- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આ કોણ આવ્યું ? – ભાણદેવ

[ હિમાલયની યાત્રાના સંદર્ભમાં કાકા કાલેલકર તેમજ સ્વામી આનંદ પછી જો કોઈ નામ લેવું હોય તો તે હાલમાં શ્રી ભાણદેવજીનું લઈ શકાય તેમ છે. તેમના કેટલાક વર્ણનો આપણે આ અગાઉ ‘હિમાલય દર્શન (ભાગ-1) [1]‘ તેમજ ‘હિમાલય દર્શન (ભાગ-2) [2]‘ માં માણ્યા છે. આજે માણીએ આ યાત્રાનો એક અનુભવ, તેમની કલમે, ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

માનવી સાવ એકલો હોય ત્યારે પણ એ સાવ એકલો નથી હોતો. કોઈક ને કોઈક તો તેની સાથે હોય જ છે અને કોઈ જ ન હોય ત્યારે પણ તે તો હોય જ છે. ભાઈ ! તું એકલો નથી. તારા પગલાં દબાવતો તે તારી સાથે જ ચાલતો હોય છે ! અરે, તારી આગળ પણ ચાલતો હોય, તારી પાછળ પણ ચાલતો હોય અને તારી બંને બાજુ પણ ચાલતો હોય ! તે બહુરૂપી તો છે, પણ તે અનેકરૂપી પણ છે જ !

અમે હિમાલય જઈએ તેમાં કાંઈ નવાઈ નથી. અમે હિમાલય ન જઈએ તેમાં નવાઈ ગણાય. હિમાલયમાં યાત્રા કરતાં કરતાં અમે પદ્મપુરી પહોંચ્યા. આ પદ્મપુરી હિમાલયના પ્રસિદ્ધ સંત સોમવારપુરી બાબાની સાધનાસ્થલી છે. પણ સાવધાન ! અહીંના લોકોને આ સ્થાન વિશે કાંઈ પૂછવું હોય તો આ સ્થાનને ‘પદ્મપુરી’ ન કહેશો. કોઈ ઓળખશે નહિ. અહીંના લોકોએ પદ્મપુરીનું ‘પદમબોરી’ કરી નાખ્યું છે. એટલે હવે આપણે પણ આ ‘પદ્મપુરી’ ને ‘પદમબોરી’ જ કહીશું, નહિ તો અહીંના પહાડી લોકો ઉત્તર આપશે ‘માલુમ નહિ, બાબાજી.’

આ પદમબોરીમાં સોમવારપુરી બાબા અને તેમના શિષ્ય ઈતવારપુરી બાબાની સમાધિઓ છે અને તેમનો આશ્રમ છે. આ સૌથી વિશેષ અહીં એક નાનો પણ સુંદર ત્રિવેણી સંગમ છે. ચારે બાજુ ખૂબ ઊંચા લીલાછમ પહાડો છે. સ્નાન, દર્શન, સત્સંગ આદિ થયા પછી હવે અમારે મુક્તેશ્વર જવું છે. પદમબોરીથી મુક્તેશ્વર જવાની કોઈ સીધી બસ નથી. અમારે ચૌરાહામાં બસ બદલવી પડે. અમે સાંજે પાંચેક વાગ્યે ચૌરાહા પહોંચ્યા. ચૌરાહામાં કોઈ ગામ નથી. અહીં ચાર રસ્તા મળે છે, તેથી અહીં માણસોની અવરજવર રહે છે. પાંચ-છ નાની નાની દુકાનો છે. આજુબાજુમાં ખેડૂતોના ચાર-પાંચ મકાનો છે. આ સમગ્ર વિસ્તારમાં મુક્તેશ્વર સૌથી ઊંચું સ્થાન છે. પહાડની ટોચ ઉપર મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. ચૌરાહાથી મુક્તેશ્વર બહુ દૂર નથી, પરંતુ રસ્તો કઠિન ચડાઈનો છે. અહીંના સ્થાનિક માણસોએ અમને જણાવ્યું કે અહીંથી મુક્તેશ્વર જવા માટે સાંજે બે બસો મળશે. બસ નિયત સમયે આવશે તો રાત્રે આઠ વાગ્યા પહેલાં અમે મુક્તેશ્વર પહોંચી જઈશું. પરંતુ બસ નિયત સમયે આવે શા માટે ?

અનેક બસો આવીને ગઈ. અમારા સિવાયના બધા જ યાત્રીઓ અહીંથી પોતાની બસો દ્વારા પોતાના સ્થાને ચાલ્યા ગયા, પરંતુ અમારો વારો આવતો નથી, કારણ કે અમારી બસ આવતી નથી. અમે એક નાની દુકાનની બહાર બેઠા બેઠા બસની વાટ જોઈએ છીએ. બસ આવવાનો સમય તો ક્યારનો વીતી ગયો છે. અમે દુકાનદાર સાથે વાતે વળગ્યા છીએ. આ દુકાનદાર એક રાજપૂત ખેડૂત છે. આ દુકાનની નીચે તેમનું ઘર છે અને બાજુમાં જ તેમની જમીન છે. થોડીવારમાં બે-ત્રણ યાત્રીઓ ચાલતાં ચાલતાં આવ્યા. તેમણે સમાચાર આપ્યા કે મુક્તેશ્વર જનારી પહેલી બસ રસ્તામાં જ બગડી ગઈ છે. એટલે તે બસ તો આજે આવશે નહિ. દુકાનદાર રાજપૂત ખેડૂતે અમને આશ્વાસન આપ્યું કે હજુ બીજી બસ બાકી છે, તે જરૂર આવશે. તેમણે અમને એમ પણ સમજાવ્યું કે અહીં હિમાલયમાં બસ વહેલી મોડી બહુ થાય છે, પરંતુ આવશે તો ખરી જ.

બીજી બસનો આવવાનો સમય પણ વીતી ગયો છે, પરંતુ બસ આવતી નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે, ઠંડી વધી રહી છે અને અંધારું થવા આવ્યું છે. દુકાનદારો એક પછી એક પોતાની દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા. અમે જેમની દુકાન પાસે બેઠા છીએ તે દાનસીંગભાઈએ પણ દુકાન બંધ કરી. જતી વખતે અમને કહેતા ગયા : ‘મહારાજ ! મુક્તેશ્વરની બસ વહેલીમોડી પણ આવશે તો ખરી જ, તેની ચિંતાને કોઈ કારણ નથી. આમ છતાં બસ ન આવે તો ભોજન અને રાત્રીનિવાસ માટે આપ મારે ઘેર પધારજો. જુઓ, અહીં નીચે જ મારું ઘર છે અને આ રસ્તો છે.’ અમે તેમનો આભાર માન્યો. તેઓ નમસ્કાર કરી, સસ્મિત વદને પોતાને ઘેર ગયા. હવે આ ચાર રસ્તાના મેદાનમાં અમે બે જ બાકી રહ્યા. બધી દુકાનો બંધ છે. સૂમસામ શાંતિ છે. અમારે જે બસમાં મુક્તેશ્વર જવું છે, તે છેલ્લી બસ સિવાય અન્ય કોઈ બસ હવે આજે અહીં આવવાની નથી અને અમારા બે સિવાય અન્ય કોઈ યાત્રી પણ હવે અહીં નથી. રાત્રિ થઈ ગઈ છે. ચાંદની રાત છે. આકાશ સ્વચ્છ છે. પવન બહુ નથી છતાં ઠંડી તો છે જ. હિમાલયમાં રાત્રે ઠંડી ન હોય તેમ તો બને જ કેવી રીતે ?

સમય વીતતો જાય છે. રાત્રિની પ્રગાઢ શાંતિ વધુ ને વધુ પ્રગાઢ બનતી જાય છે, ઠંડી વધી રહી છે, પણ બસનો કોઈ પત્તો નથી. અમે થોડીવાર બેસીએ છીએ. થોડીવાર પાદચારી કરીએ છીએ. બસ જે રસ્તેથી આવવાની છે, તે રસ્તા પર જોઈએ છીએ, પણ બસના આગમનના કોઈ એંધાણ જોવા મળતાં નથી. રાત્રિના દસ વાગ્યા, પણ હજુ બસ આવી નહિ. શું કરવું ? બસની વાટ જોવી કે હવે બસ નહિ આવે, તેમ માનીને દાનસીંગભાઈને ઘેર રાત્રીનિવાસ માટે જવું ? આમ ઈંતજારમાં અમે સમય વિતાવીએ છીએ. આખરે સાડા દસ વાગ્યે બસ આવી. છે તો અમારી જ બસ. બસ ઊભી રહી. અમે અંદર પ્રવેશ્યા અને બેઠા. બસ ચાલી. ખૂબ આકરી ચડાઈનો રસ્તો છે. વાંકાચૂકાં રસ્તે વળાંકો લેતી લેતી અને હાંફતી હાંફતી બસ માંડ માંડ આગળ ચાલે છે.

મુક્તેશ્વર મંદિરનું બસસ્ટેન્ડ આવે તે પહેલાં એક પશુ સંશોધન કેન્દ્રનું બસસ્ટેન્ડ આવે છે. અમારા બે સિવાય બધા જ યાત્રીઓ આ સ્ટેન્ડ પર ઊતરી ગયા. અમને બેને લઈને બસ આગળ ચાલી. અંતર બહુ નથી. અમારી બસ છેલ્લા બસસ્ટેન્ડ પર પહોંચી. આ જ છે મુક્તેશ્વરનું બસસ્ટેન્ડ. અમને અહીં આ છેલ્લા બસસ્ટેન્ડ પર ઉતારીને બસ અહીંથી તુરત પાછી ફરી. બસ રાત્રિનિવાસ પશુ સંશોધન કેન્દ્રમાં કરશે. અહીં આ ઘોર જંગલમાં એકલા રહેવાની ડ્રાઈવર-કંડકટરની અને તેમની બસની હિંમત ન ચાલે. બસ તો ચાલી ગઈ. આ ઘોર જંગલમાં અમે બે જ ઊભા હતા. ચાંદની રાત છે, પરંતુ ખૂબ મોટા વૃક્ષોનું અડાબીડ જંગલ હોવાથી ચંદ્રનો પ્રકાશ બહુ ઓછી જગ્યાએ ધરતી પર પહોંચી શકે છે. ચંદ્ર પ્રકાશિત રાત્રી હોવા છતાં આ અડાબીડ જંગલમાં તો ચારે બાજુ અંધારું જ જણાય છે.

બસ તો અમને છોડીને ચાલી ગઈ. અમારી ધારણા એવી હતી કે મુક્તેશ્વરની આ બસ અમને મુક્તેશ્વર મંદિરના દરવાજા સુધી પહોંચાડી દેશે. પરંતુ અહીં આવીને સમજાયું કે મંદિર તો હજુ દૂર છે. અમારે મંદિર સુધી પહોંચવા માટે કઈ દિશામાં, કઈ પગદંડી પર જવાનું છે, તે કાંઈ સૂઝતું નથી; કોઈ રસ્તો નજરે ચડ્યો નથી. ઘણા અનુભવે અમે જાણીએ છીએ કે પહાડની ટોચ પર ચડવા માટેનો આખરી રસ્તો આકરી ચડાઈનો જ હોય છે. પરંતુ સમસ્યા એ છે કે મંદિર સુધી પહોંચવા માટેનો, ઉપર સુધી જવા માટેનો પગપાળા રસ્તો પ્રકાશ હોવા છતાં આ વૃક્ષનિર્મિત અંધકારને કારણે કળી શકાતો નથી. આ જંગલમાં ભૂખ્યા, થાક્યા અને ઠંડીમાં ધ્રૂજતા અમે બે સાવ અજાણ્યા માનવો નિ:સહાય ઊભા છીએ. હવે આગળ ક્યા રસ્તે જવું ? આગળ જવાનો રસ્તો પૂછવો પણ કોને ? રાત્રિના અગિયાર વાગ્યે અહીં હિમાલયમાં આવા અંતરિયાળ સ્થાને આવે પણ કોણ ? અમે અંધકારમાં મુક્તેશ્વરની પગદંડી શોધવા ફાંફાં મારીએ છીએ, પણ પગદંડી મળતી નથી. વૃક્ષોના સૂકાં પાનના થરમાં પગદંડી દટાઈ ગઈ હોય તેમ લાગે છે.

બહુ નાનપણથી ચિત્તમાં એક શ્રદ્ધા દઢમૂલ બનીને બેસી ગઈ છે. આપણે એકલા નથી. આપણી સાથે, આપણી સંભાળ લેનાર કોઈક છે જ ! જ્યારે દસેય દિશા બંધ થઈ જાય ત્યારે અગિયારમી દિશા ખૂલે જ છે, ખૂલે જ છે !…. અને અગિયારમી દિશા ખૂલી ! વૃક્ષોના ઝૂંડની વચ્ચેથી અંધારામાં એક માનવ આકૃતિ અમારા તરફ આવતી જણાઈ. હિમાલયના ખેડૂતો પહેરે છે, તેવો પહેરવેશ તેમણે પહેર્યો છે. ઊનનો કાળા રંગનો ચોરણો, પહેરણ, કોટ અને માથા પર ઊનની ટોપી છે. તેઓ અમારા તરફ આવી રહ્યા છે. અચાનક ચંદ્રનો પ્રકાશ તેમના ચહેરા પર આવી ગયો. તપાવેલા તાંબા જેવો તેમના ચહેરાનો વર્ણ છે. ચહેરા પર તેજ તગતગે છે. થોડી થોડી કાળી મૂછો છે. આ કોણ હશે ? બસમાંથી તો અમારી સાથે કોઈ ઊતર્યા નથી. આટલી મોટી રાત્રે આ ઘનઘોર જંગલમાં અને ગહન એકાંત સ્થાનમાં આ કોણ આવ્યા ? ક્યાંથી આવ્યા ? ધરતીને ભેદીને અંદરથી પ્રગટ થયા કે શું ? તેઓ ઝડપથી અમારી પાસે આવ્યા. આવીને તત્ક્ષણ અમને ઉદ્દેશીને બોલ્યા :
‘આપકો મંદિર જાના હેન ? ચલિયે, મૈં વહીં જા રહા હૂં.’

તેઓ આ વિધાન ચાલતાં ચાલતાં જ બોલ્યા અને મંદિર તરફ જતી પગદંડી પર સડસડાટ ચડવા માંડ્યા. અમને તેમનો પરિચય પામવાનો અને તેમની સાથે વાત કરવાનો અવકાશ જ ન મળ્યો. તેઓ ખૂબ ઝડપથી ચાલે છે. અમે તેમની પાછળ પાછળ ઘસડાતાં ઘસડાતાં ચાલવા માંડ્યા. અમે આખા દિવસના ભૂખ્યા અને થાકેલા છીએ. પીઠ પર વજન પણ છે. ચઢાઈ ખૂબ આકરી છે. અમારા આ ભોમિયાની ગતિથી તેમની સાથે ચાલવું બહુ મુશ્કેલ છે. તેઓ અમારાથી ઘણા આગળ નીકળી ગયા છે. અમે માંડ માંડ તેમની પાછળ પાછળ ચાલી રહ્યા છીએ. હાંફતા હાંફતા આખરે એક મકાન પાસે પહોંચ્યા. આ મકાન મંદિરની ધર્મશાળા છે. અહીં જ એક કમરામાં મંદિરના પૂજારી વસે છે. અમારા માર્ગદર્શક મહાનુભાવે આ મકાનના પહેલા કમરાનું બારણું ખખડાવ્યું અને સાથે બૂમ પણ પાડી :
‘પૂજારીજી, પૂજારીજી ! ખોલિયે, યાત્રી આયે હૈ.’
અંદરથી પૂજારીજીએ પ્રત્યુત્તર આપ્યો : ‘હરિ ઓમ’ પૂજારીજી બારણું ખોલે તે પહેલાં તો અમારા ભોમિયાએ અમારી સામે જોઈને કહ્યું :
‘અચ્છા, મૈં ચલતા હૂં.’
આટલું કહીને તેઓ તો સડસડાટ ચાલતા થયા. અને અમને ખબર પણ ન પડીને અંધારામાં અદશ્ય થઈ ગયા. અચાનક જ આવીને અમને અહીં સુધીને પહોંચાડીને આટલી ઝડપથી અદશ્ય થઈ જનાર આ દેવ કે દેવદૂત કોણ હશે ? તેઓ ક્યાંથી આવ્યા ? ક્યાં ગયા ? તે વિશે અમે કાંઈ જ જાણી શક્યા નહીં. અમે એટલું જ જાણીએ છીએ કે કોઈક આવ્યા, અમને માર્ગદર્શન આપીને તેઓ ચાલ્યા ગયા.

પૂજારીજીએ બારણું ખોલ્યું. તેમણે સંસ્કૃતમાં જ પ્રારંભ કર્યો : ‘આગમ્યતામ્ આગમ્યતામ્’ મને નવાઈ પણ લાગી અને આનંદ પણ થયો. આ ઘોર જંગલના દૂર દૂરના એક નાના મંદિરના પૂજારી સંસ્કૃતમાં વાત કરે છે. હું સંસ્કૃત સમજી શકું છું પણ ધારાવાહી સ્વરૂપે શુદ્ધ સંસ્કૃત બોલી ન શકું. તોયે મેં સંસ્કૃતમાં ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા અમારો પરિચય આપ્યો. મેં ધર્મશાળામાં રાત્રિનિવાસ માટે અનુમતિ માગી. તેમણે મને સમજાવ્યું કે મંદિર હજુ અહીંથી ઉપર છે અને મહંતજી મંદિરની પાસેના તેમના નિવાસસ્થાનામાં રહે છે. ધર્મશાળાની ચાવી તેમની પાસે રહે છે. ધર્મશાળાની ચાવી અને ધર્મશાળામાં રહેવાની અનુમતિ તેમની પાસેથી જ મળી શકે. તેમણે અમને ઉપર મંદિર પરિસરમાં જવાની અને મહંતજીને મળવાની સૂચના આપી. હજુ ઉપર જવાનું છે ? રાત્રિના બાર વાગ્યા છે. અમે થાક્યાભૂખ્યા તો છીએ જ. તોયે હજુ મંદિર સુધીનું ચઢાણ ચડ્યા વિના કોઈ ઉપાય નથી. અમારો સામાન અહીં જ રાખીને મારા સાથી મિત્રને ત્યાં જ બેસવાનું કહીને હું એકલો જ ઉપર જવા નીકળ્યો. કોઈ પણ પહાડની આખરી ચડાઈ આકરી ચડાઈ હોય છે. આ મુક્તેશ્વર બાબા પણ પહાડની ટોચ પર બિરાજે છે. આ આખરી અને આકરી ચડાઈ ચડીને આખરે હું મંદિરના પ્રાંગણમાં પહોંચ્યો. અહીં ટોચ પર નાના નાના ફૂલછોડ ખૂબ છે, પરંતુ મોટા વૃક્ષો બહુ નથી. તેથી ચંદ્રનો પ્રકાશ અહીં પર્યાપ્ત પ્રમાણમાં પહોંચે છે.

આ સમગ્ર વિસ્તારના પહાડોમાં મુક્તેશ્વરનો પહાડ સૌથી ઊંચો છે. આ વિસ્તારના સૌથી ઊંચા પહાડને પસંદ કરીને, તેની ટોચ પર શિવજી પ્રતિષ્ઠિત થયા છે. અહીંથી ચારેય દિશાના દૂર દૂરના પહાડો, પહાડોની ગોદમાં વસેલાં ગામડાઓ, નીચે ખીણમાં વહેતી નદીઓ અસ્પષ્ટ છતાં ચંદ્રામૃતથી ભીંજાયેલાં અને તેથી ખૂબ સુંદર સ્વરૂપે પ્રતીત થાય છે. સર્વત્ર પ્રગાઢ શાંતિ છે. ઘડીભર તો આ મનોહર દશ્યમાળા જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. ચારે દિશામાં મુખ ફેરવીને સૌંદર્યપાન કરતો રહ્યો, પણ તુરત મારી અંદરથી કોઈકે મને ઢંઢોળ્યો- ‘અરે ભલા માણસ ! તું અહીં અત્યારે સૌંદર્યપાન કરવા માટે નથી આવ્યો, મહંતશ્રી પાસેથી ધર્મશાળાની ચાવી લેવા માટે આવ્યો છે !’ હું સૌંદર્ય બોધમાંથી બહાર આવ્યો. મંદિરની બાજુમાં જ એક મોટો રૂમ છે. અહીં જ મહંતજી રહેતા હશે, એમ લાગ્યું. બારણું ખખડાવ્યું અને સાથે ‘હરિ ઓમ’ની બૂમો પણ પાડી. બારણું ખૂલવાને બદલે બારી ખૂલી. મહંતજી બારી પાસે આવ્યા. તેમણે એક બાજુ પ્રગટાવેલી મીણબત્તી મૂકી. મહંતજીએ પાટીમાં લખીને મને પૂછ્યું : ‘ક્યા બાત હૈ ?’
મને સમજતા વાર ન લાગી કે મહંતજીને મૌન છે. મેં ટૂંકમાં અમારો પરિચય આપ્યો અને ધર્મશાળામાં રહેવાની અનુમતિ અને ચાવીની માગણી કરી. તેમણે તુરત મારા હાથમાં ચાવી મૂકી. બારી બંધ થઈ. હું સડસડાટ નીચે ધર્મશાળા પાસે આવ્યો. મેં પૂજારીજીના હાથમાં ચાવી મૂકી. તેમણે એક રૂમ ખોલી આપ્યો અને પૂછ્યું :
‘ભોજન બાકી છે ?’
અમે કહ્યું : ‘ભોજન તો બાકી છે, પણ અત્યારે હવે સૂઈ જઈશું.’
પૂજારીજીએ દઢતાપૂર્વક કહ્યું : ‘ના, ના, હું તમને આમ ભૂખ્યા જ સૂવા દઈ શકું નહીં. આપ સાધુ છો, યાત્રી છો અને અહીં મારા સાંનિધ્યમાં ભૂખ્યા જ સૂઈ જાઓ તો મને દોષ લાગે. આપ હાથ-મોં ધોઈ સ્વસ્થ થાઓ. હું હમણાં જ ખીચડી બનાવું છું.’

આવા ઘોર જંગલમાં રાત્રીના બાર વાગ્યે, આવી કડકડતી ઠંડીમાં, ઊંઘમાંથી ઊઠીને તેમણે અમારા માટે પ્રાયમસ પેટાવીને કૂકર મૂક્યું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પૂજારી અમારા માટે પ્રસન્નતાપૂર્વક રસોઈ બનાવે છે. મારી અનેક દીર્ધ ભારતયાત્રાઓ દરમિયાન મેં વારંવાર જોયું છે કે આ ભારતભૂમિમાં સૌજન્ય, ભલાઈ, પરગજુવૃત્તિ અને અતિથિભાવનાનો તોટો નથી. અમે રૂમ સાફ કર્યો. હાથપગમોં ધોયા. પૂજાના દેવને પેટીમાંથી બહાર કાઢીને ધૂપ-દીપ કર્યા. પથારી પાથરી અને પથારી પર બેઠા. થોડી વારમાં પૂજારીજી તેમના બંને હાથમાં બે પીરસેલી થાળીઓ લઈને આવ્યા. તેમણે થાળીઓ અમારી સમક્ષ મૂકી. પાણીનું એક પાત્ર પણ રૂમમાં મૂકી ગયા. પોતે કોઈ મોટું કાર્ય કે પરોપકાર કરી રહ્યા છે, તેવો કોઈ ભાવ તેમના ચહેરા પર, વાણીમાં કે વ્યવહારમાં જણાતો નથી. અમે તેમને થોડી વાર અમારી સાથે બેસવા વિનંતી કરી. તેઓ બેઠા. અમે ભોજન કરતાં કરતાં વાતે વળગ્યા.

પૂજારીજી વિદ્યાધ્યયન માટે વારાણસીમાં બાર વર્ષ રહ્યા છે. તેઓ વેદાંતાચાર્ય થયા છે. તેમણે ધર્મ અને દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કરીને હિમાલયનિવાસ અને સાધનભજન માટે તેઓ અહીં એકાંતમાં આવીને રહ્યા છે. મંદિરમાં શિવજીની સેવા-પૂજા સિવાયનો બધો સમય તેઓ સાધના અને સ્વાધ્યાયમાં ગાળે છે. માતૃભાષાની જેમ ધારાવાહી સંસ્કૃત બોલે છે, છતાં વિદ્યાનો અહંકાર તેમનામાં નથી. ચહેરા પરથી, વાણી અને વ્યવહાર પરથી લાગે છે કે તેઓ નખશિખ સાત્વિક પુરુષ છે. ભોજન અને અમારી વાતો પૂરી થઈ. અમે સૌ સૂઈ ગયા.

સવારે ઊઠીને પ્રાત:કર્મો અને પૂજાપાઠથી પરવારીને અમે મંદિરમાં દર્શનાર્થે ગયા. શિવદર્શન અને હિમાલયદર્શન પામ્યા. દર્શન-પૂજન પરિપૂર્ણ કરીને અમે અમારી આગળની યાત્રા માટે તૈયાર થયા. પ્રયાણ કરતાં પહેલાં અમે તપાસ કરી કે અમને રાત્રે મુક્તિનાથની પગદંડી પર ચડાવનાર અને મંદિરની ધર્મશાળા સુધી પહોંચાડનાર, અમારો ભોમિયો બનનાર તેઓ કોણ હતા ? અમને જાણવા મળ્યું કે મંદિરમાં આવા કોઈ કર્મચારી નથી. આજુબાજુમાં કોઈ ગામડું પણ નથી. ધર્મશાળા અને મંદિર પરિસર સિવાય બીજી કોઈ વસાહત આ પહાડ પર નથી. તેઓ રાત્રીનિવાસ માટે આ બેમાંથી કોઈ સ્થાને રહ્યા નથી. તેઓ કોણ હતા ? ક્યાંથી આવ્યા ? ક્યાં ગયા ? – કોઈ ઉત્તર મળી શક્યો નહીં.

અમારા ચિત્તમાં હજુ પણ ગુંજન ચાલુ છે – ‘આ કોણ આવ્યું ?’