પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે મોતી’, ‘પાંદડે પાંદડે જ્યોતિ’ બાદ તે ક્રમમાં ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક ‘પાંદડે પાંદડે દીવા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કર્તવ્યપાલન

અત્યારે આપણે ત્યાં મનોરંજન માટે સિનેમા, ટીવી, રેડિયો વગેરે સાધનો આવી ગયાં છે. મનોરંજનનાં એ માધ્યમો નહોતાં ત્યારે ભવાઈના ખેલ, નાટક, માણભટ્ટની કથાઓ વગેરેથી લોકો મનોરંજન મેળવતા. મોટાં શહેરોમાં નાટકની મોટી કંપનીઓ હતી, જ્યારે નાનાં ગામડાંઓમાં નાની નાની નટમંડળીઓ ફરતી. એ નટમંડળીઓ ગામ પાસેથી સીધું ઉઘરાવતી કે ટિકિટની રકમ તરીકે પ્રેક્ષકો પાસેથી બે-ચાર આના લેતી. ધીમે ધીમે આ નટમંડળીઓ ઘસાતી જતી હતી.

એક નટમંડળી ત્રણ-ચાર દિવસથી એક નાના ગામડામાં નાટકો કરતી હતી. રોજેરોજ પ્રેક્ષકોની સંખ્યા ઘટતી જતી હતી. મોંઘવારીને કારણે લોકોને નાટક પાછળ પૈસા ખર્ચવાનું પોસાતું નહોતું. એક સાંજે માંડ દસ-બાર પ્રેક્ષકોએ ટિકિટ ખરીદી હતી. નટમંડળીના મુખ્ય માણસો ભેગા થયા. મુખ્ય સંચાલકે કહ્યું, ‘આટલા ઓછા પ્રેક્ષકો સામે નાટક ભજવવાનો કોઈ અર્થ નથી. આપણી મહેનત નકામી જાય અને ખાસ આવક તો થાય નહીં’ બીજાએ કહ્યું : ‘આજે ઠંડા પવનના સખત સુસવાટા વાય છે. આવામાં નાટક જોવા કોણ આવશે ?’ ત્રીજાએ કહ્યું : ‘સાચું છે. પ્રેક્ષકોની આટલી પાંખી હાજરીમાં આપણી પાસે નાટક ભજવવાની અપેક્ષા કોઈ ન રાખે.’

નાટકમંડળીના ચોથા જણે જુદો મત આપ્યો, ‘આપણે અહીં નાટક કરવા આવ્યા છીએ. ગામમાં જાહેરાત પણ કરી છે. એ જાહેરાત પર વિશ્વાસ મૂકી થોડાઘણા પ્રેક્ષકો આવ્યા છે. તેમના તરફ આપણી જવાબદારી છે. આપણે જવાબદારી નહીં બજાવીએ તો જે થોડાઘણા નાટ્યપ્રેમીઓ આવ્યા છે તેમને પણ આપણામાંથી વિશ્વાસ ઊઠી જશે. આપણો પૂરેપૂરો કલા-કસબ દેખાડી નાટક ભજવવું એ આપણું કર્મ અને આપણો ધર્મ છે. એમાંથી આપણે છૂટી ન શકીએ.’ ચોથા માણસની વાત બીજાઓને વાજબી લાગી. નટમંડળીએ તે દિવસે મન મૂકીને નાટક કર્યું. પ્રેક્ષકો વાહ વાહ કરી ઊઠ્યા. પ્રેક્ષકો વીખરાયા ત્યારે એક માણસે આવી નટમંડળીના મુખ્ય માણસના હાથમાં એક ચિઠ્ઠી મૂકી. એક બુકાનીધારી માણસે પેલા માણસને ચિઠ્ઠી આપી હતી અને નટમંડળીના માણસને ચિઠ્ઠી પહોંચાડવા જણાવ્યું હતું. નટમંડળીના મુખ્ય માણસે ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘તમારું નાટક બહુ સરસ હતું. તમે સારી રીતે ભજવ્યું. હું બહુ રાજી થયો છું. સવારે મારી ડેલીએ આવજો. તમને ખુશ કરીશ.’ નીચે સહી હતી, ‘રણવીરસિંહ ગોહેલ.’ નટમંડળીને આનંદાશ્ચર્ય થયું. રણવીરસિંહ તો ગામના ઠાકોર હતા. નટમંડળી ચાલુ રહે તે માટે તેમણે બીજે દિવસે ધન આપી મદદ કરી. નટમંડળી તરી ગઈ.

કમાણી ઓછી થશે કે વધારે એના પર ધ્યાન રાખ્યા વગર જે પોતાના કર્તવ્ય પ્રમાણે કામ કરે છે અને પોતાનો ધર્મ બજાવે છે તેને ફળ મળી જ રહે છે. ભૌતિક ફળ ન મળે તોય કર્તવ્ય બજાવ્યાનો સંતોષ તો મળે છે જ.

[2] દાદાની શીખ

એક મહાન લેખક હતા. ઘણા વૃદ્ધ થઈ ગયા હતા તોયે પ્રવૃત્ત રહેતા હતા. બાળકોને ભણાવતા, વાર્તાઓ કહેતા, વિચારતા રહેતા અને લેખનકાર્ય કર્યે જતા. એ જમાનામાં ફાઉન્ટનપેન કે બૉલપેન તો હતી નહીં. લેખકદાદા પેન્સિલથી લખતા. એક વાર લખતાં લખતાં એ અટક્યા. કપાળે પેન્સિલ અડાડી લખવા માટે વિચારવા લાગ્યા. એટલામાં એમનો નટખટ પૌત્ર આવી ચડ્યો. એણે પૂછ્યું :
‘શું કરો છો, દાદા ?’
‘લખું છું, બેટા.’ દાદાએ જવાબ આપ્યો.
‘ખોટ્ટું ! તમારી પેન્સિલ કપાળે છે અને કાગળ ટેબલ પર છે.’
‘લખવા માટે વિચાર તો કરવો પડે ને, બેટા.’
‘એટલે આ પેન્સિલ તમારા માથામાં વિચાર ભરશે અને પછી તમે લખશો, એમ કે ? પેન્સિલમાં શું વિચાર હોય ?’ ચબરાક પૌત્રે દાદાને મૂંઝવ્યા.
‘પેન્સિલ પાસેથી પણ ઘણું શીખવા મળે, બેટા.’
‘ખોટાડા છો તમે. પેન્સિલમાં તો ખાલી લાકડું ને સીસું હોય. બીજું કંઈ હોય તો બતાવો જોઈએ.’ પૌત્રે પડકાર ફેંકયો.

હવે દાદાની કસોટી હતી. તેમને મજા પડી. બુદ્ધિ ચલાવી તેમણે પેન્સિલપુરાણ ચાલુ કર્યું.
‘જો બેટા, પહેલવહેલું તો પેન્સિલ શીખવે છે કે તેની જેમ સૌમાં ઘણી શક્તિ ભરેલી છે, દોરવણી આપનાર જોઈએ. બીજા કોઈકનો હાથ પેન્સિલને દોરવણી આપે છે. શક્તિ અને દોરવણીથી કામ થાય છે. બીજી વાત, પેન્સિલ જાતને ઘસી નાખે છે. અણી ઘસાઈ જાય ત્યારે તેને છોલીને પાછી અણી કાઢવી પડે છે. તેમાં પેન્સિલને પીડા જરૂર થતી હશે, પણ પીડા સહન કરવાથી એ તાજી અને ધારદાર બને છે. ત્રીજી વાત, પેન્સિલ એક સારી સગવડ આપે છે. પેન્સિલથી કરેલું લખાણ ભૂંસી શકાય છે. ભૂલ થાય તો વાંધો નહીં, ભૂલને સુધારો થઈ શકે છે. ચોથી વાત, પેન્સિલની બહારના ભૂંગળી જેવા લાકડાના ખોખાનું ઝાઝું મહત્વ નથી. અંદરના સીસાનું મહત્વ છે. તે સીસાથી લખાય છે. અને છેલ્લી વાત, પેન્સિલ હંમેશાં તેનું ચિહ્ન મૂકી જાય છે.’
‘તમે પાક્કા છો, લુચ્ચા છો.’ કહી નટખટ પૌત્ર ભાગી ગયો.

દરેકમાં શક્તિ પડી છે. ઈશ્વરની દોરવણી પ્રમાણે તેણે ચાલવાનું છે. જાતને ઘસી નાખવા અને પીડા સહેવાથી ફરી તાજા અને શક્તિમાન થવાય છે. જીવનમાં ભૂલોથી ડરવાનું નથી. ભૂલો સુધારી આગળ વધવાનું છે. બહારનો દેખાવ અગત્યનો નથી. અંદરના તત્વનું મહત્વ છે. આપણું દરેક કાર્ય ગુણ અંકિત કરે કે ડાઘ પણ મૂકી જાય; તેથી સાવધ રહીને કાર્યો કરવાનાં છે.
.

[3] પ્રેમનું વર્તુળ

વલસાડ જિલ્લાના એક અંતરિયાળ નાના ગામમાં ઉકા નામનો દૂબળો રહેતો હતો. ઉકો ખેતર કે વાડીમાં મજૂરી કરતો અને ખાવા પૂરતું પામતો. ફુરસદ મળે ત્યારે ઉકો બાજુના નગરના મંદિરમાં જતો. મંદિરનો દરવાન બહુ ભલો હતો. તે સૌની જેમ ઉકાને આવકાર આપતો. તેના નમન સામે એ પણ બે હાથ જોડતો અને ઉકાના ખબર-અંતર પૂછતો. ઉકાને કામે રાખનાર શેઠ આમ તો કઠોર ને આકરા હતા, પણ ખુશ થાય તો મજૂરો અને કામ કરનારાઓની કદર કરતા. એક વર્ષ ખૂબ જ સરસ હાફૂસ કેરીઓ ઊતરી. મબલક પાક, મોટું ફળ, કેરીઓ પીળીદ્રમ્મક, ઉપર લાલ રંગની છાંટ, ગાંડા કરી મૂકે એવી સોડમ અને મધથીયે મીઠો સ્વાદ.

પાકથી શેઠ ખુશ હતો. તેણે મજૂરોને છ છ કેરીઓ બક્ષિસરૂપે આપી. કેરીઓ એટલી તો સરસ અને સુગંધી હતી કે ઉકાને થયું, ‘લાવ, એક કેરી તો અત્યારે જ ખાઈ જાઉં. બીજી કેરીઓ ઘેર જઈ બૈરી-છોકરાં સાથે ખાઈશ.’ પણ બીજી જ પળે તેના મનમાં જુદો વિચાર આવ્યો. ઉકો નગરના મંદિરે ઊપડ્યો. રાત પડી ગઈ હતી. મંદિરના દરવાજા બંધ હતા. ઉકાએ દરવાજો ખટખટાવ્યો. દરવાને દરવાજો ખોલ્યો તો સામે ઉકાને જોયો. ‘ઉકાભાઈ, આટલી રાતે ?’ ઓછાબોલા ઉકાએ સીધું જ કહ્યું, ‘તમને આ કેરીઓ આપવા આવ્યો છું.’ એમ કહી ઉકાએ બધી કેરીઓ દરવાનને આપી દીધી.

કેરી જોઈ દરવાન બોલ્યો : ‘ઉકાભાઈ, આ કેરી અને તેની સુગંધ તો ગજબ છે ! હું આ કેરીઓ વડા આચાર્યને આપીશ.’ ઉકાએ કહ્યું : ‘ના, ના. તમે જ રાખજો. દુકાળના વખતમાં મજૂરી નહોતી ત્યારે તમે જ આશ્રમની ભોજનશાળામાંથી વધ્યું-ઘટ્યું આપી મારા કુટુંબને જિવાડ્યું હતું.’ એમ છતાં દરવાને બીજે દિવસે સવારે છએ છ કેરી વડા આચાર્યને ભેટ ધરી. કેરીનું મોટું સુંદર ફળ જોઈ વડા આચાર્યે ઈશ્વરના સર્જનનાં ગુણગાન ગાયાં અને ચાકરને કહ્યું : ‘આ કેરીઓ આચાર્ય ગોપાલાનંદને આપી આવ. માંદગીમાંથી ઊઠ્યા પછી જમવાનું તેમને હજી ભાવતું નથી. તેમને કેરીઓ સાથે ભોજન ભાવશે.’ ગોપાલાનંદ પણ કેરીઓથી પ્રસન્ન થઈ ઊઠ્યા, પણ એમણે કહ્યું : ‘આ કેરીઓ રસોડાના પુરોહિતને આપો. માંદગીમાં એણે મારા ખોરાકનું બહુ ધ્યાન રાખ્યું છે. પુરોહિતે વળી કેરીઓ વેદશાળાના ગુરુવર્યને મોકલી આપી. તેના પુત્રને ગુરુવર્ય બહુ પ્રેમથી ભણાવતા હતા. ગુરુવર્યે વળી એક નવા નિશાળિયાને કેરીઓ આપી જેથી તેને આશ્રમ ગમવા માંડે. નવા નિશાળિયાએ કેરીઓ દરવાનને આપી. દરવાન એની ખાસ દેખભાળ રાખતો હતો. કેરીઓની સમગ્ર યાત્રાની દરવાનને ચાકર પાસેથી જાણ થઈ. ઈશ્વરની કૃપાનો તેને અનુભવ થયો. બીજે દિવસે ઉકો દર્શને આવ્યો ત્યારે દરવાને તેને તેના કુટુંબ માટે ત્રણ કેરીઓ આપી અને ત્રણ પોતે રાખી.

પ્રેમનું વર્તુળ વિસ્તરીને સર્વવ્યાપી બને છે. ખાદ્યપદાર્થ કરતાં પ્રેમની મીઠાશ અનેક ગણી છે.

[ કુલ પાન : 44. કિંમત રૂ. 35. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરણાની પળોમાં – કાન્તિ ભટ્ટ
ડૉ. આઈ. કે. વીજળીવાળા સાથે મુલાકાત – મૃગેશ શાહ Next »   

17 પ્રતિભાવો : પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે

 1. nayan panchal says:

  દરેક વાચકમિત્રોને, કર્તાઓને અને મૃગેશભાઈને વિજયાદશમીના પર્વ નિમિત્તે અભિનંદન.

  આપણા બધામાંથી રાવણ-મહિષાસુરનો નાશ થાય તેવી પ્રભુપ્રાર્થના.

  મહેશભાઈ અને મૃગેશભાઈનુ સંકલન ખૂબ સરસ.
  આભાર.

  નયન

 2. સુંદર પ્રેરણાદાઈ સંકલન.

 3. Vikram Bhatt says:

  સરળ ભાષામાં સુંદર વાતો.
  વિજયાદશમી દિને નમસ્કાર.

 4. ભાવના શુક્લ says:

  ખાસ પ્રેમના વર્તુળ વાળી વાત બહુ જ ગમી.. વર્તુળની એક ખાસીયત એ છે કે ક્યાય ખુણો નથી હોતો… આથી લાગણીને વર્તુળાકાર ફરતી રાખીએ તો કોઇને નાનકડો ખુણો પણ લાગવાની ભીતી ના રહે અને માત્ર નાનકડો વધારો ત્રિજ્યા મા કરીએ તો સમગ્ર પરીઘ વધી જાય..
  બહુ સરસ વાતોનુ સંકલન..

 5. rutvi says:

  માફ કરજો નયન ભાઇ ,
  તમને ” આપણા બધા માથી” લખવા નો કોઇ અધિકાર નથી ,
  આજના બે લેખ જે પણ વાંચશે , તે સાહિત્યપ્રેમી જ વાંચે અને વાંચ્યા પછી તો રાવણ કહેવાને સવાલ જ નથી તેટલી આ લેખો મા શક્તિ છે . ,

  આગળ ના લેખો મા વાંચ્યુ તેમ ,
  એક પુસ્તક મા એટલી શક્તિ હોય કે જે સમગ્ર માનવ નુ જીવન બદલી નાખે ,

 6. ઈન્દ્રેશ વદન says:

  ઉત્તમ વાર્તાઓ.

  સૌને દશેરા ની શુભેછ્છાઓ.

  નયનભાઈની વાત અતિસુંદર, બધામાંથી રાવણ નો નાશ થાય.
  ભાવનાબેન ની પણ સરસ વાત, ત્રિજ્યા વધારીને પરીઘ વધારવો. 🙂

 7. nayan panchal says:

  માનનીય ઋત્વીબેન,

  મારો કહેવાનો અર્થ એવો હતો કે, દરેક વ્યક્તિમાં થોડાઘણા અંશે જે darker side રહેલી છે તેનો નાશ થાય.

  તમારી લાગણી દુભાઈ હોય તો “મિછ્છામિ દુક્કડમ”.

  નયન

 8. પ્રેમના વર્તુળવાળી વાત કેટલી મજાની !! 🙂 … સુક્ષ્મ પણ તે છતાં જો અમલી બને તો કેટલી અસરકારક !!

 9. સરળ વિચારો, શક્તિપ્રેરક રહ્યા !

 10. pragnaju says:

  પ્રેમનું વર્તુળ વિસ્તરીને સર્વવ્યાપી બને છે.
  ખાદ્યપદાર્થ કરતાં પ્રેમની મીઠાશ અનેક ગણી છે.
  ખૂબ મઝાની વાતો
  ધન્યવાદ્

 11. Ashish Dave says:

  કર્તવ્યપાલન is a goodwill that is the one and only asset that nobody can take it away, undersell or destroy.

  Ashish Dave
  Sunnyvale, California

 12. Vaishali Maheshwari says:

  Wonderful collection of these short stories.

  I remember one incidence that recently happened after reading the first story “કર્તવ્યપાલન”.

  May 21st was the birthday of Yogiji Maharaj, the fourth spiritual successor to Bhagwan Swaminarayan. On this occassion, I got a chance to visit the sabha that was held at Swaminarayan Temple in FL.

  Some Satsangibhai (I apologize as I do not remember his name) narrated wonderful incidences for more than an hour as he had spent lot of time with Yogiji Maharaj in the past. One incidence that he narrated was similar to the first story written here.

  Years ago, one day, some young guys of Surat, who used to organize “Ravivari/Youth Sabha” every Sunday at the Swaminarayan Temple approached to Yogiji Maharaj and said that they were planning to discontinue the sabha as very few people seemed to be interested in it and very few people were attending the sabha. Yogiji Maharaj listened to them patiently and explained them that they should not event think of discontinuing the good task that they have started. He said you all should be loyal to your work and organize the sabha in the hall every Sunday, on predetermined time even when there is not a single person to attend the sabha. Slowly slowly, people will come to know about the good activities that you are conducting and you will get more and more people who would be interested in learning what you teach. And now, in todays date, it is said that Surat has the highest number of people attending such sabhas. So, again we learn here, that whatever tasks we take in hand, we should do it with full enthusiasm and should not loose hope. We will get immense internal satisfaction.

  Thank you Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.