લાશ – વાસુદેવ સોઢા

બરાબર રસ્તાની વચ્ચે જ લાશ પડી હતી. બંન્ને તરફનો રસ્તો બંધ થઈ ગયો. લાશને ટપીને જવાની કોની હિંમત ચાલે ! અરે, લાશને ટપીને જવાની વાત કયાં છે? અહીં તો લાશની નજીક પણ કોઈ ફરકવા તૈયાર નથી. લાશથી સૌ ખૂબ જ દૂર ઊભા હતા.

શહેરમાંથી ગામડામાં આવનારા, શહેર તરફના રસ્તે ઊભા રહી ગયા. ગામડામાંથી શહેરમાં જનારા ગામ તરફના રસ્તે ઊભા રહી ગયા. કોઈ લાશને વટીને આગળ વધતું ન હતું.

રસ્તો કાચો હતો. ગાડારસ્તો હતો. વળી, સાંકડો પણ હતો. નદીમાંથી પસાર થતો હતો. નદી પર રેલ્વેનો પુલ હતો. પુલના એક નાળામાંથી રસ્તો નીકળતો હતો. આ રસ્તો ગામ અને શહેરને જોડતો ટૂંકો રસ્તો હતો. જોકે ગામ અને શહેરને જોડતો બીજો ડામર-રસ્તો પણ હતો. પરંતુ તે ખૂબ ફરીને જતો હતો. આથી ગામ અને શહેર વચ્ચેનું અંતર બેવડું થઈ જતું હતું.

ગામથી શહેર ટૂંકા રસ્તે બહુ દૂર ન હતું. નદીનો ભેડો ચડીને નજર નાખો એટલે શહેરનો ટાવર દેખાય. પગપાળા જનારા, સાઈકલ-સવારો, ગાડાવાળા, સ્કૂટર કે મોટર સાઈકલવાળાઓ આ જ રસ્તાનો ઉપયોગ કરતા. ગામના ભરવાડો શહેરમાં દૂધ દેવા જતા તે પણ આ રસ્તેથી જત. હટાણું કરનારા, શાકભાજીવાળા બધા અહીંથી જ ચાલતા. આ રસ્તે સતત અવરજવર રહેતી હતી. બપોરના સમયે જ ઘડીક રસ્તો સૂનો પડતો. બાકીના સમયે કોઈને કોઈ આ રસ્તેથી પસાર થતું જ હોય.

આ બનાવ બપોરના ગાળામાં બન્યો હોવો જોઈએ. સવારે અહીં લાશ પડી નહતી. બપોર ટાણે હીરાઘસુઓ શહેરમાંથી જમવા માટે ગામમાં આવતા ત્યારે તેમણે લાશ જોઈ ન હતી. પણ જમીને પાછા જવા લાગ્યા ત્યારે તેઓ ગામ તરફના રસ્તાને છેડે અટકી ગયા.

મોડેથી શહેરમાંથી ગામ તરફ આવનારા સામેની બાજુએ ઊભા રહી ગયા. ઘડીકમાં લાશ ક્યાંથી આવી ગઈ? અહીં જ કોઈનું ખૂન થયું હશે? કે બીજી જગ્યાએ મારીને લાશને અહીં કોઈ ફેંકી ગયું હશે? બધા અનુમાન કરવા લાગ્યા.

એ લાશ છે કોની? ઓળખાય એવી છે કે નહિ? કોઈને પ્રશ્નો થયા. ત્યારે બધાને એ લાશ, કયા માણસની લાશ છે એ જાણવાની ઉત્કંઠા જાગી. અત્યાર સુધી બધાએ આશ્ચર્ય, આઘાત, કુતૂહલ અને અચંબાથી માત્ર લાશ જ જોઈ હતી. હવે એ લાશ, કયા માણસની છે તે જાણવા માટે બધાનું લક્ષ દોરાયું.

સાવ લાશની નજીક જવાની કોઈની હિંમત ચાલી નહિ, અને દૂરથી એ લાશ ઓળખતી ન હતી. લાશ ચત્તીપાટ પડી હતી. મોં આખું લાલ રંગે રંગાઈ ગયું હતું. એક પગ વાંકો હતો. એક હાથ છાતી પર અને બીજો હાથ સહેજ મોઢા પર પડ્યો હતો. હાથ પણ લોહીથી લથપથ થઈ ગયો હતો તેવું લાગતું હતું. આંખો ફાટી રહી છે કે મીંચાયેલી છે એ જાણી શકાતું નહોતું.

કેટલાક માણસો બે-ચાર ડગલાં આગળ આવ્યા. લાશને ઝીણવટથી જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

‘અરે –’ એક જણ બોલતો બોલતો થોથવાયો. એ તેની પાસે ઊભા રહેલા માણસો સામે જોવા લાગ્યો. બધા તેની સામે જોઈ રહ્યા. બધાનાં મનમાં જાણે એ પ્રશ્ન હતો, જે માણસ હમણાં બોલતાં બોલતાં ચૂપ થઈ ગયો, જેના મનમાં ઘોળાતો હતો તે જ પ્રશ્ન.
‘ઓળખાય છે?’ થોડો ધીમો અને દબાયેલો બીજો અવાજ ટોળામાંથી આવ્યો.
‘મને તો એના શરીરનો બાંધો…’ કહેતાં એ અટક્યો. અને ક્ષણેક પછી કહી જ દીધું, ‘હકા જેવો લાગે છે.’
‘હકો? ત્રીજાએ લાશ તરફ જોયું. ‘હા, એનાં લૂગડાં પણ એવાં જ હોય એમ લાગે છે !’
‘લૂગડાં એવાં લાગે છે એમ નહિ…. એ હકાનાં જ છે.’ ચોથો બોલ્યો.
ધીમે ધીમે બધાની જીભ ખૂલવા લાગી : ‘એનાં જટિયાં પણ હકા જેવાં જ છે.’
‘હા, પગમાં જોડા પણ હકો પહેરતો એવા જ છે.’

ટોળાનો ધીમો ધીમો ગણગણાટ સ્પષ્ટ અભિપ્રાયમાં પલટાવા લાગ્યો.

‘હકો જ છે એમ કહો ને !’ એક જણે બધાનાં મનની શંકાનો પડદો ચીરી નાખ્યો.

ઘડીક તો કોઈ કંઈ બોલ્યું જ નહિ. બધા ટગર ટગર લાશ તરફ જોઈ રહ્યા. હા, લાશ હકાની જ છે. એ જ છે. બધાને ખાતરી થઈ ગઈ.

‘હકાની લાશ? હજી સવારે તો મેં શહેરમાં જતો જોયો હતો.’
‘તું સવારની વાત કરે છે. પણ મેં તો બપોર પહેલાં સાડા દસે તેને ચૉરે બેઠેલો જોયો’તો.’
‘તો આટલી વારમાં –’ એ આગળ ના બોલી શક્યો. એનો અવાજ રૂંધાઈ ગયો. સૌ એકબીજાનાં મોં સામે તાકી રહ્યા. ઘડીભર બધા અવાક્ બની ગયા. બધાને ખાતરી થઈ ગઈ કે લાશ હકાની જ છે. છતાં લાશ પાસે જવાની કોઈ હિંમત કરતું નહોતું. કુતૂહલ, આશ્ચર્ય, આઘાત હવે શોકના વાતાવરણમાં પલટાવા લાગ્યાં – બિચારો હકો…..

હકો આ જ ગામનો હતો. વીસ-બાવીસ વર્ષનો ફૂટડો જુવાન. સાવ એકલો જ હતો. નફકરું જીવન. ત્રણેક વર્ષ પહેલાં હોનારતમાં તેની મા તણાઈને મરી ગયેલી, ત્યારથી હકો નોંધારો થઈ ગયેલો. કુટુંબમાં બીજું કોઈ ન હતું. હકો સાવ એકલો પડી ગયો. એને એકલતા કોઠે પડી ગઈ. એકલવાયું જીવન અપનાવી લીધું. કોઈ જાતની ચિંતા વગરનો થઈ ગયો એને રોકનાર કે ટોકનાર કોઈ હતું નહિ.

ગામમાં આંટા-ફેરા મારતો. ગામને હકા તરફ લાગણી. નોંધારો હતો એટલે. હકો ગામમાં ટોળ-ટપ્પાં મારતો. ગામમાં કંટાળે તો શહેરમાં જતો. શહેરમાંથી કંટાળી ગામમાં આવતો. કામકાજ કશું કરતો નહિ. આજીવિકા એટલે શું, તે એ જાણતો નહિ. બે ટંક રોટલો ગમે ત્યાંથી મળી જતો. બસ ખાધું એટલે હકાને ભયો ભયો ! લાંબી બળતરા જ નહિ. સાંજે પેટ ભરાઈ જાય એટલે સવારની ચિંતા નહિ. પછી મંદિરને ઓટલે, ચૉરે કે પછી નિશાળના ધાબા પર પછેડીની સોડ તાણીને ઘસઘસાટ ઊંઘી જતો.

ગામના શેઠ કયારેક હકાને કામ ચીંધતા, ત્યારે એ દોડીને કરતો. ખેડૂતો ખેતરના કામે બોલાવે તો એ હોંશે હોંશે જતો. બધા એને ‘મૉજી’ કહેતા. મૉજમાં હોય તો કામ એવું કરે કે ન પૂછો વાત. હકો દે તો દીકરા દઈ દે, નહિતર હોય એય આંચકી લે – એવું બધા માનતા.

આમ, બધાનું ચીંધ્યું કામ કરતો. કોઈને ના પાડતો નહિ. જરાય આળસુ નહિ. સ્વભાવ પણ મળતાવડો ને નિખાલસ. પાછો ટીખળી પણ ખરો. જેની તેની પટ્ટી ઉતારતો. ત્યારે એ નાના-મોટાનો ભેદ ભૂલી જતો. ગામની સ્ત્રીઓને પણ બાકાત ન રાખતો, સ્ત્રીઓ એનું દુ:ખ ન લગાડતી. કારણકે હકાની મશ્કરીમાં પાપ નહિ, ડંખ નહિ. તદ્દન નિર્દોષ. એટલે જ તો સ્ત્રીઓ એની મશ્કરી સહી લેતી.

હકો રખડુ ખરો, પણ ચારિત્ર્યનો શુદ્ધ હતો. ખાવાલાયક ચીજ ચોરી લેતો, પણ તે ચોર ન હતો. લીધા પછી બેધડક કહી દેતો : ‘પાંચા બાપા, તમારા ખેતરમાંથી ચણા ઉપાડી આ ભાયડે ઓળા પાડ્યા’તા, હો ! તમને ખબરેય પડી?’ – બસ માફ. હકાની આ ખૂબી. બધા હસી પડતા : ‘તને નો પૂગાય હોં, હકા !’

એ સિવાય પણ હકાનાં અનેક પરાક્રમ હતાં. એને જુદા જુદા વેશ કાઢતાં આવડતા. અદ્દભૂત વેશભૂષા કાઢતો. ગામમાં ભવાયા રમવા આવતા ત્યારે હકો એમાં ભળી જતો. ભવાયા સાથે એ પણ જોડાતો. બધા ત્યારે એને ભવાયો કહેતા.

હકો ભાવયાનો પણ ભાઈબંધ. એક દિવસ હકો શહેરમાંથી કોઈનાં ખાખી શર્ટ-પેન્ટ લઈ આવ્યો. ચામડાનો પટ્ટો શોધી કાઢ્યો. ખાખી ડ્રેસ પહેરી, માથે પોલીસ જેવી ટોપી ઓઢી. મોં પર બકરીના વાળની લાંબી મૂછો ચોંટાડી દીધી. અસ્સલ પોલીસવાળો બની ગયો. આવ્યો શેઠની દૂકાને. ‘એય શેઠ, ખડે હો જાવ. હથકડી ડાલની હૈ….’

શેઠ ખરેખર ધ્રુજવા લાગ્યા. અહીં પોલીસ ક્યાંથી? શેઠ શિયાવિયા થઈ ગયા. શેઠનું ગરીબડું મોં જોઈને હકાથી હસી પડાયું. ને શેઠ હકાને ઓળખી ગયા.
‘અરે તારી તે જાતનો….’ કહી શેઠે હાથમાં તોલું લીધું. ત્યાં તો હકો ઊભી પૂંછડિયે ભાગ્યો.

આવા તો કેટલાયે ખેલ હકાએ કર્યા હતા. કયારેક ભરવાડણ બનતો. કયારેક ભભૂતિયો બાવો બનતો. ક્યારેક કોઈની નકલ કરીને તેની ઠેકડી ઉડાડતો. હકાને અભિનયમાં કોઈ ન પહોંચે. આબેહૂબ અભિનય કરી જાણતો.

હકાના એકએક પ્રસંગ બધાને યાદ આવવા લાગ્યા. હકાને કોની સાથે દુશ્મનાવટ હોય ! ના, એને કોઈ દુશ્મન ન હતો. તો હકાને કોણે માર્યો હશે? બધાની સહાનુભૂતિ હકાની તરફ ઢળવા લાગી.

રેલ્વેના પૂલ પરથી ગાડી પસાર થઈ. ગાડીમાં બેઠેલાં પેસેન્જરોએ બારીમાંથી જોવા લાગ્યાં. બધાંએ નીચે પડેલી લાશ જોઈ. ગાડી તો ચાલી ગઈ. તેને લાશની ક્યાં પડી હતી ?

ગામમાં બે-ચાર નહિ, જેને ખબર પડી તે સૌ આવવા લાગ્યા. બધા મૌન હતા. હકાના મૃત્યુનું દુ:ખ બધાના ચહેરા પર લીંપાયેલું હતું.

કમરઅલી બંગડીવાળો દોડતો આવ્યો. ‘યા અલ્લાહ, હું શું સાંભળું છું… હજી અગિયાર વાગ્યા પહેલાં હકો મારી દૂકાને આવ્યો’તો. થોડોક રંગ લઈ ગયો હતો… ત્યાં આ શું થઈ ગયું….. કમરઅલી રડવા લાગ્યો. કારણકે હકો કમરઅલીની દુકાને બેસતો, નાટક-સિનેમાની વાતો કરતો. કયું નાટક ભજવવું છે એ કહેતો. કમરઅલીની કટલેરીની દૂકાનેથી હકાને નાટકનો સામાન મળી રહેતો. વળી, કમરઅલીને પણ નાટક-સિનેમાનો શોખ હતો. બંન્ને ના શૉખ સરખા હતા. કમરઅલી અને હકાને ખૂબ જામતી. ક્યારેક કમરઅલીને ત્યાં જ હકો જમી લેતો. બંન્ને ના જીવ મળી ગયા હતા. કમરઅલીને આ સમાચાર જાણીને ખૂબ દુ:ખ થયું.
‘અરે, કોઈએ પોલીસને કીધું કે નહિં?’ કમરઅલી પણ લાશની નજીક જઈ ન શક્યો. એ બધાની સાથે જ ઊભો રહ્યો.
‘ના… એ તો યાદ જ ન આવ્યું.’ ગામના આગેવાન પાંચાભાઈ બોલ્યા, ‘જાઓ, કોક પોલીસને જાણ કરો….’
‘ઊભા ર્યો…..’ શેઠે કહ્યું. ‘જાણો છો? પોલીસ આવશે એટલે તરત જ પૂછશે – હકાને કોણે માર્યો?’
‘એ તો પૂછે જ. આપણે એ જ કામ છે. નિર્દોષ માણસને મારનારા એ ઘાતકી કોણ હશે?’ પાંચાભાઈ બોલ્યા.
‘પણ પોલીસ પૂછશે કે લાશ કોણે જોઈ? ક્યારે જોઈ?’ શેઠે તર્ક કરીને કહ્યું કે પોલીસના સવાલો વધશે.

હકાના મૃત્યુનું દુ:ખકારક વાતાવરણ થોડુંક ભેદાવા લાગ્યું. બધાને થયું – પોલીસનું લફરું સારું નહિ.

‘લાશ આપણે બધાએ જોઈ છે.’ હકા તરફ વધુ સહાનૂભૂતિ ધરાવતો યુવાન બોલ્યો.
‘એ સાચું. પણ પહેલાં કોણે જોઈ? એને જ વધુ હેરાનગતિ થશે. પોલીસ તેને પોલીસસ્ટેશન બોલાવીને પૂછી પૂછીને ઠરડ કાઢી નાખશે. અને અવારનવાર ધક્કા ખવડાવશે એ જુદા…’ શેઠ કહેતા હતા. સૌને એ સાચું લાગ્યું.

‘હકો આપણા ગામનો ખરો. આપણો ધરમ એને અવલમંજિલે પહોંચાડવાનો. પણ આ તો ખૂન. તેની લાશને અડકાય પણ નહિ. પોલીસનો ભરોસો નહિ. એ તો સામે લેતા પડે. એને તો ગમે તેમ કરીને તોડ કરવો હોય.’ ગામનો પસાયતો રહી ચૂકેલા નાનજી અદા બોલ્યા. અત્યાર સુધી આંખમાં આંસુ રાખીને, આંખો ભીની રાખીને હકાની વાતો કરતા હતા તે સૌની આંખમાંથી આંસુ ઊડી ગયાં.

‘પોલીસનું લફરું થાય તો ભારે પડે.’ સૌથી પહેલાં શેઠ ટોળા વચ્ચેથી સરવા લાગ્યા. ‘આપણે લાશ જોઈ જ નથી… આપણે કંઈ જાણતા જ નથી…..’

શેઠ પાછળ બીજા બેચાર જણ ખસી ગયા. શહેર તરફના છેડે ઊભેલા માણસો પાછા વળી ગયા. કોઈ અજાણી લાશ જોઈ હોય તેવી જ માત્ર લાગણી રહી. હકા તરફનું હેત ખંખેરવા લાગ્યું. હકો હકો ન રહ્યો. માત્ર એક લાશ બની ગયો. બધા વીખરાવા લાગ્યા, લાશ ત્યાં જ પડી રહી.

પોલીસને ખબર પડે એ પહેલાં સૌ ત્યાંથી જવા લાગ્યા, જેથી પોલીસ તેમને કોઈ સવાલ-જવાબ ન કરી શકે.

છેલ્લે કમરઅલી રહ્યો. પુલથી થોડે દૂર પાણીનું પાટોડું ભરેલું. ઘડીક પહેલાં ત્યાં જીવો ભરવાડ ભેંસોને નવડાવતો હતો. હવે તે પણ ચાલ્યો ગયો હતો.

હવે માત્ર કમરઅલી અને પેલી લાશ જ હતી. કમરઅલી થોડી વાર ઊભો રહ્યો. તે સૌની છેલ્લે આવ્યો હતો. અહીં પણ સૌની છેલ્લે ઊભો છે. તેને થયું, પોલીસ જાણશે તો મને જ સૌપ્રથમ લાશ જોનાર માની બેસશે. શું કરું? હકાની લાશને છોડી દઉં?

‘હા, ચાલ્યો જાઉં બધાની જેમ. આ લાશના ચક્કરમાં નથી પડવું. હકા જેવા નેક ઈન્સાનને મારનાર ઘાતકીને અલ્લાહ માફ નહિ કરે…’ કમરઅલી મનોમન આટલું બોલ્યો. ને એ પણ ગામ તરફ ઉતાવળે પગલે ચાલવા લાગ્યો.

અને એ જ ક્ષણે હકો ઊભો થઈ ગયો. મોં પર લગાડેલો લાલ રંગ પેલા પાણીના પાટોડામાં ઘસીઘસીને ઘોવા લાગ્યો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાનુપ્રસાદનું મહાકાવ્ય : વિક્રમ વેતાળની એક નવી વાર્તા
કલરકામ (હાસ્યલેખ) – મૃગેશ શાહ Next »   

17 પ્રતિભાવો : લાશ – વાસુદેવ સોઢા

 1. Sejal says:

  Really Amezing.
  Hako to Hako j rahyo

 2. Gira says:

  Wow…
  Yeah, Hako styed the same as he was before… innocent.

 3. અમિત પિસાવાડિયા says:

  ખરેખર અદ્દ્ ભુત વાર્તા છે , હકા એ બધા ની પરીક્ષા કરી લીધી . સ્વાર્થ બધા સગપણ ભુલાવી દે છે.

 4. prabha patel says:

  aab hakko kisaa dosti rakhga ya kisi bhi par bharosa nahi kar payaga,lakin ya to chalta aaya hai sukhka sab sathi ,dukh mai na koi. jab bahot bada jahaj pani mai dubna lagta hai to pahla chuha chod jata hai.

 5. Manisha says:

  Hello,

  Nice Story…. !! Hako (Character) is the only Good Human being .. Rest of the mean and selfish person. All are living life in this manner only .. AAAPNE SHU !!

 6. shouryaa says:

  what a nice story!
  and what abt the last line?
  hako wanted to create fun by this act but it exposed selfishness of his own near and dear ones.
  how bad he must have felt!

 7. nayan panchal says:

  તમારી સાથે ખરેખર કોણ કોણ છે એ તો ખરાબ સમયમાં જ ખબર પડે.

  સરસ વાર્તા.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.