અલવિદા – વ્રજેશ આર. વાળંદ

[લેખક વડોદરા નિવાસી નિવૃત શિક્ષક છે. તેમની ટૂંકી વાર્તાઓ સાહિત્યના સામાયિકોમાં અવારનવાર સ્થાન પામતી રહી છે. લેખન કલાની સાથે તેઓ ગઝલકાર તેમજ હાર્મોનિયમના અચ્છા કલાકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે અંગ્રેજીમાં ‘ક્રિકેટ’ વિષય પર લખેલી એક લઘુનવલકથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોર્ડઝના મેદાનની પબ્લીક લાઈબ્રેરીમાં સ્થાન પામી છે. આ અગાઉ ‘બે આંખો’ તથા ‘નામતો નહીં જ કહું’ નામની તેમની બે ટૂંકી વાર્તાઓ આપણે રીડગુજરાતી પર માણી હતી. આજે માણીએ તેમની વધુ એક સુંદર કૃતિ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વ્રજેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : (ઘર) +91 265 2774898 તથા મોબાઈલ : +91 9723333423. ]

bahadarpurભાઈ ! તમે ક્યાંથી જાણો ? હા, તમે તો ક્યાંથી જાણો મારા ગામ બહાદરપુરની વાત ? એ સૂતું ઓરસંગને કિનારે, રાજ્યના ધોરી માર્ગથી ત્રણ-ચાર કિલોમીટર છેટે નિરુપદ્રવી બાળકની જેમ. ‘આજ જાઉં, કાલ જાઉં, આ દિવાળીએ તો જાઉં જ, અરે ! રમેશના લગ્નમાં ગયા વિના ચાલશે કે ?’ એમ કરતાં દસ વર્ષના વ્હાણાં વાઈ ગયાં. મિત્રોના થોડા મહિનાઓ સુધી નિયમિત આવતાં પત્રો એકાદ વર્ષમાં નૂતન વર્ષાભિનંદન પત્ર અને કંકોત્રી પૂરતા સીમિત થઈ ગયાં. ત્રણેક વર્ષ પછી તો એ ય નહીં. હા, ક્યારેક અજાણ્યા મહેમાન સમા, નાણાકીય સહાય યાચતા મિત્રોના રડ્યા-ખડ્યા પત્રો આવી જતાં. કલકત્તામાં હું બે પાંદડે થયો હતો તેથી મિત્રોને યથાશક્તિ મદદ કરવામાં પાછો ન પડતો.

‘પણ આ વેળા તો જવું જ.’ એવા મક્કમ નિર્ધાર સાથે ટ્રેનમાં બેસી ગયો. ત્રણ દિવસની લાંબી મજલનો કંટાળો દૂર કરવા ક્યારેક સામાયિકો ઉથલાવતો તો ક્યારેક બારી બહારની સૃષ્ટિ કોઈ પણ જાતના માનસિક પ્રતિભાવ વિના નીરખી રહેતો. મન તો ક્યારનુંય ધુબાકા દેતું’તું ઓરસંગના ધરામાં, ચોરતું’તું સકરટેટીઓ ઝવરાકાકાની વાડીમાંથી. ને રમતું’તું આંબલી પીપળી સ્ટેશનના વડલાની ડાળે.

આમ કાંઈ કેટલીયવાર આંબલી પીપળી રમ્યો. નદીમાં ધુબાકા દીધા ને કેટલીયવાર સકરટેટીઓ ચોરી ત્યારે માંડ ‘બહાદરપુર’નું પાટિયું દેખાયું. સ્ટેશન પરના વીજળીના દીવાઓએ ગામમાં થયેલા પરિવર્તનના અછડતાં એંધાણ આપ્યાં. રાતના આઠ વાગ્યા હતા. પરમ મિત્રો રમેશ, વિઠ્ઠલ અને ચંદ્રકાંતને જોવા આંખો તલસી રહી હતી. તેઓ મને જુએ એ પહેલાં એમને જોઈને હું સંતાઈ જાઉં, તેમને બ્હાવરા બનાવી દઉં ને પછી એમની પાછળ જઈ મોટેથી બૂમ પાડી એમને ચમકાવી દઉં એ શિશુ-કલ્પનાએ મને રોમાંચિત કરી દીધો. ત્રણમાંથી કોઈ ન દેખાયું. પણ મન કેમ માને ? થયું ‘એ લોકોએ મને જોઈ લીધો હશે અને જાણી જોઈને મને તલસાવી રહ્યા છે.’ નાના બાળકની જેમ હું રડવા જેવો થઈ ગયો. ત્યાં દૂરથી બે-ત્રણ જણના હસવાનો અવાજ આવ્યો. ‘એ..જ, એ…જ’ એવો ભાસ થયો. ‘પહેલીવાર મને બનાવ્યો’ – પણ તેઓ ન હતા. મેં પહેલી પછડાટ અનુભવી. ત્યાં તો મારા જૂના પૂરાણા અલગારી બુધાકાકા ‘કાંઈ લેવાનું છે કે ?’ કહેતાં, ડબ્બે ડબ્બે ફરતાં નજરે ચડ્યા. મારાથી હર્ષાવેશમાં બૂમ પડાઈ ગઈ, ‘બુ…ધા કાકા !’ તેઓ સ્હેજ ચમકીને મારી પાસે આવ્યા. વીતેલા વર્ષો રેખાઓ બનીને તેમના ચહેરાપર અંકાઈ ગયાં હતાં. ‘કોણ વજુ કે ?’ કોઈકે મને ઓળખ્યો છે એ ખ્યાલે હું ઉત્સાહિત થયો.
‘હા કાકા કેમ છો ?’
‘સારું છે.’ એમનો ઉષ્મારહિત પ્રત્યુત્તર મને કઠ્યો. ‘કાંઈ લેવાનું છે કે ?’
‘હા, કાકા આ બેગ.’
મોટી લાગતી બેગનું નિરીક્ષણ કરી એમણે કહ્યું : ‘ત્રણ રૂપિયા થશે, બોલો ઉપાડું ?’ તેમની આ સ્પષ્ટતા અને ‘બોલો’નું બહુવચની સંબોધન મને અકળાવી ગયાં. મને ફરી કારમી પછડાટ વાગી. મેં યંત્રવત કહ્યું, ‘ભલે ઉપાડો.’

હું એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મન ચકડોળે ચડ્યું. ‘શું આ એ જ બુધાકાકા – જે મારી સાથે ક્યારેય ભાવતાલ ન કરતા ? – તું તો મારો છોકરો છે એમ કહીને તેઓ વધુ પૈસા આપું તો ભારપૂર્વક જે ના પાડી દેતા તે આ જ બુધાકાકા ? અરે બુધાકાકા ! તમે માગ્યા ન હોત તોય હું પાંચની નોટ આપી દેત.’ પ્રત્યેક ડગલે જાણે પગમાં બેડીઓ પડ્યે જતી હતી. ત્યાં જ કોઈ અપરિચિત કઠોર અવાજે ‘એ બુધિયા’ કહીને બુધાકાકાને ઉભા રાખ્યા. આ પહેલાં એમને આટલી તોછડાઈથી – કોઈએ બોલાવ્યાનું યાદ ન આવ્યું. હું સમસમી ગયો. ‘તારા બાપના પૈસા આપી દે.’ મારું લોહી ઊકળી ઊઠ્યું. બુધાકાકા મને કરગરતા હોય એમ બોલ્યા, ‘વજુભાઈ, શેઠને બે રૂપિયા આપી દો, મજૂરીમાંથી સમજી લઈશું.’ મેં બે રૂપિયા આપ્યા. એ પરગજુ શેઠે મને ચેતવ્યો : ‘સંભાળજો સાહેબ ! એક નંબરનો દારૂડિયો ને સટોડિયો છે.’ ને ચાલવા માંડ્યું.

‘અ રે રે ! કાયમ ભક્તિની મસ્તીમાં રાચનારો, હરામનું ખાવાની દાનત ન રાખનારો, દારૂનો છાંટોય ન લેનારો આ બુધોકાકો આટલો બધો….! ને બજાર શરૂ થયું. કાંતિ પાનવાળાની દુકાન ખુલ્લી હતી. મને ખબર હતી. રાતની ગાડી પછી જ એ દુકાન બંધ કરતો. થયું લાવ એને જોરથી ધબ્બો મારું પણ પ્રારંભના કટુ અનુભવે અટકાવ્યો. તે છેલ્લા ઘરાકોને પતાવવામાં પડ્યો હતો. ‘સવારે વાત.’ હૃદય પરિચિતિઓથી અપરિચિત રહી ઘેર પહોંચવા ઝંખતું હતું છેવટે શેરી આવી. એય બિચારી ફરજિયાત વિધુત કાપની અસર હેઠળ, નિષ્પ્રાણ ભાસતી હતી. બુધાકાકા કબૂલાત કરતા હોય એમ ચાલતાં ચાલતાં બોલ્યાં : ‘શું કરું ભાઈ ! તારી કાકી દેવ થયા પછી લત લાગી ગઈ છે.’ ને મારા ઘરના ઓટલે એમણે બેગ મૂકી. એમના કથનની યોગ્યાયોગ્યતા વિચારવાની શક્તિ જાણે મેં ગુમાવી દીધી હતી. પાકિટમાંથી પાંચની નોટ કાઢી એમના હાથમાં મૂકતાં મેં એમને હાથ હલાવી જવાનું કહ્યું. મારા ઘરની સામે જ રમેશનું ઘર. માસી જાળી ખોલીને બહાર આવ્યાં. ‘આવી ગયો ભઈલા ?’ સંબોધનની ઉષ્માએ મને હળવો કર્યો. ‘હા માસી, કેમ છો ? મજામાંને ?’ પછી તરત જ ‘પણ રમેશ ક્યાં ?’ એવું મારું અધીર મન પૂછી બેઠું. માસી જવાબ દે એ પહેલાં, ‘એ દેશમાંથી મારા ભાઈ આવ્યા છે એમને લઈને પાવાગઢ ગયા છે. વિઠ્ઠલભાઈ અને ચંદ્રકાંતભાઈ પણ સાથે ગયા છે. કાલે સાંજ સુધીમાં આવી જશે.’ સાડી સંકોરતી, બગાસું રોકતી રમેશની પત્નીએ ઉંબરા આગળ આવીને જવાબ આપ્યો. ઓળખી જ જાઉં ને ! રમેશે લગ્નના ઘણા ફોટા મારા પર મોકલાવ્યા હતા. ભૂખ ન હતી છતાં બે-ત્રણ કોળિયા ગળે ઉતાર્યા. આગળથી પત્ર લખ્યો હતો એટલે રમેશે ઘર સાફ કરાવી રાખ્યું હતું. પલંગ પર આડો પડ્યો. લાંબી મુસાફરીએ શરીરને થકવી નાખ્યું હતું. સ્ટેશનથી ઘર સુધી આવતાં મન પણ નંદવાઈ ચૂક્યું હતું. – અને એ વિશેષ ખૂંચતું હતું. થાકના પ્રાબલ્યે સવાર ક્યારે પડ્યું એની ખબર ન પડવા દીધી.

સવારે માસી સામે ‘જય શ્રી કૃષ્ણ’ ની ઔપચારિકતા વેળા કંઈક સ્ફૂર્તિ જણાતી હતી. બ્રશ કરી ભાભીના હાથની ચા પીધી. સંતોષ ન થયો. મને જાનીકાકાની હૉટલ સાંભરી. દશ વર્ષથી તેમના ગોટાની ગંધ અને સ્વાદ મેં મનમાં અકબંધ રાખ્યાં હતાં. ગોટાનો માનસિક સ્વાદ મમળાવતો હું ઉપડ્યો હોટેલે. જાની કાકા સવારે સાત વાગે તો કઢાઈ ચડાવી દેતા. સાડા સાત વાગે ગરમાગરમ ગોટા અને ચાનો સ્વાદ માણનારા એમના નિયમિત ગ્રાહકોમાં વર્ષો પહેલાં મારું નામ મોખરે હતું. પણ ત્યાં પહોંચ્યો તો ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં.’ એવું થયું. હોટલ છાપખાનામાં ફેરવાઈ ગઈ હતી. જાનીકાકાનો નાનો દીકરો સુરેશ મોખરે બેઠો હતો. હું એને ઓળખી ગયો. એ પણ મને હળવી પ્રશ્નાર્થ દષ્ટિ પછી ઓળખી ગયો. એણે મને પ્રેમથી બોલાવ્યો, બેસાડ્યો. છોકરા પાસે ચ્હા કહેવડાવી. હું આ અણકલ્પ્યા ફેરફારને વિસ્મિત થઈ નિહાળી રહ્યો હતો. સુરેશ મારી મૂંઝવણ કળી ગયો. હું કાંઈક બોલવા હોઠ ખોલતો હતો ત્યાં જ એણે કહ્યું : ‘હોટેલ પાંચ વર્ષથી બંધ કરી છે. ઉધાર બહુ થઈ ગયું હતું. ઉઘરાણી વધી ગઈ હતી. વેપારીઓ રોકડા વિના માલ પર હાથ નથી મૂકવા દેતા. ઉંમરને કારણે બાપુથી પહોંચી વળાતું ન હતું. છેવટે આ કરવું પડ્યું. સારું ચાલે છે.’ પ્રેસમાં પડેલી સામગ્રી જોતાં ઘણું સારું ચાલતું હશે એનો અંદાજ મને આવી ગયો. કેમ જાણે જાનીકાકાની આર્થિક સદ્ધરતા મને ખૂંચી. સુરેશ અવારનવાર ડાયરીમાંથી માથું કાઢી મને માઠું ન લાગે એમ સભાનપણે મારા પ્રશ્નોના જવાબ આપતો હતો. છેવટે ‘આવજો’ કહીને ઊઠ્યો.

સામે જ કાંતિની દુકાન હતી. ખૂલી ગઈ હતી. ચ્હા પછી તરત જ પાન યાદ આવ્યું. મારા પગ એની દુકાન તરફ વળ્યા. એણે મને દૂરથી જ જોઈ લીધો હતો. એના મુખ પર રેલાયેલા સ્મિતમાં મેં ઈજનનો અણસાર જોયો. મને લાગ્યું હમણાં જ કાંતિ ગલ્લા પરથી કૂદીને – અગાઉ મહિને બે મહિને બહારગામથી આવતો તે વેળાની જેમ – મને ભેટી પડશે. હંમેશની ટેવ મુજબ એના કાથાવાળા હાથથી મારા શર્ટને ચોળી નાખશે. ‘આવ ભાઈ કાંતિ, આવ. દસ દસ વર્ષથી મારા શર્ટને કોઈએ ચોળ્યું નથી. તારા કાથાવાળા હાથનો સ્પર્શ પામવા તલસું છું. દોસ્ત ! મને નિરાશ ન કરતો.’ પણ એવું ન બન્યું. કલ્પનાના આકાશમાંથી હું વાસ્તવિકતાની ભૂમિ પર પછડાયો. કાંતિ નિરાંતે ઘરાકોને પતાવતો હતો. એણે હાથ લૂછી ઔપચારિક હસ્તધુનન કર્યું. એમાં રહેલો ઉષ્માનો અભાવ મને આંચકો આપી ગયો. ‘મને જોતાંની સાથે બ્રહ્માનંદ સહોદર આનંદ અનુભવતો, બીજા ઘરાકોને છોડીને મારું પાન લગાવવા બેસી જતો કાંતિ ક્યાં ગયો ? ‘કેમ છો ? ક્યારે આવ્યા ?’ પતાવીને ‘બનારસી પાન હમણેના ઓછા આવે છે.’ કહી કપૂરી લગાવવા બેસી ગયો. કાંતિને ખબર હતી કે હું ‘બનારસી’ સિવાય ખાતો ન હતો. એની પાસે ન હોય તો બાજુમાંથી કંચન કે મનહર પાસેથી લાવીને પણ એ મને આપતો. એના કાચના પારદર્શક ગલ્લાના સામે ખૂણે પડેલો બનારસી પાનનો નાનો થોકડો મારી મજાક ઉડાવી રહ્યો હતો. ત્યાંથી જવા માટે હું ઉતાવળો બન્યો, ‘એમ કર કાંતિ, બાંધી જ આપને ! હજી એકાદ બે જગ્યાએ ચા પીવી પડશે.’ કાંતિનું ગર્ભિત સ્મિત મને કહી રહ્યું હતું, ‘અહીં વળી કોણ તને ચ્હા પાશે ?’ એ પામીને હું સમસમી ગયો.

ઘરેથી રૂમાલ અને લોટો લઈ નદી તરફ નીકળી પડ્યો. મન વલોવાતું હતું. ‘બુધાકાકા ! તમે મારી સાથે ભાવતાલ કર્યો, કાંઈ નહીં. દોસ્ત કાંતિ ! તું મને ભેટી ન પડ્યો, કાંઈ નહીં. મા ઓરસંગ તો છે ને ? એનાં પાણી તો મને જૂના પુરાણા હેતથી ભેટશે ને ?’ પણ નદીના ઉબડખાબડ માર્ગને બદલે પાકી સડક જોતાં ધ્રાસકો પડ્યો, ‘આ વેળા તો ભોંઠો નહીં પડું ને !’… ને એવું જ થયું. નદીનો પ્રવાહ સાવ સંકોચાઈને મને ભેટવાની અશક્તિ વ્યક્ત કરતો હતો. કામદેવ મહાદેવવાળા ટેકરા નીચે કાળઝાળ ઉનાળેય ડૂબકી દાવ રમાય એટલું પાણી રહેતું ત્યાં વસંત પહેલાં જ કાંકરા ઉડતા હતા. ‘અરે મા ઓરસંગ ! તું ય આટલી નિષ્ઠુર ?’ મેં ન્હાવાનો વિચાર માંડી વાળ્યો. થોડે દૂર એક જર્જરિત દેહ નદીનું પેટ ફાડી પાણી કાઢી રહ્યો હતો. હું એની નજીક ગયો. હું ઓળખી ગયો. પછી થયું : ‘ના…ના ! એ નથી, ના…ના… એ જ ! સકરટેટી ચોરીને અમે સડસડાટ કામનાથ મહાદેવની ટેકરી ચડી જતા પણ આડ રસ્તે અમારાથી પહેલાં ચડી, અમને આંતરી અમારો કાન આમળતા એ ઝવરાકાકા, ‘ઝ…વ…રા.. કાકા’ મેં મોટેથી બૂમ પાડી, પણ છોભીલો પડી ગયો. ‘એ નહીં હોય તો !’
ત્યાં તો ‘તમે કોણ ભાઈ ?’
‘અરે કાકા મને ન ઓળખ્યો ? હું રવજી ટપ્પુનો વજુ !’
‘કોણ ? રવજીનો વજુ ? પણ તું…. તમે ક્યારે આવ્યા ?’
‘અરે કાકા ! કમસે કમ તમે તો મને ‘તું’ કહો.’ મન ચિત્કારી ઊઠ્યું. પણ હવે પછડાટો વાગતી ન હતી. વાત કરવાને બહાને મેં કહ્યું : ‘કાકા, આ વેળા સકરટેટી નથી કરી ?’
‘શું કરે ભાઈ !’ કાકાએ પહાડ જેવો નિસાસો નાખતાં કહ્યું, ‘માઠા વરસોએ ખેડૂતની કેડ ભાંગી નાખી છે. બધાને માથાના વાળ જેટલું દેવું છે. શું પાનવાળો, શું હોટલવાળો, શું વેપારી કે શું કારીગર, કોઈની વાત કરવા જેવી નથી. તમારા જેવા ભણેલા શે’રમાં કે ઠે…ઠ દરિયાપાર જઈ મોજ કરે છે.’ આટલું બોલતાં એમને શ્વાસ ચડ્યો. એમની રજા લઈ મેં ઘર તરફ પ્રયાણ કર્યું.

હવે મને કાંઈક સમજાયું. ગામ બેકારીના પંજામાં સપડાયું હતું. ધંધા પાણી સાવ મોળા પડી ગયાં હતાં. મારા સંઘર્ષ કાળ દરમિયાન મને ભૂખ્યો ન સુવાડનાર આ ગામની અવદશા મને કંપાવી ગઈ. ઝટપટ ઘેર આવ્યો. રમેશના બા ક્યાંક બહાર ગયાં હતાં. ભાભીએ થાળી પીરસી. જમતાં જમતાં મેં વાત ઉપાડી, ‘ભાભી, રમેશ આવે તો કહેજો કે…..’ ત્યાં તો વાત કાપી નાખતાં તેમણે કહ્યું : ‘તમારે જે કહેવું છે તે હું સારી રીતે જાણું છું. પણ હમણાં કાંઈ બને એમ નથી.’ હું હતપ્રભ થઈ ગયો. ‘શેનું કાંઈ બને એમ નથી ?’ મેં પૂછ્યું. તેણે કહ્યું : ‘શેનું તે વળી પૈસાનું. બે વર્ષથી કાંઈ પાકતું નથી. તેથી તમારા, પાંચ હજાર રૂપિયા હમણાં મળી શકે એમ નથી. વિઠ્ઠલભાઈ અને ચંદ્રકાંતભાઈને તમે પાંચસો આપ્યા છે. તેમનાથી ય હમણાં અપાય એમ નથી.’ હું લગભગ બરાડવાની તૈયારીમાં હતો પણ સંયમિત થઈ બોલ્યો : ‘પ..ણ તમને કોણે કહ્યું કે હું પૈસા લેવા આવ્યો છું ?’ મારો કોળિયો હવામાં તોળાઈ રહ્યો. મને લાગ્યું કે હું અગન જવાળાઓ વચ્ચે શેકાઈ રહ્યો છું.
‘કેમ વળી ! એટલે છેટેથી મોંઘુ ભાડું ખરચી કામ પ્રસંગ વિના અમસ્તું કોઈ આવતું હશે ?’ નીચું મોં કરી ઉચ્ચારાયે જતા એ શબ્દોએ મારા દેહ પર અંગારા ચાંપ્યા. હું થાળી પરથી ઊભા થઈ જવાની તૈયારી કરતો હતો. રમેશની પત્ની મારા આંતરિક મનોવ્યાપારથી તદ્દન અલિપ્ત રહી બોલ્યે જતી હતી : ‘એથી જ ત્રણે જણ વડોદરા ઉપડી ગયા છે. તમે છો ત્યાં સુધી તેઓ ગામમાં નહીં આવે…’
‘બ…સ… કરો ભા….ભી’ મારાથી મોટેથી બૂમ પડાઈ ગઈ. મારું આ વર્તન જોઈ તે ડઘાઈ ગઈ. એની મારી તરફ મંડાયેલી ભયભીત અને વિસ્ફારિત આંખો જાણે મને કહી રહી હતી : ‘મેં એવું તે શું કરી નાખ્યું કે…. ?’

હું ઝટપટ મારો દાદરો ચડી ગયો ને ખાટલામાં પડતું મૂકી, ઓશીકામાં મોં દબાવી ડૂસકાં ભરવા લાગ્યો. હૈયાનો બંધ તૂટી ગયો. બાપુના મૃત્યુ પછી પહેલી જ વાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ‘દોસ્ત રમેશ ! વિઠ્ઠલ ! ચંદ્રકાંત ! હું પૈસા લેવા આવ્યો’તો ? તમને મને છે…ક આવો ધાર્યો ? હું તો આવ્યો હતો તમને મળવા.. તમને પામવા… એક પથારીમાં મોડી રાત સુધી જે મસ્તી અને મોજ કરતા હતા તેનું ચાર-પાંચ દિવસ પુનરાવર્તન કરવા હું તમારી પાસેથી પુરાણી સ્મૃતિઓ ઉછીની લેવા આવ્યો હતો. ઉછીના આપેલા પૈસા પાછા લેવા નહીં. તમે મને એ પણ ન આપી શક્યા ?’

હું કંઈક હળવો થયો. અચાનક શું સૂઝયું કે એકાએક બેગ ભરવા મંડી પડ્યો. ઘડિયાળમાં જોયું. બારની ગાડીને દશેક મિનિટની વાર હતી. મારા ઘરની સ્ટેશન પાંચ મિનિટના રસ્તે હતું. ત્રણ-ચાર મિનિટમાં તૈયાર થઈ એટલી ઝડપે નીચે ઊતર્યો કે ધબ ધબ અવાજથી ચોંકીને રમેશની પત્ની હાંફળી ફાંફળી બહાર આવી. એને કહેવું હતું, ‘જાઓ છો ?’ પણ કહી ન શકી. મેં એના ઓટલે બેગ મૂકી. મારી પત્નીએ એના માટે તેમજ ચંદ્રકાંત અને વિઠ્ઠલની પત્નીઓ માટે માટે મોંઘી સાડીઓ મોકલાવી હતી. રમેશને લગ્નની ભેટ તરીકે મેં વીંટી કરાવી હતી. માસી માટે નકશીકામવાળી સુંદર પાનદાની અને બંગાળી મીઠાઈનાં પડીકાં દરેક મિત્રને આપવા હું હોંશથી લાવ્યો હતો. દરેકને શું આપવું એ સમજાવ્યું. મારી નજર એના વધતાં જતાં પેટ પર પડી. મેં એકસો એકાવન રૂપિયા એના હાથમાં મૂકતા કહ્યું : ‘ભાભી, આવનાર મહેમાનને મારા તરફથી ભેટ.’ – ને બેગ બંધ કરી હું ચાલવા લાગ્યો. એનું આંસુમાં ઝબકોળાયેલું ‘આવજો’ હું પાછું ન વાળી શક્યો. બેગ હળવી ફૂલ થઈ ગઈ હતી, મનના બોજની કોઈ સીમા ન હતી. હું લગભગ દોડતો હોઉં એ રીતે ચાલવા લાગ્યો.

શેરીના નાકા પાસે અચાનક નજર ગઈ. અંબામાતાના મંદિરની પાછળ રમેશ, વિઠ્ઠલ અને ચંદ્રકાંત કાંઈક મસલત કરતા હતા. એમણે મને જોયો ન હતો છતાં મારા પગ ધરતી સાથે જડાઈ ગયા. સહસા મારી પાછળ બળદોને ડચકારવાનો અવાજ સંભળાયો. કોઈ ગામમાંથી ઉચાળા ભરી જઈ રહ્યું હોય એમ લાગ્યું. સામાન લઈને ગાડું સ્ટેશન તરફ જતું હતું. એની આડમાં મારી જાતને છુપાવી હું એમની નજર બચાવીને હરિજનવાસના આડ રસ્તે થઈ સ્ટેશને પહોંચી ગયો. ગાડી ઉભી હતી. એન્જિન પાણી લઈ રહ્યું હતું. ટિકિટ કઢાવી હું બેસી ગયો. બારણા પાસે ઊભા રહી માતૃભૂમિ બહાદરપુરને ધરાઈને જોવાની લાલસા હું ન રોકી શક્યો. હળવેકથી કાંતિએ આપેલું પાન મોંમા મૂક્યું. પેલો વડલો ! જેની પર ચડી અમે આંબલી પીપળી રમતા તે હાડપિંજરની જેમ ઠૂંઠું બનીને દયનીય દષ્ટિએ મારી સામે જોઈ રહ્યો હતો, જાણે કહી રહ્યો હતો : ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા !’

આખરે વ્હીસલ વાગી. એન્જિન હળવેકથી સરક્યું. ગાડી સળવળી ઊઠી. ત્યાં તો દૂરથી ‘વજુ’, ‘વજુ’, ‘વજુ’ એવી ત્રણ બૂમો એક પછી એક સંભળાઈ. સામેની પગદંડીએથી રમેશ, વિઠ્ઠલ અને ચંદ્રકાંત મસાણમાંથી બેઠા થયેલા મડાંની જેમ શ્વાસભેર દોડતા આવતા હતા. રમેશની પત્નીએ એમને મેં પહેરેલા કપડાંની નિશાની આપી હશે કે પછી બારણા પાસે વિશિષ્ઠ રીતે ઉભા રહેવાની મારી વર્ષો જૂની ખાસિયત તેઓ ભૂલ્યા નહીં હોય, મને ઓળખી કાઢ્યો. ગાંડાની જેમ બરાડી બરાડીને તેઓ મને ઊતરી જવાનો સંકેત કરી રહ્યા હતા. મને ઓળખવામાં તેમણે કરેલી ભૂલ તેઓ સમજી ગયા હતા, એમાં શંકા ન હતી પણ મોડું થઈ ગયું હતું. ગાડી વેગ પકડતી જતી હતી. તેઓ પાછળ રહી ગયા. યંત્ર સાથેની હોડમાં તેઓ હારીને ઊભા રહી ગયા. એન્જિનના ‘છૂક છૂક’માં એમનું ‘રૂક રૂક’ રોળાઈ ગયું.

એમના તરફ હાથ ઊંચો કરી હું બબડ્યો : ‘અ…લ…વિ..દા, અ…લ..વિ…દા, અ…લ…વિ…દા !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકલતા અને એકલતા – ચંદ્રકાન્ત બક્ષી
વડગામની વાટે – મૃગેશ શાહ Next »   

43 પ્રતિભાવો : અલવિદા – વ્રજેશ આર. વાળંદ

 1. nayan panchal says:

  અદભુત લેખ.

  પરિવર્તન તો સંસારનો નિયમ છે. લોકો માને છે કે સમય સાથે ઘણુ બધુ બદલાઈ જાય છે. ખરેખર, ઘણુ બધુ બદલાઈ જાય છે પરંતુ બધેબધુ નહિ.

  નયન

 2. RUPAL says:

  Very good story.

 3. VijayNZ says:

  ખુબજ સરસ વાર્તા પરદેશમાં વસ્યા એટલે પોતાના પણ પારકા જેવો વ્યહ્વાર કરતા થઇ જાય. વર્ણન એવુ આબેહુક કે જાણે આપણે પોતાનાં ગામમાં ફરી રહ્યો હોય એમ લાગ્યું. કાળની થપાટોમાં માનવી મનોદશાનું આબેહુક વર્ણન.

 4. Prashant says:

  બહુ જ સરસ લેખ.

 5. Hiral Thaker "Vasantiful" says:

  અદભુત અને આઘાતજનક.!

  ખુબ જ સરસ વારતા.

 6. Tejal Tithalia says:

  ખુબ જ સુન્દર અને હ્રદયસ્પર્શી લેખ્………………..જિન્દગિની કરુણતા નુ આબેહુબ વરણન …………

 7. Khushboo Shah says:

  બહુ જ સરસ છે.

 8. When people leave their home-town, memories of that place freeze in that time-frame. When they revisit the old place, they expect to see and experience everything in the old time-frame. They are not willing to accept the changes. The story depicts the same emotions in a lucid and beautiful yet tragic (!? ) way.

 9. Paresh says:

  લાગણીભીની સુંદર વાર્તા.

 10. વાસ્તવિકતા જે હવે બદલાઈ ચૂકી છે તેને સ્વીકારવાની અક્ષમતા એ માણસની એક નબળાઈ છે … પણ પ્રેક્ટીકલ બનીને જેટલું જલ્દી સ્વીકારી લેવામાં આવે એ જ અપેક્ષિત હોય છે …

  ભાવનાશીલતા અને વ્યાવહારીકતાની વચ્ચે સમતુલન જાળવવાની જ વાત જીવનની હરેક ક્ષણે ઊભી હોય છે …

 11. URMILA says:

  I went to visit my hometown in Africa after 40 years. I do not have any friends or relatives to visit but my house which was built by my father when I was 5 yers old and I did the ‘bhumipuja’ is still there – in battered condition bought by a local person – he welcomed me and let me see my house – river had dried down that I had so much fun with my friends – when i went round in my town and looked at shops – nobody knew me which was obvious as old genertion had left he country or where no more alive and new generation had taken over -I learnt my lesson – things do not stay the same – life goes on and then the ‘pleasant surprise’ only thing that had not changed was Temple – it was same temple where I had done my prayers and my puja and my ‘dandiaras’ with family and friends in times of joy and despair – nothing had changed – priest was new and younger looking but still smiling and when I talked to him and introduced myself, my son and husband to him – he was overjoyed and announced my maiden name and suddenly there were few elderly people who knew my father – came n talked to me and before I knew the whole town became my friend – when I left my heart was full of love n joy n light for humankind

 12. Hemant Jani. says:

  અદભુત અને રદયસ્પર્શી.
  આ તો બહદરપુરા ની વાત છે, પણ હું વર્ષો પછી રાજકોટ ગયો, ત્યારે અદ્દલ આવો જ અનુભવ
  થયો હતો. જુના દિવસો અને દોસ્તોની યાદ અપાવી ગયો આ લેખ.
  અભિનન્દન્

  હેમંત

 13. Payal says:

  Khub j Sundar varta che.parivartan e j dunia no niyam che pan aa parivartan ghani vaar aaghat aape che.
  Aavu to lagbhag badha j saathe thatu hashe.

 14. Sarika Patel says:

  Good story. First time i read this type of stroy. Mostly we are thinking that anybody came from out of country, only their behaviour being changed not a other people. i am believe.

  “માઠા વરસોએ ખેડૂતની કેડ ભાંગી નાખી છે. બધાને માથાના વાળ જેટલું દેવું છે. શું પાનવાળો, શું હોટલવાળો, શું વેપારી કે શું કારીગર, કોઈની વાત કરવા જેવી નથી.”

  I am agree with only above sentance.

  Sarika

 15. divyang says:

  વ્રજેશ ભાઈ વાળંદ .. !!!!!!!

  મારા વહાલા વાળંદ સર ……. ધોરણ ૧૦ માં મારા વગૅશિક્ષક હતા અને ધોરણ ૮ અને ધોરણ ૯ માં અંગ્રેજી વિષય લેતા હતા….. હજી એમની અંગ્રેજી ભણાવવા ની એ મૌલિક રીત અને લેશન ન કર્યુ હોય અથવા કોઇ સવાલ નો જવાબ ન આવડે તો હથેળી પર પડતો જેસ્ટીકા (વાળંદ સર શિક્ષા કરવા એક નાની લાકડી રાખતા જેને તેઓ જેસ્ટીકા કહેતા….. બોલો…. જે…સ્ટીકા) નો માર નથી ભુલાયો….. વળી સાથે શિખામણ ના બે બોલ અને મીઠો ઠપકો તો હોય જ ….. Ice Cream ને શીતમલાઈ, train ને લોહપથગામિની અને railway station ને અગ્નિરથસ્થાપનસ્થલ કહેતા વાળંદ સર નો ખુબ મોટો ફાળો છે મારા વાંચનરસ ને ખીલવવા માં…… વર્ગ માં લોક સભા ના નીયમોનુસાર ચુંટણી કરાવી ને વર્ગ પ્રતિનીધિ ચુંટતા વાળંદ સર કેમ કરી ને ભુલાય !!!!! ફક્ત એમના વિષય પુરતુ જ નહી, સર્વલક્ષી જ્ઞાન મળતુ વાળંદ સર ના વર્ગ માં……

  વાળંદ સર તો કદાચ મને ઓળખશે પણ નહી…. પણ હું એ સેંકડો વિદ્યાથી ઓમા નો એક છું, જે વહાલા વાળંદ સર ને કદી નહીં વિસરી શકે. You are the best teacher i have ever had sir….

  ઘણા વાચકો મારી સાથે સંમત થશે કે ધોરણ ૧૦ એ દરેક ના જીવન ઘડતર ના પાયા સમાન હોય છે. નહી કે ફ્ક્ત અભ્યાસ ની જ રીતે, પણ એ ઉમર જ એવી હોય છે કે જે દરમ્યાન જીવન વિકાસ ની કેડી કંડારાતી હોય છે ….. વાળંદ સર, એ પાયો મજબુત રીતે નખાય અને માનવતા ની કેડી કદી ન ચુકાય એવુ ઘડતર આપવા બદલ આપ નો ખુબ-ખુબ આભાર……..

 16. Dhaval B. Shah says:

  ખૂબ સુન્દર વાર્તા.

 17. Bhavin says:

  really nice story .. good one

 18. Kavita says:

  Very good story. While reading this story I remember the recent time I had in India. I visited India specially because I came to know both my best friend were their at that time. I thought we will have a couple of days together & will revive our old golden time. But I must say I was disappointed to see that both of them could not make it at same time though both of them live 20 min. away from each other. I had to be satisfied seeing them seperately. But I learned that these thing do happen and one has to except it.

 19. કેયુર says:

  ખુબ જ સરસ વાર્તા.
  ખરેખર, મને તો મારો અનુભવ જ યાદ આવી ગયો. જાણે તેના પરથી જ વાર્તા લખાઈ હોય તેવી લાગણી થયી.

 20. pragnaju says:

  ખુબ જ સરસ રદયસ્પર્શી વાત

 21. અતુલ જાની (આગંતુક) says:

  આદરણીય વ્રજેશભાઈની કલમ હંમેશા કંઈને કંઈ ચમત્કૃતિ સર્જતી જ રહે છે. અતિત અને વર્તમાન વચ્ચે જે સમય પસાર થઈ જાય છે તે ઘણા પરિવર્તનો લાવી દે છે. આપણી અતિત સાથેની સાંકળ તો આપણે જે તે સ્થળ ને છોડ્યું હોય જે તે વ્યક્તિઓથી વિખૂટા પડ્યા હોઈએ ત્યાંથી ફરીથી કડી જોડવા મહેનત કરતી હોય છે પણ જે તે સ્થળ અને ત્યાંની વ્યક્તિઓને ત્યાર બાદ કાળનો પ્રવાહ ઘણો બદલી નાખતો હોય છે. અને જ્યારે આપણે ફરી ત્યાં પહોંચી અને આપણી છેલ્લી કડી સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરીએ ત્યાંરે ત્યાં તો કશુંક જુદું જ જોવા મળે છે. એટલે જ હંમેશા જ્યારે પણ આપણે કોઈને મળીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણે એક નવા જ માણસને મળીએ છીએ કારણ કે કાળનો પ્રવાહ આપણને અને સર્વ પ્રાણી – પદાર્થોને ક્ષણે ક્ષણે બદલી રહ્યો છે.

  મને એક વિચાર આવે છે કે આપણે ગુજરી જઈએ અને પછી આપણો પુનર્જન્મ થાય અને કદાચ આપણી સ્મૃતિ અકબંધ રહે અને આપણે આપણા ઘરે પહોંચી જઈએ અને પછી નવા દેહ સાથે જુના સંબધો મુજબ વર્તવાનો પ્રયત્ન કરીએ તો શું થાય ?

 22. ANANT PATEL says:

  A good story which brought me to my childhood.Thanks a lot for giving such a good story.

 23. @Divyang:

  “ઘણા વાચકો મારી સાથે સંમત થશે કે ધોરણ ૧૦ એ દરેક ના જીવન ઘડતર ના પાયા સમાન હોય છે.”

  હું તમારી સાથે સંમત છું દિવ્યાંગભાઈ … અને તમે કરેલું વાળંદસર વિશેનું વર્ણન પણ ખુબ મજાનું … મને મારા જયેન્દ્રસર યાદ આવી ગયા … !! અંગ્રેજી અને ગુજરાતી બંને વિષયો ૧૧ અને ૧૨ મા ધોરણોમાં ભણાવ્યા … અને સાહિત્યના રસને ખીલવ્યો …

  He is still one of my ideals and will continue to be one of them … !!

 24. ભાવના શુક્લ says:

  વાર્તા એક ઘડાયેલા શિક્ષકની કલમે લખાયેલી છે માટે દરેક શબ્દ આવનારા સમયની સાવચેતી ની વ્હિસલ વગાડતી વાર્તા ચાલી આવે ને એટલી સરસ પ્રવાહિતતા સાથે કે બસ જાણે હમણા કોઇ નવલકથાનુ રુપ લઈને બસ ચાલ્યા જ કરશે. જો કે સચ્ચાઈ અને વાસ્તવિકતાથી ભરેલી ભાવનાઓ ને કોઇ એક દિશાએ થી બાંધી ને અંત લાવી શકાય નહી..માટે જ ટૂંકી વાર્તા બની રહીને શ્રેષ્ઠત્વ જાળવે છે તેવી એક ઉત્તમ વાર્તા!!!

  વ્રજેશભાઈની અન્ય રચનાઓનો આસ્વાદ અહી કરતા રહીએ એવી મૃગેશભાઈને પ્રાર્થના જરુર કરીશુ.

 25. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ…..

 26. ANKUR B SHETH says:

  such a wonderful story….

 27. snehal says:

  સુન્દર્….

 28. Mahendra patel says:

  આ લેખ વાચતા મને એ અહેસસ થયો કે મારે પણ સમયાતરે વતન જવુ જોઇએ ક્દાચ મારી સાથે પણ……..

  મહેન્દ્ર પટેલ

 29. Ashish Dave says:

  Been there… happened to me. May be my expectations were too high!!! Forgot that expectations reduce joy.

  Fantastic story.

  Ashish Dave
  Sunnyvale, California

 30. Aakash Padhiyar says:

  ખુબ જ સરસ્…! હ્રદય સ્પર્શિ… અદભુત લેખ બદલ ધન્યવાદ્..!
  Hope to hear from you soon..!

 31. jatin patel says:

  vrajeshbhai –its very good story

  jatin patel

 32. bakul desai says:

  I started reading the story not expecting much. but i must say it kept me interested until the end. we all have probably some what similar experience, but vrajesh has told the story beautifully. very nice, keep it up.

 33. Dakshesh Soni says:

  Very nice one…….

 34. Rakesh Sharma says:

  ખરેખર અદભૂત વાર્તા એક જ નજરે સડસડાટ વાચી જવી પડી.

 35. Darshan dave says:

  vrajlalkaka it’s very nice story.actually u have returns lots of things.v all people should proud of u for your writing skill.keep it up

 36. Binit Patel says:

  Vrajesh Sir..Excellent story. All of my Bahadarpur memory has became alive again in this robot like american life.

  Binit Patel

 37. Jagruti says:

  ખુબ જ સુન્દર અને હ્રદયસ્પર્શી

 38. Akash Shah says:

  ખુબ સરસ ..

 39. Indra Desai says:

  Vrajlal,

  You have not lost your love for Bahadarpur and the people you grew up with. we all carry so much memory about our childhood. I just attended Bahadarpur picnic in N J and I was a stranger in my own people. They all welcomed me very well but I was meeting many of them after a long time and sometimes I could not recognise some of them.

  You will say how is this connected to the story you have written. Well, The events of childhood and the friendship as kids no longer exist. It is in memory only. Expecting anything different is our naitivity. We do not want to let go. and do not want to face the reality.

  I was happy to read your story.

  Indra B Desai
  San Antonio, Tx.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.