- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગોડ બ્લેસ યુ – પ્રીતિ પટેલ

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા : 2008’માં પ્રાપ્ત થયેલી કૃતિઓમાંની આ કૃતિના નવોદિત સર્જક પ્રીતિબેન (સુરત), એમ.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને સાથે ‘ઍડ્વર્ટાઈઝિંગ એજન્સી’માં નોકરી કરી રહ્યા છે. આધુનિક વ્યસ્ત માતાને કારણે એકલતાનો ભોગ બનેલા બાળકની પીડાનું આલેખન કરતી આ તેમની પ્રથમ વાર્તા છે. આપ તેમનો આ સરનામે sendpriti@gmail.com અથવા +91 9427576405 પર સંપર્ક કરી શકો છો.]

મે મહિનાની કાળઝાળ ગરમી. તેમાંય વળી ભળે પ્રદુષણ. શહેરી ઝાકઝમાળમાં લોકો ભડકે બળે છે; શરીરથી પણ અને મનથી પણ. એક બાજુ મે મહિનો એટલે શાળા-કૉલેજોમાં વેકેશન અને બાળકોના હૈયે ઉમંગ, તો બીજી બાજુ ઑફિસોમાં રજા માટેની અરજીઓનો થોકડો. આટલી બધી અરજીઓમાંથી સ્વાભાવિકપણે જ ખૂબ ગણતરીના લોકોને રજાઓ મળતી હોય છે. કપાતે પગાર રજા મેળવવી તો વળી વધુ મુશ્કેલ. સ્પર્ધા તો એટલી તીવ્ર બની ગઈ છે કે પાછા ફરીએ ત્યારે ખબર પડે કે જગ્યા પૂરાઈ ગઈ. કામચલાઉ લીધેલી રજા ક્યારેક કાયમી પણ બની જાય !

બળબળતાં બપોરે એક ઑફિસમાં બે સહકર્મચારિણીઓ આ જ વાતોએ વળગી હતી.
‘માયા, તારી રજાનું શું થયું ?’
‘અરે…. યાર, હજુ સુધી કંઈ જ જવાબ નથી મળ્યો. આમ તો આટલી વાર ન લાગે. દર વખતે તો જલ્દી મંજૂર થઈ જાય છે પણ આ વખતે ખબર નહીં શું થયું હશે ?’ હજુ આ વાર્તાલાપ આગળ ચાલે ત્યાં તો ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી… માયાએ સુકોમળ હાથે રિસીવર ઊઠાવ્યું અને મધુર અવાજે કહ્યું : ‘હેલો…’
સામે છેડેથી કોઈ નાના છોકરાએ તેની કાલીઘેલી ભાષામાં કહ્યું : ‘હેલ્લો.. જી, આપ કોણ બોલો છો ?’
માયા પણ મસ્તીના મૂડમાં હતી. એણે જવાબ વાળ્યો : ‘જી… આપે જેને ફોન કર્યો તે…!!’
‘એમ નહીં… પણ તમારું નામ શું છે ?’
‘ભાઈ… તમારે કોનું કામ છે ? શું કામ છે ?’
ઘડી બે ઘડી ચુપકીદી છવાઈ ગઈ.
‘એ દીદી… તમારો અવાજ બહુ મીઠો છે…. તો મને એમ થાય છે કે તમારું નામ કેવું હશે ?’
અંદરોઅંદર મલકતાં મલકતાં એ બોલી : ‘હં…. નામ પૂછવાની આ રીત સારી છે હોં !’
‘મને પણ બધા એ જ રીતે નામ પૂછે છે…’
‘અચ્છા એમ. બાય ધ વે, મારું નામ માયા છે. ચલો, હવે જલ્દી બોલો, તમારે કોનું કામ છે ?’
‘જો.. તમે મને વઢો નહીં તો જ હું કહું….’
‘ના… નહીં વઢું બસ !’
‘એ…તો દીદી.. છે ને, હું એકલો હતો. મને બહુ કંતાલો આવતો’તો. પછી મેં આ બે-ચાર નંબર દબાવ્યા અને… તમે… અરે, તમારો અવાજ સાચે જ બહુ મીઠો છે હોં !’
‘હં… ઈટ્સ સ્વીટ રૉંગ નંબર… હેવ અ નાઈસ ડે, ડિયર. બાય…’

માયા ફોન કટ કરીને કામની શરૂઆત કરે ત્યાં તો ફરી રિંગ વાગી. તેણે ફોન ઉપાડ્યો.
‘હલો…’
‘હેલો… રીડિફાઈન પ્રોગ્રામિંગ યુનિટ ?’
‘યસ સર. આપ કોણ બોલો છો ?’
‘જી હું સંજીવ જોષી વાત કરું છું. મેં આપને ત્યાં એક પ્રોગ્રામ ડેવલપ કરવા આપ્યો છે. ઈઝ ઈટ રેડી ?’
‘હા… હા.. સર, તમારું જ કામ ચાલી રહ્યું છે. આજની તારીખમાં તૈયાર થઈ જશે. તમે કાલે સવારે અગિયારેક વાગ્યે આવી શકો છો ?’
‘ઠીક છે.. જરૂર. તો પછી કાલે મળીએ…’
‘જી સર… હેવ અ નાઈસ ડે.’
માયાએ ફોન મુક્યો. બાકી રહેલું કામ હવે ઝડપથી પૂરું કરવાનું હતું. બાકી રહેલા કામની ફાઈલોમાંથી કાગળ ભેગા કરીને કંઈક ગણતરી શરૂ કરે ત્યાં તો… ફરી ફોનની ઘંટડી રણકી ઊઠી…
‘હેલો…’
‘હેલ્લો… માયાદીદી… !’
‘ઓહ… લિટલ બૉય, યુ અગેઈન !!… બેટા, આ મારી ઑફિસ છે, મારું ઘર નથી.’
‘મમ્મી પણ મને આવું જ કહે છે. પ્લીઝ, તમે આવું ન બોલોને !’
‘અ…અ..એમ.. ત્યારે તમારા મમ્મી નોકરી કરે છે ?’
બાળકે ઢીલા અવાજે ‘હા’ કહ્યું. વાતાવરણ ક્ષણભર ગંભીર બની ગયું. માયાએ થોડી હળવાશ લાવવા પૂછ્યું : ‘તમે ક્યા સ્ટાન્ડર્ડમાં ભણો છો બેટા ?’
‘આઈ હેવ પાસ આઉટ ફિફ્થ સ્ટાન્ડર્ડ. આઈ સ્ટડી ઈન ‘રિયાન ઈન્ટરનેશલ સ્કૂલ.’’
‘અરે વાહ… તો તમારે વેકેશન ચાલે છે એમ ને. તમારા ડેડી શું કરે છે ?’
‘માય ડેડી ઈઝ એન ઈન્જિનિયર એન્ડ મૉમ ઈઝ કોમ્પ્યુટર ઑપરેટર..’

અચાનક કંઈક યાદ આવતાં માયાએ મલકાઈને તેને પૂછ્યું : ‘અરે બેટા… તમારું નામ તો તમે જણાવ્યું જ નહિ…’
‘પણ દીદી તમે પૂછ્યું જ નથી ને ! બાય ધ વે, આઈ એમ દ્વિપ…. દ્વિપ આદિત્ય પટેલ.’
‘અરે વાહ… તમારું નામ તો બહુ જ સરસ છે ને કંઈ ! મને બહુ ગમ્યું. તમારું નામ મને આપશો ?’
‘લઈ લો ને ! મારું નામ તો મારી પાસે જ રહેવાનું છે ને !’
‘વાહ, દ્વિપકુમાર ! તમે તો ભારે હોંશિયાર છો ને… ચલો બેટા, હવે તમે કંઈક રમો. થોડી ધમાલ-મસ્તી કરો. હું ફોન મૂકું છું. ઓ.કે. ?’
‘ના.. ! છેલ્લા બે કલાકથી હું એકલો એકલો વિડિયોગેમ, કોમ્પ્યુટર ગેમ વગેરે રમીને કંટાળી ગયો છું. હમણાં તો કોઈ કાર્ટૂન પણ નથી આવતું. અરે જુઓ ને, સંજુ પણ આવ્યો’તો અને એ પણ બહારથી જ ચાલ્યો ગયો.’
‘કેમ…? એને રોકવો હતો ને ? એની સાથે રમવું’તું ને ?’
‘કેવી રીતે રમાય ? મમ્મી તો બહારથી જાળીને તાળું મારીને ગઈ છે; આજકાલ ચોરીઓ બહુ થાય છે ને એટલે…’
‘ઓહ અચ્છા… તો એ કહો કે દ્વિપકુમાર, આ વેકેશનમાં તમે ક્યાં ફરી આવ્યાં ?’
એ થોડું અટક્યો. નિરાશ અવાજે બોલ્યો : ‘કશે જ નહીં… પપ્પાને રજા જ ના મળી. પપ્પા મમ્મીને લડતાં લડતાં કહેતા હતાં કે એમને રજા નથી મળતી. હા, પણ હંમેશને માટે મળે છે. બોલ, લઈ લઉં ?’
‘ઓહ… એમાં દુ:ખી નહીં થવાનું બેટા. જો જો એમને બીજીવાર લાં…બી રજા મળશે ત્યારે તમે સામટું ફરી લેજો. ચલો…ત્યારે… હવે બહુ વાત થઈ. હું મારું કામ શરૂ કરું. ટેક કેર. બાય ડિયર….’

માયા ફોન મૂકીને બાજુમાં બેઠેલી સુધાને કહ્યું : ‘આ આજકાલ નાના છોકરાઓ….’ હજુ તો એ વાત પૂરી કરે ત્યાં તો ફરી… ટ્રીન…ટ્રીન…
‘હેલો…’
‘એ માયા દીદી…. મને એ કહોને કે તમે જોબ કેમ કરો છો ?’
માયા હસી પડી. હસતાં હસતાં તે બોલી : ‘કેમ કે હું જે ભણી છું તે મારી આવડતનો ઊપયોગ કરી શકું.’ બે ઘડી ચૂપકીદી સેવીને તે આગળ બોલી, ‘મારા મમ્મી-પપ્પા ભાઈ-ભાભી… બધા જ નોકરી કરે છે. જો હું નોકરી ન કરું તો ઘરમાં એકલી પડી જાઉં. એકલાં એકલાં કંટાળી જાઉં. મને અહીંયા સારા પૈસા પણ મળે છે. જો બેટા, હવે હું તારી સાથે વધારે વાત ન કરી શકું. મારે મારું કામ પણ પૂરું કરવાનું ને ? બાય સ્વીટુ….’
‘પણ ઓ દીદી… સાંભળોને… હું તમને પૈસા આપું તો તમે મારી જોડે વાત કરશો ? મારી પાસે ટેન રૂપિઝ છે…’
‘બેટા… એ ટેન રૂપિઝમાંથી તમે સરસ મજાનાં બિસ્કિટ ખાજો. ઓ.કે ? ટેક કેર બાય…’

ન છૂટકે માયા રિસીવર મૂકે છે. થોડી મૂંઝાય છે. પોતાનું ધ્યાન કામમાં પરોવવા કોશિશ કરે છે પણ વિચારોની ગડમથલ એને સ્વસ્થ થવા દેતી નથી. તેનું મન ભારે અજંપો અનુભવે છે. હૃદયમાં કશુંક આરપાર નીકળી ગયું છે. ખબર નથી પડતી કે આટલો વલોપાત કેમ થાય છે. થોડી વારે એકાગ્રતાથી મન શાંત કરીને કામમાં ચિત્ત પરોવે છે. આશરે પંદરેક મિનિટનો સમય વીતે છે અને ફરી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠે છે. આ ઘંટડીએ જેમતેમ મેળવેલી સ્થિરતાને ખલેલ પહોંચાડી હોય એમ તે મોઢું બગાડતાં ફોનનું રિસીવર ઉપાડે છે. સામે છેડેથી જાણે દબાવેલ સ્પ્રિંગ હાથ ઊઠાવતાં એકદમ ઊછળી પડે તેમ દ્વિપે બોલવાનું શરૂ કર્યું :
‘એ…હેલો….. માયાદીદી… માયાદીદી… !’
આટલી તીવ્રતાથી ઉષ્માભર્યો અવાજ સાંભળી માયા મલકાઈ ઊઠી : ‘હા બોલોને બેટા…’
‘દીદી… મને પણ એક નોકરી અપાવી દો ને. પ્લીઝ… મમ્મી-પપ્પાના ગયા પછી રોજ હું એકલો-એકલો બહુ કંટાળી જાઉં છું. તમે એટલું કરશો ને ? પ્લીઝ… જુઓ, પછી હું તમને આમ બહુ પરેશાન નહીં કરું. પ્રોમિસ…’

દ્વિપની વાત સાંભળી માયા સ્તબ્ધ થઈ ગઈ. એક સન્નાટો છવાઈ ગયો. ફોન ચાલુ જ હતો… પણ માયા કોણ જાણે વિચારોના પ્રવાહમાં ક્યાંય તણાઈ ગઈ હતી… તે કંઈ બોલી ન શકી.. દ્વિપના, ‘હેલ્લો…હેલ્લો…’ શબ્દોએ તેની વિચારતંદ્રા તોડી અને તેને વર્તમાન સાથે ફરી જોડી દીધી. માયાએ એક ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા સ્વરે કહ્યું :
‘સોરી ડિયર, એવું તો ન થાય. હંમ્મ… પણ આપણે એક કામ કરી શકીએ… બી અ ગુડ બોય. જો તું મને આમ ઘડી ઘડી ફોન ન કરે તો હું તને રોજ એક વાર્તા કહીશ.’
‘વા…ર્તા…. વાઉઉઉ…..’ દ્વિપ એકદમ ઊછળી જ પડ્યો, ‘તો ચલો, મને આજની વાર્તા તો કહો…’
‘આજની..! હં….. સારું ચલો કહું. એક નાનકડી પરી હતી. તે નવું નવું જ ઊડતાં શીખી હતી. તે તેની સહેલીઓ સાથે ફરવા નીકળી હતી. આ પરીને તો ભઈ ફુલો બહુ ગમે. એ તો એક બગીચામાં ફૂલોની ફરતે ઊડવા માંડી… પણ બગીચામાં તો ફૂલો પર ઝાકળ હતું. પરીની પાંખો ઝાકળથી ભીંજઈને ભારે થઈ ગઈ. હવે એ ઊડી શકે એમ નથી…’
‘અરે…રે, પછી શું થયું દીદી ?’
‘પરીને ચિંતા થઈ કે એ ઘરે કેમ કરીને જશે ? એનાથી તો ઊડાતું જ નથી ! પરીએ પાંખો ખૂબ ફફડાવી અને એમ કરવામાં જ મોડી સાંજ થઈ ગઈ. અંઘારું થવાથી તેની બધી સહેલીઓ તો ભારે હૃદયે પોતાને ઘેર પાછી ફરી, અને આ પરી સાવ એકલી પડી ગઈ.’
‘હં…. પછી ?’
‘એકલી પડી ગઈ એટલે પરી તો રોવા માંડી. તેણે હવે સૂરજ ઊગે ત્યાં સુધી રાહ જોવાની હતી કે જેથી એની પાંખો સુકાય તો એ ઊડીને પોતાને ઘેર જઈ શકે.’

માયા રિસિવર પર દ્વિપના બગાસા ખાવાનો અવાજ સાંભળે છે પણ છતાં એ તેની વાર્તા આગળ ધપાવે જ જાય છે : ‘પરી એકલી છે પણ નિરાશ નથી. તે પક્ષીઓના કલરવમાં સંગીત સાંભળે છે. દેડકાઓ સાથે ફૂટબોલ રમે છે. વાંદરા પાસેથી નૃત્ય શીખે છે. પ્રકૃતિના વિવિધ તત્વો સાથે તે આનંદ માણે છે. ખુશખુશાલ રહીને સમય વીતાવે છે. એનું પ્રકૃતિ સાથે એવું સરસ તાદાત્મય સધાઈ જાય છે કે તેને જરાય એકલું નથી લાગતું. એને તો એકલા એકલાય મજા પડી જાય છે… હસતી-રમતી પરી રાત પડતાં આનંદથી ઊંઘી જાય છે… બોલો બેટા, વાર્તા કેવી લાગી ?’
એકાદ-બે ક્ષણ પછી…
‘દ્વિપ બેટા, વાર્તા કેવી લાગી ? હેલ્લો…હેલ્લો…’
(સામે છેડેથી કોઈ જવાબ નથી મળતો…)

‘સૂઈ ગયો લાગે છે…’  માયા ધીમા સ્વરે બોલી, ‘ગોડ બ્લેસ યુ, ડિયર…’ કહી તેણે રિસીવર મૂકી દીધું અને પોતાની આંખોના ભીનાં ખૂણા લૂછતી તે ઝડપથી વૉશરૂમ તરફ દોડી ગઈ. અરીસામાં જોઈને જે કાજળ વહી ગયું’તું તે રૂમાલથી સાફ કર્યું. એ પછી પોતાના જ પ્રતિબિંબને એક સુંદર સ્મિત આપતાં એ બોલી : ‘ગોડ બ્લેસ યુ, ડિયર…’ રૂમાલ પર્સમાં મૂકી, પોતાના ટેબલ પાસે આવી, ફરી કામમાં વ્યસ્ત થઈ ગઈ.