડે એમ છે. પોતાની તો ઘણી ઈચ્છા હતી કે માને સ્કૂલમાં દિવાળીની રજા પડે છે એટલે દીપ્તિને લઈને બે-ત્રણ દિવસ હાલોલ રહેવું અને ત્યાં જ દિવાળી-બેસતું વર્ષ ઊજવવું, સૌ સગાંસંબંધીઓને મળવું અને બચપણમાં જે ધૂળમાં તેની પગલીઓ પડી હતી એ ભૂમિ પર દીપ્તિને ફેરવવી. એણે લગ્ન પહેલાં કે પછી પણ હાલોલ જોયું નથી તો એ બહાને ગામ જોઈ લેવાશે અને પછી માનું વેકેશન પૂરું થાય ત્યાં સુધી મા એની સાથે વડોદરા રહે. દીપ્તિને એ રીતે મા સાથે રહેવાનો મોકો મળશે પણ…પણ….. ખુદ અનિલાબહેને ઘડેલા રજાના બધા પ્લાન ફરી ગયા. પુત્રનો પત્ર વાંચી મા વિચારમાં પડી ગઈ, પણ પછી એણે કહેવડાવ્યું – અમદાવાદમાં આનંદથી દિવાળી મનાવો, આબુ ફરી આવો અને પછી એકાદ-બે દિવસ માટે અહીં આવી જજો. તમે જેટલા દિવસો અહીં રહેશો એટલા તહેવારના દિવસો ગણીશું. અમદાવાદમાં દિવાળીના તહેવારો ઊજવી, આબુ ફરીએ આવી, કીર્તિ વડોદરા આવી ગયો, પણ દીપ્તિ તો અમદાવાદમાં જ રોકાઈ ગઈ. હાલોલ જવાનો કાર્યક્રમ એણે ઉડાવી દીધો. કીર્તિને ખૂબ જ ખરાબ લાગ્યું. દીપ્તિ એની જિદ પૂરી કરીને જ રહી ! પછીના શનિ-રવિના દિવસોમાં એ એકલો મા સાથે રહી આવ્યો અને માના ખોળામાં માથું મૂકી દિલ હળવું કરી લીધું. માએ એક પણ શિખામણ ન આપી કે ન સલાહ આપી. એણે માત્ર એટલું જ કહ્યું – વડોદરા, અમદાવાદ, મુંબઈ, કલકત્તા કે કોઈ પણ જગ્યાએ માત્ર ફલેટ ખરીદવાથી એ ઘર નથી બની જતું. ઘર ભલે પોતાનું હોય કે ભાડાનું, એને પૈસાને બદલે અંતરથી સજાવો તો જ એ ઘર બની શકે.

પૂરા છ-આઠ મહિના કીર્તિ વિચારતો રહ્યો. પોતાનું લગ્નજીવન પોતાના હાથમાંથી સરકી ન જાય એ માટે હવે એણે નક્કર દિશામાં પગલાં ભરવાં શરૂ કરી દીધાં. એક દિવસ દીપ્તિએ કીર્તિને ખુશાલીના સમાચાર આપ્યા.
‘ચોથી તારીખે પપ્પાએ તમારો એક જગ્યાએ ઈન્ટરવ્યૂ ગોઠવ્યો છે.’
‘શાનો ?’
‘એક ટેક્સ્ટાઈલ મિલમાં એન્જિનિયરની જગ્યા ખાલી છે. બધું નક્કી થઈ ગયું છે. તમારા વતી મેં અરજીમાં સાઈન કરી પપ્પાને આપી દીધી હતી. પપ્પાએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પાસે જઈને તમારા માટે પાકું કરી લીધું છે. હવે આપણે અમદાવાદમાં રહેવાનું થશે. પાલડીમાં મોટા ભાઈએ ઈન્વેસ્ટમેન્ટ માટે એક ફલેટ ખરીદી રાખ્યો છે તે ખાલી જ છે….’
‘સોરી દીપ્તિ, હું એન્જિનિયર ખરો પણ, મટીરિયલ્સ એન્જિનિયર છું. ટેક્સ્ટાઈલમાં મારી ચાંચ નહિ ડૂબે.’
‘ચાલશે. એ તો ત્યાં ગયા પછી બધું શીખી જવાશે.’
‘એમ તું માને છે. જે વિષયમાં આપણો રસ ન હોય એમાં ખોટાં વર્ષો બગાડવાનો અર્થ નથી. એમાં બંનેને નુકશાન થાય – મને અને મિલને.’
‘તો…? તો પછી આપણે કાયમને માટે વડોદરા રહેવાનું ?’
‘ના.’ હસીને કીર્તિએ કહ્યું, ‘તું મહિના પહેલાં અમદાવાદમાં બે દિવસ રોકાઈ હતી ત્યારે હું એક જગ્યાએ ઈન્ટરવ્યૂ આપી આવેલો. અહીંના કરતાં ત્યાં ઊંચી પોસ્ટ છે અને પગાર દોઢ-બે હજાર રૂપિયા વધારે છે. કંપની શોફર-ડ્રીવન ગાડી આપશે….’
‘પણ ક્યાં ?’
‘હાલોલમાં. એક મોટી કંપનીનો ત્યાં પ્રોજેક્ટ છે. મને ત્યાંનો એપોઈન્ટમેન્ટ ઓર્ડર મળી ગયો છે.’
‘ક્યારે ?’
‘અઠવાડિયા પહેલાં.’
‘પણ તેં મને કહ્યું કેમ નહિ ?’
‘તેં ક્યારેય મારી પ્રવૃત્તિમાં રસ લીધો છે ? પરણ્યાને એક વર્ષ પૂરું થયું પણ ક્યારેય મારા મિત્રોને કે અહીં સગાસંબંધીઓને તે ઘેર બોલાવવા દીધા ? એમને ઘેર જવાની વાત કરું તો તુરત જ તું તારો અમદાવાદનો પ્રોગ્રામ મારી સામે ધરી દે છે. મને પૂછ્યા વિના જ બધું તું ગોઠવી લે છે. અમદાવાદની ટેક્સટાઈલ મિલમાં મને જાણ કર્યા વિના તેં મારા વતી અરજી કરી નાખી છે ને ! મેં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે પણ એ કયા ક્ષેત્રની છે એ જાણવાનો તને રસ નથી… ખેર, મેં અહીંની કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. એ છોડતાં પહેલાં આ ફલેટ વેચી કંપનીમાંથી લીધેલી લોનના પૈસા ભરી દઉં એટલે છૂટ્ટા. કંપનીના એક બીજા કર્મચારીએ આ ફલેટ ખરીદી લેવાની ઑફર મૂકી છે….’

દીપ્તિને પતિનો આ પ્લાન જરાય પસંદ ન પડ્યો, એણે ખૂબ ધમપછાડા કર્યા, પણ આ વખતે કીર્તિ મક્કમ રહ્યો. પોતાના સાસરેથી આવેલું બધું ફર્નિચર એણે પાછું મોકલાવી દીધું. કીર્તિએ જ્યારે વડોદરાનો ફલેટ વેચી હાલોલ જઈ નવી કંપનીમાં પોતાની નોકરીનો ચાર્જ લઈ લીધો ત્યારે દીપ્તિ તો અમદાવાદ જઈને બેઠી હતી. એ હાલોલ ન જ આવી. કીર્તિએ એક બે પત્રો લખી એને બોલાવવાની કોશિશ કરી, પણ એણે એ પત્રોનો કોઈ પ્રતિસાદ ન આપ્યો.

આખરે ત્રણેક મહિના પછી ખુદ પૂનમચંદભાઈ અને સુમનબહેન દીપ્તિને લઈને હાલોલ આવ્યાં ત્યારે અનિલાબહેને એને ઘરમાં પ્રવેશ કરાવતાં પહેલાં ઉંબરે ઊભા રાખી ગૃહલક્ષ્મીની પૂજા કરી પછી જ ગૃહપ્રવેશ કરાવ્યો. પાનેતર પહેરી, એક થાળીમાં કંકુ-ચોખા અને દીવો મૂકી અનિલાબહેને જે રીતે પોંખી અને કુમકમ પગલાં પડાવી ઘરમાં પ્રવેશ કરાવ્યો તે જોઈને પૂનમચંદભાઈ દીપ્તિ અને સુમનબહેનનું દિલ ડોલી ગયું. એ વખતે દીપ્તિને બાથમાં લેતાં અનિલાબહેન બોલ્યાં હતાં – જે ઘરમાં દીવો કરે તે દીકરી. તું માત્ર આ ઘરની વહુ નથી, મારી દીકરી પણ છે. સુમનબહેન અને પૂનમચંદભાઈને અનિલાબહેનની ગરવાઈ સ્પર્શી ગઈ.

દોઢ-બે મહિના હાલોલમાં રહ્યા પછી દીપ્તિને અનિલાબહેનનો ખરો પરિચય થયો. દિલમાં જરા પણ દંશ રાખ્યા વિના એણે દીપ્તિને સ્વીકારી લીધી. ઘરનું દરેક કામ કે ક્રિયા દીપ્તિને પૂછી પૂછીને અનિલાબહેન કરતાં. દીપ્તિને એણે વહુ કરતાં પુત્રી તરીકે જ લેખી એ જોઈને દીપ્તિનું દિલ ડંખવા લાગી ગયું. વાત વાતમાં એણે અનિલાબહેન પાસે ભૂતકાળના પોતાના વર્તનનો ઉલ્લેખ કર્યો ત્યારે એ સાંભળી અનિલાબહેન હસી પડ્યાં અને એના વાંસામાં હાથ ફેરવતાં બોલ્યાં- ‘બેટા, મેં તને મારો દીકરો ધરી દીધો હતો. આજ સુધી એ મારે સાડલે બંધાઈને રહ્યો હતો, હવે તું એને તારા પાનેતર સાથે બાંધ. પણ તેં જ ધીમેધીમે એ ગાંઠને મજબૂત કરવાને બદલે સરકવા દીધી એમાં હું શું કરું ? છોકરાઓ જુવાન થાય પછી માબાપે એને એની છત્રછાયામાં ન રખાવા જોઈએ. એથી એનું દૈવત હણાઈ જાય. જો ને, એન્જિનિયર થયા પછી મેં જ એને વડોદરા જવા દીધો હતો ને ! નહિતર અહીં ઘણીઘણી નવી કંપનીઓ હતી, એમાં ક્યાંક આછી-પાતળી જગ્યાએ ગોઠવાઈ ગયો હોત પણ એમ મેં ન કર્યું. તને સોંપ્યા પછી તું જ પાછી એને તારાં મા-બાપની છત્રછાયામાં લઈ જવા લાગી. આવી ભૂલ હવે ન કરતી. તમે બંને સ્વતંત્ર રીતે વિકસો અને તમારી દુનિયા રચો. ભૂલ કરતાં કરતાં જે કંઈ નિર્માણ થશે એ તમારી સાચી દુનિયા છે….’

દીપ્તિને તે દિવસે થયું કે મારા કાન વીંધતી આ મા પારકી નથી, મારી પોતાની જ છે, મારી જ છે અને મારી જ રહેશે. મારી ભૂલ પણ કેવા મીઠા ઈશારાથી કહે છે ! બસ હવે, આ હાલોલ છોડવું નથી. સપ્તપદીના સૂત્રે જે સાત પગલાં પાડ્યાં હતાં એ સાતમું પગલું અહીં જ સમાઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારો શું વાંક ? – અંબારામ સંઘાણી
હાસ્યાસન – સંકલિત Next »   

31 પ્રતિભાવો : સાતમું પગલું – ગિરીશ ગણાત્રા

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા. If every wife n mother read this story, son doesn’t have to become “sudi vachhe sopari”.

  ગિરીશભાઈનો આભાર.

  નયન

  “બેટા, મેં તને મારો દીકરો ધરી દીધો હતો. આજ સુધી એ મારે સાડલે બંધાઈને રહ્યો હતો, હવે તું એને તારા પાનેતર સાથે બાંધ. પણ તેં જ ધીમેધીમે એ ગાંઠને મજબૂત કરવાને બદલે સરકવા દીધી એમાં હું શું કરું ? “

 2. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા.

 3. અતુલ જાની (આગંતુક) says:

  ગરઢા ગાડા પાછા વાળે – ધન્ય છે આ કોઠાસુઝવાળી માતાઓની હૈયા-ઉકલત ને.

 4. સુંદર વાત …

 5. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ

 6. Sarika Patel says:

  I really like this story. I remembered my past days when i first time came in
  my husband’s house. My Mother- in-law nature is also same to Anilaben.
  Sarika Patel

 7. shruti says:

  really a touchy story…. a trade mark for todays generation….
  shruti

 8. Dhaval B. Shah says:

  ખૂબજ સુન્દર વાર્તા.

 9. Margesh says:

  Excellent Story!!

 10. sejal shah says:

  v.nice .and touching, hope every mother in law should be like Anilaben.

 11. Geetika parikh dasgupta says:

  ભૂલ કરતાં કરતાં જે કંઈ નિર્માણ થશે એ તમારી સાચી દુનિયા છે….’

  સરસ વાર્તા…..

  It is only possible to live happily ever after on a day to day basis.

  આભાર,

  ગિતીકા

 12. pragnaju says:

  તમારી સાચી દુનિયાની સરસ વાત-. તમે બંને સ્વતંત્ર રીતે વિકસો અને તમારી દુનિયા રચો. ભૂલ કરતાં કરતાં જે કંઈ નિર્માણ થશે એ તમારી સાચી દુનિયા છે….’

 13. Vinod Patel says:

  Vinod Patel, Berlin, Maryland, USA

  The word Mother-In-Law, when you rearrange the letters becomes Woman Hitler. There is a perception in our society that monther-in-laws are always harsh towards their daughter-in-laws. It is not always true. There are exceptions. This is very touching story. My plea to all daughter-in-laws, please do not judge your in-laws.

 14. bhv says:

  ખુબ જ સરસ

 15. Sanjay says:

  Barely true, Some one from kind heart can only perform this acid test. Remember, not everyone is a good or bad, it is the ONLY our own way to look at it.

  And money can never change character or interpersonality it is only your own interest in your life to move forward.

 16. Sapna says:

  આજ સુધી એ મારે સાડલે બંધાઈને રહ્યો હતો, હવે તું એને તારા પાનેતર સાથે બાંધ. પણ તેં જ ધીમેધીમે એ ગાંઠને મજબૂત કરવાને બદલે સરકવા દીધી એમાં હું શું કરું ? છોકરાઓ જુવાન થાય પછી માબાપે એને એની છત્રછાયામાં ન રખાવા જોઈએ. એથી એનું દૈવત હણાઈ જાય.
  તને સોંપ્યા પછી તું જ પાછી એને તારાં મા-બાપની છત્રછાયામાં લઈ જવા લાગી.

  Very very nice and touchy story.

 17. Shaad Kapadia says:

  શ્રી મ્રુગેશભાઈ,

  આ ટૂંકી વાર્તા આજે પણ આપણા જીવનમાં પ્રસ્તુત હોઈ, પ્રીંટ મિડીયામાં વાંચકોના હિતમાં જરુર ફરી છાપવા જેવી છે.

 18. Snehal Parmar says:

  at one stage of the story, i felt like the next step would be breaking apart the marg, but look, this story supports that it all depends in an individual’s understanding.

  Anilaben, what a lovely character with great understanding….i real like teacher…..

  સમાજને પ્રેરના આપતિ વાર્તા…..

  આપનો ખુબ જ આભાર

  સ્નેહલ

 19. Mita Pandit says:

  Nice story .

  Mita

 20. pankti says:

  આ બહુ સર્સ વર્તા ચ્હે .

 21. Ashish Dave says:

  Dipti kinds of characters are hard to change. Good job by the mother in law. Only happens in the story…

  Ashish Dave
  Sunnyvale, California

 22. ALKABHATT says:

  i like this sociel story, because ‘saas bhi kabhi bahu thi.’

 23. kavita says:

  Good story n give good message 4 newly married girl.

 24. orchid says:

  Good story.Every girl have to learn end of the story about marriage life.

 25. Aparna says:

  very nice story indeed! an eye opener for the ambitious girls of today.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.