રાતોરાત વી.આઈ.પી. – રતિલાલ બોરીસાગર

હિંદી ભાષામાં સરસ વાર્તા છે : ‘રાતોરાત લમ્બી દાઢી’ (લેખકનું નામ ભૂલી ગયો છું.) ‘એક માણસે કોઈ દુકાનેથી કશીક વસ્તુ ખરીદી. વસ્તુ ઘરનાંને બરાબર ન લાગે તો બદલાવવાની બોલી કરી. વસ્તુ ખરીદીને પાછાં ફરતાં એ માણસને લાગ્યું કે ધારો કે વસ્તુ પાછી આપવાની થઈ તો દુકાન સહેલાઈથી જડે એ માટે કશીક નિશાની યાદ રાખવી જોઈએ. એણે જોયું કે દુકાનની બરાબર સામે એક બળદ ઊભો છે. બસ ! તેણે બળદને પોતાના મગજમાં રજિસ્ટર કરી લીધો. બળદ ઊભો છે એની બરાબર સામેની દુકાન – એ રીતે એણે દુકાન યાદ રાખી લીધી.

એણે પસંદ કરેલી વસ્તુ ઘરનાંઓએ સર્વાનુમતે નાપસંદ કરી. બીજે દિવસે એ વસ્તુ પાછી આપવા ઊપડ્યો. જ્યાંથી વસ્તુ લાવ્યો હતો એ દુકાન એકદમ મળી નહીં. એ આમતેમ ઘણું ફર્યો. છેવટે એની નજર દૂર ઊભેલા બળદ પર પડી. બળદની બરાબર સામે દુકાન હતી. જોગાનુજોગ દુકાન એ પ્રકારની ચીજવસ્તુઓની જ હતી, પરંતુ એક મોટો ફેરફાર હતો. ગઈ કાલનો દુકાનદાર કલીન શેવ્ડ હતો, જ્યારે આજનો દુકાનદાર લાંબી દાઢીનો માલિક હતો ! પૃથ્વીવલ્લભની જેમ એ સહેજ ખચકાયો તો ખરો, તેમ છતાં એણે પૂરા કોન્ફિડન્સથી દુકાનદારને વસ્તુ પાછી આપી અને શરત મુજબ બદલી આપવા અથવા પૈસા પાછા આપવા કહ્યું. દુકાનદારે મક્કમતાથી કહ્યું કે ‘આ વસ્તુ અમે રાખતા જ નથી.’ દુકાનદારની વાત સાંભળી પેલો માણસ અકળાઈ ગયો. એ બોલ્યો, ‘ખરા છો તમે તો ! એક તો આપેલા વચનમાંથી ફરી જાઓ છો ને વળી તમારી અપ્રમાણિકતા છુપાવવા તમે રાતોરાત આટલી લાંબી દાઢી પણ વધારી દીધી !
*****
રાતોરાત લાંબી દાઢી તો કદાચ નહીં ઊગી શકતી હોય, પણ એક ઘટના એવી બની કે એક વાર હું રાતોરાત વી.આઈ.પી. થઈ ગયો. વાત તો સાવ સિમ્પલ હતી. એક લેખકમિત્રનાં ત્રણ પુસ્તકના વિમોચન સમારંભમાં મારે મુખ્ય વક્તા તરીકે ભાષણ કરવાનું હતું. પુસ્તકના વિમોચન પ્રસંગે ભાષણ કરવાની વાત મારે માટે નવી ન હતી. કેટલાંક પુસ્તકોનાં વિમોચન પણ મારા વરદ હસ્તે થયાં છે, પણ આ સમારંભમાં પુસ્તકોનું વિમોચન રાજ્યના ગવર્નરના હસ્તે થવાનું હતું. સમારંભ વખતે મારી ખુરશી ગવર્નરની ખુરશીની જોડાજોડ જ હતી. મારા લગ્ન વખતે કન્યાના બાજોઠની જોડના જ બાજોઠ પર બિરાજતી વખતે થયો હતો એવો જ, કદાચ તેથી અધિક રોમાંચ મને થઈ રહ્યો હતો. ગવર્નરે પુસ્તકોનું વિમોચન કર્યું. અમે મંચ ઉપરના સૌ મહાનુભાવોએ ઊભા થઈ, તાળીઓ પાડી, પ્રસંગને વધાવ્યો. આ પ્રસંગની છબી બીજે દિવસે ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં પ્રગટ થઈ. ગવર્નરની જોડાજોડ હું ઊભો હોઉં એવી છબી જોઈ મને ઓળખનારાં અનેકને ‘ગર્વનરની બાજુમાં આ બોરીસાગર જેવું કોણ છે ?’ આવો પ્રશ્ન થયો. ‘લાગે છે તો બોરીસાગર, પણ ગવર્નરની સાથે એ તો ક્યાંથી હોય ?’ આવી શંકા સેવતાં સ્વજનોએ છબી નીચે છપાયેલી નામાવલિમાં મારું નામ જોયું. સૌને સાનંદાશ્ચર્ય થયું. આ છબીએ મને રાતોરાત વી.આઈ.પી. બનાવી દીધો !

છબી જે દિવસે વર્તમાનપત્રમાં પ્રગટ થઈ એ દિવસે મારા ઘર પાસે બેસતા મોચી આગળ મારે ચંપલની પટ્ટી સંધાવા જવાનું થયું. ગવર્નરની જોડે ઊભા રહેનારા માણસને ચંપલની પટ્ટી સંધાવા આવવું પડે એ ઘટનામાં મોચી મિત્રને ઔચિત્યભંગ થતો લાગ્યો. એણે કહ્યું, ‘સાહેબ, ગવર્નર જોડે તમારી બેઠક છે અને તમે આમ ચંપલની પટ્ટી સંધાવા આવો એ ઠીક ન કહેવાય. તમારે તો નવા ચંપલ જ ખરીદી લેવા જોઈએ.’ આ ચંપલની પટ્ટી હું ત્રીજી વાર સંધાવી રહ્યો છું એમ કહી મોચીમિત્રને વધુ આઘાત આપવાની મારી ઈચ્છા નહોતી એટલે હું કશું બોલ્યો નહીં.

ચંપલની પટ્ટી સંધાવી હું નજીકમાં આવેલી બેંકમાં ગયો. આ બેંક મારી સોસાયટીના ઝાંપા પાસે જ છે અને બેંકના સ્થાપનાકાળથી જ હું બેંકનો-ભલે લઘુત્તમ બેલેન્સ ધરાવતો-કલાયન્ટ છું. નિવૃત્ત થયા પછી બેંક જે થોડું ઘણું વ્યાજ આપે છે તે લેવા અઠવાડિયે-પંદર દિવસે બેંકમાં જવાનું થાય છે. ગ્રાહકોની જેમ આ બેંકર્સને પણ બુક્સમાં કેવળ પાસબુક્સમાં જ રસ હોવાથી હું લેખક છું એવું એ લોકો જાણતા નહોતા. આવી અગત્યની માહિતીથી એ લોકો વંચિત ન રહી જાય એ માટેના સૂક્ષ્મ પ્રયાસો મેં કરી જોયા હતા, પણ એમાં ઝાઝી સફળતા મળી નહોતી. એક સામાન્ય ગ્રાહક તરીકે જ એ લોકો મને ઓળખતા હતા, પણ આજની વાત જુદી હતી. આજે મેં બેંકમાં પ્રવેશ કર્યો અને મેનેજર સાથે દષ્ટિ મળી કે તરત જ મોટી રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ‘આવો સાહેબ, આવો !’ કહી જાણે હું એમની બેંકમાં કરોડ રૂપિયાની થાપણ મૂકવા આવ્યો હોઉં એવા ભાવથી એમણે મને આવકાર્યો : ‘બેસો સાહેબ.’ કહી મને સન્માનપૂર્વક બેસાડ્યો, અને બોલ્યા, ‘શું સાહેબ, તમે આટલા મોટા માણસ છો તેની આજ સુધી ખબર પડવા ન દીધી.’ મેં મોનાલીસા જેવું રહસ્યમય સ્મિત કર્યું એટલે એમણે આગળ ચલાવ્યું, ‘સાહેબ, કહેવું પડે હોં. અમારી બેંકના કલાયન્ટનો ફોટો ગવર્નર સાથે આવે એ અમારે માટે ગૌરવની વાત છે.’ આટલું કહી એમણે બૂમ પાડી, ‘મહેતા, બોરીસાગર સાહેબ આવી ગયા છે. આપણે એમને શા માટે બોલાવ્યા છે ?’
‘સાહેબ, એમણે કોઈ પાર્ટીને આપેલો ચેક ક્લિયર થવા આવ્યો છે, પણ જેટલી એમાઉન્ટનો ચેક છે એટલું બેલેન્સ એમના ખાતમાં નથી. એટલે જો એટલી રકમ આજે નહીં ભરાય તો ચેક બાઉન્સ થશે.’
‘કેટલી એમાઉન્ટનો ચેક છે ?’ મેનેજરે પૂછ્યું.
‘પાંત્રીસ હજાર.’ કલાર્કે કહ્યું, જેની છબી ગવર્નર જોડે પડતી હોય એ માણસના ખાતામાં પોતે ઈશ્યૂ કરેલા ચેકની રકમ ન હોય એ વાત મેનેજરના મગજમાં બેઠી નહીં, પણ કમ્પ્યૂટર ખોટું બોલતાં નથી તેથી એમને ખાતરી હતી. એટલે એમણે કહ્યું, ‘અરે, સાહેબ તો મોટા માણસ કહેવાય. ગવર્નર સાથે એમનો ફોટો છે આજના છાપામાં. એમને હજાર કામ હોય. એમાં આવી વાત રહી જાય. સાહેબ, એમ કરો. તમે તો નજીકમાં જ રહો છો. કોઈ જોડે પાંત્રીસ હજારની કેશ મોકલી દો.’ જે માણસના ખાતામાં પાંત્રીસ હજાર રૂપિયા ન હોય એના ઘરના કબાટમાં પાંત્રીસ હજાર રૂપિયા હોય એવી મેનેજરની ધારણા વધુ પડતી હતી.

પણ પ્રતિવાદ ન કરતાં મેં કહ્યું, ‘મારે આ રકમ બીજી બેંકમાં લેવા જવાનું છે. એટલે આજે કદાચ શક્ય ન બને.’
‘કંઈ વાંધો નહીં સાહેબ, એક દિવસ ચેક રોકી રાખીશું.’
‘તમારે કદાચ બે દિવસ ચેક રોકી રાખવો પડે એમ બને. કારણ કે એ બેંકમાંથી મને ચેક મળવાનો છે.’ અને આ ચેક મારી ડિપોઝિટ પર લોનપેટે મળવાનો છે એવી સ્પષ્ટતા કરી મેનેજરના હૃદયને વધુ આઘાત પહોંચાડવાનું મને યોગ્ય ન લાગ્યું એટલે લોનની વાત મેં અધ્યાહાર રાખી. બેંકમાં ચેક લેવા જવાને થોડી વાર હતી એટલે વચગાળાના સમયનો સદુપયોગ કરી નવરંગપુરા હેડ પોસ્ટઓફિસમાં પાસબુક ભરાવી લેવાનો વિચાર કર્યો. પોસ્ટઑફિસમાં જતાં પહેલાં છાપું ખરીધું. એક ખૂણામાં ઊભા રહી ગર્વનર સાથેની મારી છબી નિહાળી. ધારીધારીને નિહાળી. મને પણ મારા માટે માન ઊપજ્યું. પછી પોસ્ટઑફિસમાં ગયો. બારી પર લાંબી ક્યુ હતી. મને અનેક વાર લાગ્યું છે કે નવરંગપુરા પોસ્ટઑફિસના વડાને સિનિયર સિટિઝનના પગની મજબૂતીમાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે અહીં સિનિયર સિટિઝનો માટે અલગ લાઈન નથી હોતી. દર વખતે હું ક્રમ પ્રમાણે ઊભો રહું છું, પણ આજની વાત જુદી હતી.

આજે અમદાવાદમાં બધાં છાપાંમાં ગવર્નરની સાથે મારી છબી છપાઈ હતી. રાજ્યના પ્રથમ નાગરિક સાથે જેની છબી હોય તેને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે એમાં મને પ્રોટોકોલનો ભંગ થતો લાગ્યો. કાઉન્ટર પરના કારકુનને મારી ગવર્નર સાથેની છબી દેખાડી વિનાવિલંબે મારી પાસબુક ભરી દેવાનું કહેવા હું કાઉન્ટર તરફ આગળ વધ્યો, ત્યાં લાઈનમાંથી બૂમ ઊઠી : ‘કાકા, લાઈનમાં આવો….’, ‘કાકા, અમે ફોગટ ઊભા છીએ ?….’ પ્રબળ હાસ્યવૃત્તિવાળા એક ભત્રીજાએ કહ્યું : ‘કાકા, આ ઉંમરે આઉટલાઈન થવાનું સારું નહીં….!’

મેં મચક ન આપતાં કહ્યું : ‘તમે આજનું છાપું જોયું નથી લાગતું. જુઓ, હું છાપું લાવ્યો છું. આજના છાપામાં ગવર્નર સાથે મારો ફોટો છપાયો છે. આમ કહી હું છાપું ઉખેળવા જતો હતો ત્યાં એક ભાઈ બોલ્યા, ‘હશે કાકા, છાપામાં તમે ગવર્નર સાથે ઊભા હશો, પણ અહીં તો તમારે અમારી સાથે ઊભા રહેવાનું છે. એટલે છેલ્લે ઊભા રહો…’ મને લાગ્યું કે રાતોરાત વી.આઈ.પી. બની જાય છે તે રાતોરાત વી.આઈ.પી. મટી પણ જાય છે. વી.આઈ.પી. ઢીલાઢસ થઈ લાઈનમાં છેલ્લે ઊભા રહી ગયા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનો યા ન માનો – મન્નુ શેખચલ્લી
સંસ્કૃતિચિંતન ! આહા….!! – બકુલ ત્રિપાઠી Next »   

25 પ્રતિભાવો : રાતોરાત વી.આઈ.પી. – રતિલાલ બોરીસાગર

 1. Rasik Butani says:

  રતીકાકા બહુ ટિખળી છે. તેનુ હાસ્ય સપાટ જમીનમાં વહેતી નદી જેવુ છે.
  બીલકુલ શાંત.
  હાસ્યાનો અખૂટ ખજાનો.
  બિલકુલ ગોખણપટ્ટી નહી.
  ધન્યવાદ કાકા તમને અને મ્રુગેશાભાઇને તો ખાસ.

 2. nayan panchal says:

  સરસ લેખ.

  ખરેખર લોકો ઉગતા સૂર્યને જ પૂજે છે.

  આજે તો માનપાન (લગ્નના બજારમાં હો તો સામુ પાત્ર) તમારા પદને, સ્ટેટસને, બંગલાને, કારને અનુરૂપ મળે છે.

  નયન

 3. ketan says:

  never exit in life.
  whan ever u r millnior or poor
  tink about it.
  nicy thaught

 4. Jatan says:

  સાચી વાત છે, રતિકાકા ખુબ સરસ લખે છે, ખુબ નિખાલસ હાસ્ય

 5. pragnaju says:

  સુંદર હાસ્ય લેખ

 6. SURESH TRIVEDI says:

  Whenever I read borisagar”s writings it always enhances my enthusiasm for one of greatest observers of a common men”s attitude.His satirical writings have a great impacts.

 7. Pravin V. Patel says:

  નિર્ભેળ હાસ્ય.
  જ્યોતિન્દ્ર દવેની જેમ.
  સત્યમ શિવમ સુંદરમ.

 8. narendra says:

  lekh bahuj vadhare padtu sunder.naa manay chhatai manay evi vato varnan karel chhe.

  lee:-Narendra kothari. B/94.Gagan vihar flat.Khanpur.Ahmedabad.380001.

 9. Ashish Dave says:

  Hilarious as always…

  Ashish Dave
  Sunnyvale, California

 10. Neha Pancholi says:

  Ratikaka na lekh mate biju shu kahevanu hoy. as always bahu maja avi.

 11. Nilesh Bhatt says:

  રતિલાલ ના લેખો સુંદર ને સતત હોય છે. ચડાવ ઊતાર હોય તો માત્ર એમની પસંદનો, એમનું પ્રભુત્વ હંમેશા હોય કે વાચક ના મન મા ક્યારે કેવી લાગની ઉઠે. VIP બનેલા વ્યક્તિ નો અચાનક જ એક કતાર મા ઊભા રહેવુ એ ઘણું મર્મસભર છે. ફરી વખત લેખક તરફથી એક સારો લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.