પ્રેરણાદાયી સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંદઆનંદ’ સપ્ટેમ્બર-08માંથી સાભાર.]

[1] આકાશનો આધાર – કાંતિભાઈ કલઈવાળા

પાંચેક વરસ પહેલાં હું પીનાંગથી રાજકોટ આવેલ. ઉધરસ, કફ, પગનો દુ:ખાવો એવી નાની મોટી વ્યાધિ અને એની ફરિયાદ રહેતી. તે દરમિયાન મારા ભાઈને કોઈએ ચેતનાબહેન વૈદ્યનું નામ કહ્યું. રાજકોટમાં નાના મઉવા રોડ ઉપર દવાખાનું ચલાવે. મેં એમને મારી તબિયત બતાવી અને દવા લીધી. ત્રણેક મહિના દવા કરી. સુધારો જણાયો. મોટે ભાગે દવા લેવા જવાનું હોય ત્યારે મારો ભાઈ મને ગાડીમાં લઈ જાય પણ એને કામ હોય અને મારે બતાવવા જવાનું હોય ત્યારે હું રિક્ષામાં ત્યાં જાઉં. દવા લઉં. ત્યાર બાદ આજુબાજુ દસેક મિનિટ ફ્રૂટની, શાકની તથા બીજી રેંકડીઓને જોઉં અને મન થાય તેવું કંઈક મારા માટે તથા ઘેર બાળકો માટે લઈ જાઉં.

એક વખત મેં એક મોટી ઉંમરના ડોસીમાને રેંકડી ઉપર જોયાં. હું ત્યાં ગયો. ત્યાંથી આદું, ફુદીનો વગેરે પાંચ રૂપિયામાં ખરીદ્યું. અને ડોસીમાને પૈસા ચૂકવી હું રવાના થયો. મારી બીજી ભૂલી જવાની પણ એક તકલીફ હતી. આ બનાવ પછી પંદરેક દિવસ બાદ હું એ જ ડોસીમાની રેંકડીએ પહોંચ્યો. મેં આદું, ફુદીનો વગેરે ચીજ ખરીદી. હું પૈસા આપવા જાઉં ત્યાં એક બહેન ત્યાં આવ્યાં અને ભીંડાના ભાવ પૂછ્યા. માજીએ 12 રૂપિયા કહ્યા. પેલાં બહેન બોલ્યાં કે ’10 રૂપિયા નહીં થાય ?’ માજી બોલ્યાં કે ‘થાય પણ પછી જમવા તમારે ઘેર આવવું પડે !’ માજી ખૂબ હસમુખા અને શાંત જણાયાં. બહુ જ લહેકાથી બોલ્યાં. પેલાં બેનને એમાં કાંઈ રસ ન હતો. તેઓએ ભીંડા લીધાં.

હવે મેં માજીને પૂછ્યું : ‘કેટલા રૂપિયા થયા ?’ માજી કહે : ‘પાંચ રૂપિયા.’ મેં કહ્યું : ‘સાત આપું તો તમારે ઘેર જમવાનું મળે ?’ માજી કહે : ‘હોવે ચાલો.’ મેં હસતાં હસતાં સાત રૂપિયા કઢ્યા – માજીને આપ્યા. માજીએ બધા મને પાછા આપ્યા. મેં હવે વાતને ચગાવી અને કહ્યું : ‘પેલાં બેનના બે રૂપિયા પણ ઓછા નહીં અને ઓછા હોય તો જમવાનું તમારે એને ઘેર કહેતાં હતાં. જ્યારે હું સાત આપું છું તે પાછા અને જમવાનું મફત ? શું મારા રૂપિયા મોટા છે ?’ હવે માજી ગંભીર થઈને બોલ્યાં : ‘ભાઈ, તમે તે દિવસે શાકની થેલી ભૂલી ગયા હતા. (મને યાદ નહોતું.) મેં એમાંથી શાક કાઢીને વેચી નાખ્યું કારણ કે તમને ક્યાં શોધવા જઉં ? એથી એ રીતે તમારા પાંચ રૂપિયા મારી પાસે જમા રહ્યા ને ? મારાથી અણહકનું ન લેવાય.’

જાતમહેનત અને ગરીબી બંનેની અસર ચહેરા પર હતી. સાથે ઉંમરે પણ ભાગ ભજવ્યો હતો. છતાં વાણીમાં અને આચરણમાં જે ખુમારી હતી તે અછતી ન રહી. મેં કહ્યું : ‘ચાલો, માજી સાથે ચા પીએ !’
‘ના ભાઈ, નવરાત્રી છે. હું નવરાત્રીમાં ચા નથી પીતી.’
‘સાથે કેળાં ખાઈએ’ મેં કહ્યું.
માજી માન્યાં. બાજુની રેંકડીમાંથી કેળાં લઈ અમે ખાધા.

મહાત્મા ગાંધીજીને પંડિત જવાહરલાલે ધરતીકંપ વખતે ‘આ કેવો ઈશ્વર હોય’ એવું કંઈક કહેલું. અને મહાત્માજીએ કહેલું કે, ‘આ માણસનાં પાપ છે.’ એ સાંભળી પંડિતજી નારાજ થયેલા. વિ.સ. ખાંડેકરે, આકાશ કેમ નથી પડતું એ માટે એક વાર્તા લખેલી. માજીના દાખલાથી, મહાત્માના જીવનથી અને વિ.સ. ખાંડેકરની વાર્તાથી હું એવા તારણ પર આવ્યો છું કે :

કોણ કે’છે આભને આધાર નહીં
ને ધરાને ભાર નહીં,
અટકી ગયું છે પડતું ગગન
સતકર્મના કોઈ થીંગડે
અને કંપી ઊઠી છે ધરા
દુષ્કાળના કોઈ શીંગડે

માજી જેવાં લઘુમતીમાં વસતા માણસોથી આકાશ પડતું અટકી ગયું છે અને એનાથી વિપરીત સ્વભાવવાળા બહુમતીમાં વસતા માણસોથી ધરા ધ્રૂજી ઊઠી છે.
.

[2] કરવા જેવું અનોખું કામ – કે. આર. પરમાર

દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાય છે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય, આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માટે દાહોદના રહેવાસી ‘આબિદભાઈ કરીમભાઈ ખાનજી’ છેલ્લાં 29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજર પડી રહ્યું છે. તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડ આનંદ’ માસિકથી કરેલી. ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાન્સપેરેન્ટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય, સાથે જોવામાં આકર્ષક પણ લાગે છે. પછી તેમાં પીરસાયેલ સાહિત્યને વાંચતા જાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઈને આવે એટલે બીજાને, ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે. અને છેલ્લે દાહોદમાં, ગુજરાતમાં, ભારતમાં તો ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ, તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉક્ટર સુધી, પટાવાળાથી માંડીને આઈ.આઈ.એમ. ના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુદ્ધાં વાંચી ચૂક્યા છે.

તા. 1-1-1980થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી ‘અખંડ આનંદ’ના 350, ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના 786, ‘અભિયાન’ના 396 અને ‘નવનીત સમર્પણ’નાં 72 અંકોને ઉપર જણાવેલી ‘માવજત’ મળી છે. ઉપરાંત કોઈ સગાં-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી, ઉપરોક્ત ‘માવજત’ આપી, ભેટ આપે છે. સાથે તેમના બને એટલા વધુ લોકોને વાંચવા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતી પણ કરતા રહે છે.

તા. 3-10-1978થી તા. 02-08-1990 સુધી ‘મુંબઈ સમાચાર’ દૈનિકનાં તા. 15-3-1991 થી તા. 31-8-1993 સુધી, ‘સંદેશ’ દૈનિકનાં, તા, 1-1-1994થી તા.22-01-2002 સુધી ‘ગુજરાત સમાચાર’ દૈનિકનાં અને તા. 1-4-2004થી ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઈડમાં સિલાઈ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પાડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આ દૈનિકનું વાંચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે. વધુમાં, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઈના જન્મ વર્ષ-1951માં પુન:પ્રકાશિત ‘આર્યભિષક-સુબોધ વૈદક’ નામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો. તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઈન્ડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15 = 797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બીમારી થતાં પહેલાં જ અટકાવવાના ઈચ્છુકો વાંચવા લઈ જઈ રહ્યા છે.

આટલેથી ન અટકતાં આબિદભાઈએ તા. 21-07-2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફક્ત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.

આબિદભાઈ આર્થિક રીતે ઘણા સદ્ધર છે, એવું કોઈ રખે માનતા ! તેઓએ સિલાઈકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યાસન – સંકલિત
મચ્છરદાનીમાં – ગુલાબદાસ બ્રોકર Next »   

24 પ્રતિભાવો : પ્રેરણાદાયી સત્યઘટનાઓ – સંકલિત

 1. nayan panchal says:

  બંને લેખો સરસ.

  જે કામ સરકારે કરવુ જોઈએ તે કામ આબિદભાઈ કરી રહ્યા છે. એક જ્યોતમાંથી હજારો જ્યોત પ્રગટાવી રહ્યા છે.

  આભાર.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  * કોણ કે’ છે આભને આધાર નહીં ને ધરાને ભાર નહીં,
  અટકી ગયું છે પડતું ગગન સતકર્મના કોઈ થીંગડે
  અને કંપી ઊઠી છે ધરા દુષ્કાળના કોઈ શીંગડે — સુંદર પ્રસંગ

  * કરવા જેવા અનોખા કામના કરવૈયા શ્રી આબીદભાઈને ધન્યવાદ.

 3. Ranjitsinh Rathod says:

  કોણ કે’છે આભને આધાર નહીં
  ને ધરાને ભાર નહીં,
  અટકી ગયું છે પડતું ગગન
  સતકર્મના કોઈ થીંગડે
  અને કંપી ઊઠી છે ધરા
  દુષ્કાળના કોઈ શીંગડે

  કેટલુ સુન્દર.

  અને વાચન પ્રત્યે લોકોની રુચી વધારવા નો આબિદભાઈ નો પ્રયાસ પ્રસન્સા ને પાત્ર છે.

 4. dipak says:

  સમાજમા અત્યારે આબિદભાઇ જેવા માણસ ખુબજ જરુર છે.

 5. pragnaju says:

  ધન્યવાદ પ્રેરણાદાયી લેખો માટે/ સલામ આબિદભાઈને

 6. Niraj says:

  ડોસીમા અને આબીદભાઈને લાખો સલામ…

 7. વાહ આબિદભાઈ….. ખરેખર જે કામ સરકાર કે કોઈ વિભાગે કરવું જોઈએ એ કામ એકલા હાથે અને આટલી અનંત અખંડ ધગશથી કરવામાટે તમને ખૂબ આભાર અને શુભેચ્છાઓ….

  બંને લેખો ઉત્તમ છે……as usual mrugeshbhai….

  good

 8. ભાવના શુક્લ says:

  સારા કાર્યો કરવા માટે મોકા ની નહી નિયતની જરુર હોય છે. તેનુ શાકભાજી વાળા માજી અને આબીદભાઈની વાચન સેવા ખુબ સશક્ત ઉદાહરણો છે.

 9. This is a good idea to encourage the people to read the books. Internet or any other measure may flourish howmany large but it cannot replace the books. Hats of to Shri Abid bhai. I would like to send some good books of such collection published by “JAN KALYAN” Mr. parmar can I do so?
  I am writting you one letter to you, pl do reply.
  Thanks.

 10. Ashish Dave says:

  It is not hard to be good from time to time but what is tough is to be good every day.

  Salute to Abidbhai. There is not much difference between people who cannot read and people who know how to read and cannot read. Breaking this barrier by people like Abidbhai is a tough job.

  Thanks for posting beautiful articles Mrugeshbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 11. Bhumish says:

  સરસ

 12. Hiral Thaker "Vasantiful" says:

  બન્ને પ્રસંગો ખુબ જ સરસ.

 13. rahul says:

  આબિદભાઇને સલામ…………..

 14. kailasgiri varal says:

  બંને લેખો સુન્દર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.