વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી રેખાબેનનો (ટેનેસી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rekhasindhal@comcast.net અથવા +1 6152608794 પર સંપર્ક કરી શકો છો.]

‘Happiness is the way of travel not the destination…” એક દુકાનમાં જ્યારે મેં આ વાકય વાંચ્યું ત્યારે હું અમેરિકાના ટેનેસી રાજ્યના પૂર્વ છેડે આવેલી ‘ઓકોઈ’ નામની નદીમાં સહેલ કરવા જવાનું વિચારતી હતી. યાત્રા-વિહારનો આનંદ તો વહેંચવાથી વધે અને મારી સાથે મારા બે પ્રિય પાત્રો – મારા પતિ અને મારી ઉત્તમ મિત્ર નીલમ હતાં, તેથી તે અનેક ગણો વધે તે સ્વાભાવિક છે. આ સહેલ જુદી હતી. માઈલો લાંબી તોફાની નદીના વહેણમાં તરાપા પર બેસીને હલેસાં મારવાના હતાં. તરાપો ઊંધો પણ વળી શકે અને માઈલો લાંબી આ નદીમાં ખડકો એટલાં બધા હતા કે ક્યાંક ભટકાઈ જવાય અથવા તો કંઈ પણ થઈ શકે. અરે ! કેડ સમાણાં ખડકો પર ઊભા રહેવાના પ્રયત્નમાં જો પગ લપસીને ફસાયો તો વેગ સાથે તણાતા શરીરથી તે છૂટો પડી જવાની શક્યતા પૂરેપૂરી. પાણીનો જેને ડર હોય તે તો તેમાં જાય નહીં અને જવા પણ ન દે. ખાસ પ્રકારે બનાવેલ આ પ્લાસ્ટીકના તરાપા પર છ વ્યક્તિ અને એક ગાઈડ એમ કુલ સાત વ્યક્તિઓએ સફર કરવાની હતી.

અમે ટિકિટ તો લઈ લીધી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા ! મારા પતિ તથા મારી દીકરીએ મને આવો જોખમી પ્રવાસ ખેડવાની સાફ ના પાડી. બંનેને પાણીમાં જવાનો ડર અને તેમની સામેની મારી હિંમતની લડાઈમાં પહેલાં તો હું હારી ગઈ અને એમની લાગણી જીતી ગઈ પરંતુ મારું મન તો ટેકરીઓ અને વૃક્ષોની ઘટાઓ વચ્ચે વહેતી નદીમાં ઊછળતું હતું. ત્યાં બેઠું બેઠું એ શરીરને પણ સાદ કરતુ હતું. પ્રેમની સામે પ્રેમથી જીત મેળવી મેં મારા પતિને ખાતરી આપી કે હું ડૂબીશ તો બાહોશ ગાઈડ મને બચાવી લેશે અને ખડક સાથે અથડાઈને જીવનતત્વ પાણીનો આનંદ લેતાં લેતાં મરીશ તો મારી સદગતિ થશે. પ્રકૃતિને ખોળે રમવાનો આનંદ ડરને કારણે જતો કરવાની મારી જેમ સખી નીલમની પણ તૈયારી નહોતી. બાવન વર્ષની ઉંમર અને કમરની તકલીફ હોવાથી થોડી ચિંતા ખરી, પરંતુ છેવટે રજા મળી.

અમે તો બાળકની જેમ ઉત્સાહથી ફરી તૈયાર થયા ! સલામતી માટેના નિયમો સમજાવવા અમને એક વર્ગમાં બેસાડ્યા જ્યાં એકસોથી યે વધુ લોકો હતા. મોટાભાગના તરુણ ઉંમરના વિદ્યાર્થીઓ હતાં. ફકત બે-ત્રણ કુટુંબો હતાં કે જેમાનાં કેટલાંક અમારી માફક પ્રથમવાર આવ્યા હતાં. અમારી છ સભ્યોની ટુકડીમાં હું, નીલમ અને બે તરુણ બાળકો સાથેનું એક અમેરિકન દંપતિ હતું. તરાપાના પાછળના ભાગે ગાઈડ અને આગળના ભાગે આ બાપ-દીકરાની ટુકડી પહેલી લાઈનમાં હતી. બીજી લાઈનમાં નીલમ અને દીકરી એનલ તથા ગાઈડની આગળની લાઈનમાં તરાપાની ડાબી જમણી બાજુએ હાથમાં હલેસાં સાથે હું તથા એનલની મા બેઠાં હતા. ગાઈડે ફરી એકવાર સૂચના આપી કે શરીરનું સમતોલન રાખવા માટે તે ક્હે ત્યારે અંદર તરફ નમવું અને કહે તે દિશામાં હલેસાં મારવા. હવે અમારા તરાપાએ વહેણમાં ઝંપલાવ્યું. નદીની ઉતાવળી ગતિ સાથે તરાપાએ પણ ઝડપ વધારી. હું અને નીલમ થોડા ઢીલા પડ્યા. મારો ઉત્સાહ ઘણો હતો પરંતુ નીલમની તબિયત થોડી નાજુક હોવાથી મને એની ચિંતા થઈ. મેં પૂછ્યું કે પાછું ફરવું છે ? વીર નર્મદને યાદ કરીને નીલમ કહે : ‘ડગલું ભર્યું કે ના હટવું….’ અને છેવટે મેં પણ કહી દીધું કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા….’ હવે જે થાય એ જોયું જશે…

સામે નજર કરતાં નદી જાણે પ્રકૃતિને ખોળે રમતી હતી અને અમે નદીને ખોળે. અનંત અવકાશ નીચે ચારે બાજુ વૃક્ષોથી આચ્છાદિત પર્વતો અને ટેકરીઓનાં ચરણ ચૂમતી દોડતી જતી નદીનો પથરાળ પટ તેને વધુ વેગ આપતો હતો. પ્રથમ મોટા ખડકોની હાર પરથી નીચે સરતાં ધબકારા વધી ગયા પણ પછી ડર ઘટી ગયો. નાના મોટાં ખડક પરથી વહેતી ધારાઓને નીચે ઢાળમાં વધુ ને વધુ નાના મોટાં ખડકો માર્ગ આપીને ધન્ય થઈ રહ્યા હતાં. સતત પલળતાં રહેતા હોવાથી તે સુંવાળા થતા જતાં હતાં. નદીના વેગ અને પત્થરની સુંવાળપ વચ્ચે સેવાળરૂપે લીલું અને લીસ્સું જીવન ફેલાતું હતું જેનો રંગ વહેણને પણ લીલાશ આપતો હતો. નીલમ ગાતી હતી…. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા….’ નદીમાં તરતાં એ એક લીલા પાનને પણ કદાચ વૃક્ષનો વિયોગ સાલતો હશે ! પરંતુ આ વિયોગમાં પણ યોગનો આનંદ અમારા હૈયાને શીતળતા આપતો હતો. જુલાઈ મહિનાની ભર બપોરે અમે વાયુની શીતળ લહેરીઓ સાથે ઝૂમતાં હતાં અને ગાઈડની સૂચનાઓ પ્રમાણે હલેસાંઓ મારતાં હતાં.

તરાપાની નૃત્યગતિ હવે વધી હતી અને સાથે સાથે અમારૂ ડોલન પણ. વચ્ચે ઢોળાવો આવે ત્યારે ગાઈડ અમને અગાઉથી જણાવતો અને તન-મનમાંથી એક ઝણઝણાતી પસાર થઈ જતી. સાવધાનીનો એ સંકેત થોડી જ વારમાં કલ્પિત ભયને અકલ્પ્ય આનંદમાં ફેરવી નાખવા મદદરૂપ થતો. પથરાળ પ્રદેશ પર વહેતી આ નદી પર ખડકોનો વધતો ઓછો ભાગ જાણે પડકાર કરવા જ વારેવારે માથું ઉંચકતો હોય તેમ ઠેકઠેકાણે દેખા દેતો અમને ડરાવતો હતો. જે જોશથી નદી તેની સાથે અફળાતી હતી તેથી તો ડર વધતો હતો. પાણીના વેગ અને પત્થરની સ્થિરતા વચ્ચેથી માર્ગ કાઢવાની કુનેહ નદીની દોસ્તી વગર શકય જ નથી જ્યારે મારો તો આ પ્રથમ જ પરિચય ! ગાઈડની દિશાસુઝ મારા ડરને આનંદમાં ફેરવીને હર્ષ અને રોમાંચથી ખળખળાવતી. કલાક પછી એક કાંઠે અમે પાંચ મિનિટ માટે થંભ્યા. બાજુમાં કાંઠા પરના વૃક્ષો ઝૂકીને જાણે નમન કરતાં હતાં. સામેના કાંઠે કેટલાક દેશોના ધ્વજ જાણે નદીને વંદન કરતાં ઊભા હતાં. આ દેશોએ 1996માં ઓલેમ્પિકની પાણીમાં રમાતી રમતોમાં ભાગ લીધેલો જે અહીં રમવામાં આવી હતી. વચ્ચે મધ્યમાંથી એક પછી એક ચાર તરાપાઓ પસાર થયા. તે જગ્યાએ વમળમાં તરાપો ગોળ ગોળ ફરતો નીચે સરતો હતો અને અંદર બેઠેલા લોકો રોમાંચ, ભય અને હર્ષમિશ્રિત ચિચિયારીઓ કરતા હતાં. ગાઈડે આ જગ્યાનું નામ ‘હોલીવુડ સ્પીન’ જણાવ્યું.

અમારા તરાપાએ એમાં ઝંપલાવ્યું. ખૂબ મજા આવી. પાણીની છાલકોથી નદીમાતાએ જાણે વહાલથી અમને નવડાવ્યા. ચિચિયારીઓ સ્વાભાવિક બની ગઈ. અમારી સાથેનું અમેરિકન કુટુંબ અમારી ખૂબ કાળજી રાખતું હતું. હું કે નીલમ બીજી બાજુ નમી જઈએ તો તરત જ અંદર તરફ ખેંચી લે અને વધુ પડતાં અંદર નમી જઈએ તો ટેકો આપીને સરખા બેસવામાં મદદ કરે. હવે નદીનો મધ્યભાગ શરૂ થયો હતો. આમ તો ત્રેવીસ માઈલ લાંબી ‘હિવાસી’ નામની નદીમાં પાંચ માઈલના મધ્ય ભાગ(ઓકોઈ)માં જ અમારી સફર હતી. પાણીના વ્હેણ અહીં પ્રમાણમાં ઓછાં વેગવાન હતાં. વેગની ગતિ પ્રમાણે પાંચ વર્ગોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પાંચેમાં સૌથી સરળ એવા પ્રથમ વર્ગની સફરની અમારી હિંમતને પણ અમે જ દાદ દેતાં હતાં ! તરવાના કૌશલ્યને અભાવે જ સ્તો ! અમેરિકન ગાઈડ કે જેનું નામ ‘નીલ’ હતું, તે બહુ આનંદી હતો. અમે વાતોએ વળગ્યા. નીલમે પણ ગીત ગણગણવાનું મૂકીને વાતોમાં રસ લીધો. નીલમ કહે આ નદીની સફરને સમયની મર્યાદા ન હોય તો કેવું સારૂ ! આ સાંભળી તેને સાથે લાવ્યાનો મને ખૂબ આનંદ થયો.

નદી એના પેટાળમાં પત્થર, માટી અને બીજુ પણ ઘણું સમાવીને ઊછળતી કૂદતી વૃક્ષો અને માનવીઓને જીવનનો આનંદ અર્પે છે. જીવન પણ આ વહેતી નદી જેવું અનંત છે. કિનારાઓની મર્યાદા વચ્ચે એ પણ સતત વહે છે. વાતો વાતોમાં મેં નીલને પુછ્યુ કે ‘અહીં ઘણા લોકો એક જ બેઠકનો નાનો તરાપો લઈને નીકળી પડ્યા છે તો એ કુશળતા પ્રાપ્ત કરવા માટે કેટલા પાઠ લેવા પડે ?’ એણે જવાબ આપ્યો કે ‘મહત્વ નદીને ઓળખીને એના વહેણ અને માર્ગના પરિચયનું છે અને એ કૌશલ્ય તો નદીની દોસ્તીથી જ કેળવી શકાય. મને એટલે જ આ નોકરી બહુ ગમે છે. હું નાનો હતો ત્યારથી આ નદીને ખોળે જ મોટો થયો છું. અહીંના એક-એક પત્થરને હું ઓળખુ છું.’ તેણે સૌને થોડીવાર આસપાસ તરવાની મજા લેવાની છૂટ આપી. એનલ તેનો ભાઈ સ્કોટ અને તેના પિતા ટોમે પાણીમાં હર્ષથી ઝંપલાવ્યું. અમે આજુબાજુના સૌંદયનું પાન કરતા તૃપ્તિ અનુભવવા લાગ્યા. નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી અને આજુબાજુના બંને કાંઠે તેમ જ સામેના વળાંકોને કાંઠે વૃક્ષોની હારમાળાઓ ઉન્નત અને ઉન્નત થતી જતી હતી. આ આખા ય દશ્યની આકાશ સાથેની એકરૂપતા મન અને હૃદયને એક વિશાળતા અર્પતી હતી. આ વિશાળતાને સમયમાં સમેટવા નીલે તરાપો આગળ ચલાવવાની તૈયારી આરંભી.

મધ્યમાં ધીમી પડેલી નદીની ગતિ ફરીથી વધતી જતી હતી. દોડતી નદી હવે જાણે કૂદતી હતી. નીલે તરાપો થોડીવાર ગોળગોળ ફેરવ્યો, આનંદ માટે જ સ્તો ! અમે બધાં પૂરેપૂરાં પલળી ચૂકયાં હતાં. પત્થર સાથે માથું ન અફળાય અને ડૂબી ન જવાય તે માટે હેલમેટ અને જેકેટ પહેરાવ્યાં હતાં, તો પણ કપડાં પલળે એટલો જળાભિષેક થયો હતો ! સાચે જ અમે આનંદથી તરબોળ હતા. નીલે અમને ‘ગ્રાન્ડ ફનાલી’ માટે તૈયાર થવા કહ્યું. સામે એક મોટો ખડક નદીની બરાબર વચ્ચે ચોકીદારની અદાથી અણી તાકીને ઉભો હતો. તેની આસપાસ બંને બાજુથી પાણી પ્રચંડ વેગથી નીચે તરફ ધસતું હતું. એને ઝૂકીને અમે બાજુમાંથી પસાર થયાં કે નીચે તરફ વેગથી ઘસડાયા. તરાપો બંને બાજુ હાલકડોલક થઈ કાટખૂણા રચતો અમને ઝૂલાવતો હતો અને અમે શીતળ પાણીની છાલકોથી સરિતાનું વહાલ પીતા હતા. ગાઈડ નીલે થોડી મહેનતે તરાપાને આ વમળની બહાર કાઢ્યો. ફરી એ જ સુન્દર આકાશ, નિર્ઝરિણી અને વૃક્ષોની ઘટાઓ મનને મંત્રમુગ્ધ કરવા લાગી. ફરી એકવાર ભયે મને આનંદસમાધિમાંથી જાગૃત કરી. પળ બે પળ અને વળી આનંદનો અતિરેક !

સફરની શરૂઆત કરી ત્યાંથી અમે એકસો સિત્તેર ફૂટ નીચે સુધી આવી ચૂક્યાં હતાં. છેલ્લાં વધુ એક વમળમાં નીરની પ્રેમાળ છાલકોનો ભયરહિત આનંદ માણી અમે કિનારે નાંગર્યા. કિનારો કાંકરાઓથી ભરપૂર હતો અને પાણી ગોઠણ સમાણાં હતાં. આથી, તરાપામાથી ઊતર્યા પછી પણ સરિતાનો પાલવ મૂકવાનું મન નહોતું થતું. અમારા પગ પાણીથી બંધાયેલા હતાં. બહાર નીકળ્યા ત્યારે મારા આખા અસ્તિત્વમાંથી આનંદ પાણી સ્વરૂપે નીતરતો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નહિ ‘ના’ પાડવી સહેલ રે… – રતિલાલ બોરીસાગર
કેળવણી – માનવ પ્રતિષ્ઠાન Next »   

27 પ્રતિભાવો : વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ

 1. Neal says:

  રેખાબેન ખુબજ સુદંર પ્રવાસવણન…..

 2. ખુબ સુંદર વર્ણન જાણે આ બધા ભાવો હું જ અનુભવતો હોઉ તેવું લાગ્યું

 3. Maitri Jhaveri says:

  Woww seriously I felt like I was also there with Nil & all…..
  મજા આવી ગઈ….

 4. nayan panchal says:

  સરસ વર્ણન, રેખાબહેન. આવા સમયે અનુભવાતા ભાવોને શબ્દોમાં વર્ણવુ મુશ્કેલ હોય છે પરંતુ તમે ઠીક ઠીક સફળ રહ્યા છો.

  મજા આવી ગઈ.

  નયન

 5. Margesh says:

  I have also experienced the white water rafting near hrishikesh in the GANGA. Remembered those experience. Really once u experience it then u’ll feel tht if u had not experienced it then definately u’d have missed something in ur life…
  Really Nice Article.

 6. maurvi pandya vasavada says:

  Wow, GR*..What an experience!!!
  Woderful work by Rekhaji ….to convert Feelings in words…….
  congrats…

 7. સુરેશ જાની says:

  આ લેખ અહીં વાંચીને બહુ જ આનંદ થયો .

 8. piyush says:

  good article

 9. ભાવના શુક્લ says:

  ઓહ ઓ …. રેખાબહેન… ગજબ છે આતો… પહેલાતો ચિત્રો જોઇ ને જ વાચવાની હિંમત ના થઈ પરંતુ જ્યારે આતો તમારો પોતાનો પ્રવાસ છે તેમ જાણ્યુ ત્યારે રોકી ના શકી…. મને તો પહેલેથી જ પાણીનો ડર લાગે…(ટાઈટનીક અને ડે આફ્ટર ટુ મોરો એક વાર જોયા પછી બીજી વખત જોવાની હિંમત નથી કરી..) અને આતો તમે પોતે પ્રવાસ કર્યો છે. પણ જેમ જેમ વાચતી ગઈ.. અને જેટલી સાહજીકતાથી તમે વર્ણન કર્યુ છે તે જોઇ ને તો મને પણ ચાનક ચડી ગઈ છે એકાદ આવુ જીવન સાથે તોફાની અડપલુ કરી લેવાની.. ડર ને સાહસ મા બદલવાની કલા… તમારી કલમ જાણે છે તેમ કહીશ!!
  આતો થઈ હળવી રમુજ…

  પણ ખરેખર તમારૉ આ અનેરો અને સાહસિક જળપ્રવાસ બહુ માણવો ગમ્યો… ખાસ વિનંતી કે આવા અન્ય અનુભવો હોય તો અહી વહેચતા રહેશો.. આનંદથી માણીશુ..

 10. પરમ says:

  બહુ જ સુંદર લખ્યું છે, રેખાબેન.

  તમારા બીજા સ્મરણીય અનુભવો વિષે લખવા વિનંતી!!

 11. Rekha Sindhal says:

  Thank you all. I appreciate your feed back.Thanks to Mrugeshbhai for posting here.

 12. Harnish Jani says:

  Thank u for sharing your joy with us-wonderfully written account-

 13. વાહ!! આ તો ઘર બેઠાં ગંગા, સોરી વ્હાઈટ રાફ્ટિંગ થઈ ગયું…
  સરસ વર્ણન..
  શબ્દોની ગતિ ન્યારી રેખાબેન, અને તમારા લેખમાં તો શબ્દોની નદીમાં રાફ્ટિંગ કરવાની મજા પડી!
  તમને તો ટેનેસિ સ્ટેટ ટુરિઝમે ડિસ્કાઉન્ટ આપવું જોઇએ…
  મારી નાની દીકરી વ્હાઈટ રાફ્ટિંગ કરી આવી છે, આ લેખ વાંચીને મને પણ જવાનું મન થઈ આવ્યું…

  નટવર મહેતા.

 14. ખુબ સરસ વણન.મઝા આવી.

 15. nilam doshi says:

  આપણે સાથે માણેલ અને સાથે લખેલ એ સફરનેી યાત્રા ફરેી એકવાર અહેી માણવાનેી મજા માણેી. યાદો ..સુખદ યાદોનેી એ અણમોલ ક્ષણો બદલ આભાર..રેખા….

 16. Paresh says:

  It’s really an extra ordinary exp. We had been to Lake George for river rafting on Hudson river, NY during this summer (July-2008). Simply Superb !!

  Thanks for putting your exp on paper 🙂

  -Paresh

 17. Ashish Dave says:

  I was hoping for your picture Rekhaben with your friend… thrilling ride. I have done this in Disneyland but this must be scary as it is not a pre-designed ride. Thanks for sharing.

  Ashish Dave
  Sunnyvale, California

 18. jasama says:

  dear rekhaben, aa to ghanu sahas karu! amane pan vanchta dhrujari aavi jay ane sathe aanad ane janavanu maliyu. thank u. jasama.usa.

 19. palabhai muchhadia says:

  જાણે આપણે તેમનિ સાથે પ્ર્વાસ કરતા હોએ તેવિ અનુભુતિ થઇ. ખુબ આનન્દ આવ્યો.ગુગલ મેપ મા જગ્યા પણ જોઇ લિધિ.

 20. kanti gala says:

  ખુબ્જ સ્ર્સ અનુભુિત્ થ્ઈ

 21. GIRISH THAKKAR says:

  એક્ષલ્લેન્ત્

 22. HARSHAD k SARAIYA says:

  Rekhaben,
  Thankyou for verygood and informetiv article. pls give more article if you have.

 23. Fazul Chenai Y says:

  REKHABEN,
  Exposé passionnant,plein de courage et poétique
  lorsque vous évoquez le paysage magnifique.
  Merci pour votre récit admirable.
  Fazul Chenai Yavar
  Madagascar

 24. Himanshu patel says:

  અદભુત વર્નન ………..અલૌકિક જગ્યા…અમે પન મનલિ મા રિવર રફ્તિન્ગ કર્યુ હતુ. It was a thilling experience of the life and one cannot forget it for ever.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.