લીલીનું સપનું – મૃદુલા માત્રાવાડિયા

[ બાળવાર્તાના પુસ્તક ‘કલરવ’ માંથી સાભાર.]

લીલી દસેક વર્ષની હતી. તેની મા શાકભાજી વેચવાનો ધંધો કરતી. એક દિવસ લીલીની માને તાવ આવ્યો. તે શાક વેચવા જઈ શકે તેમ ન હતી. માએ લીલીને સમજાવીને બાજુના શહેરમાં શાકભાજી વેચવા જઈ શકે તેમ ન હતી. માએ લીલીને સમજાવીને બાજુના શહેરમાં શાકભાજી વેચવા માટે પરાણે મોકલી. લીલી ગામડેથી શાકની ટોપલી માથે ઉપાડીને શહેરમાં આવી. તે ખૂબ થાકી ગઈ. તેની માએ સાથે આપેલો રોટલો અને મરચું ખાઈને પછી પાણી પીને તે એક ઊંચા ઓટલા પર થાક ખાવા માટે થોડીવાર બેઠી. તેણે શાકની ટોપલી બાજુમાં મૂકી. તે બેઠાં બેઠાં ક્યારે ઊંઘી ગઈ તેની તેને ખબર જ ન રહી ! તેને એકાએક કોઈના હસવાનો અવાજ સંભળાયો. પછી વાતો કરવાનો ધીમો ધીમો અવાજ પણ સંભળાયો. લીલી ઝબકી ગઈ. તેનું ધ્યાન શાકની ટોપલી તરફ ગયું. તેને એ જોઈને ખૂબ જ નવાઈ લાગી ! ટોપલીમાં લીલી ટોપીવાળું રીંગણું નાચતું નાચતું ગાતું હતું !

‘શાકોમાં હું છું રાજા,
મારા વિના જમણ સૂનું,
બીજા શાકનો સાથી રાજા.’
લીલીબાઈ તો આ નાચતાં રીંગણાને જોતાં જોતાં હસતી હતી. તે બોલ્યું : ‘શિયાળી ઋતુમાં હું શાકભાજીનો રાજા છું. મારા એક કરતાં વધારે રૂપ જોવા મળે છે. મારા ભાઈઓ કોઈ જાડા હોય છે, જે ભુટ્ટા કે ઓળાનાં રીંગણાં એવા નામે ઓળખવામાં આવે છે. એકદમ નાનાં-નાનાં રીંગણાંનું ભરેલું શાક બનાવાય છે. આ ઋતુમાં રીંગણાંનો ઓળો કે ભરેલું શાક લોકો ખીચડીને બાજરીના રોટલા સાથે હોંશે હોંશે ખાય છે. હું પચવામાં હળવું છું. મારા ગુણનો પાર નથી !’

એટલામાં જ લાલ લાલ અને લીલી ટોપીવાળું ગોળ ટમેટું ટોપલામાં ઉછળ્યું અને બોલ્યું : ‘બેસ, બેસ, કાળિયા નીચે બેસ ! તને કાંઈ બધાં પસંદ કરતાં નથી. તારી પ્રકૃતિ ગરમ છે. મને તો બધાં જ ચાહે છે. દરેક શાકમાં મારી હાજરી હોય છે. મારામાં લોહીવૃદ્ધિનો ગુણ છે. અને એટલે જ નાનાં તંદુરસ્ત બાળકોના ગાલ ‘લાલ ટામેટાં જેવાં છે.’ એમ કહેવત પડી છે. મારા વડે ચટણી, શાક, કચુંબર, સૂપ અને સૉસ ઉપરાંત અનેક વાનગીઓ બને છે.’
‘અરે ઓ ટમેટી ! હેઠે બેસ હવે હેઠે બેસ ! તને તો જે વધારે ખાય છે તે પસ્તાય છે. એ તને ખબર છે ને ? હું તો ડુંગળી ! મારા સ્વાદની તોલે કોઈનો સ્વાદ આવે ખરો ? મને સૂકી ખાવ, લીલી ખાવ, શાક કે કચુંબર બનાવીને ખાવ. રસોઈમાં મારી હાજરી ચાર ચાંદ લગાવી દે છે ! હમણાં બજારમાં મારો ભાવ વધ્યો ત્યારે કેવી દોડાદોડી થઈ ગયેલી ! અરે ! વડાપ્રધાનની ખુરશી પણ ડગમગાવી દેવાની મારામાં શક્તિ નથી શું ? ઘણા લોકો ધરમ, ધરમના નામે મને ખાતાં નથી તેની મને ચીડ છે. હું ગરીબોની કસ્તૂરી છું. મને એકવાર ખાય, તે હંમેશાં મારા તરફ પ્રેમ રાખે છે. અને રાખે જ, મારામાં અનેક ગુણ છે. હા, દવા માટે પણ મારો ઉપયોગ અજાણ્યો નથી.’ ડુંગળી બોલીને ચૂપ રહી.

‘ઓ ડુંગળી ચૂપ કર ચૂપ. તને તો કાપતાં આંખમાં પાણી આવી જાય છે અને હવે તો તારો ભાવ સાંભળીનેય આંખમાં પાણી આવી જાય છે ! એટલી તું મોંઘી થઈ ગઈ છે. ગરીબ લોકોની ભલે તું કસ્તૂરી ગણાતી હોય પણ છે તો તું ગંધારી ડુંગળી ! તું અભિમાની થઈને ઊંચું જોઈ ગઈ છે પણ તને દિવસે ખાતાં તો વિચાર કરવો પડે એ વાતથી તું ક્યાં અજાણ છે ?’ આદુ બોલ્યું, ‘મને તો લોકો કચુંબરની જેમ ખાય છે, ચામાં નાખીને પીવે છે. પેટમાં દુખતું હોય તો પણ લોકો મારી કટકી મીઠા સાથે ખાઈને પાણી પીએ તો તેની તબિયત ઠીક થઈ જાય છે. મારી સુકવણી એટલે સૂંઠ, તે તો ઘણી ઉપયોગી થાય છે એ કદાચ તને ખબર નહીં હોય !’ આદુએ ઊમેર્યું.
‘ઓ આદુ તું ચૂપ કર. તું તો પથ્થર જેવું અને વળી તીખું તીખું છે. તું શું જોઈને તારા વખાણ કરે છે ? તું પણ શું ડુંગળીની માફક મોઘું નથી શું ?’ લીંબુ ઉછળીને બોલ્યું. ‘કોઈનું પેટ દુ:ખતું હોય કે જમવાનું સ્વાદિષ્ટ બનાવવાની ઈચ્છા હોય તો તેમાં મારો ઉપયોગ કરાય છે. હું નાનકડું તેમ મારી કિંમત પણ નાની છે. જોકે મારા ગુણ ઘણા છે. સ્વાદમાં હું ખાટું જરૂર છું. પણ હું મારામાં વિટામીન ‘સી’ લઈને ફરું છું.’ લીંબુએ ઉમેર્યું.

‘લીંબુને બોલતું અટકાવીને મેથીની ભાજીની ઝૂડી ઊભી થઈ, તે પહેલાં તો ઝનક…ઝનક… તાલ દઈને નાચી ! પછી ઊભી રહીને બોલી, ‘લીંબુભાઈ, તમે કદાચ ખબર નથી કે, સ્વાદમાં મને કોઈ ન પહોંચે. શિયાળાની ઋતુમાં હું શાકોની મહારાણી છું. બટેટાં, રીંગણાં, ટામેટાં જોડે મારું શાક લોકો બનાવે છે. મેથીનાં ગોટાં કે બેસનવાળું મારું શાક, કઢી, ઢેબરાં, મૂઠિયાં અને ઊંધીયામાં મારી ગેરહાજરી ચાલે જ નહીં. વળી વિટામીન ‘એ’ તો મારામાં ઘણું છે, વળી દવા માટે મેથીના દાણા ઉપયોગી છે. મધુપ્રમેય સ્થૂળતા અને વાયુના અનેક રોગોમાં હું ઉપયોગી છું.’ મેથી બોલીને બેઠી.

‘અરે મેથીબાઈ ચૂપ કરો ચૂપ ! હું પણ તમારી માફક વિટામીન ‘એ’ ધરાવતી એક ભાજી જ છું. છતાંય દાળ, શાક, ફરસાણ અને ચટણીની મારા વિના શોભા જ નથી.’ હું છું કોથમીર. મારાં બી માંથી ધાણા અને ધાણાજીરું બને છે, એ વાતની તમને ખબર છે ને ?’
‘એ ભાજી બાઈયું, તમે હવે ચૂપ રહો તો સારું. મારા જેવી કાયા અને રૂપ-રંગ કોઈને છે ? હું તો લીલીછમ ! બારેય માસ મારું જ રાજ. માંદા માણસનો ખોરાક. એટલું જ નહીં, મારા વડે હલવો, કોફતા, મૂઠિયા, ઢોકળાં અને ઢેબરાં પણ સ્વાદિષ્ટ બને છે.’ દૂધી ઠમકીને બોલી.

તે તરત જ ટોપલીમાંથી બટેટું કુદીને બહાર આવી બોલ્યું : ‘ઓ દૂધીબેન, તારામાં બુદ્ધિ જ ક્યાં છે ? તને કોણ પસંદ કરે છે ? બટેટાંની હાજરીમાં તારો કોઈ જ ભાવ ન પૂછે. તું ચૂપ રહે. મને બારેયમાસ ચાહનારો વર્ગ મોટો છે. બાળકો મારું શાક હોંશે હોંશે માગે છે. વળી બટેટા વડાં, સૂકી ભાજી, વેફર ઊંધિયું તેમજ અનેક શાકમાં સાથી શાક તરીકે હું જ શોભું છું ને ?’
‘ઓ બટેટા, બકવાસ ન કર. શિયાળામાં લોકો થોડીવાર તને ભૂલીને મને પસંદ કરે છે. મારું શાક, ઊંધીયામાં, સમોસાં, કચોરી અને રગડામાં મને ખાઈને લોકો ખુશ થાય છે. વળી મારામાં વિટામીન ઘણાં છે.’ લીલા વટાણાની શીંગ ચક્કર ફરીને પાછી બોલી.

‘તમે બધાં હવે ચૂપ રહો તો સારું. મારા વિના તો કોઈનેય ન ચાલે, ભલે હું શાક નથી છતાં મારા વિના દાળ, શાક, કઢી, ફરસાણની ચટણી, અથાણું, સંભારો બધું જ ફિક્કું ! વળી વિટામીન ‘ઈ’ મારામાં ભરપૂર.’ નાનું અને મોટું મરચું નાચીને બોલ્યાં.

શાકભાજીના શોરથી લીલી જાગી ગઈ. તેણે જોયું તો આજુબાજુ કોઈ ન હતું. બધાં શાક ટપોટપ ટોપલીમાં ગોઠવાઈ જતાં તેણે જોયાં. લીલી હસતી હસતી ગાવા લાગી : ‘મજા પડી ભૈ મજા પડી ! શાકભાજીમાં તકરાર પડી !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખેંચાણ હોય છે ! – અરવિંદ ભટ્ટ
પાડોશીધર્મ – ત્ર્યંબક પંડ્યા Next »   

22 પ્રતિભાવો : લીલીનું સપનું – મૃદુલા માત્રાવાડિયા

 1. SURESH TRIVEDI says:

  CONGRATULATIONS MRUDULABEN.YOU HAVE GIVEN BEST QUALITIES OF DIFFERENT VEGETABLES WHICH IS VERY IMPORTANT FOR OUR HEALTH.FEEL GOOD TO READ IN A WAY YOU HAVE WRITTEN.

 2. urmila says:

  very nice article – enjoyable and also giving knowledge to children about eating all the vegetables and its uses – and to adults as well

 3. nayan panchal says:

  Welcome Back.

  Nice iMAGINATIVE article.

  nayan

 4. કલ્પેશ says:

  બાળકોને બધા શાકભાજીના ગૂણથી વાકેફ કરાવવાનો સરસ પ્રયોગ.
  સાથે શાકના ફૉટા હોય તો વધુ સારુ લાગે.

  ઋતુ પ્રમાણે કયા શાક/ફળ ખાવા એ કોઇ અનુભવી લખે તો ઘણુ સારુ.

  કદાચ એમ લાગશે કે હુ વધારે ધ્યાનથી કૉમેન્ટ કરી રહ્યો છુ.

  બેસ, બેસ, કાળિયા નીચે બેસ – આ સારુ ના લાગ્યુ.
  ઘણા લોકો ધરમ, ધરમના નામે મને ખાતાં નથી તેની મને ચીડ છે – વાંચીને હસવુ આવ્યુ

 5. અતુલ જાની (આગંતુક) says:

  બાળકોને રસ પડે અને સાથે સાથે જાણકારી પણ મળે તેવી બાળવાર્તાઓ ની આજે ઘણી જ જરુર છે. નવા ઉગતા સાહિત્યકારો આ દિશામાં પણ પોતાની કલમ ચલાવે તો મારી જેવા બાળકો ઘણાં રાજી થશે. શાક-ભાજી વિશેની સુંદર માહિતિ અને ખાસ તો બાળકોમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરતી વાર્તા માણવાની મજા પડી. અત્યારે તો મારા બાળકો નીચે ટી.વીમાં બાળકોની કાર્ટુન ફીલ્મ જોઈ રહ્યાં છે, જે પણ જ્ઞાન સાથે ગમ્મત આપનારી છે. જ્યારે તેમને અવકાશ હશે ત્યારે આ વાર્તા હું તેમને વાંચી સંભળાવીશ અને તેમના પ્રતિભાવો પણ આપને જણાવીશ.

 6. Pankita says:

  મજા આવી…

 7. અતુલ જાની (આગંતુક) says:

  મારા છ વર્ષના દિકરાને સરસ શૈલિમાં આ વાર્તા કહી સંભળાવી અને તેણે રસ પુર્વક સાંભળી અને જ્યારે નવું શાક ઉભા થયેલા શાક ને બેસારીને તેની વાત શરુ કરે ત્યારે તેને મજા પડતી. આ ઉપરાંત પોતાનું વર્ણન કરતાં શાકને ઓળખવાનો પણ તેણે પ્રયત્ન કર્યો. અને એ દુધિ તારામાં તો બુધ્ધિ જ નથી તે સંવાદ તેને ખુબ ગમ્યો અને ત્રણ – ચાર વાર આનંદથી બોલી બતાવ્યો.

 8. Tejas says:

  સર્વ્ વાંચકો ને પણ ” મજા પડી ભૈ મજા પડી !!” :p

  આ વાર્તા ને આધારે એક સરસ બાળ-નાટક તૈયાર થઈ શકે.

 9. pragnaju says:

  ન કેવળ બાળકો પણ મોટાઓને પણ ગંમ્મત સાથે જ્ઞાન આપતો લેખ –
  મઝા આવી
  અભિનંદન

 10. Gira says:

  lol..sweet indeed!! entertaining!!

 11. ભાવના શુક્લ says:

  ફ્ન એન ગ્યાન તે તો આ જ વળી કે… મારો છોકરો પણ સાંભળીને ખુશ થશે… તેને બેસણ વાળી ભાજી, બેસણ વાળી સરગવાની સીંગ, રીંગણા, ભીંડા અને ટીંડોરા બહુ ભાવે છે… માની ના શકાય પરંતુ બટાકા તેને સહુથી ઓછા પ્રિય છે.

 12. Ashish Dave says:

  Super imagination.

  Ashish Dave
  Sunnyvale, California

 13. ALKABHATT says:

  ખુબ જ રમુજિ અને સુન્દર લેખ પિર્સ્યો,તકરાનિ સાથે ગમ્મ્ત અને ગુનગાન્.

 14. ALKABHATT says:

  ભુલકાઓને મજા પદિ જાય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.