એવા રે અમે એવા ! – બકુલ ત્રિપાઠી

બસ, કંઈક થયું ને મારે સાંભળવું પડે છે, ‘જો છેતરાયા !’ મને સમજણ નથી પડતી કે છેતરાવું એમાં એવું તે શું શરમાવા જેવું છે ? પહેલાં તો સૌ મને પૂછતાં પણ ખરાં કે વસ્તુ કેટલામાં આવી, ને પછી જ કહેતાં કે, ‘તમે છેતરાઈને આવ્યા છો !; વાજબી કહેવાય એ રીત, કૉર્ટમાં કાયદેસર કેસ ચલાવીને ગુનેગારને કેદમાં પૂરવા જેટલી વાજબી. પણ હવે તો કોઈ કિંમત પૂછવાની પણ દરકાર નથી કરતું !
‘આ ફાઉન્ટનપેન કોણ લાવ્યું ?’
‘હું.’
‘ત્યારે તો છેતરાઈને આવ્યા હશો ! અમે જાણીએ ને !’ અથવા તો –
‘આ ટેબલકલૉથ કોણ લાવ્યું ?’
‘હું. કેમ ? છે ને સરસ !’
‘ઠી…ક છે, પણ રંગ કાચો હશે !’ તરત જવાબ મળે છે !

હવે તો એટલે સુધી વાત પહોંચી છે કે દેખાવમાં સારી હોય પણ વાપરવે ખરાબ હોય એવી કોઈ વસ્તુ ઘરનાં કોઈના જોવામાં આવે છે તો એ તરત માની લે છે કે એ વસ્તુ હું જ લાવ્યો હોઈશ ! અને ખરી મુસીબત એ છે કે એમની ધારણા ઘણુંખરું ખરી જ હોય છે ! એવી વસ્તુ મોટે ભાગે હું જ લાવ્યો હોઉં છું. વચ્ચે ઘરમાં નવું ટેબલ લાવવાનું હતું. ઘાટ જોવા હું સાત દુકાનો ફર્યો. ભાવ તો શું કસીને ઠરાવ્યો છે ! વિવિધ પ્રકારના લાકડાના ગુણદોષનો અભ્યાસ પણ કરેલો, સારામાં સારું લાકડું પસંદ કરેલું, પૉલિશ કરાવ્યા પહેલાં એ પણ જોઈ લીધેલું કે ક્યાંય ભમરા તો નથી ને ? આટઆટલી દરકાર રાખ્યા પછી તાકાત નહોતી કોઈની કે મને ‘છેતરાયા’ કહી શકે. હિંદુસ્તાનથી રત્નજડિત મયૂરાસન લઈ આવી ઈરાનમાં પ્રવેશ કરતા નાદિરશાહની જેમ છાતી કાઢીને એ ટેબલ હું ઘેર ઉપડાવી લાવ્યો. ઉપર સુંદર ટેબલકલૉથ પાથર્યું. મારા છેતરાવા અંગે પૂરી ખાતરી ધરાવતા વિરોધપક્ષના નેતાને હાથે એ ટેબલનું ઉદ્દઘાટન કરાવવાનું ઠરાવ્યું. તેઓ ટેબલ નજીક ખુરશી ખસેડી લાવી, નવા બંધારણ પર સહી કરવા બેઠેલા રાષ્ટ્રપ્રમુખની જેમ, લખવા બેઠા. પણ જ્યાં ટેબલને ટેકે કોણી ગોઠવવા જાય છે ત્યાં અવાજ આવ્યો : ‘ઠક્ !’ એમણે ચમકી કોણી ઉઠાવી લીધી એટલે ફરી અવાજ આવ્યો : ‘ઠક્ !’ પછી તો વસંતની એકાદ કોયલ આંબાડાળે ટહુકે ‘ટૂહુ’ એટલે તરત બીજી પ્રતિઘોષ પાડે ‘ટૂહુ’ ને પછી તો ચાલે સામસામી રમત ‘ટૂહુ ટૂહુ’ની. તેમ ત્રણ-ચાર વાર ‘ઠક્ ઠક્’ થઈ ગયું. નીચા વળીને અમે જોયું તો ટેબલના ચાર પાયામાંથી એક પાયો ટૂંકો હતો !

આવું છે. જોકે હું પહેલેથી જ ઉદાર દિલનો છું. એટલે મેં તો મન મનાવ્યું કે, ‘હોય, દુનિયા છે તો આવું ચાલ્યા કરે.’ પણ નવાઈની વાત એ છે કે મારી નબળાઈઓને હું જેટલી ઉદારતાથી માફ કરી શકું છું એટલી ઉદારતાથી કોણ જાણે કેમ, બીજા માફ નથી કરી શકતા ! ફરી ફરીને અનુભવેલી આ વાત છે. એટલે પરિણામે મારી કીર્તિમાં થયો વધારો – ‘મોટે ઉપાડે પેલું ટેબલ લઈ આવેલા એમાંય છેતરાયેલા સ્તો !’ આમ, આ સંસારમાં શાકવાળાઓથી માંડીને તે ફર્નિચરવાળાઓ સુધીનાઓને હાથે અને બીજા અનેકવાળાઓને હાથે મારે છેતરાવાનું બન્યું છે. પણ એમનો કોઈનો હું વાંક કાઢતો નથી. મારા એક પારસી મિત્ર હંમેશાં કહે છે તેમ બીજું કંઈ નહીં, ‘સ્તાર્સ, સ્તાર્સ.’

બેસીને શાંતિથી વિચાર કરું છું તો મને યાદ આવે છે, હું પહેલવહેલો છેતરાયેલો ઈ.સ. 1940માં બેકારને હાથે. ના જી, બેકાર એટલે ધંધે બેકાર નહીં, નામે જ બેકાર. એનો ધંધો તો કાગળ તથા પેન તથા પેન્સિલ તથા સ્લેટ તથા પિપરમીંટ તથા ચોકલેટ તથા દરેક પ્રકારની વસ્તુઓ વગેરે, વગેરે વગેરે વેચવાનો, પણ કોણ જાણે કેમ એ ‘બેકાર’ના નામે જ ઓળખાતો. અમે ગુજરાતી નિશાળના નિશાળિયાઓ એની પાસેથી જ સ્ટેશનરી ખરીદતા. એક વાર મારે મોરનું ચિત્ર ચીતરવાનું હતું. ચીતરતાં ચીતરતાં ચીતરેલું ભૂંસવા રબરની જરૂર પડી. બેકારને ત્યાંથી સરસ રબર લીધું. રબરથી પેન્સિલની રેખાઓ ભૂંસી. એથી કાળો ડાઘ પડ્યો. એ ડાઘો ભૂંસવા ફરીથી રબર ઘસ્યું એટલે એથીય મોટો ડાઘો પડ્યો. એટલે ગુસ્સે થઈને એ ડાઘો ભૂંસવા વળી ફરીથી રબર ઘસ્યું, એટલે એથીય મોટો ડાઘો પડ્યો – ને અંતે જે ચિત્ર ‘મયૂર નૃત્ય’નું થવાનું હતું તેનું નામ ‘શ્યામ અભ્ર ખચિત વર્ષાનું નભોમંડળ’ એવું આપવું પડે એવી દશા થઈ ગઈ. વધુ ઘસવાનો પ્રયત્ન કર્યો તો સીતાને ધરતીએ માર્ગ કરી આપેલો એ રીતે, પણ એવા પ્રેમથી નહીં, ઊલટું થાકીહારીને જ કદાચ, કાગળે રબરને માર્ગ કરી આપ્યો – કાગળ ફાટી ગયો, જાણે નીચે ટેકા માટે મૂકેલા પૂઠાને કહેતો હોય કે ‘દોસ્ત, હું તો ખૂબ ઘસાયો; હવે લે, તુંય થોડું ઘસા !’ એમ તો જોકે અમારા બેકારનું હોંસીલું રબર નીચેના પૂઠાંનેય ફાડી નાખવા તૈયાર હતું પણ મેં એને એ તક ન આપી. મારું છેતરાવા અંગેનું એ પહેલું પરાક્રમ. પણ એ કોઈ એવા શુભ મુહૂર્તે થયું હતું કે તે દિવસથી માંડીને આજ સુધી હું અનેક વાર છેતરાયો છું. શ્રી મેઘાણીએ કહેલું, ‘ઝંડા, વધ વધ આકાશે જાજે.’ મારી છેતરાવા અંગેની કીર્તિપતાકા એ પંક્તિ સાંભળી ગઈ લાગે છે. એટલે મારી એ અંગેની કીર્તિ વધતી જ જાય છે !

ખરીદકળાનાં બે મુખ્ય તત્વો. એક તો યોગ્ય માલ મેળવવાનો તે અને બીજું એ માટે યોગ્ય ભાવ ઠરાવવો તે. હું ઘણી વાર સારો માલ લઈ આવ્યો છું. ઘણી વાર વાજબી ભાવે પણ લઈ આવ્યો છું પણ જ્યારે વાજબી ભાવે લાવ્યો છું ત્યારે સારો માલ નથી લાવી શક્યો ને જ્યારે સારો માલ લાવી શક્યો છું ત્યારે વાજબી ભાવે નથી લાવી શક્યો ! – આવો મારા પર આક્ષેપ છે. હું કહું છું કે હું ઘણી વાર સારો માલ વાજબી ભાવે લાવ્યો છું. ત્યારે મિત્રો-સ્નેહીઓના જવાબ મળે છે, ‘હા, પણ એથી બમણી વાર ખરાબ માલ ગેરવાજબી ભાવે લાવ્યા છો !’ કેટલાક લોકોમાં ભાવ ઠરાવવાની જન્મજાત આવડત જ હોય છે. ગઈ પેઢીના વૃદ્ધોમાં, ખાસ કરીને શાક લાવવાની બાબતમાં, આ આવડત અદ્દભુત હતી. હવેના જુવાનોમાં એ આવડત નથી રહી. પણ પહેલાંના પ્રૌઢો અને વૃદ્ધો મર્દની જેમ ભાવ ઠરાવી જાણતા ને ભાવ ઠરાવવાનો ગૌરવભર્યો આનંદ પણ માણી જાણતા. એ આનંદ મારા ભાગ્યમાં નથી લખાયો ! મને ભાવ ઠરાવતાં હંમેશાં મૂંઝવણ થાય છે. મુરબ્બીઓ કહે છે, ‘અરે, ભાવ ઠરાવવો એમાં શું ? આપણે પૂછીએ કે શા ભાવે આપ્યું ? એટલે પેલો કહે બે રૂપિયે. એટલે આપણે કહેવું કે રૂપિયે તો બધે મળે છે એટલે પેલો કહે જાઓ દોઢ રૂપિયે લઈ જાઓ. એટલે આપણે કહેવું કે સવા રૂપિયે આપવું છે ? એટલે પછી પેલો રૂપિયો ને ત્રીસ પૈસે આપી દે ! બસ, ભાવ ઠરાવવો એમાં શું ? એ તો છોકરાંની રમત છે.’

આ જ્ઞાનનો ઉપયોગ મેં પહેલવહેલો જે વેપારી આગળ કર્યો એ મને બરાબર યાદ છે. કેટલાક વેપારીઓ ગ્રાહકો પ્રત્યે એવા બેદરકાર હોય છે કે એમની આગળ ભાવ ઠરાવવો ફાવે જ નહીં ! હું એ લોકોને સંત દુકાનદારો કહું છું. અમારો આ દુકાનદાર પણ કોઈ સામાન્ય પુરુષ ન હતો, એ પણ હતો ‘સંત દુકાનદારો’ના વર્ગનો જ. હું ધારું છું નાનપણથી જ આ પ્રકારના દુકાનદારની ઈચ્છા સંસાર છોડી હિમાલય ચાલ્યા જવાની હોય છે, પણ માતા-પિતાના આગ્રહને વશ થઈને જ એણે સંસારમાં પડવાનું સ્વીકાર્યું હોય છે. પણ પૈસો એ નિરર્થક વસ્તુ છે એ વાતની એને એવી ખાતરી થઈ ગઈ હોય છે કે તમે એની દુકાનમાં પ્રવેશો છો કે તરત એને પાપમાં ફસાવવા આવેલા એવા તમારી પ્રત્યે એ ઘૂરકતી આંખે જુએ છે. એના પરિગ્રહના વ્રતથી એને ચળાવવા, પ્રૈસા પ્રત્યે એને લલચાવવા, વેપારધંધાની માયામાં એને ફસાવવા તમે આવ્યા હો તો એ વાત એ બુદ્ધિશાળી પુરુષ તરત સમજી ગયો હોય છે ! જોકે ઘણું ખરું તો એ વૈરાગી આત્મા તમારી સામે જોતો જ નથી ! તમે જઈને ઊભા રહો છો તોય એ સ્થિર દષ્ટિએ ક્ષિતિજ પર જોયા કરે છે – અથવા તો ચિનાઈ શિંગ ખાધા કરે છે. તમે પૂછો છો ‘લેધર બેગ્ઝ છે ?’ એટલે એ જવાબ આપવાને બદલે આંખથી જ તમને દુકાનમાં પડેલી બૅગોનું નિદર્શન કરાવે છે. છતાંય તમે ઘાંટો પાડીને પૂછો છો, ‘છે ?’ તો છેવટે એ ધીમેથી ઉત્તર આપે છે, ‘હા.’
‘બતાવો ને !’ તમે કહો છો.
‘કેવી જોઈએ છે ?’ બેઠે બેઠે જ એ પૂછે છે – મનોમન એ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય છે કે ‘હે ઈશ્વર, આની પાસે એવું માપ બોલાવડાવજે કે જે માપની બૅગ મારી પાસે હોય જ નહીં.’ એટલે જો એ પ્રાર્થનાને પ્રતાપે તમે કહો કે 16” ની, તો તરત જ ‘નથી’ કહી, નિરાંતનો શ્વાસ લઈ, એ પાછો આધ્યાત્મિક ચિંતનમાં પડી જાય છે. પણ જો તમે 14”નું માપ કહો છો તો વળી ‘ઠીક, સંસારમાં આવ્યા તો ચાલો થોડાં સંસારનાં કર્મો કરી લઈએ’ કહીને એ ઊઠે છે. તમને એક બૅગ ચીંધીને કહે છે, ‘ત્રીસ રૂપિયા.’

તમે કહો છો, ‘બતાવોને.’ એટલે બીજો એક નિ:શ્વાસ નાંખી છાજલી પરથી બૅગ ઉતારે છે… આવા સંત વેપારીને જો તમે કહેશો કે ‘પંદર રૂપિયે તો આવી બૅગ બધે મળે છે,’ તો એ તમારી સામે તાકી જ રહેશે. મનમાં ને મનમાં એ કહેતો હોય છે, ‘આટલા માટે જ હું નાનપણથી હિમાલય ચાલ્યા જવાની ઈચ્છા રાખતો હતો. કેટલું અસત્ય બોલે છે આ ક્ષુદ્રાત્મા ! ખરેખર, દુનિયા અસત્યથી જ ભરેલી છે…. શ્રીકૃષ્ણ શરણં મમ…. શ્રી કૃષ્ણ શરણં મમ….’ જો કે મોઢે એ કશું બોલતો નથી, માત્ર તમારી સામે તાકી જ રહે છે ! ને પછી બૅગ તમારી પાસેથી લઈ છાજલી પર ચડાવી દે છે ! તમે જ કહો, આવા સ્થિતપ્રજ્ઞ દુકાનદારો સાથે કે….વી રીતે ભાવ ઠરાવવો ? એ કહે તે ભાવે માલ લઈ લીધા વિના કે દુકાનનાં પગથિયાં માલ લીધા વિના જ ઊતરી ગયા સિવાય, ત્રીજો કોઈ રસ્તો મને તો સૂઝતો નથી !

જો કે શું આવા વૈરાગી દુકાનદારો કે શું ‘આવો શેઠ, બેસો શેઠ, શું આપું શેઠ ?’ કરતા સંસારી દુકાનદારો – મને બેમાંથી એકેય વર્ગ જોડે ભાવ ઠરાવવો ફાવતો નથી. આના કારણ તરીકે મિત્રો કહે છે, ‘તારામાં આત્મશ્રદ્ધાનો અભાવ છે.’ બને ! આત્મશ્રદ્ધાનો અભાવ પણ હોય, એની ના નહીં. કારણ દુકાનદાર બે રૂપિયાનો ભાવ કહે ત્યારે, ‘રૂપિયે તો બધે મળે છે.’ એમ બેધડક જાહેર કરી દેવું એ કાચાપોચાનું કામ તો ન જ કહેવાય ! મને તો આવું બોલ્યા પછી દુકાનદારની આંખો સામે જોતાં જ એવી ગભરામણ થાય છે કે, ‘ઠીક, બે રૂપિયા તો બે રૂપિયા, દોઢ કિલો બાંધી આપો.’ એમ કહી નાંખી, સોદો પતાવી નાખ્યા વિના હું રહી શકતો નથી. જોકે હવે દુકાનમાં પ્રવેશતાં મનોમન સ્વામી વિવેકાનંદનો પ્રિય મંત્ર ‘અહં બ્રહ્માસ્મિ’ નો જાપ કરું છું એટલે થોડીક આવડત આવી છે. પણ તોય – લો ને, હમણાંનો જ એક દાખલો આપું.

અમારે ઘરની બારીઓ માટે પડદાનું કાપડ લેવાનું હતું. શ્રીકૃષ્ણ, વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડેલ કાર્નેગી એ ચારેયનું સ્મરણ કરી હું દુકાનમાં હિંમતથી પ્રવેશ્યો.
‘પડદાનું કાપડ છે ?’
‘આવો, આવો સાહેબ, બોલો શું જોઈએ છે ?’
‘પડદાનું કાપડ.’
‘પડદાનું કાપડ ? ઓહો, ઘણું સારું ! અરે બાબુ, સાહબને પડદાનું કાપડ બતાવ ! પોપલીન બતાવું કે સાહેબ ?’
‘હા. એ પણ બતાવો !’
‘અને બાબુ, સાહેબને માટે છીંટ પણ લાવજે.’ એણે ફરમાવ્યું.
એણે પોપલીન, ટેપેસ્ટ્રી, છીંટ – કંઈ જાતજાતનું બધું કાપડ કાઢ્યું, હું ના ના કહેતો ગયો અને એણે તાકાના તાકા ઉકેલ્યે રાખ્યા. દરેક પ્રકારનું કાપડ બીજા દરેક પ્રકારના કાપડ કરતાં સારું છે એની એણે મને ફક્ત પાંચ મિનિટમાં ખાતરી કરાવી દીધી ! ને એકાદ રંગને માટે મેં ‘ઠીક છે’ એમ કહ્યું કે તરત દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતા દુ:શાસનના ઉત્સાહથી એણે આખોય તાકો ઉકેલી નાંખ્યો.
‘બસ, બસ, આખો તાકો શું કામ કાઢો છો ? એનો ભાવ તો કહો !’
‘ભાવનું તો ઠીક, તમને ગમ્યું ને, સાહેબ ? બસ તો, બીજું શું જોઈએ છે ?… કેટલા મીટર ફાડું ? અરે બાબુ – સાહેબને આ કાપડ બાંધી આપ… કેટલા મીટર સાહેબ ?….’
‘પણ ભાવ ?’
‘ભાવ વાજબી જ છે.’
‘પણ કેટલો ?’
‘આમ તો છે સાડા દસ…. પણ જાઓ, તમને હું સવાદસે આપીશ, બસ ?’
મેં હિંમત ભેગી કરીને કહ્યું : ‘પાંચ રૂપિયે તો બધે મળે છે.’ અને ખરેખર, આઠ રૂપિયે આ રંગનું, આ જાતનું કાપડ મળતું પણ હતું.
‘શી વાત કરો છો, સાહેબ !’ હૃદયને પ્રચંડ આઘાત લાગ્યો હોય એવું મોં કરીને એણે કહ્યું, ‘મારા બાબુના સોગન, બીજે પાંચ રૂપિયે મળતું હોય તો !’
‘પાંચ રૂપિયે નહીં તો આઠ રૂપિયે તો મળે છે જ.’ મેં જરા ગભરાઈ જઈને કહ્યું.
‘હોય નહીં સાહેબ, આઠ રૂપિયે આ કાપડ મળે તો મારે દુકાન કાઢી નાંખી તમારા તાબેદાર થઈને રહેવું, બસ ?’ એ દુકાન કાઢી નાંખે એનો મને વાંધો નહોતો, પણ એ મારો તાબેદાર થઈને રહે એ વાતથી હું ગભરાયો.
‘ગમે તેમ, મને તમે વાજબી ભાવ કહી દો !’
‘કહું સાહેબ ? એક જ વાર કહી દઉં ? કહી દઉં છું, હોં…જાઓ, પોણા દસ રૂપિયે લઈ જાઓ… ચલો, કેટલા મીટર ફાડું ?’
‘નહીં, નહીં, આઠ રૂપિયે આપો તો, નહીં તો નહીં.’
‘અમને તદ્દન લૂંટી લેવા છે, સાહેબ ?’ એણે ગરીબડું મોં કરીને કહ્યું.
‘આઠ રૂપિયે બધે મળે છે.’
‘જાઓ, સાડા નવ, હવે બોલશો નહીં, હવે તો બોલશો જ નહીં.. અરે, બાબુ….’
‘ઊંહું – આઠ !’ મેં કહ્યું.
‘તમારે અમને કમાવા જ નથી દેવા, એમ ને સાહેબ ?’
‘ઘણું કમાયા છો.’ મેં હસતાં હસતાં કહ્યું.

‘શું બોલ્યા સાહેબ ?’ મેં કંઈ મહાભયંકર વાત કરી નાંખી હોય એમ એની આંખો વિસ્ફારિત થઈ ગઈ. ‘તમને કહું ?’ એણે તાકા વચ્ચેથી આગળ ઢળી, કોઈ જબરી ખાનગી વાત કહેવાની હોય એમ ચારે બાજુ જોઈ લઈ, કોઈ સાંભળતું નથી એવી ખાતરી કરી લઈ, મારા કાન આગળ મોં લાવી કહ્યું, ‘તમને કહું સાહેબ, વેપારીમાત્ર ખલાસ થઈ ગયા છીએ ! તમે નહીં માનો ! ખ…લાસ થઈ ગયા છીએ ! લો, આ તમને કહી દીધું.’ અને પછી જાણે કોઈ ખૂબ અગત્યની ખાનગી વાત કરી દીધી હોય અને હૃદય પરનો ભાર ઊતરી ગયો હોય એમ ‘આ તમને કહી દીધું.’ કહીને એ તકિયાને અઢેલીને બેઠા. પછી થોડી વારે એક અગત્યનો મુદ્દો કહેવાનો રહી ગયો એ યાદ આવતાં પાસે મોં લાવી ઉમેર્યું, ‘તમાચો મારીને ગાલ લાલ રાખીએ છીએ, તમારો મારીને, માનશો ?’ પણ મારામાં આજે પ્રચંડ હિંમત આવી ગયેલી.
‘એ હશે, પણ આઠ રૂપિયે આપવું હોય તો જ દસ મીટર ફાડી આપો !’
છેવટે કશું જ બોલ્યા વિના એણે કાપડ ફાડ્યું. એનું હૃદય ચિરાતું હોય એવો કાપડ ચિરાયાનો અવાજ દુકાનમાં ફેલાઈ રહ્યો. કાપડનું બંડલ આપતાં એણે છેવટે ઉમેર્યું : ‘માનશો સાહેબ, મીટરે રૂપિયો ખોટ ખાઈને આપું છું !’

ઘેર આવીને મેં સૌને કાપડ બતાવ્યું. સારું હતું. ભાવ કહ્યો – આઠ રૂપિયે મીટર, વાજબી હતો. બીજી દુકાનોએ પણ આઠ રૂપિયે જ એ જાતનું એ રંગનું કાપડ મળતું હતું. હું આજે છેતરાયો ન હતો. વેપારી આજ મને છેતરી શક્યો ન હતો. યુગયુગની અપકીર્તિનું કલંક આજ ભૂંસાયું હતું. મારું જીવન ધન્ય થઈ જવાની તૈયારીમાં હતું… ત્યાં કો’કે પૂછ્યું :
‘પણ એ…ય, પનો કેટલો છે ?’
અરે ! પનો પૂછવાનું તો ભૂલી જ ગયેલો ! પણ એમ કંઈ હારી જવાય ? મેં ઉત્સાહથી જવાબ આપ્યો : ‘પનો ? પનો ઘણો સારો છે.’
‘સારોબારો નહીં, કેટલો છે, એ જુઓ ને !’
જોયું તો સત્તાવીસનો પનો હતો ! આઠે બીજે મળતું હતું એ કાપડ તો મોટા પનાનું, અડતાળીસ પનાનું ! હું ડબલ પનાના ભાવે સિંગલ પનાનું કાપડ લઈ આવેલો !
‘સ્તાર્સ, સ્તાર્સ’ બીજું કંઈ નહીં. કિસ્મત, માત્ર કિસ્મત.

પણ એમાં, ‘તમે તો હં..મે..શાં…. છેતરાઈને જ આવો છો’ એમ સૌએ આટલી બધી હોંસથી મને કહ્યા કરવાનું શું કારણ છે એ મને નથી સમજાતું. ઠીક છે, કાગળ લાવવામાં હું છેતરાયો હોઈશ, કાપડ લાવવામાં હું છેતરાયો હોઈશ, ફર્નિચર લાવવામાં હું છેતરાયો હોઈશ, ફટાકડા લાવવામાં હું છેતરાયો હોઈશ, પણ બીજી કેટકેટલી વસ્તુઓમાં હું નથી છેતરાયો એ મારું સદભાગ્ય જુઓ ને ! સારી મળી છે, સસ્તી મળી છે, ઓછી કિંમતે મળી છે, પૂરતી કિંમત ચૂકવ્યા વિના મળી છે – વિનામૂલ્યે પણ મળી છે – કે…ટકેટલી વસ્તુઓ ! આ જિંદગી મળી છે, ને આવડી વિશાળ આ દુનિયા મળી છે, ઉનાળાની રાતે આવો સરસ પવન આવે છે, શિયાળાની સવારે આવો મીઠો તડકો આવે છે, ચોમાસાના આકાશમાં વાદળો ચકભિલ્લુ રમતાં જોવા મળે છે. કેટકેટલી વસ્તુઓ કુદરતે હોંશથી મારે ચરણે – શહેનશાહને ચરણે – ધરી દીધી છે ! છેલ્લા કેટલાય દિવસથી પશ્ચિમ આકાશમાં શ્રાવણી સંધ્યાનો વાદળમેળો જોવા મળે છે. વરસાદનાં ફોરાં અને ઉનાળાના વંટોળિયા, દેડકાનાં અને તમારાંના અવનવાં ગીતગુંજન – શી કિંમત ચૂકવવી પડે છે એની ? રવિવારની સાંજે ફરવા નીકળેલાંઓનો રંગબેરંગી મેળો, કોઈ વિરલ પ્રસંગે જોવા મળતો ઘૂઘવતો માનવમહેરામણ અને જીવનના રોજિંદા વ્યવહારનું ધીમું સંગીત, એ બધું જોવા-સાંભળવા જાણવા-માણવા માટે ક્યાં કશી કિંમત ચૂકવવી પડી છે ? જિંદગીમાં આવી તો કેટલીય સરસ વસ્તુઓ મને – ને આપણને સૌને – સસ્તી મળી છે, ક્યારેક લાગે છે કે આપણી પૂરી લાયકાત ન હોવા છતાં મળી છે, પૂરી કિંમત ચૂકવ્યા વિના મળી છે. પૂરતો ભોગ આપ્યા વિના મળી છે – છતાંય ‘ફાવ્યા !’ કહીને ખુશ થઈ શકીએ એવી મળી છે – પછી હું કેમ કબૂલ કરું કે હું ‘હં…મે…શાં’ છેતરાયો જ છું ? થોડું કાપડ, થોડા કાગળ, થોડું ફર્નિચર, થોડા ફટાકડાને કારણે ? છટ્ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત
રમૂજ મે હી રામ ! – જયકુમાર આર. દમણિયા Next »   

24 પ્રતિભાવો : એવા રે અમે એવા ! – બકુલ ત્રિપાઠી

 1. nayan panchal says:

  મજા આવી ગઈ. બકુલભાઈના શ્રેષ્ઠ લેખોમાંનો એક.

  નયન

  “આ જિંદગી મળી છે, ને આવડી વિશાળ આ દુનિયા મળી છે, ઉનાળાની રાતે આવો સરસ પવન આવે છે, શિયાળાની સવારે આવો મીઠો તડકો આવે છે, ચોમાસાના આકાશમાં વાદળો ચકભિલ્લુ રમતાં જોવા મળે છે. કેટકેટલી વસ્તુઓ કુદરતે હોંશથી મારે ચરણે – શહેનશાહને ચરણે – ધરી દીધી છે !”

 2. KRUNAL CHOKSI, NC says:

  I studied this as a part of Gujarati curriculum in 6th standard. Ans now reading it at this time after a long interval…….. Thank you for posting such a nice article…… 🙂

  Have a great Day…..

 3. nimisha sheth says:

  Nice one.
  After very very long back again I read this article. It was there in my 7th standard gujarati course outline. At that time also I enjoyed lot b’se of my gujarati class teacher. Since than I learned to say thanks to god who is providing us all the things without asking anything. Living with nature no need to learn bargaining.

  Yes. “Aeva Re ame Aeva……..”

 4. અતુલ જાની (આગંતુક) says:

  સરસ લેખ – મજા આવી ગઈ. બકુલભાઈના લેખમાં હાસ્ય અને તત્વજ્ઞાનનું મીશ્રણ હોય છે અને ઘણી વખત તેઓ હાસ્યલેખના નામે વાંચકોને છેતરે છે પણ આ લેખ તો ખરેખર છેતર્યા વગર તેમણે લખ્યો છે.

 5. Malay says:

  અમારે શાલા મા આજ લેખ અભ્યાસક્રમ મા હતો.
  મઝા આવિ.

 6. mohit says:

  Wow, Thank you so much!! After so many years, I read this article again. Made me and I think many others, remember the childhood. A beauty!

 7. Ranjitsinh Rathod says:

  સરસ

 8. આજે અમારા “સ્તાર્સ” સારા રહ્યા કે આ લેખ મળ્યો … 😀

 9. Ami says:

  great article,

  Studied this in my primary school gujarati subject, but I could understand the meaning of “stars” now. I did my primary schooling in gujarati medium so was not able to understand meaning of stars in this context of “nasib”.

  maja aavi gayi!!

 10. ભાવના શુક્લ says:

  બહુ મજ્જાનો લેખ… ખાસ પેલા સંત જેવા વૈરાગી દુકાનદારોનો અનુભવતો અનેક વખત થયો છે. કશુ ગમે અને ખુબ ઉંચે મુક્યુ હોય અને બતાવવા માટે કહીયે તો સપાટ ચહેરે આપણુ અને અને હાથમા રહેલા પર્સ કે છત્રી કે આપણા ચપ્પલોનુ અવલોકન કરીને લાકડાછાપ ભાવ કહીને પ્રેમથી કહેશે..બહેન તમને નહી પોસાય… એ તો બહુ મોંઘી વસ્તુ છે નાહકના તમે ભાવ કસવા બેસસો અને આપણા બન્ને ના સમયની બરબાદી… ત્યારે બાજુનીજ દુકાન માથી મોટ્ટુ તાળુ અને ચાવી લઈને તેના માથા મા મારવાની કૃર ઇચ્છાને માંડ માંડ કન્ટ્રોલ કરી દુકાન માથી બહાર નિકળતા પાટિયુ જરુરથી વાચી લઈએ… ફરી કદી ના ચડવા માટે સ્તો!!!!

 11. Niraj says:

  મજા આવી, બકુલ ત્રિપાઠી ના બીજા લેખો પણ આપવા વિનંતી…

 12. Payal says:

  I can hear my school teacher’s voice reading this lesson in front of the class.wow.. brought back some priceless memories. Bakulbhai writes so well. Enjoyed it a lot.

 13. pragnaju says:

  કેવો મઝાનો લેખ …
  વ્યંગમાં આપણી વૃતિનું સરસ રસદર્શન્

 14. Dhaval B. Shah says:

  મજા આવી. સુન્દર લેખ.

 15. palabhai muchhadia says:

  i also feel the same when i go for shopping.

 16. અમેય હાવ એવા હો 🙂

 17. Sarika Patel says:

  ખુબજ સરસ. વાચવાનિ મજા આવિ.

 18. Jatan says:

  ખુબ મજા આવી.

  “એમ તો જોકે અમારા બેકારનું હોંસીલું રબર નીચેના પૂઠાંનેય ફાડી નાખવા તૈયાર હતું પણ મેં એને એ તક ન આપી”

  ખુબ હસ્યો,

  વાહ બકુલભાઈ વાહ

 19. alkabhatt says:

  અતિ હાસ્યાસ્પદ લેખ્.

 20. Ashish Dave says:

  Philosophically humorous

  Ashish Dave
  Sunnyvale, California

 21. Nirav panchal says:

  Thanks a lot for this web site. You are the people who keeps Gujarat & Gujarati alive…
  Best Wishes…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.