કેળવણી – માનવ પ્રતિષ્ઠાન

[લેખન-સંપાદન : મૃગેશ શાહ]

સાહિત્યને આપણે ‘કલમની પાંખે’ તો રોજ અનુભવીએ છીએ, પરંતુ આજે વાત કંઈક જુદી છે. આ લેખમાં સાહિત્યને આપણે ‘કેમેરાની આંખે’ અનુભવવા કોશિશ કરીશું. ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ ‘કેળવણી’ નામના પુસ્તકમાંની કેટલીક સુંદર તસ્વીરો  વડે આ અશાબ્દિક કૃતિઓનું આચમન શરૂ કરીએ તે પહેલાં આપણે આ સંસ્થાનો તેમજ તેમની પ્રવૃતિઓનો થોડો પરિચય મેળવી લઈએ.

‘માનવ પ્રતિષ્ઠાન’ એટલે શ્રીમતિ વિ.એમ.મોદી ઍજ્યુકેશનલ એન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાજ્યસ્તરે ફોટોગ્રાફી સ્પર્ધા આયોજિત કરતી ગુજરાતની પ્રથમ સંસ્થા. શ્રીમતિ વિ.એમ. મોદીની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલ આ સંસ્થાનો હેતુ ફોટોગ્રાફીના વિકાસ અને વિસ્તારનો છે. અમદાવાદમાં આવેલી આ સંસ્થાનો પાયાનો ઉદ્દેશ ફોટોગ્રાફીના માધ્યમ દ્વારા બહોળા લોકસમુદાય સુધી પહોંચવાનો તેમજ ફોટોગ્રાફીનું શિક્ષણ લોકોને આપવાનો છે. આ માટે તેઓ ફોટોગ્રાફીને લગતા વાર્તાલાપો, સ્લાઈડ શો, સ્પર્ધાઓ તથા પ્રદર્શનો યોજતા રહે છે.

પ્રતિવર્ષ જુદા જુદા વિષયોને લઈને આ સંસ્થા દ્વારા ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં ગુજરાતમાં વસતો કોઈ પણ નાગરિક વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. 2005ના વર્ષમાં આ સંસ્થા દ્વારા ‘કેળવણી’ વિષયને પસંદ કરવામાં આવ્યો હતો; જેના સંદર્ભમાં કુલ 76 જેટલા નવોદિત તસ્વીરકારોની 304 જેટલી તસ્વીરોમાંથી 10 કૃતિઓની ઈનામ માટે પસંદગી કરાઈ હતી. તે પછી તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી. ‘કેળવણી’ વિષયના સંદર્ભમાં આ સંસ્થામાં માર્ગદર્શક તેમજ નિર્ણાયક તરીકેની ફરજ બજાવતા વડોદરાના સુપ્રસિદ્ધ, ગુજરાત સરકાર દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત તેમજ આંતરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તસ્વીરકાર શ્રી સુરેશભાઈ પારેખ માને છે કે ‘શિક્ષણ એટલે કેળવણી. જે આપણને શીખવે તે શિક્ષણ. શિક્ષણની વ્યાખ્યા કોઈ નક્કી ક્રિયા કે વિધિમાં બંધાતી નથી. આકાશ જેટલો વિશાળ અર્થ ધરાવતો આ વિષય અને વિષયની અનંત વિવિધતા ધરાવતો આ શબ્દ આ તસ્વીરસ્પર્ધાનું કેન્દ્ર છે. માત્ર આકારોમાં દેખાતી સામાન્ય ક્રિયા એ કેળવણીની તસ્વીર બને એ કરતાં આકારોની પાછળ નિરાકાર રૂપે સમાયેલો હેતુ-અર્થ અને વિસ્તાર એ તસ્વીરનો આત્મા બને તો તે તસવીર વધુ જીવંત અને ઊંડાણવાળી ગણાશે. જેમ મનુષ્ય મટી મડદું જ રહી જાય છે એટલે મનુષ્યની પાયાની ઓળખાણ એમાં ન દેખાતો ‘આત્મા’ છે.’

‘કેળવણી’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે : ‘માતા બાળકના માથામાં વહાલથી હાથ ફેરવે એ પણ કેળવણી જ છે. જેના વડે મન અને બુદ્ધિનો સંચાર થાય તે કેળવણી. ભાષાને આપણે કેળવણીનું મુખ્ય સાધન માનીએ છીએ. ભાષા એટલે ? ભાષા એટલે સંવેદના. શબ્દ વગરની ભાષા એટલે મૌન. મૌન પણ મોક્ષ પ્રાપ્ત કરવાની કેળવણી જ છે ને ? કશુંક કરતાં શીખવે કે કશુંક ન કરતાં શીખવે તે બંને કેળવણી છે. કેળવણી એ ક્રિયા નહીં પ્રક્રિયા છે, અહેસાસ છે. ઠોકર દરેકને સાવચેતી નથી શીખવી શકતી… જે શીખે તેના માટે એ શિક્ષણ છે.’

વધુમાં શ્રી સુરેશભાઈ જણાવે છે કે ‘ફોટોગ્રાફી એ કંઈ ‘ફોટો પાડવાની’ પ્રક્રિયા નથી. એમાં ‘ફોટો ખેંચવાનો’ હોતો નથી. એમાં તો વ્યક્તિએ ક્ષણમાં એ સંવેદનાને અનુભવવાની હોય છે. ફોટોગ્રાફર ફોટો નથી લેતો, એ તો સંવેદનાની અનુભૂતિને એક માધ્યમથી વ્યક્ત કરે છે. ઘણા લોકો એમ કહે છે કે ફોટોગ્રાફીની કલા એ ચિત્રકલા સાથે મળતી આવે છે, પણ હકીકતે આ સાવ ખોટી વાત છે. ફોટોગ્રાફીની કલા હકીકતે કાવ્યને મળતી આવે છે. જે સંવેદના મહેસૂસ કરીને કવિ પોતાની અનુભૂતિ કલમ દ્વારા કાગળ પર ઉતારે છે; તે જ સંવેદનાને ફોટોગ્રાફર કેમેરાની આંખે અનુભવવાની કોશિશ કરે છે. ચિત્રમાં તો તમે તમને મનગમતા વાદળ દોરી શકો છો, જ્યાં ગમે ત્યાં નદીનો પ્રવાહ બતાવી શકો છો, જેવી ડિઝાઈન પસંદ હોય એવી બારી બનાવી શકો છો; ફોટોગ્રાફીમાં એમ વાત નથી. ફોટોગ્રાફીમાં તો જે દેખાય એનો સ્વીકાર કરવાનો હોય છે. એમાં ‘Choice’ હોતી નથી. એમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકતા નથી અને જો કોઈ એમાં ફેરફાર કરીને અસહજતાથી ગોઠવણપૂર્વક એનો ફોટો લેવા પ્રયાસ કરે છે… ત્યારે એ ફોટોગ્રાફ વાસ્તવમાં ફોટોગ્રાફ રહેતો જ નથી. અહીં તો કશુંક સહજ છે એને અનુભવવાની કોશિશ છે. ‘કેળવણી’ વિષયની આ સ્પર્ધામાં વિજેતા નીવડેલી એવી સહજ કૃતિઓનો આમાં સમાવેશ છે.’

સંસ્થાનો પરિચય મેળવ્યા બાદ… ચાલો, હવે માણીએ આ પુસ્તક્માંની કેટલીક ઉત્તમ કૃતિઓ. (પુસ્તકમાં વિજેતા નીવડેલા ફોટોગ્રાફ તથા જે તે ફોટોગ્રાફરનું નામ સરનામું આપવામાં આવ્યું છે. પરંતુ અહીં આપણે તેને સાહિત્યના દ્રષ્ટિકોણથી જોઈએ છે માટે પ્રત્યેક ફોટોગ્રાફ સાથે જોડાયેલી કેટલીક સંવેદનાને શબ્દોમાં ઉતારવા કોશિશ કરું છું. સ્વાભાવિક છે કે આ બાબતે દરેકની અનુભૂતિ જુદી જ રહેવાની.) કવિતાનો આસ્વાદ તો આપણે માણીએ જ છીએ, આજે માણીએ ફોટોગ્રાફીનો આસ્વાદ !

[1] તસ્વીરકાર : કૌશિક પાદરીયા, વડોદરા. [ Grand Prize Winner ]

પ્રથમ વિજેતા નીવડેલી આ કૃતિ કેળવણીનો કેવો ઉત્તમ પાઠ આપણને શીખવે છે ! આ તસ્વીર બતાવે છે કે કેળવણીની શરૂઆત તો શિશુઅવસ્થાથી જ થઈ જાય છે. હકીકતે તો કંઈ પણ નવું શીખવાની શરૂઆત એટલે જ કેળવણી ! માતાના હાથની આંગળી પકડીને ઊભું થતું બાળક ‘કેળવણી’ શબ્દના મર્મને જે રીતે ચરિતાર્થ કરે છે એવું બીજું તો કોણ કરી શકે ? બાળકના મોં પરની પ્રસન્નતા, તાલાવેલી, અદમ્ય ઉત્સાહ આપણને કેટકેટલા ભાવોમાં રસતરબોળ કરી દે છે. પિતા, શિક્ષક કે માર્ગદર્શક જ્યારે કંઈક નવું શીખવે અને બાળક ભૂલ કરે કે પડી જાય તો…. ‘એ તો પડતાં પડતાં શીખાય’ એમ કહીને થોડું ટોકે. પણ માતાને એ કેમ પાલવે ? એને માટે તો શિક્ષણ કરતાંય બાળકની સલામતી પહેલાં – એટલે જ તો એ બે આંગળીએ બાળકને બેઠું કરે છે. કદાચ એમાં એક આંગળી જો કેળવણીની હશે તો બીજી બાળક પ્રતિના વાત્સલ્યને કારણે સલામતીની ચોક્કસ હોવાની.

[2] તસ્વીરકાર : સમીર પાઠક, અમદાવાદ [પ્રકાર : વિજેતા]

કેળવણીનો એક બીજો આયામ. શિયાળાની સવારના શહેરના એક પરાંનું દ્રશ્ય. ટ્રાફિકથી રસ્તો ધમધમતો થાય એ પહેલાં યુવા માતા હાથ પકડીને પોતાની દીકરીને એના જેવી નાનકડી થેલી પકડાવીને પ્લાસ્ટિક વીણવાનું શીખવી રહી છે. આ પણ એક કેળવણી જ ને ? કોઈકના હાથમાં દફતર તો કોઈકના હાથમાં કોથળો….

[3] તસ્વીરકાર : ગૌતમ ગોહિલ, અમદાવાદ [પ્રકાર : હરિફ કૃતિઓ]

કેળવણી એટલે રમતગમતમાંથી આનંદ મેળવવાની કલા ! પતિ ઑફિસે ગયા બાદ ઘરકામ પતાવી, બાળકોને લેસન કરાવીને બપોરના સમયે પોતાના અને ફળિયાના બાળકોને કેરમ રમતા શીખવતી આ ગૃહિણી કેવા ઉત્તમ કેળવણીકારનું દ્રશ્ય આપણી નજર સમક્ષ ખડું કરે છે ! અર્થવવેદ સાચું જ કહે છે કે માતા ભૂમિની જેમ સૌ માટે વિશાળ અને વ્યાપ્ત છે. એટલે જ તો તેને લોકશિક્ષક કહી છે.

[4] તસ્વીરકાર : ભગવાનદાસ ભાવસાર, અમદાવાદ [ પ્રકાર : હરિફ કૃતિઓ]

કેળવણી એટલે પોતાના વ્યવસાયની તાલીમ. આજીવિકા રળવા માટેનું પદ્ધતિસરનું આયોજન. કંઈક નવું કરવાની દોડમાં આપણે આપણા મૂળને ભૂલી ન જઈએ તેવો બોધ આ બાળક ચાકડો ચલાવીને આપણને સૌને આપી રહ્યો છે. કશુંક આપણું કહી શકાય એવી કોઈક કલા તો આપણે ગળથૂથીમાંથી વિકસાવી જ રહી. એ કલા પછી ગમે તે હોય. માટીકામ જ કેમ ન હોય ? એમાં હાથ બગડ્યાની શરમ ન હોય, પણ પિતા જેવા મોટા થઈ ગયાની અનુભૂતિનો અહેસાસ ચોક્કસ હોય.

[5] તસ્વીરકાર : નરેશ તલસાણિયા, અમદાવાદ [પ્રકાર : હરિફ કૃતિઓ]

કેળવણી એટલે પ્રાણી માત્ર પ્રત્યે કરુણાનો ભાવ. પોતાના હક્કનો વિચાર ન કરતાં પોતાની ફરજોને સમજીને તેને જીવનમાં અગ્રીમતા આપવી. ગાયોને ઘાસ નીરવું એ ભલે સામાન્ય ઘટના કહેવાતી હોય, પરંતુ એ દ્વારા બાળકમાં કેળવતા સંસ્કાર ક્યારેક સમાજમાં તેને અસમાન્ય ઉંચાઈ પ્રદાન કરે છે. ઈશાવાસ્યની ‘તેન ત્યકેન ભૂંજીથા’ – વહેંચીને ખાવાની સમજ એનામાં વિકસે છે. બાળકનો સ્કૂલનો ગણવેશ એ વાતનું સૂચન કરે છે કે જે સ્કૂલમાં ભણાવાયું છે તેને વર્ગખંડની બહાર નીકળ્યા પછી જીવનમાં ચરિતાર્થ કરવાનું છે. આ સાથે ગૌ-સેવાનો સુક્ષ્મ અર્થ તો તસ્વીરમાં ગર્ભીત છે જ.

[6] તસ્વીરકાર : સુરેશ ખૈરે, વડોદરા [પ્રકાર : હરિફ કૃતિઓ]

અદ્યતન સુખ-સગવડ ધરાવતા ઘરોમાં ‘સ્ટડી ટેબલ’નો ટેબલ લેમ્પ બગડી જાય એમાં તો બાળકનો ભણવાનો મૂડ જતો રહે ! સાચું શિક્ષણ કોઈ દિવસ સાધનોનું મહોતાજ નથી હોતું. હૃદયનો ઉત્સાહ અને આભને આંબવાની ધગશ વિકાસ માટે પર્યાપ્ત છે. દૂરના કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાના ઘરનું એક દ્રશ્ય તસ્વીરમાં દર્શાવાયું છે. દિવસે પણ ઘરમાં અજવાળું પહોંચતું નથી. માટીની દિવાલો પર લાકડાના પાટિયા ઠોકીને માળિયા બનાવાયા છે. જૂની ડોલ અને બીજુ રાચરચીલું તેની પર ગોઠવવામાં આવ્યું છે. લાકડાના પાટિયાને તારથી બાંધીને છત બનાવવામાં આવી છે. ઓસરીમાં સૂર્યનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો છે. કોઈક રમતમાં મશગુલ છે તો કોઈક આસપાસના દશ્યો જોતાં કેમેરાના લેન્સને ટીકી રહે છે; પરંતુ જેને ક્યાંક પહોંચવાનું છે તેને સમય વેડફવો કેમ ફાવે ? એને તો લાકડાનો ખંભો એ જ ‘રિવોલ્વિંગ ચૅર’ અને ખોળામાં મૂકેલ લાકડાનું પાટિયું એ જ ‘સ્ટડી ટેબલ’ !

[7] તસ્વીરકાર : વ્રજ મિસ્ત્રી, અમદાવાદ [પ્રકાર : આમંત્રિત કૃતિઓ]

કેળવણી એટલે કલાકો-દિવસો સુધી કશામાં લીન થઈ જવું તે ! એથી જ તો શિલ્પકલા પ્રાચીનકાળથી આપણે ત્યાં અદ્વિતિય સ્થાન પામી છે. કશુંક નવસર્જન કરવા માટે તલ્લીન થઈ જનારા આ સુશિક્ષિત શિલ્પીને કોઈ ડિગ્રીની આવશ્યકતા ખરી ? પથ્થરમાંથી પરમેશ્વરને સર્જનારો આ કલાકાર મહિનાઓના અંતે તૈયાર કરેલી શિલ્પકૃતિ જોઈને કેવો અદમ્ય આનંદ અનુભવતો હશે ?

[8] તસ્વીરકાર : વિવેક દેસાઈ, અમદાવાદ [પ્રકાર : આમંત્રિત કૃતિઓ]

કેળવણીના અભાવમાં કેવા દ્રશ્યો સર્જાય તેનું આ વરવું વાસ્તવિક દ્રશ્ય છે. લોકલ ટ્રેનના લેડિઝ ડબ્બામાં સૌ ધક્કામુક્કી કરી રહ્યા છે. પુરુષો તેમાં પોતાની પત્નીને સહયોગ કરી રહ્યા છે. છેક ત્યાં સુધી કે ‘ઈમર્જન્સી એક્ઝિટ’નો ઉપયોગ બહાર નીકળવા માટે નહીં પણ અંદર જવા માટે થાય છે ! અરાજકતા અને અસ્તવ્યસ્તતા કેળવણીની ખામી સૂચવે છે. અદબવાળીને મોં પર આંગળી મૂકીને વર્ગખંડમાં પ્રવેશતું બાળક, મોટું થઈને શિસ્ત અને સભ્યતાને કેમ ભૂલી જતું હશે ?

[9] તસ્વીરકાર : અસિત પટેલ, આણંદ [પ્રકાર : હરિફ કૃતિઓ]

જીવનમાં કંઈક નવું શીખવાને ઉંમર સાથે કોઈ સંબધ નથી હોતો. વાળ ધોળા થયા તો શું થઈ ગયું ? આંખોએ નંબર વધ્યા તોય શું ? પતિ સ્વર્ગે સીધાવ્યા પછી પોતે એકલા રહીને આયખું વિતાવવાનું હોય તો પછી શા માટે નિરાશામાં જીવવું ? ભલે પોતાના ઘરે અખબાર બંધાવવાની સ્થિતિ ન હોય, પણ જાહેર પુસ્તકાલયો તો છે જ ને ? જેને કંઈક નવું શીખવું છે તેને ક્યાં કોઈ અડચણો નડે છે !

[10] તસ્વીરકાર : રાજેશ પટેલ, પંચમહાલ [પ્રકાર : હરિફ કૃતિઓ]

આપણે અગાઉ જોયું કે માતા જેવો લોકશિક્ષક બીજો કોઈ નથી. એના બંને હાથોમાં બાળકની સલામતી અને વિકાસનું વિરાટ દર્શન છે. ગોવર્ધનધારણ કરેલા ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ વાત્સલ્યભાવથી પ્રેરાઈને વ્રજના ગોપ-ગોપીઓ જેમ પોતાની લાકડીનો ટેકો આપીને ગિરિરાજધારી કનૈયાનો ભાર હળવો કરવા કોશિશ કરે છે, તેમ વાત્સલ્યભાવથી પ્રેરાઈને માતા ચાલણગાડીના ટેકાનો વિશ્વાસ કરી શકતી નથી. અંતે તો કેળવણીની પ્રથમ અને અંતિમ જનેતા તો કેવળ માતા જ છે ને !

[નોંધ : ‘કેળવણી’ બાદ ‘ઘડપણ’ વિષયને ધ્યાનમાં લઈને આવા જ સુંદર ચિત્રોનું સંકલન પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ બન્યું છે; જેમાંથી કેટલીક કૃતિઓ ફરી કોઈવાર આપણે રીડગુજરાતી પર માણીશું.  આ લેખ બાબતે આપના પ્રતિભાવો તેમજ આ બંને પુસ્તકો મેળવવા માટે શ્રી સુરેશભાઈ પારેખનો આપ +91 9428301901 પર સંપર્ક કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા આ વર્ષે ‘નારી’ વિષયને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફ સ્વીકારવાના ચાલુ છે. ફેબ્રુઆરી-2009 સુધીમાં તમામ સ્પર્ધકોએ પોતાની કૃતિ મોકલવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે આ સરનામે સંપર્ક કરવો : ‘માનવ પ્રતિષ્ઠાન’, ‘આશુતોષ’ એ-2, જયમીન અપાર્ટમેન્ટ્સ, કીર્તિમંદિર સોસાયટીની સામે, ચંદ્રનગર બસ સ્ટોપ પાસે, પાલડી, અમદાવાદ-380007. ફોન : +91 79 26639045.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ
પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર Next »   

29 પ્રતિભાવો : કેળવણી – માનવ પ્રતિષ્ઠાન

 1. કલ્પેશ says:

  કેમેરાની આંખે કેળવણી.
  લોકો શિક્ષિત હોવા છતા આવુ વર્તન કરે છે એનુ કારણ કદાચ આપણો પોતાના વર્તન પર પ્રભાવ નથી.

  દા.ત. આ ધક્કામુક્કીમા ૧૦૦ જણા હોય અને બેસવા માટે બધાને જગ્યા જોઇતી હોય ત્યારે પોતાની કેળવણી દેખાઈ આવે છે. મોટેભાગે આપણે ટોળાની જેમ વર્તી છીએ. લોકો ધકકા મારે તો આપણે પણ એવા થઇ જઇએ છીએ. લોકો એકબીજાને બેઠક આપતા થાય તો?

  શુ આપણે ભારતમા રહીને (જ્યા બીજા હજારો ઊંધુ વર્તન કરતા હોય) ત્યા આપણે જે યોગ્ય હોય એમ ન વર્તી શકીએ?

  લોકો જેમેતેમ થૂંકતા હોય, કચરો કરતા હોય અને આપણે એમ ન કરીએ તો?

  એક વાર્તાઃ (અડધી સદીની વાંચનયાત્રામાથી)
  લેખક જાપાનની મુસાફરીએ જાય છે અને ટ્રેનમા પ્રવાસ કરે છે. બધા પ્રવાસીઓ ઊભા છે અને એક જગ્યા ખાલી છે. કોઇ બેસવાનો પ્રયત્ન નથી કરતુ. લેખક સહપ્રવાસીને કહે છે – કેમ આ જગ્યા પર કોઇ બેસતુ નથી.

  સહપ્રવાસી કહે છે, “પહેલા બીજા પછી આપણે” એમ અમે માનીએ છીએ એટલે જેને વધારે જરુર હોય તે બેસી શકે.

 2. કલ્પેશ says:

  માણસની જેમ વર્તવુ એ અમૅરિકા કે જાપાનનો ઇજારો નથી.
  નવાઇની વાત એ છે કે આટલા ધર્મપ્રિય દેશમા આવુ વર્તન કેમ?

 3. માનવ પ્રતિષ્ઠાનનું પ્રશંસનિય કાર્ય. એક એક ફોટોગ્રાફ કેટલું બધુ કહી જાય છે. જરૂર છે માત્ર તે સમજવાની દ્રષ્ટિની અને આ દ્રષ્ટિને વિકસાવવી તે પણ એક પ્રકારની કેળવણી જ છે ને.

 4. સુંદર પ્રવૃત્તિ … કેળવણીને લગતી વાતો પણ એટલી જ મજાની અને અર્થસભર …

 5. Maitri Jhaveri says:

  Thank You Mrugesh bhai..
  મને પણ ફોટોગ્રાફી નો બહુ શોખ ચ્હે. પણ ક્યારેય કોઇ competition મા ભાગ લીધો નથી, I will try in this- 1st attempt… 🙂

 6. nayan panchal says:

  સરસ.

  સુંદર વિચાર અને સુંદર ફોટોગ્રાફ્સ. ખરેખર, એક ફોટો હજાર શબ્દ બરાબર હોય છે.

  ફોટોગ્રાફી એક એવુ સાધન છે કે જેનાથી આપણે ક્ષણને પકડી લઈએ છીએ તેને વારંવાર માણવા માટે.

  મૃગેશભાઈ,

  ફોટોગ્રાફ્સ મોકલવા માટે કોઈ ઈ-મેઈલ એડ્રેસ આપો તો સારું, જેથી સોફ્ટ કોપી પણ મોકલી શકાય.

  નયન

 7. Soham says:

  કલ્પશ ભાઇ,
  આપણે ધર્મપ્રિય કરતા ધર્મભીરુ પ્રજા કહેવાયીયે.. કેમ કે ધર્મપ્રિય પ્રજા ને કદિ કહેવાની જરુર ન પડે કે તમે આમ કરો કે તેમ કરો. નહિ તો આટ્લા કોમી તોફનો આ દેશ મા ન થયા હોત્….

  વેલ. જે હોય તે.. બહુ સુંદર લેખ….

  સોહમ્….

 8. maurvi pandya vasavada says:

  All the snaps a meaningful and impressive….Prize winners deserv that.
  But i would like to give special compliment to shri Asit Patel…..Generally we find any male person standing at library counter and reading newspaper…but this Dadiji……Gr8…i must say Gr8 Timing!!!

 9. ભાવના શુક્લ says:

  કઈક નવુ! વાચવુ અને માણવુ ગમ્યુ. શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરેલી આથી કેળવણી એ પ્રિય વિષય હોય તે સ્વાભાવિક હતુ.. પરંતુ અહી કેળવણી મા માદ્યમોની વિવિધતા અને વિશાળતા તેની સમજ સાથે માણીને ખરે જ કઈક નવુ માણ્યુ હોય તેમ લાગે છે.

 10. swati shah says:

  રીડ ગુજરાતી માં અનેક લેખ વાંચ્યા ,આવા ફોટોગ્રાફી ને લગતા લેખ વાંચવા ની પણ મજા આવી.ફોટોગ્રાફી અને સાહિત્યના સંગમ ની પણ મજા અનેરી છે.. બસ આવા લેખ આવતા રહે તેવી આશા અને શુભકામના.માનવ પ્રતિષ્ઠાનનું પ્રશંસનિય કામ છે…
  અભિનંદન…

 11. Yogendra K.Jani says:

  Perhaps Photography is the best media for an education proved by this

  article. Thanks Mrugeshbhai for the content.

  Yogendra jani/Newyork.

 12. pragnaju says:

  ખૂબ સુંદર વિચાર
  ઘણું જાણવાનું મળ્યું
  હવેથી આવા ફોટા પાડવા પ્રયત્ન કરશું
  ધન્યવાદ્

 13. Rekha Sindhal says:

  માહિતિ સભર લેખ . કલા અને કેળવણેીનો સઁગમ. આભાર મૃગેશભાઈ.

 14. Gayatri Vaidya says:

  અત્યન્ત સુન્દર. ફોટોગ્રાફી ના માધ્યમ ને કલા ના માધ્યમ તરિકે વાચા આપતા આવા લેખો થિ ગુજરાતિ વાચકો સામાન્ય રિતે વન્ચિત રહેતા જોવા મલ્યા છે…. ખુબ જ ગમ્યુ….

  અભિનંદન…

 15. Ashish Dave says:

  કેળવણી – Teachers open the door but we have to enter in it ourselves. All pictures are thought provoking but I liked # 2 and # 9 the most.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.