દિલોજાન દોસ્તી ! – પ્રણવ કારિયા

[બાળવાર્તા]

સુધા પપ્પાની એકની એક લાડકી દીકરી. તે પપ્પાને રોજ રમાડે અને પપ્પા તેને જમાડે ! પણ આજે કોણ જાણે કેમ, સુધા જમતાં જમતાં રડવા લાગી ગઈ ! મમ્મીએ ધાકધમકી આપી પણ કંઈ જ ફેર પડ્યો નહિ. પપ્પા સવારનું છાપું વાંચવાનું બંધ કરી સુધા પાસે ડાઈનિંગ ટેબલ પર આવ્યા અને વહાલથી પૂછ્યું : ‘કેમ બેટા, તું આજે જમતી નથી ? થોડો દહીં-ભાત જમી લે ! તું બહુ ડાહી છે.’

સુધા થોડી નરમ પડી, આંસુ લૂછતાં કહ્યું : ‘સારુ, પપ્પા ! બધો જ દહીં-ભાત ખલાસ કરી દઈશ પણ એક મારી શરત છે; હું જે માગું તે તમારે કરી આપવું પડશે !
‘કબૂલ !’ પપ્પાએ સુધાનો નાજુક હાથ પકડીને વચન આપ્યું અને સુધા ધીરે ધીરે બધો જ દહીં-ભાત જમી ગઈ. પપ્પાએ હસતાં હસતાં કહ્યું : ‘સુધા બેટા ! તું કૉમ્પ્યુટર જેવી ખર્ચાળ વસ્તુ નહિ માગતી, મારી પાસે હાલ તુરત પૈસા નથી !’
‘ના રે ના, પપ્પા. મને એવી કોઈ કીમતી વસ્તુ કદી જોઈતી જ નથી !’ સુધાએ જમીને હાથ લૂછતાં ટાપસી પૂરી.

પપ્પાએ ફરી છાપામાંથી માથું ઊંચુ કર્યું એટલે સુધાએ કહ્યું : ‘પપ્પા, તમે મને વચન આપ્યું છે કે મારી વાત/શરત તમે જરૂર પૂરી કરશો-કરશોને પપ્પા ?’
ઘરના બધા જ સુધા શું માગે છે તે જાણવા આતુર થઈ ગયા. ‘પપ્પા, આ રવિવારે મારે સલૂનમાં જઈને બધા જ વાળ કપાવી નાખવા છે !’ સુધાએ પોતાની શરત રજૂ કરી.
આ સાંભળી સુધાની મમ્મી બોલી ઊઠી : ‘સુધા, આ તો તારો જુલમ કહેવાય, આવા સુંદર વાળ કપાવીને ટકો કરાવવો છે ? છોકરીને બિલકુલ શોભે નહિ ! તું આખો દિવસ ટી.વી. જોયા કરે છે એટલે તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે – તું બીજું કંઈ પણ માગી શકે છે !’
‘તું શા માટે અમારી લાગણી સમજતી નથી ?’ પપ્પા સુધાને સમજાવતાં કહેવા લાગ્યા.
‘પપ્પા, તમે જાણો છો કેટલી મુશ્કેલીથી મેં બધા જ દહીં-ભાત પૂરાં કર્યા ! તમે જ મને વચન આપ્યું છે કે જે કંઈ માગણી મૂકીશ તે તમે અવશ્ય પૂરી કરશો. રાજા હરિશ્ચદ્રની વાર્તા તમે જ મને કહેલી અને સમજાવ્યું હતું કે આપણે આપેલ વચન કોઈ પણ ભોગે પાળવું જ જોઈએ !’

‘તારી વાત સાચી છે બેટા !’ પપ્પા સુધા સાથે સહમત થઈ ગયા, એટલે સુધાની મમ્મી ફરી તાડૂકી ઊઠી. ‘તમે ભાનમાં છો કે નહીં ! સુધા હજુ બાળક છે પણ તમે આવી શરત મંજૂર કરી સુધાને ચડાવશો માથે, તો લોકો શું કહેશે ?’ આ સાંભળી સુધા રડવા લાગી.
પપ્પાએ કહ્યું : ‘સુધા તારી ઈચ્છા પૂરી કરીશ !’

સુધાએ જ્યારે બધા જ વાળ કપાવી નાખ્યા ત્યારે તેણીનું ગોળ-મટોળ માથું ચમકવા લાગ્યું અને આંખો પણ ખૂબ મોટી થઈ ગઈ જાણે ! સોમવારે સવારે, પપ્પા સુધાને શાળામાં મૂકીને વળતાં તેનો ઝગમગતો ચહેરો જોતાં જોતાં, ‘આવજો’ કરતા હતા અને સુધા પણ ‘ટા…ટા’ કરતી હસતી હસતી શાળામાં જતી હતી ! એવામાં શાળાનો એક છોકરો મોટરમાંથી ઊતર્યો અને તેણે બૂમ પાડી.
‘ઓ સુધા ! મારા માટે થોડી વાર ઊભી રહેજે !’ આ જોઈને સુધાના પપ્પાને ખૂબ આશ્ચર્ય થયું કે પેલા છોકરાને માથે પણ બિલકુલ વાળ નહોતા ! અને તેથી એક આંચકો અનુભવ્યો.
‘અરે સાહેબ ! તમારી દીકરી સુધા ખરેખર મહાન છે !’ પેલા છોકરાની મમ્મી મોટરમાંથી ઊતરીને સુધાના પપ્પા સાથે એકાએક વાતો કરવા લાગી ગઈ ! ‘પેલો છોકરો જે સુધા સાથે શાળામાં જાય છે એ મારો દીકરો સુરેશ છે ! તેને લ્યુકેમીઆ થયેલ છે.’ આટલું કહેતાં તો સ્ત્રીને ગળે ડૂમો ભરાઈ આવ્યો !

તેમણે આગળ કહ્યું : ‘સુરેશ એક મહિનો પથારીવશ હતો. શાળાએ પણ જતો નહિ. દવાની આડઅસરથી તેના માથાના બધા જ વાળ ખરી ગયા. તેથી શાળામાં નહિ જવા માટે જીદ કરતો હતો. તેને શાળામાં ‘ટકો-મૂંડો’ કહી ચીડવશે તેની બીક લાગતી હતી ! બે-ચાર દિવસ પહેલાં સુધા અમારે ઘેર આવી અને સુરેશને ખાતરી આપી કે તેને કોઈ ચીડવશે નહિ ! પણ… પણ અમને કલ્પના જ નહિ કે સુધા તેનાં સુંદર મજાના વાળ કપાવીને આટલો બધો ભોગ આપશે ! ઓ ભાઈ ! તમે અને તમારી પત્ની ખરેખર ધન્ય છો કે તમને સુધા જેવી ઉમદા દીકરી મળી છે !!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વહાલપ – હેમંત દેસાઈ
અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે Next »   

18 પ્રતિભાવો : દિલોજાન દોસ્તી ! – પ્રણવ કારિયા

 1. nayan panchal says:

  હ્રદયસ્પર્શી વાર્તા.

  આ વાર્તા ડૉ. વીજળીવાળા સાહેબના પુસ્તકમાં પણ છે અને કદાચ નેટ ઉપર એક fwded e-mailના રૂપે ક્યારેક વાંચવા મળી જાય છે.

  રવિવાર સુધારી દીધો, આભાર.

  નયન

 2. ભાવના શુક્લ says:

  ૪-૫ વર્ષ પહેલા સંજીવની નામની એક મેડિકલ પ્રોફેશનમા આવતા ચડાવ-ઉતાર દર્શાવતી સિરિયલમા હેન્ડલ કરવા પડતા અઘરા કેસો મા એક કેસ પણ આવો જ હતો કે મિત્રને લ્યુકેમીયા થયો હતો તો તેના બધા મિત્રો હોસ્પીટલમા તેને મળવા આવ્યા ત્યારે નાનકડા પેશન્ટને ખરાબ ના લાગે તે માટે તેઓ બધાજ પોત-પોતાના વાળ ઉતરાવી ને મળવા આવ્યા અને પ્રોત્સાહીત કર્યો અને બાળક ટુકા સમયમા સાજો થઈ ગયો.
  સ્પર્શી રહે ક્યારેક આવા સમજણના અંશો જે આપણને બાળકો શિખવે છે.

 3. અદભુત ત્યાગ, વાઁચતા આઁખો ભીની થઇ.

 4. Pravin V. Patel says:

  સલામ સુધાની સમજણને.
  બીજાના સુખમાં આપણું સુખ છે.—-પૂજ્ય યોગીજી મહારાજ
  ત્યાગની ચરમસીમા.
  આભાર અને અભિનંદન.

 5. palabhai muchhadia says:

  very touchy story and it surely brings tears . such feelings are very precious. and only fortunate persons can avail it.

 6. આપભોગે જતાવેલી ઉત્તમ પ્રકારની સહાનુભુતી. સુંદર વાર્તા. ધન્યવાદ.

 7. બાળકો જેને ચાહે છે, તેને માટે તે ગમે તે ભોગ આપવા તૈયાર થઈ જાય છે. પછી તેની પ્રિતિનું પાત્ર બીજું કોઈ બાળક હોય, નાનકડું પશુ હોય , ભાઈ – બહેન કે દાદા – દાદી કે માતા – પિતા હોય કે પછી એકાદ નાનકડું રમકડું હોય પણ જેને તે ચાહે છે તેને તે પુરે પુરુ ચાહે છે.

  સુંદર વાર્તા.

 8. pragnaju says:

  ભાવનાબેને મારા મનની વાત કહી
  અહીં તો ટકો-મુંડો આવી લાગણી માટે કરાવ્યાનાં દાખલા જોયા છે
  અને વાળનું દાન તો અમારા કુટૂંબમાં પણ થાય છે

 9. રેખા સિંધલ says:

  આને તમે બાળવાર્તા કહો છો પણ આ તો મોટાને પણ બોધ આપે તેવી વાર્તા છે. આભાર ! ખૂબ સરસ.

 10. shruti says:

  really tochy story…
  absolutelly agree with atul bhai …
  keep it up…
  shruti

 11. maurvi pandya vasavada says:

  kids are really innocent…whatever they think, whatever they say have deep meaning…..as a parent we need to lisen thema nd understand their thouhgts….kone khabar samajan shakti ma aapan ne kyay pachhal padi de!!!!

 12. Dhaval B. Shah says:

  ખૂબજ સુન્દર વાર્તા.

 13. alpa says:

  its really nice story,
  i thankfull to readgujarati કે પારકા દેશમા મને આપ ગુજરાતી ભાષાની ઝાંકી કરાવૉ છૉ………

 14. Ashish Dave says:

  I have read this story before but it was nice to read it again.

  Ashish Dave
  Sunnyvale, California

 15. kumar says:

  read this one long time ago in a forwarded mail.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.