રમકડાંની દુનિયા – રીના મહેતા

વર્ષો પહેલાં મેળામાંથી એક રમકડું લીધું હતું. એમાં સામસામે બે કૂકડા હતાં. વચ્ચે નાની વાડકી હતી. નીચે એક પતરાંની વાળેલી પટ્ટી હતી. એ બે બાજુએ દબાવો એટલે બંને કૂકડા વારાફરતી વાંકા વળી વાડકીમાં ચાંચ નાંખે. વારાફરતી ટક-ટક ઊંચા થાય, નીચા થાય. મારા બાળ મનને એનું બહુ કૌતુક થતું. દિવસો સુધી એ રમ્યા કર્યું. કિંમત તો એની બે રૂપિયા હશે. પછી કોણ જાણે કેમ એ રમકડું મારાથી કે બીજા કોઈથી બગડી ગયું. કદી ન ઝઘડતાં બે સમજદાર કૂકડા હવે વારાફરતી ખાવાને બદલે એક સાથે વાંકા વળવા લાગ્યા. ગરબડ થઈ ગઈ. બંનેનાં માથાં અથડાવા લાગ્યા. આમ કેમ થયું તે હું સમજી ન શકી. બંને કૂકડાની દોસ્તી પર મુગ્ધ બનેલું મારું મન જરીક ભાંગી ગયું. રમકડું રીપેર કરવાનો મેં પ્રયત્ન કર્યો ને એ વધારે બગડ્યું. પેલાં કૂકડાં હવે સાથે ડોકાં નમાવતાંયે બંધ થઈ ગયા ! છતાં વર્ષો સુધી મેં એ રમકડું ભંગારમાં આપવા ન દીધું. બે કૂકડા પાછા સમજદાર બની ટક ટક ચણવા માંડે એ બાળઆશા વિરમી ત્યાં સુધી !

બીજી, મારી પાસે એક ઢીંગલી હતી અમેરિકાની. ત્યારે તો એવી સાચા વાળવાળી ઢીંગલી અહીં ખાસ ન મળતી. અમારા કોઈ દૂરના સગા અમેરિકાથી મુંબઈ આવેલા. અમે એમને મળવા ગયા ત્યારે એ બહેને મને આઠ-દસ ઢીંગલી કાઢીને બતાવી. પછી કહે : ‘આમાંથી તને જે ગમે તે રાખી લે.’ આવી સુંદર ઢીંગલીઓ પહેલી જ વાર જોઈ હું એટલી દિગ્મૂઢ થઈ ગયેલી કે ઢીંગલીને અડકીને જોવાનીયે મારી હિંમત નહોતી. શરમાઈને બાની સોડમાં હું ભરાઈ. બે-ત્રણ ઢીંગલી ખૂબ નાની-બચૂકડી બેબી જેવી હતી. એ જોઈને મને બહુ આશ્ચર્ય થયું. પણ બાએ બધાંમાં મોટી દેખાતી એક લાંબી ઢીંગલી લેવા કહ્યું ને મેં લઈ લીધી. પણ, પેલી ટબૂકડી ઢીંગલી યાદ રહી ગઈ. વર્ષો સુધી હું અને મારી બહેનપણીઓ એ લાંબી ઢીંગલી રમ્યા. પણ, એનો બિનભારતીય દેખાવ અમને જરા કઠતો. વર્ષો સુધી એ ઢીંગલી રહી. પછી કોઈ રમનાર ન રહ્યું એટલે આમતેમ અટવાતી રહી. અદ્વૈતા-ધ્રુવા પણ એને થોડુંક રમ્યાં. પછી એના ડોકાને વારંવાર છૂટું પાડતાં એક બાજુ ફાટી ગયું. પછી તો ક્યાંક ઢીંગલીનું એકલું ધડ અને ક્યાંક એકલું માથું ! બહુ વરવું ને બિહામણું લાગતું છેવટે એય ભંગારમાં ચાલી ગયું.

એકવાર મને ગોબરું નીકળેલું. દિવસો સુધી તાવમાં બોલ્યા વિના પથારીમાં મૂંગી પડી રહેતી. એક સાંજે અપ્પુ એક પીળાશ પડતાં રંગનું રમકડાનું સસલું લઈ આવ્યા. મારા ફિક્કાં હોઠ પર સ્મિત અને મુગ્ધતા છવાઈ ગઈ. લાંબા કાન, ગોળ આંખો અને ગાજર ખાતું એ રમૂજી દેખાવનું સસલું મને બહુ જ ગમી ગયું. મારી વય તો ત્યારે આઠ-નવ વર્ષની હશે. કંઈ સાવ સસલું રમવા જેવડી તો નહિ જ. છતાં, દિવસો કે વર્ષો સુધી એ સસલું છાતીસરસું ચાંપી હું રમ્યા કરતી. સસલાને હું ગાજરના ખેતરમાં લઈ જતી. જંગલમાં તેની સાથે સંતાકૂકડી રમતી, ઝાડીમાં લપાઈ જતી… ક્યારેક હું અને અપ્પુ તેના બે લાંબા કાનની વચ્ચે લાલ બોલપેનથી લાંબો ચાંલ્લો કરી ખૂબ હસતાં. સસલું પાળેલી બિલ્લી જેવું વહાલું હતું – હજી છે. હા, એ સસલું હજી મારા નવા ઘરના માળિયાના એકાદ કોથળામાં લપાઈને સૂઈ ગયું છે. એની નાની ચીતરેલી મૂછ, મોં-ફાટ, નાની પૂંછડી, ગુલાબી કાન આ બધાનો સ્પર્શ હજી મારા ટેરવે અકબંધ છે.

સસલાનો જ જોડીદાર એક કૂતરોય મારી પાસે હતો. કાળો-બદામી, મોટી ડરામણી આંખ અને જાડા વાળવાળો. એકદમ કડક પ્લાસ્ટિકનો. બીજાં અજાણ્યાં છોકરાં તો એ કૂતરો જોતાં જ રડવા લાગતાં. એનો ફાયદો એ થયો કે એ ડાઘિયો હજી ત્રીસ વર્ષ પછીયે એવો ને એવો છે. હું પહેલીવાર મુંબઈ ગઈ હતી ત્યાંથી કદાચ એ લીધો હતો. એનું પ્લાસ્ટિક એટલું જાડું ને મજબૂત હતું કે બાળક એના ઉપર આખું ઊભું રહી દબાવી અવાજ કરે તોયે એ કૂતરાને કંઈ ન થતું. પણ સસ્સારાણા જેવો ભાવ કૂતરાભાઈ જોડે ન જ બંધાયો. એ વરસોમાં મુંબઈમાં ડબલડેકર બસ નીકળેલી. એની પ્રતિકૃતિ જેવી પતરાંની એક લાલ બસ પણ મારી પાસે હતી. એનાં ચાર પૈડાં ઘસીએ તો ખર્રર્ર… અવાજ કરતી ચાલતી. એ બસમાં નાની બારીઓ, નાની સીટો, ઉપર માળ, નાનો દાદર, વચ્ચેનો પેસેજ, પકડવાનો સળિયો બધું હતું. એ બસ અમારા બધાનાં વિસ્મયનું કેન્દ્ર હતી. અમે મનોમન એમાં બેસતા, દાદર ચઢતાં, ટીન-ટીન ઘંટડી વગાડતાં ને ક્યાંના ક્યાં પહોંચી જતાં. પછી ખબર નહીં એ બસ ક્યાં ચાલી ગઈ ખર્રર્ર કરતી મારા બાળપણની જેમ !

એક શંખ-છીપલાંવાળી ઢીંગલી પણ કાચના કબાટમાં ગોઠવાયેલી રહેતી. પણ, એ કંઈ રમી શકતી નહીં. છીપલાંનું ઘેરદાર ફ્રોક, છીપલાની હેટ, પછી બધાં છીપલાં તૂટી કે ઊખડી ગયા. લાકડાની લાલ-પીળાં પૈડાવાળી બે ગાડીઓ પણ હતી. એક લાકડાંની બાઈ પણ હતી, વર્ષો જૂની. વર્ષો સુધી રહી. પાછળના ઘરના કબાટમાં પિત્તળનો કાળો પડી ગયેલો એક નાનો ડબ્બો રહેતો. એમાં લાકડાનું બનાવટી બિસ્કિટ, બદામ, એલચી, દ્રાક્ષ, કાજુ વગેરે રહેતાં. એકદમ સાચાં જ લાગે – ખાવાનું મન થઈ જાય એવાં. અમે સાચવીને એ દાબડી ખોલતાં, રમતાં અને સાચવીને પાછાં મૂકી દેતાં. પછી એ ક્યાં ગયાં ખબર નથી. હું થોડી મોટી થઈ એ અરસામાં નવી-નવી ‘ગૅઈમ’ નીકળેલી. એમાં ગોળ ફૂલ જેવાં લાલ-પીળાં-ધોળાં-ભૂરાં ચકરડાં. બધાં જોડીને જુદાંજુદાં આકાર બનાવવાના. સાઈકલ, ઊંટ, ઘર. કંઈ કેટલુંયે. હું આઈસ્ક્રીમની વાટકી-ચમચી-ફૂલ એવું બધું બનાવતી. અઘરા આકાર મેહુલ બનાવી આપતો, કેટલાયે વર્ષો એ ‘ગૅઈમ’ સાચવીને અમે રમતાં. હજી અત્યાર સુધી એના થોડાં ચકરડાં હતાં !

વળી, દર ગોકુળ અષ્ટમીએ લોખંડના કટાયેલાં ગોળાકાર ડબ્બાની કડી ખોલી એમાંથી કાચના રમકડાં બહાર કાઢવામાં આવતાં. ભગવાનના પારણાની બાજુમાં ઊંચા બાજઠ ઉપર એ કાચના વિવિધ રમકડાં ગોઠવાતાં. દાદી અને બા ‘જો…જો… તૂટે નહિ’ એમ કર્યાં કરતાં. અમે કોઈ એમાંથી એક્કે રમકડું તોડતાં નહિ. કાચની એક-બે ધોળી પૂતળીઓ, તેનાં નાજુક ચહેરાં, તરલ આંખો, રંગીન લૂગડું – એના સળ દર્શાવતો કાચ બધું મને બરાબર યાદ છે. વર્ષોથી આ રમકડાં જોયાં નથી. એમાં એક સાવ નાનું, કથ્થઈ-કાળા રંગનું ગલૂડિયું હતું. મને એ બહુ વહાલું હતું. એનો એક પગ તૂટેલો હતો. એ બરાબર ઊભું રહી શકતું નહિ. હું એને ઊભું રાખવા મથ્યાં જ કરતી ! આવડા મોટા ઘરના આવડા મોટા અસબાબમાં ખબર નહિ એ ક્યાં ખોવાઈ ગયું ? આ રમકડાં અમને કદી રમવા ન મળતાં. એ ભગવાનનાં રમકડાં કહેવાતાં. દર વર્ષે ડબ્બામાંથી બહાર નીકળતાં અને છ દિવસ રહી પાછાં ડબ્બામાં ચાલ્યાં જતાં. એ છ દિવસ એને હળવેથી જોઈ, અડકી લેવાનાં. એટલે જ કદાચ એનું આકર્ષણ હતું.

પછી, પાછળથી આ કાચના રમકડાં જોડે મદ્રાસના વાજાંવાળાં પણ ગોઠવાતાં. હલકા વજનના લાકડાનાં વાજાંવાળાં રંગે-રૂપે રમૂજ ઉપજાવે તેવાં હતાં. કોઈ શરણાઈ, કોઈ ઢોલક, કોઈ વાજું વગાડતી મુદ્રામાં હતાં. એમનાં બૂટ પગ સાથે પાતળી ખીલી વડે જોડેલાં. હું જુદાં જુદાં આકારમાં એમના સરઘસને ગોઠવતી અને પછી તો જાણે સરઘસ આગળ ચાલતું. પછી તો પગની ખીલી ઢીલી પડી જતાં બધાં વાજાંવાળાં વારંવાર જાતે જ ગબડી પડતાં. એક પડે તો પાછળનાં બધાં ધરાશાયી… એ પણ જન્માષ્ટમી જાય પછી ખોખામાં મૂકી દેવાતાં. કેટલાં બધાં વર્ષ એ ઘરમાં રહ્યાં ! મૂંગા-મૂંગા, વાજાં વગાડતાં ! એ સરઘસ ઠેઠ આટલે વર્ષે ઘરની બહાર ગયું.

આ સિવાય કેટલાક સિઝનલ રમકડાં પણ મળતાં. શ્રાવણ મહિને કતારગામથી પોપટ લેવાતો. મેળામાંથી વાંસળી મળતી. વાંસની ચીપનો સાપ આવતો, જે લાંબો-ટૂંકો પણ થતો. કોઈને થશે કે ઓહો ! મારી પાસે કેટલાં બધાં રમકડાં હશે કે રમકડાંની લાંબી વાત માંડીને બેઠી છું. મારા બાળકોને ઘણીવાર કહું છું, તમારી પાસે તો ઢગલો રમકડાં છે. અમારી પાસે કંઈ આટલાં બધાં રમકડાં નહોતાં. કોઈ અપાવતું નહિ. ત્રણ પૈડાની લાલ સાઈકલ મને બહુ ગમતી. એ સાઈકલ જાણે બહુ મોંઘી. કોઈ અપાવે એવી તો કલ્પના જ ક્યાં ? હું દીપુની સાઈકલ પર ક્યારેક ક્યારેક બેસતી અને એ ચલાવવાનો અવર્ણનીય આનંદ માણી લેતી. તે વખતે કોઈ પાસે છે એવું રમકડું આપણે પણ લેવું જ એવી જીદ તો કોને પોષાય ? બધાં એકબીજાનાં રમકડાંને સહિયારી રીતે રમી લેતાં, અડકી લેતાં, ને રાજી થઈ જતાં. અત્યારે થાય છે કે મારી પાસે પણ કંઈ ઓછાં રમકડાં નહોતાં ! ઉપર વાત કરી એ તો ખરાં જ, બાકીના તો નકામાં ડબ્બા-ડુબલી વગેરેમાંથી રમકડાં સર્જતા અમને ક્યાં નહોતું આવડતું ? શાંતાકાકી દાદાને પૂજામાં આવેલા લાલ કપડાંનો ઢીંગલો સીવી આપતાં કે અમે રાજી રાજી. ભગવાનના ધૂપની નાની સગડીયે છાનીમાની રમતાં. બંગડીના કાચ, કાચની નાની શીશીઓ, પ્લાસ્ટિકના બૂચ, ઢાંકણાં, લખોટી… પાર વગરની વસ્તુઓ…

બે-ત્રણ દિવસ પહેલાં જ હું રમકડાંની દુકાને ગઈ હતી. ઓહોહો… જાત-જાતનાં રમકડાં. નાના-મોટા ટેડિબેર, નાની-મોટી બેબી જેવડી બોલતી ઢીંગલીઓ, મોટરો, ગૅઈમ્સ, કીચનસેટ, કબાટ, સ્ટેન્ડિંગ કીચન, ફ્રીજ, ઢીંગલી ઘર… બધું જ. હવે તો આ બધુંયે કંઈ નવું નથી રહ્યું. બહુ ઝડપથી બધું જૂનું થઈ થઈ જાય છે. હવે બાળક કંઈ પેલા સસલાને વર્ષો સુધી છાતીસરસું રાખી શકતું નથી. એમના વિશ્વ સાથે એમનું રમકડાનું વિશ્વ પણ બહુ ઝડપથી દોડે છે. એમાં પેલું સસલું ક્યાંય પાછળ રહી જાય છે. છતાં બાળક એ બાળક છે. એ નવી પેઢીનું હોય કે જૂની પેઢીનું. એને રમકડાં માત્રમાં આનંદ આવે છે. અરે ! બહુ જૂનાં, ભાંગલાં-તૂટલાં રમકડાં માળિયેથી ઉતારીએ તોય એમને નવાં લાગે છે ને રમવા મંડી પડે છે. દ્વિજા એની ફોઈની યે ફોઈનાં પિત્તળનાં નાનાં વાસણ ઊલટથી રમે છે. પિત્તળનો સ્ટવ, સાણસી, ઝારી, પેણી, તપેલી, તાંબાકુંડી, થાળી, ચૂલો… બધું આપણનેય રમવાનું મન થઈ જાય એવું.

બાળકને તો રમકડું બે રૂપિયાનું હોય કે બસો રૂપિયાનું – બધામાં અપાર આનંદ મળે છે. આ આનંદ અને વિસ્મય જ નકામી વસ્તુને રમકડું બનાવી દે છે. જ્યાં સુધી એમનામાં વિસ્મય હોય ત્યાં સુધી તેઓ કોઈપણ રમકડાંમાં ઈશ્વરની માફક જીવ મૂકી શકે છે. બસ, પછી કંઈ નહિ.

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર. કુલ પાન : 175. કિંમત રૂ. 85. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે. અમદાવાદ-380009 ફોન : 91-79-26587947 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાનની કંઈ તક્તી થોડી લગાડાય ? – યોગેશ જોષી
નહિ ‘ના’ પાડવી સહેલ રે… – રતિલાલ બોરીસાગર Next »   

11 પ્રતિભાવો : રમકડાંની દુનિયા – રીના મહેતા

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ, રીનાબહેન.

  મને પણ મારા બધા રમકડા યાદ આવી ગયાઃ તે ગાડીઓ, હી-મેન, બ્લોકસ્.
  અને હા હું તો હજી પણ રમકડાથી રમુ છું, થોડા દિવસ પહેલા પ્રથમ વાર Toys’R’us ની મુલાકાત લીધી ત્યારે તો એવુ લાગ્યુ કે આ રમકડું લઈ લઉ, પેલુ લઈ લઉ.

  મને લાગે છે કે મારા અને મારા બાળક વચ્ચે રમકડાને લઈને ‘ઝઘડો’ થવાનો છે.

  નયન

  “જ્યાં સુધી એમનામાં વિસ્મય હોય ત્યાં સુધી તેઓ કોઈપણ રમકડાંમાં ઈશ્વરની માફક જીવ મૂકી શકે છે. બસ, પછી કંઈ નહિ.”

 2. આ વાંચી પોતાનું બાળપણ યાદ ન આવે તો જ નવાઇ !

 3. ઓતપ્રોત થઈને રમકડા સાથે રમતા બળકોને જોવા તે લહાવો છે. રમકડાથી રમતા રમતા તે પોતાની કાલ્પનિક દુનિયા ઉભી કરે છે. બાળકોને મન આ રમકડા પોતાની મોંઘેરી મુડી હોય છે અને તે દરેક રમકડા સાથે જીવંત હોય તેવો જ વ્યવહાર કરે છે.

 4. ખુબ જ ભાવસભર લેખ .. અને વિચારતા કરી મૂકે એવો…

  વિસ્મયવાળી વાત ઘણી જ સનાતન લાગી …. ભૌતિકતાની અતિશયોક્તિ તરફ જઈ રહેલું આપણું જીવન ખુબ જલ્દી કોઇ ચીજમાંથી આપણો રસ – interest દુર કરી દે છે….. અને આ મારી અનુભવેલી વાત છે… પહેલા જ્યારે ગામના ઘરે રહેતાં અથવા ૧૦ વર્ષો પહેલાના નવસારીની જ વાત કરું તો કાંઈ એટલું બધું વિકસિત નહોતું અને અત્યારે હૈદરાબાદમાં જેટલી ચીજો available છે એના ૧૦% પણ નહોતું … પણ તોયે કોઇ દિવસ મોઢામાંથી “કંટાળો” શબ્દ નીકળ્યો હોય એવું યાદ નથી … અને આજે .. હું ને મારો મિત્ર … વિકએન્ડમાં કાંઈ કેટલીય ચીજ હોય જેમાં સમય પસાર કરી શકાય તોયે દિવસમાં ૧૦ વાર બોલતા હોઈશું કે “યાર, બહુ જ કંટાળો આવે છે” !!

  અહિં વિસ્મયને માટે જે વાત કહી છે તેના સંદર્ભમાં જ વિચાર આવે કે જો આ વિસ્મયને ટકાવી રાખીએ તો ક્યારેય કોઇ ચીજ જુની થાય જ નહિ !!

 5. Sarika Patel says:

  ખુબજ સરસ ખરેખ્રર નાનપન ના દિવસો યાદ આવિ ગયા.
  આભાર રિનાબહેન.

 6. ભાવના શુક્લ says:

  વર્ષો સુધી મેં એ રમકડું ભંગારમાં આપવા ન દીધું. બે કૂકડા પાછા સમજદાર બની ટક ટક ચણવા માંડે એ બાળઆશા વિરમી ત્યાં સુધી !..
  …………………………………………….
  બહુ સરસ.. રમકડાની દુનીયા ખોલી આપીને તો અનેક યાદો તાજી થઈ…
  બાળકોનુ ભલુ પુછવુ… એક વખત મારા નાનકાએ ૪-૫ વર્ષની ઉમ્મર હશે અને ઘરમા જિદ કરીકે “દાદા મને ટક ટક કરે તેવો દેડકો અને એક ચીસોટી લાવી આપો” અવાજ ચીસ પાડે ત્યારે થાય તેવો હોય તેને ચિસોટી કહેવાય તેવુ તેંણે તેની કાલીઘેલી સમજમા અમને સમજાવ્યુ. મારા કામવાળા બહેનના નાના છોકરા પાસે જોઇ ગયેલો. બે દિવસ રાહ જોઇ.. અમે તો હા ભાઈ કહી ભુલી ગયા હતા. ત્રીજા દિવસે સાસુ-વહુ હરીનગર માર્કેટમા શાક લેવા જતા હતા.. સુપ્રીમકોર્ટ-દાદાનો હુકમ થયો બન્ને વસ્તુ વગર ઘર મા પાછા આવવુ નહી.. માર્યા ઠાર… પપ્પા એ જે ટોન મા કહ્યુ હતુ .. અમારા સાસુ-વહુની હીમત ચાલી નહી કે લીધા વગર પાછા ઘરે જઈએ… સીસોટીતો વળી મળી ગઈ ઇસ્કોન મંદીરની બહાર બેસતા ફેરીયા પાસે.. પણ દેડકાનુ શુ કરવુ??? યક્ષ પ્રશ્ન.. આજુબાજુની રમકડા-સ્ટેશનરીની તમામ દુકાનોમા જોઇ વળ્યા… રાતના ૮ વાગી ગયા..રસોઈનુ ખુબ મોડુ.. શાક તો શાક માર્કેટમા રહ્યુ… અમે બન્ને “ટક ટક દેડકા”ની શોધમા ફરી વળ્યા… કંટાળીને મે મારા પતિને ફોન કર્યો… તેંણે કહ્યુ કે તમે ઘરે જાઓ.. હુ લેતો આવીશ… અને મને યાદ છે રાત્રે ૧૦ વાગે ગોત્રી ગામની કોઇ સાવ નાનકડી દુકાન માથી નસીબ જોગે મળી ગયો દેડકો અને ભાઈને લાવીને આપ્યો અને દાદા પણ ખુશ…
  હા દાદાએ ત્યા સુધીમા “સરપ્રાઈઝ” વઘારેલી મસાલેદાર ગરમ ગરમ ખીચડી, કચુમ્બર અને દહી-છાશ ડીનરમા તૈયાર કરી રાખેલ જેથી સાસુ-વહુની એ મહેનત બચી ગઈ અને બધાને ગરમ ગરમ મસાલેદાર જમવાનુ તૈયાર મળુ જે ચિસોટી (સિસોટી) અને દેડકાની ટક ટક ના બેક ગ્રાઉન્ડમ્યુઝીક સાથે ખાધુ..

 7. સુરેશ જાની says:

  મારો મન ગમતો વીષય.
  આપણે કોઈ પણ ઉમ્મરે આ વીસ્મય ટકાવી શકીએ છીએ. મારા સ્વાનુભવ પરથી રચાયેલી ‘ ચીર બાલપણ’ની કવીતા વાંચવા વીનંતી –
  http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

 8. Ashish Dave says:

  Reminded me all my childhood toys.

  જ્યાં સુધી એમનામાં વિસ્મય હોય ત્યાં સુધી તેઓ કોઈપણ રમકડાંમાં ઈશ્વરની માફક જીવ મૂકી શકે છે. બસ, પછી કંઈ નહિ.

  Too good

  Ashish Dave
  Sunnyvale, California

 9. asthasheth says:

  બાળપણ ન પ્રસન્ગો ખુબ સુન્દર હોય છે.અમને અમારુ બાળપણ યાદ આવ્યુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.