- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઈન્ટરનેટ પર જામતો ગુજરાતી ડાયરો – હિમાંશુ કીકાણી

[કોઈ વ્યક્તિ રસ્તા પર બે હાથ પહોળા કરીને ચાલે એ તે વ્યક્તિનો કોઈ વિશેષ ગુણ નથી; સહજ અને સ્વાભાવિક ઘટના છે. પરંતુ એ વ્યક્તિ જો એ જ રીતે પાતળા દોરડા પર સમતોલ રહીને ચાલી બતાવે તો એને અવશ્ય કલા માનવી પડે. કંઈક આવી જ વાત ગુજરાતી બ્લોગરોની છે. આજના સમયમાં રોજિંદા નોકરી-ધંધાની અનેક સમસ્યાઓ, પરિવારની જવાબદારીઓ, બાળકોનો ઉછેર-અભ્યાસ – આ બધાની સાથે સમતુલન સાધીને ગમતાનો ગુલાલ કરનારા તમામ બ્લોગરોની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા ખરેખર વંદનીય છે. કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને મોટી ઉંમરના વડીલો, દેશ-પરદેશમાં વસતા ભાષાપ્રેમીઓ, ગૃહિણીઓ અને વિવિધ ક્ષેત્રના કેટલાય સાહિત્યરસિકોનો આમાં સમાવેશ થાય છે. સમાજના જુદા જુદા ક્ષેત્રમાં થતી શુભપ્રવૃત્તિને વાચકો સમક્ષ મુકવાનો રીડગુજરાતીનો એક સહજ ઉપક્રમ રહ્યો છે; તેના અનુસંધાનમાં આજે ઈન્ટરનેટ જગતને પણ સ્મરી લઈએ. હિમાંશુભાઈએ તાજેતરના દિવ્ય ભાસ્કરના દિવાળી અંક ‘ઉત્સવ’માં આ ગુજરાતી ઈન્ટરનેટ જગતની શરૂઆતથી લઈને આજ સુધીની વિકાસયાત્રા સંક્ષેપમાં સુંદર રીતે વર્ણવી છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી હિમાંશુભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે himanshu@aalekhan.com સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર. – તંત્રી, મૃગેશ શાહ.]

ઈન્ટરનેટ પર ગુજરાતી ક્યાં અને કેટલે છે ? જવાબ મેળવવા યુનિકોડ ફોન્ટની મદદથી એક નાનકડો પ્રયોગ કરીએ. યુનિકોડ એક પ્રકારના ફોન્ટ છે (અને મફત છે !) આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઈન્ડિકા, ભાષાભારતી, આકૃતિ, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે અંગ્રેજીમાં ‘એરિયલ’ ફૉન્ટમાં લખેલું લખાણ ‘ટાઈમ્સ ન્યૂ રોમન’ નામના ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. ઈન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઈટનો ફેલાવો બહુ ઓછો રહ્યો હતો. આમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું યુનિકોડ. એ શું છે ? યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે. નામ પ્રમાણે એ યુનિફોર્મ, બધે ચાલે ને નેટ પર તો દોડે એવા ફોન્ટ છે. ઈન્ટરનેટ પર ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં પ્રાદેશિક ભાષામાં માત્ર યુનિકોડની મદદથી સર્ચ કરી શકાય છે. વેબસાઈટ કોઈ પણ ફોન્ટની મદદથી બનાવી શકાય, પણ એને સર્ચ કરવા માટે સાઈટ યુનિકોડમાં હોય તો જ વાત જામે. એટલે જ, હવે વિશ્વસ્તરે, પ્રાદેશિક ભાષાઓમાં યુનિકોડમાં જ સાઈટ તૈયાર કરવાનો ટ્રેન્ડ છે.

આજે યુનિકોડથી, હિન્દીમાં ‘ભારત’ સર્ચ કરતાં 0.26 સેકન્ડમાં 41 લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. અંગ્રેજીમાં ‘ગુજરાત’ સર્ચ કરતાં 0.08 સેકન્ડમાં 1.37 કરોડ વેબપેજનું લિસ્ટ મળે છે અને ગુજરાતીમાં ‘ગુજરાત’ કરતાં ? હૈયું સાબૂત રાખજો ! 0.2 સેકન્ડમાં 1.85 લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. શું વાત છે ! વાત પ્રોત્સાહક છે. હૈયું થોડું હરખાય એવું છે. ઈન્ટરનેટ પર ગુજરાતી ડાયરો જામી રહ્યો છે. ઈન્ટરનેટ પર વિકિપીડિયા નામનો એક નિ:શુલ્ક મહાવિશ્વજ્ઞાનકોષ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં માહિતીપ્રદ લેખ લખીને યોગદાન આપી શકે છે. આજે હિન્દીમાં 20,000થી વધુ, મરાઠીમાં 18,000, તામિલમાં 14,000 જેટલા અને તેલુગુમાં 40,000 જેટલા લેખ છે. સંસ્કૃતમાં 3,850 અને ગુજરાતીમાં 1,711 લેખ છે.

એક સમયે ડોટ.કોમનો બબલ ફૂટ્યા પછી મોટા ભાગે દુનિયાએ ઈન્ટરનેટના નામનું નાહી નાખ્યું હતું. એમાં આજે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. મોટી મોટી કંપનીઓને ઈન્ટરનેટની તાકાતમાં વિશ્વાસ બેઠો છે. ભારતમાં, ખાસ કરીને યુવા વર્ગમાં એનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. હવે ઈન્ટરનેટ ઈન થિંગ છે. વિશ્વમાં ગુજરાતી ભાષા જાણતા લોકોની વસતી છએક કરોડ હોવાનો અંદાજ છે અને સમગ્ર વિશ્વમાં સંવાદ માટેનું સૌથી સગવડિયું સાધન ઈન્ટરનેટ છે. આમ છતાં, ઈન્ટરનેટ પર ઝાઝું વપરાતી ભાષાઓમાં ગુજરાતીનું નામ ક્યાંય દેખાતું નથી.

[ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ]
ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા કેટલીક વિસ્તરી છે એ જાણતાં પહેલાં થોડી વાત બીજી ભાષાઓની કરી લઈએ. દુનિયાની લગભગ 21 ટકા વસતી સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને તેનો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજીમાં થાય છે. બીજા ક્રમે ચાઈનીઝ અને પછી સ્પેનિશ, જાપાનીઝ, ફ્રેન્ચ વગેરે ભાષાઓનો ક્રમ આવે છે. ભારતની કુલ વસતી ધરખમ છે, પણ સાથે ભાષાનું અપાર વૈવિધ્ય છે એટલે પણ કદાચ ટોપ લેંગ્વેજીસની યાદીમાં હિન્દી ક્યાંય જોવા મળતી નથી. ભાષાવિજ્ઞાનની રીતે જોઈએ તો, આપણું, માનવજાતિનું ભાષાવિજ્ઞાન અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. પહેલો તબક્કો, જેમાં બોલાતી ભાષા વિકસી. બીજા તબક્કામાં ભાષા લખાવાનું અને પ્રિન્ટ થવાનું શરૂ થયું અને ત્રીજા તબક્કામાં ભાષાએ ડિજિટલ સ્વરૂપ લીધું. એ પછી તો ભાષાને કોઈ અંતરાય, કોઈ બંધન કે કોઈ સીમાડા રહ્યા નથી. કમ્પ્યૂટરની શોધ થઈ અને ઈન્ટરનેટનો ઉદ્દભવ થયો એ સાથે વિશ્વની મોટા ભાગની ભાષાના વિદ્વાનોએ પોતાની ભાષાને ડિજિટલ સ્વરૂપ આપી નવી ટેકનોલોજીનો બને તેટલો લાભ લણી લેવાની મથામણ આદરી.

ભારતીય ભાષાઓમાં પણ આ પ્રયાસો શરૂ થયા. આ બાબતમાં પણ દક્ષિણનાં રાજ્યો આગળ રહ્યાં. ત્યાંની યુનિવર્સિટીઓમાં આ બાબતે મોટા પાયે સંશોધનો શરૂ થયાં. સ્થાનિક ભાષાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ શક્ય બનાવે તેવાં સોફટવેર વિકસાવવામાં આવ્યાં. બીજી ભાષાઓ સાથે ગુજરાતીને પણ લાભ મળ્યો અને ગુજરાતી ભાષાનાં સોફટવેર વિકસ્યાં. પરિણામે કમ્પ્યૂટર પર ગુજરાતીનો વપરાશ સરળ બન્યો અને ગુજરાતીમાં પણ વેબસાઈટ બનવા લાગી. જેમ અંગ્રેજી ભાષામાં મેટર કમ્પોઝ કરવા માટે ફક્ત એક જ પ્રકારનું કી-બોર્ડ વપરાય છે તેવું સ્થાનિક ભાષાઓમાં બન્યું નહીં. જુદાં જુદાં ઘણે ઠેકાણે પ્રયાસો થયા હોવાથી જુદાં જુદાં સોફટવેર અને કી-બોર્ડનો વપરાશ શરૂ થયો અને ખાટલે મોટી ખોડ એ રહી કે આ જુદાં જુદાં સોફટવેર વચ્ચે કોઈ સાંધામેળ નહોતો. મતલબ કે એક સોફટવેર વાપરીને લખાયેલું લખાણ મોટા ભાગે બીજું સોફટવેર ‘વાંચી’ કે ‘સમજી’ શકતું નથી. હવે તો આ દિશામાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે અને ‘યુનિકોડ’નો ઉપયોગ વધી રહ્યો છે. શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિકોડ પ્રાદેશિક ભાષાઓ માટે એવું વરદાન છે, જે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના ઉપયોગ આડેના ઘણાખરા અંતરાય દૂર કરે છે.

[ઈન્ટરનેટ પર ગુજરાતી]
ઈન્ટરનેટનો વધતો વ્યાપ જોઈને ઘણા ઈન્ટરનેટ સાહસિકોએ પ્રારંભિક ઉત્સાહમાં આવીને ઘણી મુશ્કેલીઓનો હલ શોધીને પણ ગુજરાતીમાં વેબસાઈટ્સ બનાવી હતી. એટલે તો કેમ છો.કોમ, મણીબેન.કોમ, અસ્મિતા.કોમ જેવી ગુજરાતની વાત ગુજરાતી ભાષામાં માંડતી વેબસાઈટ્સ ફૂટી નીકળી. લગભગ 1999-2000ના સમયગાળામાં એ સમયે જાણીતા બનેલા ‘ડૉટ.કોમ બબલ’ શબ્દ અનુસાર ઘણી વેબસાઈટ અને આઈટી વેન્ચરના પરપોટા ફૂટી નીકળ્યા હતા. રીડિફ.કોમ જેવા પ્રમાણમાં મજબૂત પોર્ટલના પ્રાયોજકો પણ પ્રાદેશિક ભાષા તરફ આકર્ષાયા હતા.

રીડિફે પહેલાં હિન્દી, તામિલ અને તેલુગુમાં પોર્ટલ લોન્ચ કર્યાં અને પછી 2000માં ગુજરાતી પોર્ટલ પણ લોન્ચ કર્યું. ઈન્ફોઈન્ડિયા.કોમ પણ ગુજરાતીમાં પોર્ટલ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. એ સમયે તો જેમ અખબારોને સેટેલાઈટ ચેનલોએ મજબૂત હરીફાઈ પૂરી પાડી તેમ ઈન્ટરનેટ પોર્ટલ સેટેલાઈટ ચેનલનાં હરીફ બને તેવી હવા ઊભી થઈ હતી. પરંતુ એ બધાં અંતે પરપોટા જ સાબિત થયાં. ઈન્ફોઈન્ડિયા.કોમે ગુજરાતી સાહસ શરૂ કરવાનું જ માંડી વાળ્યું. રીડિફ.કોમે ધીમેકથી અંગ્રેજી સિવાય બીજી બધી ભાષાના વાવટા સંકેલી લીધા. સ્થાનિક ભાષાની આવી તો કંઈક વેબસાઈટ્સના પાળિયા નેટ પર ખોડાઈ ગયા. …..સાવ આવું કેમ થયું ? રીડિફ.કોમના ગુજરાતી પોર્ટલ સાથે ત્રણેક વર્ષ સંકળાયેલા જાણીતા પત્રકાર દિલીપ ગોહિલ સ્પષ્ટ કારણ આપે છે, ‘એ સમયે ઈન્ટરનેટનો વપરાશ અને કમાણીના જે અંદાજ બાંધવામાં આવ્યા હતા તે વધુ પડતા હતા. હકીકતમાં એટલો ઝડપી વધારો થયો નહીં. ત્યારે ઈન્ટરનેટ ઘણું મોઘું પણ હતું. બીજું, મોટા ભાગે વેબસાઈટ બનાવનારા લોકો આ મીડિયમને સમજી જ શક્યા નથી. સ્થાનિક સ્તરે પણ ઈન્ટરનેટની ઉપયોગિતા છે, એ સમજવાને બદલે માત્ર વિદેશના ગુજરાતીઓ માટેનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થયા. રીડિફના કેસમાં, એ એક ઓર્ગેનાઈઝડ એફર્ટ હોવા છતાં આખરે તો વિદેશમાં જ તેની રીડરશીપ ઊભી થઈ, જેના જોર પર અહીં આવક ઊભી થઈ શકે તેમ નહોતી.’

ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં અને વિભાગો માટે ગુજરાતી વેબસાઈટ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતી સાયબરસર્ફ નામની એક કંપનીના ડિરેક્ટર સમીરભાઈ સંઘવી કહે છે : ‘મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ બિઝનેસ સ્ટ્રેટેજીના બદલે ઉત્સાહના આવેશમાં શરૂ કરાયેલાં સાહસ હતાં. ડિમાન્ડ ન હોય, માત્ર આઈડિયા હોય અને વેબસાઈટ બનાવી દેવામાં આવે તો પરિણામ આવું જ આવે.’ જ્યારે અંગ્રેજી વેબસાઈટને પણ ખર્ચ સરભર કરવાનાં સાસાં હતાં ત્યાં પ્રાદેશિક ભાષાની વેબસાઈટના તો કેવા હાલ હોય ?’

[ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઈટ્સમાં ડોકિયું.]
આ આખી કહાણીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ લાવ્યા દેશ-વિદેશના ગુજરાતી બ્લોગર્સ. જેમણે કમાણીના બદલે નિજાનંદ માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું તેઓ લાંબું ખેંચી ગયા. જેમ કે, ફિલાડેલ્ફિયામાં રહેતા કિશોર રાવળ નામના એક સાહિત્યરસિકે છેક 1999માં કેસૂડાં.કોમ શરૂ કરી હતી, એ હજી સુધી ગુજરાતી સાહિત્ય પીરસતી રહી છે. 2004-2005ના અરસામાં ‘ફોર એસ.વી. – પ્રભાતનાં પુષ્પો’ નામે, ગુજરાતી સાહિત્યના એક શોખીને ગમતાં ગુજરાતી ગીતો અને કવિતાઓને પોતાના બ્લોગમાં મૂકવાની હોબી કેળવી. પછી તો ધીમે ધીમે ગુજરાતી બ્લોગની સંખ્યા વધવા લાગી. વડોદરામાં રહેતા મૃગેશ શાહે રીડગુજરાતી.કોમ નામે એક વેબમેગેઝિન શરૂ કર્યું. પ્રોફિટના ધ્યેય વિના, સમાજ માટે કંઈક ઉપયોગી, સારું વાંચન આપવાના આશયથી શરૂ કરવામાં આવેલા એ વેબમેગેઝિને સારી એવી લોકપ્રિયતા મેળવી અને અનેકને બ્લોગિંગની પ્રેરણા પણ આપી.

યુનિકોડના ઉપયોગથી શરૂ થયેલા આ બ્લોગ્સે ધીમે ધીમે યુનિકોડને પણ લોકપ્રિય બનાવ્યા. મજાની વાત એ હતી કે શરૂઆતમાં લેખન કે ટેકનોલોજી બંનેમાંથી લગભગ કોઈ વાતનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા લોકોએ બ્લોગિંગને લોકપ્રિય બનાવવામાં સિંહફાળો આપ્યો. કવિતાપ્રેમીઓને તો બ્લોગિંગનો કેફ થઈ પડ્યો. સુરતના ડૉ. વિવેક ટેલરે સ્વરચિત કાવ્યોનો પહેલો બ્લોગ બનાવ્યો અને દર શનિવારે નવી કૃતિ મૂકવાનો ક્રમ રાખ્યો. અમેરિકાસ્થિત એમના ડૉક્ટર મિત્ર અને સમાન કવિતાપ્રેમી ધવલ શાહના સાથમાં બંનેએ ‘લયસ્તરો’ નામે બ્લોગ બનાવ્યો, જેમાં આજે 450થી વધુ કવિઓની 1150 જેટલી રચનાઓ માઉસની ક્લિકે માણી શકાય છે. ડૉ. વિવેક ટેલર કહે છે, ‘ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લોબલ બની રહી છે. ઢગલાબંધ બ્લોગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે.’

જો કે ગુજરાતી બ્લોગ્સ સામે એક મોટી ફરિયાદ એ જ છે કે મોટા ભાગના બ્લોગ્સ કવિતા વિષયક છે. તમને મનગમતી કવિતાના બે-ચાર શબ્દો લખતાં આખી કવિતા વાંચવા મળી જાય એવા ચાન્સ હવે બહુ ઊજળા છે. એમ, એ કવિતા સાંભળવા અને માણવા મળે એવી શક્યતા પણ ખરી. કેમ કે લોસ એન્જલસના જયશ્રી ભક્તે અનેક જાણી-અજાણી ગુજરાતી રચનાઓને ઈન્ટરનેટ પર વહેતી મૂકી છે. એમની જેમ મૂળ અમદાવાદ અને લંડનમાં સ્થાયી થયેલા નીરજ શાહે પણ 80થી વધુ કવિઓ અને 130 જેટલાં ગાયકો-સંગીતકારોનાં 300થી વધુ ગીતોનો રણકાર ઈન્ટરનેટ પર ગૂંજતો કર્યો છે. આ બધું જ વિનામૂલ્યે અને ગુજરાતી ભાષાના પ્રેમને કારણે. ન્યૂજર્સીનાં મોના નાયકે ઊર્મિસાગરના નામે, કોઈ એક શબ્દ અપાય અને લોકો એના પર આખી કવિતા લખે એવો સહિયારા સર્જનનો પ્રયોગ આદર્યો. અમદાવાદમાં એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી અમેરિકા ગયેલા સુરેશભાઈ જાનીએ હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, મોના નાયક વગેરેના સાથમાં બ્લોગમાં કવિતા ઉપરાંતની નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતી સારસ્વતો અને વ્યક્તિ વિશેષોની જીવનઝાંખી બ્લોગ પર મૂકવાની શરૂઆત કરી. દાહોદનાં રાજેશ્વરીબહેન શુક્લે શિક્ષિકા તરીકે નિવૃત્ત થયાં પછી નેટ પર બાળકોનો કલરવ ગુંજતો કર્યો છે. તો આણંદ પાસેના બાકરોલના જયંત પટેલે ગુજરાતી પુસ્તકાલય નેટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો. આમ, દુનિયાભરના અનેક ખૂણેથી ઈન્ટરનેટ પર ગુજરાતી ખેડાણ શરૂ થયું છે. જૂનાગઢના રાજીવ ગોહેલે ઓસ્ટ્રેલિયામાં રિસર્ચ કરતાં કરતાં પણ બ્લોગથી કવિતા અને માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. આવાં તો અનેક ઉદાહરણો છે.

[ઈન્ટરનેટ પર ગુજરાતી માટે વિવિધ પહેલ]
ઈન્ટરનેટ પર ગુજરાતીના પ્રસારની સૌથી મજાની વાત એ છે કે અહીં મોટા ભાગે ગુજરાતી ભાષાની સેવા અને પરસ્પરને મદદરૂપ થવાનો અભિગમ સૌથી આગળ છે. ગુજરાતીઓએ માત્ર બ્લોગર બનીને સંતોષ માનવાને બદલે, નેટ પર પોતાની ભાષાના પ્રસાર માટે વિવિધ પહેલ પણ કરી જાણી છે. લંડનસ્થિત ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયાએ આખા ગુજરાતી શબ્દકોષને ડિજિટલ અને ક્લિક પર અવેલેબલ બનાવીને ગુજરાતી ભાષામાં જાણે એક નવો જ અધ્યાય શરૂ કર્યો. મુંબઈમાં ગુજરાતી કમ્પ્યૂટર ટેકનોલોજી માટે કાર્યરત ઉત્કર્ષે આ બધામાં યોગદાન આપ્યું. ઉદ્યોગપતિ રતિભાઈ, શિક્ષક ઉત્તમભાઈ ગજ્જર અને ઈજનેર બળવંતભાઈ પટેલની વયોવૃદ્ધ ત્રિપુટીએ વાંચનક્ષમ ગુજરાતી રચનાઓની પીડીએફ ફાઈલ બનાવીને ‘સન્ડે ઈ-મહેફિલ’ રૂપે દર રવિવારે ઈ-મેઈલ દ્વારા વહેતી મૂકવાની એક સરસ પહેલ કરી. એમણે ટેકનોલોજીને ઉંમરનો કોઈ બાધ નડતો નથી એ સાબિત કરી દીધું. ડૉ. ધવલ શાહે કમ્પ્યૂટરમાં યુનિકોડ એક્ટિવેટ કરવાની વિધિ એકદમ સરળ રીતે, સ્ક્રિનશોટ્સ સાથે સમજાવીને અનેક નવા બ્લોગર માટે માર્ગ મોકળો કરી દીધો. તો અમેરિકા સ્થિત વિશાલ મોણપરાએ અંગ્રેજીમાં ટાઈપ કરતાં ગુજરાતી લખાણ મળે એવું અફલાતુન, ઓનલાઈન ટાઈપપેડ તૈયાર કરી આપ્યું. વિશાલે અન્ય ફોન્ટના લખાણને યુનિકોડમાં કન્વર્ટ કરવાની સુવિધા પણ આપીને પાયાનું કામ કર્યું. વિશાલે ગુજરાતી અખબારો ફોન્ડ ડાઉનલોડ કર્યા વિના યુનિકોડમાં વાંચી શકાય એવી પણ સુવિધા આપી.

મોના નાયકે બધા ગુજરાતી બ્લોગની લિંક ધરાવતી એક યાદી બનાવી. દુબઈસ્થિત નિલેશ વ્યાસે ‘કાકાસાબ’ નામે ટૂલબાર બનાવીને લગભગ તમામ ગુજરાતી બ્લોગનું સરસ વર્ગીકરણ કરીને નેટ પર ગુજરાતી વાંચનને બિલકુલ માઉસવગું કરી દીધું. તેમણે ગુજરાતી બ્લોગ્સના બધા તાજા લેખ એકસાથે એક સ્થળે વાંચી શકાય એવા એગ્રીગેટરની ‘નિપ્રા’ નામે ભેટ આપી. એમની જેમ અમદાવાદના પંકજ બેંગાણી અને એમના સાથીદારોએ પણ ‘તોરણ’ નામે બ્લોગ એગ્રીગેટર આપ્યું. (તેમણે હિન્દી ‘ચીઠ્ઠાજગત’ – એટલે કે બ્લોગજગત – માં પણ સારું એવું પ્રદાન કર્યું છે.) પાલનપુરમાં જન્મેલા કાર્તિક મિસ્ત્રી બ્લોગર તો છે જ, પણ એમણે તો વળી જોરદાર બ્રાઉઝર ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો !

આ બધાની મહેનત હવે રંગ લાવી રહી છે. નેટ પરનું ગુજરાતી હવે બ્લોગ પૂરતું સીમિત રહ્યું નથી. ‘દિવ્ય ભાસ્કર’, સહિત અન્ય છાપાની વેબસાઈટ પણ હવે યુનિકોડમાં હોવાથી ઈન્ટરનેટ પર ગુજરાતી વાચકવર્ગ વિસ્તરી રહ્યો છે. યાહૂએ ગુજરાતી પોર્ટલ શરૂ કર્યું છે તેમ, વેબદુનિયાની ગુજરાતી આવૃત્તિ પણ છે. ગુજરાત સરકારની મોટા ભાગની નવી સાઈટ્સ હવે યુનિકોડમાં તૈયાર થઈ રહી છે. આ બધું જોતાં નેટ પર ગુજરાતીનો પ્રસાર હજી વધશે એવી ધરપત ચોક્કસ રાખી શકાય.