ગ્રહો-નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરે? – હીરાભાઈ ઠકકર

[ શ્રી હીરાભાઈ ઠકકરના ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી સાભાર ]

માણસનું જેવું પ્રારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારનાં ગ્રહો અને નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાતાં હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ અથવા અશુભ પ્રારબ્ધ ભોગવવા પ્રમાણેની ગ્રહો અને નક્ષત્રોની ગતિ હોય છે. તેની ગણતરી કરીને માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા ખરાબ છે તે સાચું જોનારા કદાચ જાણી શકે અને ખરાબ વખતમાં માણસ જાગ્રત રહીને અગાઉથી ચેતી જઈને તે સમય દરમિયાન શુભ કર્મોમાં વધારે પ્રવૃત થાય. આમ જ્યોતિષશાસ્ત્ર જીવને કલ્યાણકારી પ્રવૃતિમાં જોડવા માર્ગદર્શન આપે છે; આ પ્રમાણે જે માણસ કલ્યાણકારી પ્રવૃતિ કરતો હોય તેણે ગ્રહો-નક્ષત્રોથી બીવાની જરૂર નથી.

રાહુ, કેતુ, ગુરુ, મંગળ, બુધ વગેરે ગ્રહો એ ઘણા મોટા પવિત્ર અને નીતિવાન, પ્રમાણિક અમલદારો (ઑફિસર્સ) કર્મના કાયદાનો અમલ (ઈમ્પલીમેન્ટેશન) કરવા માટે નિમાયેલા છે, જે કર્મના કાયદાની મર્યાદામાં રહીને જીવને શુભ-અશુભ પ્રારબ્ધ ભોગવાવે છે, પરંતુ તેમાંથી છટકવા દેતા નથી. આ ઉચ્ચ કક્ષાના પવિત્ર પ્રામાણિક અમલદારો દુનિયાના બીજા કેટલાક અમલદારો જેવા લાલચુ કે લાંચીયા નથી. આખી જિંદગી મંગળવારે તમો એક ટાઈમ જમો અને શુક્રવારે નર્યા ચણા ખાઈને રહો કે શનિવારે અડદ ખાઈને રહો તો પણ પ્રારબ્ધ ભોગવવું પડે. આવાં વ્રત ઉપવાસ કરવાથી તે વખતે જીવ પાપકર્મ કરતાં અટકે એટલો તેને ફાયદો થાય. પરંતુ આ ગ્રહો-નક્ષત્રો જીવને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ મુક્તિ આપી શકે નહિ.

તમે ચોરી કરો તો તમને પોલીસ પકડી જાય. તમારે પોલીસવાળા સાથે ઓળખાણ હોય તો બે બીડીઓ પીવા આપે અગર તો તમને બે ડંડા ઓછા મારે એટલું જ. પરંતુ પોલીસવાળો તમને છોડી મૂકે નહિ – કદાચ જો તે તમને લાંચ લઈને અગર ઓળખાણના દાવે છોડી મૂકે તો તે પોલીસવાળો જાતે જ નોકરીમાંથી બરતરફ થઈ જાય.

ગ્રહો-નક્ષત્રો પણ મોટા પ્રમાણિક અમલદારો છે. તેમની ઉપાસના કરો તો તમને પ્રારબ્ધ ભોગવવામાં થોડી માનસિક શાંતિ આપી શકે, પરંતુ તમને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકે નહિ. તેમની ઉપાસના કરતાં તમે સાત્વિક વૃત્તિ કેળવો તો પ્રારબ્ધ જલદ બની શકે નહિ એટલો જ ફાયદો થાય. તમે ભાડૂતી બ્રાહ્મણને બોલાવીને તેનો પગાર નક્કી કરીને તેની પાસે તમારા વતી કોઈ ગ્રહના જપ કરાવો અને તમે તમારી મેળે જે તે પાપકર્મ કરતા રહો તો આ ગ્રહો જરાપણ પ્રારબ્ધ ભોગવવામાં અનુકૂળતા કરી આપે નહિ. ગ્રહોની આવી ખોટી સિફારસ-લાગવગ કરવાનો અગર તેમને લાંચ આપવાનો વિચાર કદાપિ કરવો નહિ.

તમે હનુમાનજીની પ્રાર્થના કરો કે હે હનુમાન દાદા ! જો તમે મને સો ડબા તેલના ડાબે હાથે અપાવશો તો હું તેમાંથી એક તેલનો ડબો તમારે માથે ભગભગાવીશ. તો હનુમાન એમ જ કહે કે હું એવો કાકો મટીને ભત્રીજો થવા માંગતો નથી. માટે આવી બાધા રાખી ખોટા ફસાવું નહિ.

જે માણસ સીધી રીતે રસ્તા ઉપર ચાલતો હોય તેને ખરાબમાં ખરાબ પોલીસવાળો પણ સતાવી શક્તો નથી. પણ જે માણસ રસ્તા ઉપર ચોરી કરવા નીકળ્યો હશે, તે તો પોલીસથી ડરતો જ રહેશે અને ચોરી કરશે તો પોલીસ તેને પકડયા વિના છોડશે નહિ.

અમદાવાદથી મુંબઈની ટિકિટ લઈને તમે ગાડીમાં બેઠા હશો તો તમે આખી રાત સૂતાં સૂતાં સુખેથી મુંબઈ પહોંચી જશો, પરંતુ જો ટિકિટ લીધા વગર બેઠા હશો તો જેટલી વખત સ્ટેશન આવશે અને ડબામાં જે કોઈ પણ માણસ ચઢશે તેમાં તમને ટી.ટી જ દેખાશે. તમે અભય પ્રાપ્ત કરી શકશો નહિ. માટે જે કંઈ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તે તમે જ કરેલાં ક્રિયમાણ કર્મ (ગત જન્મોમાં કરેલા કર્મો) નું પરિણામ છે અને તે તમારે નેકદિલીથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડોઅવળો પ્રયત્ન કરવો નહિ. શુભ કર્મમાં પ્રવૃત્ત રહેનારને પ્રારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય છે જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોયડાનો જવાબ અને વધુ એક નવો કોયડો…
જો જો અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે ! – દિનેશ પંચાલ Next »   

10 પ્રતિભાવો : ગ્રહો-નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરે? – હીરાભાઈ ઠકકર

 1. mahesh malavia says:

  this is really spiritual story for mankind and should be understand the entire public

 2. VAAH ..SHU KUDRAT NI KAMAL CHHE.GANU SIKHVA MALU.HAVETHI CHOKAS KHARAB KAM KARTA TAMARO AA LEKH YAAD AVAVANO J THANKS.

 3. nayan panchal says:

  “માટે જે કંઈ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તે તમે જ કરેલાં ક્રિયમાણ કર્મ (ગત જન્મોમાં કરેલા કર્મો) નું પરિણામ છે અને તે તમારે નેકદિલીથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડોઅવળો પ્રયત્ન કરવો નહિ. શુભ કર્મમાં પ્રવૃત્ત રહેનારને પ્રારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય છે જ.”

  હીરાભાઈનુ વર્ષોજૂનુ આ પુસ્તક દરેકે વાંચવુ જ જોઈએ. ખૂબ જ જીવનપયોગી.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.