- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પાડોશીધર્મ – ત્ર્યંબક પંડ્યા

અહીં અમેરિકામાં મને પાડોશીધર્મના જે બે અનુભવો થયા છે તેની વાત કરું છું. પ્રથમ પ્રસંગ લગભગ બારેક વર્ષ પહેલાનો છે. ત્યારે હું NJ STATEના ‘કોલોનીઆ’ (Colonia) ટાઉનમાં મારી દીકરી સ્વાતિને ત્યાં રહેતો હતો. 1997 કે 1998નું વર્ષ હતું. અમારે ત્યાં ત્રણેક મહિના માટે ઉનાળાના સમય દરમિયાન ભારત આવવાનું હતું. અમેરિકામાં સંપૂર્ણ દેશમાં એવો નિયમ છે કે તમારા મકાન-હાઉસની આગળનું મોટું થયેલું ઘાસ વારંવાર કાપીને ‘સમતલ’ રાખવું. દરેક મકાનની આગળ ફરજિયાત લીલું ઘાસ ઉગાડવું જ જોઈએ તેવો નિયમ. તેથી અમને ચિંતા થઈ કે ‘જો ઘાસ વધી જશે તો ટાઉનશીપ દંડ કરશે.’ અમે દંડ ભરવાની તૈયારી સાથે ભારત પહોંચી ગયા !

મકાનની પાછળના ભાગમાં મારી દીકરીએ ખૂબ જ સુંદર બગીચો બનાવ્યો હતો. તેમાં વિવિધ રંગનાં ગુલાબ તથા અન્ય સુગંધિત ફૂલો પણ હતાં. અમને થયું : ‘આવીશું ત્યારે બગીચો કદાચ મુરઝાઈ પણ ગયો હોય ! ત્રણને બદલે ચારેક મહિને અમો અમેરિકા પરત થયાં. મારી દીકરીને ફૂલોનું ગાંડપણ, અનેરો પ્રેમ હતો. ઘર ખોલ્યું નથી તે પહેલાં કારમાંથી ઊતરી બેકયાર્ડમાં દોડી. તેનાં આશ્ચર્ય વચ્ચે બધાં જ ગુલાબ અને અન્ય ફૂલો ખીલી ઊઠી તેનું ‘સ્વાગત’ કરતાં હતાં. ફ્રન્ટયાર્ડમાં જોયું તો ઘાસ વ્યવસ્થિત કપાયેલું હતું. જાણે અમો બહાર જ ન ગયાં હોય એવું દશ્ય !

અમને આવેલાં જોઈ અમારી પડોશમાં રહેતું ચાઈનીઝ કુટુંબ પતિ-પત્ની દોડી આવ્યાં ને ‘હાય’ કહી અમારું સ્વાગત કરી યાત્રાના સમાચાર પૂછવા લાગ્યાં. અમારી વાતચીત પૂરી થઈ પછી મારી દીકરીએ પૂછ્યું કે ‘અમે તો ભારત હતાં. આ ચાર મહિના કોણે અમારા મકાનનું લેન્ડસ્ક્રેપીંગ કર્યું છે ? કોણે આ બગીચાની દેખભાળ રાખી ? અમે તો કોઈને આ કામ સોંપેલું ન હતું.’ પેલાં ચાઈનીઝ બહેન કહે : ‘તમારાં ગયાં પછી એ જવાબદારી અમે પતિ-પત્નીએ ઉપાડી લીધેલી. અમારી બે દીકરીઓ પણ તમારા ગાર્ડનની દેખભાળ રાખતી હતી. દરરોજ… અથવા આંતરે પાણી પાવું ને ખાતર નાખવું એ બન્ને જવાબદારી દીકરીઓની અને લેન્ડસ્ક્રેપીંગ મારા પતિ ને મેં એમ બન્નેએ બે-ત્રણ વાર કરેલું.’ એક પરદેશીને બીજા પરદેશી પ્રત્યે કેવો અનેરો પ્રેમ… ને કેવો સુંદર સમજદારીપૂર્વકનો આશા વગરનો પાડોશી ધર્મ ! હજુયે તે કુટુંબ સાથે અમારા તેવા જ સંબંધો છે. અમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે તેમને બોલાવીએ જ છીએ ને તેમને ગમતા બટાટાવડા ને ઊંઘિયંસ ખવડાવીએ છીએ.

બીજો પ્રસંગ હમણાંનો છે.
અત્યારે હું અને મારી નાની દીકરી રિમાદ્રી, એમ બાપ-દીકરી NJના એડીશન ટાઉનમાં રહીએ છીએ. મારે સ્ટોર હોવાથી રાતના બારેક વાગે સ્ટોર બંધ કરીને ઘરે આવવાનું થાય. દીકરી PNC બેંકમાં ઑફિસર છે. તે સવારના સાત વાગ્યાથી ઘરેથી નીકળી સાંજે છ વાગ્યે ઘરે પરત થાય. બીજી ડિસેમ્બર 2007ની આ વાત છે. ડિસેમ્બર એટલે અમેરિકાનાં પૂર્વ રાજ્યોમાં તીવ્ર ઠંડીનો સપાટો. સાંજે સાત વાગ્યે દીકરી ઘરે પહોંચી. મકાન ખોલવા તાળામાં ચાવી લગાવી પરંતુ તાળું બગડી ગયું હોવાથી ખૂબ મહેનત કરવાં છતાં ખૂલ્યું નહીં. અહીં દરેક મકાનને આગળપાછળ એમ બે દરવાજા હોય પણ પાછળના દરવાજાને અંદરથી લોક કર્યું હોવાથી એ પણ ખૂલી શકે તેમ નહોતું.

આથી થાકીને એણે મને સેલફોન પર સ્ટોરમાં ફોન કર્યો. પરંતુ મારાથી સ્ટોર બંધ કરીને ઘરે આવી શકાય તેમ નહોતું. મેં તાળુ ખોલનારનો ફોન શોધી લેવા જણાવ્યું, પરંતુ ફોન-ડિરેક્ટરી વગર ફોન પણ કેમ કરવો ? કંટાળીને… નિરાશ થઈને…. ઠંડીમાં ધ્રૂજતી કલાક-દોઢ કલાક બહાર ઊભી રહી એ ફોન પર રડવા લાગી. મેં સ્ટોર બંધ કરીને 40 મિનિટનું ડ્રાઈવ કરીને ઘરે જવા વિચાર્યું. એટલામાં વળી દસેક મિનિટ પછી તેનો ફરી ફોન આવ્યો કે ‘પપ્પા, ઘરે નહીં આવતા. હેલ્પ મળી ગઈ છે.’ બન્યું એવું કે તે બહાર ઘર આગળ ઠંડીથી ધ્રૂજતી હતી ત્યારે પડોશમાં રહેતા એક 80 વર્ષના અમેરિકન બુઝુર્ગ તેમની કારમાંથી ઊતરી ઘરમાં જઈ રહ્યા હતા ને મારી દીકરીને તેમણે જોઈ. એમને થયું કે ચોક્કસ કંઈક પ્રોબ્લેમ છે. તેથી દીકરી પાસે આવીને પૂછ્યું અને તેણે બધી જ વિગત પેલા વડીલને સમજાવી.

તેઓને ઈલેક્ટ્રિસિટી, ઓટો, લોક ફિટિંગ, લોક તોડવું.. વગેરેનું ઉત્તમ જ્ઞાન હતું. તેમના ગેરેજમાંથી ઈન્સ્ટ્રુમેન્ટની બૅગ લાવી દસેક મિનિટમાં તો તાળું કાપી નાખ્યું ને મકાન ખોલી આપ્યું. એટલું જ નહીં, તે પછીના દિવસે ઘરે આવ્યા અને દીકરીને તેમની ગાડીમાં બેસાડી નવા ચાર લોક ખરીદી લાવ્યાં. તે જ દિવસે રાત્રે નવેક વાગ્યા સુધીમાં બંને દરવાજાને તેમણે નવા લોક ફિટ કરી દીધાં.
કેવો ઉત્તમ પાડોશી ધર્મ !