પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી હવે આગળ….]

આ સંગોષ્ઠિના ત્રીજા વક્તા ડૉ. વસંતભાઈ પરીખનો પરિચય આપતાં સંચાલકે કહ્યું હતું કે એમનો શો પરિચય આપવો ? ગતસત્રમાં આપણે ભીમ વિશે તેમને સાંભળ્યા હતા. ગઈકાલથી દેશ-વિદેશમાંથી શ્રોતાઓના ટેલિફોન આવે છે કે વસંતભાઈ ક્યારે બોલવાના છે – એ પરથી જ એમની લોકપ્રિયતા સમજી શકાય. તેઓ આજે આપણને નારદ વિશે વાત કરશે.

st13પોતાના વક્તવ્યનો આરંભ કરતાં વસંતભાઈએ કહ્યું કે ‘ખલિલ જિબ્રાને કહ્યું છે કે વસંત એ પાનખરનું સપનું છે એટલે હું હવે અહીં એમનું સપનું થઈને આપની પાસે નારદની વાત મૂકીશ… કારણ કે નારદ પણ આપણું એક સનાતન સપનું છે. ‘નારાયણ’ એમ શબ્દ બોલીએ એટલે નારદ યાદ આવે. બે વાર બોલીએ ત્યાં તો નારદ હાજર થઈ જાય ! નારાયણનું સ્મરણ કરતાં નારદ યાદ આવે અને નારદનું સ્મરણ કરતાં નારાયણ યાદ આવે એવું મધુરાદ્વૈત બહુ ઓછા ભક્તોમાં જોવા મળે છે. ‘નારા’ શબ્દનો અર્થ છે પાણી, એટલે કે પ્રેમજળ. શ્રી હરિરૂપી સરોવરનું પ્રેમજળ જે બધે વહેવડાવે તે નારદ. ઈશ્વરની કૃપાને આપણા સુધી પહોંચાડે. એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. એ પુરાણની વ્યક્તિ નથી એનો અર્થ એ છે કે સનાતન છે અને હજી આજેય છે. આંગળી પકડી લેવાય તો બેડો પાર ! અસ્તિત્વનો એક આહલાદક ઉન્મેષ એટલે નારદ. મહર્ષિ અરવિંદ કહે છે કે “સ્થૂળ અને સુક્ષ્મને જો કોઈ જોડતું બિંદુ હોય તો એ નારદ છે.” તે એક સેતુ છે જે વૈકુંઠ અને સ્વર્ગને મૃત્યુલોક સાથે જોડે છે. નારદ એ મોબાઈલ બ્રિજ છે. અને એવો તો ટ્રાન્સ્પરેન્ટ બ્રિજ છે કે તમે એની સોંસરવા નીકળી જાઓ એટલે સીધા ભગવાનને પ્રાપ્ત થઈ જાઓ ! દેવો, અસૂરો, માનવો – બધાને નારદ પ્રિય છે. સર્વજનના લાડકા મુનિ છે ! એમની પાસે સૌથી અદ્દભુત કલા હોય તો એ છે સમાધાન કરાવવાની. મોટી કંપનીમાં જેમ ‘ટ્રબલશુટર’ની પોસ્ટ હોય છે તેમ નારદ એ વિશ્વવ્યાપી ‘ટ્રબલશુટર’ છે. ગમે તેનું દુ:ખ દુર કરવા તત્પર એવા પરદુ:ખભંજન છે. ધરતીના લોકોના દુ:ખની નોંધ કરી ભગવાન પાસે જાય અને ભગવાન પાસેથી તેનો ઉકેલ મેળવી તેમની વાત ધરતીના લોકોને સમજાવે – એવા મનુષ્યના સર્વકાળના નિ:સ્પૃહી મિત્ર નારદ છે. એમને કશું જોઈતું નથી, કેવળ કરુણાને કારણે દુ:ખ દૂર કરવાની એમને સતત ચિંતા રહે છે.

હવે તકલીફ શું થઈ કે જે બહુ આપણી સાથે રહે, આપણી સાથે હળીમળી જાય એટલે એ આપણને આપણા જેવા લાગે. એમની મહત્તા ભૂલાઈ જાય ! એને કારણે આપણે એમના વિશે મન ફાવે એવી વાતો જોડવા માંડી. નારદ એટલે તો જાણે કલહપ્રિય એવું ચિત્રિત કરવામાં આવ્યું. આપણે બીજાની મશ્કરી કરવાની આપણી અતૃપ્ત ઈચ્છાઓને વાયા નારદ પૂરી કરવાની કોશિશ કરી છે. તે એટલા તો લોકપ્રિય છે કે પુરાણો, રામાયણ, મહાભારત, વેદ, લોકસાહિત્ય અને આખ્યાનો – આ બધા જ નારદ પર જીવ્યાં છે. પણ આપણી ગુજરાતી ફિલ્મો અને ટી.વી. સીરિયલોએ નારદના પાત્રની જે અવદશા કરી છે તે ખૂબ ખોટું છે. હા, એ વાત કબૂલ કે નારદે એકની વાત બીજાને કરી છે. એમાં ના નહીં પરંતુ એની પાછળનો હેતુ તમે જોશો તો બંને પક્ષનું કલ્યાણ કરવાનો હશે, બંનેને ઝઘડો કરાવીને એનો રસ મેળવવાનો નહિ. નારદ દેવર્ષિ છે, તે એવો અધમ આનંદ મેળવવાની ઈચ્છા રાખે એવા નથી. નારદ વિશે આપણી ભાષામાં એક ખોટો શબ્દ પ્રચલિત થયો છે : ‘નારદવેડા’. મધ્યકાલીન લોકો નારદના પાત્રથી મનોરંજન કરવા લાગ્યા એટલે તેમાં રહેલું તત્વ ભૂલાઈ ગયું અને પરિણામે આવા ખોટા શબ્દો ઘૂસી ગયા. નારદ ધારે તો શાપ આપી શકે પણ એ તો હસીને કહે છે કે બેટાઓ, મારે ભોગે પણ તમે જો સુખી થાઓ છો તો ભલે થાવા દયો. એમને કોઈ ફરિયાદ નથી. એ તો આપણું જ દુર્ભાગ્ય છે કે આપણે એમને મજાકમાં ખપાવી દઈએ છીએ. એક ભાગવતકથાકારે ‘નારદ’ શબ્દની સરસ વ્યાખ્યા કરી હતી કે : ના+રદ. જે કંઈ રદ કરતા નથી એનું નામ નારદ. એમની પાસે બધાનો જ સ્વીકાર. તમે એમને આદર આપો તોય સ્વીકારે, તમે એમની મજાક ઉડાવો તોય સ્વીકારે.’

વાત કરતાં વસંતભાઈએ એક સત્યઘટના ટાંકતાં કહ્યું હતું કે : ‘અમારે અમરેલી જિલ્લાના નાનકડા ગામમાં પ્રાથમિક શાળાના એક બહુ ભોળા શિક્ષક હતા. બહુ સજ્જ્ન માણસ. છોકરા ભણાવે ને રાજી થાય. વ્યવહારનું બહુ ભાન નહીં. એમની દીકરીના લગ્ન નક્કી થયાં. ઘરેણાં તો ચઢાવવા પડે ને ? પત્નીને પૂછ્યું કે શું કરીશું ? પત્ની કહે તમે કોઈ વાર કશું કર્યું છે ? તમે રહેવા દો. હું બધું કરીશ. પત્નીએ પોતાના જૂના ઘરેણા માસ્તરને આપ્યા અને સોનીને ત્યાં જઈ દાગીના તૈયાર કરાવવાનું કીધું. સોનીએ માસ્તરને ભોળો જાણીને આખો નકલી સેટ બનાવી દીધો. આ ભોળિયાને તો કંઈ ખબર નહીં ! શહેરમાંથી જાન આવી. લગ્ન પત્યાં. વેવાણ જરા અડધુપડધું ભણેલા એટલે એમણે ઘરે પહોંચી પહેલા સાસુ તરીકે વહુને ચઢાવેલા દાગીનાની ચકાસણી કરી. એમાં બધુ પકડાયું કે આ તો દાગીના બોગસ છે ! વેવાણ વહુને લઈને માસ્તરને ત્યાં આવ્યા કે આ લો તમારી દીકરી… રાખો… આવી છેતરપિંડી કરો છો અમારી સાથે ? માસ્તર તો હબક ખાઈ ગયા… કહે કે આમાં કોઈ છેતરપિંડી નથી. આ અમારી જ દીકરી છે. વેવાણ કહે એમ વાત નથી અવે. અહીં ઘરેણાની વાત થાય છે. તમે જે દાગીના ચઢાવ્યા એ બધા ખોટા છે. માસ્તરને વિશ્વાસ ના બેઠો. કહે કે સોનીને ત્યાં જઈને પૂછીએ. ગામ તો સાવ નાનું. એટલે હોહા થઈ અને માણસો ભેગા થઈ ગયા. આખું રાવણું સોનીની દુકાને પહોંચ્યું. સરપંચ અને મુખી પણ આવી ગયા. સોની ગભરાયો એણે કબૂલાત કરી. મુખી કહે કે ચલો તેં કબૂલ કર્યું એ તો ઠીક. દાગીના ફરી નવા બની જશે. પણ મને એ કહે કે તને આ છેતરવા માટે ભોળો માસ્તર જ મળ્યો ? સોની એ બહુ સરસ જવાબ આપ્યો. સોની કહે કે સાહેબ, હાવ ભોળા ભગવાનનું માણસ હોય એને જ છેતરાય ને ! તમને છેતરું તો તમે મારી પાછળ ડાંગ લઈને દોડો ! જગતમાં ભલા ભોળા, નિખાલસ અને સજ્જ્ન માણસો હોય એને જ બાપ છેતરાય ! એની જ બધા ફિલ્મ ઉતારે…. તો નારદની ઉતારે એમાં નવાઈ શું ? નારદ એટલા બધા નિખાલસ છે કે છેતરાઈ જાય. લોકો એમની ઉડાવે તો પણ શાંત રહે. રજનીશ કહેતા કે નારદ નિરહંકારી હતા. એમને લોકનિંદાનો સ્વીકાર પણ સહજતાથી કર્યો. નારદે પોતાની જાતને સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પિત કરી દીધા હતા એ વાત કોઈ સમજી શક્યું નહિ એટલે આવા નાટકોમાં લોકો એમની ઠેકડી ઉડાડે છે. નારદ પોતાને ભોગે એ નાટકોને શણગારે છે. કેવું મહાન ચરિત્ર !

st21હવે મારે તમને બે દષ્ટાંત ખાસ કહેવા છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. નારદ એ વિશ્વના સૌથી પહેલા પત્રકાર છે. એ વૃત્તાંત નિવેદક છે. તેઓ જે આમાન્યા રાખતા તે આજના મીડિયાએ સમજવા જેવી છે. ખબર આપવાનું જે ધોરણ એમણે સ્વીકાર્યું હતું એ ખૂબ ઊંચું હતું. એનું એક ઉદાહરણ જોઈએ. રાવણ જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને સંહાર કરતો હતો ત્યારે નારદે ત્યાં જઈને એને ઉકસાવ્યો. એમણે કહ્યું કે : ‘અલ્યા, મૃત્યુલોકના આ પરચુરણ માનવીઓ તો આમેય મરવાના જ છે. એને મારીને તને શું ફાયદો ? એમાં કંઈ તારી બહાદુરી ના દેખાય. અહીં પૃથ્વી પર તો બધા ‘ટેમ્પરરી’ છે. કાયમ તો એ લોકો યમલોકમાં રહે છે. ત્યાં તારું કશું ચાલશે નહિ, કારણ કે ત્યાં યમ બેસે છે.’ રાવણ કહે એમ ? જોઉં ત્યારે યમલોકને. રાવણ તો ઉપડ્યો. આમ, નારદે પૃથ્વીલોકને બચાવવા આખું ડાયવર્ઝન આપી દીધું. આ વૃત્તાંતનિવેદકનું કેવું સરસ કામ છે !

હવે નારદે વ્યક્તિક કલ્યાણ કેવી રીતે કર્યું એ જોઈએ. ચંદ્રને ભદ્રાનામની અત્યંત સ્વરૂપવાન પુત્રી હતી. વરુણે એનો હાથ માંગ્યો ત્યારે ચંદ્રે તેને ના પાડી. એણે કહ્યું કે મારે મારી દીકરીને કોઈ દેવ સાથે નથી પરણાવવી. એ પછી ચંદ્રે તેને ઉતથ્ય નામના તપસ્વી ઋષિ સાથે પરણાવી. પણ એ ઋષિ પાછા તપસ્વી એટલે તપસ્વી જ નીકળ્યા ! (સમજો તો સારી વાત છે !) અમારે ત્યાં એક ફકીરચંદ નામનો શિક્ષક હતો. એક દિવસ પોતાને ગામ જતો હતો. મને કહે કે મારા લગ્ન છે એટલે રજા મૂકીને ગામે જઉં છું. થોડા દિવસ પછી એ પાછો આવ્યો અને એક દિવસ આવીને મને કહે : ‘લગ્ન કરીને હું એને મળ્યો. મેં એને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે આ તમે જે સાડી પહેરી છે એ સાડી કેટલામાં આવી ?’ તો એણે કહ્યું કે 556 રૂ. માં. તો પછી તરત મેં કહ્યું કે તમે છેતરાઈ ગયા ! આમ 158નો ભાવ છે.’ આવી બધી વાત એણે મને કહી. એટલે મેં ધીરે રહીને કહ્યું કે એ પછી ભાભીએ શું કહ્યું હતું એ તમે સાંભળ્યું હતું ? ફકીરચંદ કહે ના. પણ તને ક્યાંથી ખબર ? મેં કહ્યું કે મને બધીય ખબર. ભાભી એવું બોલ્યા હતા કે હા, હું ખરેખર છેતરાઈ ગઈ છું !’ મેં કહ્યું અલ્યા ફકીરા, પહેલી મુલાકાતે સાડીના ભાવ પૂછે છે !! ધિક્કાર છે તને ! એમ ઘણા તપસ્વી હોય ને એ પછી તપસ્વી જ રહે ! ઉતથ્ય સાથે ભદ્રાના લગ્ન તો થયા પણ પછી થોડા સમય બાદ ઉતથ્ય તો તપ કરવા હાલી નીકળ્યા ! ભદ્રાને એકલી જોઈ વરુણ આવીને એને લઈ ગયો. અહીં અપહરણ નથી થયું, ભદ્રા પ્રેમથી એની સાથે ગઈ છે. છોકરીઓને પૂછ્યા વગર વર શોધો તો આવું થાય ! હવે અહીં નારદનો પ્રવેશ થયો. વરુણલોકમાં જઈને નારદે ભદ્રા સામે જોયું એટલે વરુણ કહે કે એને ઉતથ્યને ત્યાં માફક નહોતું આવતું એટલે હું એને અહીં લઈ આવ્યો છું ! આ એની જવાબ આપવાની રીત જુઓ ! નારદ સમજી ગયા. એ ખોટું તો સહન કરે નહિ. એમણે જઈને ઉતથ્યને વાત કરી. ઉતથ્ય ગુસ્સે થયા. તપને સ્થગિત કર્યું અને નારદને કહ્યું કે હવે તમે આવ્યા જ છો તો તમે મારો સંદેશ વરુણને જઈને કહો કે મારી પત્નીને પાછી સોંપે નહીં તો જોવા જેવી થશે ! નારદ પાછા વરુણ પાસે ગયા અને કહ્યું કે ઉતથ્યને ખબર પડી છે અને એમણે આવો સંદેશો કહ્યો છે. આપણે હેમખેમ આપી દઈએ તો સારું નહીં તો એ શાપ આપશે. વરુણ કહે તમારી વાત બરાબર પણ હું અપહરણ કરીને લાવ્યો હોઉં કે એને અહીં ત્રાસ હોય તો હું એને પાછી સોંપું. તમે એને પૂછો એ પણ જવાની ના પાડશે. અમને અહીં હવે ફાવી ગયું છે. તમે વચમાં શું કામ પડો છો ? હવે એ અમારો મામલો છે. નારદ ઉતથ્ય પાસે ગયા. હવે તમે જુઓ કે નારદે કેવી આચારસહિંતા પાળી છે તે. એમના સ્વભાવનું સુંદર દર્શન જુઓ. એમણે એમ ન કહ્યું કે તમારી પત્નીને તમારી પર પ્રેમ નથી એટલે નથી આવતી, કે વરુણ એના પર મુગ્ધ થયો છે કે એ સ્વેચ્છાએ રહે છે – આમાંનું કશું જ ન કહ્યું. એમણે ફક્ત એટલું જ કહ્યું કે વરુણે મારી વાત સાંભળી નહીં અને મને ગળું પકડીને ધક્કો માર્યો એટલે સીધો અહીં આવ્યો છું. હવે આ તમારો અને વરુણ વચ્ચેનો મામલો છે એટલે હું રજા લઉં છું. આ નારદ છે ! ક્યાં અટકવું એ એમને ખબર છે, આજના મીડિયાવાળાને એ ખબર નથી. નારદની આ ઊંચાઈ છે.

બે મહાસમર્થ કવિ કાલિદાસ અને માઘે નારદનું સુંદર શબ્દચિત્ર આપ્યું છે. નારદનું વ્યક્તિત્વ શું છે તે જાણવા માટે આપણે એવા કવિઓ પાસે જવું પડશે. કાલિદાસ શબ્દચિત્ર આપતાં કહે છે કે – ‘નિકષ પર શોભતી સુવર્ણરેખા સમાન ગોરોચનથી એમનો જટાકલાપ સોહી રહ્યો છે, ચંદ્રકલા જેવું નિર્મલ ધવલ એમનું યજ્ઞોપવિત છે, અદકેરા મોતીઓની માળાથી જેની અલંકાર સમૃદ્ધિ ઝળહળી ઊઠી છે, તેવા નારદ સુવર્ણની શાખા ઝુલાવતા જંગમ કલ્પવૃક્ષ જેવા લાગતા હતા.’ કવિ માઘે શિશુપાલવધના આરંભમાં અગિયાર શ્લોકથી નારદનું વર્ણન કર્યું છે. તે મહાસમર્થ વક્તા હતા. એમની વાણી ઘણાના હ્રદય બદલતી. સત્યપુત અને હરિસ્મરણથી અનુસ્યુત વાણી સાંભળીને સંસારી જીવોનું રૂપાંતર થતું. વાલ્મિકી, પુરંજન, ચિત્રકેતુ, ધ્રુવ, પ્રહલાદ વગેરેને એમણે સુધાર્યા. બીજું બધું ય બાજુ પર મૂકી દઈએ તો પણ એમનો સૌથી મોટો ઉપરકાર માનવજાત પર એ છે કે તેમની મદદથી આપણને વાલ્મીકીનું રામાયણ અને વ્યાસનું ભાગવત પ્રાપ્ત થયાં. સ્વયં અનિકેત હતા, પણ હજારો માટે શાંતિનિકેતન થયા. આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કળા નારદમાં હતી, જેને આજનું મોર્ડન મેનેજમેન્ટ હવે સમજતું થયું છે. સારંગપાણીના ભક્ત વીણાપાણી જ હોય ને ! ભક્તને સંગીત શોભે, શસ્ત્ર નહિ. નારદ હવામાંના ઑકિસજનની જેમ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કરે છે અને ક્લોરિનવાયુની જેમ વ્યક્તિના વિકારોની શુદ્ધિ કરે છે.’

નારદ વિશેની વાત પૂરી કરતાં વસંતભાઈએ ‘નારદડૂબકી’ શબ્દની વ્યાખ્યા કરી હતી. નારદ ડૂબકી એટલે કોઈને કોઈ ખ્યાલો કે આશાઓમાં જીવવું. લોકકથા એવી છે કે એકવાર નારદ ભગવાનને કહે છે કે મને તમારી માયા દેખાડો. પછી નારદ નહાવા ગયા અને ડૂબકી મારી તો કોઈ બીજા દેશમાં નીકળ્યા. ત્યાં એમનો બહુ સત્કાર થયો, અનેક કામો કર્યા, એમને લોકોએ રાજા બનાવ્યા, એમના લગ્ન થયા, સંતાનો થયા. બધું થયું. પણ પછી થયું એવું કે પત્ની મરી ગઈ. પેલા લોકોએ કહ્યું કે અમારે તો એવો રિવાજ છે કે પત્ની મરે તો એની પાછળ પતિએ પણ બળી મરવું માટે તમે સ્નાન કરીને આવો. નારદને ફરજિયાત સ્નાન કરવા મોકલ્યા અને જેવી નારદ ડૂબકી મારીને બહાર નીકળ્યા તો ભગવાને હસતાં હસતાં પૂછ્યું કેમ નાહી લીધું ? ત્યારે એમને ખબર પડી કે આ બધી તો માયા હતી ! આ છે નારદ ડૂબકી. આપણે બધા ક્યારેક ને ક્યારેક એવી ડૂબકી મારી દેતા હોઈએ છીએ પણ ઉપરવાળો આપણને તેમાં લાંબો સમય રહેવા દેતો નથી. આખરે એ બચાવી જ લે છે.’ એમ કહી વસંતભાઈએ પોતાની વાતનું સમાપન કર્યું હતું.

[સંગોષ્ઠિ-4]
બીજા દિવસની સાંજે સંગોષ્ઠિ-4નું સંચાલન ડૉ. વસંતભાઈ પરીખે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હવે નવપાત્રોનો પ્રવેશ થતાની સાથે આપણે પુરાણોમાં પ્રવેશી ગયા છીએ, માત્ર એટલું જ નહિ, હવે આ ભૂમિ નૈમિષારણ્યમાં ફેરવાઈ ગઈ છે અને ઉપસ્થિત સૌ શ્રોતાઓ 88,000 ઋષિઓ જેવા જ લાગે છે. વક્તાઓ અહીં અનેક છે તેથી અહીં સૂતબાહુલ્ય છે તેમ કહી શકાય. જેના હૃદયમાં ભગવાન પ્રગટ થાય, સંસ્કૃતિ પ્રત્યેનો ઊભરો આવી જાય અને વાંચ્યા વિના પણ જેની છઠ્ઠી ઈન્દ્રિય ખૂલી જાય તથા અગમ-નિગમનું દેખાવા માંડે તે બધા જ સૂતનો અવતાર ધારણ કરીને પધારેલા કહેવાય.’ આગામી વક્તા શ્રી વિજયભાઈ પંડ્યાનો પરિચય આપતાં તેમણે કહ્યું હતું કે ‘વિજયભાઈની સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં ગતિ છે. ઘણા પુસ્તકો લખ્યા છે, નાટકો-કાવ્યોના સંપાદનો આપ્યા છે, મૌલિક લેખો લખ્યા છે અને હાલ નિવૃત્ત થયા બાદ એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ ખાતે સેવાઓ આપી રહ્યા છે. તેવા આ અધિકારી વક્તા આજે આપણને પુરાણના પાત્ર ‘પરશુરામ’ વિશે વાત કરશે.’

st14પરશુરામના પાત્ર વિશે પરિચય આપતાં વિજયભાઈએ કહ્યું હતું કે ‘પરશુરામનું ચરિત્ર રામાયણ, મહાભારત ઉપરાંત અનેક પુરાણોમાં મળે છે જેવા કે માર્કેંડય પુરાણ, બ્રહ્મ પુરાણ, પદ્મપુરાણ અને ભાગવત તો ખરું જ. પરશુરામનું બહુ વિલક્ષણ પાત્ર છે. વાલ્મીકી રામાયણ તો કહે છે કે એ કૈલાસ જેવા છે. એમની પાસે જઈ ન શકાય. કાલાગ્નિ જેવા અસહ્ય અને તેજથી જાણે સળગતા હોય એવું ચિત્ર વાલ્મીકીએ એમનું દોર્યું છે. રામાયણનું આ વર્ણન મુનશીને એટલું બધું ગમી ગયું કે ‘ગુજરાતનો નાથ’ નવલકથામાં તેમણે મંજરીના મુખે કાક વિશે આ શબ્દો વારંવાર બોલાવ્યા છે. એ પછી તો મુનશીએ ‘ભગવાન પરશુરામ’ વિશે આખી નવલકથા લખી. ભગવાનના દશ અવતારમાંના તે એક છે અને વિશેષતા એ છે કે આ એક જ એવો અવતાર છે જે શસ્ત્રથી ઓળખાય છે ! મૂળમાં તો એમનું નામ રામ છે પણ હવે પછી આવનારા ભગવાન રામથી એમને જૂદા પાડવા ‘પરશુ’ શબ્દ પ્રયોજાયો છે. અને આમ તે તેમના આયુધથી ઓળખાય છે. વિશ્વામિત્ર કદાચ પરશુરામના મામા છે.

પરશુરામની જન્મકથા પણ બહુ વિચિત્ર છે. તેઓ જમદગ્નિના પુત્ર છે અને માતાનું નામ રેણુકા છે. જમદગ્નિ અને પરશુરામના પિતામહ રૂચિક અને એની પત્ની સત્યવતી. રૂચિકે એક વાર બે ચરુ તૈયાર કર્યા. એકમાં બ્રાહ્મણ તેજ સમાય એવા મંત્રોથી ચરુને અભિમંત્રિત કર્યો. બીજો ક્ષાત્રતેજથી અભિમંત્રિત કર્યો. બંને ચરુ રૂચિકે પત્ની સત્યવતીને આપ્યા. પછી તો તેઓ તપ કરવા જતા રહ્યા. રૂચિકે કહ્યું હતું કે એક તમારે તમારી માતાને આપવાનો અને એક તમારે ખાવાનો. એ દરમિયાન સત્યવતીના માતાપિતા તેના આશ્રમે આવ્યા. ભૂલથી સત્યવતીએ બ્રાહ્મતેજવાળું સંતાન ઉત્પન્ન કરવા માટેનો પોતાને માટેનો ચરુ માતાને આપી દીધો અને માતાને માટેનો ક્ષાત્રતેજવાળો ચરુ પોતે રાખ્યો. રૂચિકે આવ્યા બાદ તપના પ્રભાવથી જોયું કે આવું ખોટું થયું છે, તેથી તેમણે સત્યવતીને કહ્યું કે તારે ખોળે ક્ષાત્રતેજવાળો પુત્ર જન્મશે. સત્યવતી ઈન્કાર કરે છે. તે કહે છે કે તમે કોઈક રસ્તો કાઢો પણ મારે તો બ્રાહ્મણતેજવાળો જ પુત્ર જોઈએ. તમે મારા પુત્રને બદલે પૌત્ર જન્માવશો તોય વાંધો નથી. રૂચિકે તેમ કર્યું. જમદગ્નિ સત્યવતીના પુત્ર થયા. બહુ વિચિત્ર ઘટના બની ! જે પુત્ર થવાનો હતો એ પૌત્ર થયો અને જે પૌત્ર થવાનો હતો એ પુત્ર થયો.

જમદગ્નિ અને રેણુકાને પાંચ પુત્રો જન્મયા. એમાં સૌથી નાના પરશુરામ. એક દિવસ માતા રેણુકા સ્નાન કરવા ગયા. ત્યાં ગંધર્વ ચિત્રરથ બધી અપ્સરાઓ સાથે સ્નાન અને ક્રિડા કરી રહ્યો હતો. આ બધું જોઈને રેણુકાને ચિત્રરથ સાથે પળવાર માટે માનસિક સમાગમનો ભાવ થયો. પછી એ તરત સભાન થઈ ગઈ પરંતુ એનો ચહેરો મ્લાન અને તેજોહીન થઈ ગયો. તે આશ્રમ પરત આવી. ઋષિ તપથી જાણી ગયા. ગુસ્સે થયા. પરશુરામ તો એ વખતે તપ કરવા ગયા હતા, પણ તેમણે તેમના ચારેય પુત્રોને કહ્યું કે માતાનો વધ કરો. કોઈ તૈયાર ના થયું એટલે જમદગ્નિએ પુત્રોને શાપ આપ્યો કે તમે બધા ચેતના વગરના પશુપંખી થઈ જાઓ. એટલામાં વળી પરશુરામ આવ્યા. એમણે પિતાની આજ્ઞાને માન આપી માતાનો પરશુથી વધ કર્યો. જમદગ્નિ ખુશ થઈ ગયા. એમને પરશુરામને વરદાન માગવાનું કહ્યું. હવે જુઓ પુરાણકથાકાર વાર્તાને કેવી સરસ રીતે ગુંથે છે ! પરશુરામે એમ માંગ્યું કે માતા જીવતી થાય અને તેને એવી સ્મૃતિ ન રહે કે મેં તેનો વધ કર્યો હતો. એ પછી પરશુરામે માંગ્યું કે મારા ભાઈઓ પણ પોતાની મૂળ પ્રકૃતિને પામે. એટલે ટૂંકમાં, બધું પાછું હતું એમ યથાવત થઈ ગયું.

એક વખત પરશુરામ હતા નહિ ત્યારે જમદગ્નિના આશ્રમમાં સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય આવે છે અને જમદગ્નિ પોતાની કામધેનુ ગાય વડે એનો વિવિધ સામગ્રીઓ દ્વારા આદર-સત્કાર કરે છે. તેથી કાર્તવીર્યને આ કામધેનુ ગાય મેળવવા માટે લોભ જાગે છે અને તેની તે માગણી કરે છે. જમદગ્નિ ના કહે છે તો એ જબદજસ્તીથી તેને લઈ જાય છે. આશ્રમમાં તોડફોડ કરે છે. પરશુરામ આ જાણે છે એટલે એની પાછળ પડે છે. જમદગ્નિ પરશુરામને હિંસા ન કરવા સમજાવે છે પરંતુ પરશુરામ તો એની પાછળ લાગે છે. રસ્તામાં બંને વચ્ચે પ્રબળ યુદ્ધ થાય છે જેમાં પરશુરામ સહસ્ત્રાર્જુનનો વધ કરે છે. સહસ્ત્રાર્જુનના સંતાનો પરશુરામ પર ક્રોધે ભરાય છે અને પરશુરામની ગેરહાજરીમાં તેઓ જમદગ્નિનો વધ કરે છે. પુરાણકાર કહે છે કે માતા રેણુકા વિલાપ કરતાં કરતાં એકવીસ વાર પોતાની છાતી કૂટે છે તેથી પરશુરામ એકવીસવાર પૃથ્વીને ન-ક્ષત્રી (ક્ષત્રિયો વગરની) કરવાની પ્રતિજ્ઞા લે છે. એ પછી તો લાખો કરોડો ક્ષત્રિયો, હૈહેયોને તે પરલોક પહોંચાડે છે. એટલે આમ જોઈએ તો આ કથા સંહારની કથા છે તેથી આનંદ આપે એવી નથી પરંતુ તેની પાછળ કોઈ બીજો સુક્ષ્મ અર્થ રહેલો હોય તેમ કદાચ હોઈ શકે.

પરશુરામ શિવભક્ત છે. એકવાર ભગવાન પરશુરામ શિવને મળવા માટે જાય છે. બારણેથી નંદી તો જવા દે છે પરંતુ અંદર ગણેશ અને કાર્તિકેય ઊભા છે. ગણેશ એમને અંદર જવાની ના પાડતા કહે છે કે ભગવાન શંકર માતા પાર્વતી સાથે વિશ્રામ કરી રહ્યા છે. પણ પરશુરામ કહે છે કે એ તો આપણા માતાપિતા છે એમને તો ગમે ત્યારે મળી શકાય. આખા જગતના તેઓ માતા-પિતા છે. બંને વચ્ચે સંવાદ લાંબો ચાલે છે. એમાં અંદર જવા અને રોકવા વચ્ચે ખેંચાખેંચી થાય છે. પરશુરામ પોતાનું પરશુ ગણેશ પર ફેંકે છે. ગણેશે જોયું કે આ પરશુ તો પિતાજીનું આપેલું છે. એ પરશુ દાંતને અડકે એ પહેલા ગણેશ પોતાની સૂંઢમાં પરશુરામને ઊંચકીને ઉપરના સાતેય લોક ફેરવે છે. પછી ગોલોકમાં ભગવાન વિષ્ણુના દર્શન કરાવે છે. વળી પાછા પાતાળના સાતેય લોક દેખાડે છે. છેવટે હતાં ત્યાંના ત્યાં લાવીને મૂકે છે. પરશુરામ તો ગભરાઈ જાય છે કે આ ક્ષણવારમાં શું બની ગયું ? આ દરમ્યાન પેલું પરશુ ગણેશ દાંત પર ઝીલી લે છે એટલે એમનો દાંત અડધો તૂટી જાય છે, અને તેઓ લોહીલુહાણ થાય છે. આ બધી ધમાચકડી સાંભળી ભગવાન શિવ અને માતા પાર્વતી બહાર આવે છે. કાર્તિકેય એમને બધી વાત કરે છે. પાર્વતી પોતાના પુત્રને વાગવાથી ગુસ્સે થાય છે અને પિયર જતા રહેવાની તૈયારી કરે છે. શંકરભગવાન કૃષ્ણ-રાધાનું સ્મરણ કરે છે. સુદામા સહિત કૃષ્ણ-રાધા ત્યાં પ્રગટ થાય છે. રાધા આવીને પાર્વતીને સમજાવે છે. પરશુરામ પાર્વતીને પગે લાગે છે. પછી જાણે એકબીજાને ખોળામાં બેસાડવાની વિધિ ચાલે છે ! ગણેશને રાધાએ ખોળામાં બેસાડ્યા, પરશુરામને પાર્વતી ખોળામાં બેસાડે છે, શિવ અને કૃષ્ણ બાકી રહેલા બાળકોને ખોળામાં બેસાડે છે. પછી બધું સરસ થઈ જાય છે. પુરાણકાર આ રીતે આપણા જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓને જ ઉકેલવાનું જાણે રહસ્ય બતાવતા રહે છે.’ વાતનું સમાપન કરતાં વિજયભાઈએ કહ્યું હતું કે ‘કોઈ અંગ્રેજ કવિએ કહ્યું છે કે કવિતા કદી પૂરી થતી નથી. એમ આ પુરાણો પણ કદી પૂરા થતા નથી. એને છેવટે છોડી દેવા પડે છે. પરશુરામ વિશેની વાત પણ કદી પૂરી થતી નથી. It has to be abandon એને છોડી દેવી પડે છે.

સંગોષ્ઠીના બીજા પ્રવક્તા શ્રીમતી વિનોદબાળાબેન જાની એ દેવયાનીના પાત્ર વિશે વાત કરી હતી. તેમનો પરિચય આપતાં સંચાલકશ્રીએ જણાવ્યું હતું કે ‘તેઓ શ્રી ડૉલરરાય માંકડના વિદ્યાર્થીની છે. રાજકોટની વીરબાઈ કૉલેજમાં તેમણે વર્ષો સુધી સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો છે. રાજકોટના સંસ્કૃતભવનમાં નિયમિતપણે વિવિધ વિષયો પર પ્રવચન આપતા રહે છે અને સંસ્કૃત પ્રત્યે અપાર પ્રીતિ ધરાવે છે. તેઓ આજે ‘દેવયાની’ વિશે વાત કરશે….’

st15તેમણે પોતાના વક્તવ્યનો આરંભ કરતાં કહ્યું હતું કે : ‘પુરાણો નિત્ય યૌવન છે, એમને કદી એકાવનમું બેસતું જ નથી, માટે સદાય આનંદ આપતા રહે છે. ઘણું નવું નવું રોજ પુરાણોમાંથી મળે છે. પુરાણોનો હેતુ માનવકલ્યાણનો છે. શ્રુતિ નેતિ નેતિ કહે છે, પુરાણો ઈતિ ઈતિ કહે છે. આપણી સંવેદનાને પુરાણો વાચા આપે છે. પુરાણ ઈશ્વરને ઝૂંપડી સુધી પહોંચાડે છે. જીવનના ઝંઝાવાતમાં કેમ ઝઝૂમવું, ભાંગી કેમ ન પડવું – એના દાખલા, દલીલો એ બધું આપીને આપણને સમજાવે છે કે જીવન હારવા જેવું નથી, જીવન ઝઝૂમવા જેવું છે. જીવન ઝઝૂમવા જેવું છે એવું કોઈ બતાવનાર હોય તો એ પુરાણોના પાત્રો પૈકી એક પાત્ર છે ‘દેવયાની’. મત્સ્યપુરાણ, ભાગવત, વાયુપુરાણ, મહાભારત-આદિપર્વ અને રામાયણા ઉત્તરાર્ધમાં દેવયાનીની કથા મળે છે. શુક્રાચાર્ય અને જયંતિ(બીજું નામ ઉર્જસ્વતી)ની પુત્રી છે. તપસ્વીની, વિદુષી, ગુણાનુરાગી અને એક માત્ર દીકરી છે. શુક્રાચાર્યને તે પ્રાણથી પણ અત્યંત પ્રિય છે. દેવયાની હંમેશા વિજયની આશા રાખે છે, હારી જતી નથી. ઈન્દ્રની દોહિત્રી હોવાને નાતે સ્વભાવમાં તેજોદ્વેષ કે અસહિષ્ણુતા આવે એ સ્વાભાવિક છે પણ સાથે દિવ્યતાથી ભરેલી છે. માતા ઊર્જસ્વતી હોવાને કારણે ઓજસ્વીની છે પણ સાથે સ્વમાની તો ક્યારેક અતિમાની છે. વિવેકી છે પરંતુ ક્યારેક વિવેક ચૂકી જાય છે. યયાતિને તે દીપશીખા જેવી લાગે છે. શીલ, દાક્ષિણ્ય બધું જ છે પરંતુ આ તમામ ગુણોને ઢાંકી દે એવો એક જ અવગુણ એનામાં છે અને તે છે ક્રોધ. બીજા શબ્દોમાં કહીએ તો અભિમાન છે. વિદુરનીતિ કહે છે કે ઘડપણ રૂપ હરી લે છે, તૃષ્ણા આશાને હરી લે છે, મૃત્યુ પ્રાણને હરી લે છે, અસૂયાથી ધર્મ નાશ પામે છે, ક્રોધથી શ્રી નાશ પામે છે, અનાર્ય સેવાથી શીલ નષ્ટ થાય છે, કામનાથી વ્યક્તિનું હિત નાશ પામે છે પરંતુ આ બધું જ એક માત્ર અભિમાનથી નષ્ટ થઈ જાય છે.

યુવા દેવયાનીની થોડીક વાતો જોઈએ. એના જીવનમાં કચનો પ્રવેશ થાય છે. નૃત્ય-ગાયન-વાદનથી તે દેવયાનીને ખુશ કરે છે અને દેવયાની પણ એકાંતમાં કચની પરિચર્યા કરે છે. બંનેનું મિલન અગ્નિ અને ઘી જેવું છે. શુક્રાચાર્ય તો કચને સ્વીકારે છે પણ અસૂરો કચને કેમ કરીને સ્વીકારે ? કચને જો સંજીવની વિદ્યા આવડી જાય તો દાનવો તો યુદ્ધમાં જીતી જ ન શકે ! અસૂરો એકવાર કચને મારી નાખે છે. દેવયાની વિલાપ કરે છે. શુક્રાચાર્ય તેને શાંત પાડે છે અને કહે છે કે તું કચને હવે ભૂલી જા. પરંતુ મુગ્ધા દેવયાની ‘હું તો કચને માર્ગે જઈને મરણ પામીશ એમ કહી જમવાની ના પાડે છે.’ અસુરોએ કચને મારી તેનો ભૂકો કરી શુક્રાચાર્યને તેનું પાન કરાવી દીધું હોય છે તેથી શુક્રાચાર્યના ઉદરમાં રહેલો કચ બોલે છે કે તમારા હોવા છતાં મારો નાશ શક્ય છે ? શુક્રાચાર્ય કહે છે કે હું મરું તો તને કચ મળે, પણ દેવયાનીને તો બંને જોઈએ છે. છેવટે શુક્રાચાર્ય વચલો માર્ગ કાઢતાં કહે છે કે તું મારો પુત્ર થા, વિદ્યા પ્રાપ્ત કર, મારું કુક્ષી ભેદીને બહાર આવ અને પછી મને જીવંત કર. કચ એ પ્રમાણે કરે છે. પરંતુ શુક્રાચાર્ય તો હવે કચના ગુરુ થયા. દેવયાની કચ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે કચ ‘ગુરુની દીકરી પ્રત્યે તો પૂજ્યભાવ હોવો જોઈએ’ એમ કહીને લગ્ન માટે ના પાડે છે. ઉપરથી કહે છે કે તમે તો મારા બહેન થાઓ કારણ કે મેં તમારા પિતાની કુખે નિવાસ કર્યો છે. દેવયાની કોઈ દિવસ ના સાંભળવા ટેવાયેલી નથી. કચ ના કહે એ કેમ ચાલે ? તરત ગુસ્સામાં આવીને શાપ આપે છે કે તમારી કોઈ વિદ્યા સિદ્ધ નહીં થાય. કચ પણ શાપ આપે છે કે તમને કોઈ ઋષિપુત્ર પરણશે નહીં. સારાંશ એટલો જ કે મુગ્ધાવસ્થાનું સહજ આકર્ષણ, ઉન્માદ અને છેવટે ક્રોધ અને શોકમાં પરિણમે છે. અતિલાડના પરિણામે વ્યક્તિ પોતાનું સાનભાન ગુમાવે છે તેવી શીખ આ કથા આપે છે.

હવે બીજો પ્રસંગ લઈએ તો જલક્રિડા પ્રસંગની યાદ આવે. સરખી ઉંમરની યુવતીઓ સાથે તે સ્નાન કરવા જાય છે. ભગવાન શિવ ત્યાંથી પસાર થતા ઉતાવળમાં શર્મિષ્ઠા દેવયાનીના વસ્ત્રો પહેરી લે છે. એક ક્ષાત્રતેજથી સંપન્ન છે અને બીજી બ્રહ્મતેજથી.બંનેને પિતાના સ્થાનનો ગર્વ છે. બંને સામસામા અથડાય છે. ખૂબ બોલાચાલી થાય છે. અંતે ક્રોધ વેગ વધી જતાં શર્મિષ્ઠા દેવયાનીને કૂવામાં ફેંકી દે છે. પુરાણકાર બોધ આપે છે કે સર્વ અનર્થોનું મૂળ સત્તા છે. યયાતિ એને બહાર કાઢે છે. દેવયાનીનું સ્વમાન ઘવાય છે. તે કહે છે કે હવે હું નગરમાં નહીં પ્રવેશું. પિતા તેને સમજાવે છે કે દરેકને કર્મનું ફળ ભોગવવું પડે છે. તું અક્રોધથી ક્રોધને જીત તો જગત જીતી જઈશ. ઉત્તરમાં દેવયાની પોતાને બધી ખબર છે એમ ઘોષણા કરે છે. પોતાનું માન અને ગૌરવ થાય એવા સ્થાન પર જ રહેવું જોઈએ તેમ કહે છે. છેવટે શર્મિષ્ઠા પોતાની દાસી બને તો જ નગરમાં રહેવાની તૈયારી બતાવે છે. અંતે, શર્મિષ્ઠા દાસી બનવા તૈયાર થાય છે અને ત્યાં એ પ્રસંગ પૂરો થાય છે.

યયાતિને જ્યારે તે મળે છે ત્યારે તેને અંધારામાં નથી રાખતી. કચના શાપની વાત વિગતે કહી દે છે અને ઋષિપુત્ર સાથે તેના લગ્ન કેમ ના થઈ શકે તે બાબત જાહેર કરે છે. યયાતિ પોતે ક્ષત્રિય છે એમ જાણ થતાં તેની સાથે લગ્ન કરે છે. શર્મિષ્ઠા એને ત્યાં દાસી તરીકે આવે છે અને પછી આગળની કથા આપ સૌ જાણો છો તેથી સમય અભાવે હું તેમાં નથી પ્રવેશતી.’ એમ કહી વિનોદબાળાબેને જણાવ્યું કે, ‘નિયતિ બળવાન છે. દેવયાની કચ અને યયાતિ બંનેનું વરણ સ્વયં કરે છે પરંતુ બંનેને ચાહી નથી શકતી. સાચો પ્રેમ મેળવી શકતી નથી. બંનેના શાપનું કારણ પોતે બને છે. દેવયાની અતિક્રોધી છે અને અતિક્રોધીની શું ગતિ થાય એ આપણને અહીંથી શીખવા મળે છે. તે સતત ચડતી પડતી અનુભવે છે. પ્રિય પત્ની કે પ્રેયસી બની શકતી નથી. શ્રેષ્ઠ માતા પણ નથી બની શકતી કે યયાતિને સુખ-દુ:ખમાં સાથ આપે એવા સંતાન એમને આપી શકે. તે યોગ્ય વારસદાર નથી આપી શકતી. આમ છતાં, આ બધી નિષ્ફળતામાંથી તે બહાર આવે છે. જીવનના અંતે એની દષ્ટિ વિશાળ બને છે. શર્મિષ્ઠાના પુત્ર પુરુનો યયાતિ રાજ્યાભિષેક કરે ત્યારે પોતાની મૌન સંમતિ આપે છે. ઈર્ષ્યા અને ગર્વ છોડી દે છે. હવે તેને લાલસા નથી. કડવાશ પી જાય છે. યયાતિએ કહેલી ગાથાને તે નિવૃત્તિ માર્ગની પ્રેરક સમજીને સંસાર પરથી મોહ છોડી દે છે. ભગવાન કૃષ્ણમાં પોતાનું મન પરોવી દે છે. માત્ર સ્થૂળ શરીર નહીં પરંતુ અનેક જન્મના કારણરૂપ એવા લિંગશરીરનો પણ તે ત્યાગ કરે છે. અંતે દેવયાની દેવયાનમાર્ગે જનારી બને છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. જીવનની હજારો નિષ્ફળતામાંથી બહાર નીકળીને વ્યક્તિ પોતાના સ્વભાવ પર વિજ્ય મેળવી કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરી શકે છે તેવો પુરાણકારનો સંદેશ આ ગાથામાં રહેલો છે.’

સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી અજિતભાઈ ઠાકોર વિશે પરિચય આપતાં સંચાલકશ્રીએ જણાવ્યું કે અજિતભાઈને વિશેષ કોઈ પરિચયની જરુર નથી કારણ કે અગાઉના સત્રમાં આપણે તેમનું કર્ણ વિશેનું અદ્દભુત વક્તવ્ય સાંભળ્યું છે. વિષયના તેઓ ઊંડા અભ્યાસી છે. અનેક પુસ્તકો લખ્યા છે અને વિવેચનો કર્યા છે. ઘણી સિદ્ધિઓને વરેલા વિદ્વાન છે. આજે આપણને તેઓ પુરાણના પાત્ર ‘જડભરત’ વિશે વાત કરશે.

st16અજિતભાઈએ પોતાના વક્તવ્યનો પ્રારંભ કરતાં કહ્યું હતું કે : ‘રાજર્ષિ ભરત, મૃગ ભરત અને જડભરત : બંધાતી, ગંઠાતી અને વિચ્છેદાતી માનવચેતના એમ ત્રણ સ્વરૂપે આપણે તેમને જોઈ શકીએ. જડભરતની કથા અદ્દભુત છે. કથા કહેતા કહેતા ખુદ વ્યાસજી ડોલી ઊઠ્યા હતા અને તેમણે એવું વિધાન કર્યું કે જેમ માખી ગરુડની હોડ લગાવી શકતી નથી તેમ રાજર્ષિ ભરતના માર્ગને બીજો કોઈ રાજા મનથીયે અનુસરી શકે તેમ નથી. ભરતજીના મુખ પર તેમના પૂર્વજોની રેખાઓ ઝળકે છે. ભગવાન મનુના પુત્ર પ્રિયવ્રત. સાત સમુદ્ર અને દ્વિપ રચનાર કેવા પરાક્રમી ! પ્રિયવ્રતના પુત્ર નાભી થયા. એમને થયું કે મારે જેવો તેવો પુત્ર ન જોઈએ. પુત્ર તો અદ્વિતિય જ જોઈએ. એટલે એમણે નારાયણની આરાધના કરી અને તેમની પાસે ભગવાન નારાયણ જેવો જ પુત્ર માગ્યો. ભગવાને કહ્યું કે મારા જેવો તો હું જ છું તેથી તેમણે દીકરા તરીકે અવતરવાનું વચન આપ્યું. એ પછી તેમને ત્યાં અંશાવતાર રૂપે ઋષભદેવ પ્રગટ્યા. એમના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર તે ભરતજી.’ અજિતભાઈએ પુરાણોનું મહત્વ સમજાવતા કહ્યું કે, ‘પુરાણોમાં તો પરિચિતા વચ્ચે રહેલી અપરિચિતતા શોધવાની છે. કારણ કે એમાં આપણો ચહેરો છે. એ આપણું દર્પણ છે. તેથી એ ક્યારેય પુરાણું નથી થતું. વાંચનારની જવાબદારી છે કે એને નવું કરવું. જેનામાં આ શક્તિ ન હોય તેણે ન વાંચવું.’

જડભરતની કથાનો વિસ્તાર કરતાં તેમણે કહ્યું કે, ‘રાજર્ષિ હોવું એ ભરતનું પ્રથમ સ્થિત્યંતર છે. પિતા ઋષભદેવે તેમને રાજ્ય સોંપ્યું. બાકીના નવ્વાણું ભાઈઓએ પોતાનું અસ્તિત્વ ભરતજી સાથે જોડી દીધું; જેને ઈતિહાસની એક અદ્દભુત ઘટના કહી શકાય. ભરતપૂર્વે આ દેશ ‘અજનાભવર્ષ’ તરીકે ઓળખાતો હતો, જે ભરતના આવ્યા બાદ ‘ભારતવર્ષ’ તરીકે ઓળખાવા લાગ્યો. એમણે પ્રજાવત્સલતાથી પોતાના પૂર્વજોની કીર્તિને આચ્છાદિત કરી દીધી. વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે ભરતજીના લગ્ન થયા. એમને પાંચ પુત્રો થયા. તેમણે ઈશ્વરની આરાધના વૈદિક યજ્ઞ-યાગ વડે શરૂ કરી. અનેક યજ્ઞો કર્યા પરંતુ યજ્ઞોનું કર્મફળ તો બાંધે ! ભરતજી એટલા ચતુર હતા કે એમણે યજ્ઞફળ ભગવદ અર્પણ બુદ્ધિથી વાસુદેવને અર્પણ કર્યા. એકપણ યજ્ઞે એમને બાંધ્યા નહીં. પરમાત્માને કેવી રીતે બાંધવા એ ભરતજી પાસેથી શીખવા જેવું છે ! તેમણે ઈશ્વરનો અનુભવ કર્યો. બધા દેવોને પરમાત્માના અવયવરૂપે જોયા. એમને જગતમાં સૂર્યચંદ્ર છે એવું દેખાયું જ નહિ, એમને તેમાં ઈશ્વરની આંખ દેખાઈ. આખુ બ્રહ્માંડ એમને બ્રહ્મ સ્વરૂપે દેખાવા લાગ્યું. બુદ્ધિના રાગદ્વેષના મળ ધોવાવા લાગ્યા. હૃદય નિર્મળ થઈ ગયું. વર્ષો સુધી શાસન કર્યા બાદ ભરતજીએ રાજર્ષિ તરીકેનું કાર્ય પૂરું કર્યું. ઉત્તરાવસ્થાએ પિતાજીના માર્ગે ચાલીને છેવટે ચક્ર (ગંડકી) નદીના કિનારે, હરિહરક્ષેત્રમાં, પુલહના આશ્રમમાં અને એકાંત ઉપવનમાં તેઓ નિવાસ કરવા લાગ્યા. ઈશ્વર પ્રતિ ભક્તિ કરતાં એમનો અનુરાગ એટલો બધો વધી ગયો કે તેઓ દ્રવિભૂત થઈ ગયા. એમને કંઈ કરવાનું બાકી ન રહ્યું.

હવે અહીંથી ભરતજીનું બીજું સ્થિત્યંતર ‘મૃગભરત’ રૂપે શરૂ થાય છે. ‘મૃગમય થયા, મૃગાવતારે ગયા’ એટલે કે મૃગમાં આસક્તિ થઈ એ દિવસથી જ એ જાણે મૃગ બની ગયા ! પરમાત્માની લગોલગ પહોંચી ગયેલા ભરતજીની ચેતનામાં કોઈ કર્મ વિપાકથી ગૂંચ પડી ગઈ જે ઉકેલતા એમને પૂરા બે જન્મો લાગ્યા. એમને ભારે તવાવું પડ્યું. આત્મવિસ્મૃતિ અને વિવેકધૂંધળો થવાથી તેમજ ભગવદચરણ પરથી દષ્ટિ ખસી જવાની પળે ભરતજીને જન્માંતરોની તાવડીમાં તાવ્યા છે. હૃદયમાં ઊંડી પડેલી પુત્ર આસક્તિ મૃગરૂપે પ્રગટશે એવી ખુદ ભરતજીને પણ ખબર નહોતી. એ મૃગ તો જાણે કે માયામય વિષ્ણુ હતા. ભગવાન ભક્તને કોઈ દિવસ ભૂલાવામાં નાખે નહીં. એ તો જે ભક્ત ઈચ્છે એ બધું જ આપી દે. એમનામાં સંતાનની આસક્તિનો એક નાનકડો અંશ રહી ગયેલો, જેને દૂર કરવા માટે ઈશ્વર મૃગશ્રાવક થઈને આવ્યા. એકવાર ભગવાન ચક્રપ્રવાહે પાણીની અંદર બ્રહ્માક્ષર નો જાપ કરી રહ્યા હતા એમ પુરાણોમાં લખ્યું છે. મને થયું કે ચક્ર શબ્દનો ઉલ્લેખ શા માટે કર્યો ? પણ એ તો એમ જ હોય. ભરતજીની વાત કાચીપોચી હોય નહીં. એકદમ તાણી નાખે એવા પ્રવાહમાં જે સ્થિર રહીને જાપ કરી શકે એ જ ભરત ! એવામાં એક હરણી ઝૂંટથી વિખૂટી પડેલી તરસથી વ્યાકુળ થતી ત્યાં આવી. તે ગર્ભિણી હતી. ત્યાં તો સિંહે જોરથી ત્રાડ પાડી. મૃગીએ છલાંગ મારી એમાં એને પ્રસવ થઈ ગયો અને બચ્ચું એ પ્રવાહમાં તણાવા લાગ્યું. મૃગી સામે જઈને મૃત્યુ પામી. તણાતા મૃગને જોઈને ઋષિ દ્રવી ગયા. સ્વજનની જેમ શિશુને લઈને આશ્રમે આવ્યા. એ મૃગી જાણે બીજું કંઈ નહીં માયા જ હતી ! એ એનું કામ પતાવીને ચાલી ગઈ. આ કથા વર્ણવતા વ્યાસજીએ ત્યાં એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે મૃગી કેવી છે ? ‘હરિના ભયથી વ્યગ્ર’ હું આ શબ્દ જોઈને બહુ વિચારમાં પડ્યો. સિંહના તો કેટલા બધા નામો છે. વનરાજ, કેસરી વગેરે…. તો વ્યાસજીએ ‘હરિ’ શબ્દનો જ પ્રયોગ કેમ કર્યો ? પણ ધ્યાનથી વિચારતા જણાયું કે અહીં શ્લેષ છે. ભક્તને બચાવવા માટે હરિ તત્પર છે એથી મૃગી માયારૂપે ભક્તની પાસે આવી તો ખરી પણ ઈશ્વરને એમ થયું કે હજી મારા ભક્તને ચેતવી દઉં એટલે સિંહે જે ત્રાડ પાડી એનો અર્થ હરિએ ભરતજીને ચેતવ્યા એમ થયો. છેલ્લો પ્રયત્ન ઈશ્વરે કરી જોયો.

આખરે ભરતજી લપેટાઈ ગયા. મૃગશ્રાવક (હરણના બચ્ચા)માં એમને મમતા થઈ. લાલન-પાલન-પોષણ કરવા લાગ્યા. એને રોજ નવડાવે-ધોવડાવે, ફૂલની માળા પહેરાવે. યમ-નિયમ-સ્નાન બધું ભૂલાવા લાગ્યું. તેઓ પોતે પોતાની જાતને ‘જસ્ટીફાય’ કરતાં કહેવા માંડ્યા કે, ‘અરે આ મૃગશ્રાવક તો મારી શરણે આવ્યું છે. એનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. જુઓ, એને મારામાં કેટલો વિશ્વાસ છે ! જુઓ એ મારી સાથે કેટલું ભળી ગયું છે.’ પરંતુ એક વાર એ મૃગ ચરતું ચરતું દૂર ચાલ્યું ગયું. ભરતજી એકદમ વ્યાકુળ થઈ ઊઠ્યા. મનમાં બોલવા લાગ્યા કે મને છોડીને આ મૃગ દૂર ચાલ્યું ગયું એ ફરી આવશે કે નહિ ? શું હવે આ મૃગ મને ઘાસ ચરતું જોવા મળશે ખરું ? – જાણે મતિભ્રમ થઈ ગયો હોય એમ જાત જાતનું બોલવા લાગ્યા. અત્યંત આસક્તિ અને તીવ્ર ઈચ્છા ને કારણે તેઓ પછીના જન્મમાં મૃગ થયા. પરંતુ આ સ્ખલન ભરતજીને પછી એટલું બધું ખટક્યું કે તેમાંથી વૈરાગ્યનો પ્રચંડ અગ્નિ પ્રગટ્યો જેમાં સંસાર અને માયા ભસ્મિભૂત થઈ ગયાં. મૃગરૂપે અવતર્યા પછી પહેલું કામ એમણે એ કર્યું કે તેમણે માતા અને માતૃભૂમિને છોડી દીધી. બીજું જ્યાંથી ભ્રષ્ટ થયા હતા ત્યાં ચક્ર નદીને કિનારે તેઓ જઈ પહોંચ્યા. સૂકા પાંદડા ખાઈને તેમણે નિ:સંગ વિચરણ કરવા માંડ્યું. અંતે એમણે તે દેહને પણ છોડી દીધો.

હવે ભરતજીના જીવનનું ત્રીજું સ્થિયંતર ‘જડભરત’ રૂપે આવ્યું. પછીના જન્મમાં તેઓ જડભરત થયા. જડતાનું કવચ ધારણ કર્યું. બધી બાબતમાં તેમણે પોતાને નાલાયક સાબિત કર્યા. બાપે પુષ્કળ કોશિશ કરી પરંતુ એક પણ અક્ષર ન ભણ્યા. જે કંઈ કર્યું તે ઊંધું કર્યું. અવધૂત થઈ ગયા. એકવાર ઝાડ નીચે બેઠા હતા ત્યારે જેને સંતાનની ઈચ્છા હતી એવા ક્ષુદ્ર રાજાના સેવકો એમને પકડીને બલિ આપવા માટે લઈ ગયા. ભદ્રકાલી આગળ બલિ ચઢાવવાનો હતો પરંતુ જડભરતજી તો દેહાભિમાન મુક્ત હતા. એ તો આરામથી બેઠા. પરંતુ જ્યારે વધ માટે ખડક ઊંચકાયું ત્યારે ભદ્રકાલીથી તે સહન ન થયું. ભરતજીના બ્રહ્મતેજથી ભદ્રકાલી ભભૂકી ઊઠી અને ભદ્રકાલી માતા મૂર્તિ એકદમ ફાડીને બહાર નીકળી આવ્યા. જે લોકો વધ કરવાના હતા એમના ડોકા એમના જ ખડકથી કાપી નાખ્યાં અને ફૂટબોલની જેમ લાત મારતાં મારતાં તેમના મસ્તકને લઈ ગયા. પણ તોય ભરતજી તો જાણે કંઈ બન્યું જ નથી તેમ તટસ્થ હતા.

ફરી એકવાર બેઠા હતા ત્યારે રાજા રહુગણના સેવકો એમને પાલખી ઊંચકવા લઈ ગયા. એમણે પાલખી તો ઊંચકી પરંતુ કોઈ કીડી મરે નહીં એટલે કૂદકા મારીને ચાલવા માંડ્યું જેથી પાલખી ઊંચી નીચી થવા લાગી. આમ વાતેય સાચી છે કે સંસારીની ચાલ સાથે અવધૂતની ચાલનો મેળ ના ખાય ! રહુગણને ગુસ્સો આવતા એ પાલખીમાંથી બહાર આવ્યો. ‘આટલો જાડો છે તો આવી રીતે કેમ ચાલે છે ?’ એમ કહ્યું ત્યારે જડભરતજીએ જવાબ આપ્યો કે હું જાડો-પાતળો કંઈ નથી. એ તો દેહ હોય. હું દેહ નથી. રહુગણને થયું કે આવો જવાબ આપનાર કોઈ યોગી હોઈ શકે. પગે પડીને એમણે માફી માંગી. જડભરતજીએ એમને મુક્તિનો માર્ગ બતાવતા કહ્યું કે મન એ આત્માની ઉપાધિ છે. મન જ માણસને સંસાર સાથે બાંધે છે અને જ્યારે એ નિર્મળ થાય છે ત્યારે પરમાત્મા સાથે જોડી દે છે. આમ, આ ભરતજીનું ચરિત્ર આપણને સૌને આસક્તિથી દૂર રહી ભગવાન પ્રતિ પ્રીતિ વધારવાનો સંદેશ આપે છે.’ એમ કહી અજિતભાઈએ પોતાની વાત પૂરી કરી.

[સંગોષ્ઠિ-5]
સત્રની ત્રીજા દિવસની અંતિમ સંગોષ્ઠિ-5નું સંચાલન કરતાં શ્રી અજિતભાઈ ઠાકોરે કહ્યું હતું કે : ‘પુરાણનું સમગ્ર માનવજાતિ વિશે પોતીકું દ્રષ્ટિબિંદુ છે. તેનું પોતાનું અર્થઘટન છે, પોતીકું મુલ્યાંકન છે. પુરાણો પાછળ રહેલી માનવચેતના ઉપનિષદોમાં પ્રગટતી માનવચેતનાથી તો જુદી છે જ, પણ કાલિદાસ આદીની જે પ્રશિષ્ઠ કાવ્યચેતના છે એનાથી પણ જુદી છે, ધર્મશાસ્ત્ર કે ષડદર્શન વિલસતી ચેતનાથી પણ જુદી છે. પુરાણોને માપવા કે પામવા માટે પુરાણોનો જ માનદંડ સ્વીકારવો પડે. તેનો મર્મ પામવો હોય, તેને આત્મસાત કરવું હોય તો વેદવાંચતા હોઈએ એનાથી સાવ જુદો જ રસ્તો લેવો પડે. પુરાણ આજે પણ તેના સાચા વાચકની પ્રતિક્ષા કરી રહ્યું છે. આપણે તેના સાચા વાચક બનવાની સજ્જતા હજુ કેળવવાની છે.’ તેમણે ડૉ. ગૌતમભાઈ પટેલનો પરિચય આપતાં કહ્યું હતું કે ‘તેમના નામથી સૌ કોઈ પરિચિત છે. 37વર્ષ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ખાતે અદ્યાપનનું કાર્ય કર્યું છે, સંસ્કૃત સેવા સમિતિના સ્થાપક પ્રમુખ રહી ચુક્યા છે, 100 થી વધુ પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે, વિશ્વવ્યાપી પરિભ્રમણો કર્યા છે અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયા છે. તેઓ આજે આપણને ‘પ્રહલાદ’ વિશે વાત કરશે.’

st17ગૌતમભાઈએ પોતાના વક્તવ્યનો આરંભ કરતાં કહ્યું હતું કે : ‘प्रहलाद महाभागवत: ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સ્પષ્ટ ગાયું છે કે દૈત્યોમાં હું પ્રહલાદ છું. એવા આ પ્રહલાદનું ચરિત્ર મહાભારતમાં, પદ્મપુરાણમાં, અગ્નિપુરાણમાં તેમજ અન્ય પુરાણો ઉપરાંત શ્રીમદ ભાગવતમાં વિશેષરૂપે મળે છે. ભગવાન પ્રહલાદને વશ છે. નૃસિંહ ભગવાન પ્રહલાદને કહે છે કે ક્યાં આ તારી સુકોમળ કાયા, ક્યાં પેલા દાનવે આપેલી યાતના – આવું મેં કદી જોયું નથી તેથી હે વહાલા, મને આવવામાં વિલંબ થયો હોય તો તું મને માફ કરજે. આવો ભક્તિનો મહિમા ભારત દેશમાં થયો છે. પ્રહલાદનું ચરિત્ર પ્રેરણા આપે એવું છે. ભગવાન મનુ કહે છે કે માનવી માત્રને જો ચરિત્ર શીખવું હશે તો આ દેશના જે ઉત્તમ મહાપુરુષો છે એની પાસેથી પૃથ્વીના બધા મનુષ્યો તે શીખી શકે છે.

કથા વિશે વિચાર કરીએ તો ભગવાનના દ્વારપાળોને પેલો શાપ મળ્યો અને તેમને ત્રણ વાર જન્મ લેવો પડ્યો. પ્રથમવાર હિરણકશ્યપુ અને હિરણ્યાક્ષ, પછી રાવણ-કુંભકર્ણ અને દંતવક્ત્ર અને શિશુપાલ. હિરણકશ્યપુનો પુત્ર પ્રહલાદ થયો. હિરણકશ્યપુનો ભાઈ યુદ્ધમાં માર્યો ગયો તેથી તેણે આકરું તપ કર્યું અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે હું સૃષ્ટિના સર્જેલા કોઈપણ પ્રાણીથી ન મરું, ઘરમાં કે બહાર ન મરું, દિવસે કે રાતે ન મરું, કોઈ આયુધથી ન મરું, ન ભૂમિ-કે ન આકાશમાં મરું. બ્રહ્માજીએ વરદાન આપ્યું. પછી તો એને મૃત્યુનો ભય ન રહેવાથી લોકોને હેરાન કરવા લાગ્યો. દેવતાઓ વિષ્ણુને શરણે ગયા. ભગવાને કહ્યું કે થોડો સમય રાહ જુઓ. એ જ્યારે મારા ભક્ત એવા એના પુત્રનો દ્રોહ કરશે ત્યારે એનું ગમે તેવું વરદાન હશે તો પણ હું એને મારીશ. બીજી બાજુ, પ્રહલાદ તો શાંત અને સમદર્શી છે. જીતેન્દ્રિય, સર્વપ્રાણીઓમાં પોતાના આત્માને જોનાર, પ્રિય અને સૃહદ છે. વાત્સલયભાવ વાળા અને પ્રેમાળ છે. ગુરુજનોમાં ઈશ્વરની ભાવના કરવાવાળા છે. ભગવાન વાસુદેવમાં તેમની નૈસર્ગિક ભક્તિ છે. આ બધુંય હોવા છતાં તે અભિમાનથી રહિત છે. બાળપણમાં રમવાનું છોડીને ભગવાનમાં તન્મય થઈ જાય છે. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક શાંત થઈ જાય છે. એમની ચેતના સદા ઈશ્વરમાં જ મગ્ન રહે છે.

એકવાર અભ્યાસ કરીને આવ્યા બાદ પિતાજી તેને પ્રેમથી પ્રશ્ન પૂછે છે કે તું સાધુ કોને માને છે ? પ્રહલાદ કહે છે કે હું એને સાધુ માનું છું કે જે ઘરના આંધળા કૂવામાં પડી આત્મઘાતી થવાને બદલે, વનમાં જઈને શ્રી હરિનો આશ્રય લે છે. હિરણ્યકશ્યપુને લાગ્યું કે આ બાળકની બુદ્ધિને કોઈએ ભમાવી છે. એને ફરી ભણાવવા આદેશ કરે છે. થોડા દિવસો પછી તે ફરી પ્રહલાદને પ્રશ્ન પૂછે છે. પણ પ્રહલાદ તો ‘श्रवणं कीर्तनं विष्णो’ ની સુંદર વાત કહીને ભગવાનના ગુણગાનમાં મગ્ન રહે છે. લોહચુંબક જેમ ખીલીને ખેંચ્યા કરે તેમ પ્રહલાદનું ચિત્ત ચક્રપાણી ભગવાન તરફ ખેંચાયા કરે છે. હિરણ્યકશ્યપુ હુકમ કરે છે કે આને મારી નાખો. ઝેર આપ્યું, હિમ, વાયુ, અગ્નિ, પર્વત પરથી ફેંક્યા છતાં બધામાં તે નિષ્ફળ ગયા. કદાચ કોઈને આશ્ચર્ય થાય કે શું આવું આજે બની શકે ? હા, આજે પણ એમ બની શકે છે. મારા ઘરમાં ત્રીજે માળે રહેતા ભાડુઆતની નાની છોકરી રમતાં રમતાં બારીમાંથી ઊથલી પડી, નીચે પડી, પણ નીચે ગાય ઊભી હતી. એના પર તે પડી. સહેજેય વાગ્યું નહીં. ગાય પરથી ઊતરી અને ઊભી થઈ ચાલતી ચાલતી ઉપર આવી ગઈ ! ઈશ્વર પ્રહલાદને ઝીલે છે એમ નહિ, આપણા જેવા અનેકોને ઝીલી લે છે. આગ અને પાણીથી બચેલા કેટલાય ઉદાહરણો આપણી સામે છે.

પ્રહલાદે પોતાના બાળમિત્રોને ઉપદેશ આપતાં બહુ સરસ વાત લખી છે કે જીવનમાં જેમ દુ:ખ વગર પ્રયત્ને આવે છે તેમ સુખ પણ વગર પ્રયત્ને આવે છે, સુખ માટે ઘાંઘા થવાની જરૂર નથી. પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખો, પ્રભુને મેળવવા માટે દેવ કે ઋષિ થવાની જરૂર નથી, વિદ્વતાનીયે જરૂર નથી, ન દાન, ન તપ, ન શૌચ – કેવળ અને કેવળ નિર્મળ ભક્તિથી જ ઈશ્વર પ્રસન્ન થઈ જાય છે. પિતા હવે તેની વાતોથી ગુસ્સે થયા. કોના બળ પર તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ? પ્રહલાદ કહે છે કે જે આ સંસારનું સર્જન, સંચાલન અને સંહાર કરે છે તે ઈશ્વર છે, એ જ કાળ છે અને તે સર્વસ્વ છે. હિરણ્યકશ્યપુ કહે છે કે જો તારો ઈશ્વર બધે જ છે તો આ થાંભલામાં કેમ નથે દેખાતો ? ગુસ્સામાં તલવાર લઈને થાંભલાને મુક્કો મારે છે. એ પછી ભાગવતકારની જે શૈલી ઝળહળી છે તે અદ્દભુત છે. પોતાના સેવકના શબ્દોને સત્ય કરવા અને પૃથ્વીની દરેક વસ્તુમાં ઈશ્વર વ્યાપ્ત છે તે બતાવવા માટે ‘ન નર કે ન પશુ’ એવું અત્યંત અદ્દભુત રૂપ લઈને નૃસિંહ ભગવાન પ્રગટ થયા. હિરણ્યકશ્યપુ સાથે યુદ્ધ કર્યું એને બરાબર પકડ્યો અને ગોદમાં લઈને ઊંબરે આવ્યા. પછી એને નખ બતાવ્યા. પૂછ્યું કે બોલ આ આયુધ છે ? તું જ્યાં છે તે ભૂમિ કે આકાશ છે ? ઘરમાં કે બહાર છે ? આ હું છું એ સૃષ્ટિનું સર્જન છે ? દિવસ કે રાત છે ? હું માણસ કે પશું છું ? એની પાસે બધું કબૂલ કરાવ્યું અને પછી ભગવાનનો ક્રોધ માતો નથી. ત્યાં વીરરસનું ઉદાહરણ દેખાય છે. કેશવાળી ખંખેરી ત્યાં તો આકાશના વાદળો ખળભળી ઊઠ્યા, એમના તેજની સામે ગ્રહોની લાલિમા ચાલી ગઈ, સાગરો એમના નિ:શ્વાસથી ખળભળી ઊઠ્યા. એમની ગર્જનાથી દિશાઓના હાથી પલાયન થઈ ગયા. એક જગ્યાએ તો એવું લખ્યું હતું કે ભગવાને એને ચીરી કાઢ્યો પણ ભગવાનના નખ એવડા મોટા હતા કે એ નખ વચ્ચે ક્યાંક ભરાઈ ગયો તો નૃસિંહ ભગવાનને થયું કે એ ગયો ક્યાં ? પછી એ દેખાયો નહિ એટલે એમણે આનંદથી તાળી પાડી અને નખમાં ભરાયેલી રેતીની માફક એ નીચે પડ્યો અને ભગવાન ખડખડાટ હસી પડ્યા ! આવી જુદા જુદા કવિઓની કલ્પના છે.

ભગવાનનો ક્રોધ શમ્યો નહિ. બ્રહ્મા, રુદ્ર, ઈન્દ્ર, પ્રજાપતિ, દેવ, સર્પ, મનુષ્ય, વિદ્યાધર, ગંધર્વ, પાર્ષદો અને લક્ષ્મીએ સ્તુતિ કરી પણ તેમનો ક્રોધ શાંત ન થયો. છેવટે બ્રહ્માએ પ્રહલાદને સ્તુતિ કરવાનું કહ્યું અને પોતાના ભક્તને જોતાં જ ભગવાન શાંત થઈ ગયા. એને પોતાના ખોળામાં બેસાડ્યો. એના મસ્તક પર હાથ મૂક્યો કે પ્રહલાદે તેમની અદ્દભુત સ્તૃતિ કરી. ભગવાને કીધું કે હું તારી પર ખૂબ પ્રસન્ન છું માટે જે માગવું હોય તે માગી લે. હું પ્રાણીમાત્રની કામના પૂરી કરનાર છું. પરંતુ પ્રહલાદ કહે છે કે જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો હું એક જ વસ્તુ માગું છું કે મારા હૃદયમાં કદી માગવાની ઈચ્છા જ ન થાય. પ્રહલાદે આ સરસ વાત કહી છે. જેમ વિદ્વાનો કહે છે કે ‘પ્રભુ સે માંગનેવાલે બહોત હૈ, પ્રભુ કો માંગને વાલા કોઈ નહિ.’ પ્રહલાદે ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને ભગવાને વિદાય લીધી. ભાગવતમાં કહ્યું છે કે જેના હૃદયમાં કામના કે કર્મ કે એવા કોઈ બીજની શક્યતા જ નથી અને તોય જે પ્રભુમાં સમર્પિત રહે છે અને પોતાની બુદ્ધિને ઈશ્વરમાં પરોવી રાખે છે તેનામાં કદી કામના ઉત્પન્ન થતી નથી; જેમ ધાન્યને ભૂંજી નાખો કે ઉકાળી નાખો પછી એ ફૂટતા નથી, એમ વ્યક્તિની કામના ઈશ્વરપ્રતિ ગતિ કરે ત્યારે તે ભૂંજાઈ જાય છે. પ્રહલાદની ભાવના ઈશ્વર પ્રતિ એ પ્રકારની છે.’ આમ કહીને તેમણે પ્રહલાદના ચરિત્રનો ઉપસંહાર કર્યો હતો.

આ સંગોષ્ઠિના અંતિમ વક્તા તરીકે શ્રી રાજેન્દ્રભાઈ નાણાવટીએ ‘સાવિત્રી’ વિશે વિસ્તારપૂર્વક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘સાવિત્રીનું ચરિત્ર મહાભારતમાં જોવા મળે છે. યુધિષ્ઠિર માર્કંડેય ઋષિને જ્યારે પૂછે છે કે દ્રોપદી જેવી કોઈ બીજી પતિવ્રતા સ્ત્રી હશે ખરી ? ત્યારે એના જવાબમાં ઋષિ સાવિત્રીનું ઉપાખ્યાન તેમને સંભળાવે છે. કુલ 300 શ્લોકોમાં એ પ્રસંગ સમાયેલો છે. વાર્તાની શરૂઆત એવી છે કે મદ્ર દેશમાં એક અશ્વપતિ નામનો રાજા થઈ ગયો. પરમ ધાર્મિષ્ઠ, જીતેન્દ્રિય, યજ્ઞો કરનારો, દાનપતિ, પ્રજાપ્રિય અને સત્યવાક હતો. પરંતુ તેને સંતાન નહોતું. મિતાહાર અને બ્રહ્મચર્યથી સંતાન મેળવવા એણે લાખો હોમ કર્યા. નિયમપૂર્વક વ્રત કરતાં એને અઢાર વર્ષ પૂરા થયા એટલે બ્રહ્માનાં પત્ની સાવિત્રીએ સંતુષ્ટ થઈને રાજાને દર્શન આપ્યા તથા વરદાન માગવાનું કહ્યું. રાજા કહે છે કે આપ સંતુષ્ટ થયા હોવ તો હું સંતાનની યાચના કરું છું. અહીં ‘સંતાન’ શબ્દ સહેતુક મુકાયો છે. સાવિત્રી કહે છે કે મેં તારો ભાવ જાણીને બ્રહ્માને અગાઉથી પૂછી રાખ્યું હતું અને તેમની જ કૃપાથી તને એક તેજસ્વીની કન્યા થશે. આમ, રાજાને પુત્રને બદલે પુત્રી થઈ. રાણી માલવીને ગર્ભ રહ્યો. યોગ્ય સમયે કમળ જેવા લોચનવાળી કન્યાને જન્મ આપ્યો. સાવિત્રી દેવીના સંતુષ્ટ થવાથી આ કન્યાનો જન્મ થયો માટે બ્રાહ્મણોએ તેનું નામ પણ ‘સાવિત્રી’ જ રાખ્યું.

st18વખત જતા કન્યા યુવાન થઈને સુવર્ણની પ્રતિમા જેવી શોભવા લાગી. એના તેજથી અંજાઈ જઈને કોઈ પુરુષ એને વરવાની હિંમત નહોતો કરી શકતો. એકવાર તે વ્રત-ઉપવાસ, સ્નાન, દેવપૂજા, હોમ, વિપ્રસ્વસ્તિવાંચન વગેરે પ્રાત:ક્રિયાઓ કરીને તે પિતા પાસે ગઈ. પિતાને પ્રસાદ અર્પણ કરીને પ્રણામ કર્યા. પુત્રીને જોઈને દુ:ખી થયેલા પિતાએ કહ્યું કે આ તારો કન્યાદાનનો સમય છે પણ કોઈ મારી પાસે તને વરવાની યાચના કરવા આવતું નથી માટે ગુણોમાં તારા જેવો કોઈ પતિ તું તારી મેળે જ શોધી લે. આમ કહી રાજાએ કન્યાની સાથે મંત્રી-સેવકોને જવાનો આદેશ આપ્યો. તે કંઈક લજ્જા પામતી રાજ્યમાંથી બહાર નીકળી રાજર્ષિઓના તપોવનોમાં વિચરણ કરવા લાગી; કારણ કે નગરમાં તો તેના તેજથી કોઈ તેની સામે જોઈ શકતું નહોતું. એકવાર પિતા મદ્રરાજ અશ્વપતિ મહર્ષિ નારદ સાથે બેઠા હતા ત્યારે સાવિત્રી બધા તીર્થો, ઉપવનો અને આશ્રમોમાં વિહાર કરીને પાછી આવી. તેણે પિતાને પ્રણામ કર્યા. પિતાએ પૂછતાં તેણે જણાવ્યું કે શાલ્વદેશના રાજા દ્યુમત્સેન ધર્માત્મા રાજા હતા. તેઓ અંધ બન્યા એટલે તેમનો પુત્ર નાનો હોવાથી એમના કોઈ પૂર્વ વેરીએ એમનું રાજ્ય હરી લીધું. શાલ્વરાજ પોતાની રાણી અને પુત્રને લઈને વનમાં જઈ તપ કરવા લાગ્યા. એમનો નગરમાં જન્મેલો અને વનમાં ઊછરેલો પુત્ર સત્યવાન મને ભર્તા તરીકે અનુરૂપ લાગ્યો છે. હું તેને મનથી વરી ચૂકી છું.

સાવિત્રીની વાત સાંભળી તરત જ નારદ બોલી ઊઠ્યા કે અજાણતા જ આ દીકરીએ સત્યવાનનું વરણ કર્યું…. અરેરે… એ તો બહુ ખોટું થયું. નારદે સૌપ્રથમ તેના ગુણો વર્ણવતા કહ્યું કે, ‘તે બાળપણથી જ સત્ય બોલે છે એટલે બ્રાહ્મણોએ તેનું નામ સત્યકામ રાખ્યું છે. તેને અશ્વપ્રિય છે, માટીના અશ્વ બનાવે છે અને તે અશ્વ ચિત્રિત કરે છે માટે તેનું નામ ચિત્રાશ્વ પણ છે.’ એમ કહી નારદે તેના અનેક ગુણો કહ્યા. અશ્વપતિએ પૂછ્યું કે એ તો બરાબર પણ એના દોષ કયા છે ? નારદ કહે કે એક જ દોષ છે. આજથી માંડીને બરાબર એક વર્ષમાં તેનું આયુષ્ય પૂરું થઈ જશે. તે દેહ છોડી દેશે. હવે સ્વાભાવિક છે કે અશ્વપતિ એમ જ કહે કે જા દીકરી, તું કોઈ બીજાનું વરણ કર. પણ સાવિત્રી પોતાના નિશ્ચયમાં સ્થિર છે. મહાભારતકાર ત્યાં સુભાષિત મૂકતાં કહે છે કે વારસાના ભાગ એક જ વાર થાય, ‘આ આપ્યું’ એમ એક જ વાર કહેવાય, કન્યાનું દાન એક જ વાર થાય માટે એકવાર હું તેને વરી ચૂકી છું તેથી હવે તે દીર્ધાયુ હોય કે અલ્પાયુ, ગુણવાન હોય કે નિર્ગુણ – હવે હું બીજાને નહીં વરું. નારદે જોયું કે સાવિત્રીનો વિચાર સ્થિર છે તેથી તેમણે કહ્યું કે ભલે, તમારી દીકરી સત્યવાનને વરે એ જ ઠીક લાગે છે. અશ્વપતિએ તૈયારી કરી. દ્યુમત્સેનને ત્યાં ગયા. સત્યવાન સાથે લગ્ન માટે વિનંતી કરી. લગ્ન સુખરૂપે સંપન્ન થયું. કન્યાદાન કરીને અશ્વપતિ પોતાને ભવન પાછા આવ્યા.

આ બાજુ જેવા પિતા પાછા ગયા કે સાવિત્રીએ તમામ આભુષણો ઊતારી નાખ્યા. વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા. સાસુ-સસરાને દેવકાર્યોથી, વાકસંયમથી અને અન્ય સૌને પોતાના ગુણ, વિનય, સેવાકાર્યોથી પ્રસન્ન કર્યા. તેમજ પ્રિય વચનો, કુશળતા અને એકાંતના ઉપચારો વડે ભર્તાને પરિતોષ આપ્યો. આશ્રમમાં વસતાં કેટલોક કાળ વીત્યો પરંતુ સાવિત્રીના મનમાં તો રાતદિવસ નારદે કહેલા પેલા વાક્યનું જ સ્મરણ રહેતું હતું. ઘણા દિવસો પસાર થયા પછી સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી પહોંચ્યો. આજથી ચોથા દિવસે પોતાના પતિનું મૃત્યુ છે તેમ જાણી સાવિત્રીએ ત્રિરાત્રી જાગરણ કર્યું. વ્રત-ઉપવાસ કર્યા. આવતીકાલે પતિનું મૃત્યુ છે તેમ જાણી આખી રાત દુ:ખપૂર્ણ સ્થિતિમાં વીતાવી. આખરે એ દિવસ ઊગ્યો. સાવિત્રીએ સવારના પહેલા પ્રહરમાં અગ્નિનો હોમ કર્યો. સવારના કાર્યો આટોપ્યા. બધા બ્રાહ્મણો, વૃદ્ધો અને વડીલો પાસેથી સૌભાગ્યના આશિષ મેળવ્યા. સાસુ-સસરાએ વ્રતના પારણા કરવાનું કહ્યું તો તેણે સૂર્યાસ્ત પછી ભોજન કરવાનું જણાવ્યું. સત્યવાન ખભે કુહાડી મૂકીને જંગલમાં જવા માંડ્યો ત્યારે સાવિત્રીએ તેને રોકતાં કહ્યું કે આજે તમે એકલા ન જાઓ. મારો તમને છોડતા જીવ ચાલતો નથી. આજે મારે તમારી સાથે આવવું છે. સત્યવાને વનમાર્ગની મુશ્કેલીઓ અને વ્રત-ઉપવાસને કારણે અશક્તિ વગેરેના કારણો દર્શાવ્યા પરંતુ સાવિત્રીએ આગ્રહ છોડ્યો નહીં. અંતે વડીલોના આશીર્વાદ લઈને તે સત્યવાન સાથે વન તરફ ચાલી. માર્ગમાં સત્યવાન રમણીય વનો, મોરના ટહુકા, પવિત્ર ઝરણા, ફૂલોથી છવાયેલા પર્વતો બધું જ બતાવતો જતો હતો પરંતુ સાવિત્રીનું મન કશાયમાં નહોતું. એ તો નારદના વચનોને જ યાદ કર્યા કરતી. વનમાં જઈ સત્યવાને ફળોનો ટોપલો ભર્યો. પછી લાકડા ફાડવા માંડ્યો. પુરાણકાર જુઓ કેવી સુક્ષ્મતાથી આપણને ધીમે ધીમે લઈ જાય છે…. લાકડા ફાડતાં એને પરસેવો વળ્યો. પરિશ્રમથી માથામાં પીડા થવા માંડી. તેણે સાવિત્રી પાસે જઈને કહ્યું કે મારા અંગો તૂટે છે, હૃદય જાણે વલોવાય છે, મન ઠીક નથી લાગતું, માથું જાણે શૂળથી વિંધાઈ જાય છે, ઊભા રહેવાની મારામાં શક્તિ નથી. સૂઈ જવાની ઈચ્છા થાય છે. સાવિત્રી તરત તેની પાસે આવી. પતિને ટેકો આપીને એનું મસ્તક એણે ખોળામાં લીધું. ભોંય પર બેસી ગઈ અને નારદના વચનોને યાદ કરી ઘડી, પળની ગણતરી મેળવવા લાગી.

થોડી વારમાં પીળું વસ્ત્ર પહેરેલા, માથે મુગટ ધારણ કરેલા, સૂર્ય જેવા તેજથી શોભતા પુરુષને તેણે જોયો. તે પુરુષ ઉજળા શ્યામવર્ણનો, લાલ આંખો વાળો અને હાથમાં પાશ સાથે સત્યવાનની નજીક ઊભેલો ભયંકર લાગી રહ્યો હતો. પતિનું મસ્તક ધીમેથી નીચે મૂકીને કાંપતા હ્રદયે દુ:ખી સ્વરે સાવિત્રી કહેવા લાગી કે આપ કોઈ દેવતા છો, આવું શરીર મનુષ્યનું ન હોય. આપ કોણ છો ? અને શું કરવા ઈચ્છો છો ? યમે કહ્યું કે તું પતિવ્રતા નારી છે અને તપથી યુક્ત છે એટલે હું તારી સાથે વાત કરું છું. (બાકી યમ સામાન્ય વ્યક્તિ સાથે વાત ન કરે, એ તો કામ પતાવીને ચાલવા માંડે.) હે શુભે, તું મને યમ જાણ. તારા પતિ સત્યવાનનું આયુષ્ય ખૂટ્યું છે માટે હું એને બાંધીને લઈ જઈશ.’ શ્રી રાજેન્દ્રભાઈએ વિગતે સમજાવતા કહ્યું કે, ‘યમ ત્યાં એવું વર્ણન કરે છે કે સત્યવાન રૂપવાન અને ગુણોનો સાગર છે, ધર્મયુક્ત છે માટે તે મારા સેવકો વડે લઈ જવા યોગ્ય નથી, તેથી હું જાતે આવ્યો છું – આ સત્યવાનનું ગૌરવ છે. પુરાણકારે એક એક વિગત બહુ સુક્ષ્મતાથી આલેખી છે. કથા આગળ વધે છે. પોતાની વાત કહીને યમે સત્યવાનની કાયામાંથી પાશ વડે વશ થયેલા માત્ર અંગુઠા જેવડા પુરુષને બળપૂર્વક બહાર ખેંચી કાઢ્યો. આપણે સૌ જાણીએ છીએ કે આત્મા વગર જીવન સંભવે નહીં. એ અંગુષ્ઠ માત્ર પુરુષ આપણા જીવનના સારા-નરસા અનુભવો અને ગુણો-દુર્ગુણોને લઈને આપણી અંદર બેઠેલો છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તે તેના શરીરમાંથી બહાર નીકળે છે. બહાર નીકળી ક્યાંક વિચરણ કરતો કરતો કોઈ બીજા દેહમાં જઈને નવો જન્મ ધારણ કરે છે; આમ પૂર્વજન્મના સંસ્કાર વ્યક્તિની સાથે આવે છે.

સત્યવાનના જીવને લઈને યમ ચાલવા માંડે છે. સાવિત્રી પણ ભારે દુ:ખથી યમની પાછળ ચાલવા માંડે છે. યમ કહે છે, હે સાવિત્રી તું પાછી વળ. જેટલું જવાય એટલું તું ગઈ છે. હવે તારે એની પાછળ જવાની જરૂર નથી. તું પતિઋણમાંથી મુક્ત થઈ છે. પરંતુ સાવિત્રી કહે છે કે જ્યાં મારા સ્વામી જાય ત્યાં જ મારે તો જવું છે. એ જ સનાતન ધર્મ છે. ગુરુઓની સેવા, પતિનો સ્નેહ અને આપની કૃપાથી મારી ગતિ અટકતી નથી. વિદ્વાનો કહે છે કે સાત ડગલાં સાથે ચાલે તે મિત્ર કહેવાય, માટે હે યમ, હું મિત્રતાના નાતે આપને કહું છું કે અજ્ઞાનીઓ નથી વનમાં વિચરતા કે નથી અભ્યાસ કે ન તો શ્રમનું આચરણ કરતા. સંતો અનુભવથી ધર્મનો ઉપદેશ કરે છે. સજ્જનોના મતે જે એકનો ધર્મ હોય તે માર્ગને સૌ કોઈ અનુસરે છે. બીજા ત્રીજાની ઈચ્છા કરતા નથી….. સાવિત્રીના આવા ડહાપણ ભરેલા વચનો સાંભળી યમ પ્રસન્ન થાય છે. યમ કહે છે કે તું સત્યવાનના જીવ સિવાય કોઈ પણ બીજું વરદાન માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારા સસરા અંધત્વને કારણે વનવાસ વેઠી રહ્યા છે. એમને આપ કૃપા કરીને સૂર્ય જેવી દષ્ટિ આપો. યમે તથાસ્તુ કહ્યું અને ઉમેર્યું કે તને માર્ગનો શ્રમ લાગ્યો છે, તું વ્રત-ઉપવાસથી તૃષિત છે, માટે જા હવે તું પાછી વળ. સાવિત્રી કહે છે કે પતિની પાછળ જવામાં વળી મને શ્રમ કેવો. તમે મારા પતિને જ્યાં લઈ જશો ત્યાં જ મારી ગતિ હશે. હે દેવરાજ, ફરી મારા વચનો સાંભળો. સજ્જનો સાથેનો એક વાર મેળાપ પણ ઈષ્ટતમ હોય છે. તે કદી નિષ્ફળ નથી હોતો. સદા સજ્જનોના સંગાથમાં જ રહેવું જોઈએ. યમે કહ્યું કે તેં કહેલા વચનો મનને ઋચે એવા છે. ડાહ્યાઓની બુદ્ધિને પણ હિતકારક છે. સત્યવાનના જીવન સિવાય તું બીજું વરદાન માંગી લે. સાવિત્રી કહે છે કે મારા સસરાનું રાજ્ય શત્રુઓએ હરી લીધું છે તે પાછું મળે અને એમણે સ્વધર્મ છોડવો ન પડે એવું વરદાન આપો. યમે તથાસ્તુ કહ્યું અને ઊમેર્યું કે હવે તું પાછી વળ. પરંતુ સાવિત્રી યમ સાથે આગળ ચાલતી રહે છે. યમ પ્રત્યેક વખતે તેને પાછી વાળવાની કોશિશ કરે છે પરંતુ તે પાછી ન જતાં દર વખતે ધર્મની, સત્યની અને સજ્જનોના માર્ગની વાતો કરતી રહે છે, યમ તેને પ્રસન્ન થઈને વરદાન આપતા રહે છે.

ત્રીજું વરદાનએ પોતાના પિતાને સો પુત્રો થાય એમ માંગે છે. ચોથું વરદાન માંગતા તે કહે છે કે મારા અને સત્યવાનના ઔરસ (દત્તક નહીં) એવા કુળને વહન કરનારા બળ અને વીર્યવાન સો પુત્રો થાઓ. યમને બધો ખ્યાલ છે કે આનો અર્થ શું થાય પરંતુ તે તથાસ્તુ કહી દે છે. યમ કહે છે કે હે સ્ત્રી, તું ખૂબ દૂર સુધી આવી ગઈ છે માટે હવે પાછી વળ. વળી સાવિત્રી કહે છે કે સજ્જનોની વૃત્તિ ધર્મમાં હોય છે, સજ્જનો કદી નિરાશ કે દુ:ખી થતા નથી. સંતો સત્યથી સૂર્યને ધારણ કરે છે. સત્યથી ભૂમિને ધારણ કરે છે. સંતો ભૂતભાવિની ગતિ છે – એમ અનેક સુભાષિતો તે કહે છે. છેવટે યમ કહે છે કે તું જેમ જેમ ધર્મયુક્ત વચનો બોલતી જાય છે તેમ તેમ તારા પ્રત્યેની મારી ભક્તિ વધતી જાય છે. માટે હે વ્રતધારીણી, તું અપ્રતિમ વર માંગી લે. સાવિત્રી કહે છે કે દરવખતની જેમ તમે હવે કોઈ અપવાદ કર્યો નથી માટે હું માગું છું કે સત્યવાન જીવિત થાય. એનાથી તમે પુત્રપ્રાપ્તિ માટે આપેલું વચન સત્ય થશે. યમરાજા તથાસ્તુ કહીને તેને યમપાશમાંથી મુક્ત કરે છે. ખૂબ પ્રસન્ન થઈને સાવિત્રીને કહે છે કે તારા પતિને મેં છોડ્યો છે, તું એને લઈ જા. એ તારી સાથે 400 વર્ષનું આયુષ્ય ભોગવશે. ધર્મ આચરશે, યજ્ઞો કરશે અને લોકમાં કીર્તિ પામશે. આમ, સાવિત્રી યમ પાસેથી પોતાના પતિને છોડાવે છે.

આખ્યાનની સરળ ભાવલેખન પદ્ધતિ છે. સાવિત્રી સજ્જનોના ગુણો ગણાવતી જાય છે અને યમ વરદાન આપતો જાય છે. આરંભમાં મહાભારતકાર ‘યમ’ શબ્દ પ્રયોજે છે પરંતુ જ્યારે તે સત્યવાનને પાશમાંથી મુક્ત કરે છે ત્યારે ત્યાં ‘ધર્મરાજ’ શબ્દ પ્રયોજ્યો છે. ઉપનિષદોમાં સાવિત્રી શબ્દ ગાયત્રીમંત્ર માટે વપરાયો છે. જે સત્કર્મમાં પ્રેરે તે સાવિત્રી. સત્ય તેણે કદી છોડ્યું નથી. યમ પાસે જતી સાવિત્રી સત્યનો હાથ સદા પકડી રાખે છે માટે તે જીતી જાય છે.’ આમ કહી શ્રી રાજેન્દ્રભાઈએ સાવિત્રીના અખ્યાનની પૂર્ણાહુતિ કરી હતી.

સંગોષ્ઠિ-5ની સમાપ્તિ બાદ સત્રના ‘વાચસ્પતિ પુરસ્કાર’ પ્રદાનવિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ સમગ્ર સત્રના સુત્રધાર શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીએ અગાઉના વર્ષોમાં અપાયેલા ‘વાચસ્પતિ પુરસ્કાર’ની વિગતો આપી હતી જેમાં ઈ.સ. 2000માં પ.પૂ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, 2001-ડૉ. કે.કા. શાસ્ત્રી, 2002-ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, 2003-ડૉ. એસ્તેર સોલોમન, 2004-ડૉ. વસંત પરીખ, 2005-ડૉ. તપસ્વી.એસ.નાંદી, 2006-ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, 2007-ડૉ. લક્ષ્મેશ વલ્લભજી જોષીને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી હરિશ્ચંદ્રભાઈએ ચાલુ વર્ષે અપાનાર વર્ષ-2008 માટેના પુરસ્કૃત વિદ્વાન ડૉ. અરવિંદભાઈ જોષી (સુરત)નો વિસ્તૃત પરિચય આપ્યો હતો જેની વિગતો આ પ્રમાણે છે :

નામ : ડૉ. પ્રો. જોષી અરવિંદ હર્ષદરાય
જન્મતારીખ : 5-1-1934.

સરનામું :
બ.નં. 101/બી, કલ્પના સોસાયતી વિભાગ-2,
અડાજણ પાટીયા પાસે, રાંદેર રોડ, સુરત-9.

શૈક્ષણિક લાયકાત : એમ.એ. પી.એચ.ડી.
શાસ્ત્ર : વેદાન્ત
રસના વિષયો : ભારતીય દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન, કાવ્યશાસ્ત્ર, કાવ્ય
પી.એચ.ડીનો વિષય : ગૌડપાદ : એક સમીક્ષાત્મક અધ્યયન.
માર્ગદર્શકનું નામ : ડૉ. અરુણચંદ્ર દે. શાસ્ત્રી (સ્વર્ગસ્થ)

શૈક્ષણિક અનુભવ :
[1] 15જૂન, 1959થી 1966 સુધી આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ, તિથલ રોડ, વલસાડ. [2] જૂન-1966થી એમ.ટી.બી આર્ટસ કૉલેજ સુરત [3] 1994માં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત. [4] સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત દ્વારા સંચાલિત ચુનીલાલ ગાંધી વિદ્યાભવન (રિસર્ચ એન્ડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુટ)માં 1999થી ચાર વર્ષ સુધી સંસ્થાના માનદ નિયામક તરીકે કાર્યરત.

પ્રવૃત્તિઓ :
[1] સભ્ય, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર 1994થી 1999 સુધી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી દ્વારા નિયુક્ત. [2] દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કૉલેજના સંસ્કૃત પ્રાધ્યાપક મંડળના સ્થાપક તથા પ્રથમ પ્રમુખ. [3] એમ.ફીલ તથા પી.એચ.ડીના માર્ગદર્શક [4] પી.એચ.ડી થિસિસના પરીક્ષક તથા વિવિધ ગ્રંથોના પરામર્શક. [5] અનેક પરિષદો તથા અધિવેશનોમાં વ્યાખ્યાતા તથા અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. [6] વિવિધ પરિષદો તથા અધિવેશનોમાં વ્યાખ્યાનો આપ્યાં, લેખો તથા શોધપત્રોનું વાચન કર્યું. [7] 1995-96 દરમ્યાન અમેરિકા ખાતે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં. (અ) ભગવદગીતાનું દર્શન : Place : India house of worship, Washington, December-1995. (બ) મહાકવિ કાલિદાસનું કુમારસંભવ : Place : India house of worship, Washington, February, 1996. (ક) Introducation to Hindu Scriptures (Vedas, Upnishads and Bhagvad Gita) : Place : Allen Town, Philadelphia June,1996) [8] ગુજરાતી વિશ્વકોષમાં પ્રદાન : 10 અધિકરણો [9] પ્રકાશનો : (ક) ‘માંડૂક્યોપનિષદ-ગૌડપાદકારિકા’, પ્રકા. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, 1979. (શ્રેષ્ઠ ગ્રંથ તરીકેનું ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 1979માં પ્રાપ્ત થયું છે.) (ખ) ‘ગૌડપાદ- એક સમીક્ષાત્મક અધ્યયન’ (ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુરોવચન સહિત), 1984 (ગ) ‘કુમારસંભવ’ (ડૉ. ગૌતમ પટેલ સાથે) (ઘ) ‘મૃગજળનાં મોતી’ (કાવ્યસંગ્રહ : 1995), (ચ) ‘માંડૂક્યોપનિષદ-ગૌડપાદકારિકા’, બીજી આવૃત્તિ, પ્રકા. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, 1979. (છ) ઉત્તરગીતા (ગૌડપાદીય વ્યાખ્યા સહિત), પ્રકા. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત. (જ) ‘પડછાયાની પાર’ (કાવ્યસંગ્રહ) (ઝ) માલવિકાગ્નિમિત્ર : કાલિદાસ (અપ્રકાશિત)

અન્ય વિશેષ :
[1] સ્વધ્યાય મંડળ, પારડી દ્વારા પ્રકાશિત ‘વેદસંદેશ’માં 20 લેખ. [2] President, National Seminar on ‘Works Attributed to Kalidasa’, Arts and Commerce Collage, Chikhli, Dist. Navsari, October-2006. [3] અન્ય વ્યાખ્યાનો (ક) વૈદિક સાહિત્યમાં વિદુષીઓ, અખિલ હિંદ મહિલા પરિષદ સુરત, 2001. (ખ) સંસ્કૃત સાહિત્યમાં પ્રણય નિરુપણ, રોટરી કલબ, નવસારી, 2006. (ગ) આદિ શંકરાચાર્યનું તત્વજ્ઞાન, બ્રહ્મસમાજ, વ્યારા, 2008. (4) આદિ શંકરાચાર્યનું જીવનદર્શન, સિનિયર સીટીઝન કલબ, સુરત-2008.

st19

આ મંગલ પ્રસંગે સુરતના સુપ્રસિદ્ધ કવિ ‘ઉશનસ્’ દ્વારા પાઠવાયેલા પત્રનું ત્યાં વાંચન થયું હતું. કવિશ્રીએ પોતાનો સદભાવ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘યુનિવર્સિટીના તો તમે ડોક્ટર છો જ ને હવે શ્રી મુરારિબાપુની યુનિવર્સિટીના વિદ્યાવાચસ્પતિ પણ થયા છો; આમ તમે બેવડી પી.એચ.ડી. પદવી પ્રાપ્ત કરી છે, જે તમને છાજે છે. તમારામાં અદ્વૈતતત્વનું ટૂંપણું છે તો પ્રેમ લક્ષણા ભક્તિના દ્વૈતતત્વનું ‘તું’પણું પણ છે, જે તમારી પ્રેમવિષયક કવિતામાં ખૂલ્યું ને ખીલ્યું છે.’ તે પછીથી તમામ વિદ્વાન વક્તાઓ ગંગાધરજી પંડા, શ્રી અજિત ઠાકોર, શ્રી ગૌતમ પટેલ, શ્રી વસંત પરીખ – સૌએ પોતાનો આનંદ વ્યક્ત કરીને તેમના સંસ્કૃત સાહિત્ય પ્રતિ જે પ્રદાન છે તેની માટે ‘બે શબ્દો’ કહ્યા હતા. ‘વાચસ્પતિ પુરસ્કાર’ ના એવોર્ડની વિગત વંચાયા બાદ તેમને પૂ.બાપુ તેમજ સૌ ઉપસ્થિત વિદ્વાનોના હસ્તે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો અને તે સાથે તેમનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પવિત્ર મંત્રો સાથે સૌ શ્રોતાઓએ ઊભા થઈને આ ક્ષણે તેમનું અભિવાદન કર્યું હતું. રોમાંચ પેદા કરતી આ ધન્ય ઘડી સૌ કોઈ માટે ચિરસ્મરણીય બની રહી હતી. સમગ્ર સત્રના અંતિમ ચરણમાં પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્યનો આરંભ કર્યો હતો.

શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે

પૂ.બાપુએ સૌનું અભિવાદન કરતાં કહ્યું કે : ‘આજના ઋષિપંચમીના દિવસે ઋષિકાર્ય કરતા આપ સૌ વડીલો અને જેની વંદના કરવા માટે આપણે બડભાગી બન્યા છીએ અને જે વંદના સ્વીકારીને આપણને કાયમ જેણે ઋણી કર્યા છે એવા ઉત્સવમૂર્તિ આદરણીય ડૉ. અરવિંદભાઈ જોશી સાહેબ અને બહેનશ્રી. શ્રવણ કરતાં કરતાં મેં મારે માટે વાણીના અમુક વિભાગો પાડ્યા છે. એક વાણી હોય છે નભવાણી, બીજી નાભીવાણી, ત્રીજીવાણી નિજવાણી, ચોથી નીર જેવી, પાંચમી વાણી નાગરીવાણી હોય છે. મને ‘અસ્મિતાપર્વ’ અને ‘સંસ્કૃતસત્ર’ માં આ પાંચેય વાણીઓને શ્રવણ કરવાનો બહુ મોટો લાભ મળે છે. સંસ્કૃતસત્રમાં મારા માટે વિશેષ આનંદની વાત એ છે કે આ પહેલા શ્રાવણ માસમાં હું એક મહિનો મૌન હોઉં છું અને મારું બોલવાનું આ સત્રથી શરૂ થાય છે.

st20તુલસીદાસજીએ રામચરિત માનસના આરંભમાં મંગલાચરણના સાતમામંત્રમાં ‘નાના પુરાણ…’ કહીને પહેલું નામ પુરાણોનું લીધું છે. આમાંના કેટલાય પૌરાણિક પાત્રો રામચરિત માનસે ક્યાંક સંકેતરૂપે, ક્યાંકસુત્ર રૂપે, ક્યાંક દષ્ટાંતરૂપે તો ક્યાંક એનો આધાર લઈને તુલસીએ વર્ણવ્યાં છે. પાત્રોથી ગ્રંથ બને કે ગ્રંથથી પાત્રો બને તે મને ખબર નથી પરંતુ મને એમ લાગે છે કે ઈશ્વર જો માણસ થઈ શકતો હોય તો માણસ પણ ઈશ્વર થઈ શકે. પક્ષી જો ઈંડુ પ્રગટાવે તો ઈંડુ પક્ષીને પ્રગટાવી શકે. આ સંદર્ભમાં થોડા સમય પહેલા મેં એક મોટું દીર્ધકાવ્ય વાંચ્યું હતું. રશિયાના કોઈ કવિનું હતું જેનો અનુવાદ બાબુભાઈ સુથારે અને એક બીજા સાહિત્યકારે કર્યો છે. એમાંની એક વસ્તુ મારે આપને કહેવી છે. એ કાવ્યમાં કવિ એમ કહે છે કે બે ખાટલા છે. એમાં એક પર માણસ સૂતો છે અને બીજા પર ઈશ્વર સુતો છે. બંને વચ્ચે એક ગ્રંથ છે. ગ્રંથ કંઈ બોલતો નથી પણ સૌથી પહેલા સ્વભાવ મુજબ માણસ બોલવાની શરૂઆત કરે છે કે આ ગ્રંથની રચના મેં કરી છે ! એ વારંવાર બોલે છે. એકનું એક વાક્ય બોલ્યા જ કરે છે. ઈશ્વરને બોલવું નથી પરંતુ આખરે એ પેલા મનુષ્યને કહે છે કે આ ગ્રંથ તેં નથી રચ્યો પણ મેં તારી પાસે રચાવ્યો છે. હવે બંને વચ્ચે તકરાર થઈ અને બહુ લાંબુ ચાલ્યું. છેવટે ગ્રંથ બોલે છે કે તમને બંનેને મેં રચ્યા છે.’

પૂ.બાપુએ વધુમાં કહ્યું હતું કે ‘રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદગીતા મારો વિશ્વાસ છે અને શ્રીમદ ભાગવતના પ્રેમની મારી તલાશ છે તથા ઉપનિષદ મારો પ્રકાશ છે. આવા ઉત્તમ ગ્રંથોનો સ્વધ્યાય કરીને હરિશભાઈએ કહ્યું તેમ 50 મિનિટ બોલવા માટે આપ 50-50 દિવસનું અધ્યયન કરીને આવો એનાથી અમને કેટલો બધો પ્રકાશ પ્રાપ્ત થાય છે. અમને એમાંથી અજવાળું મળે છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં ગુજરાતી ભાષા એ આપણો ધર્મ છે. એટલે કે જેની જે માતૃભાષા હોય તે તેનો ધર્મ છે. હિન્દી સાર્થક છે માટે તે અર્થ છે. હિન્દી ભાષા આપણી સમૃદ્ધિ છે. અંગ્રેજી ભાષા કામની છે – એટલે કે ઉપયોગી છે. પરંતુ સંસ્કૃત તો મોક્ષની ભાષા છે. મોટાભાગના મોક્ષદાયી ગ્રંથો સંસ્કૃતમાં આવ્યા છે. અને તેનું આટલું સેવન કરીને આપ અહીં આવો છો તે ખૂબ આનંદનો વિષય છે. આ આયોજન પાછળ બીજો કોઈ હેતુ નથી. અમારા પ્રતિ એક વાત્સલ્યને કારણે આપ આવો છો. આ બધા અવસરો નથી મુરારિબાપુના કે નથી સીતારામ સેવા ટ્રસ્ટના કે નથી કૈલાસ ગુરુકુળના – આ બધું સમય કરાવે છે. સમય સિવાય આ શક્ય નથી.’

રામચરિત માનસનો એક પ્રસંગ ટાંકતા બાપુએ કહ્યું હતું કે : ‘રામચરિત માનસમાં એક કોહબરની લીલા છે. સરળ શબ્દમાં એને ગામડાઓમાં કોડી-કરડા રમાડવાની વિધિ કહીએ તે. રામ તેઓ એ રમવામાં એકદમ ઉદાસીન અને શાંત. એમને જોઈને મિથિલાની સ્ત્રીઓ મજાકમાં કહે છે કે એમણે ધનુષ્ય તોડ્યું એનો બહુ અહંકાર છે ! ભગવાન તો કંઈ બોલતા નથી પણ બે-ચાર વાર તે આમ કહે છે એટલે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. એ બોલ્યા કે તમે એમને અભિમાની કહો છો તો એમને અભિમાન કરવાનો અધિકાર છે કારણ કે જે ધનુષ્યને દશ હજાર રાજાઓ નથી તોડી શક્યા તે ધનુષ્ય એમણે એકલાએ તોડ્યું છે. મિથિલાની સ્ત્રીઓ લક્ષ્મણજીને કહે કે એ પોતે કહે કે મેં તોડ્યું છે તો અમે માનીએ. લક્ષ્મણજી ભગવાન રામને કહે છે કે હવે આપણી પ્રતિષ્ઠાનો સવાલ છે. તમે ચોખ્ખું કહી દો કે તમે ધનુષ્ય તોડ્યું છે. લક્ષ્મણજીને એમ કે ભગવાન તો હવે મારા પક્ષમાં જ બોલશે ! અને વાતેય સાચી હતી એ ભગવાને જ તોડ્યું હતું. પરંતુ રામ કહે છે કે મેં નથી તોડ્યું. મેં તોડ્યું હોય એનો દર્શનીય પુરાવો તો હોવો જોઈએ ને ? મેં તોડ્યું ત્યારે તો અંજાઈને બધાએ આંખો બંધ કરી દીધેલી એટલે કોઈએ જોયું જ નથી. મિથિલાની સ્ત્રીઓ આ સાંભળીને પોતાની જીત થતી જોઈ ખુશ થઈ ગઈ. ભગવાન રામે આગળ કહ્યું કે મેં તો ફક્ત હાથ અડાડ્યો અને ધનુષ્ય જૂનું હતું એટલે એ તૂટી ગયું. પછી ભગવાને સરસ વાત કરી છે કે દશ હજાર રાજા ઊભા થયા ત્યારે એનો તૂટવાનો યોગ નહોતો અને જ્યારે તૂટવાનો યોગ હતો ત્યારે હું ફક્ત અડક્યો ને તૂટી ગયું. એટલે હે લક્ષ્મણ, આ જગતમાં કોઈ કોઈને તોડતું નથી, એના તૂટવાના યોગ્ય સમયે બધું તૂટી જાય છે અને એ સમય મારો ગુરુ વિશ્વામિત્ર જાણે છે. તેથી મારે આપને કહેવું છે કે આ બધું આયોજન સમયને લીધે થાય છે. સમયની એ માંગ હશે. મારો આમાં કોઈ હેતુ નથી. હું તો કેવળ ને કેવળ આપને સાંભળી શકું અને શ્રવણનો આનંદ લઈ શકું.’

અન્ય એક વિષય વિશે વાત કરતાં પૂ.બાપુએ કહ્યું કે ‘હળવા હોય એને ઈશ્વર માથા પર રાખે. ભગવાન રામ કળીઓને માથે રાખતા અને ખીલી ગયેલા ફૂલને ડાબા હાથમાં લેતાં. કળીઓએ ઈશ્વરને પૂછ્યું કે પ્રભુ આમ કેમ ? તો રામ કહે કે જે નથી ખીલ્યા એને હું માથે ચઢાવું છું અને જે ખીલી ગયા છે એવો અહંકાર રાખતા હોય એ તો મારા ડાબા હાથનો ખેલ જેવા છે, ક્યારે ફેંકી દઉં કંઈ ખબર ન પડે !’ શ્રદ્ધા વિશે વાત કરતાં બાપુએ કહ્યું હતું કે ‘મારે તો અશ્રુ અને આશ્રય એ પર જ જીવવાનું છે. કોઈકની કૃપાથી આ બધુ કુદરતી રીતે થાય છે. શ્રાવણ પછી આપણે બધા આ જીવતા શિવનો અભિષેક કરવા ભેગા થયા છે અને અરવિંદભાઈએ આ અભિષેક સ્વીકાર્યો એ માટે અમે ઋણી છીએ. આ સત્રનું તમામ સુકૃત હનુમાનજીના ચરણોમાં અર્પણ કરીને જૂનાગઢના યુવા કવિ ભાવેશ પાઠકને યાદ કરું છું. એમણે કહ્યું છે કે : ‘સોચલો રસ્તા બડા દુષ્વાર હૈ, જિંદગી રસ્સી નહીં તલવાર હૈ’ જિંદગી તો તલવારની ધાર છે અને એના પર ચાલવા માટે આ બધા સત્રો માર્ગદર્શન પૂરું પાડે છે અને આપણું સંબલ બને છે. આપ સૌને પુન: પ્રણામ. છેલ્લે એટલું કહીશ કે….

લો હવે કૈલાસ ખુદને કાંધ પર, રાહ સહુની ક્યાં સુધી જોયા કરો,
દર્દને ગાયા વિના રોયા કરો, ફૂલને સુંઘો નહીં જોયા કરો.

line

[ ભાગ-1 તથા ભાગ-2 ડાઉનલોડ/પ્રિન્ટ કરવા માટે PDF ફાઈલ : Click Here ]

[ ફોટો-આલ્બમ : ચિત્ર પર ક્લિક કરવાથી તેને મોટા સ્વરૂપે જોઈ શકાશે. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવીનાં મન – પુષ્કર ગોકાણી
પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:1)– મૃગેશ શાહ Next »   

24 પ્રતિભાવો : પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:2) – મૃગેશ શાહ

 1. nayan panchal says:

  વાહ મૃગેશભાઈ,

  તમે સૌ વાચકો બદલ આટલી તકલીફ ઉઠાવીને લેખ ટાઈપ કર્યો અને અમને સૌને આટલા સરસ પર્વની શબ્દદેહે મુલાકાત કરાવી તે બદલ આભાર.

  હજુ સુધી પૂરો લેખ વાંચ્યો નથી, શાંતિથી વાંચવો પડશે.

  નયન

 2. તરંગ હાથી, ગાંધીનગર says:

  મ્રુગેશભાઈ,

  મહુવા ખાતે યોજાઈ ગયેલા આ કાર્યક્રમ નુ વિસ્ત્રુત વર્ણન જાણે સદેહે બેઠા હોઇએ તેમ લાગ્યું. આપે જે રીતે આલેખન કરેલું છે તે ઉપર થી તો એમજ લાગે છે.

  મારા કાકા પણ આ કાર્યક્રમ માં ગયા હતા. પુજ્ય બાપુ ના સાનિધ્ય માં રહેવાનો મોકો જવલ્લેજ મળે છે.

  ખરેખર આનન્દ થયો છે.

  ખુબ ખુબ આભાર

  તરંગ હાથી, ગાંધીનગર

 3. chirag solanki says:

  Really a Peacefull topic….

 4. અતુલ જાની (આગંતુક) says:

  ૩ દિવસ, પાંચ સંગોષ્ઠિ અને છેવટે વાચસ્પતિ પુરસ્કારમાં વહેંચાયેલ આ નવમાં સંસ્કૃત સત્રને શ્રી મૃગેશભાઈની કલમે જીવંત છાયા-ચિત્રો સહિત માણવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી.

  પરમ પૂજ્ય શ્રી મોરારિબાપૂની નિશ્રામાં ગોઠવાતા આ કાર્યક્રમનો સંપુર્ણ ચિતાર આપતો આ લેખ સાચવી રાખવા જેવો છે. તેમાં વર્ણવેલા પૌરાણિક પાત્રોના સારા-નરસા પાસાઓનો તલસ્પર્શિ અભ્યાસ કરીને નીર-ક્ષિર ના વિવેક કરતા હંસની માફક સાર સાર ને ગ્રહણ કરીને અસાર તત્વોને જીવનમાંથી દુર કરવા માટે ઉપયોગી થાય તેવો બહુમુલ્ય લેખ છે.

  એક સાથે ઘણાં બધા વિદ્વાન અને વિદુષિઓને મળવાનો અનેરો લ્હાવો મળી ગયો. પુરાણોનું શું મહત્વ છે તે પુરાણની રીતે જાણવા મળ્યું એટલે કે જે અતિતમાં જાણતા હતે તે નવી રીતે જાણવા મળ્યુ.

 5. RASIK says:

  મ્રુગેશભાઇ,
  ખુબ ખુબ ધન્યવાદ. dvd જેવેી કોઇ વ્યવસ્થા થઇ શકે ?

  રસિક બુટાણેી

 6. Rupal says:

  ખુબ સરસ લેખ્

 7. ભાવના શુક્લ says:

  અત્યંત સુંદર… શબ્દદેહે આ અવસરની અનેરા ચિત્રૉ સાથે જે અલભ્ય વાતો અને પૌરાણીક પાત્રોની સાથે અનેક વિદ્વાનોની વિશિષ્ટ ગ્યાનગોષ્ઠીનો લાભ પણ મળ્યો. પુ, બાપુ કહ્યુ તેમ અનેક વિવિધ વાણીઓનુ શ્રવણ તે જાતે જ એક ધ્યાન અવસર બની રહે છે.
  ફરી મૃગેશભાઈને અભિનંદન ખાસતો આ લેખ ની પી.ડી.ઍફ. આવૃતિ અહી મુકવા માટે.

 8. Pragnesh Patel says:

  અમેરીકા નાં વોશિગ્ટન સ્ટેટ માં માઉન્ટ રેનિયર નેશનલ પાર્ક આવેલો છે. આ પાર્ક ની પેરેડાઈઝ (સ્વર્ગ્) નદી ઉપર એક નારદ ધોધ છે. અમેરીકાનું જંગલ ખાતાની માહિતિ પ્રમાણે ધોધનુ નામ બહુ સમય પહેલા હિદું સંત “નારદ” ઉપરથી પાડવામાં આવ્યુ છે.

  Narada Falls is a very popular tourist stop, We’d recommend getting there early if possible. The waterfall is spectacular, so don’t miss this one. You will get wet as you hike down the path to view it. If you continue hiking along the Wonderland Trail from Narada Falls, you will reach Madcap Falls and Carter Falls (after about 1.5 miles).

  Elevation: 4400 ft

  Good pictures on Narada falls
  http://www.oceanlight.com/lightbox.php?x=narada_falls_(mount_rainier)__waterfall__natural_world

  As per US Department of Forest, “According to Hindu Mythology Narad was great messanger between Humans and Divine society live in Paradise. The fall was named after him by unknown tourists long back”

 9. કેતન રૈયાણી says:

  અતિ સુંદર…અતિ સુંદર…

  શું આના પહેલાનાં સંસ્કૃતસત્ર (ભાગ – ૮)નું વર્ણન પણ રીડ ગુજરાતી પર મૂકવામાં આવ્યું હતું? જો હા, તો કોઇ મને એની લિન્કસ આપશો? આ માટે હું આપ સૌનો આભારી થઇશ. મારે ‘ભીમ્’ અને ‘કર્ણ’ પર થયેલ વક્તવ્યનો લાભ લેવો છે…

  સંસ્કૃતસત્ર (ભાગ – ૯)નું સુંદર રીતે રસપાન કરાવવા બદલ ધન્યવાદ…

  કેતન રૈયાણી

 10. Editor says:

  નમસ્તે વાચકમિત્રો,

  સમગ્ર ‘સંસ્કૃતસત્ર’ તેમજ ‘અસ્મિતાપર્વ’ કે આ અગાઉના કોઈ પણ સત્રોની સી.ડી., ડી.વી.ડી. વિશ્વમાં ગમે ત્યાં મેળવવા માટે નીચેના સરનામે સંપર્ક કરો :

  સંગીતની દુનિયા પરિવાર.
  c/o નિલેશ સંગીત ભવન
  મહુવા-364290
  ફોન : +91 2844 222864 / +91 2844 222613
  ઈ-મેઈલ : sangeetniduniya@yahoo.com

  કેતનભાઈ, અગાઉના સંસ્કૃતસત્રોનું વર્ણન રીડગુજરાતી પર નથી મુકાયું. પરંતુ ચાલુ વર્ષના અસ્મિતાપર્વ-11નો અહેવાલ આપ આ લીન્કથી વાંચી શકો છો :

  http://www.readgujarati.com/sahitya/?p=1924

 11. sujata says:

  આ બધું સમય કરાવે છે. સમય સિવાય આ શક્ય નથી.’

  અમે આ સ મ ય સ ર વાંચી શ ક યા એ ના મા ટે લા ખ ધ્ન્ય વાદ્…….મૃગેશભાઈ

 12. Rekha Sindhal says:

  “વાણીના અમુક વિભાગો પાડ્યા છે. એક વાણી હોય છે નભવાણી, બીજી નાભીવાણી, ત્રીજીવાણી નિજવાણી, ચોથી નીર જેવી, પાંચમી વાણી નાગરીવાણી હોય છે.”પુ. મોરારેીબાપુનેી વાણેી અહેીઁ સુધેી પહોચાડવા માટે અને બેીજા અનેક વિદ્વાનોને વઁચાવવા માટે ખુબ આભાર, મૃગેશભાઈ. અને હાઁ ફોટો આલ્બમ જોઈને થોડેી પણ હાજરેી મહેસુસ કરેી. ધન્યવાદ ! ખુબ સ્વાદેીષ્ટ રસથાળ !

 13. Payal says:

  Such a detailed description of the whole event. It was almost like I attended there in person. Thanks!

 14. Maulik says:

  ખુબ ખુબ આભાર…માહિતી વાંચી ને મન ત્રુપ્ત થઇ ગયું.

  ધન્યવાદ…

 15. piyush says:

  realu such a detailed description ever.

  kharekahr maja avi gayi.

  we hope ke tame a tamaro bhasa yagna agal vadharo jethi amara jeveno ene labh mali sake .
  thanks ………… very much……
  jay shri krishna….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.