પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર

[‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ (સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે છાતીમતલાના પરિસરમાં 1891માં બાંધેલ કાચના કમનીય ઉપાસના-મંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ મંદિરની નિકટ શાલવીથિને છેડે આવેલા આવાસ ‘દહેલી’ની અગાસીમાં ધ્યાનસ્થ કવિની ચેતનામાં તે દિવસોમાં ગીતાંજલિપર્વનાં ગીતોનું પણ અવતરણ થયું. આ પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી સ્વયં રવીન્દ્રનાથે સંપાદિત કરેલાં. ગુજરાતીમાં નગીનદાસ પારેખે એ જ નામથી ત્રણ ભાગમાં એનો અનુવાદ કરેલો. અહીં એ ત્રણ ગુજરાતી ગ્રંથોમાંથી પસંદ કરીને પ્રવચનો આપ્યાં છે. ઉપનિષદની વાણી સાથે વિશ્વકવિ રવીન્દ્રનાથનું દર્શન અદ્દભુત રીતે વણાયેલું છે. દાર્શનિક વિચારોનું અહીં પ્રકૃતિ સાથે અનેક વાર એવું સામંજસ્ય રચાય છે કે ગીતાંજલિની ગાનસૃષ્ટિનું ગુંજન અનુભવાય. પ્રવચનો અપાયાના એક સૈકા પછી કવિ-દાર્શનિકના સ્વરની જીવંતતા ભાવક એવી રીતે અનુભવે છે કે આજે સવાર સવારમાં જ એ જાણે સાંભળી રહ્યો ન હોય ! – પ્રકાશક]

[1] અંતર અને બહાર (3જી ફાલ્ગુન, સંવત 1365.)

આપણે માણસ છીએ, માણસો વચ્ચે જન્મેલા છીએ. એ માણસો સાથે વિવિધ પ્રકારે મળવા માટે અને તેઓ સાથે નાનાવિધ જરૂરિયાતો અને આનંદની આપ-લે ચલાવવા માટે આપણામાં અનેક વૃત્તિઓ રહેલી હોય છે. આપણે જ્યારે માનવવસ્તીમાં રહેતા હોઈએ છીએ ત્યારે માણસના સંસર્ગથી ઉત્તેજિત થઈને તે બધી વૃત્તિઓ જુદીજુદી દિશામાં જુદી જુદી રીતે પોતાને કામે લગાડે છે. કેટકેટલા હળવા-મળવામાં, કેટકેટલા હાસ્યાલાપમાં, કેટકેટલાં આમંત્રણનિમંત્રણમાં અને કેટકેટલી રમતગમતોમાં એ વૃત્તિ પોતાને વ્યાપૃત કરે છે એનો કંઈ પાર નથી હોતો. માણસ પ્રત્યેના માણસના સ્વાભાવિક પ્રેમને કારણે જ આપણી આ બધી પ્રવૃત્તિ અને ઉદ્યમ પ્રગટ થતાં હોય છે એમ નથી હોતું. સામાજિક માણસ અને પ્રેમિક માણસ એક જ નથી હોતો – ઘણી વખત એથી ઊલટું જ જોવા મળે છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે સામાજિક વ્યક્તિના મનમાં ઊંડા પ્રેમને કે દયાને સ્થાન નથી હોતું.

સમાજ આપણને રોકાયેલા રાખે છે; – જાતજાતના સામાજિક પરિચયો, સામાજિક કાર્યો અને સામાજિક આમોદપ્રમોદ ઊભાં કરી આપણા મનના ઉદ્યમને ખેંચી લે છે. એ ઉદ્યમને ક્યા કામમાં લગાડી કેવી રીતે મનને શાંત કરીશું એ વાતનો વિચાર જ કરવો પડતો નથી – સામાજિક ફરજોનાં જાતજાતનાં કૃત્રિમ નાળાંમાં થઈને તે આપોઆપ વહી જાય છે. જે માણસ છૂટા હાથનો હોય છે તે લોકોનાં દુ:ખ દૂર કરવા માટે દાન કરીને પોતે ખાલી થઈ જાય છે એમ નથી હોતું – ખર્ચ કરવાની વૃત્તિને તે રોકી શકતો નથી હોતો. જાતજાતનાં ખર્ચ કરવામાં જ તેને મુક્તિ અને રમતનો આનંદ મળતો હોય છે.

સમાજમાં આપણી સામાજિકતા મોટે ભાગે એ રીતે જ પોતાની શક્તિ ખર્ચતી હોય છે. એની પાછળ સમાજના લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી હોતો પણ પોતાને ખર્ચી નાખવાની વૃત્તિ જ હોય છે. એ વૃત્તિ ધીમે ધીમે કેવી પાર વગરની વધી જાય છે તે યુરોપમાં જેઓ સમાજવિલાસી છે તેમના જીવનમાં જોવા મળે છે. સવારથી રાત સુધી તેમને ફુરસદ હોતી નથી – ઉત્તેજના પછી ઉત્તેજનાની વ્યવસ્થા ચાલુ જ હોય છે. ક્યાંક શિકાર, ક્યાંક નાચ, ક્યાંક રમત, ક્યાંક ભોજન, ક્યાંક ઘોડાદોડ – એમ ને એમ તેઓ ગાંડાની માફક દોડતા હોય છે. તેમનું જીવન કોઈ ધ્યેય નક્કી કરી કોઈ ચોક્કસ માર્ગે ચાલતું નથી હોતું, પણ દિવસના દિવસ અને રાતની રાત ઘેલછાના કૂંડાળામાં ફર્યા કરે છે. આપણી જીવનશક્તિમાં એટલો બધો વેગ નથી એટલે આપણે એટલે સુધી જતા નથી પરંતુ આપણે પણ આખો દહાડો પ્રમાણમાં કંઈક મૃદુ ભાવે સામાજિક બાંધેલે રસ્તે કેવળ મનની શક્તિ ખર્ચવા ખાતર જ ખર્ચીએ છીએ. મનને મોકળું કરવાનો, શક્તિને કામે લગાડવાનો બીજો કોઈ રસ્તો આપણે જાણતા નથી.

દાનમાં અને ખર્ચમાં ઘણો ભેદ છે. આપણે માણસને માટે જે દાન કરીએ છીએ તે એક તરફ ખર્ચાઈને બીજી તરફ મંગલથી ભરાઈ જાય છે. પરંતુ માણસો વચ્ચે જે ખર્ચીએ છીએ તે કેવળ ખર્ચાઈ જ જાય છે. એને લીધે આપણું ગભીરતર ચિત્ત સતત ખાલી થતું રહે છે, ભરાતું નથી, એવું જોવા મળે છે. તેની શક્તિ હાસ પામે છે, તેને થાક લાગે છે, તેને અવસાદ ચડે છે – પોતાની રિક્તતા અને વ્યર્થતાના ડંખને ભુલાવવાને માટે આખો વખત તેણે નવી નવી કૃત્રિમ વસ્તુઓ ઊભી કરતા રહેવું પડે છે – ક્યાંય થોભવા જતાં જ તેના પ્રાણ નીકળી જાય છે.

એટલા માટે જેઓ સાધક હોય છે, પરમાર્થ-લાભને માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવાની જેમને જરૂર હોય છે, તેઓ ઘણી વાર પહાડ પર્વત ઉપર એકાન્તમાં લોકવસ્તીથી દૂર ચાલ્યા જાય છે. શક્તિના નિરંતર અઢળક અપવ્યયને તેઓ રોકવા માગતા હોય છે. પરંતુ બહાર આ નિર્જનતા અને પર્વતગુફા ક્યાં શોધ્યા કરીશું ? એ કંઈ દર વખતે મળતાં નથી. અને માણસનો એકદમ ત્યાગ કરીને ચાલ્યા જવું એ પણ માણસનો ધર્મ નથી. આ નિર્જનતા, આ પર્વતગુફા, આ સમુદ્રતીર આપણી પાસે જ છે – આપણા અંતરમાં જ છે. એ જો આપણા અંતરમાં ન હોય તો નિર્જનતામાં, પર્વતગુફામાં કે સમુદ્રતીરે આપણે તેને પામી શકત નહિ. અંતરમાં રહેલા એ એકાંત આશ્રમ સાથે આપણે પરિચય સાધવો પડશે. આપણે બહારને અત્યંત વધારે પડતું ઓળખીએ છીએ, અંતરમાં આપણી અવરજવર લગભગ નથી જ જેવી, એટલા માટે જ આપણા જીવનની સમતુલા નાશ પામી છે. અર્થાત આપણે પોતાની બધી શક્તિને બહાર જ રાતદિવસ ખર્ચી નાખીને દેવાળિયા થઈ જઈએ છીએ – બહારનો સંબંધ છોડી દેવો એ જ એનો ઉપાય નથી, કારણ, માણસને માણસને છોડીને ચાલ્યા જવાનું કહેવું એ રોગ કરતાં ઉપચાર ભારે બતાવવા જેવું થાય. એનો સાચો ઉપાય અંદરની બાજુએ પણ પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અંતરમાં અને બહાર પોતાનું સામંજસ્ય સ્થાપવું એ છે. એમ થાય તો જ જીવન સહેજે પોતાને ગાંડા અપવ્યયમાંથી બચાવી શકે.

નહિ તો હું કેટલાક એવા ધર્મલોભી માણસોને જોઉં છું જેઓ પોતાની વાણીને, હાસ્યને, ઉદ્યમને સતત ગજ હાથમાં લઈને હિસાબી કંજૂસની પેઠે ઘટાડી રહ્યા છે. તેઓ પોતાના પ્રાપ્યનો હિસ્સો બને એટલો ઓછો કરી નાખીને પોતાના મનુષ્યત્વને સતત શુષ્ક, કૃશ અને આનંદહીન બનાવી દેવું એને જ સિદ્ધિનું લક્ષણ માને છે. પણ એમ કર્યે ચાલશે નહિ. બીજું ગમે તેમ હોય માણસે સંપૂર્ણ સહજ થવું પડશે, ઉદ્દામપણે બેહિસાબ થઈ જાય તોયે નહિ ચાલે, તેમ કંજૂસાઈપૂર્વક હિસાબી બની જાય તોયે નહિ ચાલે. આ વચલા માર્ગે રહેવાનો ઉપાય એ છે કે, બહારની લોકવસ્તી વચ્ચે રહેવા છતાં અંતરમાંના એકાંત ભવનમાં પોતાની પ્રતિષ્ઠા સાચવી રાખવી. બહાર જ આપણું એકમાત્ર નથી, અંતરમાં જ આપણો મૂળ આશ્રય છે એ વસ્તુનો વારંવાર બધા વાર્તાલાપોમાં, આનંદપ્રમોદમાં, કામકાજમાં અનુભવ કરવો પડશે. એ એકાંત ભીતરના રસ્તાને એવો સરળ બનાવી દેવો પડશે કે જ્યારે ત્યારે કામકાજની ધમાલમાં પણ ચટ દઈને ત્યાં જરા આંટો મારી આવવામાં લગારે મુશ્કેલી ન પડે.

એ આપણી અંદરનો ઓરડો, આપણા લોકોથી ભરેલા, ઘોંઘાટથી ગાજતા કામના ક્ષેત્રની વચમાં એક પ્રકારના અવકાશને સર્વદા ધારણ કરીને, વીંટીને રહેલો છે, એ અવકાશ કંઈ કેવળ શૂન્યતા નથી. તે સ્નેહથી, પ્રેમથી, આનંદથી, કલ્યાણથી ભરેલો છે. એ અવકાશ એ જ જેના વડે ઉપનિષદ જગતના સર્વ કંઈને છવાયેલું જોવા ઈચ્છે છે તે ‘ईशावास्यमिदं सर्वं यत्किच जगत्यां जगत ।’ બધાં કાર્યોને વીંટીને, સર્વત્ર એક પરિપૂર્ણ અવકાશ રહેલો છે; એ પરસ્પરનો યોગ સાધે છે, અને પરસ્પરની અથડામણ નિવારે છે. એનું જ એકાંત ચિત્તની અંદર નિર્જન અવકાશરૂપે નિરંતર અનુભવવાની ટેવ પાડો, શાંતિ મંગલ અને પ્રેમથી નિબિડ રૂપે પરિપૂર્ણ અવકાશ રૂપે તેને હૃદયમાં સદાસર્વદા અનુભવો. જ્યારે તમે હસો છો, કામ કરો છો, ત્યારે પણ ત્યાં જતાં કંઈ અડચણ ન આવે એમ કરો – બહારની તરફ જ એકદમ ઢળી પડી પોતાનું બધું જ પૂરેપૂરું ખાલવી ન દેશો. અંતરમાં એ પ્રગાઢ અમૃતમય અવકાશનો અનુભવ કરતા રહેશો તો જ સંસાર સંકટમય નહિ બની જાય, વિષયનું વિષ જમા થવા નહિ પામે – વાયુ દૂષિત નહિ થાય, પ્રકાશ મલિન નહિ થાય, તાપથી આખું મન તપી નહિ ઊઠે.

ભાવો તારે અંતરે જે વિરાજે
અન્ય કથા છોડો ના
સંસાર સંકટે ત્રાણ નાહિ
કોનોમતે વિના તાર સાધના

(જે અંતરમાં વિરાજે છે તેનું ધ્યાન ધરો, બીજી વાત છોડો ને. તેમની સાધના વગર સંસારસંકટમાંથી કોઈ પણ ઉપાયે ઉગારો નથી.)

[2] તીર્થ (4થી ફાલ્ગુન, સંવત 1315.)

આજે ફરી કહું છું – જે અંતરમાં વિરાજે છે તેમનું ધ્યાન કરો આ વાત રોજ રોજ કહેવાની જરૂર છે. આપણા અંતરમાં જ આપણો શાશ્વત આશ્રય રહેલો છે એ વાત કહેવાની જરૂર ક્યારે પૂરી થશે ? શબ્દો જૂના થઈને ફિક્કા પડી જાય છે, તેની અંદરનો અર્થ ધીમે ધીમે આપણી આગળ જીર્ણ થઈ જાય છે, ત્યારે તેને આપણે અનાવશ્યક માની છોડી દઈએ છીએ. પરંતુ જરૂર દૂર ક્યાં થાય છે ?

સંસારમાં આ બહાર જ આપણને સુપરિચિત છે, એટલે બહારને જ આપણું મન એકમાત્ર આશ્રય માને છે. આપણા અંતરમાં જે અનંત જગત આપણી સાથે સાથે ફરે છે તે જાણે આપણે માટે બિલકુલ છે જ નહિ. જો તેની સાથે આપણો પરિચય ખાસ્સો સુસ્પષ્ટ હોત તો બહારનું એકાધિપત્ય આપણે માટે આટલું ઉત્કટ ન થઈ પડત; તો બહાર સહેજ નુકશાન થતાવેંત તેને એવું ભારે નુકશાન માની ન લેત; અને બહારના નિયમને જ અંતિમ નિયમ માની લઈને તેને અનુસરીને ચાલવું એ જ એકમાત્ર ગતિ છે એવું આપણે ન ઠરાવત. આજે આપણો માનદંડ, તુલાદંડ અને કસોટી બધું જ બહાર છે. લોકો શું કહેશે, લોકો શું કરશે એને આધારે જ આપણું ભલુંબૂરું નક્કી કરીને આપણે બેઠા છીએ – એટલે લોકોના શબ્દો આપણા મર્મમાં વાગે છે, લોકોનું કામ આપણને આટઆટલા વિચલિત કરે છે, લોકભય આવો ભારે ભય અને લોકલજ્જા આવી ભયંકર લજ્જા થઈ પડે છે. એટલે લોકો જ્યારે આપણો ત્યાગ કરે છે ત્યારે આપણને લાગે છે કે જાણે જગતમાં આપણું કોઈ નથી. ત્યારે આપણે એવું કહેવાની હિંમત કરી શકતા નથી કે –

સબાઈ છેડેછે નાઈ જાર કેહ,
તુમિ આછ તાર, આછે તવ સ્નેહ,
નિરાશ્રય જન પથ જાર ગેહ
સેઓ આછે તવ ભવને.

(જેનો બધાએ ત્યાગ કરેલો છે, જેનું કોઈ નથી, તેનો તું છે, તેને માટે તારો સ્નેહ છે, જે માણસ નિરાશ્રય છે, રસ્તો એ જ જેનું ઘર છે તે પણ તારા ભવનમાં છે.) સૌએ જેનો ત્યાગ કર્યો છે તેના આત્મામાં તે એક ક્ષણ માટે પણ પરિત્યક્ત નથી; રસ્તો જ જેનું ઘર છે તેના અંતરનો આશ્રય કોઈ મહાશક્તિશાળી અત્યાચારી પણ એક ક્ષણ માટે ઝૂંટવી લઈ શકે એમ નથી; અંતર્યામી આગળ જે માણસે કશો અપરાધ કર્યો નથી તેને બહારના માણસો જેલમાં પૂરીને કે ફાંસીએ ચડાવીને કોઈ પણ રીતે સજા કરી શકતા નથી.

અરાજક રાજ્યની પ્રજાની પેઠે આપણે સંસારમાં રહીએ છીએ, આપણું કોઈ રક્ષણ કરનાર નથી, આપણે બહાર પડી રહ્યા છીએ, આપણી જુદી જુદી શક્તિઓને જુદીજુદી બાજુએથી ગમે તે ખૂંચવી લે છે, વિના કારણ કેટલી બધી લૂંટફાટ થઈ જાય છે એનું કંઈ ઠેકાણું નથી. જેનાં હથિયાર સજાવેલાં છે તે આપણા મર્મને વીંધી નાંખે છે. જેની શક્તિ વધારે છે તે આપણને પોતાના પગ તળે રાખે છે. સુખસમૃદ્ધિને માટે, આત્મરક્ષાને માટે, આપણે બારણે બારણે અનેક લોકોનું શરણું લઈને ફરીએ છીએ. જરા ખબર સુદ્ધાં રાખતા નથી કે અંતરાત્માના અચલ સિંહાસન ઉપર આપણા રાજા બેઠેલા છે. એ ખબર નથી માટે જ તો બધા વિચારનો ભાર બહારના લોકો ઉપર નાખીને બેઠા છીએ, અને હું પણ બીજા માણસોનો બહારથી વિચાર કરું છું. કોઈને સાચી રીતે ક્ષમા અને કાયમનો પ્રેમ કરી શકતો નથી, મંગલ-ઈચ્છા સતત સંકીર્ણ અને નિષ્ફળ બની જાય છે.

જ્યાં સુધી એ સત્યને, એ મંગલને, એ પ્રેમને સંપૂર્ણ સહજ ભાવે ન પામીએ ત્યાં સુધી રોજ રોજ કહેવું પડશે – અંતરમાં જે વિરાજે છે તેનું ધ્યાન ધરો. પોતાના અંતરાત્મામાં એ સત્યને યથાર્થ ભાવે ન અનુભવી શકીએ તો બીજામાં પણ એ સત્યને નહિ જોઈ શકીએ અને બીજાની સાથે આપણો સાચો સંબંધ સ્થપાશે નહિ. જ્યારે આપણે જાણીશું કે પરમાત્મામાં હું રહેલો છું અને મારામાં પરમાત્મા રહેલા છે ત્યારે બીજા તરફ જોતાં ચોક્કસ આપણે જોઈ શકીશું કે તે પણ પરમાત્મામાં રહેલો છે અને પરમાત્મા તેનામાં રહેલા છે – ત્યાર પછી તેના પ્રત્યે ક્ષમા, પ્રીતિ, સહિષ્ણુતા રાખવી મારે માટે સહજ થઈ જશે. પછી સંયમ કેવળ બહારના નિયમોનું પાલન નહિ રહે. જ્યાં સુધી એમ ન થાય, જ્યાં સુધી બહાર જ આપણે મન એકમાત્ર મહત્વની વસ્તુ બની રહે, જ્યાં સુધી બહાર જ બીજા બધાને બિલકુલ ઢાંકી દઈને ઊભું રહી સમસ્ત અવકાશને રૂંધી નાખે છે – ત્યાં સુધી સતત કહેવું જ પડશે –

ભાવો તારે અંતરે જે વિરાજે,
અન્ય કથા છોડો ના
સંસાર સંકટે ત્રાણ નાહિ
કોનોમતે વિના તાર સાધના

કારણ કે સંસારને એકમાત્ર માનીએ એટલે જ સંસાર સંકટમય બની જાય છે – ત્યારે જ તે અરાજ અનાથને કબજે લઈ લે છે અને તેનો સર્વનાશ કરે છે ત્યારે છોડે છે.

પ્રતિદિન આવો, અંતરમાં આવો. ત્યાંનો બધો કોલાહલ શમી જાઓ, કોઈ આઘાત ન પહોંચો, કોઈ મલિનતા ન સ્પર્શો. ત્યાં ક્રોધને પોષશો નહિ, ક્ષોભને ઉત્તેજન આપશો નહિ, વાસનાઓને પવન નાખી ભડભડાવી મૂકશો નહિ, કારણ કે એ જ તમારું તીર્થ છે, એ જ તમારું દેવમંદિર છે. ત્યાં જો સહેજ એકાંત ન રહે તો જગતમાં ક્યાંય એકાંત મળશે નહિ, ત્યાં જો કલુષને પોષ્યું તો જગતમાં બધા પુણ્યસ્થાનના દરવાજા તમારે માટે બંધ થઈ જશે. આવો, એ અક્ષુબ્ધ નિર્મલ અંતરમાં આવો, એ અનન્તના સિંધુતીરે આવો. એ અત્યુચ્ચના ગિરિશિખર ઉપર આવો. ત્યાં હાથ જોડીને ઊભા રહો, ત્યાં નીચા નમીને નમસ્કાર કરો. એ સિંધુના ઉદાર જલરાશિમાંથી, એ ગિરિશૃંગની નિત્ય વહેતી નિર્ઝરધારામાંથી, પુણ્યસલિલ પ્રતિદિન ઉપાસનાને અંતે વહી લઈ જઈને તમારા બહારના સંસાર ઉપર છાંટી દેજો; બધાં પાપ ચાલ્યા જશે, બધા દાહ શમી જશે.

[કુલ પાન : 204. કિંમત : રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે. અમદાવાદ-380009 ફોન : 91-79-26587947 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેળવણી – માનવ પ્રતિષ્ઠાન
પ્રેરણાની પળોમાં – કાન્તિ ભટ્ટ Next »   

13 પ્રતિભાવો : પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર

 1. સુંદર પ્રવચનો – કવિવરને સાંભળવાનુ શરું કરીએ અને તેમના શબ્દો સાથે એક વાર સુરતા સધાઈ જાય પછી બસ એમ જ થાય કે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ.

  અંતર અને બહાર તથા તીર્થ રુપી બે સુંદર પ્રવચનો કે જે આપણને ફરી પાછા આપણા આંતર મનમાં ઝાંખવા પ્રેરે.

  આ અંતરમાં પ્રવેશવાનું એક નાનકડું તીર્થ સ્થાપવાનો હું પ્રયાસ કરી રહ્યો છું અને ક્યારેક આપને અનુકુળતા હોય તો અમારા આ નાનકડા તીર્થમાં પણ આપ આપના પુનિત ચરણો પાડશો તેવી અભિલાષા સેવું છુ. તો આ તિર્થ ઉપર આવવાની પગદંડીનું સરનામું નોંધી લેશો.

  http://bhajanamrutwani.wordpress.com/

 2. nayan panchal says:

  વિચારવાલાયક અને શાંતિથી વાગોળવા લાયક લેખ.

  “આપણે બહારને અત્યંત વધારે પડતું ઓળખીએ છીએ, અંતરમાં આપણી અવરજવર લગભગ નથી જ જેવી, એટલા માટે જ આપણા જીવનની સમતુલા નાશ પામી છે.”

  નયન

 3. pragnaju says:

  રવીન્દ્રનાથ ઠાકુરના પ્રવચનો વારંવાર ચિંતન મનન કરવા જેવા
  દરેક વખતે નવું સમજાય -વિશેષ આનંદ થાય્

 4. Ashish Dave says:

  Height of spirituality.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.