ફુલ સર્કલ – વર્ષા અડાલજા

જે.બી. પટેલ કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સની ફૅકલ્ટી કૉલેજનું નામ અને શાન હતી. ઍડ્મિશન માટે લાંબી લાઈન થતી. મોટા ઘરના નબીરાઓની ફેવરેટ… ગૌરીને અહીં કૉમર્સમાં ઍડમિશન મળ્યું ત્યારથી એણે મનમાં ગાંઠ વાળી હતી કે કૉલેજમાંથી કોઈ રીચ ઍન્ડ ફેમસના દીકરાને પ્રેમ કરી પરણી જવું. એના ઘરમાંથી નીકળી જવાનો આ એક જ રસ્તો એને દેખાતો હતો.

મુંબઈના જૂના ખખડધજ માળાની બીજા માળની ચાલીની બે ઓરડીમાં બીજા ત્રણ ભાંડુઓ સાથે એ જન્મી અને મોટી થઈ હતી. રસોડા માટેની ત્રીજી રૂમ તો પપ્પાએ બે વરસ પહેલાં જ લીધી હતી. ત્યાં સુધી રસોડાની ઓરડીમાં એ અને નાની બહેન પ્રજ્ઞા સૂતા હતા. રાત્રે જાતજાતના મસાલા અને વઘારની વાસ એને વીંટળાઈ વળતી. એ પ્રિયાની બર્થ ડે પાર્ટીમાં પહેલીવાર ગઈ હતી ત્યારે એનો અલગ બેડરૂમ જોઈ ચકિત થઈ ગઈ હતી. જુદું ટી.વી., મ્યુઝિક સિસ્ટમ, કપડાં ભરીને વૉર્ડરોબ અને લેટેસ્ટ મોબાઈલ. જુદું ટોઈલેટ – એનું એકલીનું જ. એના બેડરૂમમાં અને સુગંધથી મઘમઘતું…

ત્રણેય બહેનો રન્ના, પોતે અને પ્રજ્ઞા મ્યુનિસિપલ સ્કૂલમાં ભણી હતી એટલે ફ્રૅન્ડ સર્કલ પણ એના જેવું જ. પણ એ કૉલેજમાં ગઈ કે જાણે નીચલા મધ્યમવર્ગમાંથી એક છલાંગે ઉપર પહોંચીને કોઈ જુદી જ દુનિયાને જોઈ. અને એ આભી બની ગઈ. ત્યારથી એણે નક્કી કર્યું હતું ભણવા જેટલું જ ધ્યાન એક સારો, શ્રીમંત છોકરો શોધવા આપવું પડશે. પપ્પા મમ્મી, રન્ના માટે મુરતિયો શોધતા હતા અને જ્ઞાતિના છોકરાઓની કુંડળી સાથે કેટલા દોકડા મળ્યા તેની રોજ ઘરમાં ચર્ચા થતી. ચંપકભાઈનો મહેશ એક શેરબ્રોકરને ત્યાં કામ કરતો હતો તો શંભુકાકાનો જીજ્ઞેશ બૅંકમાં નોકરી કરતો હતો અને એના દાદીને રન્ના ગમી હતી. બે બેડરૂમના પાઘડીવાળા જૂના ઘરમાં નવ માણસનું કુટુંબ હતું. એમ તો ‘દેશ’માંથી યે માગું આવ્યું હતું. ગોંડલમાં દિલીપને સાઈકલની દુકાન હતી અને…… ઓ માય ગૉડ ! બે વર્ષ, ત્રણ વર્ષ આવા બધાં દશ્યો, આ જ સંવાદો સાથે એને ત્યાં ફરી ભજવાનાં હતાં. ફર્ક એટલો કે રન્નાને બદલે હવે ત્યાં પોતે ગોઠવાઈ જશે. મહેશ, રમેશ, જીજ્ઞેશ સાથે કુંડળીના દોકડા મેળવી પરણી જશે… ફરી એ જ ચાલી, ફરી એ જ નીચલા મધ્યમવર્ગની દુનિયામાં શ્વાસ લેશે… સાધારણ વર… અતિ સાધારણ સંસાર અને એના સંતાનોને પણ એ જ વારસો આપશે…. ગૌરીને થતું એ જાણે સાંકડી નેળમાં પ્રવેશી ગઈ છે. બન્ને તરફની દીવાલો તેને ભીંસી નાખતી હોય એમ ગુંગળામણ થઈ આવતી.

રાત્રે ચાલીમાં ઊભી રહી આકાશને જોતી. ઝળહળતું તારાવાળું આકાશ એને ખૂબ ગમતું. રસોડામાં જાતભાતની ગંધથી ઘેરાઈને એ સૂતી હોય ત્યારે છત પર સૂકવેલાં ભીનાં કપડાંના ભેજથી ઉબાઈ જતી. એ ચાલીમાં આવીને ઊભી રહેતી અને છૂટકારાનો અનુભવ કરતી. ટી.વી. સિરીયલ્સમાં જોયેલા મહેલ જેવા ઘરો અને સરસ સાડી-જ્વૅલરીથી લદાયેલી સ્ત્રીઓ જોઈ મન બળું બળું થઈ જતું. તો કૉલેજમાં છોકરીઓ લેટેસ્ટ ફૅશનનાં કપડાં પહેરતી, છોકરાઓ સાથે બાઈક પર ફરવા ઉપડી જતી, વેકેશનમાં બૅંકોક શૉપિંગ પર જતી… આવી લાઈફ સ્ટાઈલથી જીવવા માટે કોઈ રસ્તો દેખાતો નહોતો. પપ્પા જયસુખલાલ પંડ્યા એક નાની નોકરી કરતા અને વધારાની આવક માટે ઈન્સ્યોરન્સ એજન્સી રાખી હતી. એટલે ઘરની સ્થિતિ સુધરે એવા કોઈ ચાન્સ નહોતા. ત્રણ બહેનનો ભાઈ દેવેન્દ્ર હજી બારમા ધોરણમાં હતો અને આગળ જતાં કશું ઉકાળે એવું દૂર નાંખી નજરે દેખાતું નહોતું. તો પોતાનો ઉદ્ધાર હવે પોતે જ કરવો પડશે. શું ? કેમ ? કેવી રીતે ? – એવા અનેક પ્રશ્નોના જવાબ રાત્રે આકાશના તારાને પૂછતી.

પ્રજ્ઞા ઘણીવાર પાછળ આવી તેની બાજુમાં ઊભી રહેતી.
‘શું કરે છે અહીં રોજ, ગૌરી ?’
‘આકાશ જોવાનું ખૂબ ગમે છે. રસોડામાં તો ભીનાં કપડાં માથે લટકતાં હોય છે. જો કેવું સુંદર ખૂલ્લું તેજભર્યું છે આકાશ !’
પ્રજ્ઞા બગાસું ખાતી, ‘સરસ લાગે છે, જોયું પછી શું કરવાનું અહીં ઊભા ઊભા ?’
‘સપનાં જોવાનાં.’
પ્રજ્ઞા હસી પડતી, ‘પણ આમ જાગતાં જાગતાં સપનાં જોવાનાં ? લે, તું તો કમાલ છે.’
‘કમાલ છું અને કમાલ કરવાની છું, સમજી ?’
‘ના. ન સમજી.’
‘એમ કહેવાય છે ને પ્રજ્ઞા, કે પાછલાં પહોરનું સપનું સાચું પડે છે ?’
‘હા, તો ?’
‘ખોટું. જે જાગતાં સપનાં જુએ છે એ જ સપનાંને સાચાં પાડી શકે છે. તને ખબર છે મારું સપનું શું છે ?’
‘ના, ભઈ.’
‘એક સરસ બંગલો કે મોટું ઍપાર્ટમેન્ટ – સરસ ફરનીશ કરેલું. કપડાં, પર્સ, પરફ્યૂમથી ભરેલો વૉર્ડરોબ. એક મહારાજ, એક નોકર અને બે નહીં તો એક કાર ચાલશે.’
‘અને એક વર નહીં જોઈએ ?’
‘જોશે, બાબા, જોશે, પહેલાં એ જોશે નહીં તો મને આ બધું આપશે કોણ ?’
‘અચ્છા તો રોજ આકાશ સામે જોઈ આ સપનું આંખમાં આંજે છે ?’
‘યસ. અને હું એને સાચુંયે પાડીશ.’

પજ્ઞા વિચારમાં પડી, ‘અને ધારોકે એવો વર ન મળ્યો તો ?’
ગૌરી હસી પડી, ‘બુદ્ધુ, મમ્મી કહે છે શોધવાથી ભગવાન મળે છે તો મને એક વર નહીં મળે ? રોજ પેપરમાં વસ્તીવધારાની વાત થાય છે તો આ લાખો યુવાનોમાંથી મને એક સરસ મજાનો, શ્રીમંત, પ્રેમાળ વર નહીં મળે ?’
‘ઓ.કે. હું તો ભઈ, સૂવા જાઉં છું કારણ કે હજી મારે વર શોધવાની વાર છે. જ્યારે શોધવાનો હશે ત્યારે તારી પાસે ટીપ્સ લેવા આવીશ. પણ તું અડધી રાત સુધી અહીં જ ઊભી રહેજે, હોં બહેન ! કદાચ શંકર-પાર્વતીનો રથ ઉપરથી નીકળે તો તને ‘તથાસ્તુ’ કહી દે. ગૂડનાઈટ.’
‘ગૂડનાઈટ. આજે પાઉંભાજી કરી હતી ને ! એટલે નિરાંતે કાંદા લસણની વાસમાં ઊંઘી જા.’
પ્રજ્ઞા પાછી આવી…
‘ઓ મેડમ ! તારાથી નાની છું તો ય એક શિખામણ આપું ?’
‘ચલ દે દે. તું ભી ક્યા યાદ કરેગી ?’
‘આપણાં રૂટ્સથી શરમાવાનું શું ? મનેય ચાલીમાં રહેવાનું ગમતું નથી પણ મને કંઈ એની શરમ નથી. પપ્પા-મમ્મી આપણને કેટલો પ્રેમ કરે છે એ જો….!’
‘ચાલીને અને પ્રેમને શી લેવાદેવા ? મને અહીં નથી ગમતું ધેટ્સ ઑલ ! સારી જિંદગીનાં સપનાં જોવા કોઈ ગુનો તો નથી !’
‘અચ્છા ભઈ, અચ્છા. સપનાં જો નિરાંતે ! હું કાંદા-લસણને શ્વસતી નિરાંતે ઊંઘી જઈશ.
કંઈક વિચારતા ગૌરીએ યોજના બનાવી. ડીગ્રી અને પતિ બન્ને સાથે મળી જાય.

સેકન્ડ ઈયર બી.કૉમ. એણે ભણવામાં ધ્યાન આપ્યું અને સાથે સાથે એની આંખ ફરતી રહી. આખરે એની નજર મનીષ પર ઠરી. સ્ટાઈલીશ, સ્માર્ટ, રેડ વેગનઆર, તો ક્યારેક બાઈક પર કૉલેજમાં આવતો. એની ગર્લફ્રૅન્ડ પિયાથી તરતમાં છૂટો પડેલો. ગૌરીએ નિકટતા વધારવાની કોશિશ કરવા માંડી. એને શું ગમે છે, કઈ પ્રવૃત્તિમાં એને રસ છે, પિયાથી શા માટે છૂટો પડેલો. પ્રાઈવેટ ડીટેક્ટીવની જેમ એણે મનીષ પર રિપોર્ટ તૈયાર કર્યો. પછી સીડીનાં એક એક પગથિયાં ચડતી એની નજીક પહોંચવામાંય એને સફળતા મળી. કૉલેજની અનેક પ્રવૃત્તિઓ કરવા માટેનું ગ્રુપ હતું, ‘મલ્હાર’. એમાં એ જનરલ સૅક્રેટરી હતો. ગૌરીએ પણ પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. મનીષને પિયાની બીજાં છોકરાઓ સાથેની દોસ્તી અને ખૂલ્લાં કપડાં ન ગમતા. એ માટે બન્ને વચ્ચે ઝઘડો પણ થતો હતો. આ બાબતમાં ગૌરીને નિરાંત હતી. ન એને બીજા છોકરાઓ સાથે કોઈ સંબંધ હતો અને મધ્યમવર્ગના રૂઢિચૂસ્ત કુટુંબમાં ફૅશનેબલ વસ્ત્રોનો સવાલ જ ક્યાં હતો ?

મનીષને મદદ કરવા ગૌરી મોડી સુધી રોકાતી. એનું વર્તન બીજાઓ સાથે એટલું સ્નેહભર્યું અને ગૌરવભર્યું રહેતું કે મનીષ તેની તરફ આકર્ષાયો. મનીષે પહેલીવાર ગૌરીને ઘરે મૂકવા જવાનો આગ્રહ કર્યો ત્યારે ગૌરી ગભરાઈ ગઈ. એને થયું ચાલીવાળું એનું જૂનું ઘર જોઈ મનીષ એનાથી દૂર સરી જશે. એને જરૂર થશે, બન્ને વચ્ચે સમાનતા શું છે ? સ્ટેટ્સમાં આટલો બધો ડીફરન્સ જોઈ મનીષ જરૂર નારાજ થશે તો વર્ષભરની એની મહેનત પર પાણી ફરી વળશે. પણ એઈડ્ઝ કેમ્પેઈનનાં પોસ્ટર બનાવતાં મોડું થયું અને મનીષ ગૌરીને મૂકવા માટે આવ્યો. કાર બિલ્ડીંગ પાસે ઊભી રહેતાં ગૌરી સંકોચ પામી પણ મનીષે સ્વાભાવિક સૂરે કહ્યું : ‘તું અહીં રહે છે, ગૌરી ?’
ગૌરી ચૂપ રહી. મનીષે કહ્યું : ‘આઈ લાઈક ઈટ !’
ગૌરી નવાઈ પામીને જોઈ રહી.
‘હા, ગૌરી. મારા પપ્પા-મમ્મીને હાઈ સોસાયટીનો બહુ શોખ છે. મેં એમના મિત્રોને નજીકથી જોયા છે અને વૅલ… પિયા, મારી મમ્મીની કીટ્ટી ગ્રુપની ફ્રૅન્ડની જ ડૉટર છે. મારા પપ્પાને પણ… જવા દે… કાલે શનિવાર છે, સરસ મૂવી છે. તું આવીશ મારી સાથે ?

ગૌરીનું હૃદય ઊછળી પડ્યું ! જાણે પ્રજ્ઞાનું કહેવું સાચું પડ્યું. શંકર-પાર્વતીનો રથ જરૂર ઉપરથી પસાર થતો હશે, જ્યારે એણે મનમાં શ્રીમંત વરની પ્રાર્થના કરી હતી અને મા પાર્વતીએ ‘તથાસ્તુ’ કહ્યું હશે. પાકેલા ફળ પેઠે મનીષ એના પાલવમાં આવી પડ્યો હતો. એનું મન દુભાયેલું હતું અને એના વિચારોથી એ પરિચિત હતી એટલે મનીષનું મન જીતવાનું એને માટે આસાન હતું.
‘ગૂડ ન્યુઝ, પ્રજ્ઞા ! આકાશનો તારો આખરે મને મળી ગયો છે.’
‘સરસ. પણ એ જાણે છે તેં એને મેળવવા પ્લાનીંગ કર્યું હતું ? તારી પહેલી પ્રાયોરીટી પ્રેમ નહીં, પૈસા છે ?’
ગૌરીએ એના મોંએ હાથ મૂક્યો.
‘અરે માય ડિયર સિસ્ટર ! તું ખેલ નહીં બગાડતી. બસ, હવે મારું સપનું હાથવેંતમાં છે.’
‘સરસ. રન્નાનું નક્કી થઈ ગયું. તું ય ચલી સસુરાલ. હું અને દેવેન્દ્ર અહીં લહેર કરીશું.’
‘તારા મોમાં સાકર !’

અને ગૌરી સાચ્ચે જ સસુરાલ ચલી. મનીષના પપ્પા-મમ્મી ખૂબ નારાજ થઈ ગયા. આ શું કર્યું એકના એક દીકરાએ ? સાધારણ ઘરની છોકરી એમની પૂત્રવધૂ ? ગૌરીના પપ્પા-મમ્મી તો ખુશખુશાલ થઈ ગયા. સપનામાં ય એમણે ધાર્યું નહોતું કે આવડે મોટે ઘરે એમની દીકરી જશે ! મનીષનાં પપ્પામમ્મીએ નારાજગીથી સાદાઈથી લગ્ન કર્યાં. ચાર બેડરૂમના વૈભવી ઍપાર્ટમેન્ટમાં પગ મૂકતાં જ ગૌરીનું શમણું સાકાર થઈ ગયું. ભલે ને સાસુમા નારાજ હોય ! આખરે એ મોટા ઘરની વહુ બની જ ગઈ. સાસુનો સવાલ છે ત્યાં સુધી મનીષે એનું કામ આસાન કરી દીધું હતું.
‘જો ગૌરી, તું સરળ હૃદયની છે અને મમ્મી દેખાડામાં માને છે, તારા પ્રેમથી એ જરૂર જીતાશે પણ વાર લાગશે, એ માટે તારે એમની લાઈફસ્ટાઈલ અપનાવવાની જરૂર નથી.’…. ગૌરી કઈ રીતે કહે કે મમ્મીજી જેવી લાઈફસ્ટાઈલને તો એ ઝંખતી હતી !

સમય પસાર થતો રહ્યો. માતાપિતા અને મનીષ વચ્ચેનું અંતર વધતું ગયું. ગૌરીને એથી કશો ફરક પડતો નહોતો. વૈભવી જીવન એને સદવા લાગ્યું હતું. માગો તેટલા પૈસા વાપરવા મળે, ઘરમાં નોકરો હતા, મહારાજની નીતનવી રસોઈ. એને પિયર પણ એ લોકોનું જીવન બદલાવા લાગ્યું હતું. એના પિતાની સાથે ભણતાં ભણતાં દેવેન્દ્ર પણ ઈન્શ્યોરન્સ બિઝનેસમાં જોડાયો હતો અને જે ભાઈ બુદ્ધુ લાગતો હતો એણે ખૂબ મહેનતથી સરસ બિઝનેસ જમાવ્યો હતો. લૉન લઈ સરસ ફલૅટ ખરીદ્યો હતો, પ્રજ્ઞાએ બ્યુટીકોર્સ કરી બ્યુટીપાર્લરમાં કામ શરૂ કર્યું હતું. એ ઘણીવાર કહેતી – ગૌરી, કશું કામ કરને ! જો અમે આખા કુટુંબે મહેનત કરી તો કોઈને ખભે ચડીને નહીં પણ આપબળે આગળ આવ્યાને !
‘પ્લીઝ, પ્રજ્ઞા ! લેટ મી ઍન્જોય લાઈફ. નો લેકચર. ઠીક છે ?’

ત્યાં જ અચાનક બધું ઉપરતળે થઈ ગયું.
મનીષના પપ્પા-મમ્મી પુના જતા હતા ત્યાં ઘાટ પર અકસ્માત થયો, બન્ને જણાં અને ડ્રાયવર હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં કોમામાં જ મૃત્યુ પામ્યા. મનીષના માથે સઘળી જવાબદારી આવી પડી ત્યારે એને ખબર પડી કે શેરબજારના કડાકા સાથે ઘણું ગુમાવ્યું હતું અને બાળપણના મિત્રની સલાહ અને મદદ માટે જ પુના જઈ રહ્યા હતા. મનીષ ભાંગી પડ્યો. પપ્પાએ પૂરો ધંધો કદી સોંપેલો નહીં એટલે નાનીમોટી અનેક આંટીઘૂંટીથી એ અજાણ હતો. પપ્પાના બાળપણના મિત્ર અને સી.એ.ની મદદથી મનીષને આમાંથી બહાર નીકળતાં પૂરું એક વર્ષ થયું. પણ ત્યારે જાદુઈ છડી ફરી ગઈ હોય એમ બધું અદશ્ય થઈ ગયું હતું. ગૌરી હતપ્રભ થઈ ગઈ હતી. આ શું થઈ ગયું હતું ? કેટલી મહેનતથી એણે સપનું સાકાર કર્યું હતું અને સવાર પડતાં જ ઝાકળની જેમ ઊડી ગયું હતું ! મનીષને હવે બીઝનેસનાં શ્રીગણેશ કરવાનાં હતા. ફરી એક નવી શરૂઆત. મનીષે ગૌરીનો હાથ પકડીને કહ્યું હતું, ‘જે થયું તે સારું થયું એમ તો કેમ કહું ? પણ એ પણ એક હકીકત છે કે હવે આપણે બે નવેસરથી જીવનની શરૂઆત કરીશું. જે રસ્તે લક્ષ્મી આવી હતી એ રસ્તે પાછી ચાલી ગઈ. એ વાતનું દુ:ખ તો છે પણ હવે આપણે મહેનતથી પરિશ્રમથી એવી લક્ષ્મી કમાઈશું જે આપણી થઈને રહે, ખરું ને ગૌરી ? તારા સાથ અને હૂંફથી જ મારી હિંમત ટકી છે. તારી જગ્યાએ પિયા હોત તો ક્યારની ચાલી ગઈ હોત !’

ગૌરી ધ્રૂજી ગઈ હતી. ધારો કે કદાચ એ પણ મનીષને છોડી દે, તો એ ક્યાં જાય ? શું કરે ? કેટકેટલાં સમાધાન કરવાં પડશે ? અને તે પણ એકલા જ ? કેમ એકલા શબ્દ, આમ હૈયામાં ફાંસની જેમ ઊંડો ઊતરીને પીડાના લબકારા કરે છે ? મનીષ વિના એ જીવી શકશે ? ગૌરી આકળવિકળ થઈ ગઈ. તો એનો અર્થ એ કે એ મનીષને પ્રેમ કરવા લાગી હતી ? જીવનમાં જે જોઈતું હતું તે મેળવવા એણે મનીષનો ઉપયોગ કર્યો હતો, આજે કશું ન મળ્યું, દાવ એળે ગયો ત્યારે મનીષથી અલગ કેમ નથી થઈ જતી ? મનમાં ગડમથલ ચાલતી હતી. તરત મનીષને શું જવાબ આપવો તે સૂઝ્યું નહીં. એનાથી કહેવાઈ ગયું, ‘તું ચિંતા નહીં કર, મનીષ. જોજે એવરીથીંગ વીલ બી ઑલરાઈટ.’
મનીષે ઉત્સાહથી એને બાથમાં લઈ લીધી, ‘મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી. આઈ લવ યુ, ગૌરી !’ ગૌરીનાં મનમાં ઊંડે ઊંડે સુખના સ્પંદનો ઊઠ્યા. એ નવાઈ પામી ગઈ. આ કઈ જાતનો આનંદ છે, જેમાં એનું રોમરોમ ફરકી ઊઠ્યું છે ! મનીષે પ્રપોઝ કર્યું ત્યારેય એનું હૈયું આવું રણઝણી નહોતું ઊઠ્યું. આ જ એ પ્રેમ છે, જેનાં ગુણગાન એણે અસંખ્યવાર સાંભળ્યા છે અને એની હાંસી પણ ઉડાવી છે ?

એક દિવસ પપ્પા મમ્મી ઘરે આવ્યા.
‘જો બેટા મનીષ, જે બની ગયું તેનો અફસોસ પણ ન કરતાં. તમે બંન્ને દોષ પણ ન દેતા કોઈને…. એક પ્રકરણ પૂરું થયું અને હવે નવું પ્રકરણ શરૂ કરો, બેટા. કોરું પાનું છે. તમારે જે લખવું છે તે લખી શકશો. નાદારી નોંધાવવાને બદલે આડી અવળી રીતથી બીજાના પૈસા ખાઈ જવાને બદલે તમે પાઈએ પાઈ ચૂકવી દીધી તેથી મને ખૂબ આનંદ થયો. કોઈના આંસુથી સીંચાયેલી મહેલાતના પાયા જલદી ડગમગે છે. હું બીજી તો શી મદદ કરી શકું ? મારું જૂનું ઘર મેં સાચવી રાખ્યું છે, ત્યાં તમે ખુશીથી રહી શકો છો. બસ, જે કરો તે નીતિ શુદ્ધ રાખીને કરજો.’ મનીષ સાસુ-સસરાને નમી પડ્યો, ‘પપ્પા, આજે તમે મને જે શિખામણ ગાંઠે બંધાવી છે એ ક્યારેય નહીં ભૂલું.’

-અને જ્યાં કદી પાછાં ફરવું ન હતું ત્યાં ગૌરીએ ગૃહપ્રવેશ કર્યો. એ જ ઓરડીઓ, ચાલીનો માહોલ, પાડોશીઓની દયા ખાતી નજર…. બધું જ ગૌરીને અસહ્ય લાગતું હતું. અને છતાં મનીષ જ્યારે એને પ્રેમ કરતો ત્યારે એને સ્વર્ગ હાથવેંતમાં લાગતું. બે વિરોધાભાસી લાગણીઓ વચ્ચે હૃદય વહેરાતું હતું. પ્રજ્ઞા એને મળવા આવતી. આત્મવિશ્વાસથી ભરીભરી, ઉત્સાહથી અનેક અનુભવોથી, બ્યુટીપાર્લરના જાતભાતના કલાયન્ટની વાતો કરી હસાવતી. એની કમાણીમાંથી એ જાતભાતની ગીફટ લાવતી. રાત્રે ક્યારેક મનીષને આવતાં મોડું થતું ત્યારે એ ચાલીમાં ઊભી રહી આકાશને જોતી. હવે એની પાસે કોઈ સપનું નહોતું. સાકાર કરવા માટે શું આમ જ એ ઘરેડભરી જિંદગી જીવશે ? આજે આકાશ તરફ હાથ લાંબો કરી ક્યો તારો તોડવાની ઘેલછા કરશે ?

એને પ્રજ્ઞાનો ઉત્સાહભર્યો ચહેરો યાદ આવ્યો. આજે સાંજે જ સાડી લાવી હતી, કહ્યું હતું, દીદી આ સાડીને સાધારણ નહીં ગણતા. બહુ કિંમતી છે. ખૂબ હોંશથી ખરીદી છે, મારી મહેનતની કમાણીમાંથી…. ગૌરીનું હૈયું ઊછળી પડ્યું છે. એની પાસે જીવવા માટે એક સપનું છે. નવું નક્કોર. પોતાના સુખનો આધાર એ પતિને નહીં માને, એ પોતે મનીષનો અને પોતાનો આઘાર ખુદ જ બનશે. પ્રજ્ઞાની આંખોમાં જે ઝલક છે તે મારે જોઈએ છે, એ ઉછીના પ્રયત્નોથી નહીં આવે. એ માટે પોતે જ પ્રયત્ન કરવો પડશે. રાત્રે મોડું થઈ ગયું હતું અને છતાં ખૂબ ઉત્સાહથી એણે પ્રજ્ઞાને ફોન કર્યો :
‘અરે ગૌરી, તું ? અત્યારે ? ખાસ કામ છે ?’
‘તારું કામ તો છે, પ્રજ્ઞા. મારે કામ કરવું છે. મને કેવું કામ આવડે કે કેવું કામ મળે એમાં તારે જ મદદ કરવાની છે. કરશે ને પ્રજ્ઞા ? ‘

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગોડ બ્લેસ યુ – પ્રીતિ પટેલ
ઠીક છે – ડૉ. દિલીપ મોદી Next »   

40 પ્રતિભાવો : ફુલ સર્કલ – વર્ષા અડાલજા

 1. Neal says:

  What a story !!!! really nice story from varshaben as usual and deep inside we all have ‘GAURI’ in ourself somewhere… If we think about it than we realise it…

 2. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  જો આપણને સાચુ સુખ શેમાં છે તે પહેલાથી ખબર પડી જાય તો જીવન ઘણુ સરળ થઈ જાય.

  જીવનનો ઘણો સમય આપણે માની લીધેલા ‘સુખ’ને પામવામાં જતો રહે છે, ત્યારે ખબર પડે છે કે, સાલું હજુ પણ કશુંક ખૂટે છે… આ ‘કશુંક’ શું છે તે જેટલુ જલ્દી ખબર પડી જાય એટલુ સારું.

  નયન

 3. ખુબ સરસ વાર્તા. વર્ષાબહેનની કલમે હંમેશા કંઈક નવીન ચમત્કૃતિ માણવા મળે.

  ફરી પાછી મને અહીં ગીતા યાદ આવી. કોઈ છોકરી નહીં ભાઈ, પણ આપણી સહુની પ્રિય ભગવદ ગીતા. અર્જુન વિષાદથી ઘેરાઈને યુધ્ધ છોડીને ચાલ્યો જવા ઈચ્છે છે. ભગવાન તેને સમજાવે છે કે દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે અને તે સ્વભાવને આધારે એક નિયતિ ઘડાતી હોય છે. તારો ક્ષત્રિયનો સ્વભાવ છે અને આજે જે તું સ્વજનોના નાશની આશંકાથી યુધ્ધ છોડીને જવા ઈચ્છે છે પણ આ તારો ક્ષાત્ર સ્વભાવ તારી પાસે યુધ્ધ કરાવશે જ. વર્ષાબહેને કહ્યું તેમ એક વાર તમે પરિઘમાં આવી ગયા પછી જો તમારું કેન્દ્ર ન બદલાય તો ફરી પાછા ફુલ સર્કલ ફરી ને હતા ત્યા ને ત્યા આવીએ. આને માટે ભાગી છુટવાથી કશું વળે નહીં (છટકી શકાય પણ નહીં) પણ પરીઘ ઉપર ફરતાં ફરતાં કાંતો ત્રિજ્યાં માં વધઘટ કરવી પડે અને કાં તો કેન્દ્ર બદલવું પડે.

 4. પતિ-પત્ની … જીવનરથના બે પૈડાં એ વાતને સુંદર રીતે emphasize કરતી વાત !!

 5. ઘણી જ સરસ વાર્તા. હાર્દીક અભીનંદન.
  ખુબ ખુબ આભાર મૃગેશભાઈ ઉત્તમ વાર્તા આપવા બદલ.

 6. રેખા સિંધલ says:

  સુઁદર વાર્તા !

 7. bhargav says:

  i think , for a great writer VARSHABEN ADALJA . story is not upto the mark since i have read various stories of her, the theam is not new.

 8. ભાવના શુક્લ says:

  સપનુ પોતાની આંખથી જોવુ અને સાકાર કરવા માટે આધારો શોધવા તેવા દરેક સપનાને નક્કર જમીન ના મળી શકે અને માટે ગમે ત્યારે તુટી પડવાની પુરી શક્યતાઓ રહેલી છે.
  જો ઉડવુ હોય તો પોતાની પાંખે ઉડવામા જ ઉડવાનો આનંદ મળી શકે… વિમાનો તુટી પડતા કે અથડાઈ જતા જાણ્યા છે પક્ષીઓને તુટી પડતા કે અથડાઈ પડતા જાણ્યા છે કદી…(હા વિનાશક વૃત્તિઓ ઉડતા પક્ષીઓનો શિકાર કરી શકે એ શક્યતા ખરી પરંતુ તેનાથી પક્ષીનો ઉડવાનો આનંદ તો અખંડ જ રહે છે.)
  મધ્યમવર્ગીય પરિવારોમા પણ જાત-મહેનત-જીંદાબાદ નો ગુણ સરવાળે ગળથુથીમા હોય છે જેને સાચા પ્રેમથી હંમેશા બહાર લાવી શકાય.

 9. Sapna says:

  very very nice.

 10. ઈન્દ્રેશ વદન says:

  અતિસુંદર… ટીવી સિરીયલ માટે સારી સ્ક્રીપ્ટ બની શકે!!! 😉

 11. Snehal Parmar says:

  વર્ષા અડાલજા…..she is my favourite ..she is awesome….i love her stories….thank a lot…

 12. કલ્પેશ says:

  Not to be nitpicking but “સસુરાલ” કે “સાસરુ”?
  વાર્તા સારી છે.

 13. neetakotecha says:

  વર્ષા બેન ની વાતો જ નીરાલી હોય..
  ખુબ જ ગમી વાર્તા…
  વર્ષા બેન ને મલવુ એ એક સમનું છેં..ખબર નહી ક્યારે પુરુ થાશે…

 14. neetakotecha says:

  સપનું * sorry જરા ખોટુ લખાઈ ગયું…

 15. Aliasgar says:

  ખૂબ સ્રરસ વાર્તા. વર્ષાબહેન પાસેથી આવી જ વાર્તાની અપેક્ષા હોય્.

 16. kali says:

  very very nice story. i am regular reader of varsha adalja’ stories. she is very very great writer.
  pruthvi gol chhe e vaat aa story par thi khabar padi gai. gauri etli to saari kehvaay ke manish ne chhodi ne naa gay. biji koi chalu chhokri hot to ene koi fer naa padto. aa nahi to pelo e j philosophy ma manti hot. good. guari karta pragna vadhare mature kehvaay.

 17. JAWAHARLAL NANDA says:

  VASTAVIK RITE, AAJKAAL DUNIYA MA AAVI MANSIKTA VADHARE JOVA MALE CHHE. TU NAHI TO AUR SAHI, AUR NAHI TO AUR SAHI, MATLAB AAJKAAL JIVANSAATHI E JIVANSAATHI NA MANTA, ENE UPAR CHADVANI SIDI TARIKE NO VAPRASH VADHI GAYEL CHHE, E EK NARI VASTAVIKTA CHHE, ENO SAKHED SVIKAR KARVO J RAHYO! MAHERBANI KARI NE AANE FAKTA EK MANORANJAN NI VARTA NA SAMAJTA, JIVAN PRATYE NO EK DRISTIKONE SAMJI NE SVIKAR KARVO JOIYE ! ASTU !

 18. shruti says:

  very nice story

 19. pragnaju says:

  હમેશની જેમ સુંદર વાર્તા
  એણે પ્રજ્ઞાને ફોન કર્યો :
  ‘અરે ગૌરી, તું ? અત્યારે ? ખાસ કામ છે ?’
  ‘તારું કામ તો છે, પ્રજ્ઞા. મારે કામ કરવું છે. મને કેવું કામ આવડે કે કેવું કામ મળે એમાં તારે જ મદદ કરવાની છે. કરશે ને પ્રજ્ઞા ?
  વાં ચી વ ડી લ કહે-તારી જ વાત તને તો ગમે જ ને!?

 20. SURESH TRIVEDI says:

  Almighty turns the table anytime so there is a proverb”Man proposes God disposes”.So there is nothing more than sasisfaction which Gauri never was, still under illusion but her sister brought her in senses so she telephoned her very late night and got ready to work.

 21. Ashish Dave says:

  Beautiful story…it is never too late to start all over again.

  Ashish Dave
  Sunnyvale, California

 22. jitu says:

  વાર્તા શારિ છે.

 23. vihar gadhiya says:

  Good story, I always read your short stories in Sandesh Purthy. They all are very inspirational.
  Vihar Gadhiya
  Contact: 9909143134

 24. meghna says:

  બહુજ સરસ વાર્તા વાચિને ખરેખર એક સિખ તથા પ્રેરના મલિ

 25. Mansi Shah says:

  સરસ વાર્તા. વર્ષા અડાલજા એટલે મારા સૌથી પ્રિય લેખિકા. કારણકે એમની વાર્તાઓ કરા અર્થમાં women empowerment ને રિફલેક્ટ કરે છે. એમની વાર્તાઓમાંથી હંમેશા એક ઉમદા સૂર ઉઠે છે કે women empowerment એટલે ફક્ત કેરિયર, ડ્રીમ્સ નહીં, સ્ત્રીને એની ઈચ્છા, એની સમજશક્તિ પ્રમાણે વર્તવાની છૂટ અને એના નિર્ણયને માન આપવાની વાત.

 26. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા.

 27. asha says:

  બઉજ સરસ મજા આવિ

 28. SAKHI says:

  VERY NICE STORY

 29. DARSHANA DESAI says:

  સરસ વાર્તા છે. કદી પણ સંબંધો કરતાં પૈસાને વધુ મહત્વ નહિં આપવું જોઇએ, એ નગ્નસત્ય દરેકે જલદી સમજી જવું જોઇએ.

 30. BINDI says:

  VERY PRACTICAL STORY!!!!
  ALWAYS EXTRAORDINARY STORY FROM VARSABEN!!!

 31. asha says:

  very nice i always read her story keep it up thank you

 32. Pratibha says:

  સરસ વાત. અંત ખુબ સરસ

 33. Vaishali Maheshwari says:

  Thank you Varshaben.

  Nice story.
  We need to learn that what will give satisfaction in life.
  There is no alternative to hardwork.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.