સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

‘મમ્મી, લે આ તારા માટે છે. હાથ લાંબા કર.’ અર્પણે આવું કહીને શોભાબહેનના હાથમાં સોનાની બંગડીઓ પહેરાવા માંડી. શોભાબેન મૂંઝવણથી એ ઝગારા મારતી કલાત્મક બંગડીઓને જોઈ રહ્યાં. એમને કંઈ સમજાયું નહીં. એમણે પૂછ્યું : ‘આ બંગડીઓ મને શું કામ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય’
‘મમ્મી આ હું એની જ હોંશ પૂરી કરી રહ્યો છું. જ્યારે એણે જાણ્યું કે અમારા લગ્ન વખતે એને બંગડીઓ ઘડાવી આપવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એ બોલી હતી મને દાગીના ચડાવવા મમ્મીના હાથની બંગડીઓ ઉતારાય ? મમ્મી ખૂબ પ્રેમાળ અને ઉદાર છે એટલે ભલે એમણે પોતાની બંગડીઓ ઉતારી આપી પણ આપણે એમને વહેલામાં વહેલી તકે બંગડીઓ કરાવી આપીશું. એથી તો લગ્ન પછી અમે મસુરી જવાના હતા એ પ્રોગ્રામ એણે કેન્સલ કરાવડાવ્યો અને લગ્ન પહેલાં એ જોબ કરતી હતી એ પગારની બચત થઈ હતી તેથી એ રકમ ઉપાડીને એણે આ ચાર બંગડીઓ ઘડાવી.’

શોભાબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની મા માટે બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ દીકરાની વહુ એમાં સાથ આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે. એને મારો શું પરિચય ? તોય એણે એની બચતના પૈસા મારી પાછળ વાપરી નાખ્યા. હું સાજીમાંદી હોઉ ને એણે મારી સારવાર પાછળ પૈસા ખરચ્યા હોત તો એમ થાત કે હું માંદી હોઉં તો એની ફરજ સમજીને એણે બચત વાપરી. પણ આ તો મને બંગડી કરાવી આપવા ! અને એટલા માટે હનીમૂન પર ના ગયા. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો વિસ્મય, રોમાંચ અને કુતૂહલથી કેવા ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના અસીમ સૌંદર્ય વચ્ચે માણવાનો મોહ જતો કર્યો. મને બંગડીઓ તો પછી ગમે ત્યારે કરાવી અપાત. આ ઉંમરે મને દાગીના વગર ચાલત.

શોભાબેન દ્રવી ઊઠ્યાં. ભાવથી ભીંજાતાં એ બોલ્યાં : ‘બેટા, મેં તો મારી બે જ બંગડીઓ આપી હતી ને આ તો ચાર બંગડીઓ છે અને તેય જડતરકામવાળી ! આની તો ઘડાઈ જ કેટલી બધી હશે !’
અર્પણ બોલ્યો : ‘મમ્મી, મા દીકરા વચ્ચે બે ને ચારનો હિસાબ ન હોય.’ શોભાબેન આગળ કંઈ બોલી ન શક્યાં. એમનું ગળું રુંધાઈ ગયું. એમને એમના મોટા દીકરા નચિકેતના લગ્ન વખતની વાત યાદ આવી ગઈ. નચિકેતના લગ્ન સમયે એમણે જ્ઞાતિના રિવાજ મુજબ એની પત્ની રવિનાને દાગીનો ઘડાવી આપવા પાંચ તોલાની સગવડ રાખી હતી, પરંતુ રવિનાએ પાંચ તોલાના બદલે સાત તોલાનો દાગીનો પસંદ કર્યો. પાંચ તોલાના દાગીના આર્ટિસ્ટિક હતા. એમાં ઘણી વેરાઈટી હતી પણ રવિનાએ એ દાગીના પર નજર જ ના કરી. પોતાના સાસરિયાંની આર્થિક સ્થિતિનો ખ્યાલ ન હોય એટલી એ અબૂધ ન હતી, પણ રીતસરની એની એ ખંધાઈ હતી.

ત્યારે શોભાબેને રવિનાના અસહકારી વલણ પર ધ્યાન આપવાના બદલે હસતામોંએ પોતાના હાથ પરની બે બંગડીઓ તરત ઉતારી આપી હતી. ત્યારે જ્ઞાતિના રિવાજને વળગી રહીને પાંચ તોલાનો જ દાગીનો પસંદ કર એમ રવિનાને એમણે જરાય આગ્રહ નહોતો કર્યો. ત્યારે મનોમન ઈશ્વરનો એમણે આભાર માન્યો હતો કે ભલે નવું સોનું ખરીદવાની પહોંચ નથી પણ હાથે ચાર બંગડીઓ હતી તો બે ઉતારી આપી શકી અને વહુની હોંશ પૂરી થઈ. રવિના એના મા-બાપનું ઘર છોડીને આવે છે, હવેથી હું એની મા કહેવાઉં, ત્યારે આંરભથી જ કોઈ ગેરસમજ ઊભી ના થાય એ જોવાની જવાબદારી મારી ગણાય.

નચિકેત રવિનાના લગ્ન થયે ચાર વર્ષ વીતી ગયાં પણ શોભાબેન પોતાના માટે બે નવી બંગડીઓ ઘડાવી શક્યાં ન હતાં. શોભાબેને એ માટે કદી ફરિયાદેય નહોતી કરી કે વસવસોય દર્શાવ્યો ન હતો. પણ એ વાત અર્પણના ખ્યાલમાં હતી એથી જ એણે બે બંગડીઓને બદલે માને ચાર બંગડીઓ કરાવી આપી. અલબત્ત આકાંક્ષાના પૂર્ણ સહકારથી જ. દીકરા વહુનો સ્નેહ જોઈને શોભાબેનની આંખો ભીંજાઈ ગઈ. એમને આકાંક્ષા પર હેત ઊભરાઈ આવ્યું. આકાંક્ષાની અર્પણ સાથે સગાઈ થઈ ત્યારથી જ આકાંક્ષાના સ્નહે, સમજદારી અને દરિયાવ દિલનો શોભાબેનને ખ્યાલ તો આવી જ ગયો હતો. એને દાગીના ચડાવવાની વાત આવી ત્યારે એણે દાગીનાની ના જ પાડી હતી. એણે કહ્યું હતું : ‘મમ્મી મને દાગીનાનો શોખ જ નથી. જુઓને હું ક્યાં કંઈ પહેરું છું ?’
ત્યારે શોભાબેને કહ્યું હતું : ‘કુંવારી છોકરી ના પહેરે તો ચાલે, પણ પરણ્યા પછી દાગીના પહેરવા પડે, એવો આપણામાં રિવાજ છે. વળી તું દાગીના પહેરે તો ઘરનું સારું દેખાય અને તું રૂપાળી તો છે જ પણ દાગીનાથી ઓર રૂપ ખીલે.’
આ સાંભળી આકાંક્ષા આદરપૂર્વક વિનયથી બોલી હતી : ‘મમ્મી આપણા સૌજન્ય, વિવેક અને સંસ્કારથી સમાજમાં આપણી આગવી પ્રતિષ્ઠા છે, ને મને દાગીનાનો મોહ નથી, દાગીનાથી મળેલું રૂપ શું શોભા આપવાનું હતું ? એવા રૂપની ક્ષણભંગુરતા આપણે ક્યાં નથી જાણતા ?’ આકાંક્ષાની આ વાત સાંભળીને શોભાબેન રાજી રાજી થઈ ગયાં હતાં, પણ ત્યારે એમને ખ્યાલ ન હતો કે આકાંક્ષા જે બોલી છે એ હૃદયપૂર્વક માને છે અને એની માન્યતા એ આચરણમાં મૂકશે.

આકાંક્ષા જોબ કરે છે તોય સવાર-સાંજ રસોડામાં મદદ કરાવે છે. રજાના દિવસે ઘરનાં વધારાનાં કામ કરે છે. આ જોઈને એની જેઠાણી રવિના કહે છે : ‘તું કમાય છે તોય શું કામ આ બધાની ગુલામી કરે ? એમને ખુશ કરવાની તારે શી જરૂર ?’ રવિના પોતે કમાતી નથી તોય કામ કરવામાંથી છટકવા જ પ્રયત્ન કરતી. એ માટે એ જાતજાતના બહાનાં શોધી કાઢતી. જ્યારે આકાંક્ષાએ એને કહ્યું : ‘ભાભી, હું કમાઉં છું એ સાચું પણ એથી કરીને મારાથી એમની તરફ બેપરવા તો ન જ થવાય ને ! એ આપણાં વડીલ છે, આપણા આદરમાનનાં અધિકારી છે, એમની સેવા કરવાની અને એમની ફિકરચિંતા દૂર કરવાની આપણી ફરજ છે.’

ભારતીય સ્ત્રી લગ્ન કરીને માત્ર પતિને જ નહીં, પતિ સાથે પતિના મા-બાપ, ભાઈ-બહેન, આખા કુટુંબને અપનાવે છે. સુપ્રસિદ્ધ કવિયત્રી નલિની માંડગાવકર એમના એક ગીતમાં કહે છે :

હું જીવીશ વૃક્ષની જેમ
ફૂલોની સૌરભ પાથરીને
પંખીનો ટહૂકો સાચવીને
આકાશનો મંત્ર ઝીલીને
હું નારી, નખશિખ નારી

આકાંક્ષાના હૈયે ભારતીય આદર્શ છે, ભારતીય સંસ્કારનું એનામાં સીંચન થયેલું છે. તેથી પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય એને મન મોટું છે. કુટુંબ સમગ્રને સાચવવામાં એ ધન્યતા અનુભવે છે. હજી આપણે ત્યાં આકાંક્ષા જેવી વહુઓ છે તેથી સુખનો અહેસાસ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાગ્ય કે ભૂલ ? – અમિત ત્રિવેદી
એવા રે અમે એવા ! – બકુલ ત્રિપાઠી Next »   

20 પ્રતિભાવો : સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  નયન

  “આપણા સૌજન્ય, વિવેક અને સંસ્કારથી સમાજમાં આપણી આગવી પ્રતિષ્ઠા છે, ને મને દાગીનાનો મોહ નથી, દાગીનાથી મળેલું રૂપ શું શોભા આપવાનું હતું ? એવા રૂપની ક્ષણભંગુરતા આપણે ક્યાં નથી જાણતા…”

 2. અતુલ જાની (આગંતુક) says:

  હું જીવીશ વૃક્ષની જેમ
  ફૂલોની સૌરભ પાથરીને
  પંખીનો ટહૂકો સાચવીને
  આકાશનો મંત્ર ઝીલીને
  હું નારી, નખશિખ નારી

  ટુંકી અને સાર-ગર્ભિત વાર્તા ગમી.

 3. બહુ જ સુંદર વાર્તા. આવી સરસ વાર્તા આપવા બદલ આપનો હાર્દીક આભાર મૃગેશભાઈ.

 4. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સુદર ..

  નારી તુ નારાયણી – એમ જ તો નથી કહેવાયુ ને..

 5. palabhai muchhadia says:

  after a long time a beautiful real story is read. i feel grateful that literature of excellent quality is awailable on web. thank u readgujarati

 6. ભાવના શુક્લ says:

  પતિની સાથે પતિના સર્વને સ્વિકારવા અને આદરમાન આપવા ( ઉપકારના જરા જેટલા ભાવ વગર..) એ કેટલી નારીઓથી શક્ય બને છે? અવંતિકાબહેને આકાંક્ષાના પાત્ર દ્વારા એક ઉમદા નારી આપી છે તેના થી તો ઘર અને વિશ્વ સ્વર્ગ બની રહે…

 7. pragnaju says:

  સરસ વાત…
  આકાંક્ષાના હૈયે ભારતીય આદર્શ છે, ભારતીય સંસ્કારનું એનામાં સીંચન થયેલું છે. તેથી પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય એને મન મોટું છે.

 8. SURESH TRIVEDI says:

  Reading this story, my wife and I feel very proud of our 3 daughter_in_laws.It might be foolest gesture one may think whoever may read this comment about personal thinking but not to bother and “AVANTIKA” is all rightful to be congratulated for bringing selfless “SAAS BAHU”story.

 9. Payal says:

  Although it is well written, just another sasu bahu story…

 10. Sanjay says:

  Jab shath ho tum apne, duiya ko dika denge… hum mothko bhi jine ka adanj shikha denge. Unity in family reaches to all success.

 11. Ashish Dave says:

  Very positive…

  Ashish Dave
  Sunnyvale, California

 12. Gira Shukla says:

  Akanksha, profoundly presents the significance of our genuine customs!!

 13. rajni Gohil says:

  Kingdom of lord Rama did not come from heaven. Little attitude and understanding makes big difference. Because of character like Akanksha Hinduism is still alive, bringing heaven on earth. Mother earth will be proud to have many Akanksha like this and we are proud to have good inspirational story from you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.