સત્તાવન સેન્ટ – શાંતિલાલ ડગલી

એક નાના દેવળ પાસે ડૂસકાં ભરતી એક બાળા બહાર ઊભી હતી. “અંદર હવે જગ્યા નથી” એમ કહીને તેને દેવળમાં આવવા દીધી નહોતી.

થોડીવારમાં વડા પાદરી એની પાસેથી પસાર થયા ત્યારે એને ડૂસકાં ભરતી જોઈને કારણ પૂછયું, તો તેણે કહ્યું : “મને દેવળની રવિવારની પાઠશાળામાં જવા દેતા નથી.” એ લઘરવધર અને મેલીઘેલી છોકરી પ્રત્યે એમને કરૂણા ઊપજી. હાથ પકડીને વડા પાદરી એને અંદર લઈ ગયા. અને બીજાં બાળકો સાથે તેને રવિવારની પાઠશાળામાં બેસાડી. છોકરીના આનંદનો પાર ન રહ્યો. એ છોકરી સૌને એટલી વહાલી લાગી કે તેને બીજી છોકરીઓ સાથે રૂમમાં રહેવા-સૂવાની સગવડ કરી આપી. રાતે તેણે સરસ ઊંઘ લીધી. પણ જે બાળકોને ભગવાનને ભજવાની આવી સગવડ નથી મળતી એ બાળકો એને સૂતાં પહેલાં બહુ યાદ આવ્યાં.

એ છોકરીનાં મા-બાપ તો ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં. એટલે બીજે દિવસે એ એમની પાસે ચાલી ગઈ. પણ દેવળની રવિવારની પાઠશાળામાં હવે એ નિયમિત જતી હતી.

બે-એક વરસ પછી એક દિવસ એ છોકરીનું શબ ગરીબો માટેની વસાહતના એક મકાનમાં પડેલું જોવા મળ્યું.

એની અંતિમક્રિયામાં મદદરૂપ થવા મા-બાપે એના દોસ્ત બની ગયેલા પેલા વડા પાદરીને બોલાવ્યા. એમણે આવીને છોકરીના શબને સરખી રીતે મૂકવા ઉપાડ્યું, તો ચીંથરેહાલ એક નાનો બટવો એની નીચે પડેલો જોયો. કોઈ ઉકરડામાંથી તેને આ બટવો મળ્યો હશે એવો લાગતો હતો. એ બટવામાં 57 સેન્ટ હતા અને સાથે એક ચબરખી હતી. બાળકના જેવા ગરબડિયા અક્ષરવાળી એ ચબરખીમાં લખ્યું હતું : “વધુ બાળકો સમાઈ શકે એવી મોટી પાઠશાળા બાંધવામાં કામ આવે એ માટે આ પૈસા છે; દેવળમાં આપી દેવાના છે.”

પાઠશાળા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને એ છોકરીએ બે વરસમાં આટલી બચત કેવી રીતે કરી હશે તેના વિચારથી વડા પાદરી દ્રવિત થઈ ગયા.

દેવળના વિસ્તારના લોકોના સુખચેન માટે ખેવના રાખતા સુખી શુભેચ્છકોની તેમણે બીજે દિવસે મિટિંગ બોલાવી. પેલો બટવો અને પેલી ચબરખી ટેબલ પર મૂકીને તેમણે વાત શરૂ કરી. એ છોકરીના નિ:સ્વાર્થ પ્રેમ અને ભક્તિભાવ વિશેની આખી કથા એમણે કહી અને પાઠશાળા માટે વધુ મોટું મકાન બાંધવા ભંડોળ ભેગું કરવા કમ્મર કસવા અપીલ કરી.

સ્થાનિક છાપાંમાં આ આખી વાત સારી રીતે પ્રસિદ્ધ થઈ. એક ધનિકના વાંચવામાં એ આવી. તેમણે લાખો રૂપિયાની કિંમતની ગણાય એવી જમીન બહુ ઓછી રકમ લઈને આપવા ઑફર કરી. દેવળના સંચાલકોએ એમને જણાવ્યું કે “આટલી બધી રકમ દેવળ આપી શકે તેમ નથી.” તો, પેલા ધનિકે કહ્યું : “આ આખી જમીન દેવળને 57 સેંટમાં જ આપી દેવા તૈયાર છું.”

જમીન તો મળી. હવે મકાન બાંધવા પૈસા જોઈએ ને ! નિ:સ્વાર્થ પ્રેમથી પેલી નાની છોકરી જે દાન આપતી ગઈ હતી તેણે ચમત્કાર સર્જ્યો. દાનનો ધોધ વરસવા માંડ્યો. એ છોકરીના અરધા ડૉલર જેટલા દાનની રકમ વધીને અઢી કરોડ ડૉલર જેટલી થઈ ગઈ. વીસમી સદીના આરંભકાળની આ વાત છે. એટલે એ જમાનામાં તો આ રકમ ઘણીબધી મોટી ગણાય.

અમેરિકાના વિખ્યાત શહેર ફિલાડેલ્ફિયાની આ બધી કથા છે. રવિવારની સવારની પાઠશાળાનું મજાનું મોટું મકાન તો થયું જ. એ ઉપરાંત, ત્રણ હજાર લોકો બેસી શકે એવું મોટું દેવળનું મકાન બન્યું. એક સરસ હૉસ્પિટલ પણ થઈ અને હજારો વિદ્યાર્થીઓ ભણી શકે એવી વિખ્યાત ટેમ્પલ યુનિવર્સિટી પણ ઊભી થઈ.

પાઠશાળાના મકાનના એક ઓરડામાં પેલી નાની છોકરીની તસ્વીર મૂકવામાં આવી છે. સાથે પેલા કરુણામૂર્તિ વડા પાદરીની પણ તસ્વીર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કલરકામ (હાસ્યલેખ) – મૃગેશ શાહ
ના કહેવાની શક્તિ – વિનોબા ભાવે Next »   

18 પ્રતિભાવો : સત્તાવન સેન્ટ – શાંતિલાલ ડગલી

 1. Gira says:

  This story tells everything about the humanity and the innocence of it. it was very heart-touchable story.
  I admire that little girl and the pastor.

  Thanks

 2. અમિત પિસાવાડિયા says:

  હ્ર્દય સ્પર્શી કથા છે. એક માણસની માણસાઇ ઘણા માટે પ્રેરણાત્મક બની રહે

 3. Suresh Jani says:

  ખરેખર સુંદર વાત જાણવા મળી. આપણા દેશમાં પણ આવા ઘણા કિસ્સાઓ થતા હશે, પણ તેને યોગ્ય પ્રસિદ્ધી મળે તો ઘણુ મોટુ કામ થાય. મિડીયા આ બાબતમાં ઘણુ કરી શકે.

 4. Neela Kadakia says:

  khare khar haji aa jamanama mansai paravari nathi gai.
  v good

 5. Pravin Patel says:

  SATTAVAN centnu viraat vruksh BAALIKAAni saachi bhavnanu pratik chhe. Aankhomaa aansu laavi deti samarpan gaathaa. Mrugeshbhai sundar pasandgi. dhanyavaad.

 6. Pravin Patel says:

  SATTAVAN centnu viraat vruksh BAALIKAAni saachi bhavnanu pratik chhe. Aankhomaa aansu laavi deti samarpan gaathaa. Mrugeshbhai sundar pasandgi. pasandgi. dhanyavaad.

 7. nayan panchal says:

  ખૂબ જ સરસ સત્યવાર્તા. માનવામાં નથી આવતુ કે ૫૭ સેન્ટ જેટલી નાની રકમ આટલો મોટો ચમત્કાર સર્જી શકે છે. કદાચ આ જ તે નાની બાળકીની નિસ્વાર્થ ભાવનાની તાકાત છે.

  આપણે પણ કોઈ સારા કામને નાનુ સમજીને ટાળી ન દેવુ જોઇએ, કોને ખબર એ નાનુ કામ આવા કર્મોરૂપી ગંગાની ગંગોત્રી બની રહે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.