દિવાળીએ દિલમાં દીવો કરો – વિનોબા ભાવે

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓક્ટો-08માંથી સાભાર.]

દિવાળી સાથે બે-ત્રણ યાદ મારા મનમાં સંકળાઈ ગઈ છે. એક છે, એકદમ બાળપણની. મારું બાળપણ કોંકણના પહાડોથી ઘેરાયેલા એક નાનકડા ગામમાં વીત્યું. મને યાદ આવે છે કે તે ગામમાં અમે લોકો દિવાળીમાં દીવા કેવી રીતે પ્રગટાવતા. તે માટે જંગલમાં જઈને કોરાંટીનાં ગોળ ફળ વીણી લાવતા અને તેને વચ્ચેથી કાપીને અંદરનો માવો કાઢી નાખતા, એટલે સુંદર દીવી બની જતી. તેમાં દિવેટ મૂકતા અને કોંકણનું શુદ્ધ સ્વદેશી નારિયેળનું તેલ ભરી દેતા. કોંકણમાં રૂ નહોતું મળતું, પણ દેવ-કપાસથી અમારું કામ ચાલી જતું. આ રીતે અમારા દીપક તૈયાર થયા. પછી તેમને ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળાકાર વગેરે સુંદર આકારોમાં ગોઠવી દેતા. બસ, થઈ ગઈ અમારી દિવાળી !

દિવાળી એટલે ચાર મહિના ચોમાસા પછીની પહેલી નિરભ્ર અમાવાસ્યા. પોતાના દિવ્ય વૈભવ સાથે પૂર્ણ પ્રગટ થયેલી રજનીદેવી. ચંદ્રના સામ્રાજ્યને દૂર કરીને પરસ્પર સહકારથી સૌંદર્ય નિર્માણ કરતી નાની-મોટી સ્વાયત્ત તારિકાઓ અને એમની રચાતી ભાતભાતની આકૃતિઓ. આપણે લોકોએ જો આપણાં મન પણ આ દીપકોથી સજાવ્યાં હોત, તો આપણું સ્વરાજ્ય હજી વધુ રંગત લાવત. જો કે આ કલ્પના તે વખતે બાળપણમાં નહોતી સૂઝી. જરા મોટો થયો, ત્યારે ક્યારેક કવિતાઓ લખતો. તેમાંની એક કવિતા યાદ આવે છે. કવિતા મરાઠીમાં હતી. તેનો અર્થ એવો હતો કે ‘હે પ્રભુ, મને પૂર્ણિમાની ઝાકઝમાળ નથી જોઈતી, મને તો અમાવાસ્યાની રાત્રિની સ્વતંત્રતા જોઈએ છે. અમાવાસ્યાની રાતે એક-એકથી ચઢિયાતી તારિકાઓ હોય છે. જ્યોતિષવેત્તાઓ જાણે છે કે એક-એક તારિકા કેટલી મોટી હોય છે ! જે તારિકાઓ આપણને નાની દેખાય છે, તે મોટી દેખાતી તારિકાઓ કરતાંયે મોટી હોય છે. આ બધી તારિકાઓ આકાશને શણગારે છે, અને દરેકની પોતાની સ્વતંત્રતા હોય છે. ચંદ્રમાના રાજ્યમાં આ દર્શન નથી થઈ શકતું. માટે હે પ્રભુ, મને તો અમાસની રાત જ જોઈએ !’ આવી એક કવિતા મેં લખી હતી.

આને મેં પાછળથી ગણસેવકત્વનો આદર્શ કહ્યો છે. ગમે તેવો મહાપુરુષ હોય, પણ તેનું અનેકોમાં એક હોવું, એ મોટી ખૂબી છે. વર્ડઝવર્થ અંગ્રેજીનો એક મહાન કવિ. એની એક નાનકડી કવિતા છે. તેમાં એણે કહ્યું છે, મારું સ્મારક કેવું બનાવવું. તો કે’ રોજ હું એક ટીલા પર જતો. ત્યાં અનેક પથ્થરો પડ્યા છે. તેમાંથી ઘણા બધા સારા સારા પથ્થરો શોધીને લોકો લઈ ગયા છે અને તેમના પર જાતજાતની કારીગરી કરી છે. પણ મેં જોયું કે ત્યાં એક પથ્થર એવો પડ્યો છે, જે કારીગરી માટે ઉપયોગી નહોતો, એટલે ત્યાં જ પડ્યો છે. તેની તરફ કોઈનું ધ્યાન નથી ગયું. તે પથ્થર મારા સ્મારક તરીકે પસંદ કરાય અને તેના ઉપર લખવામાં આવે – One of Many (ઘણાઓમાંનો એક). આવી આકાંક્ષા હતી, વર્ડઝવર્થની. અનેકોમાંના એક રહેવું, તેમાં જ આનંદ છે. એટલે જ મારી કવિતામાં મેં બીજાઓને ઢાંકી દેતી ચંદ્રમાની પૂર્ણિમાને બદલે બધા તારલાઓને સ્વતંત્રપણે પ્રકાશવાનો અવકાશ આપતી અમાસની રાત પસંદ કરી હતી.

અબ્રાહમ લિંકનનોયે આવો એક કિસ્સો છે. અમેરિકાના એ સુપ્રસિદ્ધ પ્રમુખ. એક વાર એમનું સરઘસ કાઢવામાં આવ્યું. એમને જોવા બહુ લોકો ભેળા થયા. તેમાં પોતાના નાના દીકરાને લઈને એક મા પણ આવેલી. લિંકન એમની નજીકથી પસાર થયા, ત્યારે એમને જોઈને દીકરો બોલી ઊઠ્યો, ‘મા, આ તો સાવ સામાન્ય માણસ જેવા જ લાગે છે ! મને એમ કે એ તો બહુ મોટા માણસ હશે.’ લિંકન આ વાત સાંભળી ગયા. તુરત ઊભા રહીને દીકરાને થાબડતાં બોલ્યા, ‘બેટા, ભગવાનને સામાન્ય માણસો જ બહુ પ્યારા છે. એટલે તો તેણે સામાન્ય માણસો આટલા બધા પેદા કર્યા છે !’ સામાન્યને ઢાંકી ન દે એવી મોટાઈ આપણને જોઈએ છે. એટલે જ મેં અમાસની રાત પસંદ કરી. દિવાળી પણ અમાસની રાત જ છે. દિવાળીએ આપણે નાના-નાના દીપક પ્રગટાવીને તેમનો પ્રકાશ ફેલાવીએ છીએ.

એક બીજી દિવાળી પણ મને યાદ રહી ગઈ છે. તે પણ હતું તો એક ગામડું જ, પણ મારા ગાગોદે ગામ જેવું જૂનું નહીં, સુધરેલું ગામડું. ખાદીકામ નિમિત્તે મારે ત્યાં જવાનું થયું હતું. દિવાળીનો દિવસ હતો. ગામનાં બાળકોએ પતરાનાં બનેલાં ઘાસલેટનાં કાચ વિનાનાં ટમટમિયાં સળગાવી એમને હારબંધ રાખીને દિવાળી ઊજવી. બિચારાં બાળકોને દિવાળીનો આનંદ મળી જ ગયો. એમનું ગામ સુધરેલું હતું ! પણ હું જોતો રહ્યો. મિલની ચીમનીઓમાંથી કે સિગારેટ ફૂંકનારાઓનાં મોંમાથી ધુમાડા નીકળતા હોય, એવા ધુમાડા એ પતરાનાં ટમટમિયાંમાંથી નીકળતા હતા ! હજી એક બીજી દિવાળીની યાદ. મારી ભૂદાનની પદયાત્રા ચાલતી હતી ત્યારે હું રાજસ્થાનમાં ફરતો હતો. દિવાળીને દિવસે એક નાનકડા ગામમાં હતો. એક ઘરમાં ગયો. ખૂણામાં એક બહેન બેઠી હતી. ચૂલો ટાઢો હતો. પૂછ્યું કે, રાંધવું નથી ? ત્યાં તો એ બહેન રડી પડી. ઘરમાં હાંડલાં દેખાતાં હતાં. એક-એક ઉતારીને જોયાં. એકેયમાં એકે દાણો નહોતો. મને દિલાસો આપતી હોય તેમ એ બહેન બોલી : ‘એ શહેરમાં મજૂરીએ ગયા છે. સાંજે આવશે. સાથે દાણા લેતા આવશે. પછી ચૂલો પેટાવીશ.’….. મને થયું, તે વખતે શહેરોમાં લાખ-લાખ દીવા પેટતા હશે, ફટાકડા ફૂટતા હશે ને મીઠાઈના થાળ વહેંચાતા હશે. બીજી બાજુ, આ સ્થિતિ છે !

માણસ જેવા માણસ થઈને આ સ્થિતિને બદલીશું કે નહીં ? અમુક જણને માટે જ નહીં, બધાયને માટે, બધાંયે ઘરોમાં દિવાળી ઊજવાય એવું કરીશું કે નહીં ? આવું કરવા જ હું દેશ આખામાં સતત પગપાળા ફર્યો, વૃદ્ધાવસ્થામાંયે ફરતો રહ્યો. આજે જે સ્થિતિ છે, તે મને બેસવા નહોતી દેતી. આજે ગરીબો ને અમીરો વચ્ચે, ગામડાંના લોકો ને શહેરવાળાઓ વચ્ચે, અભણ લોકો ને ભણેલા વચ્ચે જે મોટી ખાઈ પડી ગઈ છે, આસમાન-જમીનનો જે ફરક પડી ગયો છે, તે મારાથી દીઠો નથી જોવાતો. હું તેને કદાચ આટલું ગંભીર ન માનત, જો ગરીબોને કમ સે કમ ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, રહેવાનું મકાન મળી ગયું હોત. એમને માટે સાજે-માંદે દવા ને દાકતરી સારવાર તેમ જ શિક્ષણની વ્યવસ્થા થઈ ગઈ હોત. આટલું થયું હોત તો હું મન મનાવત કે ભલે મોટા લોકો મોટી-મોટી મિલકત ભોગવતા હોય અને મન ફાવે તેવા એશાઅરામ કરતા હોય, પરંતુ આજે તો હજી ગરીબોને જીવનની આટલી પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. તેને લીધે મને બહુ જ દુ:ખ થાય છે. હું કાશ્મીરમાં ફર્યો. લોરેન ગયેલો. ભારે ખૂબ સૂરત જગ્યા છે. કેવી સરસ કુદરત છે ! કેવાં કેવાં ખૂબસૂરત નૈસર્ગિક દશ્યો છે ! દિલ પ્રફુલ્લિત થઈ ઊઠે છે. પરંતુ સાથેસાથ ત્યાં મેં એટલી ગરીબી જોઈ, માણસોની એવી બેહાલ હાલત જોઈ કે મારાથી સહન ન થયું. એક વાર મસૂરી બાજુ જવાનું થયેલું. મોટા-મોટા લોકોનાં આલિશાન મહેલ જેવાં મકાનો ત્યાં છે. પરંતુ તેની આસપાસ જે કંગાલિયત જોવા મળી, તે પણ મારાથી સહન ન થઈ. ભારે રંજ થયો, ભારે દુ:ખ થયું. ગરીબ મજૂરો કેટલો બધો બોજ ઉઠાવે છે ! છતાં એમને પૂરતું ખાવા-પીવાનુંયે મળતું નથી. બહારથી આવનારા પર્યટકો માટે બધી વ્યવસ્થા છે, પણ આ ગરીબ મજૂરો માટે કોઈ ખાસ વ્યવસ્થા છે જ નહીં. આ બધાંને ‘બ્યૂટી સ્પોટ’ (સૌંદર્ય ધામો) કહેવાં કે ‘ડર્ટી સ્પોટ’ (ગંદા-ભદ્દાં ધામો) ?

મને તો દયા આવે છે એશઆરામમાં ગરકાવ થઈ ગયેલા એ લોકોની, જેઓ આસપાસની દુનિયાથી સાવ બેખબર છે. એમને આસપાસના લોકોનાં દુ:ખદર્દ બિલકુલ સ્પર્શતાં જ નથી ! લોકો કહે છે, આ પૂંજીવાદ છે. હું કહું છું, આ તો નર્યો મૂઢવાદ છે. એ બધા મૂઢમતિ છે. એમની મતિ બહેર મારી ગઈ છે. પૈસા બચાવવા માગશે, તો પૈસો ભલે બચે, પૈસા બચાવનારા પોતે નહીં બચે. આસપાસના ગરીબો સાથે એકરૂપ થયા વિના એમનાં દુ:ખદર્દનો કશો ખ્યાલ તેમને નહીં આવે. એમની જિંદગી સાથે આપણો કોઈ મેળ નહીં બેસાડીએ, ત્યાં સુધી આપણા દિલમાં સહ-અનુભૂતિ નહીં પેદા થાય.

ખરું જોવા જઈએ તો, માણસને બીજા માટે કાંઈક કરવામાં વધુ આનંદ આવે છે. ખાવા કરતાં ભૂખ્યાને ખવડાવવામાં, પીવા કરતાં તરસ્યાને પાણી પીવડાવવામાં માણસનું દિલ ઠરે છે; કેમ કે આમાં જ તો માણસાઈ છે. માણસ જો માણસાઈ ગુમાવશે, તો પછી રહેશે શું ? મીઠું જ જો પોતાની ખારાશ ગુમાવી દે, તો શું થાય ? ઈશ્વરે માણસને જે સૌથી મોટી ચીજ આપી છે, તે છે માણસાઈ. એ માણસાઈ બીજા પ્રત્યે આત્મીયતા અનુભવવામાં છે. તે જેટલી જેનામાં હશે, તે તેટલાં સુખ-શાંતિ જીવનમાં અનુભવશે, અંતરનો ઠારકો પામશે. મને જે ચીજે આટલાં વરસો સુધી જંપવા ન દીધો, તે આ જ ચીજે. તેમાં ન તો મારો કોઈ ત્યાગ છે, કે ન મારી ફકીરી છે; બસ, માણસની માણસ પ્રત્યેની હમદર્દીએ મને બેસવા ન દીધો. આજે જે હાલત છે, તે સહન કરી શકાય એવી નથી. તે જોઈ મારું દિલ રડે છે. ખાઉં છું, ત્યારે મને એકએક કોળિયે ગરીબોનું સ્મરણ થાય છે. જ્યાં ગરીબોની કોઈ પૂછતાછ નથી, એમને રોટી-રોજી, કપડાં-મકાન મળે છે કે નહીં તેની કોઈને પરવા નથી, એવી સ્થિતિ કેવી રીતે સહન થાય ? આપણે ત્યાં તત્કાળ આ ગરીબો, વંચિતોની શૂન્ય આંખોમાં પુણ્યપ્રભા લાવવી છે. કરુણાથી પ્રેરાઈને એમને માટે કાંઈક કરીશું, તો જ તે લાવી શકાશે. આપણી જાતજાતની યોજનાઓમાં સૌથી પહેલું એ જોવાવું જોઈએ કે તેનાથી ગરીબોને કેટલો લાભ થાય છે.

મૂળ વાત આપણે સમજવાની છે, તે એ છે કે આપણે આપણા આ નાનકડા શરીરમાં બંદી બનેલા નથી. આપણે તો વ્યાપક છીએ. આપણી આસપાસ જે બધાં શરીર છે, જીવો છે, તે બધાં સાથે આપણે સંબંધિત જ છીએ. આવી વ્યાપક દષ્ટિ આપણી હોવી જોઈએ. લોકોમાં પ્રેમ તો છે, તેમાં કોઈ શક નથી. પ્રેમ વિના જીવન ચાલે જ નહીં. પરંતુ જ્યાં સુધી આ પ્રેમ આપણા પોતાના શરીર તેમ જ આ શરીર સાથે સંબંધિત એવા નાનકડા કુટુંબ સુધી જ રહે છે, ત્યાં સુધી સીમિત છે. એ પ્રેમને આપણે વ્યાપક બનાવવો છે. પોતાના જ સ્વાર્થમાં બંધાઈ રહેલો માણસ નાહકનો સંકુચિત બને છે. આ બધું મારું જ નથી, સહુનું છે, એમ માનવાથી વ્યાપક બનાય છે. અને ખરું જોતાં, તેમાં જ સાચી અમીરી છે, સાચી સમૃદ્ધિ છે, અને તેમાં જ જીવનનો અસલ આનંદ છે. મુશ્કેલી એ છે કે આપણે આનંદ મેળવવા માટે જેટલા મથીએ છીએ, તેટલા આનંદશુદ્ધિ તરફ ધ્યાન નથી આપતા. આનંદ તો પ્રાણીમાત્રને ઉપલબ્ધ છે. હકીકતમાં તો એ આત્માનું સ્વરૂપ જ છે. પણ મુખ્ય વાત આપણા આનંદને વિશુદ્ધ બનાવતા જવાની છે. નાનામાં નાના જીવજંતુમાં, પશુપંખીમાં, દરેકે દરેક મનુષ્યમાં આનંદ મેળવવાની ઝંખના છે. આનંદ વિના કોઈ પણ પ્રાણી રહી જ ન શકે, જીવી જ ન શકે. પરંતુ માણસનું ધ્યેય માત્ર આનંદ-પ્રાપ્તિ જ છે એમ માની લેવું, એ ખોટું છે. માણસનું ધ્યેય આનંદ-પ્રાપ્તિ નહીં, આનંદ-શુદ્ધિ છે.

દારૂ પીવામાં આનંદ છે. દારૂ પીવા કરતાં મીઠાઈ ખાવામાં વધુ આનંદ છે. મીઠાઈ કરતાં ફળાહારમાં વધુ આનંદ. ઉપવાસમાં વળી તેનાથીયે વધુ આનંદ. આવી રીતે આનંદની શુદ્ધિ ઉત્તરોત્તર થઈ શકે છે. જેનો આનંદ શુદ્ધ હશે, તેનું જીવન ઉન્નત થશે. ઘણી વાર તો હું દારૂડિયાને દારૂના નશામાં મસ્ત થયેલો જોઉં છું, તો મને થાય છે કે એ મારો સહોદર છે, એ મારું જ રૂપ છે. જે આનંદ દારૂમાં એને આવે છે, એ જ આનંદ મને વેદોમાં આવે છે. આનંદની જ વાત કરીએ તો, એ બંને આનંદમાં કોઈ ફરક નથી. પરંતુ બંનેમાં ફરક એ છે કે બીજો અત્યંત શુદ્ધ આનંદ છે. માણસે પોતાના આનંદની આવી રીતે ઉત્તરોત્તર પરિશુદ્ધિ કરતા રહેવાની છે. અને આમ શુદ્ધિ નિરંતર થતી રહેશે તો છેવટે પરમાનંદની પ્રાપ્તિ થશે. આમ, જીવનની સફળતા આનંદની ઉત્તરોત્તર શુદ્ધિ કરતા રહેવામાં છે. અને આ આનંદશુદ્ધિની પ્રક્રિયાને જ અધ્યાત્મ કહે છે.

વળી, આનંદ માટે અન્યની જરૂર છે, અને તેને કારણે આનંદ વધે છે. ગુરુદેવ રવીન્દ્રનાથે એક ગીતમાં કહ્યું છે કે ભગવાન, તું અમારા માટે નીચે ઊતરે છે, કેમ કે અમારા ઉપર જ તારો આનંદ નિર્ભર છે. જો અમે ન હોત, તો તું કોની સાથે વાત કરત, તને પ્રેમનો અનુભવ ક્યાંથી થાત ? એટલે કે પ્રેમ માટે, આનંદ માટે અન્ય કોઈ જોઈએ. અન્ય સાથે કાંઈ ને કાંઈ સંબંધ રહે છે, તેનાથી જ આનંદ થાય છે. બાળકને જોઈને જ માને આનંદ થાય છે; કેમ કે બંને વચ્ચે એક સંબંધ બંધાયેલો છે. અન્ય માણસ સાથે આવો સંબંધ અનુભવશો, તો તેને માટે કાંઈક કરવામાં તમને અવશ્ય આનંદ આવશે. આ આનંદ આત્મીયતાને કારણે આવે છે. આવી આત્મીયતા સહુને માટે અનુભવવાની છે. જે બીજાને માટે જીવશે, તે આનંદનો અનુભવ કરશે. જ્યાં સુધી તમે બીજા સાથે ભેદ અનુભવશો, ત્યાં સુધી તમને આનંદ નહીં થાય. અસલ આનંદ માટે પોતાની જાતને ભૂલવી પડે છે. જ્યારે પાંચ-દસ બાળકો ભેળાં મળીને રમતાં રહે છે, ત્યારે બધાંને જ બહુ આનંદ આવે છે; કેમ કે તેઓ ત્યારે પોતાની જાતને ભૂલી ગયાં હોય છે અને વ્યાપકતામાં લીન થઈ ગયાં હોય છે. એવી જ રીતે તમે જોશો કે મા બાળકની સેવામાં પોતાને ભૂલી જાય છે, સમાજસેવક સમાજસેવામાં પોતાને ભૂલી જાય છે, કવિ સૃષ્ટિ સાથે એકાકાર થઈ જાય છે, એટલે એને આનંદ મળે છે. આવી રીતે જ્યાં આપણે આપણી જાતને ભૂલીને સમષ્ટિમાં લીન થઈ જઈએ છીએ, ત્યાં આપણને આનંદ મળે છે.

આનંદનું ઝરણું વિશ્વ આખામાં વહી રહ્યું છે. તેનું મૂળ સ્થાન એકત્વમાં છે. પોતાનું જુદાપણું ભૂલીને આખા વિશ્વ સાથે સમરસ થવાની અનુભૂતિ જે પ્રક્રિયાથી થશે, તે પ્રક્રિયાથી માણસને આનંદની અનુભૂતિ થશે. આપણે જેવું સુખ, જેવો આનંદ આપણા પોતાના માટે ઈચ્છીએ, તેવું જ સુખ અને તેવો જ આનંદ સહુ કોઈને મળી રહે એવી આપણી કોશિશ હોય. આ માટે આવી આત્મૌપમ્ય વૃત્તિથી આજની વ્યવસ્થામાં તત્કાળ ધરમૂળથી પરિવર્તન લાવવામાં પૂરા દિલ-દિમાગથી લાગી જઈએ.

સારાંશ કે, દિવાળીએ બહાર દીવા ભલે કરીએ, અસલ દીવો દિલમાં કરીએ.
.

[સાચા દિલનો દીવો જ્યારે થાશે….]

દિલમાં દીવો કરો, રે દીવો કરો
કૂડા કામ ક્રોધને પરહરો…………. રે દિલમાં…

દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ-અગ્નિને ચેતાવો………….રે દિલમાં….

સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે…….. રે દિલમાં….

દીવો અણભે પ્રગટે એવો,
ટાળે તિમિરના જેવો;
એને નેણે તો નીરખીને લેવો…….. રે દિલમાં…..

દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું………….રે દિલમાં……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મને સાળાનાં સપનાં આવે – પ્રો. ચંપક શાહ
મીઠાઈ અને ફરસાણ – સુધાબેન મુનશી Next »   

21 પ્રતિભાવો : દિવાળીએ દિલમાં દીવો કરો – વિનોબા ભાવે

 1. “…બીજાઓને ઢાંકી દેતી ચંદ્રમાની પૂર્ણિમાને બદલે બધા તારલાઓને સ્વતંત્રપણે પ્રકાશવાનો અવકાશ આપતી અમાસની રાત પસંદ કરી હતી..”

  “…પૈસા બચાવવા માગશે, તો પૈસો ભલે બચે, પૈસા બચાવનારા પોતે નહીં બચે…”

  વિચારપ્રેરક લેખ …

 2. asthasheth says:

  ખુબજ સુન્દર વાર્તા સુન્દર અતિસુન્દર. સરસ

 3. Soham says:

  Once there was a article in The Hindu about art for pleasure or art for social reform. I believe Vinobaji is one of the very few who wrote and spoke for social reform. He gave aways his life for social reformation of the society from a grass root level. Vinobaji is man of his words and this shows how much worried he is for underprivileged. The words touched my hearts are :

  આજે ગરીબો ને અમીરો વચ્ચે,અભણ લોકો ને ભણેલા વચ્ચે આસમાન-જમીનનો જે ફરક પડી ગયો છે. ભલે મોટા લોકો મોટી-મોટી મિલકત ભોગવતા હોય અને મન ફાવે તેવા એશાઅરામ કરતા હોય, પરંતુ આજે તો હજી ગરીબોને જીવનની આટલી પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. તેને લીધે મને બહુ જ દુ:ખ થાય છે.

  I admire him very much and I put him next to Gandhiji. I am a regular reader of BHUMIPUTRA and dont have to say that what an amazing magazine it is…

 4. સારાંશ કે, દિવાળીએ બહાર દીવા ભલે કરીએ, અસલ દીવો દિલમાં કરીએ.

 5. રેખા સિંધલ says:

  ભોગીલલ ગાંધીના આ કાવ્ય સાથે મૃગેશભાઈ અને સૌ વાંચક મિત્રોને દિવાળી મુબારક .
  તુઁ તારા દિલનો દીવો થા ને! ઓ રે ! ઓ રે ઓ ભાયા!
  રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
  એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
  ઓ રે ! ઓ રે ઓ ભાયા!
  કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
  નાની શી સળી, અડી ન અડી પરગટશે રંગમાયા!
  ઓ રે ! ઓ રે ઓ ભાયા!
  આભના સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
  આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
  ઓ રે ! ઓ રે ઓ ભાયા!

 6. sujata says:

  જયોત સે જ્યોત જ્ગાતે ચ્ લો પ્રેમ કિ ગ્ંગા બ હા તે ચ લો…….

 7. nayan panchal says:

  સરસ લેખ. જો આપણા દિલમાં દીવા કરીએ તો આખુ જગત પ્રકાશમય થઈ જાય.

  નયન

 8. pragnaju says:

  વિનોબા ભાવેનો સર્વાંગ સુંદર લેખ બદલ આભાર
  દિલનો અંધકાર દૂર કરવાનો આજ ઉપાય છે

 9. Kamakshi says:

  “…બીજાઓને ઢાંકી દેતી ચંદ્રમાની પૂર્ણિમાને બદલે બધા તારલાઓને સ્વતંત્રપણે પ્રકાશવાનો અવકાશ આપતી અમાસની રાત પસંદ કરી હતી..”

  આ માત્ર દિવાળી પૂરતી જ નહિ પણ દરેક ક્ષેત્રમા લાગુ પડે છે. જેવાકે વ્યવસાય, મનોરજન, રમત-ગમત વિ.

  આ દિવાળીએ માત્ર બહાર જ નહિ પણ અંતરમાં પણ દિવો કરીએ.

 10. mihir says:

  ખુબ જ સરા લેખો ચ્હે . મારિ એક વિનન્તિ ચ્હે બિજિ એક અપ્નિ ગુજરાતિ ગિતો નિ પન સરસ સાઈત ચ્હે . Tahuko.com જો બન્ને એક સથે હોય તો અપ્નુ ગુજરાત અને ગુજરતિઓ ને ખુબજ લાભ શકે.

  આભાર .

  મિહિર

 11. Ashish Dave says:

  Title says everything… Thank you Rekhaben for sharing a nice poem.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.