ઝઘડો લોચનમનનો – દયારામ

લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો !
રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો !

પ્રીત પ્રથમ કોણે કરી નંદકુવરની સાથે ?
મન કહે, ‘લોચન ! તેં કરી.’ લોચન કહે, ‘તારે હાથ.’ ઝઘડો….

‘નટવર નીરખ્યા નેન ! તેં, સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ !’ ઝઘડો…..

‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.’ ઝઘડો….

‘ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ.
મને તજી તું નિત મળે, હું રહું દુ:ખવિજોગ !’ ઝઘડો…

‘વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન !’ ઝઘડો….

‘ચેન નથી મન ! ક્યમ તને ભેટે શ્યામશરીર ?
દુ:ખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર !’ ઝઘડો….

મન કહે, ‘ધીખું હૃદે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય.’ ઝઘડો….

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય:
‘મન ! લોચનનો પ્રાણ તું, લોચન ! તું મનકાય. ઝઘડો….

સુખથી સુખ, દુ:ખ દુ:ખથી, મનલોચન ! એ રીત
દયાપ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’ ઝઘડો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થવું પડે – અંજુમ ઉઝયાન્વી
નિશ્ચે કરો રામનું નામ – નરભેરામ Next »   

16 પ્રતિભાવો : ઝઘડો લોચનમનનો – દયારામ

 1. nayan panchal says:

  સુંદર ઝઘડો અને સુંદર ન્યાય પણ.

  નયન

 2. જોરદાર ઝઘડો અને બંનેનું સમધાન થાય તેવો ન્યાય. લોચન ઉપરાંત મનને કાન, ત્વચા, ઘ્રાણ અને રસના સાથે વ્યવહાર કરવો પડે છે. તેથી જો મન સમાધાનકારી વૃત્તિનું હોય તો બધું ઠીક ઠીક ચાલે નહીં તો રોજ ક્યાંક ને ક્યાંક બખડજંતર ચાલુ જ રહે.

 3. રેખા સિંધલ says:

  લગભગ ભૂલાય ગયેલી અને સાત્વિક સંદેશો આપતી નરભેરામની આ કવિતાઓ ફરી તાજી થઈ! આભાર મૃગેશભાઈ ! “સમો અને વખત”ની વાર્તા પણ ભૂલાય ગઈ છે. લેખક કોણ છે તે પણ યાદ નથી પણ નાના હતા ત્યારે પાઠ્ય પુસ્તકમાંથી અમે વાંચતા અને અમારી અભણ માતા ખૂબ રસપૂર્વક સાંભળતી.તેની પ્રિય આ વાર્તા ક્યારેક અહીં વાંચવા મળશે તો આનંદ થશે.

 4. pragnaju says:

  એ બેઉ આવ્યાં બુદ્ધિ કને,
  તેણે ચૂકવ્યો ન્યાય:
  ‘મન ! લોચનનો પ્રાણ તું,
  લોચન ! તું મનકાય. ઝઘડો….
  ક વું સું દ ર
  આ રીતે ભૂલાયલા વિસરાયલા ભજનો ગીતો મૂકશો
  ધન્યવાદ્

 5. ભાવના શુક્લ says:

  ઘણા વખતે “હુ” ને ઝઘડો “મારી સાથે” જેવુ વાચ્યુ… આદ્યાત્મિકતાથી ભરપુર કાવ્યો નો દુકાળ વરસે છે આમે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.