અંધારા અજવાળા – નીલેશ રાણા

ધીરેથી બારણું ખોલવાનો અવાજ આવતાં શાંતિમાં ભંગ પડ્યો. નિવેદિતાના કાન સરવા થયા. ટપ ટપ કરતાં બૂટનો અવાજ તેની ભણી આગળ વધી રહ્યો હતો. તે પગલાંને વરતી થઈ.
‘કેમ. આજે પણ મોડું થયું?’
ડૉકટર નિશીથનો અવાજ આવ્યો, ‘તને કહીને તો ગયો હતો કે મારે ઑપરેશનમાં જવાનું છે.’
‘એમ ત્યારે તમને ઑપરેશનમાં જવાનું હતું !’
‘કેમ આજે આમ બોલે છે?’
‘તમે મને બનાવો છો.’
આ સીધા હુમલાથી નિશીથ ડઘાઈ ગયો. ‘હું તને બનાવું છું? કોણે કહ્યું તને?’
‘રોજ ઑપરેશનને બહાને તમારી લેડી-પેશન્ટ પાસે તો નથી બેસી રહેતા ને?’
‘કઈ લેડી પેશન્ટ?’
‘મિસ. હર્ષિલા !’
‘તું મારી મશ્કરી કરે છે!’
‘મશ્કરી તો ભાગ્યે મારી સાથે કરી છે, તમે મારી સાથે કરી છે !’
‘મને સમજવાનો પ્રયત્ન કર,’ બાજુમાં બેસતા નિશીથ બોલ્યો.
‘તમે એની સાથે તમારો સમય ગાળો છો કે નહીં ?’
‘હું ડૉકટર છું અને તે એક પેશન્ટ.’
‘તમે એ સંબંધથી આગળ વધી તેને શા માટે બાગમાં ફરવા લઈ જાવ છો? તેને શા માટે ખવડાવો છો? આટલી સહાનુભૂતિની શી જરૂર છે ?’
‘તને કોણે કહ્યું ?’
‘મારી એક હિતેચ્છુએ !’
‘તારી વાત સાચી છે પણ તે મારી દર્દી છે. તેને કોઈક ભારે આઘાત લાગ્યો છે. તેથી તેનું મગજ અસ્થિર છે તેથી ટ્રિટમેન્ટમાં તેના પ્રત્યે કોઈ હમદર્દી બતાવે તે જરૂરી છે.’
‘મને આ નથી ગમતું.’ નિવેદિતાએ ગુસ્સો પ્રગટ કર્યો.
‘નિવેદિતા..’ ડૉકટરનો અવાજ ઊંચો થયો, ‘એ મારી ફરજ છે મારે તેને સાજી કરવી જોઈએ.’
‘મારી પ્રત્યે તમારી કોઈ જ ફરજ નથી?’
‘તારી પ્રત્યે મેં કદી બેકાળજી બતાવી નથી.’
‘તમે મારી મજબૂરીનો લાભ લીધો છે.’
‘નિવેદિતા…’
‘હા, હું જોઈ નથી શક્તી તેથી બહાર તમે ફાવે તેમ ફરી શકો છો અને મને ઉપકાર હેઠળ રાખી દુનિયા આગળ શરીફ બનવા પ્રયત્ન કરો છો.’
‘નિવેદિતા, બસ કર!’
‘કેમ સત્ય સાંભળવું નથી ગમતું? તમને હું નથી ગમતી તેથી જ તમે હર્ષિલા સાથે બેસી ફરો છો.’

ડૉકટર નિશીથે માથું પકડ્યું. આજ કોઈ તેમના સુખી સંસારમાં ઈર્ષાનો પલીતો ચાંપતું હતું. અસમજના અને અવિશ્વાસના ઘેરાતાં વાદળોમાંથી જ્યારે આશંકાની વર્ષા વરસે છે ત્યારે મનની ભૂમિ પર સંઘર્ષનાં બીજનું વાવેતર થાય છે. વાણીમાં કટુતા અને કર્કશતા પણ તેના ફળસ્વરૂપે જ પ્રગટે છે.

‘નિવેદિતા, મારા પ્રત્યે આટલો જ વિશ્વાસ?’

‘પુરુષનું મન ઘણું જ ચંચળ હોય છે. પાણી જેવું ! ઢાળ જોયો તો વહેવા લાગ્યું. વગર વિશ્વાસે તમને જીવન સોંપી ન દીધું હોત. પણ હવે મને લાગે છે કે મારી જેવી આંધળી યુવતીએ પરણવાની હિંમત ન કરવી જોઈએ.’ આજ વખતે તેની આંખો સામેના અંધારામાંથી એક ઓળો ઊપસી આવ્યો. પાંચ વર્ષ પહેલાંના ડૉકટર નિશીથના શબ્દો યાદ આવ્યા :
‘હું તને પરણવા તૈયાર છું, નિવેદિતા. મને આશા છે કે તારી જિંદગીમાં ખૂટતી ખુશી હું તને અર્પી શકીશ.’ પણ આજ તેને આ શબ્દો વરાળ બની ઊડી જતા જણાયા. તેણે જરા અકળામણ અનુભવી.
હૃદય અને મનની અંદર ચાલતી વ્યથાએ શબ્દોનું માધ્યમ છોડી, આંખોનો સહારો લીધો. આંસુઓએ વહેતા વહેતા દિલની હાલત પ્રગટ કરવા માંડી. નિશીથે નિવેદિતાનાં આંસુ લૂછી નાખ્યાં.

‘નિવુ, મારા પર ભરોસો રાખ.’

નોકર ટિપૉઈ પર ચા ગોઠવી ગયો. ટી-સેટ કેટલો આકર્ષક જણાતો હતો ! સુંદર દેખાતા કપ, રકાબીઓ અને કીટલી એકબીજા સાથે કેટલા બંધબેસતાં જણાતાં હતાં. સાથેની ટ્રે પણ ટિપૉઈ પર પડી પડી ટી-સેટની એકમ બની એકશી ભાસતી હતી. જાણે એક જ શરીરનાં જુદાં જુદાં અવિભાજ્ય અંગો. પણ આજ તેમના સંસારની એકતા ડહોળાઈ રહી હતી. પણ નિશીથ નિવેદિતાની આંખોની જેમ ભાવો દર્શાવવા અસમર્થ હતો. છતાં પોતાની જાત પર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો.

‘ચાલ નિવુ, ચા પી લઈએ,’ બોલતાં નિશીથે ચાના બે પ્યાલા તૈયાર કર્યા. નિવેદિતા હજુ પણ સ્થિતપ્રજ્ઞની જેમ બેઠી હતી. નિશીથે ચાનો પ્યાલો તેના હાથમાં મૂક્યો. તેણે ફરીથી ટિપૉઈ પર મૂકી દીધો. નિશિથ શાંત રહ્યો. તે જાણતો હતો કે નિવેદિતા ગુસ્સામાં હોય છે ત્યારે તેને સમજાવવું કઠિન છે.

બહાર અવાજ આવતાં નિશીથે ઊઠીને દરવાજો ખોલ્યો. બહાર પૉર્ચમાં ઊભેલી વ્યક્તિને જોતાં તેના મુખમાં શબ્દો સરી પડ્યા. ‘હર્ષિલા, તું અહીં ક્યાંથી?’ નિશીથના શબ્દો નિવેદિતા ન સાંભળી શકી. નિશીથ હર્ષિલા સાથે પગથિયાં ઊતરી નીચે આવ્યો. ‘સૉરી ડૉકટર. તમને ડિસ્ટર્બ કર્યા ખરું ને ? આજ જરા જીવ બેચેન લાગે છે.’
‘તું જા, હું આવું છું, આજે ક્યાં ફરશું ?’
‘ના, ડૉકટર હવે ફરવા જવાની કોઈ જ જરૂર નથી.’
નિશીથ આશ્ચર્ય પામી ગયો. હર્ષિલા પાછી ફરી ગઈ ને પળ બે પળમાં તો સામે દેખાતી હૉસ્પિટલમાં અદ્રશ્ય થઈ ગઈ. નિશીથ પાછો ફર્યો. દીવાનખાનામાં જોયું તો ચાના બંન્ને કપ એમના એમ જ પડ્યા હતા. વરાળ ઠરી ગઈ હતી ને નિવેદિતા ગેરહાજર હતી. ઘરે આરામ લેવા આવેલા નિશીથની માનસિક વ્યથા વધી ગઈ. આજ નિવેદિતા અને હર્ષિલાનું વર્તન જોઈને તેણે દુ:ખ અનુભવ્યું.

પોતે પતિ પણ હતો અને સાથે સાથે ડૉકટર પણ. જીવનમાં ઊઠતા ઝંઝવાતોથી માનવી ઘણીવાર મૂંઝાઈ જાય છે. રાતના પણ નિવેદિતાનું વર્તન નિશીથ તરફ અતડું જ રહ્યું. નિશીથે તેને વાતમાં પરોવવાનો પ્રયત્ન કર્યો.
‘નિવુ, હવે તારી આંખોનું ઑપરેશન કરવાનું છે. બસ ચક્ષુબૅંકમાંથી ખબર મળી કે તને તારી દ્રષ્ટિ પાછી મળી જ સમજો.’
નિવેદિતા મૌનનો બુરખો પહેરી બેસી રહી.
‘પછી તો તું મારી સાથે ફરી શકશે, જોઈ શકશે !’
‘દુનિયાનાં અજવાળાંને જોવા કરતાં, તો મારી આંખનાં અંધારા વધારે સારાં છે.’
‘નિવેદિતા, તને શું ગાંડપણ વળગ્યું છે!’ નિશીથના અવાજમાં દર્દની ઝલક પ્રગટી આવી.
‘જ્યાં પોતાનું જ કોઈ ના હોય ત્યાં દુનિયા જોઈને શું કરવી? મને મારી જ દુનિયામાં રહેવા દો. દુનિયાના બદલાતા રંગો જોવા મારી આંખો અસમર્થ છે.’ બોલતી નિવેદિતાની તેજહીન આંખો નિશીથને તાકી રહી અને વાતાવરણમાં મૌનની સાથે વેદનાનો રંગ પણ ભળવા લાગ્યો.

પલંગ પર પડ્યાં પડ્યાં બંનેનાં મન વિચારતાં હતાં. એક નાનકડી શંકા કેવું પરિણામ લાવી શકે છે !
‘નિવેદિતા’
‘હં’
‘તારી શંકાના નિવારણ માટેનો ઉપાય શો છે?’
‘તમે જ તમારા મનને પૂછી જુઓ ને.’
‘તું ન બતાવી શકે?’
‘તમારું હૃદય મારા કરતાં વધુ સારો ઉપાય બતાવશે.’
પતિપત્ની વચ્ચેના આ નાજુક પ્રસંગની દરકાર કરતા ટેલિફોનની રિંગ વાગી ઊઠી. નિશીથે ફોન ઊંચક્યો.
‘ઍલાવ, કોણ છો?’
‘ડૉકટર નિશીથ તમારી પ્રાઈવેટ પેશેન્ટ મિસ હર્ષિલા હૉસ્પિટલ છોડવાની તૈયારી કરે છે.’
‘હું હમણાં જ આવ્યો, તેને રોકવાનો પ્રયત્ન કરો.’ નિશીથે ટેલિફોન નીચે મૂકી દીધો. ઝડપથી તૈયાર થતાં તેણે કહ્યું.
‘નિવુ, મારા પેશન્ટને જોવા જાઉં છું.’ તેણે હર્ષિલાનું નામ આપ્યું નહીં, કારણકે તેને ડર હતો કે હર્ષિલાનું નામ સાંભળી તે વધુ શંકા કરશે. હૉસ્પિટલ તેમના ઘરની સામે જ હોવાથી હર્ષિલા પાસે પહોંચતા નિશીથને વાર ન લાગી.
‘કેમ હર્ષિલા રાત્રે શું તોફાન માંડ્યું છે.’
‘મને જવા દો ડૉકટર, મને મહેરબાની કરીને રોકશો નહીં.’
‘પણ શા માટે, આટલી રાત્રે તું ક્યાં જઈશ?’
‘મારે ક્યાં જવું છે તેની મને ખબર નથી. પણ હું ઠેકાણું શોધી લઈશ.’
નિશીથ જાણતો હતો કે ઉશ્કેરાયેલી હાલતમાં હર્ષિલા જતી રહે તો તેનું પરિણામ સારું નહીં આવે.
‘હર્ષિલા, તને સાજા થવામાં થોડા જ દિવસ બાકી છે.’
‘મારે સાજા નથી થવું ડૉકટર, મને જીવવાની આશા ન આપો. મારા માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી. મારા દુ:ખી દિલને હવે વધુ દુ:ખી ન કરશો.’
‘હર્ષિલા તને શું શું થઈ ગયું છે આજે?’
‘ડૉકટર જેનું દુનિયામાં સર્વસ્વ લૂંટાઈ ગયું છે તેને જીવવાની વ્યર્થ આશા શા માટે આપો છો. હું તમારી સહાનુભૂતિને પણ લાયક નથી.’
‘તો તું મને દુ:ખી કરવા માગે છે?’
‘મારે લીધે તમે દુ:ખી તો છો જ, અને વધારામાં તમારો સંસાર પણ દુ:ખી થાય એ મારાથી સહન નહીં થાય.’
‘તને…… તને ક્યાંથી ખબર, હું તો સંપૂર્ણ સુખી છું.’
‘મને પણ બનાવો છો? મેં આજે તમારી અને તમારી પત્ની વચ્ચે થતી વાતચીત સાંભળી છે. મારી ખાતર તમારા સુખને આગ ન ચાંપો ડૉકટર. હવે મારે જીવવું ન જીવવું એકસમાન છે.’
‘મારી વાત સાંભળ, તેની શંકા દૂર કરવા મને તારી જરૂર છે. આટલી મદદ કર્યા પછી હું તને તારે રસ્તે જવા દઈશ.’

લગભગ અડધા કલાકની મથામણ બાદ વાત થાળે પડી. સિસ્ટરને હર્ષિલા પર ચાંપતી નજર રાખવાનું કહી નિશીથ પાછો વળ્યો. માનસિક અશાંતિમાં હર્ષિલા ન કરવાનું કરી બેસે તેની તેને ફિકર હતી. જીવનથી હારી ચૂકેલી હર્ષિલામાં પ્રાણ રેડી તેને ફરી જીવનમાં રસ લેતી કરવાનો પુરુષાર્થ નિશીથે આરંભ્યો હતો. દર્દી માટે સર્વ કંઈ કરી છુટવાની તમન્ના ધરાવતો નિશીથ ઘણો જ લાગણીપ્રધાન હતો. પણ દુનિયામાં સાચા માનવીની કિંમત હંમેશાં ઓછી જ અંકાય છે. સોનાએ પોતાની વિશુદ્ધતાનું પ્રમાણ આપવા માટે આગમાં તપવું પડે છે.
ઘરે પાછા આવ્યા બાદ બાકીની રાત નિશીથે તારા ગણતાં જ વિતાવી નાખી. શંકાઆશંકાના પડળ ચીરવાના ઉપાયો તે વિચારવા લાગ્યો. તે દ્વિધામાં પડી ગયો. કેવું તુમુલ યુદ્ધ મચ્યું હતું તેના દિલમાં !

બીજે દિવસે જયારે નિવેદિતાએ હૉસ્પિટલની એક નર્સ પાસેથી જાણ્યું કે નિશીથ રાતના હર્ષિલા માટે ગયો હતો ત્યારે તેની શંકા મજબૂત બની. ડૉકટર નિશીથની ઉન્નતી જોઈ ન શકનાર નર્સની મીઠુંમરચું ભભરાવેલી વાત સાંભળતાં તેના અંતરે કકળાટ કરી મૂક્યો.
તેની અને નિશીથની વચ્ચેનું અંતર વધી ગયું. નિવેદિતાના વર્તનને કારણે નિશીથને પણ તેની શંકા દૂર કરવાનો ચાન્સ મળ્યો નહીં. નિવેદિતા કંઈ પણ સાંભળવા તૈયાર ન હતી.
આ તરફ નિશીથના તંગ બનેલા ઘરના વાતાવરણની ખબર હર્ષિલાને પણ પહોંચતા હતા. તેની માનસિક હાલત પણ અસ્થિર બનતી જતી હતી. નિશીથની લાચારી પણ વધતી જતી હતી. ત્રણ દિલ બેચેની અનુભવી રહ્યાં હતાં. ધુમાડો નીકળ્યો જોઈ ફૂંક મારવાવાળા દુનિયામાં ઘણા મળી રહે છે.

બે દિવસ બાદ મધરાતે નિશીથને ખબર મળ્યા કે દાદરા પરથી પડતાં હર્ષિલા ઘવાઈ છે. તત્કાળ તે હર્ષિલા પાસે પહોંચી ગયો, ત્યાં નર્સ પાસેથી જાણવા મળ્યું કે હર્ષિલા ઊંઘમાંથી અચાનક જાગી ગઈ હતી. અને કાગળ પર કશુંક લખ્યા બાદ ‘મારે મરવું છે’ બોલતી પાછળના ભાગમાં દોડવા ગઈ જ્યાં કૂવો છે. તેને પકડવા માટે વોર્ડ-બૉય પાછળ દોડ્યો અને હર્ષિલા ઉશ્કેરાટમાં દાદર પરથી ઊતરવાં જતાં ગબડી પડી. માથામાં તથા બીજી જગ્યાએ વાગવાથી ઘણું લોહી વહી ગયું હતું. તાત્કાલિક ઉપચારો શરૂ થયા. માથામાં ફ્રેકચર થયું હતું. તે બેભાન બની ગઈ હતી.
તેની પથારીની બાજુમાં પડેલા બે કાગળો નિશીથે લઈ લીધા. તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ પણ તેની સ્થિતિમાં ફરક ન પડ્યો. ધીરે ધીરે ભાન ગુમાવતી હર્ષિલા લાંબી સફરે ચાલી નીકળી. નિશીથ ભાંગી પડ્યો. જાણે તેણે એક સ્વજન ગુમાવ્યું. એક ડૉકટર તરીકે તેણે મનને કઠણ કર્યું છતાંયે એકાંતમાં તે રડ્યા વગર રહી શક્યો નહીં. સાથોસાથ નિવેદિતાનું વર્તન પણ જરા બદલાયું.

સમય વીતતો ગયો. થોડા સમય બાદ નિવેદિતાનું આંખોનું સફળ ઑપરેશન થયું. નિવેદિતાને ઑપરેશન બાદ જ્યારે પટ્ટીઓ ખોલવાનો સમય આવ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. આજે તે દ્રષ્ટિ મેળવવા સાચે જ આતુર હતી. નિશીથ પણ આજે ખુશ જણાતો હતો. નિવેદિતાનો આનંદ જોતાં તેને હર્ષિલા યાદ આવી ગઈ. અફસોસ કે આ દિવસ જોવા તે જીવતી ન હતી. છતાં પણ તેને લાગ્યું કે હર્ષિલા તેની આસપાસના વાતાવરણમાં છવાઈ ગઈ છે. દર્દની થોડીક છાંય નિશીથના મુખ ઉપર ઉપસી આવી.

પટ્ટી ખોલ્યા પછી ઝાંખી ઝાંખીશી દેખાતી વસ્તુઓ સ્પષ્ટ બની. નિશીથ નર્સની મદદથી નિવેદિતાને ઘરે લઈ આવ્યો. નિવેદિતા પોતાના ઘરને, પોતાના પતિને જોતાં આનંદ અનુભવી રહી. નિશીથે એક પત્ર તેના હાથમાં આપ્યો અને તે અંદરની રૂમમાં ગયો. નિવેદિતાએ પત્ર નર્સને વાંચવા આપ્યો.

‘પ્રિય બહેન નિવેદિતા,
શંકા ઘણીવાર જીવનને બરબાદ કરી નાખે છે જેનો મને પ્રત્યક્ષ અનુભવ છે. ડૉકટર નિશીથ નિર્દોષ છે. દેવ જેવો પતિ મેળવી તું ભાગ્યશાળી બની છે. તારી મૂડીને સાચવીને રાખજે. આશા છે તું મને પણ માફ કરી દઈશ. હું ડૉકટરની સહાનુભૂતિને પણ લાયક ન હતી. હું તેમની પણ માફી ચાહું છું. બસ ભવિષ્યમાં તમારા બે વચ્ચે મેળની આશા રાખતી…
દુખિયારી હર્ષિલાના પ્રણામ.’

હર્ષિલા નામ સાંભળતાં જ તેના સ્મરણપટ પર આંદોલનો ચાલુ થયાં. હૃદય રડી ઊઠયું, ત્યાં જ હાથમાં એક ફોટો લઈ નિશીથ નિવેદિતા પાસે આવ્યો. તેના હાથમાં ફોટો આપી, બાજુમાં બેસતાં નિશીથ બોલ્યો,
‘આને ઓળખે છે નિવુ ?’
નિવેદિતાએ માથું ધુણાવી ના પાડી.
‘હર્ષિલાનો ફોટો છે. ચક્ષુદાન કરવા માટે તેનો આભાર માન.’ નિવેદિતા આશ્ચર્યથી નિશીથને તાકી રહી.
‘મરતાં પહેલાં તને દ્રષ્ટિ આપવાની ઈચ્છા તેણે પત્રમાં જણાવી હતી. આજ તેની ઈચ્છાને માન આપી તેનાં ચક્ષુ તેને મળતાં, તું દ્રષ્ટિ પામી શકી છે.’

નિશીથના હાથમાંથી તસવીર લઈ ચૂમતા, નિવેદિતાની આંખમાં અશ્રુ ચમકી ઊઠયા. નિશીથને તે આંસુઓમાં હર્ષિલા હસતી નજરે પડી. વાતાવરણમાં ફરી એક વાર ખુશીની લહેર દોડી ગઈ. હર્ષિલાની તસવીર આગળ નિવેદિતાનું માથું શ્રદ્ધાથી ઝૂકી ગયું. ચારેકોર આજ અજવાળું નજરે પડતું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ના કહેવાની શક્તિ – વિનોબા ભાવે
સબસે ઊંચી પ્રેમ સગાઈ – ડૉ. પ્રજ્ઞા પૈ Next »   

15 પ્રતિભાવો : અંધારા અજવાળા – નીલેશ રાણા

 1. janki says:

  WOw..
  what a story..!
  actually i dont have proper words to praise the work.
  but it’s more than great.
  thanks a lot

 2. Ketan Solanki says:

  Nice story..!

 3. Neela says:

  aa wat hridayne sparshi gayi.

 4. અમિત પિસાવાડિયા says:

  સરસ , હ્ર્દયસ્પર્શી વાર્તા છે. વિશ્વાસ એ મહત્વની વસ્તુ છે.

 5. Alka Bhonkiya says:

  Its heart touch story

 6. Gira says:

  Wow…….
  Very heart-touching story… I really enjoyed reading it. I see the true humanity in Hrshila…
  Great Story… but there are few people like Harshila who sacrifice their life for others..

  Thanks…

 7. Naren says:

  Very nice story. It really touched my heart.
  Thanks.

 8. Vishal says:

  this one is very touchy….

 9. chetna shah says:

  ekdam hradaysprshi story …insaniyat ,lagni,ane sahanubhuti sathe ni faraj jo har ek doctor bajave to sona ma sugandh bhale…ane je story ma hoy che e jivan ma utarvu bahu j kathin hoy che…chhata pan e badhu vanchi ne vykti ne prerana to jarur male chhe…

 10. Rashmita lad says:

  Nice story. I like it very much. it was really touched my heart.

 11. nayan panchal says:

  સરસ વાર્તા.

  મને જાણવુ છે કે શું એક જ સમયે એક કરતા વધુ વ્યક્તિના પ્રેમમાં હોવુ શક્ય છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.