ગજબની ગંભીરતા ! – નટવર પંડ્યા

‘ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’ ગંભીરતા વિશેની આ અતિ ગંભીર બાબત ઘણા મહાનુભાવો સમજી શક્યા નથી. તેથી આપણે જ્યાં નથી ઈચ્છતા ત્યાં ભરપૂર ગંભીરતા જોવા મળે છે. અને જ્યાં ઈચ્છીએ છીએ ત્યાં જરાય જોવા મળતી નથી. વળી ગંભીરને ‘જ્ઞાની’ માની લેવો તે આપણું અજ્ઞાન છે. આપણું આવું અજ્ઞાન જ ઘણાને મહાન બનાવી દેતું હોય છે. સમાજમાં જ્ઞાની તરીકે પ્રસ્થાપિત થવા માટે તમે જ્ઞાની હો તેના કરતાં તમે સાંભળનાર – અનુસરનારા અજ્ઞાની હશો તો તમે ‘જ્ઞાની’ તરીકે જલદી ગોઠવાઈ જશો. આવા મહાનુભાવો ગંભીરતાને જ સફળતાની ગુરુચાવી ગણે છે. પણ ‘દરેક તાળામાં એક જ ચાવી લાગુ પડતી નથી.’ એ સીધી સાદી વાત તેઓ સદંતર ભૂલી જાય છે. એટલે જ કવિ કાગે લખ્યું છે કે, ‘અભણ કેવું યાદ રાખે, ભણેલાં ભૂલી જાય.’

ગંભીરતાને તન અને મનથી વરી ચૂકેલા એવા અમારા એક સાહેબ વિદ્યાર્થીઓને ગંભીર બનવા વિશે વારંવાર વ્યાખ્યાનો આપતા. તેમના એક વ્યાખ્યાનમાં તેમણે ગંભીરતાનું મહત્વ સમજાવતાં જણાવેલું કે, ‘મિત્રો, સરદાર એટલા બધા ગંભીર હતા કે જીવનમાં એક વાર પણ હસ્યા નહોતા.’ આ સાંભળીને મને બહુ હસવું આવેલું. જ્યારે બીજા ગંભીર થઈ ગયેલા. વળી આવું વિધાન બેધડક જાહેરમાં કરી શકવા બદલ મેં તેમના વાણીસ્વાતંત્ર્યની મનોમન પ્રશંસા કરેલી. આ રીતે તેઓ બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને (આપણે ત્યાં મોટા ભાગના પરીક્ષાર્થીઓ જ હોય છે – વિદ્યાર્થી તો ભાગ્યે જ કોઈ હોય છે !) પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે ગંભીર બનવા વિશે તેઓ પ્રચંડ પ્રવચનો આપતા. તેમનાં આવાં પ્રવચનોથી પ્રેરાઈને અતિ ગંભીરતાથી અભ્યાસ કરીને કેટલાક પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપેલી. જેનાં પરિણામ પણ એટલાં જ ગંભીર આવેલાં. એ જ રીતે સાડીઓના શો રૂમમાં સેલ્સમેનની નોકરી કરતો સન્ની પણ સાહેબના ‘જીવનમાં ગંભીર બનવા વિશે’નાં પ્રવચનો સાંભળી ગંભીર બન્યો. પરિણામે તેણે એક મહિનામાં નોકરીથી હાથ ધોઈ નાખવા પડ્યા. ત્યાર પછી નવરાશની પળોમાં આત્મચિંતન દ્વારા જ તેને ખ્યાલ આવ્યો કે નોકરી દરમિયાન ચહેરા પર સતત સ્મિત ફરકાવતા રહેવું એ સેલ્સમેનની ગંભીર જવાબદારી છે. પણ અહીં જુદી લાઈનના એન્જિન સાથે જુદો ડબ્બો જોડાઈ ગયો. પરિણામે રસ્તામાં અણધાર્યું સ્ટેશન આવી ગયું.

‘જીવો અને જીવવા દો’ જેવું જ બીજું સૂત્ર છે ‘હસો અને હસવા દો’, પણ કેટલાકના ચહેરાઓની ગંભીરતા સામેવાળાના હાસ્યને ગળી જાય છે. આવા ગંભીર સિંહોથી (જે હાસ્યનો શિકાર કરે છે !) ભૂલેચૂકે હસાઈ જાય તો તેઓ મનોમન અપરાધભાવ અનુભવે છે. તેઓ ન હસવાની પ્રતિજ્ઞા લઈને બેઠા હોય છે. ગંભીરતા કાજે તેમણે અવતાર ધારણ કર્યો હોય છે. તેથી ‘તેમના જવાથી’ નહીં પણ ‘સભામાં આવવાથી’ વાતાવરણ ગંભીર થઈ જાય છે. શ્રોતાના હોઠના કોઈ ખૂણે ફરકતા સ્મિત પર તેમની ગંભીરતાનું બુલડોઝર નિર્દયતાથી ફરી વળે છે અને સભાઓમાં ધાર્યા બહારની ગંભીરતા છવાઈ જાય છે. તેમના પ્રમુખસ્થાને ગમે તેવી સભાઓ પણ શોકસભામાં ફેરવાઈ જાય છે. તેમના ચહેરાઓ ગંભીરતાનું કાયમી સરનામું છે. ગંભીરતા તેમના ચહેરા પરનું ભૂષણ છે. તેથી તેમણે ચોવીસ કલાક ગંભીરતા ધારણ કરેલી હોય છે. આવા ગંભીરમુખાઓના ચહેરા જોઈને આપણે વિચારવા માંડીએ કે તેઓ શું વિચારતા હશે. પણ ખરેખર તેઓ કશું જ વિચારતા હોતા નથી. છતાં આપણને તેમના ચહેરા પર વિચારોનો જાદુ છવાયો હોવાનો અહેસાસ થાય છે. સ્વપ્નમાં પણ તેઓ હસતા નથી. તેમની ગંભીરતા એટલી ગહન હોય છે કે તેમની પત્ની સાથે સજોડે ફોટો પડાવવા ગયા હોય તો ફોટોગ્રાફર પણ તેમને ‘સ્માઈલ પ્લીઝ’ કહેવાની હિંમત કરી શકતો નથી. તેથી ‘પરિસ્થિતિ તંગ છતાં કાબૂ હેઠળ’ હોય એવી મુખમુદ્રામાં જ તેમના ફોટા ખેંચી લે છે. કારણ કે ફોટોગ્રાફર જાણતો હોય છે કે તાડના ઝાડ પર ફૂલોની અપેક્ષા ન રાખી શકાય. વળી તેઓ પત્ની સાથે પીઝા ખાવા નીકળ્યા હોય છતાં કોઈના બેસણામાં જતા હોય એવો માહોલ રચાય છે. તેથી રસ્તામાં અચાનક મળેલા સગાંસંબંધી પરિસ્થિતિની ગંભીરતા પારખીને પૂછી બેસે છે : ‘કેમ, બાપુજીને સારું ન થયું ?’ ત્યારે પત્નીએ જ ખુલાસો કરવો પડે છે કે અમે ‘પીઝા હટ’માં જઈ રહ્યા છીએ બાપુજી તો હજુ અકબંધ છે.

સરોવરના શાંત જળમાં એકાદ નાની કાંકરી ફેંકો તો તરત જ વમળો સર્જાય. પણ ગંભીરતાને વરેલા મહાનુભાવોને હસાવવા ગમે તેટલા પ્રયત્નોનાં પુષ્પો ફેંકો છતાં તેમના ચહેરા પર હાસ્યની એક રેખા પણ અંકાતી નથી. સામાન્ય રીતે તેઓ કોઈની રમૂજ પર હસતા નથી. ભૂલેચૂકે હાથ પડેલો હાસ્યલેખ પણ ‘મેલો’ વાંચતા હોય એમ વાંચી કાઢે છે. તેના કારણે છેલ્લે સુધી તેને ખબર નથી પડતી કે હમણાં પોતે જ વાંચી કાઢ્યો તે હાસ્યલેખ હતો. એ તો આગળના કોઈ લેખ સાથે સાંધો થઈ ગયો હોય એટલે વંચાઈ ગયો હોય છે. પાછળથી ખબર પડે ત્યારે કહે પણ ખરા કે આમાં હસવા જેવું તો કાંઈ હતું નહીં. પણ હાસ્ય બાબતે સીધો સાદો સિદ્ધાંત એ છે કે ‘તે તમારી અંદર હોય તો જ તમને બહાર દેખાય.’ અહીં સવાલ સૉફ્ટવેરનો છે. અમુકના મગજરૂપી કમ્પ્યૂટરમાં હાસ્યનું સૉફટવેર જ નથી હોતું. આમ છતાં તેમણે હસવું પડે તેવો અણધાર્યો પ્રસંગ આવી ચડે (જે તેમના માટે આપત્તિ ગણાય) ત્યારે જૂના થેલાની જામ થઈ ગયેલી ચેઈન માંડ-માંડ ખૂલે એમ તેનું મોં ખૂલે છે. પણ મહાવરાના અભાવે જે હાસ્ય મુદ્રા કરે છે ત્યારે નજરે જોનારા એવું ધારી લે છે કે જરૂર તેઓ કોઈ હઠીલા દર્દથી પીડાઈ રહ્યા છે. આમ ને આમ આખા કાર્યક્રમની આભારવિધિ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે તેઓ હસવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યા હતા. ‘એક મરણિયો સોને ભારે’ તે મુજબ તેમનું હાસ્ય ઘણાને ભારે પડી જાય છે. તેમને ક્યારેય હસતા ન જોયા હોય એવા માનવીઓ તો ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.’ એવું આઘાતજનક આશ્ચર્ય અનુભવે છે.

તેથી જ કહ્યું છે કે ‘હસે તેનું ઘર વસે’ એટલું જ નહીં પણ વસાવેલા ઘરને ટકાવવા માટેય હસવું પડે છે. અલબત્ત ઘરવાળી સામે જ ! નહીં તો હસવાને કારણે ઘર ભાંગેય ખરું. છતાં ઘરવાળીના શબ્દપ્રહારોનો સામનો કરવાનું શ્રેષ્ઠ હથિયાર છે હાસ્ય. અમારા એક મિત્રની એવી ફરિયાદ હતી કે જીજાજી સદા બિન આર્થિક પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહે છે. અર્થોપાર્જન બાબતે જરા પણ ગંભીર નથી. પણ જ્યારે મિત્રની સાથે જ તેના જીજાજીને રૂબરૂ મળવાનું થયું ત્યારે તેના જીજાજીએ કામ અને ફરજ વિશે વાત કરતાં કહ્યું કે ‘સવારના આઠથી રાતના નવ વાગ્યા સુધી બૈરી, છોકરાં, મિત્રો, સગાં-સંબંધી, હરવું-ફરવું, ખાવું-પીવું બધું જ ભૂલી જવાનું. યાદ રાખવાનું એકમાત્ર કામ-ડ્યૂટી. બાકીની હીરોગીરી બધી સાંજના નવ પછી. આપણે તો આ એક જ સિદ્ધાંત !’ જીજાજીને સાંભળ્યા પછી મેં મિત્રને ખાનગીમાં કહ્યું, ‘તારી વાતમાં વજૂદ નથી. તારા જીજાજી તો ફરજનિષ્ઠ માણસ છે. કામ પ્રત્યે પૂરેપૂરા ગંભીર છે.’ ત્યારે મિત્રે આક્રોશથી કહ્યું, ‘એ તો વાતડાહ્યો છે, વાતડાહ્યો ! ક્યાંય મંગાળે મેશ અડવા દેતો નથી. યાદ રાખજે, અઠવાડિયા પછી અહીં નહીં હોય.’ – અને મિત્ર લેશમાત્ર જ્યોતિષ ન જાણતો હોવા છતાં તેની ભવિષ્યવાણી સો ટકા સાચી પડી હતી. આ દુર્ઘટના પરથી કહી શકાય કે ગંભીર દેખાવું અને ગંભીર હોવું એ બે સાવ અલગ બાબતો છે. તે બંને વચ્ચે પાતળી નહીં બહુ જાડી ભેદરેખા છે.

આમ ગંભીરતાને રજૂ કરવી સહેલી અને સસ્તી છે. મોં તંબૂરાછાપ કરીને બેસો એટલે ચહેરા પર આપોઆપ ગંભીરતાનો ગઢ રચાઈ જાય છે. આમાં ખાસ કશું કરવાનું હોતું નથી, બીજાને બોર કરવા સિવાય. આમ કશું જ કર્યા વગર મળે એવી સસ્તી તક મહાનુભાવો તરત ઝડપી લે છે. જ્યારે તમારા શબ્દો સાંભળીને કોઈ ખુશ થાય, મુસ્કુરાય એવું બોલવા માટે ઉચ્ચકક્ષાના બુદ્ધિચાતુર્યની જરૂર પડે છે. એટલે તો હાજરજવાબી માણસો બહુ ઓછા હોય છે. જ્યારે હાજરજવાબી હાથ નાખો ત્યાં મળી આવે છે. હસમુખા હાથવગા હોતા નથી અને ગંભીરમુખાને ગોતવા (શોધવા) જવા પડતા નથી. ગમે ત્યાંથી મળી આવે છે.

એટલે જ બીરબલ, મુલ્લા નસરુદ્દીન, તેનાલીરામ વગેરે પાત્રો અમર થઈ ગયાં છે. જો કે આજકાલ કારણ વગર દાંત કાઢવાની (હસવાની) કલબો શરૂ થઈ ચૂકી છે. જેમાં લોકો અડધો કલાકમાં આખા દિવસનું એકસામટું હસી આવે છે. પછી આખો દિવસ ચિંતા નહીં. જેમ આપણને અમુક જગ્યાએ નથી ફાવતું તેમ હાસ્યને પણ અમુક ચહેરાઓ પર નથી ફાવતું. જે ચહેરા પર હકડેઠઠ્ઠ ગંભીરતા છવાયેલી હોય ત્યાં હાસ્ય ગૂંગળામણ અનુભવે છે. જો ભૂલથી આવી ચડે તો ઝાઝું ટકતું નથી. તરત જ ભાગી છૂટે છે. સામાન્ય માણસોના ચહેરાઓ પર પરિસ્થિતિ પ્રમાણે ભાવ બદલાય છે, પણ ગંભીરસિંહોના ચહેરા પર તો ફિક્સ્ડ રેટની દુકાનની જેમ ‘એક જ ભાવ’ જોવા મળે છે.

ટૂંકમાં ગંભીરતાનો ભાર ગંભીરતાધારક કરતાં બીજાને વધારે લાગે છે. ગંભીરતા ભલે તમારા ચહેરાનું ભૂષણ હોય પણ બીજા માટે પ્રદૂષણ છે. (વિજ્ઞાનની દષ્ટિ હજુ આ પ્રદુષણ સુધી પહોંચી નથી.) તેથી જીવદયા ખાતર મહાત્મા ગાંધીજીએ આવું કંઈક કહ્યું છે કે : ‘તમારા હાસ્યમાં ગંભીરતા હોવી જોઈએ અને ગંભીરતામાં હળવાશ હોવી જોઈએ.’ તેથી જ અતિ ગંભીરતાથી આપેલા ઉપદેશો – શિખામણો લગભગ નિષ્ફળ જાય છે. જ્યારે હસતાં-હસતાં કહેલી ગંભીર વાતો સહેલાઈથી હૃદયમાં ઊતરી જાય છે. તેથી જાહેર જનતાના લાભાર્થે ફરી એક વાર યાદ કરી લઈએ કે ‘ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ
બે ગઝલો – સુરેન ઠાકર ‘મેહુલ’ Next »   

32 પ્રતિભાવો : ગજબની ગંભીરતા ! – નટવર પંડ્યા

 1. Nimisha says:

  Nice article on “Gambhirata” but indirectly it is comedy article where “Non Gambhir” can’t stop laughing. Thanks Natvar Pandya and also to Mrugeshbhai for publishing such a nice artilce.

 2. nayan panchal says:

  સરસ લેખ. પ્રથમ ફકરો વાંચીને તો લાગ્યુ કે આ ચિંતનાત્મક લેખ છે.

  મનોરંજન સાથે મનોમંથન પણ.

  “‘તમારા હાસ્યમાં ગંભીરતા હોવી જોઈએ અને ગંભીરતામાં હળવાશ હોવી જોઈએ.’”

  નયન

 3. Niraj says:

  મોજ પડે એવો લેખ છે…

 4. Malay says:

  અત્યન્ત સુન્દર લેખ.

 5. Rahul M Pandya (રાહુલ) says:

  ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે

 6. મજાનો લેખ … નિર્મળ હાસ્યની સાથે ઘણી જ સાચી ચીજો પર અર્થપૂર્ણ કટાક્ષ … વિદ્યાર્થીને પરિક્ષાર્થી કહેવાની વાત ખુબ સાચી …

  🙂 …

 7. palabhai muchhadia says:

  to laugh is very important thing in life. humoral aspect of a person indicates his intelligence. only and only intelligent persons are humerous. life is a light thing to lift.

 8. Darshana says:

  very nice article, i remembered one good sentence heard in shri shahbuddin rathod’s program- british people are seriously humorous and we are humorously serious..
  keep on posting…
  jsk.

 9. Sanjay Patel says:

  SMILE IS A MAGICAL MEDICENE, CAN CREAT COMPLETE NEW ERA…

 10. Javed says:

  સરસ લેખ. આભાર્.

 11. ભાવના શુક્લ says:

  ગંભીરતા એ ચહેરા પર કે વર્તન મા ડગલે ને પગલે દર્શાવવાની કોઇ વસ્તુ કે વાત જ નથી… પરંતુ જ ખરેખર ગંભીર છે એ આસ-પાસની પરિસ્થિતિને સદાય હળવી રાખવાના જાગૃત પ્રયત્નો કરતા રહે છે જેના કારણે દરેક કાર્યમા પુરતા પ્રમાણમા મન અને ધ્યાન રાખી શકાય.
  સુંદર લેખ…

 12. હસતા, હસાવતા બહુ ગંભીર સંદેશો આપી દીધો – ‘ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’ – ધન્યવાદ

 13. mukesh says:

  આપનુ અજ્ઞાન જ ઘના ને જ્ઞાનિ બનાવિ દેતુ હોઇ છે. ઘનિ સત્ય વાત.લેખક ને અભિનદન

 14. Rekha Sindhal says:

  હળવાશને ગંભીર રીતે અને ગંભીરતાને હળવી લેવા માટે આ લેખ અસરકારક છે. આભાર !

 15. Jatan says:

  ખુબ સરસ લેખ, મજા આવી

 16. pragnaju says:

  સીધી સાદિ વાત-‘ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે
  ખૂબ સરસ રીતે રજુ કરી
  ધન્યવાદ્

 17. કલ્પેશ says:

  ‘તમારા હાસ્યમાં ગંભીરતા હોવી જોઈએ અને ગંભીરતામાં હળવાશ હોવી જોઈએ.’ તેથી જ અતિ ગંભીરતાથી આપેલા ઉપદેશો – શિખામણો લગભગ નિષ્ફળ જાય છે. જ્યારે હસતાં-હસતાં કહેલી ગંભીર વાતો સહેલાઈથી હૃદયમાં ઊતરી જાય છે. તેથી જાહેર જનતાના લાભાર્થે ફરી એક વાર યાદ કરી લઈએ કે ‘ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’

  આ લેખ પણ ઘણી ગ્ંભીર વાતો સરળતાથી કહી જાય છે અને સરળ વાતો ગંભીરતાથી.
  આ લેખ વાંચતા મગજ બન્ને બાજુ દોડે એમ છે – ઘડીકમા ગંભીર અને ઘડીકમા હાસ્ય.

 18. Geetika parikh dasgupta says:

  રવિવાર ની સવારે કૈક વિચારવા નુ મળી ગયુ. આભાર લેખક નો……

 19. Natwarbhai, you made my morning good.. LOL.

  શાહબુદ્દીનભાઈ રાઠોડનું કોઇ પણ પુસ્ત ઉપાડીને વાંચો તો આ પ્રકારના seriously humorous લેખો વાંચવા મળે, એમના jokes પણ આપણને વિચારતા કરી મૂકે એવા હોય્ છે.

  The last paragraph is wonderful..

 20. Ashish Dave says:

  Simply too good…our energy/humor/emotions expand according to our willingness.

  Ashish Dave
  Sunnyvale, California

 21. Nilesh Bhatt says:

  ખુબ જ સરસ લેખ. કદાચ આ લેખ ભારતની તમામ ભાષાઓ મા પ્રસિદ્ધ થવો જોઈએ. દરેક જગ્યાએ (ખાસ કરીને સરકારી દફતરોમાં) એકદમ ઊઠમણા જેવું વાતાવરણ હોય છે. તમે કઇંક પુછો તો એ નો જવાબ આપતા પહેલા એમનુ મુખારવિંદ જોઈને જ પાછા ચાલ્યા જવાનું મન થઈ જાય. પણ હું માનુ છુ કે સૌથી પહેલા આ વાત આપણા શિક્ષક મિત્રોને સમજાવવી જોઈએ. બાળક ગંભીરતાના ગુણો મેળવે તો એમાં સમાજ નો ને શિક્ષણ સંસ્થાનો જ દોષ છે. શિસ્ત એટલે એરંડિયું પીધું હોય એવુ મોઢું એવુ આપણે અજાણતા જ શીખવાડિએ છીએ.

  જો આ લેખ નો મર્મ આપણે સમજીએ અને સ્વિકારીએ તો તો અડધા ભાગ ના લોકો ના ઝગડાં રોકી શકાય, કેટકેટલા હ્ર્દય ના હુમલા રોકી શકાય ને ઊપરાંત સ્વસ્થ રહેવાના કારણે કાર્યક્ષમતા મા પણ વધારો લાવી શકાય્.

  નટવર પંડ્યા, આપનો નો હું ખુબ ખુબ આભારી છુ. આવા વધુ લેખો લખતા રહો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.