વાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ

[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.]

[1]
વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી

[2]
જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈપણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. – પંડિત સુખલાલજી

[3]
જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન

[4]
જીવનમાં આપણે આમતેમ પડ્યા હોઈએ છીએ ત્યારે પુસ્તકો આપણને ફરી પાછાં કદાચ ઠીકઠાક કરી દે છે, જેમ માનો કાળજી ભર્યો હાથ ઘરની અવ્યવસ્થાને ફરી પાછો વ્યવસ્થિત કરી દે એમ. પુસ્તકો આપણી ભૂમિમાં વવાય છે એટલું જ. એમાંથી શું ઉગશે એની ખુદ જમીનને પણ ક્યાં ખબર હોય છે ? – સુરેશ દલાલ

[5]
કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ

[6]
પુસ્તક વાંચવાની આદત પ્રશંસનીય છે પરંતુ જેઓ ઘણાંબધાં પુસ્તકો ઝપાટાબંધ વાંચી નાખે છે એમના પ્રત્યે હું આશંકાથી જોઉં છું. મને એવી શંકા થાય છે કે ઝપાટાબંધ ઘણાં પુસ્તકો વાંચનારાઓ એ પુસ્તકોને ચીવટથી વાંચતા નહિ હોય. તેઓ પાનાં ઊથલાવ્યે જતાં હશે અને એક-બે દિવસોમાં વાંચેલું વિસરીયે જતાં હશે. પુસ્તક જો વાંચવા જેવું હોય તો એને પૂરતા લક્ષ અને પૂરતી ચીવટથી વાંચવું જોઈએ. – જવાહરલાલ નહેરુ

[7]
વાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)

[8]
ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય. – સર પ્રભાશંકર પટ્ટણી

[9]
ખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન

[10]
પૂરેપૂરા નિરક્ષર, બીનકેળવાયેલા માણસ રહો; પરંતુ જો તમે એક સારા પુસ્તકનાં દસ પાનાં, અક્ષરેઅક્ષર એટલે કે પૂરેપૂરી ચોકસાઈથી વાંચો તો તમે હંમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલા માણસ બનો. કેળવણી અને બીનકેળવણી વચ્ચેનો ખરો તફાવત (કેળવણીના બૌદ્ધિક વિભાગ પૂરતો વિચાર કરતાં) આ ચોકસાઈમાં જ રહ્યો છે. – રસ્કિન.

[11]
વાચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે. વાચનથી બાહ્ય દેહ મળે છે અને મનનથી તેના આત્માને અર્થાત સારતત્વને પામી શકાય છે. – જ્હૉન લેક

[12] તમારી પાસે પુષ્કળ માહિતીઓ છે છતાં તમારી મહત્વાકાંક્ષા, તમારી હિંસા, તમારું સ્વલક્ષીપણું ઓછા થયાં છે ? દુનિયાનાં દુ:ખોનું તમને વિશાળ જ્ઞાન છે, તેથી તમે ચાહતા થયા છો ? તમે ઈતિહાસનો અભ્યાસ કર્યો છે, તેથી તમે તમારી મહત્તાના ભાવથી મુક્ત થયા છો ? – જે. કૃષ્ણમૂર્તિ

[13]
ઉપનિષદે ત્યાં સુધી કહેવાની હિંમત કરી છે કે જે ગ્રંથોનો અત્યંત ઉપકાર આપણે માનીએ છીએ, તેમનુંયે વિસર્જન કર્યા વિના જ્ઞાન નથી થતું. ‘વેદાન અપિ સંન્યસતિ’ નારદને કહેવામાં આવ્યું કે વેદોનોય સંન્યાસ કરવો પડશે, વેદોનેય છોડવા પડશે. કોઈ છે આવો ધર્મગ્રંથ જે પોતાનું જ ખંડન, પોતાનો જ નિષેધ કરે અને કહે કે આ પણ છેવટે બોજરૂપ છે, આનેય છોડવો પડશે ? આને છોડ્યા વિના અસીમ સુધી પહોંચી નહીં શકો. સીમામાં જ રહેશો – આવી રીતે પોતાનું જ ખંડન કરનારો કોઈ ગ્રંથ છે દુનિયામાં ? આ કામ ઉપનિષદોએ કર્યું છે, એટલા વાસ્તે ઉપનિષદને વેદાંત કહે છે. વેદાંતના અનેક અર્થ છે, વેદોનો અંત, વેદાંત એટલે કુરાનનો અંત, બાઈબલનો અંત, પુરાણનો અંત, બધા ગ્રંથોનો અંત. ગ્રંથોથી ઉપર ઊઠ્યા વિના વેદાંત સમજમાં નહીં આવે. – વિનોબાજી

[14]
ઈતિહાસના વાચનથી જુવાન માણસ વૃદ્ધ થાય છે; એટલે વૃદ્ધ માણસની માફક એને શરીરે કરચલીઓ પડતી નથી, કે વાળ ધોળા થતા નથી, કે નબળાઈ આવી જતી નથી પણ એનામાં ઈતિહાસના વાચનથી માણસના જેવું ડહાપણ અને અનુભવ આવે છે. – ફુલર

[15]
જીવન ટૂંકું છે. વ્યવસાય ઘણો છે ને તેમાં વાચનનો સમય વાચન સામગ્રીની સામે નજર કરતાં થોડો છે માટે પસંદ કરી કરીને વાંચવું. – ગિજુભાઈ.

[16]
‘તમે શું વાંચો છો એ મને કહો અને તમે કહો છો તે હું કહી દઈશ’ – એ તો સાચું છે જ; પણ તમે પુર્નવાચન શેનું કરો છો તે જો કહેશો તો હું તમને વધુ સારી રીતે પિછાની શકીશ. – ફ્રાંસ્વાસ મોરીઆક

[17]
માણસ વાંચે છે ત્યારે પણ એ જીવનના સાગરમાં તરવા માટે ઉપયોગી નૌકા બનાવતો હોય છે. જેવું જેનું વાચન, એવી તેની નૌકા. – હરીન્દ્ર દવે

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈન્ટરનેટ પર જામતો ગુજરાતી ડાયરો – હિમાંશુ કીકાણી
ગજબની ગંભીરતા ! – નટવર પંડ્યા Next »   

24 પ્રતિભાવો : વાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ

 1. કલ્પેશ says:

  વાંચવાની ટેવ કેવી રીતે કેળવવી અને કઇ રીતે લોકોને વાંચન માટે આતુર કરવા એ કળા પણ જાણવી જરુરી રહી.

  સરસ લેખ. આને એક યોગ્ય ટકોર સમજીને સારા પુસ્તકો વસાવીએ અને પચાવીએ (એટલે કે જીવનમા એનો સાર ઊતારીએ)

 2. ઉપયોગી માર્ગદર્શન

 3. Hiral Thaker "Vasantiful" says:

  “વાચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે. વાચનથી બાહ્ય દેહ મળે છે અને મનનથી તેના આત્માને અર્થાત સારતત્વને પામી શકાય છે.”

  “માણસ વાંચે છે ત્યારે પણ એ જીવનના સાગરમાં તરવા માટે ઉપયોગી નૌકા બનાવતો હોય છે. જેવું જેનું વાચન, એવી તેની નૌકા.”

  આપણે કેવી નૌકા બનાવવી છે તે આપણા હાથમાં છે.

 4. nayan panchal says:

  વાંચન એવી વસ્તુ છે કે જેનાથી તમે એક જ જીવનમાં ઘણા બધા જીવનનો અનુભવો કરી શકો છો.

  અને આપણે કેટલુ વાંચીએ છીએ તે કરતા પણ વધુ મહત્વનુ છે કે શું વાંચીએ છીએ.

  “માણસ વાંચે છે ત્યારે પણ એ જીવનના સાગરમાં તરવા માટે ઉપયોગી નૌકા બનાવતો હોય છે. જેવું જેનું વાચન, એવી તેની નૌકા.” – હરીન્દ્ર દવે

  સરસ લેખ.

  નયન

 5. Nimisha says:

  Wonderful article. I don’t have suitable words to praise this article. I can say I have experienced it. Thank you very much B M Patel and also Mrugeshbhai.

 6. Niraj says:

  “જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન”
  “‘તમે શું વાંચો છો એ મને કહો અને તમે કહો છો તે હું કહી દઈશ’ – એ તો સાચું છે જ; પણ તમે પુર્નવાચન શેનું કરો છો તે જો કહેશો તો હું તમને વધુ સારી રીતે પિછાની શકીશ. – ફ્રાંસ્વાસ મોરીઆક”
  “તમે શું વાંચો છો એ મને કહો અને તમે કોણ છો તે હું કહી દઈશ” આ વાત સનાતન સત્ય નથી, ઘણી વાર ઉલ્ટુ પરીણામ પણ મળે છે.
  બીજા વાચકોના પ્રતિભાવો રસપ્રદ થશે.

 7. ભાવના શુક્લ says:

  નિયમિતપણે શુધ્ધ વાચન કરનાર વ્યક્તિ પોતાનામા આત્મવિશ્વાસ કેળવવાની શક્તિ આપોઆપ આત્મસાત કરે છે અને વિચારો અને વાણી પરનુ પ્રભુત્વ તેમને મુઠી ઉચેરા બનાવી આપે છે. વાચનની ક્રિયાથી મનનની ક્રિયાને વેગ મળે છે અને બુધ્ધી શુધ્ધ થાય છે. હા વાચન સામગ્રીની પસંદગી શુ છે તેના પર બધો આધાર છે. ખાટલે મોટી ખોડ એ રહે કે વાચનમા અર્થહિન પોકેટબુક્સ કે દ્વિઅર્થી વાતો કે વાર્તાઓમા રચ્યા પચ્યા રહેનારને માટે બધુજ અવળુ અસર કરે છે.
  માટે સૌ પ્રથમ તો વાચન સામગ્રીની ગુણવત્તા આપના વ્યક્તિત્વનુ પ્રમાણમાપ બની રહે છે. પરંતુ હા વાચવુ તો ખરુ જ.. ૧૦૦ નકામા પુસ્તકો વાચવા વાચવામામ કદીક એકાદ સારો ભુલમા વચાઈ ગયેલો સુવિચાર પણ સુંદર પરિણામ આપશે તેની ૧૦૦% ગેરંટી.

 8. વાંચતા શીખવાડે તેવા ઉપયોગી અવતરણો.

 9. mukesh Patel says:

  ગાગર મા સાગર. અભિનન્દન .

 10. mukesh Patel says:

  ગાગર મા સાગર.

 11. pragnaju says:

  સાંપ્રત કાળમાં વાંચન ઘણું ઓછું થાય છે ત્યારે તે અંગે મહાન વ્યક્તીઓના વિચાર માણી આનમ્દ થયો

 12. Ashish Dave says:

  How far you will go in your life depends on what you read and how you think. If you would not be forgotten as soon as you are dead, then write things worth reading or do things worth writing…

  Ashish Dave
  Sunnyvale, California

 13. CHETAN PATEL says:

  This is the one of the best site for every gujarati person. I strongly beleive that mothertongue is the best language to understand the feelings of human. This is the site which enhance the knowledge of gujarati. Thank you very much for providing us such wonderful place to read.
  Thanks
  CHETAN PATEL

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.