- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દાનની કંઈ તક્તી થોડી લગાડાય ? – યોગેશ જોષી

અમદાવાદથી બદલી થઈ ત્યારે ચિંતા હતી – કેવી હશે નવી જગ્યા ? ઘર ભાડે રાખવું પડશે, થોડોઘણો સામાન લઈ જવો પડશે. અઢી વર્ષ જેવું એકલા રહેવાનું થશે, જમવા માટે કંઈક શોધવું પડશે…. મારા એક મિત્ર – જગાભાઈ ગજ્જર – જે પોતાની જાત સાથે વાતો કરે ત્યારે સંબોધન કરે, લ્યા ગજ્જરિયા – મને લઈ ગયા ભાડાનું ઘર જોવા. મારે એકલારામને એક રૂમ મળે એટલું પૂરતું હતું. જમવાનું બહાર ક્યાંક બંધાવવાનું હતું. એટલે રસોઈની ચિંતા નહોતી પણ સવારની ચા, ના’વા માટે ગરમ પાણી, એકાદ પાટ, ગોદડું, ઓઢવાનું, એકાદ ટિપાઈ, એકાદ-બે ખુરશી, બાથરૂમમાં ડોલ-ડબલું – બસ આટલી જરૂરિયાત.

અમે પહોંચ્યા ત્યારે ચિદમ્બરમ્ જેવા ખતરનાક દેખાતા એક ભાઈ સસ્મિત અમારી રાહ જોતા ઊભા હતા. પ્રમાણસર ઊંચાઈ વજન. ગોળ શાંત ચહેરો, આંખોમાં જીવનની સમજ. શાંત પ્રકૃતિ.
‘આ અમારા રજનીભાઈ.’ જગાભાઈએ ઓળખાણ કરાવી. એક બહેન રસોડામાંથી બહાર આવ્યાં. ‘આ અંજુબહેન’ એમની દીકરી વાંચતાં વાંચતા બહાર આવી. સહુ મને વિશેષ આદરભાવથી જોઈ રહ્યાં. જગાભાઈએ અગાઉથી મારો પરિચય આપી રાખેલો. મોટા લેખક છે. આઠમા ધોરણમાં એમનો પાઠ આવે છે… વગેરે…

‘આવો સાહેબ, ઉપર જોતા આવીએ….’
ઉપર ગયા. હવા ઉજાસવાળો સરસ રૂમ, પાછળ બીજો નાનો રૂમ, સંડાસ-બાથરૂમ તથા ચાઈનામોઝેક લગાવેલી મસમોટી અગાસી, સુંદર અગાસી જોઈને આપણારામ રાજી રાજી. મેં રાજીપો બતાવ્યો.
‘ભાડું ?’
‘તમે જે આપો તે ટોકન. તમે અમારા મહેમાન. બે ટાઈમ ભલે બહાર જમો પણ સવારનો ચા-નાસ્તો તો અમારી સાથે જ રાખો…’ જગાભાઈ બોલ્યાં અને ઉમેર્યું કે ‘ના’વા માટે ગરમ પાણી, ગૅસ સિલિન્ડર તથા નાની સગડીની વ્યવસ્થા હું કરી આપીશ. અથવા તો સાહેબ ના’વા નીચે આવે તોય વાંધો નહિ. અમદાવાદથી કશો સામાન લાવવાની જરૂર નથી. પાટ, ગોદડું-ઓઢવાનું, ટિપાઈ, ખુરશી વગેરે બધું હું આપીશ.’
‘ઉપર કચરો-પોતા વગેરે કોઈ કામવાળો…?’
‘અમારે ત્યાં ભીખી આવે છે તે ઉપર પણ કામ કરશે. તમે બસ, રહેવા આવી જાઓ અને અહીં આ ઘરમાં ખૂબ ખૂબ લખો.’

મારી બધી ચિંતા ટળી ગઈ. હું રહેવા આવ્યો. ભીખી કચરાં-પોતાં કરી જતી. સવારે રજનીભાઈ ચા-નાસ્તા માટે બોલાવી જતા. હું કહું – અરે ! તમે જાતે શું કામ આવ્યા ? મને મિસકોલ કરી દેવો તો ને !… આમ છતાં તેઓ મિસકોલ ન કરે. કદાચ હું સૂતો હોઉં ને ઊંઘમાં ખલેલ પડે તો ? એક વાર તેઓ મને બોલાવવા ઉપર આવ્યા ને મને લખતો જોઈ ચૂપચાપ પાછા ચાલ્યા ગયા ને ચા-નાસ્તો લઈને ઉપર આવ્યા. ‘ટિપોઈ પર મૂકું છું, સાહેબ’ કહી નીચે ગયા. થોડા સમયમાં તો એમના સ્નેહે મને ફેમિલી મેમ્બર બનાવી દીધો. અંજુબહેન પણ એટલાં જ માયાળુ. સારેવડાં બનાવવાની સિઝનમાં સવારે ચા-ટાણે મને પૂછ્યું :
‘સાહેબ, તમને પાપડીનો લોટ – ખીચું ભાવે ?’
‘હા.’
કલાકેક પછી તેઓ ઉપર આવીને એક ડબામાં ગરમ ગરમ ખીચું આપી ગયાં. ‘અમારે તો હજી બાકી છે, પણ પાડોશમાં વણવા ગઈ’તી તે તમારા માટે ખીચું લેતી આવી.’

પોતું કર્યા પછી ભીખી પૂછે – ‘જુઓ કાકા, મેં કેવું પોતું કર્યું ? ચમકે છે ને ?’
હું ચોપડીમાંથી ડોકું કાઢી કહું : ‘બહુ સરસ કર્યું. બે દિવસ પોતું નહીં કરીશ તો ચાલશે.’
‘તમારે આમ નહિ કહેવાનું. કહેવાનું કે કેમ પોતું બરાબર નથી કર્યું ? બારી-બારણાં તથા જાળી પર કેમ ભીનો ગાભો નથી ફેરવ્યો ?’ પાંચમા-છઠ્ઠામાં ભણતી હોય એવડી, પાતળી-ઝીણકી છોકરી ભીખી, પાતળું લાંબુ મોં, મોટી ચમકીલી આંખો અને વાયરાએ વિખેરેલા લૂખા-ભૂખરા-વાળ- ધૂળ-સેપટ ભરેલા.
‘શેમાં ભણે છે ?’
‘છઠ્ઠામાં’
‘કેટલાં ઘરોમાં કામ કરે છે ?’
‘મારી બાએ ના પાડી કે બંગલાવાળાને ત્યાં કામ કરવા નહિ જવાનું… તે હવે બહુ ઠેકાણે કામ નથી કરતી.’ (કોઈ બંગલાવાળાને ત્યાં એવું તે શું બન્યું હશે આટલી નાનકડી છોકરી સાથે ?!)

રજનીભાઈ એક શાળામાં કલાર્ક. અંજુબહેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા. કોઈ કોઈ સાંજે હું રજનીભાઈ સાથે નીચે વરંડામાં હીંચકે બેસું. ધીમા સાદે ને ધીમી ગતિએ રજનીભાઈ વાતો કરે. એમાંથી એમની જીવનની સમજણ છલકાય. મદદની જરૂર હોય એ બધાંયને તેઓ બનતી મદદ કરે. ‘જનસેવા એ જ પ્રભુસેવા.’ એ જાણે એમનો સહજ જીવનમંત્ર. કોઈ જાતની ધજાઓ ફરકાવ્યા સિવાય ચુપચાપ સેવા કરે. ‘સેવા’ કરનારી સંસ્થામાં જોડાયા વિના. એક વાર એમણે ભીખીના દાદાની વાત કરેલી.
કચરો વાળતાં વાળતાં ભીખી કહે : ‘રજનીકાકા, મારા દાદાએ ખાવાનું બંધ કરી દીધું છે.’
‘કેમ ? માંદા છે ?’
‘ના, માંદા નથી, હાજાહારા છે.’
‘તો ખાવાનું કેમ બંધ કરી દીધું ?’
‘ખાવાનું બંધ કરી દે તો શૌચ ના જવું પડે ને !’
પહેલાં અહીં તળાવ હતું. છૂટાછવાયાં ઝૂંપડાં-છાપરાનાં. લોકો તળાવકાંઠે કુદરતી હાજતે આવતા. તળાવ સુકાઈ ગયા પછી તો લોકો સવારે હાથમાં ડબલા લઈને આવતા. પછી સોસાયટી બની એટલે સોસાયટીવાળા દેકારો કરવા લાગ્યા. તોયે લોકો આવતાં બંધ ન થયાં. કેટલાક તો ભળભાખરું થાય એ પહેલાં અંધારામાં જ આવી જતા. આથી સોસાયટીવાળાને કકળાટ નહીં. પછી તો સોસાયટીવાળાને ખબર પડી એટલે એ લોકોએ આમની પર દેકારા સાથે પથ્થરો ફેંકયા. ડબલાં મૂકીને સહુ ભાગ્યા6. બસ, એ દિવસથી ભીખીના દાદાએ ખાવાનું બંધ કરી દીધેલું જેથી શૌચ જવું ના પડે.

આ વાતની ખબર પડ્યા પછી રજનીભાઈએ ભીખીના દાદાને શૌચાલય બનાવડાવા માટે પૈસા આપેલા. એ પૈસા પાછા નથી આવવાના એની ખાતરી સાથે. દાદાએ ચિંતા કરતાં કહેલું,
‘આવડી મોટી રકમ હું તમને કયા જનમે પાછી વાળીશ ?’ ભીખીની મા એને છ મહિનાની મૂકીને ચાલી ગયેલી. ભીખીનો બાપ ખાસ કંઈ કમાતો નહિ. દાદા આ ઉંમરેય મજૂરી કરતા. બા શાકની રેંકડી ફેરવતી.
‘આ રકમ પાછી નથી વાળવાની.’ રજનીભાઈ કહ્યું.
દાદાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તેઓ ગળગળા સાદે બોલ્યાં : ‘તો ભીખીને દર મહિને કામના પૈસા નો આલતા. ભીખી કાયમ માટે તમારા ઘરે તમે જે બતાવશો એ બધુંયે કામ કરશે.’
પણ રજનીભાઈ આવડી નાની છોકરીને એના કામના પૈસા ન આપે એ બને ?

આ બધી વાત સાંભળ્યા પછી મેં રજનીભાઈને કહ્યું : ‘ભીખીના દાદાને તમે જે દાન કર્યું એ સાચું દાન.’
‘એમાં વળી દાન શેનું ? ઈશ્વરકૃપાથી ગરીબ માણસની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી. કોઈને ખરેખર કશી જરૂર હોય ને આપણે ડાબો હાથ પણ ન જાણે એમ શક્ય મદદ કરીએ એમાં કંઈ મોટું દાન નથી થતું. ને કદાચ દાન કરીએ તોય એની તક્તી થોડી લગાડાય ?’