વીસરાઈ ગયેલા સુરતી ખાયણાં – જોરાવરસિંહ જાદવ

[‘જનકલ્યાણ’ સપ્ટેમ્બર-08માંથી સાભાર.]

આપણા લોકસમાજમાં કેટલીક વાતો કહેવતો, જોડકણાં કે ઉક્તિરૂપે કહેવાતી આવી છે જેમ કે :

ખપ્પર તો જોગણીનું
રાજ તો વિક્રમ રાજાનું
યોગ તો રાજા ભરથરીનો
હાંક તો હનુમાનની
ધર્મ તો વિષ્ણુનો
દેશ તો ગુજરાતનો

આ ગુજરાતનીયે એક કહેવત : ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’ આપણે સૌ જાણીએ છીએ. કતારગામની પાપડી અને સુરતની ઘારી સ્વાદમાં આજેય અજોડ છે. એમ દક્ષિણ ગુજરાતના લોકસાહિત્યમાં લવિંગિયાં મરચાં જેવા ‘ખાયણાં’ પણ બેનમુન બની રહ્યાં છે. ખાયણાં એટલે ધાન ખાંડતાં ખાંડતાં ખાંડણિયા ઉપર બેસીને ગાવાના ત્રણ ત્રણ નાજુક પંક્તિઓનાં જોડકણાં. બબ્બે જ પંક્તિઓ કહીએ તો પણ ચાલે. દુહા, સોરઠા અને સાખીની જેમ જ જીવનના સુખદુ:ખને, આનંદને, વિટંબણાઓ અને વિષાદને અભિવ્યક્ત કરે છે. સૌરાષ્ટ્રમાં ચોરવાડ અને માંગરોળ પંથકની ખારવણ બહેનો ધ્રાબો નાખતી વખતે ટીપણી ટીપતાં શ્રમહારી ગીતો ગાઈને થાકને હળવો કરે છે એમ સુરત જિલ્લાની બહેનો જૂનાકાળે ખાંડણિયે સામસામે બેસીને ધાન ખાંડતાં ખાંડતાં જે ગીતો ગાતી તે ‘ખાયણાં’ આજેય રહ્યાં છે. ખાયણાંના વિષયવસ્તુમાં ભાઈ આવે, બહેની આવે, ભાભી આવે, મા અને બાપ આવે, સાસરું અને શોક્ય આવે. નટખટ નણદી અને દિયરિયોય આવે.

સોરઠી દુહાની જેમ ખાયણાંમાં મરમ અને મીઠાશ હોય છે. તેના છેલ્લા ચરણમાં ચતુરાઈનો ચમકારો કે ભાવની ભરતી જોવા મળે છે. થોડામાં ઘણું કહી દેવાની સુરતી નારીની જુક્તિ આ ખાયણામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે ‘ખાયણાં સરજાયાં છે લગ્ન અવસરને આધારે, છતાં લગ્નના ઉલ્લાસ એમાં આછાં આછાં નહીં જેવા જ ગવાય છે. મુખ્યત્વે ગવાયાં છે સંતાપના, આંતર તાપનાં સ્વરો. ખાયણાંનો ખુદ ઢાળ જ કરૂણાથી ભરેલો છે. પ્રફુલ્લતાની કે વિનોદની ઊર્મિઓનું વહન કરવા જેવું એનું બંધારણ જ નથી. પ્રધાન સૂરો ઊંડા વિલાપનાં છે અને એ વિલાપ કેટલો મર્મવેધક છે તે ખાયણાં સાંભળવાથી જ ખ્યાલ આવે.’

સરોવરની પાળે મા ને દીકરી મળિયાં,
ધ્રુસકે ધ્રુસકે રડિયાં,
કે સરોવર છલી ગયાં.

સાસરિયે ગયેલી દીકરી વર્ષોનાં વહાણાં વાયા પછી એક દિવસ તળાવના કાંઠે આવેલા જાતરાના સ્થળે અચાનક મળી ગયાં. ત્યાં શબ્દો થંભી જાય. હૈયાંકપાટ ઉઘડી જાય. દુ:ખની વાત જાણીને માદીકરી એટલું તો રોયાં કે એમના આંસુથી આખું સરોવર છલકાઈ ગયું. મા-દીકરીના હૈયાનાં કરુણ ભાવોને અદ્દભુત વાચા આપતી અભણ નારીની કુંવારી કલ્પનાનો વૈભવ તો જુઓ :

મારા તે બાપે રતન કરી રમાડી,
જતન કરી જીવાડી;
કે પરઘેર સોંપવા.

સાસરિયે ગયેલી કન્યાના આંગણે સોળેય સુખ રમતા હોય તો એના ભાગ્ય. પણ દુ:ખડાં દોટું દેતાં હોય તો એના અંતરમાંથી નીકળતી ઊની આહને પણ ખાયણાંમાં વાચા મળી છે :

મારા તે બાપે વહાણે ચડીને વર જોયાં
એવા મુરખને મોહ્યા
કે મૂળા-ભાજી વેચતા
***

મારા તે બાપે ઊંડા કૂવામાં નાખ્યાં
ઉપર ઢાંકણ દીધાં
કે સુરત શહેરમાં
***

મૈયરમાં હોય મહેલ, ઝરૂખા, જાળી
આપણી તો રૂપાળી
સાસરાની ઝૂંપડી.
***

માએ મહલાવ્યા ને બાપે લડાવ્યા લાડ,
ભોજાઈ મળિયા સાંઢ
કે તજાવ્યાં ઉંબરા.
***

કાકી મારી કાદવની કોઠી,
સાસરું આપ્યું શોધી
કે નાખી દુ:ખમાં
***

મારી સાસુ છે સાકર કરતાં મીઠી,
જોડ ન જડશે દીઠી,
કે અદેખી એટલી.
***

સાસુડી સાપણ ને નણદી નાગણ
જેઠાણી વીંછણ,
કે લેતી જીવડો.
***

દળું દળું ને જાર દળું, ઘંટીનો પથ્થર,
સાસુ નણંદનો બકવાટ
કે બેઠેલો દોહ્યલો
***

સાસરે જાતાં, સામા મળ્યાં છે તાડ,
મા બાપના લાડ,
કે કેમ વીસરે ?
***

બાપાજી બાપા, મોટા ઘર ન જોશો,
મૂઆ પછવાડે રોશો;
કે મોં જોણ દીકરી

આંખના રતન (કીકી) જેવી, કાળજાના કટકા જેવી, વહાલના દરિયા જેવી દીકરીને ‘ઉંબરાનો દીવો’ કહી છે. જૂના કાળે વીજળીના દીવા નહોતાં ત્યારે માટીના કોડિયામાં દિવેલ અને રૂની વાટ મૂકી દીવો પ્રગટાવીને ઘરના ઉંબરા માથે મૂકાતો. આ દીવો ઘરનો ઓરડો અને ઓસરી બેય અજવાળતો, એમ ગુણિયલ દીકરી આંગણામાં મૃગલીની જેમ નાચતી, કૂદતી, ઢીંગલે-પોતિયે રમતી ઉંમરનો ઉંબરો ઓળંગીને સાસરે જતી ત્યારે મોસાળ, મહિયર ને સાસરું એમ ત્રણેય પખાને ઉજાળતી. એના જીવતરમાં દુ:ખના ઝીણાં ઝીણાં ઝાડવાં ઊગ્યાં હોય તોય ખાનદાન દીકરી બોલવામાં બહુ વિવેક અને સંયમ જાળવતી, એની વાત લઈ આવે છે આ ખાંયણું :

હૈયામાં છે હોળી ને મોઢે રે દિવાળી,
લોકોમાં વિચારી,
કે મારે બોલવાં.

મહિયરમાં મા એકલી જ છે. દીકરી, ભાઈલા કે બાપુ કહીને બોલાવે એવું કોઈ નથી. ગરીબ મા દુરદેશાવર રહેતી દીકરીના ખબર લઈ શકતી નથી. ત્યારે જનમની ઓશિયાળી દીકરી ખાયણામાં પોતાનું હૈયું ઠાલવતી કહે છે :

માડી રે માડી, મને ન જોઈએ તારી સાડી,
જનમની ઓશિયાળી,
કે તારા દૂધની.

વગડા વચાળે ઊભેલા ખખડધજ ઝાડવાની જેમ મહિયરમાં માત્ર એકલી અટુલી મા હોય ને એ ભગવાનના ધામમાં જાય ત્યારે દીકરીનો એય વિસામો ઝૂંટવાઈ જાય છે. આવી ‘નમાઈ’ દીકરીની હાલત :

ઘડો ફૂટે ને રઝળે જેવી ઠીંકરી,
મા વીણ રઝળે દીકરી,
કે આ સંસારમાં.

માતાના મૃત્યુ પછીય દીકરી જનમ આપનારી જનેતાને વીસરી શકતી નથી :

સાંજ પડે ને આથમે સૂરજના તેજ,
સાંભરે માનું હેત,
કે બેની સાસરે.

ખાયણાંમાં મા દીકરીના હેતની જેમ ભાઈ-બહેન અને નણંદ-ભોજાઈના હેતપ્રેમની ને વડછડની વાત મળે છે. મજાક મશ્કરીની અભિવ્યક્તિ જોવા મળે છે :

મારો વીરો અમદાવાદી મહેતો
શેર સોનાનો સેંતો
કે બહેનને મોકલે.
***

મારા તે ઘરમાં સોના રૂપાની થાળી
તોય ભાભી જાય ચાલી
કે મહિયર મ્હાલવાં
***

પાંજરાનો પોપટ પાંખે લાવે પાણી
મોઢા ધૂવે રાણી
કે મારા ભાઈની
***

ભાઈ છે ભોળા ને ભાભી છે ધૂતારી,
ભાઈએ તો વિસારી
કે ગરીબ બેનડી.
***

લગ્નપ્રસંગે જેમ ફટાંણાં-વિનોદગીતો મળે છે એમ વિનોદી ખાંયણાં પણ ગવાય છે :

આ પેલો આ પેલો ઉમરેઠનો કૂવો,
ભરી કોઠીએ મૂવો;
કે વેવાઈ આપણો.
***

નણંદ નાજુકડીને નણદોઈ છે માંકડો;
નિત્ય ઉતારે આંકડો,
કે નાની નણંદનો.
***

ખાંડણિયા પછવાડે પછીતે છે કૂંચી
નાની વહુ છે ઊંચી
કે ભાઈને નવ ગમે.
***

કાચની દાબડીમાં મોતીનો દાણો;
નણદોઈ મારો કાણો.
કે નણદી કેમ વેઠશે ?
***

ઘંટી પછવાડે પડી સવ્યા લાખની વાળી;
ભાભી બહુ કાળી
કે ભાઈને નહીં ગમે.

સુરત વિસ્તારની ખાસિયતો ગૂંથાયેલ ત્રણ પંક્તિના ટચૂકડાં ખાંયણાં માનવ ભાવને ધ્વનિપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા પ્રગટ કરે છે. એનું લઘુ રૂપ ખાંયણાંને હૃદયસ્પર્શી બનાવે છે. માનવજીવનની અનુભૂતિને ચાર ચરણમાં રજૂ કરી દેવાની જબરી ગુંજાશ ધરાવતા આ સુરતી ખાંયણાંનો સર્વપ્રથમ સંગ્રહ પદ્મા ઠાકોર અને વિમળા ઠાકોરે ગુજરાતી સાહિત્યને સને 1949માં ‘ખાયણાં, ઉખાણાં ને હાલરડાં’ને નામે સંપડાવ્યો હતો. ત્યાર પછી વસંત જોધાણીએ સને 1968માં ‘ખાયણાં’ નામે સંગ્રહ ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ દ્વારા પ્રગટ કરાવ્યો હતો. લોકસાહિત્યના કિંમતી કણ જેવાં, સાચાં મોતીડાં જેવા મૂલ્યવાન ખાયણાંની પરંપરા આજે તો સાવ લુપ્ત થઈ જવા પામી છે. હજુયે જે થોડા જૂના અનુભવી અને જાણકાર બહેનો છે તેમની પાસેથી સાંભળીને આ બધાં ‘ખાયણાં’ સંશોધકોએ સંગ્રહી લેવા જોઈએ. ગુજરાતી સાહિત્યની સુવર્ણસમ સાચી મૂડી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્યારે કરીશું શું ? – લિયો ટોલ્સટોય
ભગવાનનો અવતાર…! – ડૉ. શરદ ઠાકર Next »   

20 પ્રતિભાવો : વીસરાઈ ગયેલા સુરતી ખાયણાં – જોરાવરસિંહ જાદવ

 1. nayan panchal says:

  આપણે પણ હુરતીલાલા. તાપીકિનારે તો જીવનના અમૂલ્ય વર્ષો કાઢ્યા છે. પણ આ હુરતી ખાયણા વિશે કદી હાંભળ્યુ નહોતુ, વાંચીને મજા આવી ગઈ.

  આભાર.

  નયન

 2. ભાઈ આ તો પેલ્લી વાર જાઈણું … આવુ તો ખબર જ ની કોઇ દા’ડો … !!

  સરસ માહિતી … !!

 3. Ranjitsinh Rathod says:

  ખરેખર, ખબર જ નહોતી,

  આવી જુની અને જાણીતી વાતો બીજા શહેર અને ગામ ની પણ જણાવવા વીનતી..

  કેટલી સુદર રીત, રીવાજ, રસમ ભુલાય ગઇુ છે….

 4. જ્યોતિ says:

  મારી મમ્મી પાસે થી ખાયણાં શબ્દ અને આ ખાયણૂ અન્તાક્ષરી રમતા સામ્ભળાનુ યાદ આવે છે.
  પણ એ આ રીતે ગાતી…..

  સાસરે જાતાં, સામા મળ્યાં છે તાડ,
  મારી માતાના લાડ,
  મને કેમ વીસરે ?
  ખાયણાં…….

  આજે તો “મા” સાથે ના જુના સ્મ્રરણૉ ની યાદ તાજી કરાવી…..ખુબ મજા આવી ગઈ…….
  ખુબ ખુબ આભર…….

 5. pragnaju says:

  અમે બેવતન હુરટીઓને બાળપણ અને વતનની યાદ અપાવી દીધી
  ઘડો ફૂટે ને રઝળે જેવી ઠીંકરી,
  મા વીણ રઝળે દીકરી,
  કે આ સંસારમાં.
  માતાના મૃત્યુ પછીય દીકરી જનમ આપનારી જનેતાને વીસરી શકતી નથી :
  સાંજ પડે ને આથમે સૂરજના તેજ,
  સાંભરે માનું હેત,
  કે બેની સાસરે….
  આં ખ ભી ની થ ઈ ગ ઈ

 6. ભાવના શુક્લ says:

  સરસ મા સરસ….. એક કાઠિયાવાડી તરીકે મને સાખી, સોરઠા અને દોહા માટે અલભ્ય પ્રેમ હતો.. આહે સુરતી ખાયણા વિશે પ્રથમ વાર જાણ્યુ ત્યારે ખુબ આનંદ થયો. ખરેખર ગુજરાતના અન્ય વિસ્તારોની આવી લોકભોગ્ય માહીતિ અવાર-નવાર પીરસાતી રહે તેવી પ્રાર્થના..

 7. dipika says:

  ખુબ સરસ્….મને મારા દાદા યાદ આવયા ….દાદા પન અમને પાસે બેસાદિ ને ગાતા હતા….

 8. ધવલ says:

  સાંબેલાની સાથે સાઈથેરાપી ! દળણા સાથે દુ:ખ દળી નાખવાના ! મને પણ આ ખાયણાં વિષે ખબર નહોતી… કોઈ જ સૂરતીને આ વિષે ખબર નથી કે શુ ? 🙂

 9. અતુલ જાની (આગંતુક) says:

  સુરતી ખાણાં વિષે તો જાણતા હતા પણ આ ખાયણા વિષે પહેલી વાર જાણવા મળ્યું. એકાદ ગવાતું સાંભળવા મળે તો તેના રાગની ખબર પડે.

 10. Ashish Dave says:

  Differet stuff… never knew about such beautiful way of expressing feelings.

  Ashish Dave
  Sunnyvale, California

 11. jasama says:

  BHAI HU TO ASSAL SURTI j chu. aa vachine mane maru piyar ane aluna yad aaviya. 8-9 varsni umare ratre sherima samsame otle besine aa khayana gata hata ne maja aavati hati. tyre duniyadarinu kai bhan nhotu. aa to aapani surati sanskruti.aavirite gormana geeto mokl jo. thank u 4 sendig it.hu to mara balpanma sari gai! jsk.jasama. usa.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.