મારી વ્યાયામસાધના – જ્યોતીન્દ્ર દવે

અહીંના એક અખાડાના સ્નેહસંમેલન અંગે મને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળ્યું હતું. અખાડામાં જવાના મંપ ઘણી વાર અખાડા કર્યા છે પણ આ તો મુખ્ય મહેમાન તરીકે જવાનું હતું અને તે પણ સ્નેહસંમેલનમાં, એટલે મેં નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

આ જાતનાં સંમેલનોમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય ભાષણ કરવાનું હોય છે તે પ્રમાણે મેં પણ ત્યાં જઈને ભાષણ કર્યું. એ વિષય પર બોલવાની મારી યોગ્યતા વિશે ઉલ્લેખ કરીને, પછી હું અખાડાની પ્રવૃત્તિ ને વ્યાયામ વિશે બોલ્યો. અંતમાં મારો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક, પહેલવાન જેવા લાગતા એક ભાઈ, ઊભા થયા. એમના બોલવા પરથી એમણે શરીરને જેટલું કસ્યું હતું તેટલી જીભને કસી નહોતી એમ દેખાઈ આવ્યું. કસરત એમને કરતાં આવડતી પણ એ વિશે બોલતાં બહુ ફાવતું હોય તેમ લાગ્યું નહીં. એમણે મારે માટે થોડાંક સ્તુતિવચનો કહીને પછી ઉમેર્યું : ‘અમારા કેટલાક ભાઈઓને લાગતું’તું કે કોઈ કસરતબાજને મહેમાન તરીકે બોલાવવા, પણ અમે આ ભાઈના પર પસંદગી ઉતારી. એમણે આવીને અમને મજા કરાવી. પણ એમનું શરીર જોઈને અમને દયા આવે છે. એમણે નાનપણમાં જો કસરત કરી હોત, તો એ પણ મારા જેવા મજબૂત અને સંગીન બનત.’

મારી બાબતમાં બીજા ઘણા ભ્રમો પ્રવર્તે છે, તેમાં એક આ પણ છે કે મેં કોઈ દહાડો કસરત કરી નથી. વ્યાયામનો હું વિરોધ કરતો આવ્યો છું. અખાડે હું કદી પણ ગયો નથી, શરીર બળવાન બનાવવાની બાબતમાં હું હંમેશાં બેદરકાર ને બેપરવા રહ્યો છું. હું કબૂલ કરું છું કે મહેનત કરવી મને ગમતી નથી. નાનપણથી જ એ દુર્ગુણ મારામાં દાખલ થઈ ગયો છે. હજીયે એ ગયો નથી. જાય એવો સંભવ પણ દેખાતો નથી. પરસેવો પાડીને રોટલો રળવાનો સિદ્ધાંત મોઢેથી કદાચ મેં માન્ય રાખ્યો હશે, પણ હૃદયપૂર્વક હું કદી એનો સ્વીકાર કરી શક્યો નથી. તાવ આવ્યો હોય ત્યારે પરસેવો થાય ને હવે તાવ ઊતરી જશે, એવા અનુભવને આધારે થયેલી પ્રતીતિને કારણે મારા પરસેવાને હું આવકારયોગ્ય ગણી શકતો નથી.

આમ છતાં કસરત પ્રત્યે મેં કદી વાંધો લીધો નથી. વ્યાયામ કરવાથી શરીર સુધરે છે, એ બીજાઓના દાખલા પરથી હું સમજી શક્યો છું અને તે પરથી મારે વ્યાયામની સાધના કરવી જોઈએ એમ એક નહીં, અનેક વેળા મને લાગ્યું છે. પોતાના શરીરને સુધારવાનો પ્રત્યેક માણસનો ધર્મ છે, એ વિશે મને કદી પણ સંશય થયો નથી. બીજા કરતાં મારે એવી જરૂર ઘણી વધારે છે એમ ઘણાઓએ મને ઠોકી ઠોકીને કહ્યું ન હોત, તોપણ હું જાણી શકત. હું પહેલવાન નથી. એ દિશામાં આગળ વધવા માટે મેં પ્રયત્ન પણ નથી કર્યા પણ અમારા છગનકાકા કહેતા કે, ‘ભલે પરણ્યો નથી પણ જાનમાં ગયો હોઈશ ને !’ તેમ હું પણ પહેલવાન ભલે નહીં હોઉં, પણ મેં પહેલવાનો જોયા છે. એમને વ્યાયામની સાધના કરતા પણ જોયા છે. કેટલાકના તો હું પરિચયમાં પણ આવ્યો છું. મારા જેવાએ કેવી જાતની કસરત કરવી જોઈએ તેનું જ્ઞાન એમના તરફથી મને પ્રાપ્ત થયું છે. અને એ જ્ઞાન થયા પછી તેને આચરણમાં મૂકવા સારું મેં પ્રયત્નો પણ કર્યા છે.

નાનપણમાં મને વ્યાયામનું મહત્વ સમજાયું નહોતું પરંતુ એ મહત્વ સમજે એવા મારા વડીલ હતા અને એમણે મને અખાડે જઈને કસરત કરવા આગ્રહ પણ કર્યો હતો. તે વેળા સુરતમાં ચારપાંચ સારા અખાડા હતા. એમાંના એક અખાડાના ઉસ્તાદ મારા વડીલના ઓળખીતા હતા. એમણે જાતે અમારે ત્યાં આવીને મારા વડીલને મને અખાડે મોકલાવવા માટે સૂચન કર્યું અને મને પૂછ્યા વિના મારા વડીલે એમની વાતનો સ્વીકાર પણ કરી લીધો.
‘અલ્યા એઈ, કાલથી તારે જમના વેણીના અખાડે જવાનું છે.’ મારા વડીલે મને કહ્યું.
‘પણ એ અખાડો ક્યાં આવ્યો છે તે હું જાણતો નથી.’
‘આપણી પાડોશમાંના ગંગારામના છોકરા જાય છે તેની જોડે જજે.’
‘પણ ત્યાં જઈને મારે કરવાનું શું ?’
‘દંડ અને બેઠક.’
‘દંડ ને બેઠક તે શું હું જાણતો નથી ?’
‘તને ઉસ્તાદ શીખવશે.’
‘પણ ક્યાં સુધી એ કરવાનું ?’
‘પરસેવો થાય ત્યાં સુધી. પરસેવો પાડતાં નહીં શીખો તો માયકાંગલા રહી જશો.’

બીજે દહાડે વડીલની આજ્ઞાને માન આપીને હું ગંગારામના સુપુત્રો સાથે અખાડે ગયો.
‘આવી પહોંચ્યો ? ચાલ સારું થયું. બેસ અહીંયા’ કહીને ઉસ્તાદે મને બોલાવીને એમની પાસે બેસાડ્યો. પછી પૂછ્યું : ‘લંગોટબંગોટ લાવ્યો છે કે નહીં ?’
‘ના’ મેં કહ્યું.
‘કાલથી લેતો આવજે.’ કહીને એમણે મને ખમીસ કાઢીને ધોતિયાનો કછોટો મારવાનું કહ્યું. એમની આજ્ઞા અનુસાર એકવસન બની હું તૈયાર થયો.
‘બોલ, હવે શું કરવું છે ?’
‘અખાડામાં છેલ્લું શું કરવાનું હોય ?’
‘કુસ્તી.’
‘તો મારે કુસ્તી કરવી છે.’
મારો જવાબ સાંભળી ઉસ્તાદને આશ્ચર્ય થયું, ‘કુસ્તી ! અત્યારથે કુસ્તી ના હોય. કુસ્તી તો છેક છેલ્લે આવે.’
‘પણ મારે તો કુસ્તી જ કરવી છે.’ મેં આગ્રહ જારી રાખ્યો.
‘પણ તારું શરીર તો જો. આ શરીરે તું કુસ્તી કરી શકશે ?’
‘કરી શકીશ. તમે શીખવજો.’
‘પહેલાં દંડબેઠક-મલખમ કર, ને શરીરને તૈયાર બનાવ, પછી કુસ્તીનો વારો આવશે.’
‘ના, મારે તો કુસ્તી જ કરવી છે.’
‘ઠીક ત્યારે, કુસ્તીના કોડ પૂરા કર.’ એમ કહીને એમણે બૂમ મારી. ‘અરે નંદુ ! જરા આમ આવ તો.’

અમે બેઠા હતા ત્યાંથી જરાક દૂર એક લંબચોરસ ને ત્રણેક ફૂટ ઊંડો ખાડો હતો. એમાં મારા કરતાં કંઈક મોટી ઉંમરનો એક છોકરો પાવડા વડે ધૂળ ખોદતો હતો. એ બૂમ સાંભળીને તે પાવડો પડતો મૂકી કૂદકો મારીને આવી પહોંચ્યો ને ‘જી’ કહીને હાંફતો હાંફતો ઊભો રહ્યો. પરસેવા ને ધૂળના મિશ્રણ વડે એના શરીરનો રંગ હતો તેનાથીય વધારે કાળો ને કંઈક ચળકતો પણ લાગતો હતો. મને બતાવીને ઉસ્તાદે એને કહ્યું : ‘જો આને જરા દાવપેચ શીખવ.’
‘જી’ કહીને એ સીસમરંગી છોકરાએ મારા આખા શરીર પર નજર ફેરવી લીધી ને પછી કહ્યું : ‘ચાલો અખાડામાં’ અખાડામાં તો હું હતો જ. હવે આ અખાડામાંથી બીજા ક્યા અખાડામાં જવાનું છે તે ન સમજાયાથી, હું એના ને ઉસ્તાદના સામું વારાફરતી જોઈ રહ્યો.
‘જાઓ બચ્ચા ! ઊતરો અખાડામાં, બજરંગ બલીની જે !’ ઉસ્તાદે કહ્યું.
‘ચાલો.’ કહીને પેલા છોકરાએ મને ખેંચીને અખાડામાં ઉતાર્યો !
‘આ અખાડો ?’ મેં એને પૂછ્યું.
મારા અગાધ અજ્ઞાનથી આશ્ચર્ય પામી આંખો પહોળી કરીને એણે પ્રતિપ્રશ્ન કર્યો, ‘અખાડો નહીં તો બીજું શું ?’ ખાડાને આ લોકો અખાડો કહેતા હશે એવી કલ્પના મને શી રીતે આવે ?
‘ચાલો થાઓ તૈયાર’ સીસમરંગી બોલ્યો ને પછી જરાક દૂર ખસી બંને જાંઘ પર બે હાથ વડે પ્રહાર કરી, બે ઘન ને નક્કર પદાર્થો અથડાયા હોય એવો અવાજ કર્યો. આને તૈયારી કહેવાતી હશે એમ ધારી મેં પણ અનુકરણ કરી, બે હાથ વડે મારી જાંઘ પર પ્રહાર કર્યો. ખાસ અવાજ થયો નહીં. એણે જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વાળીને ડાબા હાથ વડે સૂજી આવીને ગઠ્ઠા જેવા થઈ ગયેલા ભાગને દબાવીને કહ્યું : ‘જોયો આ ગોટલો ?’

મેં પણ મારા જમણા હાથને કોણી આગળથી ખભા તરફ વાળ્યો ને પછી એના જેવો ગોટલો જમણા હાથ પર ઊપસી આવ્યો છે કે નહીં તે જોયું. પણ જે ભાગ જરાક ઊપસી આવ્યો હતો તે ગોટલા જેવો નહીં, પરંતુ પાકી કેરી જેવો હતો. છતાં મેં પણ, આ પણ તૈયાર થવાની ક્રિયાનો જ કોઈ ભાગ હશે એમ માની કહ્યું : ‘જોયો આ ગોટલો ?’
એકાએક એ હસી પડ્યો.
હુંયે હસ્યો – એ પણ તૈયારીની વિધિ હશે એમ માનીને.
‘હસો છો શું ? ચાલો, આવી જાઓ. હોશિયાર ! ખબરદાર !’ એમ કહીને એ મારા તરફ ધસી આવ્યો ને મારી બોચી પર બળપૂર્વક હાથ વડે ઘસરકો માર્યો. મને લાગ્યું કે મારું ડોકું ધડથી છૂટું પડી ગયું. પવનનો ઝપાટો આવે ને દીવો હોલવાઈ જાય તેમ એકાએક મારું જ્ઞાન વિલુપ્ત થઈ ગયું. એ ફરી પાછું જાગ્રત થાય તે પહેલાં તો એણે મારા પગ પર ખૂબ જોરથી ટાંગ મારી. ઉપર ને નીચે એમ બેવડો આઘાત સહન ન થવાથી મારું શરીર પડી ગયું. કારણ કે હું તો ક્યારનો પડી – ઊપડી ગયો હતો. બોચી પર થયેલા પ્રથમ પ્રહારે જ મારું અહંભાવનું જ્ઞાન જતું રહ્યું હતું. પણ શરીર પડ્યું તેની સાથે જ હુંપણાનું ભાન જાગ્રત થઈ ગયું ને હું ઊભો થઈ ગયો.
‘આમ એકાએક મારામારી પર ઊતરી પડીને તમે કરવા શું માંગો છો ?’ મેં એને પૂછ્યું.
‘ચીત.’ એણે કહ્યું.
‘વાતચીત ?’ મેં પૂછ્યું, ‘પણ એમાં મારામારી કરવાની શી જરૂર છે ?’
‘વાતચીત નહીં, ચીત !’
‘એટલે ?’
‘એટલે મારે તમને ચત્તા નાખી દેવા છે.’
‘ઓહ ! એમ ? ત્યારે એમ કહેતા કેમ નથી ?’
‘કહી બતાવે એ બીજા. હું તો કરી બતાવું છું.’ એમ કહીને એ જરા દૂર હઠી ફરીથી જંઘા ઠોકીને મારી સામે ધસી આવ્યો. પણ એ મને સ્પર્શ કરી શકે તે પહેલાં હું આસ્તેથી ચત્તો સૂઈ ગયો.
‘આ શું ?’ નવાઈ પામીને એણે પ્રશ્ન કર્યો.
‘ચીત !’ મેં જવાબ દીધો.
‘એમ ન ચાલે, ચાલો ઊભા થઈ જાઓ.’ એણે કહ્યું.

હું ઊભો થયો. એ પાછો જરા દૂર ગયો ને પેંતરા ભરતો મારી તરફ ધસી આવ્યો. ફરીથી હું, એ મને અડકી શકે તે પહેલાં, સમાલીને મને વાગે નહીં એ રીતે, ચત્તો સૂઈ ગયો.
‘આ શું કરો છો ?’
‘કુસ્તી.’
‘આનું નામ કુસ્તી ન કહેવાય. હું તમને અડકું તે પહેલાં સૂઈ કેમ જાઓ છો ?’
‘તમે મને ચીત કરવા માગો છો, ખરું ને ?’
‘હા.’
‘તો તમારી ઈચ્છાને માન આપીને હું ચીત થઈ જાઉં છું.’
‘પણ મારે તમને ચીત કરવાના છે, તમારી મેળે તમારે ચીત થવાનું નથી.’
‘આમે મારે ચીત થવાનું જ છે, તમે મને મારીને, ઈજા કરીને ચીત કરો, તે કરતાં હું મારી મેળે સમજીને ચીત થઈ જાઉં, એમાં મને વધારે સલામતી લાગે છે.’
‘પણ એ કુસ્તી ન કહેવાય. મને આમાં કંઈ મજા આવતી નથી.’
‘મને આવે છે.’
‘હું તમને દાવ નહીં શીખવું.’
‘ઉસ્તાદે હુકમ કર્યો છે. તમે એમના હુકમ પ્રમાણે નહીં કરો તો મારે ફરિયાદ કરવી પડશે.’
‘પણ આમાં મને કંઈ સમજ પડતી નથી. તમે કોઈ બીજા કને શીખો.’
‘એમ કેમ થાય ? ઉસ્તાદે તમને કહ્યું છે.’
‘પણ મને આ ન ફાવે. મને જવા દો.’
‘એક શરતે જવા દઉં. તમે કબૂલ કરો કે હું હાર્યો.’
‘હું હાર્યો એમ કબૂલ કરું ? તમારાથી હારી ગયો એમ ?’
‘કબૂલ ન કર્યું હોય તો ફરી આવી જાઓ. હું તૈયાર છું.’
‘ભલે, કબૂલ કરું છું.’

પછી એને લઈને હું ઉસ્તાદ પાસે ગયો. ઉસ્તાદે મને પૂછ્યું : ‘કેમ, કરી કુસ્તી ?’
‘હા, જી. આ હારી ગયા.’ મેં કહ્યું.
‘શું !’ ખૂબ નવાઈ પામીને ઉસ્તાદે પૂછ્યું ને પછી પેલા તરફ જોઈને કહ્યું, ‘આ શું કહે છે ? તું હારી ગયો આનાથી ?’
‘હા, જી’ ઉતરેલે ચહેરે એણે જવાબ દીધો.
‘તું દાવપેચ જાણે છે ?’ ઉસ્તાદે મને પૂછ્યું.
‘આપની મહેરબાની છે.’ મેં જવાબ દીધો ને બહુ જ ધીરેથી મનમાં બોલ્યો; ‘એ શરીરના દાવપેચ જાણતો હશે તો હું મગજના જાણું છું.’ અખાડેથી વિજય મેળવી હું ઘેર પાછો ફર્યો, ત્યારે મારા વડીલે પૂછ્યું : ‘અખાડે જઈ આવ્યો ? શું કર્યું ?’
‘કુસ્તી’ મેં જવાબ દીધો.
‘કુસ્તી ? શરૂઆતથી જ કુસ્તી ! કુસ્તી હમણાં નહીં કરવાની. હમણાં તો દંડ-બેઠક કરવાનાં. કાલથી દંડબેઠક કરજે.’

બીજે દહાડે અખાડે જઈને મેં ઉસ્તાદને કહ્યું : ‘મને ઘરેથી દંડબેઠક કરવાનું કહ્યું છે.’
‘તો કરવા માંડ. એ જ બરાબ છે, દાવપેચ પણ તને આવડે છે એટલે દંડબેઠક તો આવડતાં જ હશે.’
‘હાથમાં દંડ લઈને બેઠક પર શાંતિથી બેસી રહેવાનું એ જ ને ? એ મને આવડશે, પણ હું દંડ લાવ્યો નથી.’ ઉસ્તાદને પહેલાં તો લાગ્યું કે હું એમની મજાક કરું છું, પણ મારા મુખ સામું જોતાં એવો કોઈ ભાવ એમને જણાયો નહીં એટલે એમણે કહ્યું : ‘અલ્યા ! તને તો કંઈ જ ખબર નથી. પહેલાં પેલા લોકો દંડ ને બેઠક કરે છે તે બરાબર જોઈ લે. પછી કોઈકને તને શીખવવાનું કહીશ.’ એમ કહીને એમણે મને કેટલાક જણા દંડ પીલતા હતા ને બીજા કેટલાક બેઠક કરતા હતા, તેની પાસે જઈને બરાબર નિરીક્ષણ કરવાનું કહ્યું.

જે ભાઈઓ દંડ પીલતા હતા તેમની પાસે જઈને હું ઊભો રહ્યો. ભાનમાં હોય એવો કોઈ પણ માણસ ન કરે એવી ક્રિયા એ કરતા હતા. બંને હાથની હથેલી ને પગના અંગૂઠા વડે જમીનનો ટેકો લઈને, ઊંઘે મોંએ ઊંચા થઈને પછી જરા નીચા વળી, બંને હાથની વચમાંની જગમાંથી ડોકું લાંબુ કરીને બહાર કાઢી, વળી પાછા ઊંચા થઈને એની એ ક્રિયા કરતા એ માણસો જોઈને, એ કરવા શું માગે છે, તે મારાથી સમજી ન શકાયું. એ લોકો આ અક્કલ વગરની ક્રિયામાંથી પરવારીને ઊભા થશે ત્યારે પૂછી જોઈશ, એમ વિચાર કરીને હું બેઠક કરતા હતા તેમની બાજુએ ગયો. એ લોકો જે કરતા હતા, તે ક્રિયાને બેઠક શા માટે કહેતા હશે તે મને સમજાયું નહીં. એકલી બેઠક નહોતી; બેઠક-ઊઠક બંને હતાં. ઊભો રહેલો ‘બેસું’ ‘ન બેસું’ એનો નિશ્ચય કરી શકતો ન હોય તેથી, તે કમરનાં હાડકાંને તથા કરોડરજ્જુમાં કંઈક વાંધો હોય તેથી, સામાન્ય માણસની પેઠે તરત ન બેસી જતાં ઊભાં ઊભાં જ ધીમે ધીમે બેસવાનો યત્ન કરતો હતો. એમ કરતાં એને ખૂબ મહેનત પડતી હતી, તે એનાં તંગ થઈ ગયેલા મુખનાં ને ઈતર સ્નાયુ પરથી દેખાતું હતું. પણ ઘણી મહેનત પછી એ ક્રિયા એ પૂરી કરતો, ત્યાં તો એનો વિચાર ફરી જતો અને જમીન પર બરાબર બેસી જવાને બદલે, પાછો એ જ રીતે કષ્ટાતો-અમળાતો એ ઊભો થવાનો પ્રયત્ન કરતો. બરાબર ઊભા થઈ ગયા પછી ફરી પાછો એનો વિચાર બદલાઈ જતો ને બેસવું જ ઠીક છે એમ એને લાગતું. આ જે દંડ ને બેઠક કહેવાય છે તે કરનારા માણસોના શરીર મજબૂત છે, પણ મન ચંચળ ને નિર્બળ છે એમ મને લાગ્યું. એમને આમ ખૂબ પરિશ્રમ કરતા હું થોડી વાર સુધી જોઈ રહ્યો અને મને પરસેવો થઈ ગયો !

પરસેવો થયો એટલે હું ઘેર પાછો ફર્યો. મારા વડીલે મને પૂછ્યું : ‘દંડ-બેઠક કર્યાં ?’
‘હા, દંડ-બેઠક કર્યાં.’ મેં કહ્યું. હું અસત્ય નહોતો બોલ્યો. વાક્યમાં કર્તા અધ્યાહાર હતો. કોણે કર્યા એ મેં કહ્યું નહોતું. અને એમાં કહેવા જવું પણ શું હતું ? હું કરું કે બીજો કોઈ કરે. ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એ નરસિંહવાક્યને સ્મરીને મેં કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા વિના, માત્ર દંડ-બેઠક કર્યાં એટલું કહ્યું.
‘કેટલાંક કર્યાં – ક્યાં સુધી કર્યાં ?’ વડીલે બીજો પ્રશ્ન પૂછ્યો.
‘પરસેવો થાય ત્યાં સુધી.’
આ પ્રમાણે મેં વ્યાયામસાધનનાનો આરંભ કર્યો અને વચ્ચે એમાં લાંબા વખત સુધી વિક્ષેપ આવ્યો. વળી પાછા પંદરેક વર્ષ રહીને મેં એ સાધના આગળ ચલાવી. પણ એનું નોંધવા જેવું કોઈ પરિણામ આવ્યું નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પોષતું તે મારતું…! – હરેશ ધોળકિયા
જીવનમાં સુખી થવું છે ? – મુકુન્દ પી. શાહ Next »   

34 પ્રતિભાવો : મારી વ્યાયામસાધના – જ્યોતીન્દ્ર દવે

 1. Paresh says:

  મારા પ્રિય લેખક. આ લેખ, ઘણા સમયે વાંચવા મળ્યો. આભાર. ભદ્રં ભદ્ર ના અંશ પણ વાંચવા ગમશે!

 2. payal says:

  sache j ghana time pachi vanchyu, school ma hata tyare to bhanva ma aavtu hatu.

  School na diwas yaad aavi gaya.

 3. NimeshPanchal says:

  I had this story as a pross in std 1oth in Kumar bharti.
  Nice to read again.
  Thanks
  Nim

 4. nayan panchal says:

  મજા આવી ગઈ.

  ઘણા વખત પછી વાંચ્યો તો પણ એટલી જ મજા આવી.
  આભાર.

  નયન

 5. ુખુબ ઉત્તમ હાસ્યરસ. આવો સાત્ત્વીક હાસ્યરસ બીજે ક્યાંય મેં કદી માણ્યો નથી. મારી વીદ્યાર્થી અવસ્થાથી જ જ્યોતીન્દ્રભાઈ દવે મારા ખુબ જ પ્રીય લેખક રહ્યા છે. આવો સરસ લેખ આપવા બદલ મૃગેશભાઈનો ખુબ ખુબ હાર્દીક આભાર.

 6. Rahul M Pandya (રાહુલ) says:

  સાચે જ મઝા પડિ ગઇ !!!

  School ની યાદ તાજી થઈ ગઇ …
  શાળા મા આ પાથ ભણતિ વખતે અમે હસિ હસિ ને બેવડ વળિ ગયા હતા …

 7. Sarika Patel says:

  સરસ લેખ વાચવાનિ મજા આવિ ગઇ.

  આભાર .

 8. thakkar mukesh says:

  Like others, read this after many many years and enjoyed like before. Remembered my childhood and schooldays. thanks to Mrugeshbhai and of course Shri J.yotidra dave

 9. મારો પ્રિય લેખ.નાનપણમાં મેં કંઠસ્થ કરેલો અને જ્યારે મોકો મળે ત્યારે કુસ્તીના સંવાદો લોકોને કહી સંભળાવતો. સાચી કુસ્તીમાં તો મારું પણ જ્યોતિન્દ્રભાઈ જેવુ જ છે.

 10. Bhupendra Patel says:

  Very interesting and funny story.

  So much laughter is in it that I could not help but laugh in
  the presence of office staff. I forgot that I am sitting in the
  office.

  I remembered the school days and my childhood.

  A lot of thanks to Shri Mrugeshbhai and Shri Jyotidra Dave, who is
  and always would be my favourite writer.

 11. Piyush says:

  Good article.

 12. ભાવના શુક્લ says:

  હા, દંડ-બેઠક કર્યાં.’ મેં કહ્યું. હું અસત્ય નહોતો બોલ્યો. વાક્યમાં કર્તા અધ્યાહાર હતો. કોણે કર્યા એ મેં કહ્યું નહોતું. અને એમાં કહેવા જવું પણ શું હતું ? હું કરું કે બીજો કોઈ કરે. ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એ નરસિંહવાક્યને સ્મરીને મેં કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા વિના, માત્ર દંડ-બેઠક કર્યાં એટલું કહ્યું.
  ………………………
  જ્યોતિન્દ્રભાઈ જેવો વાસ્તવવાદી કટાક્ષ બહુ ઓછી કલમોમા જોવા મળે. પાઠ્યપુસ્તકમા વાચ્યા બાદ ભુલાઈ ગયેલ લેખ અહી મળી ગયો. આનંદ થયો.

 13. ઈન્દ્રેશ વદન says:

  One of the classic ones. Always fun to read Jyotindra Dave’s articles.

 14. DEVINA says:

  enjoyed a lot,thanks.

 15. pragnaju says:

  નાનપણથી અનેકવાર માણેલો લેખ હજુ પણ એવી જ રમુજ લાવે છે!

 16. Jatan says:

  હા હા હા, ખુબ ખુબ હસ્યો બહુ મજા આવી

  ‘આમ એકાએક મારામારી પર ઊતરી પડીને તમે કરવા શું માંગો છો?’

  ભાનમાં હોય એવો કોઈ પણ માણસ ન કરે એવી ક્રિયા એ કરતા હતા

  ખુબ સરસ

 17. Vishal Jani says:

  અરે મૃગેશભાઇ બાળપણ યાદ કરાવી દીધુ. સરસ

 18. asthasheth says:

  very funny ha…ha..ha.. very nice really nice very very nice……..

 19. Ashish Dave says:

  Reminded my school days as this used to be one of our primary school gujarti chapter.

  Thanks for posting.

  Ashish Dave
  Sunnyvale, California

 20. Nitya says:

  I was looking for this particular chapter for such a looong time. I had never forgotten the lines–“parsevo thay tya sudhi…” ,right from my school days. I am overwhelmed to have found this “treasure trove”.

 21. Nilesh Bhatt says:

  સમાજ તથા સામાન્ય માણસ જે વાત ને જે રીતે જોવે એ કરતા કઇંક જુદી જ રીતે જોઈ શકનાર વ્યક્તિ કલાકાર જ હોય. એમાં પણ જે વાત પોતાની નબળાઈ હોઇ શકે એ વાત ને એકદમ હળવાશ થી લેનાર વ્યક્તિ તો હાસ્યલેખક કે હાસ્યકલાકાર જ હોઈ શકે. આ જ વાત કદાચ “major concern to worry” હોઇ શકેત.

  સામાન્ય બેઠક ને દંડ જેવી કસરત વિશે લેખકનુ અદભૂત નિરૂપણ ખુબ જ પ્રશંસનીય છે.

  જ્યોતીન્દ્ર દવે નુ લખાણ વાંચવું એ એક લાહવો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.