ત્યારે કરીશું શું ? – લિયો ટોલ્સટોય

[જે પુસ્તકની પ્રસ્તાવના મહાત્મા ગાંધીજી અને કાકાકાલેલકર સાહેબે લખી હોય, જેનું સંપાદન સાહિત્યના આજીવન ભેખધારી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હોય અને લોકમિલાપ જેવા ટ્રસ્ટે જેનું પ્રકાશન કર્યું હોય તે પુસ્તકનો વળી પરિચય શું આપવો ? શ્રી નરહરિભાઈ પરીખ દ્વારા અનુવાદિત થઈને સંક્ષેપ રૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન કેવી રીતે ફેરવ્યું તેની સળંગ ગાથા છે. પરંતુ અહીં તેમાંના શરૂઆતના બે પ્રકરણો સાભાર પ્રકાશિત કરવામાં આવે છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

tyarekarisusu2[1] મોસ્કોના ભિખારી

મેં આખું આયુષ્ય ગામડાંમાં ગાળેલું, એટલે 1881માં હું મોસ્કો શહેરમાં રહેવા ગયો ત્યારે ત્યાંની શહેરી ગરીબાઈ જોઈ તાજુબ થયેલો. ગામડામાં ગરીબાઈ કેવી હોય છે તે હું જાણતો હતો, પણ આ શહેરી ગરીબાઈ મેં નવી જોઈ. મારી સમજમાં એ ઊતરતી જ નહોતી. મોસ્કોની શેરીઓમાં તમે નીકળો અને તમને ભિખારીઓ ન મળે, એમ બને જ નહીં; અને ગામડાંમાં જોવામાં આવે છે તેનાથી જુદી જ જાતના આ ભિખારી હોય છે. મોસ્કોના ભિખારીઓ હાથ લંબાવીને ભીખ માગતા ફરતા નથી પણ તેની પાસે થઈને તમે પસાર થાવ ત્યારે તમારું ધ્યાન ખેંચવાની કોશિશ તે કરશે; અને તમારી નજર પારખીને તમારી પાસે માગશે અથવા નહીં માગે.

પહેલાં તો મને એ જ સમજાય નહીં કે શા માટે મોસ્કોના ભિખારી છડેચોક માગતા નહીં હોય; પાછળથી તેનું કારણ સમજાયું. એક દિવસ હું ગલીમાં થઈને જતો હતો, ત્યાં એક પોલીસનો માણસ કોઈ ચીંથરેહાલ ગામડિયાને પકડીને ટાંગામાં બેસાડતો હતો. એને ઉપાડી જવાનું કારણ મેં તે પોલીસને પૂછ્યું.
પોલીસ કહે : ‘એ ભીખ માગે છે.’
‘માગવાની મનાઈ છે ?’
‘છે સ્તો !’ પોલીસે જવાબ આપ્યો.
ભિખારીને ટાંગામાં લઈ જવામાં આવ્યો. બીજો ટાંગો લઈને હું તેમની પાછળ ગયો. ભીખ માગવાની ખરેખર જ મનાઈ છે કે કેમ, અને હોય તો એ મનાઈનો શી રીતે અમલ કરવામાં આવે છે, તે મારે જોઈ લેવું હતું. એક માણસ બીજા માણસ પાસે કંઈક માગે એમાં તેને શીદને રોકવામાં આવે, એ મારી બુદ્ધિમાં ઊતરતું ન હતું. વળી મોસ્કોમાં એટલા બધા ભિખારીઓ જોવા મળતા હતા કે અહીં ભીખની બંધીનો કાયદો હશે એમ મારા મનને હું મનાવી જ શકતો ન હતો. પેલા ભિખારીને પોલીસ જે ચોકીમાં લઈ ગયો તેમાં હું પણ ગયો. ત્યાં તલવાર અને બંદૂકવાળો એક જણ મેજની પછવાડે બેઠો હતો. મેં તેને પૂછ્યું : ‘આ ગામડિયાને શું કામ પકડવામાં આવ્યો છે ?’ તલવાર ને બંદૂકવાળો મારી સામે કરડી નજર ફેંકી બોલ્યો : ‘તેનું તમારે શું કામ છે ?’ છતાં, મને કંઈક ખુલાસો આપવો જોઈએ એમ તેને લાગ્યું હશે એટલે, પાછો બોલ્યો : ‘સરકારનો હુકમ છે કે આવા લોકોને પકડવા, એટલે તેને પકડવો પડ્યો છે.’

આ પ્રસંગ પછી તો કેટલીયે વાર પોલીસના માણસો ભિખારીઓને ચોકીમાં પકડી જતા મારા જોવામાં આવ્યા છે. તમે જે રસ્તા પર જાવ, ત્યાં ભિખારીની ટોળીઓ મળવાની જ. દેવળોમાં પ્રાર્થના ચાલતી હોય ત્યારે તેની સામે ભિખારીઓની ઠઠ જામી ગઈ હોય છે. તેમ છતાં, આ બધું જોતાં મને માલૂમ પડ્યું કે, કાયદા મુજબ એમાંના કોઈ ભીખ માગી ન શકે. પણ તો પછી કેટલાકને પકડીને પૂરી દેવામાં આવે છે, અને બીજાઓ છૂટા ફરે છે – એમ કેમ ? એ વાત મને સમજાતી નહોતી. શું ભિખારીઓમાંયે કેટલાક કાયદેસરના ને કેટલાક ગેરકાયદે ભિખારી હશે ? અથવા શું એ લોકો એટલા બધા છે કે એમને તમામને પકડવાનું શક્ય નથી ? કે પછી શું જેમને પકડવામાં આવે છે તેમનું સ્થાન બીજા નવા તરત લઈ લેતા હશે ? આ ભિખારીઓમાંના ઘણા તો સીધાસાદા ગામડિયા હોય છે. મને એવા ઘણી વાર મળેલા છે. કેટલાક અહીં શહેરમાં આવીને માંદા પડવાથી ઈસ્પિતાલમાં દાખલ થયેલા, અને સાજા થતાં તેમને ત્યાંથી રજા મળેલી; પણ એ ન રોટલો રળી શકે તેમ હતા કે ન તો મોસ્કો છોડીને જઈ પણ શકે. કેટલાકને વળી વધારામાં પ્યાલીનો ચટકો લાગેલો. આગ લાગવાથી જેમનાં ઘરબાર બળી ગયેલાં એવા પણ કેટલાક હતા. કોઈક બચરવાળ બાઈઓ હતી. ઘડપણથી અશક્ત બનેલાંયે તેમાં હતાં. તો કેટલાક સાજાસારા ને કામ કરી શકે તેવાં લોકો પણ હતાં.

ગામડાના સાજાનરવા ખેડૂતો આમ ભીખ માગે, એ જોઈને મને તેનું કારણ જાણવાની જિજ્ઞાસા થતી. કારણ, હું મોસ્કોમાં આવ્યો ત્યારથી મેં નિયમ રાખ્યો હતો કે રોજ એક ટેકરી પર જઈ, ત્યાં લાકડાં વહેરતા બે ગામડિયાની સાથે, કસરત ખાતર, કામ કરવું. રસ્તામાં મળતા ભિખારીઓની જેમ એ બે પણ ગામડેથી આવેલા હતા. એકનું નામ પીટર. બીજાનું સીમન. તેમની માલમિલકતમાં તેમણે પહેરેલાં કપડાં અને તેમના બે-બે હાથ, એટલું જ હતું. એ બાવડાં વડે આકરી મહેનત કરીને એ લોકો રોજના 40-45 કોપેક જેટલું રળી લેતા, અને તેમાંથી કાંઈક બચત પણ કરતા. પીટરની ગણતરી એક ગરમ ડગલો લેવાની હતી, અને સીમન ગાડીભાડા પૂરતા પૈસા ભેગા કરીને પોતાને ગામ પાછો જવાનો હતો. એટલે પછી એમના જેવા બીજા ગામડિયાઓને રસ્તા પર ભીખ માગતા જોતો ત્યારે મને ખાસ કૌતુક થતું કે, પેલા બે મજૂરી કરે છે અને આ લોકો કેમ ભીખ માગે છે ?

એવો કોઈ ગામડિયો મળે ત્યારે સામાન્ય રીતે હું તેને પૂછતો કે, તું આ દશામાં કેમ કરતાં આવી પડ્યો ? એક દિવસ મને એક તંદુરસ્ત ભિખારી મળ્યો. તેની દાઢીના વાળ સફેદ થવા માંડ્યા હતા. તેનાં નામઠામ પૂછતાં એ કહે કે કાંઈક કામધંધો શોધવા એ ગામડેથી આવ્યો છે. પહેલાં એને બળતણ માટે જૂનાં લાકડાં ફાડવાનું કામ મળેલું. એક જોડીદારની મદદથી તેણે એ કામ પૂરું કર્યું. પછી બીજા કામની તલાશ કરી, પણ કાંઈ જડ્યું નહીં. દરમિયાન, પેલો જોડિયો તેને છોડીને ચાલ્યો ગયો, એટલે હવે પખવાડિયાથી તે આમતેમ આંટા માર્યા કરે છે. પાસે જે કાંઈ હતું એ બધું ચવાઈ ગયું છે. કરવત કે કુહાડો ખરીદવા માટે પણ પાસે કશું રહ્યું નથી. મેં તેને કરવત લેવાના પૈસા આપ્યા અને ક્યાં જઈને તે મજૂરી કરી શકે તે પણ બતાવ્યું. પેલા પીટર અને સીમનને મેં કહી રાખ્યું કે એ આવે તો એને કામે રાખી લેવો અને એને કોઈ જોડિયો પણ ગોતી દેવો.
‘જોજે ત્યારે, જરૂર આવજે હો !’ મેં એને કહ્યું, ‘કામ તો ત્યાં ઢગલાબંધ છે.’
‘હું આવીશ, જરૂર આવીશ વળી !’ તે બોલ્યો, ‘ભીખ માગવામાં શી મજા બળી છે ? હજી તો હું મજૂરી કરી શકું એવો છું.’ પોતે આવશે જ તેની આટલી બધી ખાતરી એણે આપી. એટલે મને થયું કે એ ખરેખર આવવાનો જ.

વળતે દિવસે હું મારા ઓળખીતા પેલા બે ગામડિયા પાસે ગયો અને એ માણસ આવ્યો હતો કે નહીં તેની ખબર કાઢી, ત્યાં તો કોઈ આવ્યું યે નહોતું ને કર્યુંય નહોતું. બીજા કેટલાકે પણ મને એ જ રીતે ઠગ્યો. અમુકને તો પોતાને ગામ પહોંચવા જેટલા ગાડીભાડાના પૈસા જ ફક્ત જોઈતા હતા. પણ અઠવાડિયા પછી રસ્તામાં પાછાં એમનાં દર્શન થયાં જ હોય ! આવા ઘણાને હું ઓળખી કાઢતો, અને તેઓ પણ મને ઓળખી જતા. પણ ક્યારેક આગલી મુલાકાત ભૂલી જઈને એ લોકો મારી પાસે ફરીથી પાછા પોતાનું જૂનું પુરાણ ચલાવવા માંડતા. અને કેટલાક તો મને દૂરથી જોતાં જ આડાઅવળા થઈ જતા. આમ મેં જોયું કે એ ભિખારીઓમાં પણ ઘણા ઢોંગીઓ હતા. પણ એ ઢોંગી લોકોયે બિચારા બહુ દયાપાત્ર હતા. અરધા ઉઘાડા ડિલવાળા, દૂબળા, માંદલા કંગાલોની એ જમાત હતી : ટાઢથી ઠૂંઠવાઈને કે ગળે ફાંસો ખાઈને મોત ભેગા થનારાઓની વાતો આપણે છાપામાં વાંચીએ છીએ, તે માંહ્યલા જ એ સહુ હતા.
.
[2] પાપમાં ભાગીદાર

આ શહેરી કંગાલિયતની વાત હું શહેરના લોકોને જ્યારે જ્યારે કરતો, ત્યારે સૌ મને એમ જ કહેતા કે, ‘ઓહો, એટલામાં શું અકળાઈ ગયા ? હજી તમે ક્યાં બધું જોયું છે ? ખરી દશા જોવી હોય, તો ખિત્રોવ બજારે જાઓ અને ત્યાંની ચાલીઓ જુઓ !’

જે કંગાલિયતની વાતો હું સાંભળતો, તે નજરે જોવાનું મન થતું હતું. કેટલીયે વાર હું ખિત્રોવ બજારે જવા નીકળ્યો પણ દર વખતે દિલમાં બેચેની થઈ આવે, ત્યાં જતાં લાજ આવે. ‘જેમાંથી તું તેમને ઉગારી શકવાનો નથી, એવાં ગરીબોનાં દુ:ખો જોવા તારાથી કેમ જવાય ?’ અંતરમાંથી એક અવાજ આવતો. ‘પણ જો તું અહીં રહીને શહેરી મોજમજા જુએ છે, તો પછી ત્યાં જઈને શહેરી કંગાલિયત પણ જોઈ લે’ બીજો અવાજ વળી એમ કહેતો.

છેવટે, ડિસેમ્બર મહિનામાં એક દિવસે કડકડતી ઠંડીમાં શહેરી કંગાલિયતના એ કેન્દ્ર ખિત્રોવ બજારમાં જવા હું નીકળ્યો. બપોરના ચાર થયા હશે. રસ્તા પર હું આગળ ચાલતો ગયો તેમ તેમ ચિત્રવિચિત્ર વેશવાળા માણસો વધુ ને વધુ સંખ્યામાં નજરે પડવા લાગ્યા. તેમણે પહેરેલાં કપડાં બીજાનાં ઊતારેલાં હોઈ વિચિત્ર લાગતાં હતાં. બધા જ લોકો રોગી જેવા દેખાતા હતા, અને સૌના ચહેરા પર એક જાતની બેપરવાઈની છાપ જોવામાં આવતી હતી. એ બધા એક જ દિશામાં જતા હતા. તેમની પાછળ પાછળ ચાલતો હું ખિત્રોવ બજારમાં પહોંચ્યો. ફાટેલાંતૂટેલાં ટોપાંવાળી, પોલકાં-ચણિયા ને બૂટ પહેરેલી, અને આવા બેહૂદા વેશ છતાં બિલકુલ સંકોચનું નામ ન જાણતી એવી જુવાન ને ઘરડી બાઈઓ બજારમાં બેઠીબેઠી કાંઈક ને કાંઈક વેચતી હતી, અથવા આંટા મારતી હતી અને ગાળાગાળી કરતી હતી. બજારમાં થઈને ઘણાખરા લોકો એક ટેકરી પર ચડતા હતા. હું પણ તેમની પાછળ ગયો. રસ્તા પર બે બાઈઓ જતી હતી તેમની સાથે હું થઈ ગયો. બન્નેએ ફાટેલાં, રંગ ઊડી ગયેલાં કપડાં પહેરેલાં હતાં. કશીક વાતચીત કરતી એ ચાલી જતી હતી, તેમાં દર બે શબ્દે એક અશ્લીલ બોલ સંભળાતો હતો. એ બાઈઓ પીધેલી તો નહોતી લાગતી, પણ કાંઈક કારણસર ઊકળેલી હતી. તેમની આગળપાછળ ચાલતા માણસોમાંથી કોઈનું ધ્યાન એ બાઈઓની વિચિત્ર વાતચીત તરફ જરા જેટલું પણ ખેંચાતું નહોતું. આ લત્તામાં બધા લોકોની બોલવાની ઢબ આવી જ હશે, એમ મને લાગ્યું.

રસ્તામાં ડાબે હાથે કેટલીક ચાલીઓ આવી, ત્યાં થોડા થોડા માણસો રોકાતા ગયા અને બાકીના આગળ ચાલ્યા. ટેકરી ચડ્યા પછી અમે એક મકાન પાસે પહોંચ્યા. મારી સાથેના લોકોમાંથી ઘણા આ મકાન આગળ ઊભા રહ્યા. મકાન સામેની પગથી પર તથા બરફથી છવાયેલા રસ્તા પર એવા જ માણસો આંટા મારતા હતા અથવા બેઠેલા હતા. અંદર જવાને દરવાજે જમણે હાથે સ્ત્રીઓ હતી ને ડાબે હાથે પુરુષો હતા. એ મકાનમાં રાતવાસા માટેની ધરમશાળા હતી. તેમાં પ્રવેશ મેળવવાની આશાએ ટોળાબંધ લોકો ત્યાં ઊભા હતા. સાંજના પાંચ વાગ્યે દરવાજા ખૂલે છે ત્યારે માણસોને અંદર દાખલ કરવામાં આવે છે. રસ્તામાં જે બધા લોકો મેં જોયેલા તેમાંના ઘણાખરા અહીં આવવા જ નીકળેલા હતા. પુરુષોની હાર જ્યાં પૂરી થતી હતી, ત્યાં જઈને હું ઊભો રહ્યો. મારી નજીક હતા તે લોકો મારા સામું જોવા લાગ્યા, અને એમની નજરથી મારું ધ્યાન ખેંચવા લાગ્યા. એમનાં અંગ ઢાંકતા ગાભા ભાતભાતના હતા, પણ મારી ઉપર મંડાયેલી એ બધી નજરોમાં એક જ વાત વંચાતી હતી. એ બધા જાણે કે સવાલ કરી રહ્યા હતા કે, ‘ઓ બીજી દુનિયાના માનવી, શા માટે તું અહીં આવીને અમારી પડખે ઊભો છે ? તું કોણ છે ? શું તું કોઈ ધરાઈ ગયેલો ધનવાન છે. અને તારા કંટાળાભરેલા જીવનમાંથી જરા મનફેર કરવા, અમારાં દુ:ખો જોવાની મજા માણવા અને અમારી આંતરડી કકળાવવા અહીં આવ્યો છે ? અથવા તો શું તું – જે નથી બનતું ને નથી બનવું સંભવતું, એવો – કોઈ અમારી પર દયા કરનારો આદમી છે ?’

દરેક ચહેરા પર આ જ સવાલ હતો. એ લોકો મારી સામું તાકે, મારી સાથે નજર મિલાવે, અને પાછાં મોં ફેરવી લે. મને થયું કે લાવ, કોઈકની સાથે વાતચીત શરૂ કરું; પણ બહુ વાર સુધી એ વિશે નિશ્ચય ન કરી શક્યો. જો કે અમારાં મોં મૂંગાં હતાં, છતાં અમારી આંખો અમને વધુ નિકટ આણી રહી હતી. સંજોગોએ અમને ગમે તેટલા અલગ પાડેલા હોય તેમ છતાં, બે-ત્રણ વાર નજરો મળી એટલે, અમે સૌ મનુષ્યો તરીકે સમાન છીએ એવી લાગણી હ્રદયમાં પ્રગટી, અને એકબીજાનો ડર અમારા દિલમાંથી ઊડી ગયો. મારી સાવ પાસે એક ગામડિયો ઊભો હતો. તેનું મોં સૂજેલું હતું. દાઢી લાલ હતી. તેણે ફાટેલોતૂટેલો ડગલો પહેરેલો હતો, અને ફાટેલા જોડા સોંસરા એના પગ દેખાતા હતા. ઠંડીનો પારો એકદમ નીચે ઊતરી ગયો હતો. અમારી નજર ત્રણચાર વાર મળી પછી મેં એટલી નિકટતા અનુભવી કે તેની સાથે વાત કરવાની શરમ આવવાને બદલે, મને ઊલટું એમ લાગ્યું કે આની સાથે કંઈ નહીં બોલું તો એ શરમની વાત ગણાશે.

‘ક્યાં રહેવું ?’ કરીને મેં શરૂઆત કરી. એણે મોકળા મનથી જવાબ દીધો અને વાતો કરવા માંડી, ત્યાં બીજાઓ પણ અમારી નજીક આવવા લાગ્યા. એ કાંઈક કામ શોધવા મોસ્કો આવ્યો હતો. ગામડે ઘરમાં દાણા ખૂટી ગયા હતા અને મહેસૂલ ચડી ગયું હતું. અહીં બે પૈસા રળી લેવા આવેલો. પણ, એણે કહ્યું કે, ‘મજૂરી શોધી જડતી નથી, એટલે આમતેમ ભટકું છું. બે દિવસ થતાં પેટમાં કોળિયો ધાન પડ્યું હોય તો ભગવાન સાક્ષી !’ આ વચનો તેણે જરાક શરમાતાં, મોં મલકાવવાનો યત્ન કરતાં કહ્યાં. કાવો વેચનારો કોઈ બુઢ્ઢો સિપાઈ પાસે ઊભો હતો, તેને મેં બોલાવ્યો. ગરમાગરમ કાવાનો પ્યાલો તેણે ભર્યો. પેલા ગામડિયાએ તે હાથમાં લીધો, અને મોઢે માંડતાં પહેલાં તેના વડે પોતાનાં આંગળાં જરા શેકી લીધાં – એની મોંઘી ગરમી જરા પણ નકામી કેમ જવા દેવાય ? હાથ એમ શેકતાં શેકતાં તેણે પોતાના અનુભવોની વાત કહેવા માંડી. (આ લોકોના અનુભવ, અથવા અનુભવની એમણે જોડી કાઢેલી વાતો હંમેશાં લગભગ એકસરખી જ હોય છે.) પહેલાં તેને એક નાનુંસરખું કામ મળેલું, પણ તે પૂરું થયું, પછી, જે કાંઈ પૈસા એની પાસે હતા તે અને પાસપોર્ટ સહિત તેનું પાકીટ અહીં ધરમશાળામાંથી ચોરાઈ ગયું. હવે હાલત એવી થઈ પડી છે કે એનાથી મોસ્કો છોડીને જઈ પણ ન શકાય. એ કહે કે દિવસે કોઈ હોટલોમાં આંટા મારતો રહેતો અને ક્યારેક રોટીના ટુકડા મળે તે ખાઈ લેતો હતો. ક્યારેક વળી હોટલવાળા એને તગેડી મૂકતા. અહીં ધરમશાળામાં એ વગર પૈસે રાતવાસો કરી શકતો હતો. ‘હું તો રાહ જોઉં છું કે ક્યારે પોલીસની ધાડ આવે અને મારી પાસે પાસપોર્ટ નથી એટલે મને પકડી જાય ને મારે ગામડે ધકેલી દે. કહે છે કે ગુરુવારે પોલીસની ધાડ પડવાની છે.’ (જેલ તથા પોલીસપહેરા હેઠળ ગામડે જવાનું એને મન તો જાણે સ્વર્ગની સફર હતી !)

તેની વાત ચાલતી હતી તેવામાં ટોળામાંથી બે-ત્રણ જણા વાતમાં ભળ્યા. પેલાની વાત સાચી છે, એમ તેમણે શાખ પૂરી અને કહેવા લાગ્યા કે, અમારા પણ બરાબર એ જ હાલ છે. ટોળામાંથી મારગ કરીને એક દૂબળો, ફીકો, લાંબા નાકવાળો જુવાનિયો મારી નજીક આવી પહોંચ્યો. તેના શરીર પર એક પહેરણ સિવાય કાંઈ નહોતું અને પહેરણમાંયે બાકાં પડેલાં હતાં. સખત ઠંડી ન ખમવાથી એ સતત ધ્રૂજતો હતો. તેને પણ મેં કાવાનો પ્યાલો અપાવ્યો. પ્યાલો લઈને તેણે પણ પોતાના હાથ શેકવા માંડ્યા, અને મારી સાથે વાત કરવા જતો હતો ત્યાં એક કદાવર, શ્યામવર્ણા માણસે ધક્કો મારીને તેને બાજુએ હટાવી દીધો. એણે પણ કાવો માગ્યો. પછી એક ગટ્ટો માણસ આવ્યો. તેનું મોં સૂજેલું હતું ને આંખમાં પાણી હતું. તેણે પહેરેલા પાટલૂનનાં કાણાંમાંથી ટાઢથી થરથરતા ને એકબીજા સાથે ભટકાતા તેના ગોઠણ દેખાતા હતા. તે એટલો ધ્રૂજતો હતો કે પ્યાલો પણ બરાબર પકડી શક્યો નહીં અને કાવો તેના શરીર પર ઢોળાયો. બધા તેને ઠપકો દેવા લાગ્યા. એ બિચારો દયામણે ચહેરે હસ્યો ને ધ્રૂજતો ઊભો રહ્યો. ત્યાર પછી વાંકાચૂકાં અંગવાળો એક લઘરો આવ્યો. ઉઘાડા પગે તેણે ચીંથરાં વીંટાળેલાં હતાં. પછી તો ચિત્રવિચિત્ર વ્યક્તિઓ આવવા લાગી. ટાઢ અને ભૂખથી પીડાતો એ આખો સમુદાય, દયામણો ને ગરીબડો, મારી ફરતો ટોળે વળ્યો અને કાવો માગવા લાગ્યો. વેચનારાનો કાવો ખલાસ થઈ ગયો ત્યાં સુધી સૌએ તે પીધો.

પછી એક જણે થોડા પૈસા માગ્યા, તે મેં આપ્યા. ત્યાં તો બીજાએ માગ્યા, ત્રીજાએ હાથ લંબાવ્યો. આખા ટોળાએ મને ઘેરી લીધો. ધક્કામુક્કી ને કચડાકચડી ચાલી. ટોળામાંથી કેટલાક જણ તરત જ સ્વયંસેવક બની ગયા ને મારું રક્ષણ કરવા બહાર પડ્યા. તેઓ મને આ કચડાકચડીમાંથી બહાર કાઢવા માગતા હતા. પણ ટોળું તો ધક્કામુક્કી કરીને મને ઘેરી વળ્યું હતું. મારી સામે તાકીતાકીને એ બધાં કાંઈક માગતાં હતાં. બધાંના ચહેરા એકબીજાથી ચડે તેવા નિસ્તેજ, ગરીબડા, દયામણા હતા. મારા ખીસામાં જે કાંઈ હતું તે બધું મેં તેમને આપી દીધું. જોકે એ કોઈ ઝાઝી રકમ નહોતી – વીસેક રુબલ હશે. પછી એ લોકોની સાથે હું પણ ધરમશાળામાં પેઠો.

ધરમશાળા વિશાળ છે. તેના ચાર વિભાગ પાડેલા છે. માળ ઉપર પુરુષો માટેના ખંડ છે, ભોંયતળિયે સ્ત્રીઓ માટે વ્યવસ્થા છે. પ્રથમ હું સ્ત્રીઓના વિભાગમાં ગયો. ત્યાં એક મોટા ઓરડામાં સૂવાના બાંકડા હારબંધ ગોઠવેલા છે. રેલગાડીનો ત્રીજા વર્ગનો ડબ્બો હોય તેવો દેખાવ છે. બાંકડાની ઉપર-નીચે એવી બે હાર કરેલી છે. પહેરેલાં વસ્ત્ર સિવાય જેમની પાસે બીજું કશું જ ન મળે એવી, વિચિત્ર વેશવાળી સ્ત્રીઓ, જુવાન અને બુઢ્ઢી, અંદર આવીઆવીને પોતપોતાની જગાનો કબજો લેવા લાગી; કોઈ નીચે, કોઈ ઉપર. ઘરડી સ્ત્રીઓ હાથથી ક્રૂસની મુદ્રા કરીને ઈશ્વરની પ્રાર્થના કરવા અને ધરમશાળા બંધાવનારને દુવા દેવા લાગી. બીજીઓ હસાહસ ને ગાળાગાળી ચલાવવા માંડી. ત્યાંથી હું ઉપલે માળે ગયો. અહીં પુરુષો બાંકડાઓમાં ગોઠવાઈ ગયા હતા. જેને મેં થોડા પૈસા આપેલા તેવો એક જણ તેમની વચ્ચે દેખાયો. તેને જોતાં જ મારું પોતાનું મોં એકદમ પડી ગયું અને ઝટ ઝટ હું ત્યાંથી બહાર નીકળી ગયો. મેં જાણે કોઈ મોટું પાપ કર્યું હોય એવી લાગણી સાથે હું ઘેર ચાલ્યો ગયો. ઘરમાં દાદર પર બિછાવેલા ગાલીચા પર પગ માંડતો હું ઓરડામાં દાખલ થયો. આખા ઓરડામાં ગાલીચો બિછાવેલો હતો. ત્યાં મારો હૂંફાળો ગરમ ઓવરકોટ ઉતારીને હું ભોજન લેવા બેઠો. પાંચ જાતનાં પકવાન પીરસાયાં. ખાસ પોશાક, સફેદ નેકટાઈ અને શ્વેત હાથમોજામાં સજ્જ બે બબરચીઓ તહેનાતમાં હતા.

ત્રીસ વરસ પર પેરિસમાં હજારો જોનારાઓની સમક્ષ એક આદમીનો શિરચ્છેદ થતો મેં જોયેલો, તેની યાદ તાજી થઈ. એ માણસ ભયંકર ગુનેગાર હતો, તે હું જાણતો હતો; એવી સજાના બચાવમાં સૈકાઓથી જે જે લખાણો લોકો લખતા આવ્યા છે, તેનાથી પણ હું વાકેફ હતો. આ સજા ઈરાદાપૂર્વક, જ્ઞાનપૂર્વક કરવામાં આવે છે તે પણ હું જાણતો હતો. પરંતુ માથું અને ધડ જુદાં થઈને પેટીમાં પડ્યાં, તે ક્ષણે મારું હૃદય રડેલું. તે વખતે હું સમજેલો – બુદ્ધિથી નહીં, હૃદયથી નહીં પણ – મારા રોમેરોમથી સમજેલો કે દેહાંતદંડના બચાવમાં થતી તમામ દલીલો વાહિયાત છે. ત્યારે હું સમજેલો કે ખૂન જે જગતમાં મોટામાં મોટો ગુનો છે, તે કરાતો જોવા ભલે ગમે તેટલા લોકો ભેગા થયા હોય, તેઓ તેને ભલે ગમે તે નામ આપતા હોય, પણ ખૂન તે ખૂન જ રહે છે; અને એ મહાપાપ આજે મારી આંખ સામે આચરવામાં આવ્યું છે. મારી હાજરીથી અને અવિરોધથી તે પાપમાં મેં સંમતિ આપી છે, ને તેમાં મેં ભાગ લીધો છે.

તે જ રીતે આજે આ હજારોનાં ભૂખ, ટાઢ અને અવદશાનાં દર્શનથી હું સમજ્યો – મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુયે પરમાણુથી સમજ્યો – કે મોસ્કોમાં આવા હજારો મનુષ્યો હોય, અને હું મારા જેવા થોડાક સેંકડોની સાથે માલમલીદા ઉડાવતો રહું, મારા ઘરની ભોંય પર ચિત્રમય ગાલીચા બિછાવું, એ મોટો ગુનો છે – ભલે જગતના ડાહ્યા માણસો આવી અસમાનતાની આવશ્યકતા વિશે મને મોટાં મોટાં વ્યાખ્યાનો સંભળાવે. વળી આ ગુનો એક જ વાર થઈને અટકતો નથી, પણ નિરંતર થતો જ રહે છે; અને એ ગુનો હું કેવળ સાંખી જ લઉં છું એમ નથી. પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. એ બે ગુનાઓમાં ભેદ હોય તો મારે મન તે આટલો જ છે : પેલા શિરચ્છેદ પ્રસંગે મારાથી બહુ બહુ તો એટલું બની શક્યું હોત કે વધયંત્રની પાસે ઊભા રહીને વધની ક્રિયા કરનારા પેલા ખૂનીઓને રાડ પાડીને કહેવું કે તમે લોકો ખોટું કરો છો, તથા તેમના કામમાં હરેક રીતે વિધ્ન નાખવું, પણ એટલું કરત તોયે તે પ્રસંગે હું સમજતો હતો કે મારા એ કૃત્યથી ખૂન અટકી ન શક્યું હોત.

આ પ્રસંગે તો મેં ગરીબ લોકોને કાવો પાયો ને મારા ગજવામાં થોડાક પૈસા હતા તેટલા આપી દીધા. પણ એટલેથી મારે અટકવું જોઈતું નહોતું. ધારત તો મારો ઓવરકોટ હું તેમને ઉતારી આપી શક્યો હોત, ઘેર મારી પાસે જે કંઈ હતું તે પણ આપી દઈ શક્યો હોત. પણ તે મેં ન આપ્યું. તેથી મને લાગ્યું – આજે પણ લાગે છે અને એ લાગણી કોઈ દિવસ મટનાર નથી – કે જ્યાં સુધી મારી પાસે વધારે પડતું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે અને બીજા કોઈક પાસે એકેય નથી, ત્યાં સુધી એક નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર બનું છું.

[ એ પછી ટોલ્સ્ટોય મિત્રોને મળે છે, એમને કેવી રીતે સમજાવે છે અને અંતે તેમાંથી એને સાદગીપૂર્વક જીવવાનો જે નવો વિચાર પ્રાપ્ત થાય છે અને બધું જ છોડીને એક સામાન્ય માનવીની જેમ તે કેવી રીતે પોતાના જીવનમાં એ આદર્શોને અમલમાં મૂકે છે તેની રસપ્રદ ગાથા માટે પુસ્તક વાંચવું રહ્યું.]

[કુલ પાન : 80. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. 23. (સરદારનગર), ભાવનગર-364001. ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com તથા ફોન : +91 278 2566402.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વડગામની વાટે – મૃગેશ શાહ
વીસરાઈ ગયેલા સુરતી ખાયણાં – જોરાવરસિંહ જાદવ Next »   

15 પ્રતિભાવો : ત્યારે કરીશું શું ? – લિયો ટોલ્સટોય

 1. nayan panchal says:

  ખરેખર, આ પુસ્તક વાંચવુ રહ્યુ.

  નયન

 2. ુખુબ રસપુર્વક વાંચ્યું. હાર્દીક આભાર, મૃગેશભાઈ.

 3. palabhai muchhadia says:

  આજ ના આપણા સમયનિજ વાત હોય તેવુ લાગે .

 4. Khushboo Shah says:

  રૂવાડા ઉભા થઈ જાયઈ વા દ્ર્શ્યો હશે એ. પુસ્તક આખુ વાચવાનુ મન થાય એવુ છે.

 5. ‘જેમાંથી તું તેમને ઉગારી શકવાનો નથી, એવાં ગરીબોનાં દુ:ખો જોવા તારાથી કેમ જવાય ?’

  “જ્યાં સુધી મારી પાસે વધારે પડતું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે અને બીજા કોઈક પાસે એકેય નથી, ત્યાં સુધી એક નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર બનું છું.”

  આ ૨ વિચારો આવે તે માટે વ્યક્તિ હ્રદય અને મનની શુદ્ધિના કયા પરિમાણો ને આંબતી હોવી જોઇએ તે આપણે વિચારવું રહ્યું …

  આ ચીજ અમલમાં મૂકવા માટે બીજા કોઇને બદલે આપણે સ્વ સાથે, આપણા conscience ની સાથે જ તર્ક-વિતર્ક કરવા રહ્યા … !!

 6. Paresh says:

  ભલે તમે પાપાચાર ન કરો પણ પાપના આચરણનો વિરોધ પણ ન કરો ત્યાં સુધી તમે તે પાપના ભાગીદાર જ છો. આ માપદંડ પ્રમાણે આખી દુનિયામાં કેટલા પાપના ભાગીદાર નહી હોય? આખા ચેતનાતંત્રને ખળભળાવી દે તેવો લેખ. આભાર

 7. અતુલ જાની (આગંતુક) says:

  આજે હવે ગાંધીની પોતડી કાંઈક સમજાય છે.

 8. pragnaju says:

  વિચાર ક્રાંતી કરતું પુસ્તકનો ફરી ફરી અભ્યાસ કરી વિચારો અમલમાં મૂકવા જોઈએ

 9. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ…. રશિયન ક્રાન્તી આમ પણ વર્ષોથી ઘેલછા કહી શકાય એ હદ સુધી આકર્ષતી રહી છે. ટોલ્સટોયની વાસ્તવિકતાનુ વર્ણન કરવાની શબ્દનિતિ પણ હંમેશા ન સમજાય તેવુ જકડી રાખે છે. કદી જુની ના થતી વાર્તાઓ…

 10. રેખા સિંધલ says:

  પાપની આ ભાગીદારીમાં આપણી સાથે ઘણા છે એ આશ્વાસન આપણને સંગ્રહખોરીમાથી ઉગારી શકતું નથી અને આવું આંખ ઊઘાડનારૂં વાંચન ફક્ત થોડી કરૂણા વહાવે છે પણ નક્કર કામ પાછળ ફના થનારા તો કોઈક વિરલા જ રહેવાના.

 11. અતુલ જાની (આગંતુક) says:

  સવારના બહાર નીકળીને પહેલું કામ “ત્યારે કરીશુ શું?” ખરીદવાનું કર્યું. બપોરના ચાર વાગે આખીએ પુસ્તિકાનું વાંચન પુરુ થયું.

  ગાંધીજી એ પ્રસ્તાવનામાં જ તેમને સત્યની મૂર્તિ કહ્યાં છે અને કાકા સાહેબે દૂધમાં ખારો કાંકરો કહીને પ્રસ્તાવના લખી છે. અને છેલ્લા ફકરામાં લખ્યું છે-
  ” પણ તોલ્સ્તોયની ચોપડીનું શું? એ બહુ ખરાબ ચોપડી છે. ઍ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી ઍશઆરામ અને મોજમજાના દૂધમાં ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. આ ચોપડીનું વાચન સહેલું નથી; પણ સંસ્કારી માણસને આખર સુધી રોકી રાખે એવી છે.”
  ત્યાર બાદ ફ્રાન્ઝા કાફકા કહે છે કે- “ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.”

  ૨૨ પ્રકરણો અને ૮૦ પાનામાં વહેંચાયેલા આ પુસ્તકના પ્રથમ બે પ્રકરણો તો અહીં આપણે માણી જ ચૂક્યાં છીએ.

  ત્યાર બાદ ૩જા પ્રકરણમાં કંગાલિયતની નાબૂદી કાજે તેઓ પોતાના મિત્રોને આ વિચારો જણાવે છે વળી આ કાર્ય માટે એક લેખ લખી નાખે છે અને સમસ્યાને વધારે નિકટતાથી સમજવા માટે તેઓ વસ્તીપત્રકના કામમાં જોડાય છે.

  ચોથા પ્રકરણમાં તેમને સમજાય છે કે તે જેમને મદદરુપ થવા ઈચ્છે છે તે તો પોતાની જેમ જ લાગણીતંત્રથી જોડાયેલા પોતાની જેવા જ માણસો છે અને ઘેટાને જેમ ખવડાવીએ કે એક વાડામાં પુરી રાખીએ તેમ , અમુક હજાર માણસોને ખવડવવા ને આશરો આપવામાં આ મદદ સમાપ્ત ન થઈ શકે.

  પાંચમાં પ્રકરણના અંતે તેમને જ્ઞાન લાધે છે કે દુઃખનું નિવારણ પૈસાથી થવું અશક્ય છે. કારણકે દુઃખનું મૂળ બાહ્ય સંજોગોમાં નહી પણ લોકોના અંતરમાં જ હતું. વસ્તી ગણતરીનું કાર્ય કરતા કરતા તેમને પેલા ધર્મશાળાના અને અત્રે રહેલા લોકોના દુઃખમાં રહેલો ભેદ સમજાયો અને અહીંના લોકોના દુઃખ દુર કરવા માટે વધારે કાળજી અને વધારે સમયની તેમને આવશ્યકતા લાગી.

  સાતમાં પ્રકરણમાં તેમને એવા દુઃખી લોકો મળી આવ્યા કે જેઓ પૂર્વે સારી હાલતમાં હતા પરંતુ કોઈક કારણસર મુશ્કેલ પરિસ્થિતિમાં આવી પડ્યા હોય. આવા લોકો માટે આલંકારિક ભાષામાં કહેતા તેમને જણાયેલું કે તે લોકો એટલા માટે દુઃખી નહોતા કે તેમને પોષક ખોરાક નહોતો મળતો પણ તેમની હોજરીઓ એટલી બધી બગડી ગઈ હતી કે તેઓ પોષક ખોરાકના બદલે જીભને સ્વાદ લાગે તેવો જ ખોરાક માગતા હતા અને તેમને મદદરુપ થવું હોય તો તેમને ખોરાક આપવાની નહી પણ તેમની બગડેલી હોજરીને સુધારવી પડે તેમ હતી.

  અને ત્યાર પછી એક પછી એક રસપ્રદ પ્રકરણો

  ૮.કોણ કોને સુધારી શકે?

  ૯.ઊંધું શિક્ષણ

  ૧૦.ઉપચાર વૃથા છે

  ૧૧.પરોપકાર-પ્રવૃત્તિનો ફેસ્તો

  ૧૨.ખરાબીનું ખરું મૂળ (પોતાની જ અંદર જે રહેલું હતુ અને તેને શોધતા ૩ વર્ષ લાગેલા)

  ૧૩.વૈભવી જીવનનો ચેપ

  ૧૪.એ બધું નકામુ છે (સુટાવ નામના વિચક્ષણ માણસે કહેલાં વેણ)

  ૧૫.પુણ્ય કરતાં પહેલા – “પુણ્ય કરવા જતાં પહેલાં મારે જાતે પાપમાંથી મુક્ત થવું જોઈએ, નિષ્પાપ જીવન ગાળવું જોઈએ”

  ૧૬.ખાંધમાંથી ઊતર્યા સિવાય –

  ૧૭. દુઃખનું ને પાપનું કારણ – અને તેમને સમજાયું કે માણસના દુઃખનું કારણ ગુલામી છે.

  ૧૮.આપણે દયાળુ? આપણે સુધરેલા ? – આપણે આપણા ભાઈઓનાં લોહી પીએ છીએ તેમ છતાં આપણને દયાળુ, શિક્ષિત અને પ્રામાણિક માનીએ છીએ.

  ૧૯. બળજબરી – કે બીજું કાંઈ ? – માનવ સમાજમાં શ્રમવિભાગ સદાય ચાલતો આવ્યો છે અને કદાચ હંમેશા ચાલતો રહેશે. પણ સવાલ ઍ છે કે શ્રમ્-વિભાજન ન્યાયી હોવું જોઈએ.

  ૨૦.શ્રમસાગરમાં મારું ટીપું – “મારે માટે , તેમજ સહુ કોઈને માટે, અનિવાર્ય એવી જાતમહેનત હું કરું છું, તે મારી ખાસ પ્રવૃત્તિમાં બિલકુલ વિઘ્નરૂપ નીવડતી નથી. પરંતુ તેથી તો મારી પ્રવૃત્તિ ઉપયોગી, ઊંચા પ્રકારની અને આનંદદાયક નીવડે છે.”

  ૨૧.એક જ ઉપાય – “પહેલાંના વખતમાં લોકો બીજા પાસે જબરદસ્તીથી, એટલે કે તેમને ગુલામ રાખીને મજૂરી કરાવતા. આજે પૈસાને જોરે આપણે બીજાઓ પાસે મજૂરી કરાવીએ છીએ. આ પૈસો એ જ સર્વ અનર્થનું મૂળ છે.જે લોકો પાસે પૈસો છે તે દુઃખી છે, જે લોકો પાસેથી પૈસો છીનવી લેવામાં આવ્યો છે તે લોકો પણ દુઃખી છે. જે લોકો પૈસાનો દુરુપયોગ કરે છે તેમને તેમનાં હ્રદય ડંખે છે. જે લોકો પાસે પુષ્કળ પૈસો છે અને જે લોકોને તેનાથી વંચિત કરવામાં આવ્યા છે તેમની વચ્ચે ઝઘડો થવાનો ભય છે. આમ પૈસો સર્વ અનર્થનું મૂળ હોવા છતાં આધુનિક સમાજની બધી ધાલાવેલી તે માટે છે.” ત્યાર બાદ જવાબદારીઓ ફરી પાછી આવે છે આપણી માતાઓ ઉપર

  ૨૨.માતાઓ માર્ગ બતાવે – “ઍવી સ્ત્રિઓ, જેમણે સ્વધર્મનું પાલન કર્યું છે તે માનવસમાજ આગળ માર્ગદર્શક જ્યોતિરૂપે રહે છે. આવી સ્ત્રિઓ લોકમત બાંધે છે અને ભવિષ્યની પ્રજાને ઘડે છે. તેથી જ સર્વોચ્ચ સત્તા આવી સ્ત્રિઓના હાથમાં છે. આજે સમાજ ઉપર ઝઝૂમી રહેલી વિપત્તિમાંથી તેને ઉગારી લેવાનું બળ તેમનામાં છે. હે સ્ત્રિઓ અને માતાઓ! જગતના ઉધ્ધારનો ઉપાય બીજા કોઈના કરતાં તમારા હાથમાં વધારે છે. ”

  આ મનને વલોવી નાખતા પુસ્તકનુ વાંચન કર્યા પછી ભાગ્યે જ કોઈ એવું મળી આવે કે જેને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા ન જણાય.

 12. ભાવના શુક્લ says:

  ભૈ વાહ!!! અતુલભાઈ રીડ ગુજરાતી માત્ર વાચી જાણવાની સાથે અપનાવી જાણવુ તેના માટે તમને હૃદયપુર્વક અભિનંદન….. અને આપીયે તેટલા બધાય અભિનંદન ઓછા..
  માહીતિમા ભાગીદાર કરવા માટે ફરી ફરી ફરી આભાર.

 13. Bhumish says:

  સૌદર

 14. Ashish Dave says:

  Thank you Atulbhai for sharing…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.