તો બાત બન જાયે… – જયવતી કાજી

[‘જન્મભૂમિ દૈનિક’ માંથી સાભાર.]

‘પતિ-પત્ની શા માટે એકબીજાના જીગરી દોસ્ત નથી થઈ શકતાં ? વર્ષો સુધી એક છાપરા નીચે સાથે રહીને સંસારની જવાબદારીઓ નિભાવતાં હોવા છતાં ઘણી વખત બન્નેનું જીવન બે સમાંતર પાટા જેવું કેમ હોય છે ? બન્નેનાં દિલનો-લાગણીઓનો સંગમ કેમ નહિ થતો હોય ? પતિ-પત્ની એકબીજાના ખાસ ઘનિષ્ઠ અને અંતરંગ મિત્ર ન બની શકે ?’ શુચિતાએ પૂછ્યું હતું.
‘તું કેવી વાત કરે છે ! શુચિ ! સુમિત અને હું ખાસ મિત્રો છીએ. તમને પણ ઈર્ષા આવે એવા ગાઢ મિત્રો છીએ, પણ જો સુમિત છોકરી હોત તો અને અમે લગ્ન કરી પતિ-પત્ની બન્યાં હોત તો તમારી વચ્ચે આવી દોસ્તી ન હોત !’ રાત્રે જમીને અમારા દીવાનખાનામાં કૉફી પીતાં અમે બેઠાં હતાં ત્યારે સૌમિલ અને સુજાતાના સંબંધની વાત નીકળતાં અનુપે મજાકમાં કહ્યું હતું.

સૌમિલ અને સુજાતાનું પ્રેમલગ્ન હતું. બન્ને એક કૉલેજમાં સાથે ભણ્યાં હતાં. લગ્ન પહેલાં તેઓ લાંબો સમય સાથે ફરેલાં-સાથે સિનેમા-નાટક જોયેલાં. પિકનિક અને પર્યટનનો સાથે આનંદ માણેલો. પહેલાં પરિચય-પછી મૈત્રી – પછી પ્રેમ અને પછી પરિણય ! બન્નેને પ્રેમ થયો હતો. લગ્ન પહેલાં તેઓ બન્ને ખાસ મિત્ર હતાં, છતાં કોણ જાણે કેવી રીતે લગ્નનાં પાંચ-છ વર્ષ પછી તેઓ માત્ર પતિ-પત્ની બની રહ્યાં… લગ્ન થતાં મિત્ર મટી ગયાં… સાથે સાથે રહેવા છતાં બન્ને વચ્ચે મૈત્રીસંબંધ નહોતા. સહ-વાસ હતો, સહ-જીવન હતું, પણ તેમાં સાચું સાહચર્ય-સખ્ય નહોતું !
‘તારું અને નેહાનું કેમ ચાલે છે ?’ મેં પ્રશાંતને એક વખત પૂછ્યું હતું.
‘ઠીક ઠીક છે બધું…’ એણે મને ફિક્કા સ્મિત સાથે જવાબ આપ્યો હતો. સૌમિલ અને સુજાતા કે પ્રશાંત અને નેહાની જ આ વાત નથી. એમના દામ્પત્ય સંબંધની જ આ વાત નથી, પરંતુ તમને ઘણા પાસે આવો નિરુત્સાહી અને અનિશ્ચિત પ્રતિભાવ જ જાણવા મળશે. જેઓ કહે છે કે અમારો સંબંધ સારો છે, તેઓ પણ ઘણી વખત આ ‘સારો’ સંબંધ એટલે કેવો સંબંધ ? એ વિશે મૂંઝવણમાં હોય છે.

લગ્નનાં થોડાં વર્ષો થાય છે અને મનમાં થવા માંડે છે, સામી વ્યક્તિ બદલાઈ ગઈ છે ! પહેલાંના પ્રેમનો રંગ ફિક્કો થતો લાગે છે. પ્રેમમાં ઓટ આવતી હોય એવું લાગે છે. ક્યારેક દામ્પત્યજીવનમાં આવું બનતું હોય છે, તો ક્યારેક આવો ભ્રમ પણ થતો હોય છે. આવું કેમ થાય છે એનો શાંતિથી વિચાર કરીશું તો લાગશે કે વાસ્તવમાં આપણે પ્રેમ શું છે – પ્રેમ એટલે શું એ સમજતાં નથી હોતાં ! સંવનનકાળની સ્વપ્નીલ અવસ્થા – દામ્પત્યજીવનનો પ્રારંભિક સમય અને ગૃહસ્થ-જીવન-આમાં પ્રણયનો રંગ બદલાતો રહે છે. મશ્કરીમાં કહેવાય છે કે લગ્ન એટલે જ પ્રેમની મુગ્ધતાનું મૃત્યુ….. Death of Romance ! આપણે ઈચ્છીએ છીએ કે આવો રોમાંટિક પ્રેમ બસ, સતત ચાલુ રહે ! આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણો પતિ કે આપણી પત્ની આપણી લાગણીઓને-સ્પંદનોને ઝીલે – એને યોગ્ય પ્રતિસાદ આપે – આપણા દિલની ઊર્મિઓને – આપણાં શમણાંને સમજે અને એમાં સહભાગી થાય એવો એક દિલદાર – સંવેદનાનો સાથી આપણને સાંપડે. આવી કોઈ વ્યક્તિ મળી જાય તો બસ ! ‘જિંદગી બન જાયે.’

આવું સુભગ દામ્પત્યજીવન કેવી રીતે નિર્માણ થઈ શકે એની વાત જ્યારે હું લખી રહી છું ત્યારે મને ક્યાંક વાંચેલો આ સુંદર પ્રસંગ યાદ આવે છે. એક યુવાન છોકરી. અત્યંત સંવેદનશીલ, પ્રેમ વિશે-લગ્ન વિશે-જીવનસાથી વિશે એણે અનેક સુંદર સ્વપ્નાં સેવેલાં. એવી એક વ્યક્તિ એને મળી ગઈ. એ તો ખુશખુશ થઈ ગઈ. લગ્ન કર્યાં. ત્રણ-ચાર વર્ષ થયાં અને એને મનમાં થવા માંડ્યું : ‘આ શું થઈ ગયું ? મારે શું જોઈતું હતું અને શું મળ્યું ? પ્રેમમાં રોમાન્સ જ નહિ ? આવા શુષ્ક-નીરસ લગ્નજીવનને ટકાવી રાખવાનો શો ફાયદો ?’ અને એક દિવસ એના પતિને એ કહી દે છે : ‘આપણો સંબંધ મને બેચેન બનાવે છે. મને ગૂંગળાવે છે. મારી ભાવનાઓને તારા તરફથી પ્રતિસાદ નથી મળતો… આના કરતાં છૂટાં થઈએ તો ?’
પતિ આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો. ‘તને મારામાં-મારા પ્રેમમાં શી ઊણપ લાગે છે ? હું શું કરું જેથી તારો વિચાર બદલાય ?’ પતિએ એને પૂછ્યું.
‘તને હું કહું કે દૂર આવેલા પેલા પહાડની ટોચ પર એક સુંદર ફૂલ ખીલ્યું છે, એ મારે જોઈએ છે. તું મારે માટે એ ફૂલ તોડી લાવશે ? એમાં તારા જીવનનું જોખમ હોય – ખૂબ જ વિકટ હોય તોપણ તું મારે માટે એ ફૂલ ચૂંટી લાવે ખરો ?’
યુવાન સાંભળી રહ્યો, થોડી વાર રહી એણે કહ્યું, ‘આનો જવાબ હું તને કાલે આપીશ.’ આટલું કહી એ યુવાન ઘરનું બારણું બંધ કરી ચાલ્યો ગયો.

પેલી યુવતી મનમાં ને મનમાં એના પર ગુસ્સો કરતી બેસી રહી. એણે નહોતું કહેવું જોઈતું કે ‘તારે માટે આ ધરતી પરનું ફૂલ તો શું પણ આભના તારા પણ તોડીને તારા પાલવમાં મૂકું ?’ પણ એનામાં એવું બધું છે જ ક્યાં ? સાવ અરસિક થઈ ગયો છે !’ ગુસ્સામાં અને રડવામાં રાત વીતી ગઈ. એ સવારે ઊઠે છે અને જુએ છે, તો ડાઈનિંગ ટેબલ પર એક પત્ર. એના પર પેપરવેઈટ મૂકેલું છે. એ પત્રમાં એના પતિએ લખ્યું હતું :
‘હું તારે માટે ફૂલ તોડવા નહિ જાઉં. હું વખતોવખત તને ફૂલ અને નાનીમોટી ભેટ નથી આપતો. વાતવાતમાં ‘ડીઅર’ અને ‘ડાર્લિંગ’ નથી કહેતો. ઑફિસેથી થાક્યોપાક્યો આવી તને તરત ભેટી નથી પડતો. તારા સૌંદર્યની પ્રશંસા નથી કર્યા કરતો, પણ હું શું કરું છું તે જાણવું છે તારે ?

તારી મહેનત જ્યારે નિષ્ફળ જાય છે, તું નિરાશ થાય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહું છું. તારે ખભે હાથ મૂકું છું. કૉમ્પ્યુટર પર તું કામ કરતી હોય છે, જ્યારે તારા કોઈ સોફટવેર પ્રોગ્રામમાં મુશ્કેલી આવી પડે છે – એ રદ થઈ જાય છે અને તું નિરાશ થઈ સ્ક્રીન સામે આંખમાં આંસુ સારતી બેઠી હોય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહી મારી આંગળીઓથી તારાં અશ્રુ લૂછું છું. તને સાંત્વન આપી તારા કામમાં મદદ કરું છું. મારી ઈચ્છા તો આપણે બન્ને સાથે વૃદ્ધ થઈએ અને હું તારા દુ:ખતા પગને માલિશ કરું એ છે. મને ખાતરી થશે કે તને મારા કરતાં કોઈક વધુ ચાહે છે ત્યારે પહાડ પરનું ફૂલ ચૂંટ્યા વગર હું મરી જઈશ….’ પેલી યુવતી એના પતિનો આ પત્ર વાંચતી ગઈ અને રડતી ગઈ. એની આંખોમાંથી ઝરતાં અશ્રુઓથી કાગળના કેટલાય અક્ષરો છેકાઈ ગયા. પતિએ છેલ્લે લખ્યું હતું : ‘તેં મારો પત્ર વાંચી લીધો હોય અને સંતોષ થયો હોય તો તું આપણું આગલું બારણું ખોલજે. હું તારી રાહ જોતો ઊભો હોઈશ…. દૂધની બાટલી અને છાપાંની માફક…’
યુવતી દોડતી ગઈ અને બારણું ખોલ્યું. એનો પતિ ચિંતાતુર મોંએ દૂધની બાટલી અને તાજો બ્રેડ લઈ ઊભો હતો. યુવતીને ખાતરી થઈ ગઈ હતી કે રોમાન્સ એટલે પ્રેમનો ઊભરો. ફૂલ જેવો મોહક લાગે, પણ એનો રંગ પણ કાચો. રોમાંટિક ક્ષણો સંબંધની સપાટી પર હોય છે. ધીમે ધીમે સમય વીતતાં સાથે સુખ-દુ:ખ ઝીલતાં ઝીલતાં એ ગાઢ અને પાકો થતો હોય છે. આવો પ્રેમ જ જીવવા માટેનું પૂરતું બળ હોય છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવસંબંધ સંપૂર્ણ નથી હોતો, છતાં દરેક સંબંધ કોઈને કોઈ રીતે અનોખો હોય છે અને સંબંધ જે હોય તેને સજાગતાથી અને પ્રયત્નથી વધુ સુંદર અને રસમય બનાવી શકાય. એ માટે જીવનમાં નાનીમોટી વાતોને-સ્વભાવભેદને કે આદતોને બહુ વિરાટ સ્વરૂપ આપવાનું ન હોય. રાઈનો પહાડ ન બનાવાય. સમગ્ર વ્યક્તિ અને જીવનના પરિસરમાં જોઈએ તો એનું મહત્વ કેટલું ? પરંતુ, જીવનમાં મહદંશે તો રોજ રોજની પ્રત્યેક ઘડીએ નાની નાની બાબતો સાથે જ નિસબત રહેતી હોય છે. નાનીમોટી નિરાશાઓ અને મુશ્કેલીઓ વચ્ચે આપણે જીવવાનું હોય છે, એટલે જ સુખદ દામ્પત્યનો આધાર રોજિંદી કહી શકાય એવી નાની નજીવી ઘટનાઓને આપણે કેવી રીતે ઝીલીએ છીએ – એના પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ દાખવીએ છીએ એના પર રહે છે.

કોઈ મને પૂછે કે દામ્પત્યજીવન ઉત્સાહભર્યું-ધબકતું-ચેતનવંતુ કેવી રીતે રહી શકે ? એની પાછળ મુખ્ય કયું તત્વ કામ કરતું હોય છે ? તો કદાચ હું કહું કે જ્યારે પતિ-પત્ની બન્ને એકબીજાનાં ઘનિષ્ઠ અને પરમમિત્ર બની જાય ત્યારે… આનું મુખ્ય કારણ એ છે કે ગાઢ આત્મીય સહચર્ય માટે પ્રેમ તો આવશ્યક છે જ, પરંતુ મૈત્રી વગરનો પ્રેમ માત્ર શુષ્ક કર્તવ્યમાં ધીમે ધીમે સરી જતો હોય છે. પરંતુ જો પતિ-પત્ની લગ્ન પછી બન્ને એકબીજાનાં જીગરી મિત્ર બની શકશે તો ઘણું બધું આપોઆપ ઠીક થઈ જશે, કારણ ખબર છે ? બે સાચા મિત્રો એકબીજાની અપૂર્ણતા સમજી જાય છે અને એને સ્વીકારી લે છે. મિત્રો વચ્ચે વિચાર-વિનિમય અને ભાવસંક્રમણ થતું રહે છે. બે મિત્રો એકબીજાની વાત ધ્યાનપૂર્વક અને દિલપૂર્વક સાંભળે છે. જરૂર વખતે બન્ને ગંભીર બની જાય છે, નહિ તો બન્ને સાથે હસે છે, બોલે છે અને મજા કરે છે. સારા સમયમાં મિત્ર આનંદમાં ભાગીદાર બને છે અને મુશ્કેલીની વખતે સાથે ઊભો રહે છે. મિત્ર એકબીજાનાં સ્વપ્નાંની વાત સાંભળે છે અને એમાં ટેકો અને સાથ આપવાનો પ્રયત્ન કરે છે. બસ ! પતિ-પત્નીએ પણ જીવનમાં અન્યોન્ય માટે આટલું જ કરવાનું હોય છે ને ? એકબીજાનાં યોગદાનની કદર કરવાની હોય છે, આદર કરવાનો હોય છે.

મુશ્કેલી એટલા માટે ઊભી થાય છે કે લગ્ન પછી પહેલાં જે બે મિત્રો હતાં તે પતિ-પત્ની બની જાય છે ! પોતાના પાર્ટનર પાસે ખૂબ જ અપેક્ષાઓ રાખે છે. સતત એમની માગણી ચાલુ હોય છે અને પતિ કે પત્ની જાણે એમની માલિકીની ચીજ ન હોય એવાં ‘Possessive’ થઈ જાય છે. સ્વામીત્વ અને માલિકી ! આ બન્ને દામ્પત્યના સુકોમળ પુષ્પને મુરઝાવી દે છે ! દામ્પત્યજીવનનો આદર્શ સતત સમર્પણ નથી, પણ મને લાગે છે કે સખ્ય છે-મૈત્રી છે, જેમાં બેઉનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય-પરિપૂર્ણ સમર્પણ અને બન્નેનો વિકાસ ગૃહિત છે. જીવનમાં મૈત્રી અને સખ્ય તો સમાનતાની ભૂમિકા પર જ સ્થપાઈ શકે – જેમાં સંબંધ તૂટવાનો – ગેરસમજણનો કે માઠું લાગી જવાનો સતત ભય કે ગભરાટ ન હોય, પણ વિચાર-વિનિમયમાં મોકળાશ હોય….

તમારા સુખમાં અને દુ:ખમાં-સારા અને નરસા સમયમાં કોઈક તમારે પડખે ઊભું રહેશે એ મૈત્રીની આવશ્યકતા છે. પતિ-પત્ની બન્ને એકબીજાની સાથે ખુલ્લા દિલે પોતાની મુશ્કેલની, ચિંતાની કે વ્યથાની વાત કરી શકવા જોઈએ, પરંતુ ઘણી વાર પતિ-પત્ની પોતાનાં મનનાં દ્વાર બીજા સમક્ષ ખોલી શકતાં નથી. એમની વચ્ચે આવો વિશ્વાસ નથી હોતો તો પછી એકબીજાનાં અંગત-અંતરંગ ગાઢ મિત્ર કેવી રીતે બની શકે ? એમની વચ્ચે જ્યારે મૈત્રીનું સુંદર સરોવર લહેરાઈ શકતું નથી ત્યારે એ માત્ર સહ-વાસ જ રહે છે, સહજીવન બનતું નથી. પરંતુ એક વખત મૈત્રીનું પુષ્પ ખીલી ઊઠશે તો ‘સાત પગલાં’ સાથે ચાલીને આરંભેલું દામ્પત્ય આનંદના આકાશમાં ઊડવાની દિશા ઉઘાડી આપશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીર્ઘજીવનની વાતો – રણજીત પટેલ ‘અનામી’
પોષતું તે મારતું…! – હરેશ ધોળકિયા Next »   

18 પ્રતિભાવો : તો બાત બન જાયે… – જયવતી કાજી

 1. Neal says:

  wow what a great thoughts…

 2. Nimisha says:

  Excellent article on husband and wife’s relationship. I have got new meaning of friendship between husband and wife. And also wonderful message to the society.

  Thanks a lot Jayvati and also Mrugeshbhai. Keep continue writing such a nice article.

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. દરેક દંપતિએ વાંચવા જેવો લેખ.

  સહજીવન એટલે સાથે રહેવુ માત્ર નહિ સાથે જીવવુ પણ ખરુ જ.

 4. Very True…The qualities like giving space, respect towards each other, the habit of ignoring each others’ small faults that we find in friendship should also be there in relationship between husband and wife. Possessiveness should never be there in a relation between husband and wife, it dries the flower of relationship before it flourishes.

 5. nayan panchal says:

  It’s really very nice n thought-provoking article from Great Jayawatiben Kaji.

  Many Thanks

  nayan

 6. જયવતિ બહેન જ્યારે વિચારોના સમુદ્રમાં ડુબકી દઈને બહાર આવે ત્યારે હંમેશા તેમની મુઠીઓ સાચા મોતીથી ભરેલી જ હોય છે. સમસ્યાને બરાબર સમજવી, પછી તેનું યોગ્ય પૃથ્થકરણ કરવું અને પછી તેનો બધાને પસંદ પડે તેવો નહીં પણ બધાના જીવન ઉન્નત બનાવે તેવો ઉકેલ આપવો તે જયવતીબહેનની કલમની ખુબી છે. સુંદર લેખ અને જો તે બરાબર અનુસરવામાં આવે – ‘તો બાત બન જાયે’

 7. સુંદર લેખ …

 8. Sarika Patel says:

  ખરેખર સરસ લેખ
  આભાર જયવતિબહેન

 9. ભાવના શુક્લ says:

  મેન્સ આર કમ ફ્રોમ ધ માર્શ એન્ડ વિમેન્સ આર કમ ફ્રોમ ધ વિનસ…
  સ્વભાવગત અને પ્રકૃતિજન્ય ભિન્નતાતો રહેવાની જ. જયવતિબહેને કહ્યુ તેમ આ ભિન્નતાને પરિણામે જે તફાવત વિચારોમા હોય તેને સખ્ય દ્વારા ઓછો કરી નિર્મુળ સુધ્ધા કરી શકાય અને પછી સંસાર સોનાનો પરિણમે. ખુબ ધીરજનુ કામ છે. નાનકડો સંદેહ કે નાનકડી અવહેલના કરેલા પર પાણી ફેરવી શકે છે અને હતા ત્યા ને ત્યા… વર્ષો વીતી જાય અને સમાંતર જ રહી જવાય..સાયુજ્ય બને નહી.
  ખુબ સમજવા લાયક વાત છે.

 10. pragnaju says:

  તો બાત બન જાયે-વાંચતા થોડા વર્ષો પહેલા ખૂબ જાણીતું ગીત આપ જૈસા કોઈ મેરી જીંદગીમેં આયે–તો બાતને બદલે બાપની પેરડી સાંભળતા અને ટીકાઓનો ધોધ શરુ થતો!
  આ સર્વાંગસુંદર લેખ બદલ ધન્યવાદ્

 11. ઈન્દ્રેશ વદન says:

  ઘણો સુંદર લેખ!!

  મૃગેશભાઈ નો ફરી એક વાર આભાર, આવો સરસ લેખ શોધવા અને પ્રકાશિત કરવા બદલ.

 12. Geetika parikh dasgupta says:

  I just remember a quote from somewhere… I am not sure where it comes from…..
  What is a family? When a family goes to buy a house, children are those who looks for the swing in Backyard, Dad is the one who wants a parking garage, and mom is the one who measures cupboard size……

  It is all about believing in each other’s strength and shadowing weaknesses…. Nothing is perfect but everything is comprisable …….

  A ardent Gujarati reader from Kolkatta,
  Geetika

 13. Rekha Sindhal says:

  પ્રેમ હોય ત્યાં દિલ આપોઆપ ખૂલે છે. રાતદિવસ સાથે રહેતા હોવાથી મિત્રની જેમ અધુરપ સ્વીકારવી અઘરી છે. પહેલાં તો સ્વની અધુરપ ઓળખીને સ્વીકારવી પડે તો જ સામાની અધુરપ પ્રત્યે સહિષ્ણુતા વધે. ખૂબ સુંદર લેખ ! આભાર સહ…

 14. paras says:

  excellent… no words… simply great

 15. Kavita says:

  Jaywatiben has always given us something to think about. I would like to thank Mrugeshbhai for this article.

 16. Ashish Dave says:

  Honesty, trust, and respect are the true foundation of any relationship.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.