વડગામની વાટે – મૃગેશ શાહ

vadgam1

વર્ષાઋતુની સાંજનું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્યું હતું. બપોરથી સતત વરસતા એકધારા વરસાદે હવે થોડો પોરો ખાધો હતો. સંધ્યાના આગમનની છડી પોકારતા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ખેતરમાં ઊભા થયેલા બાજરીના ડૂંડા પવનથી મસ્તીમાં ડોલી રહ્યા હતા અને તેની વચ્ચે ધીમે પગલે ચાલતો મયૂર પોતાના મીઠા ટહુકાથી જાણે વર્ષાનું અભિવાદન કરી રહ્યો હતો ! બીજી તરફ, અસ્તાચળે આથમતો સૂરજ સંધ્યાની રંગોળી પૂરવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ આ ઘેરી વળેલી કાળાડિબાંગ વાદળોની ઘનઘોર ઘટા તેની રંગોળીના રંગોને અસ્તવ્યસ્ત કરી રહી હતી. વાદળોની ગડગડાહટ અને વીજળીના ચમકારાથી એમ લાગતું હતું કે હજુ મેઘરાજા જાણે ‘બીજા રાઉન્ડ’ની તૈયારી કરી રહ્યા છે ! પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા વડગામ તરફ જતાં રસ્તાની બંને બાજુ વેરાયેલું કૂદરતનું આ અફાટ સૌંદર્ય મનને તરબતર કરી રહ્યું હતું. ઉબડ-ખાબડ કાચા રસ્તા અને ગીચ ઝાડીઓમાંથી પસાર થઈને અમારી બાઈક ગ્રામ્ય વિસ્તારની સાંકડી એવી મુખ્ય સડક પર આવી પહોંચી હતી. આ સૂમસામ અને નિર્જન રસ્તા પરથી પસાર થતાં અમે પૂરઝડપે વડગામ તરફ જઈ રહ્યા હતાં.

અહીં ‘અમે’ એટલે હું અને નિતિનભાઈ પટેલ. પાલનપુરમાં આવેલી બનાસ ડેરીમાં ફરજ બજાવતા 38વર્ષીય નિતિનભાઈ અભ્યાસે કોમર્સ ગ્રેજ્યુએટ છે, વાંચન-રમતગમત-ઈન્ટરનેટ સર્ફિંગના તેઓ શોખીન છે – પરંતુ આ એમનો ખરો પરિચય નથી ! તેમના વિચારો અને તેમનું વ્યક્તિત્વ કંઈક નોખા પ્રકારનું છે. પોતે પ્રાપ્ત કરેલા શિક્ષણ અને જ્ઞાનનો ગામના વિકાસમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે એ માટેના તેમના સતત પ્રયાસો છે. તેઓ ઈચ્છે છે કે તેમના ગામવાસીઓ ફક્ત ભજન-કીર્તન અને શુષ્ક કર્મકાંડમાંથી બહાર નીકળીને વર્તમાન સમય સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે. પ્રત્યેક નાગરિક પોતાના પગ પર ઊભો રહી પગભર બને. વિકાસ અને વિજ્ઞાનનું સાયુજ્ય સધાય. પરંતુ આ બધું કરવું કેવી રીતે ? આમ આદમીના મગજમાં આ વાત કેવી રીતે ઉતારવી ? કઈ પ્રવૃત્તિથી આ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થઈ શકે ?

vadgam2વેલ, નિતિનભાઈ કંઈ ફંડફાળાની પાવતીબુક લઈને નીકળી પડતાં નથી ! તેઓએ વિકાસનું મંગલાચરણ પોતાનાથી કર્યું. નોકરીના સમયબાદ નવરાશની પળોમાં મનુભાઈ પંચોળીથી માંડીને ગુણવંત શાહ અને છેક ડૉ. આઈ.કે. વીજળીવાળાના ચિંતન અને જીવનપ્રેરક લેખો વાંચ્યા અને વિચાર્યા. ગ્રામવિકાસ માટે શિક્ષણ, બાળવિકાસ અને સ્વચ્છતા જેવી પાયાની બાબતોનો અભ્યાસ કર્યો. એ પછી બીજા તબક્કામાં તેઓએ ‘ઈન્ટરનેટ’નો સહારો લીધો. વડગામમાં ઘરે બેઠાં કૉમ્પ્યુટર અને ‘ડાયલ-અપ’ કનેકશન દ્વારા કલાકો સુધી નેટ-સર્ફિંગ કરીને મહત્વની માહિતી એકઠી કરી. તેવામાં એક દિવસ એમને મળી www.nabuur.com નામની એક વેબસાઈટ, કે જે ગ્રામીણ વિકાસ અને સમાજસેવાના કામો કરવા ઈચ્છનાર લોકોનું આંતરાષ્ટ્રીય સ્તરનું એક ‘કોમ્યુનીટી નેટવર્ક’ છે. આ નેટવર્કમાં જોડાયેલા લોકો ગ્રામવિકાસ માટે એકબીજા સાથે માહિતી અને વિચારોનું આદાનપ્રદાન કરે છે. ભારતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો તેમાં જોડાયેલા છે તેવી જાણ થતાં નિતિનભાઈએ તેમાં જોડાઈને પોતાના ગામનો પરિચય તે વેબસાઈટ પર મૂક્યો : http://www.nabuur.com/en/village/vadgam વડગામના વિકાસ માટે આયોજનબદ્ધ કાર્ય કેવી રીતે કરી શકાય તે બાબતે તજજ્ઞોના સૂચનો મેળવ્યાં અને એમ કરતાં એમનો સંપર્ક નેધરલેન્ડના વતની અને તે વેબસાઈટના મેનેજર ‘મિ. પીલે’ સાથે થયો.

અહીંથી નિતિનભાઈના કાર્યક્ષેત્રનો એક નવો અધ્યાય શરૂ થયો. મિ. પીલેએ તેમને મિત્ર તરીકે એક આખો પ્રોજેક્ટ તૈયાર કરી આપ્યો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા તેઓએ નાનામાં નાની વિગતને ધ્યાનમાં લઈને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું. માત્ર એટલું જ નહિ, નિતિનભાઈના નિમંત્રણથી તેઓ ભારતની મુલાકાત દરમ્યાન તેમની પત્ની સાથે ત્રણ દિવસ વડગામ આવીને રોકાયા અને ભારતીય સંસ્કૃતિ, ગ્રામવ્યવસ્થા, પાયાની જરૂરિયાતો અને શિક્ષણ વિશે વિગતે અભ્યાસ કર્યો. ગામવાસીઓના પ્રેમ અને આદરથી અભિભૂત થઈને વિદાય લેતાં આ દંપતી સજળનેત્રે બોલી ઊઠ્યું કે : ‘અમને તો એમ લાગ્યું કે અમે જાણે આ ગામના ઈશ્વર બની ગયા છીએ ! એટલો સદભાવ અમને અહીં મળ્યો છે જે દુનિયાના પટ પર અમે ક્યાંય જોયો નથી.’

મિ.પીલેની મુલાકાત બાદ તેમના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગથી ગામના શિક્ષિત અગિયાર નવયુવાનોની એક કમિટિ બની અને પરિણામે નિતિનભાઈના નેતૃત્વ હેઠળ રચાયું : ‘વડગામ સોશિયલ ઍન્ડ વેલફેર ટ્રસ્ટ’. શિક્ષણ, બાળઉછેર, સ્વચ્છતા અને રમતગમતના પાયાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટ દ્વારા વડગામમાં સૌથી પહેલી પ્રવૃત્તિ યોજાઈ : ‘ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ’. યુવાનોને ઉત્સાહિત કરીને તેમને શારીરિક રીતે સ્ફૂર્ત કરે તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના ગામની 20 થી 25 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સૌ ગામવાસીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઊમટી પડ્યા. આ કાર્યક્રમની અદ્દભુત સફળતા બાદ થોડાક મહિનાઓ પછી એક ‘ચિત્ર સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું; જેમાં 37 જેટલા બાળકોએ ભાગ લઈને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો આનંદ મેળવ્યો. ઈન્ટરનેટ પર મૂકાયેલા આ ચિત્રોથી પ્રભાવિત થઈને અમેરિકાના એક મુરબ્બીએ તેને ‘ઓનલાઈન આર્ટ ગેલેરી’માં સ્થાન આપ્યું. એ પછી તો વડગામમાં અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ સતત યોજાતી રહી. આજે શિક્ષણ-વિકાસની વાત હોય કે ગૃહઉદ્યોગ હોય, બાળકોનો કેમ્પ હોય કે પછી ભાદરવી પૂનમે પગપાળા જતાં યાત્રિકો માટે મફત ચા-નાસ્તો હોય – સૌ પ્રકારના કામો માટે ગામના યુવાનો કટિબદ્ધ થઈને ઉત્સાહપૂર્વક કામે લાગી જાય છે. ઈન્ટરનેટ દ્વારા નિતિનભાઈની આ પ્રવૃત્તિઓ વિશે દેશ-વિદેશના અનેક લોકો જાણતાં થાય છે અને તેના પરિણામે તેમને યોગ્ય આર્થિક મદદ પણ મળતી રહે છે. વિવિધ પ્રવૃત્તિઓના આ ક્રમમાં એક દિવસ નિતિનભાઈને ‘સાહિત્ય’ વિશે કંઈક કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર સ્ફૂર્યો અને તેમનો મારી સાથે સંપર્ક થતાં વડગામ ખાતે ચાલુ માસમાં સૌપ્રથમ વાર ‘કેળવણી અને સાહિત્ય’ વિશેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વક્તવ્ય આપવા માટે એક વરસાદી સાંજે હું તેમની સાથે બાઈક પર સૂમસામ અને નિર્જન રસ્તેથી પસાર થતાં વડગામ તરફ જઈ રહ્યો હતો.

પ્રકૃતિના સાંનિધ્યમાં ખૂલ્લાં ખેતરો વચ્ચે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચીને અમે વાળુ કરીને આંગણામાં ખાટલાઓ ઢાળીને બેઠા. વાદળોના ગડગડાટની સાથે મંદ મંદ હવા વહી રહી હતી. ખેતરેથી પાછા ફરેલા શ્રમિકો ઘડીક આરામ ફરમાવી રહ્યા હતા. સામેની ઓસરીમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. દેવતા પર શેકાતા મીઠા રોટલાની સોડમ ચોમેર પ્રસરી રહી હતી. રાત્રિના અંધકારને કારણે આસપાસનું કુદરતી સૌંદર્ય નજરે ચઢે તેમ નહોતું પરંતુ મોરના ટહુકાઓ એ વાતની સાક્ષી પૂરી રહ્યા હતા કે સવાર માણવા જેવી હશે ! એટલામાં ‘એ મે’માન આવ્યા છે ચાલો રામ-રામ કરી આવીએ…’ કહેતાં કેટલાક ગામવાસીઓ મળવા આવી પહોંચ્યા. ‘ક્યારે આવ્યા ? અમારું ગામ કેવું લાગ્યું ? કેટલું રોકાશો, સાહેબ ?’ એમ કહી તેઓ પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરી રહ્યા હતા. તેમના ગામમાં આવતીકાલે કોઈ વિશેષ કાર્યક્રમ છે એવો ઉત્સાહ તેમના મુખ પર તરવરી રહ્યો હતો. સ્થાનિક શાળાના શિક્ષક, ગોપાલક, ગામના મુખ્ય વડીલો અને કેટલાક નવયુવાનો એક પછી એક મળવા આવી રહ્યા હતાં. ત્યાં તો અચાનક આંધી-પવન સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો. ભારે વરસાદને કારણે વીજળી ડૂલ થતાં જાણે તમામ ભૌતિક વસ્તુઓનો આંચળો ફગાવીને માનવજીવન ફરીથી તેની પ્રાકૃતિક સપાટી પર કેવળ મૈત્રી અને પ્રેમના આધારે મહોરી રહ્યું હોય એવી અનુભૂતિ અંતરમાં થઈ રહી હતી.

vadgam3અ…હા ! બીજા દિવસની એ સવારનું શું અદ્દભુત સૌંદર્ય હતું ! પ્રકૃતિની ગોદમાં રહેલું આ નાનકડું વડગામ જાણે આળસ મરડીને ધીમે ધીમે બેઠું થઈ રહ્યું હતું. સૂર્યોદયનું દ્રશ્ય જ એવું અનુપમ લાગી રહ્યું હતું કે જાણે આ પૃથ્વીના પટ પર આપણે પહેલીવાર સૂર્યોદય જોઈ રહ્યા હોઈએ ! સ્વચ્છ ખુલ્લાં આકાશની સાથે વાતો કરતાં વિશાળ ખેતરો સવારની તાજગીથી સ્ફૂર્તિમાં ડોલી રહ્યા હતા. ખિસકોલીઓની દોડાદોડ, પતંગિયાઓની ચંચળતા, કબૂતરોની મદમસ્ત ચાલ અને કાબરોની કલબલથી વાતાવરણ ભર્યું ભર્યું લાગી રહ્યું હતું. ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ પાછળના વાડાને પોંખતા ઘરની આરપાર નીકળીને છેક આગળના આંગણાં સુધી પહોંચી રહ્યું હતું. આસપાસમાં વસતા ખેડૂતો તો પ્હો ફાટતાં પહેલાં જ ખેતરોમાં જઈ પહોંચ્યા હતાં. ગ્રામીણ મહિલાઓ માથે બેડાં મૂકીને પીવાનું પાણી લાવી રહી હતી. પશુપાલકો દૂધકેન્દ્રમાં દૂધ જમા કરવાવા માટે માથે દૂધનું કેન મૂકીને સાંકડી કેડીઓ પરથી પસાર થઈ રહ્યાં હતાં. સવારના આ સૌંદર્યને મોકળા મને માણવા અમે નિતિનભાઈના એક મિત્રના ખેતરે જઈ પહોંચ્યા. ગામની સીમનો વિસ્તાર, વિવિધ પ્રકારના વૃક્ષો અને કળા કરતા મોરના સૌંદર્યનું રસપાન કરતાં અમે માટીથી લીંપેલી મઢૂલીએ પહોંચ્યા. ખુલ્લા આકાશ નીચે ખેતરોના ખોળે વૃક્ષની છાયામાં રાખેલા ખાટલા પર બેસીને સવારની ચાનો આનંદ માણ્યો. જુદા-જુદા પ્રકારની ગાયો, શિયાળુ-ઉનાળુ પાકો, ગામની સીમાડાના વિસ્તારો અને વરસાદના પાણીથી જમીનની ફળદ્રુપતામાં થતા ફેરફાર વિશે માહિતી મેળવી. તેમના મિત્રે ખૂબ આદર સાથે આસપાસના વિસ્તારોની મુલાકાત કરાવી. વેદકાળના કોઈ તપસ્વી ઋષિના આશ્રમ જેવી શાંતિ ચોપાસ પથરાયેલી હતી. આવી સુંદર સવારનું આકંઠ પાન કરીને અમે ઘરે પરત ફર્યાં. પ્રાત:કર્મથી પરવારી, સવારનો પૌષ્ટિક નાસ્તો આરોગીને કાર્યક્રમનો સમય થતાં અમે સૌ નિર્ધારિત સ્થળે પહોંચ્યા.

હૉલ પર પહોંચતા જ સરપંચશ્રી, ગામના અગ્રણીઓ તથા વડીલોએ પ્રેમભર્યો આવકાર આપ્યો. નક્કી થયેલા ક્રમ મુજબ પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ. સૌ પ્રથમ મંચસ્થ સૌ વક્તાઓ તેમજ મહાનુભાવોનું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. 100થી પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામવાસીઓએ સૌ વક્તાઓનું અભિવાદન કર્યું. ત્યારબાદ નિતિનભાઈએ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ આ પહેલા યોજાયેલા કાર્યક્રમોનો ટૂંકો પરિચય આપ્યો. ગામવિકાસની પ્રવૃત્તિઓમાં જોડાયેલા તમામ યુવાનોનું તેમણે સ્મરણ કર્યું. ત્યાર પછીથી આંતકવાદીઓ અને ગુનેગારોને પકડવામાં જેમણે અપ્રતિમ સાહસ અને કૌશલ્ય દાખવ્યા છે તેમજ જેમને ચાલુ વર્ષે ‘રાષ્ટ્રપતિ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે એવા શ્રી દાનસિંહજી સોલંકીનું ગામના ગૌરવવંતા વ્યક્તિ તરીકે શાલથી સન્માન કરવામાં આવ્યું. તેમણે પોતાના વક્તવ્યમાં ગામવાસીઓને નિર્ભય સાથે જાગૃત રહેવાની વાત કરી અને આ સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. એ પછી ‘કેળવણી અને સાહિત્ય’ની ભૂમિકા બાંધતા પાલનપુરના વતની એવા શ્રી ભરતભાઈ શાહે વિકાસ માટે વાંચનની અનિવાર્યતા સમજાવી. તેમના દ્વારા પાલનપુરમાં શરૂ કરાયેલ ‘જ્ઞાન પરબ’નો અનુભવ વિસ્તારથી વર્ણવ્યો અને બાળકોને વાંચન પ્રતિ જાગૃતિ આવે તેવી રસપ્રદ વાતો સરળ ઉદાહરણથી તેમણે ગામવાસીઓને સમજાવી.

vadgam4હવે મુખ્ય વક્તા તરીકે મારે ‘કેળવણી અને સાહિત્ય’ વિશે કેટલીક વાતો રજૂ કરવાની હતી. વાતની શરૂઆત કરતાં મેં કહ્યું કે : ‘વડગામ એ વિજ્ઞાન અને પ્રકૃતિનો સમન્વય કરતું ગામ હોય તેમ લાગી રહ્યું છે; કારણ કે અહીં પ્રકૃતિ સાથેનો નાતો અકબંધ જળવાયો છે અને સાથે વિજ્ઞાનની આંગળી પકડતાં ઉપકરણો જેવા કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરેથી ગામ સુસજ્જ બની રહ્યું છે. આથી આ વડગામ માટે ખરેખર ‘વડ-ગામ’ નહીં પરંતુ ‘વડ-નગર’ શબ્દ પ્રયોજવો વધારે ઉચિત લાગે છે. જેવી રીતે ઉત્તરપ્રદેશને ટૂંકમાં આપણે ઉ.પ્ર કહીએ છીએ તેમ વડગામમાં રહેલો ‘વડ’ શબ્દ એ જાણે ‘વન્ડરફૂલ ડેવલપમેન્ટ’ નું ટૂંકું રૂપ હોય એમ લાગે છે !’ શિક્ષણ, કેળવણી અને સાહિત્ય વિશે વાત કરતાં મેં જણાવ્યું કે ‘શિક્ષણ તો પાયાનું અનિવાર્ય અંગ છે. પ્રથમ પગથિયું છે. એના વિના વિકાસની કલ્પના ન થઈ શકે. પરંતુ એ શિક્ષણ જ્યારે વર્ગખંડો, વિષયો અને કલાકોની સમયમર્યાદામાંથી બહાર નીકળીને જ્યારે સતત ચાલતી એક પ્રક્રિયા બને છે ત્યારે તે કેળવણી તરીકે ઓળખાય છે. કેળવણી એટલે કશુંક સતત ઘૂંટાતું તત્વ. જે આપણા જીવનને લોટની કણકની જેમ કેળવીને આપણને સ્થિતિસ્થાપક બનાવી દે તે જ સાચી કેળવણી. શિક્ષણનું સાર્થક્ય કેળવણીમાં છે. ફક્ત વંચાય નહીં, પરંતુ વાંચેલું અનુભવાય અને આચરી શકાય એટલી જે ઊંચાઈ બક્ષે તેનું નામ કેળવણી. સાહિત્ય એ કેળવણીનું સાધન બને છે. તેનું વાંચન આપણને શિક્ષણમાં કેળવણી ઉમેરતાં શીખવાડે છે. તે ‘સ્વ’ થી ‘સર્વ’ સુધી પહોંચવાની આપણને ચાવી બતાવે છે. જીવનનું યથાર્થ દર્શન રજૂ કરે છે. આથી, સાહિત્યનું વાંચન એ જીવનનું એક અનિવાર્ય અંગ બની રહે છે.’ આ સંદર્ભમાં કેટલાક સરળ દ્રષ્ટાંતો આપીને મેં ‘કેળવણી અને સાહિત્ય’ નો અર્થ સામાન્ય માનવી સમજી શકે તે રીતે સ્પષ્ટ કરવાની કોશિશ કરી. છેલ્લે, જીવનના વિકાસમાં સાહિત્યની ભૂમિકા અને તેનું મહત્વ સમજાવતાં મેં વાત પૂરી કરી અને સમગ્ર કાર્યક્રમ બપોરે બાર વાગ્યે સરસ રીતે સંપન્ન થયો.

નિતિનભાઈના આ કાર્યને બિરદાવીને, તેમના પરિવાર સાથે સમૂહ-ભોજન લઈને હું બપોરે પરત ફરી રહ્યો હતો ત્યારે મનમાં થયું કે જો દરેક ગ્રામ્ય વિસ્તારને આવા એક ‘નિતિનભાઈ’ મળી જાય તો વિકાસની પ્રક્રિયાનો વેગ કદાચ બમણો થઈ જાય. પોતાની નોકરી અને પરિવારની જવાબદારીઓ છતાં એક સામાન્ય વ્યક્તિ તરીકે સમાજ માટે નિષ્ઠાપૂર્વક કંઈક કરી છૂટવાની અસામાન્ય તૈયારી સાથે સતત આગળ વધી રહેલા નિતિનભાઈ સાચે જ ધન્યવાદને પાત્ર છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા શિક્ષિત નવયુવાનો માટે નિતિનભાઈના કાર્યો એક આદર્શરૂપ બની રહેશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. સમાજ સેવાનું કાર્ય કરી રહેલા ‘વડગામ સોશિયલ ઍન્ડ વેલફેર ટ્રસ્ટ’ના સૌ નવયુવાનોને અભિનંદન અને તેમના આ કાર્યોની સુવાસ ચોમેર પ્રસરતી રહે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

[ આપ નિતિનભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9879595732.  સરનામું : નિતિન એલ.પટેલ, મુકામ : લક્ષ્મણપુરા (વડગામ), પોસ્ટ તાલુકો : વડગામ-385410 જિલ્લો. બનાસકાંઠા.]

[ વડગામનો વૈભવ – ફોટો આલ્બમ – ક્લિક કરીને ચિત્રને મોટા સ્વરૂપે જોઈ શકાય છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અલવિદા – વ્રજેશ આર. વાળંદ
ત્યારે કરીશું શું ? – લિયો ટોલ્સટોય Next »   

36 પ્રતિભાવો : વડગામની વાટે – મૃગેશ શાહ

 1. nayan panchal says:

  મૃગેશભાઈ,

  તમે તો અમને પણ વડગામની યાત્રા કરાવી દીધી.

  કેળવણી અને શિક્ષણ વિશેના તમારા વિચારો સર્વથા યોગ્ય. દરેક ગામને ગોકુળ ગ્રામ બનાવવા માટે આર્થિક સહાય્, પુસ્તકાલય (સાહિત્યપૂર્તિ માટે) , સારા શિક્ષક અને એક ‘નિતિનભાઈ’ની જરૂર છે.

  નિતિનભાઈ અને વડગામ ઉત્તરોઉત્તર પ્રગતિ કરતા રહે એવી પ્રભુપ્રાર્થના.

  નયન

  “જે આપણા જીવનને લોટની કણકની જેમ કેળવીને આપણને સ્થિતિસ્થાપક બનાવી દે તે જ સાચી કેળવણી. શિક્ષણનું સાર્થક્ય કેળવણીમાં છે. ફક્ત વંચાય નહીં, પરંતુ વાંચેલું અનુભવાય અને આચરી શકાય એટલી જે ઊંચાઈ બક્ષે તેનું નામ કેળવણી. સાહિત્ય એ કેળવણીનું સાધન બને છે. તેનું વાંચન આપણને શિક્ષણમાં કેળવણી ઉમેરતાં શીખવાડે છે. તે ‘સ્વ’ થી ‘સર્વ’ સુધી પહોંચવાની આપણને ચાવી બતાવે છે. જીવનનું યથાર્થ દર્શન રજૂ કરે છે.”

 2. Niraj says:

  ખુબજ સુંદર…

 3. patel mehul says:

  It really nice to see that some body else understand my village Vadagam and represent its beauty in such a nice way and after your visit I understand the meaning of the line
  ”if there a will then there is a way”

  I really want to express my great sense of thank to Mr.Mrugesh Shah.

 4. Kaushik says:

  રોજિન્દા જિવન દરમિયાન નવરાસ સમય કાઢવો મુશ્કેલ છે.પરન્તુ ગામના વિકાસ તેમજ કેળવણી માટે જે ભગીરથ પગલુ માડ્યુ તે બિરદાવવા પાત્ર છે.
  નીતિનભાઇ તથા ‘વડગામ સોશિયલ ઍન્ડ વેલફેર ટ્રસ્ટ’ના સૌ નવયુવાનોને અભિનંદન.

  કૌશિક રાઠોડ
  ગોળા ગામ સે

 5. Paresh says:

  ખુબ સુંદર. નીતિનભાઈ ને વડગામના યુવાનોને અભિનંદન. મૃગેશભાઈનો પણ આભાર કે આવો સુંદર પરિચય કરાવ્યો.

 6. ઉદાહરણરૂપ કાર્ય … !!

 7. અતુલ જાની (આગંતુક) says:

  જ્યોત સે જ્યોત જલાતે ચલો
  પ્રેમકી ગંગા બહાતે ચલો

  એકાદ પ્રગટેલ દિવો નિર્ધાર કરી લે કે બસ હવે ગમે તે થાય પણ મારે આ જગને ઉજાળવું છે અને પછી શરુ થાય તેનો મહાન કર્મયજ્ઞ. પછી તે વડગામના નિતિનભાઈ (આમ તો તેમનું નામ નિતેષભાઈ છે) હોય કે વડોદરાના મૃગેશભાઈ, નિષ્ઠાવાન અને શૂરવિર દાનસીંહભાઈ હોય કે પાલનપુરના ભરતભાઈ હોય કે વળી મી.પિલ્લે હોય. પણ કાઈક કરી છુટવાની તમન્ના સાથે આ દિવડાઓ ફરી વળે છે અને ધીરે ધીરે ચારે બાજુ ઉજાસ પથરાતો અનુભવાય છે.

  સર્વેને હ્રદયપૂર્વક અભીનંદન.

 8. pragnaju says:

  સુંદર.
  મૃગેશભાઈ,નીતિનભાઈ ને વડગામના યુવાનોને અભિનંદન.

 9. ભાવના શુક્લ says:

  આગળના એકલતાના લેખ પછી આ લેખ કેટલો યોગ્ય અને જરુરી હતો તે મૃગેશભાઈની સમજને સલામ કરવાનુ મન થઈ ગયુ… પ્રવૃત્તિને કોઇ નાત જાત કે અલગ નિયમો નથી હોતા. ક્યાયથી પણ શરુ કરો ને પછી બસ બધુ હર્યુ ભર્યુ..
  નિતિનભાઈ જે રીતે સમયને સુંદર રીતે વાવી રહ્યા છે તેનુ ફળ આખુ વડગામ પુરા સહયોગથી ભોગવે અને માણે છે.
  ફોટો આલ્બમથી એ દરેક ક્ષણોની સાબીતીતો જાણે આપણેજ વ(ન્ડરફુલ્)ડ ગામ જઈ આવ્યા હોય તેટલો આનંદ મળે છે. આનંદ એ પણ થયો કે ભલુ થજો એ ક્ષણ નુ કે મારા પુત્ર માટે ઓન લાઈન ગુજરાતી દેશી હીસાબ શોધતા શોધતા રીડગુજરાતી મળ્યુ અને ત્યારથી લગભત સદાય ગુજરાત અને ગુજરાતી ની સાથે સાથે… અમે તો અહી વિદેશમા પણ એકલાતો ક્યારેય નથી.

 10. manvantpatel says:

  ભાઇશ્રી મૃગેશભાઇ અને નિતીનભાઇના પ્રયત્નોને સલામો !
  સારા આશયથી શરુ કરેલું કોઇ કાર્ય નિષ્ફળ નથી થતું !
  મનવતનાં શુભેચ્છાસહ હાર્દિક અભિનંદનો ! જય વડગામ !

 11. રેખા સિંધલ says:

  સુંદર ફોટોગ્રાફી ! અને અહેવાલ માટે પણ આભાર મૃગેશભાઈ !

 12. નિતિનભાઇને ઇન્ટરનેટ પર મળ્યો .. તેમની સાથે ફોન પર વાતો કરી .. ‘‘ વિકાસ” અંગેની તેમની સમજ, તેમના ઉત્સાહથી થઇ રહેલી વિવિધ કાર્યોમાં દેખાય છે. લેખકે કરેલ વર્ણન ખરેખર વન્ડરફૂલી ડેવેલોપીંગ એવા વડનગરની મુલાકાત લેવા પ્રેરે એવું છે. નિતિનભાઇ અને તેમની ટીમને ઘણી ઘણી શુભેચ્છાઓ ..

 13. સુંદર કાર્ય માટે શુભેચ્છાઓ…

 14. Pelle Aardema says:

  It’s wonderful to see your project on this website.
  Keep up the good work!

  Pelle Aardema
  the Netherlands

 15. rutvi says:

  અમને પણ વડગામની ને તેમના તારણહાર(નિતિનભાઇ) ની મુલાકાત લેવાનુ મન થઇ ગયુ ,
  પણ અમે સાત સાગર પાર ના વતની ,

  પરંતુ મ્રુગેશ ભાઇ , તમારા લખાણ અને ફોટોગેલરી થી સંતોષ થયો ,

 16. nilam doshi says:

  સરસ કાર્યનો એટલો જ સરસ પરિચય…આજે સમાજમાં આવા નિતિષભાઇઓની ખૂબ ખૂબ જરૂર છે. તેમને અભિનંદન સાથે સલામ…

  મૃગેશભાઇને પણ ખૂબ અભિનંદન..આવા સુન્દર કાર્યની જાણ લોકો સુધી પહોંચવી જ જોઇએ.

 17. Ramesh P.judal, Hasmukh Patel says:

  વિકાસ” અંગેની તેમની સમજ, તેમના ઉત્સાહથી થઇ રહેલી વિવિધ કાર્યોમાં દેખાય છે. લેખકે કરેલ વર્ણન ખરેખર વન્ડરફૂલી ડેવેલોપીંગ એવા વડગામની મુલાકાત લેવા પ્રેરે એવું છે. નિતિનભાઇ અને તેમની ટીમને ઘણી ઘણી શુભેચ્છાઓ ..
  આજે સમાજમાં આવા નિતિનભાઇઓની ખૂબ ખૂબ જરૂર છે.

  સરસ કાર્યનો એટલો જ સરસ પરિચય ….
  સુંદર ફોટોગ્રાફી ….
  ‘સ્વ’ થી ‘સર્વ’ સુધી અભિનંદન સાથે સલામ…નિતિનભાઇ

  Pimpali Village Se R.P.Judal
  Malan Village Se H.O.Patel

 18. Ashish Dave says:

  Great work Nitinbhai. Hope more will learn from you around the world. Talk is cheap. Actions are difficult. (we have enough examples from New Delhi to Gandhinagar) You are standing for something and there fore you are a winner. You have a class.

  Next to doing a right thing the most important thing is to let people know you are doing a right thing. Thank you Mrugeshbhai for posting the article with pictures.

  Ashish Dave
  Sunnyvale, California

 19. maurvi pandya vasavada says:

  congratulations to Nitinbhai and Mrugeshbhai…
  “Effort is important, but knowing where to make an effort in your life makes all the difference………”

 20. Priti Patel says:

  બહુ સરસ્…આજના વ્યસ્ત જિવનમા પરિવારિક જ્વાબદારિઅઓથી ભાગતા લોકો વચાળે સમાજિક જવબ્દરિ ઉથાવિલે એવા લોકો મળે….ઘણ કેવાય્….

  keep it up…. friends.

 21. Jayesh Mewada says:

  Great effort. Not all can do the same.
  All the best to Nitinbhai

 22. Milind says:

  આ એક એવુ ઘરેનુ છે કે જેનુ મુલ મત્ર એન ઝવેરી ને જ ખબર પડે. ગુજરતી સહિત્ય ના આ ઘરેણા ને ઘડવા માતે મ્રુગેશ ભાઈ તમારો ખુભ ખુબ આભાર.

 23. kanu yogi says:

  ંMany many thanks for your so nice article about your visit to vadgam.Nitinbhai and his activities are tremendous. many many congratulations to him. Mrugeshbhai ,please continue to visit so loving people and so loving places so we can read more and more about the people living in the a small places but doing the supirior work without any bar of language ,religion , caste etc. people like nitinbhai are doing the work which are very much needed in this time. once again congrats to you and nitinbhai too.

  kanu yogi , rajpipla , gujarat [ kankabaji@gmail.com ]

 24. kanu yogi says:

  સરસ ફોટાઓ ,સરસ લેખ, મઝા આવી.
  કનુ યોગી, રાજપીપલા, નમૅદા.

 25. Vimal Patel says:

  Dear Mr.Nitin,

  It is really a matter of great pleasure as well as proud to know about you all. And specially the task you are heading is wonderfull towards the Hometown Vadgam. This the way by which something can be achieved and atleast can take a way to develope the entire society. Keep your moral up by the same way, May God bless you.

  Keep in touch by email.

  Vimal Patel(Vadgam)
  Kuwait (At present)

 26. jigneshshah says:

  Dear Nitinbhai

  i read this article. i like it very much.
  i want to visit your village if u r
  invite.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.