નિશ્ચે કરો રામનું નામ – નરભેરામ

[ઈ.સ. 18મી સદીના ઉત્તરાર્ધના કવિ. ઉમાશંકર જોશીએ એમને ‘હસતા સંત-કવિ’ તરીકે બિરદાવ્યા છે.]

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;
ક્યા જોગીને રામ મળ્યા, એવો તો એક બતાવો.

મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.

નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંઘે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે.

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝઘડો લોચનમનનો – દયારામ
આપણા કર્મોની જવાબદારી – મુનિ દવે Next »   

7 પ્રતિભાવો : નિશ્ચે કરો રામનું નામ – નરભેરામ

 1. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 2. સુંદર સંદેશ

  તન કો જોગી સબ કરે , મનકો કરે ન કોઈ.

  સંસાર સુ સરસો રહે ને મન મારી પાસ
  સંસારથી લોપાય નહી તેને જાણ મારો દાસ.

  રામના નામમાં નિશ્ચય થઈ જાય બસ પછી ભગવા પહેરવાની આવશ્યકતા રહેતી નથી. પ્રભુ સામેથી તેમની પાસે આવે છે અને સુંદર ઉદાહરણો આપતા કહે છે કે આમાંથી ક્યાં કોઈ જોગી છે?

  મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ;
  ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.

  બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
  દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.

  આ સાથે એક વધારે ઉદાહરણ શબરીનું આપવાની ઈચ્છા થાય છે. શબરી વીશેનું એક ભજન આપ નીચેની લિન્ક ઉપર માણી શકશો.
  http://bhajanamrutwani.wordpress.com/2008/10/12/b10/

 3. pragnaju says:

  ખૂબ સુંદર ભજન્

 4. ભાવના શુક્લ says:

  ખુબ સુંદર અભિવ્યક્તિ!
  બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
  દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.
  ……………………………
  ઇશ્વર સાથે જોડાવાની સર્વાંગ સરળ રીત..

 5. Mukesh Pandya says:

  ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી રચના. સરળ ભાષામાં જીવનનું અમૃત કહી શકાય તેવો બોધ કવિએ આપ્યો છે. સ્વામિ રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે જ્યાં સુધી તમારામાંનો ‘હું’ રહેશે ત્યાં સુધી ‘એ’ તમને દેખાશે નહિ. સમગ્ર જીવ સૃષ્ટિમાં એકમાત્ર માનવ જ પ્રભુની ભક્તિ કરવાની શક્તિ ધરાવે છે, અને આપણે એ મહામૂલો અવસર હાથે કરીને ગુમાવી દઇએ છીએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.