મને સાળાનાં સપનાં આવે – પ્રો. ચંપક શાહ

[હાસ્યલેખ]

મારા સસરાની સર્વાંગી ‘મિસપ્રિન્ટ કાર્બન કોપી’ એટલે મારો સાળો ! એ રીતે મૂલવતાં મારાં શ્રીમતીજી એ આબેહૂબ સર્વાંગી કાર્બન કોપી છે એમ મારે કોઈપણ જાતના દબાણો વગર જ કહેવું જોઈએ. મારાં લગ્ન થયે ચાલીસ વર્ષ પૂરાં થઈ ગયાં, પણ એ દરમિયાન લગભગ એકસો ચાલીસ જેટલા નાના-મોટા ભવાઈ વેશો મારા સાળા સાથે મારે ભજવવાના પ્રસંગો ઊભા થયા છે. જે બધા જ અત્રે વર્ણવવા મારા માટે અશક્ય નહિ તો પણ જોખમકારક તો છે જ !

આમ તો પુત્રનાં લક્ષણ પારણામાં જ એ કહેવત પ્રમાણે છેક પારણામાંથી જ પરચા બતાવવાના મારા સાળાએ શરૂ કરેલા. જેની યશગાથાઓ મારા સસરાના ફળિયાવાળાઓ પાસેથી મેં છૂટક છૂટક સાંભળેલી પણ એ કહેવા જતાં મારાં શ્રીમતીજીનો ખોફ મારા ઉપર સીધો જ ઉતરી પડે કે, ‘તમે મારા ભાઈનું ઘોડિયું ક્યારે હિંચોળવા આવેલા તે તમને આ બધી ખબર પડી ?’ એટલે મારા ભવિષ્યને રગદોળી નાખે તેવા અકસ્માતો અટકાવવા સીધા મારી સાથેના જ કેટલાક અનુભવો અત્રે ટાંકું એ મારે માટે વધુ હિતાવહ છે.

લગ્ન પછી તરત જ પત્નીને લઈને ક્યાંક બહાર આબુ-અંબાજી, સાપુતારા કે પાવાગઢ પાંચ-સાત દિવસ ફરવા જવું જોઈએ એવા સર્વમાન્ય ખ્યાલોને અમે પણ અમલમાં મૂકેલા અને સાથે એકાદ નાના અણસમજુ સાળાને પણ લઈ જઈએ તો શ્વસુરપક્ષે શરૂઆતથી જ પોઝિટિવ વાતાવરણની છાપ ઊભી કરી શકાય એવા શુભ આશયથી પ્રેરાઈને, મેં મારા આઠ વર્ષના સાળાને અણસમજુ સમજીને જ અમારી સાથે લીધેલો. ઘણે બધે ફર્યા ત્યાં સુધીમાં તેણે એના સ્વભાવનાં ચટકાં બતાવવાનાં શરૂ કરેલાં પણ એણે ખરું પોત તો વડોદરામાં જ પ્રકાશ્યું. વડોદરામાં કમાટી બાગમાં લઈ જઈશ તો ત્યાં પ્રાણી સંગ્રહસ્થાનનાં અવનવાં પ્રાણીઓને જોઈને મારો સાળો થોડોક આનંદ અનુભવશે ને એટલો સમય અમને પણ કોઈ આસોપાલવ નીચે બેસીને પ્રેમની બે-ચાર પ્રાથમિક વાતચીતો કરવાની અનુકૂળતા મળશે એમ અમે માનેલું, પણ એનાથી તદ્દન ઊલટું જ આશ્ચર્યકારક પરિણામ અમને દેખાયું, પ્રાણી સંગ્રહાલયનાં વિવિધ પ્રાણીઓના ચેનચાળા જોઈને મારો સાળો એનું માનવ સ્વરૂપ જ આખેઆખું ભૂલી ગયો અને એ પણ પ્રાણીઓની જેમજ ચેનચાળા કરી રમણે ચડ્યો. એની આ ઉરાંગ-ઉટાંગ એકશનો જોઈને પાંજરામાંનાં પ્રાણીઓ બધાં સ્થિર થવા માંડ્યાં અને તેઓ જ ખુદ મારા સાળાની ચેષ્ટાઓ આનંદથી માણવા માંડ્યાં !

પાંજરામાં બેફામ કૂદાકૂદીનો બાદશાહ ગણાતો ચિમ્પાન્જી તો મૂંઝવણમાં જ મૂકાઈ ગયો અને નર્વસ બની ગયો. ત્યાં તો મારા સાળાએ પાંજરામાંના પક્ષીઓ સાથે અટકચાળાં કરવાનાં શરૂ કર્યાં. કોઈ કોઈ વાંદરાઓની પૂંછડીઓ ખેંચવા માંડી, કોઈ વાઘ-સિંહના પાંજરા પાસે જઈને જંગલી નકલો કરવા માંડી. વળી રીંછના પાંજરા પાસે જઈને રીંછની જેમ ચાલવા માંડ્યું… વગેરે ! પરિણામ એ આવ્યું કે કમાટીબાગની મુલાકાતે આવેલાં માનવ ટોળાંનો રસ પ્રાણીઓના ચેનચાળામાંથી ઘટી ગયો અને મારા સાળાની આસપાસ એ ટોળાં વિંટળાવા માંડ્યાં. લગભગ બે કલાક અમને નિરાંત મળી હશે એટલામાં તો પ્રાણીબાગના છ-સાત રખેવાળો જ મારા સાળાને પકડીને અમારી બાજુ ઢસડી લાવતા દેખાયા. તાજો જ પકડાયેલો ડુક્કર શિકારીઓના પંજામાંથી છૂટવા તરફડિયાં મારતો હતો અને એમ કરવા જતાં એના અડધા બુશશર્ટે શરીરનો લગાવ છોડી દીધો હતો. ગંજીની એક બાંય નવરી થઈ ગઈ હતી અને તેની ચડ્ડીનાં બંધનો ઢીલાં પડી ગયાં હતાં. માત્ર એક જ સ્લીપર માંડ માંડ તેના પગ ઉપરની પકડ જમાવી રાખવા મથામણ કરતી હતી. તેના વાળ મિનિ સત્યસાંઈનું સ્વરૂપ પકડતા જતા હતા. મારા સાળાની મુખમુદ્રા, અંગભંગી અને અવાજ વૈવિધ્ય જોઈને અમને લાગ્યું કે સારો એવો મેથીપાક આજે એણે ખાધો છે. દૂરથી જ અમને જોઈને એના બૂમ-બરાડાનું વૉલ્યુમ એકદમ વધી ગયું. તેથી પેલા રખેવાળોએ પણ અમને જ તેના વાલી ગણી લઈને અમારી આગળ જ લાવીને તેને લગભગ પછાડ્યો જ ! અમે અડધા કલાક સુધી રખેવાળોને કરગર્યા, ખૂબ સમજાવ્યા અને ‘આ મારો સાળો છે ને નાનપણથી જ સાવ પાગલ છે’, એવી જાહેરાત કરી ત્યારે જ તેઓએ ‘તો પછી આવા જંગલીને મેન્ટલ હૉસ્પિટલમાં મૂકી આવોને, અહીં સાથે લઈને શું જખ મારવા ફરો છો ?’ એવા ટૂંકા છતાં કડક ઠપકા સાથે અમારી સાથેની વાતચીતનો છેડો ફાડ્યો અને અમે પેલા અમારા સમરાંગણિયાને લઈને બાગ બહાર નીકળી ગયા.

બીજે જ દિવસે વહેલી સવારે અમે વડોદરાનો સભ્ય વિસ્તાર છોડી દીધો ને સીધી પાવાગઢની બસ પકડી લીધી. એવા ખ્યાલ સાથે કે ત્યાં એકાંતમાં તે કોની સાથે અડપલાં કરશે ? અમે સીધાં જ પાવાગઢ ચઢી ગયાં. દૂધિયા તળાવની પાળે પહોંચી અમે બે જણાં કંઈક પ્રકૃતિનું પાન કરવા બેઠાં, ત્યાં જ બાજુના પાણીમાં કંઈક પછડાવાનો અવાજ થયો. મેં ગભરાટમાં જ તે બાજુ નજર ફેરવી તો મારો સાળો દૂધિયા તળાવનાં દૂધ જેવાં જળ ઉલેચવાની મથામણ કરતો ડૂબકાં ખાતો હતો. મેં કાંઈ પણ વિચાર્યા વગર સીધું તળાવમાં જ પડતું મેલ્યું ને તેને પરાણે પણ બહાર ખેંચી નાખ્યો. સદનસીબે અમે બેઠેલા તે દૂધિયું તળાવ ગોઝારું બનતું અટકી ગયું. અમે મા કાલિકાની જ કૃપા સમજીને મંદિરે જઈને શ્રીફળ વગેરે ચડાવી આવ્યાં.

પરત માંચી સુધી આવી ત્યાં હોટલમાં ચા-પાણીની વ્યવસ્થા જોવા હું ખસ્યો ત્યાં વળી, મારા સાળાએ એક નવું જ પરાક્રમ આદર્યું. બાજુની દુકાનમાંથી ફટાકડાની ટેટીઓની એક સેર ખરીદી લાવી તેને સૂતળીથી બાંધીને ત્યાં બાજુમાં જ ચરી રહેલા એક ગધેડાના પૂંછડે તે સેર બાંધી, ને બાજુમાંથી કોઈ કાકા પાસેથી દિવાસળીની પેટી માગી લાવીને ફટાકડાની સેર સળગાવી. ફટાકડાએ પોતાનું પોત પ્રકાશ્યું કે તરત ગધેડાએ આવી પ્રવૃત્તિ તરફ સખત નારાજી વ્યક્ત કરતાં તેણે પોતાના પાછલા બન્ને પગ ઉછાળીને સીધા મારા સાળાના ખરબચડા થોબડા સાથે ઘનિષ્ટ સંબંધ બાંધ્યો અને ત્યાંથી હોંચી….હોંચી… જેવા વિરોધી સૂર રેલાવતું ઊભા રસ્તે ભાગ્યું. હોહા મચી ગઈ. લોક મારા સાળાનું રૂદન જોઈને ટોળે વળી ગયા અને એ કોલાહલ સાંભળી મને તરત ફાળ પડી ને હું દોડતો ત્યાં જઈ ચડ્યો. જોયું તો મારો સાળો એનું ડાચું બે હાથ વચ્ચે પકડી, નીચે બેસી, ભેંકડો તાણતો હતો. રોતાં રોતાં એણે એનું પરાક્રમ જાહેર કર્યું. એના મોંમાંથી ચાર-પાંચ દાંત વેરણ છેરણ દશામાં અહીં તહીં – વેરાયેલા પડ્યા હતા. નાક તથા હોઠમાંથી લોહી દદડતું હતું…. હું તેને ધમકાવતો ધમકાવતો સીધો દવાખાને ઊંચકી ગયો ને તાત્કાલિક સારવાર આપવી. હવે અહીં પણ ફજેતીની જાહેરાત વધુ થાય તે પહેલાં અમે પાવાગઢ છોડી દીધું.

એક વાર અમે એને રાત્રે માણેક ચોકમાં ફરવા લઈ ગયાં. આઈસ્ક્રીમ-પાઉંભાજી વગેરે ખાધું. છેલ્લે પાણીપૂરીવાળાના ખુમચા આગળ બે-પાંચ પાણીપુરીનો ટેસ્ટ કરવા અમે ઓર્ડર આપી જરાક વાતે વળગ્યા, ત્યાં તો મારો સાળો હાઈજમ્પ મારીને પાણીપૂરીના માટલે ટીંગાયો ને આખું માટલું જ તેના પર ઢળી પડ્યું. ફરી એકવાર માણેક ચોકમાં એણે અમારી ફિલ્મ ઉતારી નાખી. એવી જ રીતે એક વાર અમારે અમારા એક મિત્રના લગ્નમાં જવાનું થયું. તેથી ‘છોને બિચારો તે પણ અમારી સાથે થોડુંક ફરતો.’ એમ વિચારીને મારા સાળાને પણ સાથે લીધેલો. મિત્રના ફોટા પાડવાની જવાબદારી મને સોંપાયેલી. પણ જેટલા પોઝ હું વરરાજાના ક્લિક કરવા જાઉં તેટલા બધામાં પોતાનું ચોકઠું તો આવવું જ જોઈએ એવી ભારે હઠ લઈને મારા સાળાએ ત્રાગું શરૂ કર્યું. ખાલી ખાલી ત્રણ-ચાર વાર ફલેશ મારીને મેં તેને અષ્ટમ્ પષ્ટમ્ સમજાવવાની કોશિશ કરી પણ નિરર્થક ! છેવટે ખાનગીમાં ધમકાવીને મેં તેને એક હળવો ચૂંટીયો ખણ્યો. એવું માનીને જ કે એને રડતો બંધ કરવાની આ રામબાણ ચાવી જરૂરથી કામ લાગશે જ. પરંતુ ત્યાં તો જાણે વોલ્યુમ સાવ બંધ કરવાની જગ્યાએ લાઉડ વૉઈસનું બટન ભૂલથી દબાઈ ગયું હોય તેમ તેણે બધાની વચ્ચે જ મોટેથી ભેંકડો તાણ્યો અને સાથે સાથે હળવાં ભારે ભજનિયાં પણ તેણે મને સંભળાવવાનું શરૂ કર્યું. આ નાટક નિહાળીને ઘણા ગૃહસ્થો અને ખુદ વરરાજા પણ તેની મદદે આવ્યા. સૌએ મને ખૂબ ધમકાવ્યો ને તેને સમજાવવા ત્રણ-ચાર ફોટા બગાડવા સુધીની સજ્જનતા દાખવવાનું પણ તેમણે મને લગભગ ફરમાન જ કર્યું. મેં કોઈ અપરાધ કર્યો હોય એવા ગુનેગાર જેવો મારો ચહેરો થઈ ગયો ! એટલામાં જ અંદરના રૂમમાં સેવા કાર્યોમાં જોડાયેલાં મારાં શ્રીમતીજીના કાને આ વાત પહોંચી કે તરત હાંફળાં-ફાંફળા ત્રણ-ચાર માણસોને ધક્કે ચડાવતાં ભીડમાંથી જગ્યા કરીને તેઓ બહાર ધસી આવ્યાં ને તેમના ભાઈને સમજાવતાં સમજાવતાં ઘરની અંદર ઢસડી ગયાં. સાથે સાથે મારા તરફ એક તિરસ્કાર યુક્ત અણગમાની ઝલક આપતી દષ્ટિ ફેંકતાં ગયાં. પણ આ બધી બાબતોથી હું હવે ટેવાવા માંડેલો એટલે મેં માંડ માંડ સ્વસ્થતા જાળવી રાખી.

ભણતરની બાબતમાં પણ મારા સાળાના વિચારો ક્રાંતિકારી જ હતા. ‘વધુ ભણેલા ભીખ માંગે’ એવા સૂત્રનો તે ઝનૂની પ્રચારક હતો. તેના પિતા આદર્શ શિક્ષક છે અને અનેક તેજસ્વી યુવાનો તેમના હાથે કેળવાયા છે પણ મારો સાળો પ્રૌઢ શિક્ષણના વર્ગનો જનરલ મોનિટર થાય તેવી લાયકાત પ્રાપ્ત કરી બેઠો છે. છેવટે અમે બધાંએ તેને ક્યાંક નોકરી ધંધામાં ઠેકાણે પાડવાનો વિચાર કરીને બે-પાંચ કરિયાણા-કટલરી કે કાપડવાળાઓના ધંધાઓ પણ જોખમમાં મૂકી જોયા. તો તેમાં પણ શોષવાનું તો વેપારીઓને જ આવ્યું. કેમ કે મારો સાળો જે વેપારીના ત્યાં નોકરીએ ચાલુ થાય તે શેઠના ધંધામાં પનોતી જ બેસવા માંડે ને લાખના બાર હજાર તરફની ગતિ શરૂ થઈ જાય ને પરિણામે મારા સાળાની આબરૂ જિલ્લાભરનાં બજારોમાં પ્રસરી ગઈ છે.

‘ફેશનેબલ કપડાં એ વટવાળા વ્યક્તિત્વનું પ્રથમ પગથિયું છે’ એવા ગુરુમંત્રને મારો સાળો છેક નાનપણથી જ અપનાવતો આવ્યો છે. તેથી બે ત્રણ વિમલના સફારી સૂટ, બે-ત્રણ જોડી બાટાના બૂટ-ચંપલ, ચહેરાના ખુશનુમા વ્યક્તિત્વ માટે વિવિધ સૌંદર્ય પ્રસાધનો, સોનાની વીંટી, દોરો, અને કોઈ સારી કંપનીના અત્તરો-સેન્ટ, તેલ વગેરે સેવાઓ પાછળ જ મારા સસરાજીના વાર્ષિક કુલ બજેટનો 50% ફાળો ઓહિયાં થઈ જાય છે. ત્રણથી ચાર વાર તો આખી કપડાં ભરેલી બેગોનો હવાલો જ તેણે બસ કે રેલવે સત્તાવાળાઓને સોંપી દીધેલો. ને આવી ભૂલો બદલ તેના પેટનું પાણીય હાલતું નથી. પરંતુ મારા સસરાનું આખેઆખું આર્થિક સરોવર ડહોળાઈ જાય છે. આ બધા ઉપરાંત હાથ કી સફાઈ, તીનપત્તી, 120ના મસાલા, લફરાં સદનના આંટાફેરા વગેરે લાયકાતોમાં ઉત્તમ કુશળતા તેણે આસાનીથી મેળવી લીધી છે ! અધૂરામાં પૂરું કોઈક એવા કહેવાતા ગુરુએ તેને ફિલમના ચાળે ચડાવી દીધો છે. તેથી અમિતાભ બચ્ચન જેવી ફાઈટિંગ સ્ટાઈલના રિહર્સલો કરવા જતાં તેના ચહેરાની અને આખા શરીરની ભૂગોળ જ લગભગ બદલાઈ ગઈ છે, ને મારા સસરાનો આખેઆખો ભવ્ય ઈતિહાસ પતનને પંથે વળ્યો છે.

કોઈ લાગણીશીલ સ્નેહીએ વળી એવું સૂચન કર્યું કે, ‘એનાં લગ્ન કરી નાખો એટલે વછેરો ખીલે બંધાઈ જશે.’ એટલે આ વાત મારા સાળાએ પકડી લીધી. દશ બાર જગ્યાએ વાટાઘાટો ચલાવી અને એકાદ જગ્યાએ ઠેકાણું પડી જતાં મારા સાળાએ પ્રભુતામાં પગલાં ખોડ્યાં. અમને થયું કે હવે નાવડું કંઈક સ્થિર થશે પણ અમારો જોકર કંઈક જુદુ જ વિચારીને બેઠેલો. પ્રથમથી જ પત્ની પર વટ પાડી દેવાના ખ્યાલોથી રંગાયેલા તેણે એક યા બીજું બહાનું કાઢી પ્રથમ જ દિવસે કન્યાને ખૂબ મારી અને ધણીપણું સાબિત કર્યું. પરિણામ એ આવ્યું કે આજે પાંચ વર્ષથી કન્યા તેના પિતાને ઘરે છે. મારા સાળાની હાલત પરણ્યા છતાં કુંવારા જેવી છે !

હવે, અત્યારે આખાય ગામમાં તે પટલાઈ કરે છે અને ‘વરણાગી કાનુડા’ તરીકે ઓળખાય છે. પરિણામે અમારા આખા સર્કલે સર્વસંમતિથી તેને ‘જગતની આઠમી અજાયબી’ તરીકે માન્ય રાખ્યો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યઘટનાની સત્ય વાત – કૃષ્ણકાંત ઉનડકટ
દિવાળીએ દિલમાં દીવો કરો – વિનોબા ભાવે Next »   

20 પ્રતિભાવો : મને સાળાનાં સપનાં આવે – પ્રો. ચંપક શાહ

 1. gopal parekh says:

  હળવું પણ માર્મિક હાસ્ય

 2. tejal tithalia says:

  ખુબ સરસ્,

  મજા આવી ગઈ…..

  લેખકે જે રીતે સાળા ને વર્ણ્વ્યો તે ગમ્યુ……..

  અને જે શબ્દપ્રયોગ થયા તે સરસ હતા…. સાળા નુ વ્યક્તિત્વ દર્શવતા……..

 3. આશા રાખું કે આ લેખના હાસ્યાત્મક પાસાથી આજનો વિનાબોજીનો લેખ વાચકોના માનસપટ પરનું પોતાનું સુક્ષ્મ અસ્તિત્વ ગુમાવી ન બેસે … !!!

  હળવો હાસ્ય લેખ …

 4. Soham says:

  એકદમ બરાબર વાત છે કુણાલ..

  Lets not forget what Vinobaji’s message.. But definitely a nice article..

  મજ આવી ગઇ…..

 5. કોઈ પડી જાય તે ગંભીર બનાવ ગણાય પણ તેમાં એક ઉજળી બાબત તે છે કે તે પડતી વ્યક્તિને જોનારાઓને ઘણું મનોરંજન પુરુ પાડે છે. એવી જ રીતે આપણાં જીવનમાં ઘટતી ચિત્ર – વિચિત્ર ઘટનાઓ કે જે આપણને બિલકુલ પસંદ પડે તેવી ન હોય તેની નિયમિત નોંધ કરીને તેને મઠારીને પછી તેને પ્રકાશિત કરવામાં આવે તો તે અનેક લોકોને મનોરંજન પુરુ પાડી શકે. મને લાગે છે કે હાસ્ય-લેખોમાં ભલે અતિશયોક્તિ અલંકારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય તો પણ તેમાં ક્યાંક થોડીક વાસ્તવિકતા તો રહેલી જ હોય છે.

  મજા આવી હાસ્ય લેખ માણવાની.

 6. nayan panchal says:

  હસાવવાનો સારો પ્રયાસ કર્યો છે. ટપુડાની પણ યાદ આવી ગઈ.

  નયન

 7. ઈન્દ્રેશ વદન says:

  હા હા, સાળા નો બરોબર કચરો કર્યો છે… ઘણી ગમ્મત.

 8. pragnaju says:

  મઝાનો રમુજી લેખ

 9. Kamakshi says:

  સરસ હળવો હાસ્ય લેખ….

  મજા આવી ગઈ….

 10. drashtishh says:

  આવો બેકાર લેખ ફરીથી લખવાનો પ્રયત્ન ના કરતા

 11. Ashish Dave says:

  Hilarious and descriptive…

  Ashish Dave
  Sunnyvale, California

 12. Ashish Modi says:

  સરસ લેખ્

  kindly keep it up

 13. Nilesh Bhatt says:

  માનનીય પ્રોફેસર સાહેબ ને પહેલી વખત વાંચવાનો અનુભવ મળ્યો. લેખનશૈલી સારી લાગી. શબ્દો પર પકડ પણ વખાણવા યોગ્ય છે. આમ છતાં વિષય વસ્તુ મા ખાસ મજા ના પડી. ભવિષ્યમાં વધુ સારાં લેખ ની અપેક્ષા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.