બળતો બપોર – કુન્દનિકા કાપડીઆ

ત્રણ દિવસ સુધી રોજ થોડાં થોડાં કરીને તેણે અભરાઈ પરનાં બધાં વાસણ માંજીને ચકચકિત કરી નાખ્યાં અને અભરાઈને ઝાડીઝૂપટીને પાછાં વ્યવસ્થિત ગોઠવી દીધાં. ઓરડામાંથી બધાં જાળાં પાડ્યાં. ફરસ સાબુના પાણીથી ઘસીને ધોઈને સાફ કરી, ચાદર ને બે ઓછાડ પોતાના હાથે ધોયાં. કોને ખબર, એ લોકો કદાચ રાત રોકાય તો પછી તેમને પાથરવા ને ઓઢવા જોઈએ, અને ત્યારે ઓછાડમાં જરાસરખોયે ડાઘ હોય તો પોતાનું ને ઘરનું ખરાબ લાગે.

સવારના ચાર વાગતામાં તો તે ઊઠી ગઈ હતી, ને ઘરનું ઘણું કામ આટોપી લીધું હતું. એ લોકોએ સમય નહોતો જણાવ્યો, પણ સાડા નવ વાગ્યા પછી કોઈ પણ સમયે તેઓ આવે. એ લોકો આ બાજુ સાતાઆઠ વર્ષ પછી આવતાં હતાં, આથી તેમને બસના સમય વગેરે વિશે બહુ માહિતી નહોતી, અને વળી તેમને ઘણી જગ્યાએ જવાનું હતું. આથી બસનો ચોક્કસ સમય તેઓ જણાવી શક્યાં નહોતાં. એ તરફથી પહેલી બસ સવારના સાડા નવે શરૂ થતી અને પછી દર કલાકે, દોઢ કલાકે આવ્યા કરતી. એમાંની કોઈ પણ બસમાં તેઓ આવે. જમવા વિશે કાંઈ લખ્યું નહોતું, પણ આવશે એટલે જમશે તો ખરાં જ ને ! એ લોકોને શું ભાવે, તેની તેને ખબર નહોતી. તે તો આજે પહેલી જ વાર તેમને જોવાની હતી. તેણે પતિને અને સાસુને પૂછી જોયું, પણ એ બંન્ને કશું કહી શક્યાં નહિ. એટલે તેણે શીરો ને દહીંવડા બનાવવાનું નક્કી કર્યું. ઘણીબધી દાળ વાટવાની હતી, તે તેણે સવારમાં ઊઠી જઈ વાટી નાખી. બે શાક, દાળ, ભાત ને ત્રણચાર જાતનાં કચુંબર બનાવ્યાં. નાના નૅપ્કિનને ખૂણે પોતે ભરત ભરેલું, તે કાઢીને હાથ લૂછવા માટે તૈયાર રાખ્યા. હાથ ધોવા માટે નવો આખો સાબુ કાઢ્યો, અને નવેક વાગ્યે ફરી એકવાર ઘરમાં ઝાડુ કાઢયું. ઘર ભોંયતળિયે હતું અને પવનને કારણે અંદર ખૂબ ધૂળ ઊડી આવતી હોવાથી વારંવાર સાફ કરવું પડતું. રોજ તો તે બે વાર ઝાડુ કાઢતી, પણ આજે તેણે દસ વાગ્યા સુધીમાં ત્રણ વાર ઝાડુ કાઢી લીધું.

સાડા દસ થવા આવ્યા. તે નાહીધોઈને તૈયાર થઈ ગઈ હતી. ગાઢા કેસરી રંગની, પીળી કિનારવાળી સાડી તેણે પહેરી. તેને એમ ખ્યાલ હતો કે પોતાને એ સાડી ઘણી શોભે છે. પતિને તેણે એક વેળા એ વિશે પૂછેલું. પણ તેને આવી બાબતોમાં બહુ રસ નહોતો. તેણે ‘હં’ કહીને છાપું વાંચ્યા કરેલું. સાસુ એટલાં વૃદ્ધ ને માદાં હતા કે તેમની પાસે પોતાને કઈ સાડી શોભે છે તેની વાત કરવી અજુગતી લાગે. તેમની પાસે તો તે બેસીને હમેશાં રામાયણ વાંચતી, કે પછી ભાગવતની કથાઓ વાંચતી. આ બધું વાંચવાનું પોતાને ગમતું કે નહિ, એ વાત તે ભૂલી ગઈ હતી. રોજ વાંચવું પડતું એટલે તે વાંચતી. કોઈક વાર ભજનો ગાઈ સંભળાવતી. પોતાનો કંઠ કેવો છે, તે કોઈની પાસેથી જાણવાનું તેને બહુ મન થતું. પણ તે બહુ લજ્જાળુ હતી. પતિનેય પૂછી શકતી નહિ, કે હું કેવું ગાઉં છું. પતિએ ભાગ્યે જ એ સાંભળ્યું હશે ને સાસુ તો સાંભળતાં સાંભળતાં ઊંઘી જતાં કે પછી રામ રાખે તેમ રહેવાથી કેટલું સારું પડે છે તેની વાત કરતાં.

પણ આજે, ધારો કે, એ લોકો આવે અને સાંજના બધા આંગણામાં બેઠાં હોય ને પછી રંજના એમ કહે કે, ભાભી, તમને ગાતાં આવડે છે ? કંઈક ગાવ ને ! અને કદાચ પોતે ગાય; રંજના કહે કે વાહ, તમારો કંઠ તો બહુ મીઠો છે ! અથવા એમ કહે કે ભાભી, આ સાડી તમે ક્યાંથી લીધી ? આનો રંગ તો બહુ સરસ છે !….. બારીબારણાં ફરી એક વાર કપડાંથી ઝાપટતાં તે હસી. કેવાં દિવાસ્વપ્નો મન જુએ છે !

બાર વાગી ગયા, છતાં એ લોકો આવ્યાં નહિ. તેણે સાસુને ને પતિને જમાડી લીધાં. પોતે જમી નહિ. ખરાબ કહેવાય. મહેમાન આવે, અને ઘરની ગૃહિણીએ જમી લીધું હોય….

ઓ મા ! તેને એકદમ ફાળ પડી. સાસુની ઉઘરસની દવા લાવવાનું તો ભુલાઈ જ ગયું. શુક્રવારથી જ દવા થઈ રહી હતી. શનિવારે કંઈક કામસર જવાયું નહિ. ગઈ કાલે રવિવારે તો દવા મળે નહિ. કાલે બપોરે તેમને ખૂબ ખાંસી ચડી હતી. આજે બપોરે પણ ચડે – પેલાં લોકો હોય ત્યારે જ ચડે તો બિચારાં સરખી રીતે કાંઈ વાત નહિ કરી શકે. દવા લઈ આવવી જોઈએ. પતિ ઘરે હતો, પણ તેને કહેવા કરતાં જાતે જવું સારું. વળી પેલા લોકો આવે, ને પોતે તો તેમને પહેલાં કદી જોયાં નહોતાં, એટલે પતિએ તો ઘરે રહેવું જોઈએ. પોતે હમણાં જ જઈને લઈ આવશે.

તે તરત જ ચંપલ પહેરીને ઘરમાંથી નીકળી પડી. ચાલતાં ચાલતાં પગ બળ્યા ત્યારે યાદ આવ્યું કે ચંપલ પાનીએથી ખાસ્સાં ઘસાઈ ગયાં હતાં. તે સમા કરાવવાનું, અથવા પછી નવા ખરીદવાનું રહી જ ગયું હતું. કામ કાંઈ ઓછું હોય છે? ભૂલી જવાય…. તે મનમાં બબડી અને ઉતાવળે ચાલવા લાગી. ઘણો તાપ લાગતો હતો. વૈદરાજ મળી જાય તો સારું. વચ્ચે પીપળા નીચે મોચી બેઠેલો દેખાયો. પણ ચંપલનું સમારકામ કરાવવા રહે તો કદાચ બહુ મોડું થઈ જાય. વૈદરાજ જો કામથી પરવારી કરીને આરામ કરવા ચાલ્યા જાય તો તો પછી કલાક પછી જ મળે. તે થોભી નહિ ને બળતા પગે તેણે ચાલ્યા કર્યું. વૈદરાજના ઘરમાં તે પ્રવેશી ત્યારે તેનાથી ‘હાશ’ થઈ ગયું. તે પરસાળમાં એક બાંકડાં પર બેઠી ને તેને બહુ જ સારું લાગ્યું. તેને થયું, વર્ષોનાં વર્ષોથી બપોરના તાપમાં પોતે બળતા પગે બસ, ચાલ ચાલ કર્યું છે, ને હવે છેક છાંયો મળ્યો છે. વૈદરાજના ઘરમાં પરસાળ અને એક રૂમ દવા ને દરદીઓ માટે હતાં. બહાર આંગણ હતું ને ત્યાં લીમડાનાં ઝાડ હતાં. ખરો બપોર હતો, તોયે ત્યાં ઠંડો પવન આવતો હતો. તેને જરાક ઝોકું ખાઈ લેવાનું મન થયું. પણ સારા ઘરની વહુ, આમ વૈદને ઘરે બાંકડે બેસી ઊંઘી જાય તે કેવું લાગે ! પીઠ અક્કડ કરેને તે બેઠી ને આંખોને પ્રયત્નપૂર્વક ઉઘાડી રાખી રહી.

વૈદરાજ ગંભીર માંદગીવાળા એક દરદીને જોવા ગયા હતા. ઘડીભર તેને થયું કે પાછી જાઉં, કદાચ મહેમાન આવી ગયા હોય. પછી થયું, દવા વગર જઈશ તો બિચારાં માજી બહુ હેરાન થશે. મહેમાન સાથે સરખી રીતે વાત નહિ કરી શકે અને મહેમાનને પણ જોઈએ તેવો આનંદ નહિ આવે, ઘરમાં શાંતિ નહિ લાગે. એટલે પછી તે, મીંચાઈ જતી આંખોને મક્કમતાથી ઉઘાડી રાખતી ત્યાં જ બેસી રહી.

છેવટે દોઠ કલાકે વૈદરાજ આવ્યા. દરમિયાન, ગઈ કાલે રવિવાર હતો, એટલે આજે ઠીક ઠીક દરદીઓ ભેગાં થઈ ગયાં હતાં. તેનો વારો આવતાં ખાસ્સી વાર થઈ. છેવટે તે દવા લઈને નીકળી ને છાયામાંથી પાછી બળતા રસ્તા પર, બળતા પગે ચાલવા લાગી. હવે ભૂખ પણ લાગી હતી. જાઉં ને તરત બધાં આવી પહોંચે તો કેવું સારું ! તો પછી જલ્દી જમવા બેસી શકાય – !

અડધે સુધી તે પહોંચી હશે ત્યાં તેને પાડોશણ સામે મળી. ‘અલી, તું ક્યાં ગઈ હતી ?’ પાડોશણે તેને વિસ્મયથી પૂછયું.
‘વૈદરાજ ને ત્યાં, માજીની ઉઘરસની દવા લેવા.’
‘પણ તારે ત્યાં મહેમાન આવ્યાં હતાં તે ?’
‘આવી ગયાં ?’ તેણે ફાળ સાથે પૂછયું.
‘આવ્યાં ને જતાં પણ રહ્યાં.’ પાડોશણે કહ્યું : ‘એ લોકો કોઈની ગાડી લઈને આવેલાં એટલે એમને બહુ વખત નહોતો. તોયે કલાકેક તો બેઠાં હતાં.’
‘અને જમવાનું ?’ તેણે નિરાશ થીઈ જઈને પૂછયું, ‘જમ્યાં નહિ એ લોકો?’
‘જમ્યાં નહિ, નાસ્તા જેવું કર્યું. બરોબર એ વખતે જ હું ત્યાં જઈ ચડી હતી. મારે ચણાનો લોટ થઈ રહ્યો હતો એટલે હું તારે ત્યાં લેવા ગઈ તો માજીએ મને રોકી. પછી મેં જ એમને શીરો ને દહીંવડાંનો નાસ્તો આપ્યો.’
‘એમને ભાવ્યાં દહીંવડાં ? તેણે ઉત્સુકતાથી પૂછયું.
‘હા રે, બીજી વાર માગીને લીધાં.’ પાડોશણે ઉત્સાહથી કહ્યું. ‘કહે દહીંવડાં બહુ સરસ થયાં છે.’
‘એમ ? અને માજીએ શું કહ્યું ?’ તેણે પૂછયું. ગઈ કાલે રવિવાર હતો ને દૂકાનો બંધ હતી, એટલે તેને ઓળખીતા વાણિયાને ઘરે જઈ, દુકાન ઉઘાડાવી પોતાને અડદની દાળ આપવાની ખાસ વિનંતી કરી હતી. રાતોરાત દાળ પલાળી હતી ને સવારે ઝીણી વાટી વાટીને તેના હાથ દુ:ખી ગયા હતા.
‘માજીએ શું કહ્યું ?’ તેનો અવાજ જરા ગરમાઈ ગયો.
‘કહે કે રોજ તો દૂધવાળો સારું દૂધ નથી આપતો, પણ કાલે ખાસ સારું આપવાનું કહેલું એટલે દહીં સરસ જામેલું. નહિ તો આટલાં સારાં દહીંવડાં ન થાત.’
‘બીજું કાંઈ ન કહ્યું ?’
‘બીજું શું કહે ?’ પાડોશણે નિખાલસતાથી પૂછયું.

– અને એ લોકોએ ઘર ન જોયું? અંદરના રૂમમાં ગયાં નહોતાં ?
મેં વાસણો બધાં ચકચકિત કરેલાં. ભોંય પણ સાબુના પાણીથી ધોયેલી. એમણે એ કશા વિશે કાંઈ ન કહ્યું ? કહ્યું નહિ કે વાહ, ભાભી ઘર તો ચોખ્ખું રાખે છે ! – તેના મનમાં અનેક પ્રશ્નો ઊભરાયા પણ તે પૂછી શકી નહિ. મંદ સ્વરે તે બોલી : ‘બીજી શું વાતો કરી એ લોકોએ ?’

‘અરે ઘણી વાતો કરી. એ લોકો હમણાં સુધી જ્યાં રહેતાં હતાં તે દેશની જાત જાતની વાતો કરી. હું તો સાંભળી જ રહી. માજીયે ખુશ થઈ ગયાં.’
તે ચુપચાપ ઊભી રહી….
‘અને હા,’ પાડોશણ બોલી : ‘છોકરી – શું નામ એનું ? રંજના ! ઘણી વિવેકી. ને માજીને માટે કેટલો પ્રેમ ! એની પાસે જુદી જ જાતનો નાનો નાજુક પંખો હતો, તેના વડે તેણે માજીને જરા પંખો નાખ્યો, ને એમનું માથુંયે થોડી વાર દાબી આપ્યું. કેટલા સુંવાળા એના હાથ હતાં ! માથે અમથું અડે તોયે મીઠું લાગે. એના ગયા પછી માજી એનાં શું વખાણ કરતાં હતાં ! ઘરમાં ઘડીક વાર આવીને જાણે દીવો કરી ગઈ.’

તેણે વાસણ માંજીને ખરબચડા થઈ ગયેલા પોતાના હાથ તરફ જોયું. આવા હાથથી સાસુનું માથું દાબતાં તેમને તકલીફ થતી હશે. તેને જરા શરમ લાગી. ફિક્કું હસીને તે બોલી : ‘અને મારે માટે કોઈએ કંઈ પૂછયું નહિ ?’
‘પૂછયું ને ! રંજનાએ પૂછયું કે ભાભી ક્યાં છે? માજીએ કહ્યું કે હજુ હમણાં જ અહીં હતી, આટલામાં ક્યાંક ગઈ લાગે છે.’
‘બસ, એટલું જ ?’
‘બીજું શું પૂછવાનું હોય ?’ પાડોશણે સરળતાથી કહ્યું. ‘ખરું જુઓ તો એ લોકોને બહુ વખત જ નહોતો. કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર ન પડી. એ લોકો ગયા ને હું મારા સુનીલિયાને શોધવા નીકળી. ક્યારનોય પતંગ લેવા ગયો છે, હજી આવ્યો નથી.’

તેની આંખમાં અચાનક એટલાં બધાં આંસુ ઊભરાયાં કે તેને થયું, આ આંસુ પોતે બહાર વહેવા દે તો તેનું એક પૂર થઈ જાય, ને પોતે તેમાં તણાઈ જાય. તેણે આંસુ પાછાં ધકેલ્યાં, નાક સાફ કર્યું ને તેને અચાનક યાદ આવ્યું કે સાસુને પગે ખરજવું થયું છે. તે માટે કોઈકે કહેલું કે ચોક્કસ જાતની મેંદી બાળી તેની રાખને દહીંમાં કાલવી ખરજવા પર લગાડે તો તે મટી જાય. મેંદી વૈદરાજના કમ્પાઉન્ડમાં હોવી જોઈએ. પોતાને યાદ ન આવ્યું. તાપ અને ભૂખને કારણે તે થાકી ગઈ હતી. પણ સાંજે ફરી છેક સુધી આંટો ખાવો એને બદલે અત્યારે અડધે રસ્તે પોતે છે ત્યાં જ પાછાં જઈ ભેગાભેગું કામ પતાવી દેવું સારું. તે પાછી વળી ને તેણે કહ્યું : ‘પતંગ લેવા સુનીલ મણિભાઈની દુકાને ગયો હશે તે ત્યાં જ બેઠો હશે. તું ઘરે જા. નકામી તડકામાં શું કામ હેરાન થાય છે ? હું પાછા વળતાં તેને બોલાવતી આવીશ.’ અને તે વૈદરાજના ઘર ભણી ચાલી. તેને થયું, આજે બપોર કંઈક વધારે પડતી ગરમ છે. ચંપલ પણ આટલે જઈને આવવામાં જરા વધારે ઘસાઈ ગઈ હોય તેમ લાગ્યું. એક ક્ષણ તેને લાગ્યું કે આ રસ્તા પર જાણે કોઈએ સળગતા કોલસા પાથરી દીધા છે. વૈદરાજને ઘરે છાંયો મળશે એ વિચારે તેને જરા ટાઢક મળી, ને તે ઝડપભેર ચાલતી જ ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સબસે ઊંચી પ્રેમ સગાઈ – ડૉ. પ્રજ્ઞા પૈ
એક દુ:ખદ સમાચાર Next »   

22 પ્રતિભાવો : બળતો બપોર – કુન્દનિકા કાપડીઆ

 1. Alka Bhonkiya says:

  Bahuj Karun varta chhe

  Manasa ne mota thavanu ketlu gamtau hoi chhe

  Pan tyare jene je karaya mate bhog aapyo chhe tena mate kai j na hi ne me keryu me keryu

  SAKAT NO BHAR JEM SWAN TANE…….
  gada hethe kutru gadu hu upadu!!!!!!!!!!!!

 2. manvant says:

  The title befits the story.My apologies for the demise of Shri Chandrakant Bakshi whom I used to read a lot.
  We understand that all that glitters is not gold but all that does not glitter also happens to be pure and clean gold….which is proved by the housewife in the story.Good luck Kundanikaben ! Thx Mrugeshbhai !

 3. janki says:

  good story
  i dont know why do we have more value of showoff than love n humanity… its really sad that many of us dont have true eye to evaluate a person
  thanks for the story

 4. Gira says:

  Really meaningfull story. Tells the brief meaning of the person’s good deed and in return they get nothin.
  what kind of justice is that? People forgets the values of the person who cares about them every moment, for you they suffered all their lives without showing sadness or tiredness on their face.

  I feel bad when people do not realize the people who have made all the sacrifice for them.

  thanks for the valuable story

 5. Sangita says:

  Just Beautiful! A beautiful character full of warmth for all people around! That warmth only can burn her more than a burning hot afternoon when not well-received and returned.

  Thanks for publishing it!

 6. Dilip Shukla says:

  Dear Sir,

  I am very much happy to know about your web. I have gone through your article published in Navneet – May issue.

  Also inmform people regarding gujarati monthly like Navneet, Kumar etc. I am reader of Navneet since the age of 10. I am 50 now.

  Please continue.

  Regards,

  Dilip

 7. Anil Patel says:

  વાંચક ને શરુઆત થી અંત સુધી ઝકડી રાખતી વાર્તા.સામાન્ય માણસ ની આશા અને નિરાશા નુ ભાવવાહી નિરુપણ.

 8. Mona says:

  Its not only a story but Its fact about Indian Woman.

 9. Mona says:

  Its abt indian women

 10. Tejal says:

  gOOD STORY…
  Kundanikaben is always good

 11. Nehal says:

  Whenever I read this story tears come in my eyes.Thanks to Kundanikaben to write such a meaningful story.

 12. Hitesh Nakum says:

  I think this time is not only to read and forget this type of stories. This is time to be change all lady. This is not only the Literature but absolute reality of our “Vaidik Sanskriti”. My Thanks to Kundanikabahen from All Gujarati People.

 13. riddhi says:

  I am a big fan of Kundanika Kapadia.. this story is amazing, it’s just wonderful, in fact, i don’t have words to explain how good it is! ek stree ni vyathaa to ek stree ja aatali sundar rite kandaari shake…

  vaartaa vaanchi ne man aakrand kare chhe ke aa garvi naari ni kadar kem koi nahi kari shakyu hoy!.. Is is overwhelming for an Indian woman to even ask for recognition?…

 14. shaila says:

  બહુ સરસ વાર્તા ચ્હે. આન્ખ મા આન્શુ આવિ ગયા. અને અન્ત સુધિ જકદિ રાખે ચ્હે.

 15. nayan panchal says:

  કર્મ કરો, ફલકી ચિંતા મત કરો.
  Prepare for the best, be ready for the worst.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.