- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનમાં સુખી થવું છે ? – મુકુન્દ પી. શાહ

[‘જીવનમાં સુખી થવું છે ?’ પુસ્તકમાંથી કેટલાક ચૂંટેલા લેખો સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સ્વાર્થ છોડે તે જગ જીતે

માનવીમાત્રની એ સ્વાભાવિક ઈચ્છા હોય છે કે સારીયે જિંદગી તે સુખચેનથી વિતાવે પણ સુખ ને શાંતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તેની જાણ તેને નથી હોતી. આ જગતમાં બધા કાંઈ ભણેલગણેલ અને વિદ્વાન નથી હોતા, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે મોટા વિદ્વાન હોવું જરૂરી નથી. કેટલીક સામાન્ય લાગતી વાતોને સુપેરે સમજી લેવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો સુખ અને શાંતિ મળે છે જ. અશાંતિનું મૂળ સ્વાર્થમાં છુપાયેલું હોય છે.

જે માનવી કેવળ પોતાના માટે જ જીવે છે, રાતદિવસ કેવળ પોતાનાં જ સુખ ને આનંદ માટે વિચાર્યા કરે છે અને ચિંતા સેવે છે તે કદીય સુખ પ્રાપ્ત કરી શકતો નથી. સુખ અને શાંતિ તેનાથી દૂર રહે છે. જે માનવી બીજા માટે જીવે છે તેને જે જે વસ્તુની અપેક્ષા હોય છે તે સર્વ તેને મળી આવ્યા વિના રહેતી નથી. બીજાઓનો સહકાર, શુભેચ્છા, નિ:સ્વાર્થ વ્યક્તિ જ મેળવી શકે. સ્વાર્થી વ્યક્તિને આ લાભના વિષયમાં કશી જ જાણકારી હોતી નથી. એક વિદ્વાનનું કહેવું છે કે ‘સ્વાર્થી વ્યક્તિ ક્યારેય સુખ અને સંતોષ પ્રાપ્ત કરી શકતી નથી. જે વ્યક્તિની ચિંતા, વ્યવહાર અને કર્મ બીજાની સેવાને માટે હોય છે તે વાસ્તવમાં અત્યંત ચતુર અને બુદ્ધિમાન છે. સ્વાર્થત્યાગની કલામાં જે પાવરધો છે, તે દુનિયાને જીતી લે છે. જે પ્રગતિ અને સુખની કલ્પના પણ એણે કરી નથી હોતી તે અનાયાસે એને મળી જાય છે. તમે સ્વાર્થી બનીને મૂર્ખ ન બનશો. તમે થોડા દિવસ માટે તમારા સ્વાર્થનો ત્યાગ કરીને જુઓ કે એથી તમને કેટલો બધો ફાયદો થાય છે. પણ સારું તો એ છે કે તમે ત્યાગના ફાયદા માટે કશું જ વિચારશો નહિ. પછી જો જો કે તમે અનાયાસે અને અકસ્માતે બધા પ્રકારના સુખનો અનુભવ કરી શકો છો કે નહિ.’

ભણ્યા વિના બુદ્ધિનો વિકાસ થતો નથી. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના દષ્ટિકોણ મુજબ બીજાને નહિ જુએ પણ બધા પ્રત્યે એકસરખો પ્રેમાળ વ્યવહાર રાખશે. એથી ક્યારેય ગેરસમજ નહિ થાય. ગેરસમજથી અનેક દુ:ખદ બાબતોનું નિર્માણ થાય છે. માટે શિક્ષણ મેળવવું જરૂરી છે. અન્યના મનોભાવ સમજી ન શકવાને કારણે કજિયાકંકાસ થાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ આ અંગે સદાયે સાવચેત રહે છે અને ભૂલેચૂકે કોઈથી અઘટિત કાર્ય થઈ જાય તો તે સામા પર ગુસ્સે થતી નથી. ગુસ્સાનું કારણ સમજી જઈને તેને માફ કરી દે છે. પણ મૂર્ખ અને અજ્ઞાની વ્યક્તિ એ વાતને મનમાં સંઘરી રાખી મહિનાઓ સુધી મનમાં ને મનમાં દુ:ખી થાય છે.

યાદ રાખો કે ક્ષમાથી ચડિયાતો એક પણ સદગુણ નથી અને મહાવરાથી ક્ષમા આપવાનો ગુણ કેળવી શકાય છે. સુખી થવાનો આ પણ એક રસ્તો છે.

[2] સદવિચારો જ કરજો

કેટલાક માનવીઓનું માનવું એવું હોય છે કે આપણે મનમાં જે કાંઈ વિચાર કરીએ છીએ એનું મહત્વ નથી હોતું પણ આપણા કાર્યનું મહત્વ હોય છે, કારણ કે એનું પરિણામ આવે છે. પણ આ માન્યતા ભૂલભરેલી છે. વિચાર એ મંજિલનું પ્રથમ પગથિયું છે. મગજમાં પ્રથમ વિચાર આવે છે અને પછી જ કાર્ય થાય છે. નકારાત્મક વિચાર કરવાને બદલે સર્જનાત્મક તથા ઉચ્ચ અને આશાવાદી વિચાર કરવા હિતાવહ છે. શક્તિશાળી વ્યક્તિઓ પણ પોતાનું જીવન ક્ષુદ્ર કાર્યમાં વ્યતીત કરી નાંખે છે એ જોઈ ઘણાને આશ્ચર્ય થાય છે. પણ એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. આનું કારણ બીજું કશું નહિ પણ તેમના મનમાં હંમેશાં નિરાશાપૂર્ણ વિચારો ઉત્પન્ન થતા હતા તે છે.

‘અમે કમનસીબ છીએ’ એવો વિચાર તમારા મનમાં ભૂલેચૂકે પણ પ્રવેશ ન પામે એ માટે તમે તકેદારી રાખવાનું ભૂલશો નહિ, કેમ કે આ પ્રકારનો વિચાર મનમાં સંઘરી રાખવો અત્યંત નુકશાનકારક છે. સત્ય વાત તો એ છે કે આપણા મગજની બહાર નસીબની કોઈ જ સત્તા નથી. આપણે જાતે જ આપણા ભાગ્યનિર્માતા છીએ. પોતાના વિચારો પર કાબૂ મેળવ્યા વિના કોઈપણ માનવી વિજય મેળવી શકતો નથી. નકારાત્મક કે આળસુ વિચાર ભૂલેચૂકે પણ જો તમારા મનમાં પ્રવેશી પ્રવેશી જશે તો પછી એવા જ પ્રકારના વિચારોની હારમાળા એક પછી એક તમારા મનોપ્રદેશમાં અડ્ડો જમાવવા લાગશે અને પછી તો કાયમ એવા નિરાશાવાદી નિરાશાવાદી વિચારો કરવાની તમારા મનને ટેવ પડશે.

ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, નુકશાન, માંદગી, દુ:ખ, અસફળતા, ભય વગેરે હાનિકારક વિચારો કરવાને બદલે પ્રેમ, સફળતા, નિર્ભયતા, વિશુદ્ધિ, સુખ, શાંતિ, સાહસ અંગેના વિચારોને મનમાં સ્થાન આપજો. કેમ કે આવા વિચારો કરવા એ સુખની ચાવી છે. ઉત્તમ વિચાર એ બહુમૂલ્ય સંપત્તિ જેવા છે. તમારી ઉન્નતિ થઈ રહી છે એવો વિચાર તમે કર્યા કરશો તો ઉન્નતિના માર્ગે લઈ જનારા કાર્ય તરફ તમે આપોઆપ વળી જશો. આ એક અનુભવેલી વાત છે. તમારા મનમાં કદીયે લઘુતાગ્રંથીને સ્થાન આપશો નહિ. તમારા વ્યક્તિત્વની ઓછી કિંમત આંકશો નહિ. તમારી જાતને દુર્બળ, અશક્ત કે પતિત માનશો નહિ. પણ બધી રીતે શ્રેષ્ઠ અને ઉત્તમ માનજો. તમારા માટે ઉત્તમ વસ્તુઓની આશા રાખો. એવું ન વિચારશો કે ‘અમે તો જીવનભર નાનાં નાનાં કામ કરવા માટે જ જન્મ્યા છીએ.’ એક વિદ્વાનનું કહેવું છે કે ‘જે માનવી પોતાના મનને ઉચ્ચ અને પ્રોત્સાહક તેમજ આશાવાદી અને આનંદદાયક તથા ઉલ્લાસયુક્ત વિચારોથી ભરેલું રાખે છે તે કદીયે નિષ્ફળ જતો નથી.’

[3] ટેન્શનથી કેમ બચશો ?

તાણ (ટેન્શન) ‘બોધરેશન’ એ આદિકાળથી માનવમાત્રને ત્રાસ આપી રહેલ છે. ભય હોય ત્યારે એની પર વિજય મેળવવા માટે શરીર જ્યારે સક્રિય બને છે ત્યારે તે વખતે જે સંવેદન અથવા લાગણી માનવીના મનમાં જાગે છે એને આપણે તાણ-દબાણ-ટેન્શન-તનાવ કહીએ છીએ. તાણનું મુખ્ય કારણ ભય છે અને ભયનાં તો અનેક કારણો હોય છે. માનસશાસ્ત્રની માન્યતા છે કે ઉંમરલાયક વ્યક્તિના ટેન્શનમાં મોટા ભાગનાં કારણો પાછળ બાળપણના તેના અનુભવો હોય છે. ભય તથા અન્ય માનસિક ગ્રંથિઓ જે બાળપણમાં લાદવામાં આવી હશે તે અચેતન મનમાં દબાયેલી પડી રહે છે. અને મોટપણે તે રહસ્યાત્મક રૂપમાં કાર્ય કરવા માંડે છે અને તે વ્યક્તિ માટે હાનિકારક નીવડે છે.

તાણથી માથાનો દુખાવો, બ્લ્ડ પ્રેશર, વા, ગેસ્ટ્રીક અલ્સર, હૃદયરોગ અને બીજાં ઘણાં દરદો થાય છે. આ સંસારની માયા માનવી જ્યાં સુધી સંપૂર્ણપણે મૂકી ન દે ત્યાં સુધી તે તાણમાંથી મુક્ત થઈ શકતો નથી પણ તેની અસર તો અલબત્ત, ઓછી કરી શકે છે જ. એ માટેના ઉપાયો મિ. સેગિટેરિક્સે પોતાના એક લેખમાં આ પ્રમાણે બતાવ્યા છે :

(1) જેના પર તમને વિશ્વાસ હોય તેને તમારી સમસ્યા જણાવો અને તેનું સમર્થન મેળવો. માનવતાપૂર્ણ સહાનુભૂતિ જાદુઈ અસર કરે છે…. ક્યારેક તો તે દવાઓ કરતાં વધુ કામિયાબ નીવડે છે. સમસ્યા રજૂ કરવાથી તેનો ઉકેલ પણ મળી આવે છે.
(2) મૂળ સમસ્યાને થોડા સમય માટે ભૂલી જાઓ. એથી મનમાં તાજગી આવશે અને બીજી રીતે હલ કરવાનો રસ્તો સૂઝશે.
(3) એક જ સમયે એક જ કામ કરો. એથી ટેન્શનથી બચી જવાય છે.
(4) શક્તિ બહારની ઈચ્છાઓ નહિ રાખવાથી તાણની સ્થિતિ પેદા થતી નથી.
(5) શાંતિ રાખો.
(6) ટીકા પ્રત્યે બેદરકાર રહો. બધા પાસેથી પ્રશંસાની આશા રાખવી વ્યર્થ છે. અન્યની પ્રગતિને આદરથી જુઓ. ભલે તમે તેને મદદ ન કરી શકો પણ માનપૂર્વક તો જુઓ.
(7) તમારી ભૂલોનો સ્વીકાર કરજો. એથી ક્યારેક તો એવાં સારાં પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.
(8) અન્યને મદદ કરજો. દુ:ખ ભૂલવા અને સદભાવ મેળવવાનો આ સહેલો રસ્તો છે.
(9) કોઈ સાથે ઝઘડો થયો હોય કે ગેરસમજ થઈ હોય તો તેનું સમાધાન કરવા પહેલ કરજો. આવે વખતે પહેલ કરવી એ ફાયદાકારક છે.
(10) નવરાશને સમયે તમને ગમતું કાર્ય કરજો. તાણ દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. ઊંડા શ્વાસોશ્વાસ તથા ધ્યાનમાં બેસવાથી પણ ટેન્શનમાંથી મુક્ત થઈ શકાય છે.

[4] સ્નેહપૂર્ણ વ્યવહાર

આ પૃથ્વી પર એવી કેટલીક વસ્તુઓ છે જે મેળવવા માટે પૈસા ખર્ચવા પડતા નથી અને જેના ઉપયોગથી પૈસા જે કામ કરી શક્તો નથી તે કામ તે કરી શકે છે. એમાંની એક છે સહાનુભૂતિ. તમારા કોઈ સંબંધીની તબિયતના સમાચાર પૂછવા તમે હૉસ્પિટલ જવાનો પ્રસંગ આવે ત્યારે દરદીની તબિયત અંગે શાંતિથી પૂછપરછ કરો. તેની વાત સહાનુભૂતિથી સાંભળી તેને આશ્વાસનના બે શબ્દો કહેશો તો તેને એટલું બધું સારું લાગશે કે વાત જ ન પૂછો. પોતાના પ્રત્યે હમદર્દી દાખવનાર પણ કોઈ છે એ વાતની પ્રતીતિ સામી વ્યક્તિને થતાં જ એ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. હા, સહાનુભૂતિના શબ્દોમાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ.

તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે ‘મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ?’ જો તમે સંપૂર્ણ ન હો તો બીજાના દોષ જોવાનો તમને અધિકાર નથી. અને ધારો કે તમે દોષરહિત છો તો પણ અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો.

જગતમાં આપણે બધા જ માનવીઓ છીએ અને માનવતા પણ જગતમાં રહેલી છે. તો પણ આપણામાંના ઘણા એકબીજાથી ભય પામીએ છીએ. જાણીતા વિચારક અને લેખક સત્યકામ વિદ્યાલંકારનું કહેવું છે કે, ‘માનવી એકબીજાનો ડર રાખે છે એના કારણ માટે તમે કદી વિચાર્યુ છે ખરું ? જગત આપણા સૌને માટે છે અને આપણે સૌએ આપસમાં એકબીજાને મિત્ર સમજવા જોઈએ અને એકબીજાને ચાહવા જોઈએ. આ જગત અત્યંત વિશાળ છે. એમાં હ્સવા, ખેલવા માટે પૂરતો અવકાશ છે. તો પણ આપણે કેટલા વિચિત્ર છીએ ? જ્યારે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરતા નથી ત્યારે બીજાઓ સમક્ષ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવા માંડીએ છીએ. જો કોઈ વ્યક્તિ આપણા જેવી નથી હોતી તો તેનું સૌથી મુખ્ય કારણ એ છે કે આપણે પણ તેમના જેવા નથી હોતા. એ બધી વાતો જવા દઈએ પણ આખરે તો આપણે બધા માનવી તો છીએ ને ?’ આપણે એકબીજાને સારી રીતે ઓળખવા જોઈએ. અધિક સહિષ્ણુ બનવું જોઈએ. અધિક ઉદાર, વધુ સહાયક અને લેવા કરતાં આપવાની ટેવ પાડવી જોઈએ. એકબીજાને મદદરૂપ બની શકીએ એવી ટેવ પાડવી જોઈએ. એકબીજાને પ્રેમ કરી શકીએ અને એકબીજાના જીવનને વધુ સુંદર બનાવી શકીએ એવો વર્તાવ રાખવો જોઈએ.’

તમે તમારા ઘરથી જ શરૂઆત કરો અને તેનું પરિણામ જુઓ. તમારા કુટુંબની પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી ચાહવા લાગો. તેમની વાત શાંતિથી સાંભળો. તેમને કોઈ અગવડ હોય, કોઈ દુ:ખદર્દ હોય તો સહાનુભૂતિ વ્યક્ત કરો. તેમને આશ્વાસન આપો. દુ:ખ-દર્દમાંથી તેમનો છુટકારો અવશ્ય થશે જ એવી આશા આપો. તમારા એવા પ્રેમાળ વર્તાવથી તમારું કુટુંબ તમને હૃદયથી ચાહવા લાગશે. આ જ પ્રમાણેનો વર્તાવ તમારા મિત્રમંડળમાં કરજો. તમારા આશ્ચર્ય વચ્ચે તમે જોશો કે એમ કરવાથી તમારું મિત્રમંડળ ઝડપથી વધવા માંડશે. તમને તેઓ હૃદયથી ચાહશે. તમારો આદર કરશે અને તમને આવકારશે.

તમે જો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખશો તો અન્ય પણ તમારા પ્રત્યે એવો જ ઉમદા વ્યવહાર રાખશે એમાં શંકાને સ્થાન નથી. આ જગત તમે માનો છો એટલું ખરાબ નથી. ઠેરઠેર ભલમનસાઈ, માનવતા પડેલી છે જ એ તમે ક્યારેય ભૂલશો નહિ. તમારો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર એ માનવતાને જાગૃત કર્યા વિના નહિ રહે. અને જાગૃત માનવતા શું નથી કરી શકતી એ જ પ્રશ્ન છે. માનવતા જેવો બીજો કોઈ ધર્મ નથી. માનવતા અને સ્વર્ગને છેટું નથી. સ્વર્ગીય સુખ ઈચ્છનારે સાચા માનવી બનવું જ પડે.

[કુલ પાન : 40. કિંમત રૂ. 20. પ્રાપ્તિસ્થાન : કુસુમ પ્રકાશન, 61/એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-380 007. ફોન : +91 79 26600959]