નહિ ‘ના’ પાડવી સહેલ રે… – રતિલાલ બોરીસાગર

‘મારા પપ્પાને કોઈ પણ વ્યક્તિ કશું કામ ચીંધે તો એ ‘ના’ ન પાડી શકે. હાર્ટની તકલીફ થયા પછી એમનાથી દોડાદોડી થઈ શકતી નથી. તોય એ કોઈનું પણ કામ માથે લઈ લે અને પછી મારે એમને સ્કૂટર પર બેસાડી આમથી તેમ લઈ જવા પડે.’
‘લોકો તો કામ હોય એટલે આવે, કામ બતાવે, પણ આપણાથી ન થાય એવું હોય તો ‘ના’ પાડી દેવી જોઈએ ને ? પણ તમારા ભાઈ ‘ના’ પાડે જ નહિ ને ? પછી હેરાન થાય. પણ કોને કહે ? આ તો સારું છે કે જલદી ઠેકાણે પડતું ન હોય એવી કન્યાના કોઈ પિતા તમારા ભાઈને એની કન્યા સ્વીકારી લેવાનું કહેતા નથી. બાકી તમારા ભાઈ એનીય ‘ના’ ન પાડે !’
‘આ કામમાં એટલી બધી હેરાનગતિ ને દોડાદોડી છે કે બોરીસાગરભાઈ સિવાય કોઈ હા નહિ પાડે. તમે એમને જ કહો.’

ઉપરનાં નિવેદનો મારા વિશેનાં છે અને અનુક્રમે પુત્ર, પત્ની ને મિત્રોનાં છે. આ અને આવાં વાક્યો મારા માટે સેંકડો વાર ઉચ્ચારાયાં છે અને હજુ સેંકડો વાર ઉચ્ચારાશે એની મને ખાતરી છે. આ નિવેદનોમાં થોડી અતિશયોક્તિ અવશ્ય છે; ખાસ કરીને ‘કોઈ કન્યાનો પિતા એની કન્યાનું પાણિગ્રહણ કરવાનું કહે તો હું ‘ના’ ન પાડી શકું’ એ કથનમાં થોડી અતિશયોક્તિ અવશ્ય છે. હજુ સુધી કોઈએ આવું કહ્યું નથી અને ભવિષ્યમાં આવું કોઈ કહે તેવો સંભવ નથી. આમ છતાં, ધારો કે મને આવી ઑફર થાય તો હું ‘ના’ જ પાડું. જોકે આ ‘ના’ પાડતાં મને ખૂબ મુશ્કેલી પડે છે એટલું મારે કબૂલ કરવું જોઈએ. એટલે પત્નીના નિવેદનમાં અતિશયોક્તિ હોવા છતાં સત્યાંશ રહેલો છે એટલું તો મારે કબૂલ કરવું જ રહ્યું.

હું ક્યારેય કોઈને કશી વાતમાં ‘ના’ પાડી શકતો નથી એ વાત સ્વજનો-મિત્રોમાં ફેલાઈ ચૂકી છે. નેપોલિયનના શબ્દકોશમાં જેમ ‘અશક્ય’ શબ્દ નહોતો એમ મારા શબ્દકોશમાં ‘ના’ શબ્દ નથી. જોકે મારા અને નેપોલિયનમાં થોડો ફેર છે. (આમ તો જોકે ઘણો ફેર છે.) નેપોલિયન પોતાને માટે કશું અશક્ય છે એમ માનતો નહોતો. હું બીજાઓને કોઈ બાબતમાં ‘ના’ પાડી શકતો નથી. જોકે ‘ના’ પાડવાની મારી ઈચ્છા નથી હોતી એવું નથી. ઊલટું, કેટલીક વાર તો મેં જેમાં ‘હા’ પાડી હોય તેવાં દસ કામોમાંથી છ કામોમાં મારી મૂળ ઈચ્છા ‘ના’ પાડવાની જ હોય, પણ ‘હા’ કહેવાઈ ગઈ હોય; જેમ કે, અત્યારે આ લેખ હું લખી રહ્યો છું તે ‘ના’ પાડવાની મારી અશક્તિનું જ ઉદાહરણ છે. નોકરી માટે ગાંધીનગર જવા-આવવામાં એટલા બધા કલાકો જાય છે, સાંજે પાછા ફર્યા પછી એટલું બધું થાકી જવાય છે કે કશું કામ થઈ શકતું નથી. રજાના શનિવાર અને રવિવાર પર ઠેલેલાં કામોની સંખ્યા વધતી જાય છે. ત્રેવીસ પત્રોના ઉત્તર દેવાના છે, તબિયત આજકાલ સારી રહેતી નથી. એક હાસ્યનિબંધસ્પર્ધાના ચાળીસ નિબંધો વાંચી પ્રથમ ત્રણ નક્કી કરી આપવાના છે. ‘આવતા અઠવાડિયે ચોક્કસ કરી આપીશ.’ એવું પાંચ અઠવાડિયાથી કહું છું ! હવે આ અઠવાડિયે તો આ કામ કરી જ આપવું પડે તેમ છે. એક સામાયિક માટેનું પુસ્તકાવલોકનનું કામ છ મહિનાથી ઠેલાતું જાય છે ને તંત્રીશ્રીનો તકાદો વધતો જાય છે. આવી સ્થિતિમાં એક પરમ મિત્ર જેમાં સંપાદક છે તે સામાયિકે ‘હાસ્યાંક’ પ્રગટ કરવાનું જાહેર કર્યું છે ને લેખકોની યાદીમાં મારું નામ જાહેર કરી દીધું છે. એમને નવો જ લેખ જોઈએ છે. મિત્રની આબરૂનો સવાલ છે એટલે આ લેખ અત્યારે લખાઈ રહ્યો છે.

મારાથી કરવાનું શક્ય હોય-ખેંચાઈને પણ કરી શકું એમ હોઉં એવા કામમાં જ ‘ના’ પાડી શકતો નથી એવું નથી. મારાથી થઈ શકે એમ ન હોય તેવા કામમાંય મારાથી ‘ના’ પાડી શકાતી નથી. મહિને સાઠસિત્તેર હજાર રૂપિયા કમાતા મારા વેપારી મિત્રે મારી પાસે પંદર દિવસ માટે ઉછીના પૈસા માગ્યા હતા ને તેય થોડાઘણા નહિ – પચાસ હજાર રૂપિયા ! આ વાંચી તમને જો આશ્ચર્ય થયું હોય (મને જાણનારને તો થયું જ હશે) તો એનાથી અનેકઘણું આશ્ચર્ય મેં એ લાવી પણ આપ્યા એ વાંચીને થશે. કેવી રીતે લાવી આપ્યા ? ઉછીના લાવીનેસ્તો ! આટલી મોટી રકમ મેળવતાં નેવાનાં પાણી મોભલે આવ્યાં પણ મિત્રને ના ન પાડી શક્યો તે ન જ પાડી શક્યો. મારો એક બીજો મિત્ર તો આજેય મારી પાસેથી વારંવાર ઉછીના પૈસા લઈ જાય છે. બીજાના પૈસાને પણ પોતાના પૈસા ગણવા જેટલી વૈશ્વિકતા એનામાં વિકસી છે. બીજા મિત્રો એક યા બીજા બહાના નીચે છટકી જાય છે, પણ હું ક્યારેય એને ના પાડી શક્યો નથી. એક વાર તો એણે સવારે આવીને અગાઉ ઉછીના લીધેલા પૈસામાંથી પાંચસો રૂપિયા પાછા આપ્યા. મને આશ્ચર્ય તો થયું પણ તે જ દિવસે સાંજે પંદરસો રૂપિયા ઉછીના લઈ ગયો ત્યારે આશ્ચર્યનું શમન પણ થઈ ગયું ! મિત્રોને-સ્નેહીઓને પૈસા ઉછીના આપવા માટે મારે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે. હું તો ઉછીના લીધેલા પૈસા સમયસર પરત કરી દઉં છું, પણ મેં ઉછીના આપેલા પૈસા જલદી પરત આવતા નથી, કેટલાક તો કદી પરત આવતા નથી. આ કારણે મારી ખાધ વધતી જાય છે ને આ ખાધ પૂરી કરવા મોટી-મોટી લોનો લેવી પડે છે. આ લોનોના હપ્તા ભરવા પડે છે એ કારણે પાછી ખાધ પડે છે ને ધીરે ધીરે વધતી જાય છે. આ ચક્ર નિરંતર ચાલ્યાં જ કરે છે.

જુદા જુદા સ્નેહીઓ-પરિચિતો મારું સ્કૂટર માગે છે ત્યારે દરેક વખતે એ આપવાની મારી ઈચ્છા હોય છે એવું નથી, પણ ક્યારેય મારાથી ‘ના’ પાડી શકાતી નથી. પડોશીઓ તો મારા સ્કૂટરને પોતાનું જ સ્કૂટર સમજે છે. અમારી સોસાયટીમાં છન્નું ફલેટ છે. હું ક્યારેય સોસાયટીની કારોબારીનો સભ્ય થયો નથી કે સોસાયટીની કોઈ પ્રવૃત્તિમાં ક્યારેય સક્રિય રસ લેતો નથી તોય છન્નુંએ છન્નું ફલેટના નિવાસીઓ મને ઓળખે છે તે મારા સ્કૂટરને કારણે. કેટલાકને મારું નામ નથી આવડતું, પણ મારા સ્કૂટરનો નંબર GJT 1790 આવડે છે ને આવા પાડોશીઓ મને ‘1790વાળા સાહેબ’ તરીકે ઓળખે છે. આટલા બધા ફલેટમાંથી દરરોજ કોઈને કોઈનું સ્કૂટર તો બગડ્યું જ હોય. આવે વખતે ‘1790વાળા સાહેબ’નું સ્કૂટર એમની સેવામાં હોય જ ! અમારા એક પાડોશી આમ લુના વાપરે છે પણ એમના ઑફના દિવસે દર ગુરુવારે ઓઢવ રહેતાં માતાપિતાને અને પત્નીનાં માતાપિતાને મળવા જાય છે ત્યારે મારું સ્કૂટર લઈ જાય છે. ગુરુવારે સાંજે મારે કોઈને સ્કૂટર આપવું નહિ એવી એમની સ્ટેન્ડિંગ સૂચના છે !

મારા સ્કૂટરની કથા જાણ્યા પછી, મારા એક પાડોશી સ્કૂટર શીખી ગયા છે, પણ પેટ્રોલ મોંઘું હોવાને કારણે એમણે સ્કૂટર ખરીધું નથી. જ્યાં જવા માટે બસ મેળવવાનું અગવડભર્યું હોય ત્યાં એ મારું સ્કૂટર લઈ જાય છે. સ્કૂટરને કારણે મારા પાડોશીઓએ મારી સાથે એટલી બધી આત્મીયતા કેળવી છે કે હવે તેઓ સ્કૂટર લેવા આવે છે ત્યારે મને કે કુટુંબના કોઈ અન્ય સભ્યને ખલેલ નથી પહોંચાડતા – ચાવીના સ્થાનેથી 1790ની ચાવી લઈ જતા રહે છે ને પાછા આવી એ જ સ્થાને ચાવી મૂકી દે છે. કોઈ એક પડોશી સ્કૂટર લઈ ગયા હોય તે પછી બીજા પડોશી સ્કૂટર લેવા આવે ને ચાવી યથાસ્થાને ન જુએ તો પોતે મોડા પડ્યાનો અફસોસ કરતા ચૂપચાપ પાછા ચાલ્યા જાય છે. અમારા એક પડોશી એમને સ્કૂટર જોઈતું હોય ત્યારે ક્યારેય મોડા નથી પડતા, કારણ કે એમને સવારે નવ વાગ્યે સ્કૂટર જોઈતું હોય તો એ સાત વાગ્યે સ્કૂટર લઈ જાય છે ને પોતાના બ્લોકની પાછળ મૂકી રાખે છે. અલબત્ત, મારે દરરોજ ગાંધીનગર જવા-આવવાનું હોવાને કારણે સામાન્ય રીતે સ્કૂટરની જરૂર રજાના શનિવારે અને રવિવારે બપોર પછી જ પડતી હોય છે ને મારા પાડોશીઓ એટલા ભલા અવશ્ય છે કે આ બંને દિવસે બપોર પછી એ સ્કૂટર મારા માટે રહેવા દે છે, પણ વચ્ચેના દિવસોમાં સ્કૂટરની જરૂર પડે છે ત્યારે દસમાંથી સાત વખત મારે બસમાં કે રિક્ષામાં જ જવું પડે છે. સ્કૂટર એક જ છે ને એના ઈચ્છુકો અનેક છે એટલે પડોશીઓને તકલીફ પણ પડે જ છે. મારા એક પડોશીએ તો મને યુલિપના પૈસા આવે એમાંથી બીજાં બે સ્કૂટર લઈ લેવાની ભલામણ પણ કરી છે ! પાડોશીઓ તો સ્કૂટર લઈ જાય છે જ, પણ કેટલીક વાર દૂર રહેતા સ્નેહીઓ પણ મારા સ્કૂટરની સેવા લે છે. અમારા એક સ્નેહી વાસણા રહે છે. એમના સાઢુભાઈ રાણીપ રહે છે. એમના ઘરેથી રાણીપની સીધી બસ મળતી નથી, પણ મારા ઘરની સીધી બસ મળે છે એટલે તેઓ પ્રથમ સપત્નીક બસમાં મારી ઘેર આવે છે ને ચા-બા પી, મારું સ્કૂટર લઈ જાય છે ને પાછા વળતાં સ્કૂટર મૂકી, પુન: ચા પીને પછી બસમાં ઘેર જાય છે. ‘ના’ પાડી શકવાની અશક્તિને કારણે મારું હોવા છતાં ક્યારેય ‘મારું’ લાગ્યું નથી.

મારાથી લગભગ અશક્ય હોય, કોઈ વાર તો બિલકુલ અશક્ય હોય એવાં કામો પણ લોકો મને ચીંધે છે. લોકો ચીંધે તો છે, પણ હું નાય નથી પાડતો – નથી પાડી શકતો.
‘આટલું જરા ચીફ મિનિસ્ટરને કહેવાનું છે. ચીફ મિનિસ્ટર કામ હાથમાં લે તો જ થાય એવું છે.’
‘તમે જરા નાણાપ્રધાન પાસે આટલી ભલામણ કરાવી દો ને !’
‘તમે જરા ચીફ સેક્રેટરીને મળીને મારું આટલું કામ પતાવી દો ને !’
મોટા માણસો દ્વારા કરાવવાનાં કામોની લાંબી યાદીનાં આ માત્ર બે-ત્રણ ઉદાહરણો છે. ચીફ મિનિસ્ટર સાથે નાનપણમાં ગિલ્લી-દંડા રમ્યો હોઉં કે નાણાપ્રધાન સાથે એક બાંકડે-બેસીને ભણ્યો હોઉં એવી રીતે લોકો મને કામ ચીંધે છે – આવાં કામોની પણ મારાથી ના પડાતી નથી અને આવાં કામો થતાં નથી ત્યારે સ્નેહીઓ નારાજ થાય છે : ‘શું ભલા માણસ ! તમારાથી થાય એવું ન હોય તો પહેલેથી ના પાડી દેવી જોઈએ ને ! આ તમારા ભરોસે રહ્યા એમાં અમે રખડી પડ્યા.’ આવાં ઠપકાંના વેણ પણ મેં અનેક વાર સાંભળ્યાં છે.

મારા કોઈ પણ મિત્ર કે સ્નેહીને બે જામીનની જરૂર પડે છે ત્યારે એક જામીન તો હું જ હોઉં છું. હું એટલી બધી વ્યક્તિઓનો જામીન થયો છું કે બધા જો લોનની રકમ ન ભરે તો મારા આ જન્મની નહિ, આવતા સાત જન્મની મિલકતો જપ્ત કરવામાં આવે તોય લેણું ચૂકવાઈ ન રહે. આમ છતાં હું ક્યારેય જામીન થવાની ના પાડી શકતો નથી. એક વાર મારા એક જ્યોતિષી મિત્રે મને કહ્યું : ‘આ અઢી વરસ તમે કોઈના જામીન ન થતા. થશો તો ચોક્કસ મુશ્કેલીમાં મુકાશો.’ આ કથનના અઢી દિવસ પછી એ એક કો-ઑપરેટિવ બેંકનું ફોર્મ લઈને આવ્યા અને મને જામીન થવાની વિનંતી કરી. મેં હસીને કહ્યું : ‘તમે જ આ અઢી વરસ જામીન થવાની ના પાડી હતી ને ! આમાં હું જામીન થઈશ ને તમે હ્પતા બરાબર ભરશો તો તમારું ભવિષ્યકથન ખોટું પડશે અને હપ્તા બરાબર નહિ ભરો તો તમારો આ ગરીબ મિત્ર હેરાન થશે.’
‘તમારી વાત બરાબર છે પણ આવતી કાલે બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મિટિંગ છે. એમાં લોન પાસ થવાની વાત થઈ ગઈ છે. પણ એ માટે આજે ફોર્મ આપી દેવું પડે, એટલે પછી તમને જ તકલીફ આપવી પડી.’ મેં સહી કરી આપી. મિત્રએ મિત્રધર્મ બજાવવા કરતાં જ્યોતિષી તરીકેની પોતાની કીર્તિને અક્ષુણ્ણ રાખવાનું પસંદ કર્યું. એમણે હપ્તા ભરવામાં અખાડા કર્યા. કૉ-ઑપરેટિવ બેંકે પોતાના નામને સાર્થક કરવા બને એટલા આંખ આડા કાન કર્યા પણ પછી એમણે મિત્રને અને મને નોટિસ આપી. મારું નવુંનકોર સ્કૂટર હરાજ કરવાની ધમકી આપી. મેં અને બીજા મિત્રોએ બાકી રહેલા પૈસા ભેગા કરી બેંકમાં ભર્યા.

આ લેખ પ્રસિદ્ધ થશે એટલે ‘ના’ પાડવાની મારી અશક્તિની વાત એકદમ પ્રસરી જશે ને અજાણ્યા માણસો પણ એમનાં કામ ચીંધશે એવી દહેશત છે. મિત્રના હાસ્યાંક માટે આ લેખ લખી રહ્યો ત્યાં અન્ય એક પ્રતિષ્ઠિત ગુજરાતી સામાયિકના સંપાદકશ્રીએ તાત્કાલિક નવો લેખ માગ્યો. તમે માનશો ? હું ‘ના’ ન પાડી શક્યો. પરિણામે ‘હાસ્યાંક’ માટે લખેલો લેખ એમને મોકલી આપ્યો. કોઈનું મીંઢળ કોઈના હાથે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમકડાંની દુનિયા – રીના મહેતા
વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ Next »   

18 પ્રતિભાવો : નહિ ‘ના’ પાડવી સહેલ રે… – રતિલાલ બોરીસાગર

 1. nayan panchal says:

  મજા આવી ગઈ.

  નયન

 2. જલસો પડી ગિયો મારા ભૈ,

 3. એક નનૈયો સો દુઃખને હણે અને જો યોગ્ય સમયે ના ન પાડતા આવડે તો આવી પરાણે પાડેલી હા સો દુઃખને જણે.

  મજા આવી ગઈ રતિલાલભાઈની હાસ્યરસમાં બોળેલી કલમને માણવાની.

 4. umabhatt says:

  બહુ સરસ મજા આવિ ગઇ આ હાસ્યરસ મા લખાયેલ લેખ વાચિ ને.

 5. પરમાનંદ says:

  અતિસુંદર પ્રભુ.

  મૃગેશભાઈ, થોડા લેખ ‘અશોક દવે’ ના પણ publish કરો.

 6. mukesh patel says:

  મજા જ્ મજા આવિ ગઇ.એતલા પન ભલા ન થવુ કે લોકો તમને ચાવિ જાય.ધન્યવાદ બોરિસાગર સાહેબ્.

 7. ભાવના શુક્લ says:

  આ વિશ્રંભકથા એવરેજ દરેક એવા માનવીને છે કે જેણે ક્યારેક સંસ્કારી અને પરગજુ થવાનો અછડતો પ્રયાસ કર્યો હોય… જેવી ખબર પડે કે પેલા ભાઈ/બહેન ખુબ ભલા છે ને ના પાડતા નથી પછી તો પુછવુ જ શુ!!!! ભલાઈનુ બેલેન્સ વધારવામા કઈ કેટલુય ઘટી જાય અને ખાધ પુરવા એકાદ હાસ્યલેખ દરેક જણ તો લખી પણ ના શકે… હા વાચીને આનંદ મેળવી શકાય..”આવ ભાઈ હરખા… આપણે બેય સરખા..”

 8. Tejas says:

  રતિલાલ સાહેબ નાં પાડોશમાં ઘરનાં ભાવ premium માં નહી બોલાતા હોય ?

  ખુબજ મજા આવી.

 9. Ashish Dave says:

  Hilarious

  Ashish Dave
  Sunnyvale, California

 10. asthasheth says:

  સરસ બહાનાઓ નો ખજાનો છે! સોરી! ખાલી મઝાક કરતી હતી.આમ તો ખુબ સુન્દર હતી.
  રમુઝિ વાર્તા છે.

 11. Vishal Jani says:

  ખુબ સરસ, વાંચીને હળવા ફુલ થઇ ગયા

 12. Purvi says:

  જલસા પડી ગયા !!!!!

 13. Nilesh Bhatt says:

  ઘણી સરસ રજુઆત.
  ખરેખર આવી જ હાલત હોસ્ટેલ મા રહેતા ત્યારે થતી. મોટરસાઇકલ ક્યારેય પાર્કિંગ મા જોવા જ ના મળે. એટલુ તો સારુ છે કે રતિલાલ ને એક ચાવી તો નિયત જગ્યાએ મળી જતી, મારે તો હોસ્ટેલ ના દરેક રૂમ મા ફરીને શોધવા જવાનુ કે એક એ બીજા ને પછી બીજા એ ત્રીજા ને એવી રીતે અંતે કોણે બાઈક નો (દૂર્)ઊપયોગ કર્યો હશે? ત્યાર પછી હેલમૅટ ને શોધવા જવાનું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.