ગુફતગૂ ગુણવંત શાહ સાથે – સં. અમીષા શાહ

guftagu[ રિડિફ.કોમના ગુજરાતી વિભાગમાં 20-6-2000થી 4-6-2001 સુધી વિશ્વના વાચકો દ્વારા આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહને પૂછાયેલા વૈવિધ્યલક્ષી પ્રશ્નો અને અને તેના તેમણે આપેલા સચોટ જવાબોનું સંપાદન કરીને તેમના દીકરી શ્રીમતી અમીષાબેન શાહે થોડા સમય અગાઉ એક સુંદર પુસ્તક વાચકોના હાથમાં મૂક્યું છે જેનું નામ છે : ‘ગુફતગૂ ગુણવંત શાહ સાથે.’ આ પુસ્તક સંબંધી આપના અભિપ્રાયો આપ શ્રી ગુણવંતભાઈ શાહને (વડોદરા) આ સરનામે મોકલી શકો છો : sampark97@yahoo.com પુસ્તકપ્રાપ્તિની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] રહસ્યના ખોળામાં મૌન

પ્ર : ગુણવંતભાઈ ! સૌથી મોટું આશ્ચર્ય કયું ? (શિવલ ઠાકર)

ઉ : મારે મન સૌથી મોટું આશ્ચર્ય રોજ સવારે નિયત સમયે સૂર્ય ઊગે તે છે. એ ઘટનાને હું વિસ્મયપૂર્વક નિહાળું ત્યારે પ્રાર્થના કરવી નથી પડતી, થઈ જાય છે. ફરજિયાત પ્રાર્થના કરવી જ પડે તેવી વ્યવસ્થાનો હું હિમાયતી નથી. નિશાળનાં બાળકોની વાત જુદી છે. બીજું આશ્ચર્ય મારે મન શિશુ-જન્મ છે. ચેતનાનું એ કણસલું ક્યાંથી અવતરણ પામ્યું ? જવાબ નથી જડતો. જેનો જવાબ ન જડે તે વિસ્મય રહસ્યના ખોળામાં બેસે ત્યારે મૌન રાખવું સારું. વધારે શું લખવું ?

[2] કૉલેજોમાં ‘યુવાનો કેટલા ?

પ્ર : આદરણીય ગુણવંતભાઈ, આજનો સમાજ સીધાસાદા અને નૈતિકતાને વરેલા યુવાનોને ઢીલા માને છે, તો તેનો ઉપાય શો છે ? શું આજના સમાજને ગોલમાલ કરી શકે તેવા યુવાનોની જરૂર છે ? (દર્શન)

ઉ : સીધોસાદો યુવાન ઢીલો શા માટે હોય ? એણે તો વધારે ખુમારી રાખવી જોઈએ. મને પોતાને નિર્વ્યસની કે સદગુણી યુવાન પણ ઢીલોઢાલો હોય તે નથી ગમતો. યુવાન તેજસ્વી અને પરાક્રમી હોવો જોઈએ. યુવાનની વ્યાખ્યા શી છે ? જવાબ છે : ‘જેની વાહિયાત બાબતો સહન કરવાની શક્તિ અત્યંત મર્યાદિત હોય તે યુવાન કહેવાય.’ ગોલમાલ કરનારો યુવાન, ‘યુવાન’ ન ગણાય, કારણ કે ગોલમાલ વાહિયાત બાબત છે. દહેજની પ્રથાને સહન કરનારો યુવાન, ‘યુવાન’ ન જ ગણાય, કારણ કે દહેજ વાહિયાત બાબત છે. વ્યસનમાં ડૂબેલો યુવાન પણ યુવાન ન ગણાય કારણ કે વ્યસન વાહિયાત બાબત છે. યુવાનીને ઉંમર સાથે લેવાદેવા નથી. મેં વીસ વર્ષના ઘરડાઓ જોયા છે અને એંશી વર્ષના યુવાનો જોયા છે. ઘરડા યુવાનોને કારણે જ આ દેશની ગરીબી ટકી રહી છે. ઢીલો યુવાન એટલે ઘરડો યુવાન. ‘ઘરડો’ એટલે શું ? રવિશંકર મહારાજ કહેતા કે જે ઘરેડમાં ચાલે તે ઘરડો. જ્યારે પણ કોઈ ખમીરવંત યુવકને કે ખુમારીવંત યુવતીને જોઉં ત્યારે મન રાજી થાય છે. આખી કૉલેજમાં માંડ પાંચ ટકા વિદ્યાર્થીઓ ‘યુવાન’ હોય છે. બાકીના તો નાની ઉંમરનાં ડોસાડોસી જ હોય છે. ઢીલીપોચી યુવાની દેશની શરમ ગણાય.

[3] આપણું હોવું એ ખરેખર તો વહેવું છે

પ્ર : આપનાં પુસ્તકો વાંચું છું. આપની કૉલમ્સનો ચાહક છું. મેં ખાસ એક વાત નોંધી છે. આપનાં લેખનોમાં પ્રકૃતિ પ્રત્યેનો અહોભાવ, પ્રકૃતિ પ્રત્યે આભારની લાગણી, વિસ્મયભરી નજર, હકારાત્મક દષ્ટિકોણ, પોઝિટિવ થિન્કિંગ જેવી બાબતો જોવા મળે છે. આવી વિસ્મયભરી નજર અને હકારાત્મક દષ્ટિકોણ પામવાની કોઈ ચાવી ? આપે કેવી રીતે આવો દષ્ટિકોણ મેળવ્યો ? (રોહિત જાની)

ઉ : વિસ્મય વગરના માણસથી છેટા રહેવા જેવું છે. કોઈ પણ બાળકના ચહેરા પર વિસ્મય બેઠેલું હોય છે. આ આખું જગત વિસ્મયથી ભરેલું છે. સૂર્યના ઉદય અને અસ્ત સાથે વિસ્મય જોડાયું છે, આકાશ આખું વિસ્મયથી ભરેલું છે, જન્મ થાય ત્યારે ખરેખર તો વિસ્મય જન્મે છે, મૃત્યુ અત્યંત વિસ્મયજનક છે, સ્ત્રી-પુરુષ વચ્ચેનું આકર્ષણ વિસ્મયથી ભરેલું છે, પુષ્પ ખીલે ત્યારે વિસ્મય ખીલતું હોય છે, આપણું ‘હોવું’ પણ એક વિસ્મયકારક ઘટના જ છે.

આવા વિસ્મયથી વંચિત રહેનારો માણસ લાકડાના ટુકડા જેવો ગણાય. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એટલે જ જીવન પ્રત્યેનો પ્રેમ. જે માણસ જીવનને વહાલ ન કરે તે જીવતેજીવત મરેલો ગણાય. જે જીવી જાણે તેને કદી હકારાત્મક દષ્ટિકોણ માટે મથવું નથી પડતું. આપણું હોવું (બીઈંગ) કેટલું મૂલ્યવાન છે ? તમે તમારા બીઈંગમાં ઊઠેલો પ્રશ્ન મને પૂછ્યો. મેં મારા બીઈંગમાં ઊગેલો જવાબ આપ્યો. આ થયું, બે બીઈંગ વચ્ચેનું દિવ્ય પ્રત્યાયન (ક્મ્યુનિકેશન). આપણા અસ્તિત્વને ઈન્ટરનેટ આ રીતે જોડે તે ઘટના શું ઓછી વિસ્મયકારક છે ? કોમ્પ્યુટરને પણ વિસ્મયભાવે જોવું રહ્યું.

આ માટે કરવાનું શું ? તમે મને પૂછો છો તેથી કહું છું કે પ્રકૃતિને ખોળે ખેલવાની અને ઘટનાઓને વિસ્મયપૂર્વક નીરખવાની એક પણ તક જતી ન કરવી. જુવારનું પ્રત્યેક કણસલું આપણને વિસ્મયમાં ઝબોળી શકે છે. પ્રત્યેક સૂર્યોદય આપણને જીવનદીક્ષા આપી શકે છે. નદી એટલે શું ? નદી એટલે એવો માર્ગ, જે સતત વહે છે. માર્ગ પોતે વહે છે એ વાત જેવી તેવી છે ? લગભગ એ રીતે જીવન વહે છે. આપણું હોવું, એ આખરે તો વહેવું છે. પરિવર્તન જ કાયમી છે. બીજું બધું અશાશ્વત છે. હિરેક્લિટસની વાત સાચી છે : ‘તમે એક જ નદીમાં બે વાર સ્નાન નહીં કરી શકો.’

[4] મારો મૂડ હમણાં જુદો છે

પ્ર: પ્રિય ગુણવંતભાઈ, નમસ્તે. તમે વિજ્ઞાનમાં માનો છો. કોમ્પ્યુટરની દુનિયામાં તમારી કૉલમ ચલાવો છો. રોજ રોજ મારા જેવા અનેક લોકોના સવાલના જવાબ આપો છો. તો પણ મેં સાંભળ્યું છે કે તમે તમારા ઘરમાં કોમ્પ્યુટર રાખવાનો વિરોધ કરો છો અને ઈન્ટરનેટના સૌથી મોટા વિરોધી છો. આવો વિરોધાભાસ કેમ ? (ચિંતન શેઠ)

ઉ : કોણે કહ્યું કે હું ઘરમાં કોમ્પ્યુટર રાખવાનો વિરોધી છું ? હું તો ઈન્ટરનેટનો ચાહક છું, કારણ કે ઈન્ટરનેટ મને વિશ્વ-નાગરિક બનાવી શકે છે. મેં થોડાક વખત પર ‘શ્રી કૉમ્પ્યુટરાય નમ:’ એવા મથાળે લેખ લખેલો. ઈન્ટરનેટ દ્વારા એટલે કે સાઈબર-હાઈવે અને ઈન્ફર્મેશન-હાઈવે દ્વારા દુનિયા ચણીબોર જેવી થઈ ગઈ છે. આવી વિરાટ છતાં સૂક્ષ્મ ઘટનાનો હું આશિક છું. કોમ્પ્યુટરને મેં આજના ગણદેવતા તરીકે આવકાર્યું છે.

હવે મારી માનસિકતા વિશે ખુલાસો કરું. મારા ઘરેય આ ગણદેવતાની પ્રાણપ્રતિષ્ઠા હજી કેમ નથી થઈ ? એક સર્જક તરીકે મને માહિતીના વિરાટ ઢગલામાં બહુ રસ નથી પડતો. મને થયા કરે કે વાલ્મિકિ કે વ્યાસ કે કાલિદાસ કે ભર્તૃહરિ છોડીને વળી એ ઢગલાના પ્રેમમાં ક્યાં પડવું ? ગમે ત્યારે આ માહિતીનું ગોડાઉન મારે ત્યાં જરૂર આવી પહોંચવાનું છે, કારણ કે એના દ્વારા હું મારા વિશ્વમિત્રોના સંપર્કમાં રહી શકું તેમ છું. માત્ર સમયનો સવાલ છે. ફરીથી કહું છું કે હું ઈન્ટરનેટનો વિરોધી નથી, પરંતુ મારી મર્યાદા એ છે કે મને જે દુનિયા વહાલી છે અને તેમાં મારો જે આનંદ છે તે થોડોક અનોખો છે. તમને દૂધપાક ખૂબ જ ભાવે છે. તમને કોઈ શિખંડની ઑફર કરે તો તમે ના પાડો છો, કારણ કે તમે દૂધપાકનો સ્વાદ માણવામાં મગ્ન છો. આ મૂલ્યવાન મગ્નતા તમને નિજાનંદ આપનારી છે. તમે શિખંડની ઑફર કરનારને કહો છો : ‘યાર, હમણાં મારે શિખંડ નથી જોઈતો. પછી જોયું જશે. મને દૂધપાક ભાવી રહ્યો છે.’ આવું કહેવામાં તમે શિખંડવિરોધી નથી બની જતા. તમારી પ્રાયોરિટી જુદી જ છે. તમારો મૂડ જુદો છે. ટી.એસ. એલિયટ જેવા કવિએ પંક્તિઓ લખી તે પેશ કરું ?

ક્યાં છે જ્ઞાન ?
આપણે તેને માહિતીમાં ખોઈ નાખ્યું છે.
ક્યાં છે શાણપણ ?
આપણે તેને જ્ઞાનમાં ખોઈ નાખ્યું છે.

મારા અગ્રતાક્રમ (પ્રાયોરિટી)માં શાણપણ પ્રથમ ક્રમે, જ્ઞાન બીજા ક્રમે અને માહિતી ત્રીજા ક્રમે આવે છે. આમાં માહિતીનું અપમાન નથી. તમે કપડાના કબાટમાંથી બહાર જતી વખતે વસ્ત્રો કાઢો છો. અમુક ઝભ્ભો તમારો ફેવરિટ છે. તે ઝભ્ભો કાઢો ત્યારે બીજા બધા ઝભ્ભાના તમે વિરોધી નથી બની જતા. જે તે વસ્ત્ર પસંદ કરતી વખતે તમારો મુડ કામ કરી જાય છે. આવું જ સ્ત્રીઓ સાડી પસંદ કરે ત્યારે અનુભવે છે. અમુક સાડી અમુક પ્રસંગે, અમુક જગ્યાએ અને અમુક સમયે (રાતે કે દિવસે) વધારે શોભે તેવું ગૃહિણીને લાગે છે. એ ક્ષણે મૂડ કામ કરી જાય છે. મારો મૂડ અત્યારે વાલ્મીકી રામાયણના એવરેસ્ટની ટોચ પર જઈ બેઠો છે. અત્યારે મને અખબારની કટાર ચલાવવાનું અને રિડિફ.કોમ પર ગૂફતેગૂના પ્રશ્નોના જવાબ આપવાનું પણ આકરું લાગે છે. આ વાત કોણ માનશે ? જાત-અનુભવ વગર મારી વાત સમજાય તેવી નથી. ભલે ન સમજાય. અત્યારે હું ભગવદ ગીતા પણ વાંચી શકતો નથી. તેથી કોઈ મને ‘ગીતાવિરોધી’ કહી શકે ? ચિંતન જેનું નામ હોય તે આ વાત પર ચિંતન કરશે ?

[5] ટીવી આપણા કબજામાં કે આપણે ટીવીના કબજામાં ?

પ્ર : શું આજનાં સમૂહ માધ્યમો ખરેખર સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે ? (હાર્દિક મામણિયા)

ઉ : સમૂહ માધ્યમો બટાટા છોલવાની છરી જેવાં છે. જો છરીની ઊંધી બાજુએથી બટાટા છોલવા માંડો તો બટાટાને બદલે આંગળી જ છોલાઈ જાય ! માણસે નક્કી કરવાનું છે કે શું કરવું ? ટીવી આપણા કાબૂમાં હોવું જોઈએ. આપણે ટીવીના કબજામાં શા માટે ? ક્યાં જવું તે કોણ નક્કી કરે ? ઘોડો કે ઘોડેસવાર ?

[6] માણસ ભેંસ કરતાં ચડિયાતો કેમ ?

પ્ર : નમસ્કાર. 28મી નવેમ્બરે મારાં લગ્ન થયાં છે. એક સવાલ મને રોજ સતાવે છે. જીવનનું ધ્યેય શું ? જનમવું, ભણવું, પરણવું, છોકરાંને ઠેકાણે પાડવા અને મરી જવું ? (રોહિત જાની)

ઉ : ચીલાચાલુ જીવનથી સહેજ ફંટાઈને કે જરા જુદી રીતે વિચારવાનું રાખીને સમજપૂર્વક જીવવાની આકાંક્ષા જ ખરી શરૂઆત ગણાય. બળદ પણ જીવે છે. ગોકળગાય પણ જીવે છે. ભેંસ પણ જીવે છે. સૌ આનંદપૂર્વક જીવે છે. માણસ કેમ આનંદપૂર્વક જીવતો નથી ? એ ભેંસ કરતાં ચડિયાતો કેમ ગણાયો ? આવો પ્રશ્ન પજવી જાય તો ‘ખરી શરૂઆત’ થઈ જાય. પછી લોભ રહે તોય સતાવે નહીં. પછી વાસના રહે તોય સતાવે નહીં. માણસને નિજાનંદની ભાળ મળી જાય પછી અન્ય બાબતો ફીકી જણાય છે. નિજાનંદ વગરનો વૈરાગ્ય કષ્ટમય છે. વિનોબા કહેતા કે વૈરાગ્ય પણ ‘લાલિત્યપૂર્ણ’ હોવો જોઈએ. આપણા સાધુબાવાઓએ વૈરાગ્યને કાંટાળો બનાવી દીધો છે. જીવનની શોધ એટલે જ આનંદની શોધ. જીવનનું ધ્યેય આનંદની પ્રાપ્તિ જ હોઈ શકે. આનાથી વધારે કહેવાનું મારું ગજું નથી.

[7] સમસ્યાઓ પણ પરવાનગી લઈને આવે ?

પ્ર : ગુણવંતભાઈ, આ સવાલ નથી પણ શૅરિંગ છે. મને લાગે છે કે આજની પેઢીનાં માબાપ સૌથી વધુ લાચાર છે. જો દીકરા-દીકરીઓને પૂરતી છૂટ ન આપે તો રૂઢિચુસ્તમાં ખપવાનો ડર અને છૂટ આપે તો તેમના કંઈક અજુગતા પગલાથી વધારે પડતી છૂટ અપાઈ ગયાનો અજંપો..પીડા ! તમારું શું માનવું છે ? (શિવાની દેસાઈ)

ઉ : તમારી વાતમાં દમ છે. આજની પેઢીનાં માતાપિતા સૌથી વધારે લાચાર છે. તેઓ ક્યારેક તાણેલા દોરડા પર ચાલનાર નટની માફક બંને તરફ પડી જવાના ભયે સંતુલન જાળવવા મથતાં રહે છે. અંગ્રેજીમાં એને ‘ટાઈટ-રોપ-વોકિંગ’ કહે છે. કરવું શું ? એક ઉદાહરણ આપું ? દીકરી ઓચિંતી આવીને માતાને કહે છે કે ફલાણા છોકરા સાથે એ પરણવા આતુર છે. એ છોકરો સાવ જુદી કોમનો છે. છોકરીને પણ છોકરાના પરિવારનો પરિચય નથી. છોકરી તો પરિવારની માથાકૂટમાં ન પડે તે હદે ઘેલી છે, પરંતુ માબાપને ચિંતા રહે છે. દીકરી ક્યાંક ફસાઈ ગઈ તો ! ગમે તેવાં પ્રગતિશીલ માતાપિતાને પણ દીકરીના યોગક્ષેમની ચિંતા કરવાનો અધિકાર છે. શિવાની, આ ‘યોગક્ષેમ’ શબ્દ સમજવા જેવો છે. યોગ એટલે જે અપ્રાપ્ત હોય તેની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયું તેની જાળવણી. માબાપ આવી ચિંતા ન કરે તો માબાપ ન ગણાય. તેઓ ઉદાર થવા માટે તૈયાર હોય તોય એમને ચિંતા થાય એ સ્વાભાવિક છે. ક્યારેક ટાઈટેનિક ભયાનક-હિમશિલા સાથે અથડાઈને નાશ પામતી હોય છે. જે વાત દીકરી અંગે કરી તે જ વાત દીકરાને પણ લાગુ પડે છે.

એક જ ઉપાય છે. માતાપિતા અને સંતાનો વચ્ચે શરૂઆતથી જ એવું પ્રત્યાયન (કોમ્યુનિકેશન) હોવું જોઈએ, જેથી સંતાનો નિખાલસપણે બધું જ કહી શકે. જો નિખાલસ વાતચીતનું વાતાવરણ હોય તો ગમે તે મુદ્દાની ખુલ્લી ચર્ચા થઈ શકે. આવું ઘણે ભાગે નથી હોતું તેથી બાજી બગડે છે. બધી ચર્ચાને અંતે પણ જો સંતાન દઢતાપૂર્વક ઈચ્છા મુજબ પરણવાનો આગ્રહ રાખે છે તો તે સ્વીકારવો જ રહ્યો કારણ કે આખરે એ પોતાના જીવન પર પોતાનો અધિકાર ધરાવે છે. આવે વખતે અનુમતિ આપવામાં જ શાણપણ રહેલું છે. એની સારી અસર પડે છે. સંતાન એવી પ્રેમાળ અનુમતિને ભૂલી ન શકે. માની લો કે લગ્ન બાદ ટાઈટેનિક અથડાઈ પડી, તો તેવે વખતે એ વાક્ય બોલવાનું માતાપિતાએ ટાળવું રહ્યું : ‘અમે તો પહેલેથી કહેતાં હતાં, પણ….’

આ સંસારમાં આવી લીલા તો ચાલ્યા કરે. સંતાનો આપણાં ખરાં, પરંતુ આપણી માલિકીનાં નથી હોતાં. આપણી બધી મદદ પછી પણ એમને બરબાદ થવાનો અધિકાર છે. ક્યારેક માણસ બરબાદીની બાબતે પણ સ્વાવલંબી બનવા ઈચ્છે છે. સંતાનોને ભરપૂર પ્રેમ કરવો, પણ પછી વળગણ રાખવામાં બહુ માલ નથી. એમને લાગવા દેવું જોઈએ કે માબાપ મફત સલાહકેન્દ્રનાં માલિક નથી. એટલું ચોક્કસ કે જે ઘરમાં વિચારવાની મુક્ત આબોહવા હોય અને બૂક-કલ્ચર જીવતું હોય તે ઘરમાં સમસ્યાઓ ઊભી થાય તોય તે સમસ્યા છેક જ કદરૂપી નથી હોતી. સમસ્યાને પણ તેનું પોતીકું સૌંદર્ય હોય છે. એ સૌંદર્યનું કાળજું વિચાર છે અને વિચારનું કેન્દ્રબિંદુ વિવેક છે. સ્વાનુભવે કહું છું કે સંતાનોને વિચારવાની ટેવ પડે તેવું ઘર હોય ત્યારે સમસ્યાઓ પણ પરવાનગી લઈને આવતી હોય છે.

[8] જ્યાં લંકા હોય ત્યાં વિભિષણ પણ હોય

પ્ર : ગુણવંતભાઈ, પંદર વર્ષોથી આપની સાથે વાચક તરીકે સતત સંપર્ક રહ્યો છે. મનનાં મેઘધનુષ, કાર્ડિયોગ્રામ અને વિચારોના વૃંદાવનમાં સુધીની યાત્રામાં પતંગિયાની અવકાશયાત્રા અને આનંદયાત્રા સુધીની સફર કીધી. ઘણું બધું નથી સમજાયું, પણ પ્રયત્ન ચાલુ છે. છેલ્લાં આઠ વર્ષોથી ભારતની બહાર છું, અને છએક વાર ભારતની મુલાકાત લીધી ત્યારે હમેશાં એક કડવી લાગણી સાથે, દુ:ખતા મન સાથે વિદાય લીધી છે. તમને રોજેરોજ આ પરિસ્થિતિમાં નિરાશા પણ થતી હશે. બદલાતી વૃત્તિ, લાગણીઓની ઘટતી કિંમત અને હોશિયાર દેખાવાની લાયમાં પોતાની જાતને છેતરતા માનવીને જોઈને તમને ક્યારેય એવું લાગે છે કે તમારી મહેનત પાણીમાં ગઈ ? પ્રણામ. (મદન દવે)

ઉ : તમે પરદેશમાં રહીને વાંચવાની ટેવ ન છોડી તે માટે ધન્યવાદ. જ્યારે જ્યારે ભારત આવ્યા ત્યારે કડવી લાગણી સાથે અને દુ:ખતા મન સાથે દેશ છોડવાનું બન્યું. તમારી નિરાશા સો ટચની છે, કારણ કે નિરાશા અસ્થાને હોય તો ય કદી અપ્રમાણિક હોતી નથી. તમારા વિષાદનાં તમે ત્રણ કારણો આપ્યાં છે : (1) બદલાતી વૃત્તિઓ (2) લાગણીઓની ઘટતી કિંમત (3) હોશિયાર દેખાવાની લાયમાં પોતાની જાતને છેતરતો માનવી. તમારું પૃથક્કરણ મને ગમી ગયું તેથી જવાબ વિસ્તારથી આપું ? તમે જે નિરાશા પ્રગટ કરો છો તેવી નિરાશા ઘણાખરા એન.આર.આઈ. ભાઈઓને ભારત અંગે થાય છે. તમે માનશો ? આવી જ નિરાશા વિદેશના ભભકાથી અંજાઈ ન જનારા ભારતીય લોકોને વિદેશના પ્રવાસમાં થાય છે. ટૂંકમાં, નિરાશા ભારતીય, યુરોપિય કે અમેરિકી કે આફ્રિકી નથી. નિરાશા માનવીય છે. એ નિરાશાનાં મૂળિયાંની તપાસ કરવા જેવી છે. હવે મારો વિચાર જણાવું.

આજનો મનુષ્ય દ્રવ્યતા (મટિરિયાલિટી)ના આકર્ષણમાં એવો તો સપડાયો છે કે અદ્રવ્યતા (નોન-મટિરિયાલિટી) સાથે જોડાયેલ માનવીય લાગણીઓને ગૌણ માની બેઠો છે. એક જમાનામાં મામાને ભાણેજ માટે ઘસાઈ છૂટવામાં આનંદ આવતો. ભાઈ કદી બહેનને કશુંક આપવામાં કરકસર કરવાની વૃત્તિ ધરાવતો ન હતો. આજના બધા માનવસંબંધોમાં દ્રવ્યમય ગણતરીનો અભિશાપ ફેલાઈ ગયો છે. મિત્રતા પણ દ્રવ્યકેન્દ્રી બની ગઈ છે. પ્રેમસંબંધો ઘટતા જાય છે અને દ્રવ્યસંબંધો વધતા જાય છે. દ્રવ્ય (મેટર)ની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. એનાથી ભૂખ મટે તો ય તૃપ્તિ ન થાય. એ સુખ આપે તોય સંતોષ ન થાય. એ બધું આપે તોય કશુંક રહી જાય. માણસ રોટલો ખાય તો જ જીવી શકે, પરંતુ માત્ર રોટલો ખાઈને એને પરિતૃપ્તિ નથી થતી. એ રોટલો પીરસનારી માતા, પત્ની, બહેન કે પ્રિયતમાનું સ્મિત પણ ઝંખે છે. દ્રવ્યતા મૂળે ખરાબ ચીજ નથી. પૈસા દ્વારા મળતું સુખ પ્રાપ્ત કર્યા પછી માણસે એવા સુખ માટે મથવું જોઈએ, જે પૈસો કદી ન આપી શકે. એવા સુખની શોધ એટલે જ અપ્રદૂષિત પ્રેમસંબંધની શોધ. પ્રેમ સ્વભાવે જ અદ્રવ્ય (નોન-મેટર) છે. તમે ભારત આવ્યા ત્યારે એવું જણાયું હશે કે ક્યાંય ભીનાશનો પરચો ન મળ્યો. બરાબર ? પ્રત્યેક માણસ અંદરથી એક એવો સંબંધ ઝંખે છે, જે ગણતરીથી કે મુત્સદ્દીગીરીથી કે લુચ્ચાઈથી પર હોય. એ સંબંધ એવો હોય કે જેમાં ગુમાવવાના આનંદની ભાળ મળે.

મદનભાઈ, મારી મહેનત પાણીમાં નથી ગઈ. ક્યારેય કોઈ વિચાર નિષ્ફળ જતો નથી. એનું પરિણામ સ્પષ્ટ કે રોકડું નથી હોતું. તમે મને આવો મૌલિક પ્રશ્ન પૂછી શક્યા એ જ બતાવે છે કે મારી મહેનત પાણીમાં નથી ગઈ. વિચારને પાંખો હોય છે. એ સ્વભાવે ભુવનવ્યાપી હોય છે. તમને ક્યાંક ઝંકૃત કરી ગયેલો એકાદ મૌલિક વિચાર મરણપર્યંત તમારો કેડો છોડતો નથી. આવા તો કેટલાય વિચારો છે, જેઓ મારો કેડો છોડતા નથી. આવા ખલેલ પહોંચાડનારા વિચારો વહેંચવા માટે જ મારો જન્મ થયો છે. કશુંય નકામું જતું નથી.

હવે નિરાશા ખંખેરીને ભારત આવશો. ક્યારેક અહીં પાંચ માણસો કોઈ ખરાબ અનુભવ કરાવે તો નિરાશ થશો નહીં. થોડીક ધીરજ રાખશો તો જરૂર છઠ્ઠી વ્યક્તિ એવી મળી જશે કે તમને સાચા ભારતની ભાળ મળી રહેશે. મારે અમેરિકા જવાનું બને છે ત્યારે ક્યાંક ઓચિંતા ભટકાઈ ગયેલા એકાદ અજાણ્યા અને પુસ્તકપ્રેમી એન.આર.આઈને કારણે મારો પ્રવાસ યાદગાર બની જાય છે. જ્યાં લંકા હોય ત્યાં પણ એક વિભીષણ હોય, તો પછી આ પૃથ્વી તો બહુરત્ના છે. આ પૃથ્વી પર કેટલાય પરિવારો એવા છે, જે સંસ્કાર જાળવીને જીવે છે. આવા પરિવારોને કારણે જ આ પૃથ્વી જીવવા લાયક રહી છે.

[કુલ પાન : 232. કિંમત રૂ. 200. પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારો પરિવાર – અનુ. રામનારાયણ ના. પાઠક
ખરો દબદબો – કવિ રાવલ Next »   

15 પ્રતિભાવો : ગુફતગૂ ગુણવંત શાહ સાથે – સં. અમીષા શાહ

 1. nayan panchal says:

  આ આખુ પુસ્તક જ બહુ સરસ છે. આ લેખ તો માત્ર હિમશિલાની ટોચ જેવો છે. અમીષાબેને આ પુસ્તકમાં ઘણા બધા વિષયો આવરી લીધા છે.

  ગુણવંતભાઈના ચાહકોએ તો આ પુસ્તક વસાવવુ જ રહ્યુ.

  મૃગેશભાઈ,
  તમારો ખૂબ આભાર.

  નયન

 2. ગુણવંત શાહ સાથે ગુફતગુ કરવાની અભૂતપુર્વ ગોઠવણ કરવા માટે રિડિફ.કોમના સંપાદક શીલા ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.

  રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ બંધ છે પણ જુના લેખો તેમના તેમ, ત્યાંના ત્યાં પડ્યા છે. સંપુર્ણ પ્રશ્નોતરી વાંચવા માટે અહીં ક્લિક કરો. http://www.rediff.com/gujarati/guftguhp.htm (IEમાં ફોન્ટ ડાઉનલોડ નહીં કરવા પડે, અન્ય બ્રાઉઝર માટે ફોન્ટ ડાઉનલોડ કરવા જરૂરી).

  સરસ પુસ્તક. સરસ લેખ.

 3. અતુલ જાની (આગંતુક) says:

  અમે જ્યારે નાના હતા ત્યારે અમારી શાળામાં એક ચિત્રકાર આવેલા. તેઓ કોઈ પણ બાળકને ઉભો કરી અને કહે કે આ બોર્ડ ઉપર મનમાં આવે તેવો લીટો દોર અને પછી તેને પુછે કે બોલ આમાંથી શું દોરી દઉ? અને પેલા બાળકના મનઘડન લીટામાંથી સુંદર ચિત્ર તૈયાર થઈ જાય.

  શ્રી ગુણવંતભાઈને અહીં જાત-જાતના લોકોએ જાતજાતના પ્રશ્નો પુછ્યા છે અને શ્રી ગુણવંતભાઈએ (નામ પ્રમાણે જ ગુણ ધરાવનારા ઓછા હોય છે પણ ગુણવંતભાઈ તેમાં અપવાદ છે) તેમાંથી પોતાના જ્ઞાનના નિચોડ જેવા સુંદર જવાબો આપ્યાં છે.

  ભારતિય પંરપરામાં જ્ઞાન મેળવવાની એક આખી પધ્ધતિ બતાવવામાં આવી છે – જેમાં જ્ઞાનના જીજ્ઞાસુએ યોગ્ય વ્યક્તિ પાસે જઈને તેને નમ્રતાથી, ઋજુતાથી અને તેમને પ્રસન્ન કરીને અને કઈક સેવા કરીને પછી પ્રશ્નો પુછવાના છે અને આવી રીતે પુછાયેલ પ્રશ્નોના જ્ઞાનીઓ પણ ખુબ પ્રેમથી ઉત્તર આપે છે અને તેનાથી જીજ્ઞાસુની જીજ્ઞાસા સંતોષાય છે અને તે જ્ઞાન તેના જીવન-વિકાસ માં ઉપયોગી બને છે.

  અહીં શ્રી ગુણવંતભાઈએ ઉદારતાથી યોગ્ય પ્રશ્નોના સુંદર જવાબો આપ્યા છે. આવીને આવી ગૂફતેગુ ચાલતી રહે સાચી જીજ્ઞાસાથી પ્રશ્નો પુછાય અને પ્રશ્નકર્તાના હિતનું ચિંતન કરીને જવાબ અપાય અને તે ઉત્તર પ્રમાણે જીવન ઘડતર કરવાનો પ્રયાસ થાય તો સમાજનું ઘણું કલ્યાણ થઈ શકે.

 4. nirlep bhatt says:

  I like this book…..this book has the pragmatic solution of many complex issues, with we have to deal with in life.

 5. pragnaju says:

  પ્રખર ચિંતક વિચારકની ખૂબ ચિંતનાત્મક વાતોનો મઝાનો લેખ

 6. anant patel says:

  ગુણવંતભાઈ શાહના લેખોમાંથી હંમેશાં પ્રેરણા મળતી રહી છે. હું વર્ષોથી તેમના લેખોનો ચાહક રહ્યો છુ. તેમના પુસ્તકના અંશ અહીં રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

 7. ભાવના શુક્લ says:

  “જ્યાં લંકા હોય ત્યાં પણ એક વિભીષણ હોય, તો પછી આ પૃથ્વી તો બહુરત્ના છે.”
  બહુ મોટી અને સફળ હકીકત એ છે કે ચિંતનાત્મક વિચારોથી એકાદ વ્યક્તીનો માહયેલો પણ્ ઝણઝણી ઉઠે તો કશુ જ એળે નથી જતુ….
  ખુબ ખુબ ખુબ સરસ!!!!!!

 8. Ashish Dave says:

  I have been reading Shri Gunvantbhai for a long time. His writings are always though provoking and fun to read.

  Thank you Vinaybhai for the link.

  Ashish Dave
  Sunnyvale, California

 9. AKBAR says:

  માનસનિ આકાશાનો કેમ અત આવ્તો નથિ ?

 10. atul says:

  બરોબ્ર્ર્ર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.